મુકિમ સ્તબ્ધ બની ને તાલ નો અવાજ સાંભળી રહ્યો હતો. તેને સમજાતું નહતું કે આ ઘર માં આટલુ સરસ લયબદ્ધ કોણ નાચી કે વગાડી રહ્યું હશે. આ ઘર માં કોઈ છોકરી નથી તો પછી કોણ હશે? ધર્મા દેવી સિવાય બીજી કોઈ સ્ત્રી નથી. અને ધર્મા દેવી ને જોઈ ને લાગતું નથી કે એ આ ઉંમરે નાચતા હોય. તો પછી કોણ હોઈ શકે! કોઈ ભૂત તો નહીં હોય ને? મુકિમ ના મન માં એકવાર ભૂત નો વિચાર આવી ગયો. તે ભૂત પ્રેત માં માનતો નહતો એટલે એણે વિચાર ખંખેરી કાઢ્યો. ભૂત જેવું કશું જ ના હોય. ચોક્કસ કોઈ માણસ જ હોવો જોઈએ. એમ પણ અહીંયા બહુ ભૂલ ભુલૈયા છે, જેમાં થી બહાર નીકળવું અઘરું છે.
મુકિમ ને પાછળ થી કોઈ ના ચાલવા નો અવાજ આવ્યો. મુકિમ બે ઘડી ચોંકી ગયો. પછી તેણે વિચાર્યું કે બધા ને ખજાના ની તલબ છે તો પછી હર કોઈ એને શોધતુ આવવા નું જ છે ને. તેણે આજુબાજુ નજર કરી અને કોઈ જોવે નહીં એટલે તે દાદરા ની પાછળ છુપાઈ ગયો. તેણે ફોન ની બેટરી બંધ કરી દીધી જેથી બીજા ને ખબર ના પડે કે કોઈ અહીંયા છે. મુકીમે જાણવા નો પ્રયાસ કર્યો કે કોણ હોઈ શકે પણ ખબર ના પડી. જે વ્યક્તિ આવેલું એણે દરવાજો ખોલવા નો પ્રયત્ન કર્યો અને પછી ના ખોલ્યો એટલે એ એક મિનિટ પછી ત્યાં થી જતો રહ્યો. મુકીમે એના ચાલવા ના અને પડછ્યા પર થી અંદાજ લગાવ્યો કે એ જતો રહ્યો હશે. મુકીમે ફરી મોબાઈલ ની બેટરી ચાલુ કરી. તેણે ફરી આજુબાજુ નજર કરી કદાચ કોણ હશે એનો અંદાજ લગાવી શકે. પણ કશું અજુગતું લાગ્યું નહીં. તેણે લાગ્યું અહીંયા વધારે ઉભા રહેવા માં કોઈ બહુ મજા નથી અને એમાં પાછું કોઈ જોઈ જશે તો વધારે ભરાઈ જવાશે એના કરતાં કાલે આવીશ એમ વિચારી મુકિમ આગળ વધ્યો પોતા ના રૂમ પર જવા માટે, ત્યાં એની નજર શાલ ના ટુકડા પર પડી જે દાદરા માં ભરાઈ ગયો હતો. તેણે ખેંચી ને લઈ લીધો. મુકિમ વિચારવા લાગ્યો કે આ ટુકડો એણે ક્યાંક બહુ જ જોયેલો છે. પણ ક્યાં ? યાદ કરવા નો પ્રયાસ કર્યો. પણ યાદ ન આવ્યું.
અભિજિત ના મેનેજરે અભિજિત ને ફોન કરી કહ્યું કે અભિજિત ને વિઝા નહીં મળી શકે. કારણકે અભિજિત અત્યારે જેલ માં છે અને ગુનેગાર ને દેશ ની બહાર જવું શક્ય નથી. અભિજિત નો પિત્તો ગયો આ વાત સાંભળી. તે એક સ્ટાર છે તેને કોઈ ના રોકી શકે સિંગાપોર જતા. આવું કેટલીય વાર બને કે નામી હસ્તી પોતા ના ગુંનાહ કર્યા હોવા છતાં દેશ ની બહાર છટકી જાય છે જ્યારે એ પોતે ફક્ત થોડા દિવસ કામ થઈ દેશ ની બહાર જાવા માંગે છે. અભિજિત નું નામ સાંભળી કોઈ કેવી રીતે તેના વિઝા ના આપી શકે! તેને થયું કે કાશ એ જેલ માં જ ન આવ્યો હોત તો! બીજી તરફ વિચાર આવ્યો કે તો એ વિશુ ને પણ ના મળ્યો હોત! તેને હવે લાગવા લાગ્યું હતું કે કોઈ તેને જાણી જોઇ ને હેરાન કરે છે. તેને એ નહતું સમજતું કે કોઈ એને શુ કામ હેરાન કરે? આજ સુધી એને કોઈ નું કશું બગાડ્યું નથી. હા, પોતે બ્લેક મેઈલ નો ધંધો કરે છે પણ એની પાછળ એની નિયત સારી છે. અને કોઈ જાણતું પણ નથી એના આ ધંધા વિશે તો પછી કોણ એને હેરાન કરી શકે?
અભિજિત વિચારતા વિચારતા ભૂતકાળ માં સરી પડ્યો. તેને અચાનક યાદ આવ્યું કે કોઈ તેને છેલ્લા એક વર્ષ થી હેરાન કરે છે. કોઈક દિવસ તેના કબાટ માંથી લોહી થી લથબથ કાગળ મળવો, તો ગાડી માં એનો જ શર્ટ મળે એ પણ લોહી થી ખરડાયેલો, અને એ બધા પર લખેલું હોય કે ‘હું તને મારી નાખીશ.’ આવા ઢગલો ઘટના બનેલી જેના લીધે અભિજિત ડરી ગયેલો. અભિજિત ને નાનપણ થી જ લોહી થી બહુ ડર લાગતો. તેને ફોબિયા છે, તે લોહી જોઈ ગભરાઈ જાય, તેને ચક્કર જેવું આવી જતું અને પાછી ધમકી મળે એટલે એ વધુ ડરી ગયેલો. પિતા થી એકલા રહેવાનું થયું, એ પછી હિંમત હોવા છતાં વધુ તૂટી જતો. તેને વારંવાર લાગતું કે તેને તેના પિતા ને પાછા બોલાવી લેવા જોઇ અને માફી માંગી લેવી જોઈ, પણ તેનો અહમકાર તેને આમ કરવા દેતો નહિ. નિશા ના આવ્યા પછી અભિજિત ને ઘણું સારું લાગ્યું કે તેની એકલતા ઓછી થઈ. પણ નિશા બહુ મોટી દગાખોર નીકળી. અભિજીતે વિચારતા વિચારતા દાંત પીસ્યા. તેને એસી વાળા જેલ ની કોટડી માં પણ પરસેવો વળી ગયો.
ત્યાં વિશુ દાખલ થયો અને અભિજિત ની વિચારો ની તંદ્રા તૂટી.
“મને અહીંયા થી બહાર ક્યારે કાઢશો?” વિશુ એ ભોળી બકરી ની જેમ પૂછી રહ્યો હતો. અભિજિત એનો નિર્દોષ ચેહરો જોઈ જ રહ્યો. એને તરત જ દુર્ગાબા ની યાદ આવી ગઈ.
“ભાઈ, હું તમને પૂછું છું” વિશુ એ ફરી અભિજિત ને કહ્યું.
“હા, હા, કામ ચાલુ જ છે તું ચિંતા ના કર હું તને ગમે તેમ કરી તને બહાર કઢાવીશ.” અભિજિત વિચારતા વિચારતા બોલ્યો.
“બધા ની જેમ તમે તો નહીં ફરી જાવ ને?” વિશુ બાઘો બની ને પૂછી રહ્યો હતો.
“ના રે બિલકુલ નહીં.”
“પણ તને કેમ એવું લાગે છે કે હું ફરી જઈશ.?”અભિજિત થી પૂછ્યા વગર ના રહેવાયું.
“આ દુનિયા માં બધા એ મારા થી મો ફેરવી લીધું કોઈ મારુ પોતાનું કહી શકાય એમ છે જ નહીં.” વિશુ નો અવાજ રડમસ થઈ ગયો.
“કોઈ નથી એટલે?”
“માં તો થોડા વર્ષો પહેલા ગુજરી ગઈ. મારા પિતા ના મૃત્યુ પછી મારી મા ના બીજા લગ્ન એક બીજવર સાથે થયેલા. તેમને બે દીકરા હતા અને સાવકા પિતા ને હું પહેલે થી નહતો ગમતો. બે મોટા ભાઈ હતા. જે ઓરમાયા હતા. તે લોકો મને બહુ જ હેરાન કરતા હતા. મારી મા એ એમને મારા થી અધિક પ્રેમ કર્યો છતાં એ લોકો મને બહુ ખરાબ રાખતા. મારી મા ના ગુજરી ગયા પછી મને ઘર માંથી કાઢી મુક્યો. આ તો પાડોશી દ્વારા મને રાયગઢ નોકરી મળી. અને હું મુંબઈ છોડી રાયગઢ રહેવા લાગ્યો.”
“તો તારા જન્મ આપનાર પિતા ને જોયા છે?” અભિજીતે મોકો જોઇ પૂછી જ લીધું.
“ખબર નહીં, મારી મા એ કહેલું કે મારા જન્મ પછી થોડા સમય માં મરી ગયેલા, બીજું કશું કહેલું નહિ જ્યારે પૂછતો તો વાત ને ટાળી દે. અને હવે કોને પૂછું? મને તો નામ પણ નથી ખબર. કદાચ આજે મારા પિતા જીવતા હોત, તો આજે આ નોબત ના હોત! વિશુ નિસાસા સાથે બોલ્યો.
“સારું” અભિજિત વધારે ના બોલી શક્યો.
બીજે દિવસે સવારે મુકીમે બધા ને ચા પાણી નાસ્તો કરવા બોલાવ્યા ત્યારે તેની નજર મણિયાર પર પડી. વિશ્વમભર નાયક નો અપંગ પિતરાઈ ભાઈ જે મફત નો પડી રહ્યો હતો. જાણે મુકિમ એને ના મફત નો રાખતો હોય એવા ભાવ સાથે એ મણિયાર ને જોઇ રહ્યો ત્યારે એના પગ પર નજર પડી એણે શાલ ઓઢી રાખેલી. શાલ પર નજર પડતા જ યાદ આવ્યું કે ગઈ કાલે જે ટુકડો મળેલો એ આવા જ હતો. તેણે ખિસ્સા માંથી ટુકડો કાઢી જોઇ લીધો. અદલો અદ્દલ એવો જ હતો. તે ચોકી ગયો. આતો અપંગ છે તો પછી ભોંયરા માં કેવી રીતે આવી શકે??