Bhed - 2 in Gujarati Fiction Stories by Prashant Salunke books and stories PDF | ભેદ - 2

Featured Books
Categories
Share

ભેદ - 2

ભેદ

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ - ૨

જયેશ પોતાની આલીશાન ઓફીસ પાસે ગાડી ઉભી રાખી તે અંદર ગયો. જયેશ સીધો ઓફિસમાં ગયો છે તે જોઈ સલોની જયેશ પર શંકા કરવા બદલ અફસોસ કરવા લાગી. પણ ત્યાંજ જયેશ ઓફીસની બહાર નીકળતો દેખાયો. જયેશની સાથે એક છેલબટાઉ જેવી યુવતી પણ હતી. જે હસી હસીને જયેશ જોડે વાત કરી રહી હતી. અને તેણે પોતાના બન્ને હાથથી જયેશના ડાબા હાથને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. જયેશ પણ એ યુવતી સાથે ચાલતાં ચાલતાં છૂટછાટ લઈ લેતો હતો. જયેશ ઓફિસમાં પહેલેથી જ દિલફેંક તરીકે પંકાયેલો હતો. અને ઓફિસની યુવતીઓ સાથેના તેના આડા સબંધોની જાણ સ્ટાફમાં બધાને હોવાથી આ વાતની તેમને કોઈ જ નવાઈ નહોતી. જયેશ કપડાની જેમ ગર્લફેન્ડ બદલતો રહેતો. હવે બન્ને જણા સીધા જયેશની ગાડીમાં જઈ બેઠા. જયેશે ગાડીની અંદર મુક્તપણે ગર્લફેન્ડ સાથે મૌજ માણી શકે, ખાસ તે માટે બનાવડાવેલા કાળા કાચ ઉપર ચઢાવી દીધા! સલોની પોતાની આંખ સામે જ આમ થતુ જોઈ સમસમી ગઈ. થોડીવારમાં જ જયેશે ગાડી ચાલુ કરી રસ્તા પર લીધી. ફરીથી સલોનીએ જયેશની ગાડીનો પીછો શરૂ કર્યો. જે અનેક વળાંકો પસાર કરી શહેરથી દુર નવા જ બનેલા લકઝરીયસ ફ્લેટ ધરાવતાં ઘણા ટાવરો પૈકી એ વિંગના ટાવરના પાર્કિંગમાં જઈ ઉભી રહી. ગાડીમાંથી બહાર નીકળી જયેશ અને તેની સાથેની યુવતી એકબીજાના હાથમાં હાથ નાખી મસ્ત પ્રેમીઓની જેમ ઝુમતા લીફ્ટમાં પ્રવેશી વિંગમાં બીજા માળે આવેલા તેમના ફ્લેટ નંબર ૨૦૪ આગળ આવી ઊભા રહ્યા. ધીમા પગલે બન્નેનો પીછો કરતી સલોની એ જોયું કે તે બન્ને એપાર્ટમેન્ટના બીજા ફ્લોર પર આવેલ ફ્લેટ નંબર ૨૦૪માં પ્રવેશ્યા. સલોની મનમાંને મનમાં રડતી, રિબાતી ગાડી દેખાય નહિ એ રીતે ઉભી રાખીને એ બન્નેના પાછા ફરવાની રાહ જોવા લાગી. લગભગ બે કલાક બાદ એણે જયેશને એકલો પાછો આવતો જોયો. આ વખતે એ યુવતી એની સાથે નહોતી! જયેશ ઝડપભેર ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગયો.

સલોની હવે ફ્લેટ નંબર ૨૦૪માં કઈ રીતે પ્રવેશ મેળવવો અને આ બાબતે વધુ જાણકારી મેળવવાનો વિચાર કરતી હતી. ત્યાં અનાયાસ તેની નજર ગાડીની પાછળની સીટ નીચે પડેલા કાગળના ડૂચા પર ગઈ. તરત સલોનીએ કાગળના ડૂચાની ગડી ખોલીને જોયું તો તે ડેન્ટલ હોસ્પિટલમાં નાણાં ચૂકવ્યાની રસીદ હતી. રસીદ જોઈ એને યાદ આવ્યું કે થોડા દિવસ અગાઉ જ જયેશના દાંતની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી દવાખાનામાંથી પૈસા ચૂકવ્યાની એને રસીદ આપી હતી જે હવે કોઈ કામની ન હોવાથી એણે પોતે જ ડૂચો વાળી ફેંકી દીધી હતી! એણે ભગવાનનો આભાર માન્યો કે સારું જ થયું કે એ દિવસે મેં રસીદને બારીમાંથી બહાર ના ફેંકી! હવે સલોનીને એ રસીદ રૂમ નંબર ૨૦૪માં પ્રવેશવાના એન્ટ્રી પાસ જેવી લાગી! રસીદ હાથમાં લઈ એ ગાડીમાંથી બહાર આવી. ગાડીને લોક કરી એણે એપાર્ટમેન્ટ તરફ જવા પગ ઉપાડ્યા. લીફ્ટમાં ન બેસતાં એણે બે દાદરા ચઢી જવાનું નક્કી કર્યું. જેમ જેમ બીજો ફ્લોર નજીક આવતો ગયો તેમતેમ સલોનીના દિલના ધબકારા વધી રહ્યા હતાં. ફ્લેટ નંબર ૨૦૪ પાસે આવી એણે ધ્રુજતા હાથે કોલબેલના બટન ઉપર આંગળી મૂકી. થોડીજવારમાં દરવાજો ખુલ્યો અને સામે મુલાયમ માખણના પીંડ સમી નાજુક નમણી એક યુવતી ઉભી હતી. તેની હરિણી જેવી આંખો સલોની સામે ઠેરવતા પૂછ્યું, “કોનું કામ છે તમારે?”

સલોની પોતે દેખાવે ઘણી સુંદર હતી પણ જેમ સુર્યની હાજરીમાં તારાઓની ચમક ઝાંખી પડી જાય છે તેમ સલોનીને પણ પોતાનું રૂપ એ યુવતીના રૂપ સામે ફિક્કું લાગ્યું. સ્ત્રી સહજ ઈર્ષાથી સલોની રૂંવાડે રૂંવાડે બળી ઉઠી. યુવતીના ચહેરા પરથી નજર હટાવીને એણે યુવતી સામે દવાખાનાની રસીદ ધરી.”

યુવતીએ આશ્ચર્યથી રસીદ તરફ જોયું. પછી ઉપર જયેશનું નામ વાંચી એ બોલી “અરે હા, બોસના દાંતમાં કેટલાય દિવસથી દુ:ખાવો રહેતો હતો. તે કહેતા હતા ખરા કે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. કદાચ આ એની જ રસીદ હશે! તમે દવાખાનામાંથી આવો છો?”

સલોનીએ કુત્રિમ હાસ્ય કરતાં કહ્યું, “અરે ના રે ના... હું સામેની દુકાનેથી ચીજવસ્તુઓ ખરીદતી હતી ત્યારે તમારા ફ્લેટમાંથી એક વ્યક્તિને મેં બહાર નીકળી ગાડીમાં બેસતાં જોઈ. એ વ્યક્તિ ગાડીમાં બેસવા જ જતાં હતાં કે અચાનક એમના ગજવામાંથી એક કાગળ સરકીને નીચે પડ્યું. હું બુમ પાડી એમને રોકવા જાઉં એ પહેલાં તો એ સડસડાટ નીકળી ગયા. તમારા ફ્લેટમાંથી જ એમને બહાર નીકળતા જોયાં એટલે વિચાર્યું કે કોઈ અગત્યનો કાગળ હશે તેથી હું અહીંયા આપવા આવી.” “અરે!..ના...ના... તમે એક મામુલી વાતને આટલું મહત્વ આપી બેઠા” હસતાંહસતાં યુવતીએ રસીદના ટુકડેટુકડા કરી ડસ્ટબીનમાં ફેંકતા કહ્યું, “મામુલી દવાખાનાની રસીદ હતી. કદાચ એમણે જ એ ફેંકી દીધી હશે. પણ જેવી તમે એમને રોકવા બુમ પાડી, તો એ સમજ્યા હશે કે તમે કોઈ સમાજસેવિકા છો! એમણે આમ રસ્તા પર કચરો ફેંકતા જોઈ હવે સફાઈ અભિયાન વિષે લાંબુલચક પ્રવચન આપશો એમ સમજી તમને સાંભળ્યું ન સાંભળ્યું કરી ગાડી ભગાવી હશે... બાય ધ વે તમે આટલી તકલીફ લીધી એ બદલ આભાર..”

સલોનીએ પૂછ્યું, “જી એ તમારા......”

યુવતી “કહ્યું ને બોસ છે.... અરે! તમે બહાર કેમ ઊભા છો? પ્લીઝ કમ ઇન....!”

સલોની અંદર પ્રવેશી યુવતીના રૂમની આંખો વડે તલાશી લેતાં પૂછ્યું “તમારા બોસ રોજ અહીં આવે છે?”

યુવતીને પ્રશ્ન જરા વિચિત્ર લાગ્યો છતાં ખચકાતાં એણે કહ્યું “હા...ક્યારેક ક્યારેક કામ હોય તો આવે છે. અરે હું પણ કેવી સીલી છું! તમારૂ નામ તો પૂછ્યું જ નહિ!’

સલોની બોલી “જી મારૂ નામ સુરેખા....”

યુવતી બોલી, “અને હું... હેલી.. યુ ડ્રીંક કોફી? એક મીનીટ બેસો હું ફટાફટ તમારા માટે ગરમાગરમ કોફી બનાવી લાવું.’

આમ બોલી હેલી અંદર રસોડામાં ગઈ. સલોનીને હેલી પર બરાબરની ખીજ ચઢેલી. અચાનક એની નજર સામે પડેલા ફ્લાવર પોટ પર ગઈ. હેલીની પીઠ પોતાની તરફ છે એ જોતાં એ ધીમેથી ઉભી થઇ ફ્લાવરપોટ પાસે ગઈ. ફ્લાવરપોટને હાથમાં ઉઠાવી એ જોતી જ હતી ત્યાં હેલીનો અવાજ સંભળાયો. “અરે! બેસોને...”

સલોનીએ ઝબકીને પાછળ વળી જોયું તો એની સામે જ હેલી ટ્રેમાં વરાળ નીકળતી કોફીના બે મગ લઈ આવી હતી.”

સલોનીનો ફ્લાવરપોટવાળો હાથ ક્ષણ પુરતો ધ્રુજ્યો. હેલી બોલી “ઈટ્સ અ ગીફ્ટ ફ્રોમ માય બોયફ્રેન્ડ..... ઈટ્સ નાઈસ....ન?”

સલોની મનમાં હસતાંહસતાં ફ્લાવરપોટને પાછો ટેબલ પર મુકતા બોલી “આ જ .. એટલે કે આવો જ ફ્લાવરપોટ મેં મારા પતિને ભેટ આપેલો..” આમ બોલી સલોનીએ હેલીના કાનની બુટ્ટી તરફ જોઈ કહ્યું “સરસ બુટ્ટી છે... ચાલીસ એક હજારની તો હશે જ નહિ?”

હતાશા સાથે સલોની પાછી સોફા પર જઈ બેઠી. હેલી એ એને કોફીનો મગ આપ્યો. સલોનીને ભરપુર ખાંડ હોવા છતાં એ કોફીના ઘુંટડા કડવા ઝેર સમાન લાગતાં હતાં. કોફી પતાવી તે હેલીના ઘરેથી નીકળી અને સીધી ઘરે આવી પલંગ પર ઓશીકામાં મોઢું છુપાવી હીબકાં ભરી ભરીને રડવા લાગી.

એટલે જ આજે સલોની જયેશ પર બરાબરની વિફરી હતી. રડી રડીને સુઝી ગયેલી આંખોના પોપચાને વિસ્ફારિત કરતી સલોની બોલી “જયેશ બહાના ના કાઢીશ મને તારી બધી જ વાત ખબર છે. તારા આડાસંબંધો વિષે હું બધું જ જાણી ગઈ છું. હું આજે હેલીને રૂબરૂ મળીને જ આવી છું.” રોષે ભરાયેલાં જયેશે પણ રોકડું પરખાવી દીધું, “સલોની, એક રીતે સારું જ થયું કે તેં હેલીને મળી લીધું. કારણકે વહેલામોડા હું જ તારી એની સાથે ઓળખાણ કરાવવાનો હતો.”

સલોની “ખબરદાર, તમે એ ચૂડેલને મારી સામે પણ લાવશો તો હું એના બધા વાળ ખેંચી કાઢીશ.”

જયેશ બોલ્યો, “અને તેં એવું કાંઈ પણ કર્યું તો હું તારા ગાલ સુઝાવી દઈશ... સલોની, હું હેલીને ખુબ ચાહું છું. અમે બન્ને એકબીજા વગર રહી શકતા નથી. તેથી મેં ફેંસલો કરી લીધો છે કે હવે હું હેલી સાથે જ લગ્ન કરીશ...”

સલોની બોલી, “શું? તમે ભાનમાં તો છો ને?”

જયેશ “હા, સલોની આ મારો અંતિમ ફેંસલો છે અને સાંભળ, લગ્નના ત્રણ ત્રણ વર્ષ થયાં છતાંપણ તુ મને બાળકનું સુખ આપી શકી નથી જયારે હેલી સાથેના મારા માત્ર બે મહિનાના ટૂંકા પરિચયમાં જ તે મને પિતા બનવાનું સુખ આપવા જઈ રહી છે.”

આ સાંભળી સલોનીએ બન્ને હાથથી કાન દબાવી દીધા “છી..છી.. આ શું બોલી રહ્યા છો?”

જયેશ, “સલોની, સત્ય હમેશાં કડવું જ હોય છે. હવે ફેંસલો તારે કરવાનો છે કે તું હેલી સાથે આ ઘરમાં રહીશ કે પછી મને ડિવોર્સ આપીશ?”

(આગળની વાર્તા જાણવા અને માણવા વાંચો ભેદ-૩)