Varta tamari shabdo amara in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | વાર્તા તમારી શબ્દો અમારા

Featured Books
Categories
Share

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 8

"શું યોજના છે તારી?" સુરેશે પરીશા ને પૂછ્યું.

"એવી કંઈ ખાસ યોજના નથી પણ માત્ર એટલું ઈચ્છું છું કે, તારા કાકા પોતાની જાતે જ કબૂલાત કરે બધાની હાજરીમાં ખાસ કરીને તારા કાકી અને તારા માતા પિતાની હાજરીમાં. અને એ માટે મારે તારી મદદ જોઈએ છે. બસ એટલું જ ઈચ્છું છું." પરીશા એ જવાબ આપ્યો.

હજુ એ બંને વચ્ચે આટલી જ વાત થઈ ત્યાં જ સુરેશ નો મોબાઈલ રણક્યો. એણે જોયું તો એના કાકા નો ફોન હતો.

એણે ફોન ઉપાડ્યો.

"હા બોલો કાકા."

"સુરેશ, તું પરીશા અને એના માતા પિતાને લઈને અહીં આવી જા. મેં તારા માતા પિતાને પણ અહીં બોલાવી લીધા છે. હું તમારા બધા જોડે કંઈક અગત્યની વાત કરવા ઈચ્છું છું." સામે છેડેથી મહેશ બોલી રહ્યો હતો.

"ઠીક છે કાકા, અમે લોકો થોડીવારમાં જ ત્યાં પહોંચી જઈએ છીએ.

એટલું કહી સુરેશે ફોન કાપી નાખ્યો.

"શું થયું સુરેશ? કોનો ફોન હતો?" પરીશા એ પૂછ્યું.

"કાકાનો. એણે તને , મને અને તારા માતા પિતાને બધાને ઘરે બોલાવ્યા છે. અને કહે છે કે, કંઈક અગત્યની વાત કરવા ઈચ્છે છે. મારા માતા પિતાને પણ એમણે બોલાવી લીધા છે. ચાલ, આપણે તારા માતા પિતાને લઈને ઘરે જઈએ." સુરેશે જવાબ આપ્યો.

"હા, ચાલ. હું પણ મારા માતા પિતાને ફોન કરી ને ત્યાં જ બોલાવી લઉં."

એમ કહી પરીશા એ પોતાના પિતાને ફોન જોડ્યો. અને તેમને બંનેને મહેશના ઘરે આવવા કહ્યું.

***

હવે મહેશના ઘરે બધા ભેગા થઈ ગયા હતા. સુરેશના માતા પિતા પણ આવી ગયા હતા. અને પરીશા ના માતા પિતા પણ ત્યાં હાજર હતાં. થોડી વારમાં સુરેશ અને પરીશા એ બંને પણ આવી પહોંચ્યા.

બધા ના મનમાં એક જ સવાલ હતો કે, આખરે મહેશ એવી તો શું અગત્યની વાત કરવા ઈચ્છે છે?

હવે મહેશે બોલવાનું શરૂ કર્યું.

"હું જાણું છું કે, તમારા બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે, મેં શા માટે તમને અહીં બોલાવ્યા છે અને હું શું વાત કરવા માગું છું. હા, તો હવે સાંભળો મારી વાત. બધા મારી વાત ધ્યાનથી સાંભળજો અને પછી યોગ્ય નિર્ણય કરજો.

વાત લગભગ 15 વર્ષ પહેલાંની છે. ત્યારે હું અને આ પરીશા ની મમ્મી અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા. જેમ સમય વીતતો ગયો એમ અમે બંને પ્રેમમાં પડ્યા અને અમે બંને લગ્ન કરવાની ઈચ્છુક હતા. અમે બંને લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ મારા પિતા એ અમને લગ્નની સંમતિ ન આપી.

અને સાચું કહું તો એ વખતે મારા પર પૈસા નું ભૂત સવાર હતું. ત્યારે મને એમ જ લાગતું હતું કે, પૈસો જ સર્વસ્વ છે. પૈસામાં જ બધુ સુખ છે. એટલે મેં આ મીના જોડે લગ્ન કર્યા હતા. કારણ કે, એ ખૂબ પૈસાદાર ની દીકરી હતી. અને એના બાપ પાસે અઢળક પૈસો હતો. મીના તેના માતા પિતાની એકની એક દીકરી હતી. એટલે એનો બધો પૈસો મને જ મળવાનો હતો. એટલે મેં પ્રિયાને દગો દીધો. અને મીના જોડે લગ્ન કરી લીધા એ જાણવા છતાં પણ કે, મીના મને ક્યારેટ સંતાનનું સુખ નહીં આપી શકે. હું તારો ગુનેગાર છું મીના. મને માફ કરી દે. આજે મને સમજાયું છે કે, પૈસામાં બધું સુખ નથી. સંતાન પણ હોવું જરૂરી છે. આ પરીશા મારી અને પ્રિયા ની દીકરી છે. હું એનો પિતા છું. મને પણ આ વાતની થોડા સમય પહેલા જાણ થઈ.

હું પ્રિયા અને પરીશા નો પણ ગુનેગાર છું. મને માફ કરી દો. અને મેં આ બધી વાત મારા ભાઈ ભાભી થી પણ છુપાવી. માટે હું રમેશ અને ભાભી નો પણ ગુનેગાર છું. સુરેશને પણ હું અહીં એટલે લાવ્યો હતો જેથી એ મારો વારસદાર બને. મને માફ કરી દો બધા.

આ મારી સંપત્તિ ના કાગળિયા છે. મેં મારી બધી જ સંપત્તિ મીના, સુરેશ અને પરીશા ત્રણેયને સરખે ભાગે વેંચી દીધી છે. હું હવે આ બધા બંધનમાંથી મુક્ત થવા ઈચ્છું છું. હું મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છું છું. જો બની શકે તો મને માફ કરી દેજો. મને મારી ભૂલનો એહસાસ થઈ ગયો છે."

મહેશે સત્ય વાતની કબૂલાત જાતે જ કરી લીધી એટલે હવે સુરેશ અને પરીશા ને તો કાંઈ કરવાપણું જ ન રહ્યું.

મહેશની આ બધી વાતો સાંભળીને મીના એના પર ભડકી ઉઠી.

એણે મહેશને એક સણસણતો તમાચો માર્યો. અને બોલી ઉઠી, "તમને મારી જોડે દગો કરતા જરા પણ શરમ ન આવી. મૂર્ખ હતી હું કે, તમારા જેવા માણસ નો વિશ્વાસ કર્યો. તમે શું ઘર છોડીને જતા હતા. આજથી હું જ તમારા પર ચોકડી મારુ છું." એટલું કહી મીના ઘરની બહાર નીકળવા જતી હતી ત્યાં જ રમેશે તેને રોકી. "ભાભી! ઉતાવળમાં કોઈ ખોટું પગલું ના ભરતા. મહેશને એની ભૂલનો એહસાસ છે. તમે એને માત્ર એક મોકો આપો. એ સુધરી જશે. પ્લીઝ ભાભી."

"ઠીક છે પણ માત્ર એક મોકો." મીના એટલું કહી પાછું ફરી. મહેશ તરફ જોઈને બોલી, "ઠીક છે, રમેશભાઈ ના કહેવા પર હું તમને માત્ર એક મોકો આપું છું."

મીના એ એને એક મોકો આપ્યો અને કહ્યું, "તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને તમારી ભૂલનો એહસાસ થયો અને તમે સત્ય બોલ્યા એ જ વધુ અગત્યનું છે. માટે હું તમને માફ કરું છું."

મહેશે ખાતરી આપી કે, એ ફરી ક્યારેય એવું નહીં કરે.

એ પછી એ પરીશા તરફ ફર્યો અને બોલ્યો, "બેટા, હું તારો પણ ગુનેગાર છું. માટે તું મને જે કાંઈ પણ સજા આપે એ મને કબૂલ છે. બોલ, દીકરા તું મને માફ કરીશ?

"હા, પપ્પા. આજે હું તમને માફ કરું છું. કારણ કે, આજે પહેલી વાર તમે સત્ય બોલ્યા છો. માટે આજે હું તમારો મારા પિતા તરીકે સ્વીકાર કરું છું. હા, મારા જે પિતા છે કે, જેને હું બાળપણથી આજ સુધી પિતા માનતી આવી છું એમનું સ્થાન કોઈ નહીં લાઇ શકે એ પણ એટલું જ સત્ય છે." પરીશા બોલી.

"હું એમનું સ્થાન નથી લેવા ઈચ્છતો પણ માત્ર તારા દિલમાં મારા માટે થોડી જગ્યા માંગુ છું." મહેશ બોલ્યો.

"એ તો મેં તમને આપી દીધી છે." પરીશા એ પ્રત્યુત્તર આપ્યો.

"પ્રિયા, હું તારો પણ ગુનેગાર છું. શું તું મને માફ કરી શકીશ?" મહેશે પ્રિયા તરફ ફરી એને પૂછ્યું.

"તમને તો મેં ક્યારના માફ કરી દીધા છે." પ્રિયા એ જવાબ આપ્યો.

મહેશને પોતાની ભૂલનો એહસાસ થઈ ગયો હતો.

***

આ વાતને બીજા 5 વર્ષ વીતી ગયા. આજે મહેશ અને મીના બંને એકબીજા જોડે ખૂબ ખુશ છે.

પરીશા એ પણ પોતાનની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા અને અમેરિકા ઉપડી ગઈ.

મહેશે પોતાની સંપત્તિ સુરેશને નામ કરી દીધી. પોતે અને મીના બંને હિમાલય પ્રવાસ પર ઉપડી ગયા. અને રમેશ અને ભાભી ને પોતે પોતાના ઘરમાં રહેવા બોલાવી લીધા. આજે બધા પોતપોતાના જીવનમાં ખુશ છે.

(સંપૂર્ણ)