Final start - 21 in Gujarati Love Stories by ત્રિમૂર્તિ books and stories PDF | આખરી શરૂઆત - 21

Featured Books
Categories
Share

આખરી શરૂઆત - 21

અસ્મિતાએ વેલકમ હોમમા રહેવાનું શરૂ કર્યું. એકાદ બે અઠવાડિયા તો તેને બધુ સમજતા અને બધાને ઓળખતા જ લાગી ગયા. આમતો એ મળતાવળી હોવાથી બધા સાથે જલ્દી હળીમળી ગઈ. ત્યાંની સ્ત્રીઓ પણ આલોક ને ખૂબ રમાડતી. આમ તો અસ્મિતાને બાળક હોવાથી ત્યાંની સ્ત્રીઓ અસ્મિતાને કામ કરવાની ના જ પાડતી પણ છતાંય આલોક સુઈ જાય ત્યારે અસ્મિતા યથાશક્તિ કામ કરતી. પછી તો તેણે હાઈર સેકંડરીમા ભણાવવાનું જ કામ ઉપાડી લીધું. ઇંગ્લીશ અને ઇકોનોમિકસ ભણાવતી હતી. ત્યાં સૌની માનીતી બની ગઈ હતી. હવે તે ઊભરી રહી હતી. જીવનના આઘાતો સહન કરીને પણ જીવી રહી હતી. તે આલોક ને રોજ ગાર્ડન માં અને સવારે પ્રાર્થનાખંડમા પણ લઈ જતી હતી. ઘણીવાર એ વિચારતી કે પોતે શું હતી અને આજે ક્યાં ઊભી છે..! હું તો તને આજેય એટલો જ પ્રેમ કરું છું ઓમ! કેમ મારી સાથે..! પછી આંસું લુછી કામે વળગી.. આજે અસ્મિતાને અહીં મહિનો પૂરો થયો હતો. તેણે ઓફિસના ફોનથી ફોન કરવા ઘરે વિચાર્યું પણ તેને લાગ્યું કે એ લોકો લોકેશન ટ્રેસ કરી એના સુધી પહોંચી જશે પછી તે એમના પર બોજ બનશે! એટલે એણે લેટર જ લખ્યો અને જણાવી દીધું કે એ હેમખેમ છે. આલોક પણ સારો છે અને ચિંતા કરવાની જરૂર નથી... એક દિવસ અસ્મિતા લેક્ચર પતાવી રૂમ તરફ જતી હતી. ત્યાં જ એક છોકરું એની પાછળ આવી સંતાઈ ગયું અને એની મમ્મી સમીર.. સમીર.. કરતી દોડતી આવી.. અસ્મિતાએ પહેલા છોકરાને ઉપાડી લીધો અને વહાલ કરવા લાગી. પછી અસ્મિતાનું ધ્યાન એની મમ્મી પર ગયું અસ્મિતા ચોંકી ગઈ. કારણકે સામે ઉભેલી સ્ત્રીનો ચહેરો એણે પહેલાં જોયો હતો. જ્યારે તે દિવસે આદર્શની ડાયરીમાથી નીકળેલો ફોટો હતો એમાં આજ સ્ત્રી હતી! પણ અસ્મિતા કઈ બોલી નહીં.. "આઈમ સૉરી મારા દીકરાએ તમને હેરાન કર્યા.. ચાલો સમીર હવે રૂમ પર.." કહી સમીરને લઈ નિયતી રૂમમાં જતી રહી. અસ્મિતાને થયું હોય ના હોય આ નિયતિ જ છે અને એના દીકરાનું નામ ય પાછું સમીર જ છે! પણ મને અહીં છેક આજે કેમ દેખાઈ હશે! પછી થોડા દિવસ પછી અચાનક અસ્મિતાએ નિયતિના રૂમમાં નૉક કર્યું.. નિયતીએ દરવાજો ખોલ્યો. "કઈ કામ હતું?" એણે પૂછ્યું. "ના ખાલી કંટાડી તો મળવા આવી.." અસ્મિતાએ કહ્યું. "આવોને અંદર.." કહી નિયતીએ આવકાર આપ્યો.. અંદર જઈ અસ્મિતા સીધુ બોલી, "તમારું નામ નિયતિ છે ને? તમે આદર્શ સાથે લગ્ન કર્યાં હતાં અને આ દીકરો પણ એમનો જ છે બરાબર ને?" નિયતિ એક્દમ સ્તબ્ધ જ થઈ ગઈ. આમતો એ હસમુખી હતી પણ આ સાંભળી એનું મોં વિલાઈ ગયું. "પણ તમને કેવી રીતે ખબર?મેં અહીં પણ આજ દિન સુધી કોઈને જણાવ્યું નથી!" નિયતીએ કીધું. "હું એને ઓળખું છું." અસ્મિતાએ કહ્યું.. "ઓહ તો બીજી એક. વધી.." નિયતીએ નિસાસો નાખ્યો પણ અસ્મિતા સાંભળી ગઈ.. "ના ના તમે સમજો છો એવું કાંઈ પણ નથી! પછી અસ્મિતાએ બધી વાત કરી... વાત સાંભળી નિયતિ અસ્મિતાને ભેટી પડી.. એ તો છેજ નરાધમ, કામાંધ.. પણ તું ખૂબ બહાદુર છે અસ્મિતા! બાકી તેના સકંજામાંથી છૂટવું ખૂબ અઘરું છે. મને હજી પણ યાદ છે જે દિવસે હું સમીરને લઈને ભાગી હતી.. અને નિયતિની આંખોમાં આંસુ આવી ગયા.. પછી અહીં આવી અને સમીર માટે જીવી રહી છું.. અસ્મિતાએ નિયતિને સંભાળી. પછી આલોક ઉઠયો હશે એમ વિચારી રૂમમાં ગઈ... ધીરે ધીરે એ અને નિયતિ ખૂબ સારા મિત્રો બની ગયા હતા.. સમીરને અસ્મિતા સાથે ખૂબ ફાવતું જ્યારે પણ નિયતિ ગુસ્સો કરતી અસ્મિતા આવી એને બચાવી લેતી. અથર્વ પણ ઘણી વાર મુલાકાતે આવતો અને અસ્મિતાને મળતો. એકવાર વેલકમ હોમમા અઠવાડિયાનો ઉત્સવ યોજાવાનો હતો એ પણ ત્યાં રજા લઈ રહેવાનો હતો. તેનું ત્યાં ખૂબ માન હતું.. જેને જુએ તે એના વખાણ કરતાં હતાં. ઉત્સવના આયોજનમાં પણ તેનો સિંહફાળો હતો. અસ્મિતા તેનાથી પહેલેથી જ વાકેફ હતી કેમ કે તે હમેશાં સકારાત્મક વિચારતો અને એની નજીક રહેનાર પણ એના વિચારોથી મોહિત થઈ જતું. હંમેશા હસતો રહેતો.. રોજ ત્યાં નહતો રહેતો એટલે આવે તો સૌથી વધારે બાળકો સાથે રહેતો.. બધા તેને 'અર્થ અંકલ' કહીને બોલાવતા. એ અસ્મિતાને પણ મદદ કરતો.. કેટલીક વાર એને શહેર રસી મુકાવા જવું પડતું તો એને લઈ જતો. આમતો હવે અસ્મિતા માટે કોઈ પણ પુરુષ પર વિશ્વાસ મૂકવો સહેલો નહોતો પણ અથર્વ કાંઇક અલગ જ હતો અને અસ્મિતાને એના પર વિશ્વાસ હતો. અથર્વમાં એને સારો મિત્ર મળી ગયો હતો.. એક વાર અસ્મિતા લેક્ચર માટે લેટ થઈ હતી અને ભાગી રહી હતી અને અચાનક કોઈની સાથે ભટકાઈ ગઈ પણ એણે સામે જોયું તો ચોંકી ગઈ કેમકે ત્યાં ઓમ હતો... અસ્મિતા દોડવાંને લીધે હાંફી રહી હતી. ઓમ પણ અસ્મિતાને ત્યાં જોઈ ખૂબ નવાઈ પામ્યો. અસ્મિતા બે ડગલાં પાછળ ખસી ગઈ.. બન્ને એકબીજાને જોઈ રહ્યા પણ કાંઈ બોલ્યા નહીં અને અસ્મિતા ત્યાંથી ચાલવા માંડી..ઓમ અને અસ્મિતા ભટકાઈને છૂટા પડ્યા પણ બંને એકબીજાના વિચારોમાં ખોવાઈ ગયા.અસ્મિતા આજે પહેલીવાર ક્લાસરૂમમાં બેધ્યાનપણે ભણાવી રહી હતી.એ ઓમના વિચારોમાં જ હતી કે એણે થતું હતું કે મેં એક નવી શરૂઆત કરી દીધી છે મારા જીવનમાં, હું એ જિંદગીને પાછળ છોડી ચૂકી છું છતાંય કેમ આવું? શું અાલોક એના માટે જવાબદાર હશે કે બીજું જ કાંઈક?

ઓમની પણ એવી જ હાલત હતી. એ પણ એજ ખ્યાલમાં હતો કે અસ્મિતા મને છોડીને ન ગઈ હોત તો આજે એને અહીં ન રહેવું પડયું હોત... અને ઓમ ચાલતા ચાલતા વેલકમ હોમના હિચકે બેઠો અને એ દિવસ વિચારવા લાગ્યો જ્યારે એ મમ્મીને જોઈને પાછો આવીને સુરતના ઘરે સોફા પર બેઠો બેઠો ફોન મચેડતો હતો અને કોઈ કામ ન રહેતા આમ જ સર્ચ કરવા માંડયો અને થોડી વાર બાદ વેલકમ હોમ વિષે જાણવા મળ્યું. આમ જ શહેરથી દૂર હતું એટલે ચેંજ માટે ગામ જેવું શાંત અને આહ્લાદાયક વાતાવરણ મળી રહે. એ પહેલી વાર પહોંચ્યો ત્યારે ઓહોહો એની ધારણા કરતાં વધારે વિશાળ, સ્વચ્છ અને સુંદર હતું એણે અડધો કલાક વિતાવ્યો ત્યાં જ એણે ઘણું સારું લાગ્યું હતું એટલે જ એણે મનોમન વિચાર કરી લીધો હતો કે હવે મહિને એકાદ વાર તો મુલાકાત લેવી જ જોઈએ. આટલી મોટી સંસ્થા ચલાવવી એક કમ્પની હેન્ડલ કરવા કરતાં પણ વધારે મુશ્કેલ છે એમ ઓમ માનતો હતો.છતાંય આટલી સરળતાથી કેવી રીતે કરી લેતા હશે! ઓમ વિચારતો જ હતો ત્યાં કોઈએ ચપટી વગાડી અને ઓમ એકદમ ચોકયો સામે અથર્વ હતો. અથર્વ ઓમને જાણતો હતો પણ ઓમને નહોતી ખબર કે આ અથર્વ છે.."મેં તમને આ મહીનામાં બીજી ત્રીજી વખત જોયા, તમે આજે અસ્મિતા સાથે ભટકાયા અને આમ અત્યારે વિચારોમાં ખોવાયેલ છો કોઈ ખાસ કારણ?" "હા કાંઈ નહીં આ તો આમ જ પણ તમને અસ્મિતાનું નામ કેવી રીતે ખબર?" ઓમને કોઈ અજાણતા વ્યક્તિના મોઢેથી અસ્મિતાનું નામ સાંભળવું બહુ અજીબ લાગ્યું. "હું લગભગ આ ઘરના તમામ સદસ્યોને ઓળખું છું.એ હમણાં જ એમના પુત્ર સાથે અહીં રહેવા આવ્યા છે." ઓકે "ઓમ માત્ર એટલું જ બોલી ત્યાથી વિદાય થયો.

એ ત્યાથી નીકળતો જ હતો ત્યાં એના પર રિંકલનો ફોન આવ્યો."ભાઈ ભાઈ મમ્મીને હોંશ આવી ગયો છે તમે જલ્દી આવી જાઓ." ઓમ મારતી ગાડીએ પહોંચી ગયો.મમ્મીને હોશમાં જોઈ ઓમ ખૂબ ખુશ થઈ ગયો પણ આંટી હજુ અસ્મિતા અસ્મિતા કરતા હતા અને ડોક્ટર કોઈ પણ જાતની દુખદ સમાચાર કે શૉકમાં જતા રહે એવા સમાચાર આપવાની ચોખ્ખી ના પાડી હતી એટલે ઓમે બહાનું બનાવી દીધું "અસ્મિતા પોતાના પૌત્રને લઈને પિયર ગઈ છે" જાગૃતિબેન આ સાંભળી ખુશ થઈ ગયા.

‛ઓહોહો.. સરલાબેન તમને તમારો દીકરો લેવા આવે છે! તમે બહુ નસીબદાર છો કારણ કોઈ એક વાર આવી જાય પછી પાછું જતું નથી. તમે જવાના એમ ને!હવે તમારા વગર યોગ કોણ શીખવાડશે? હસી મજાક કોણ કરશે? ’પાંચ - છ સ્ત્રીઓ વાત કરતા હતા ત્યાં અસ્મિતાનું ધ્યાન પડયું અને વચ્ચે વચ્ચે અથર્વના વખાણ કરતાં હતાં કે એનો સ્વભાવ કેટલો સારો છે,જેની કૂખે જન્મ્યો હશે એણે બહું પુણ્ય કર્યાં હશે વગેરે વગેરે... અસ્મિતા હજુ ત્યાં જ ઊભી હતી ત્યાં પાછળથી નિયતિ શોધતી શોધતી આવી "અસ્મિતા અસ્મિતા તમારા અાલોકને બહુ તાવ આવ્યો છે અને ઊતરતો નથી." અસ્મિતા એના રૂમમાં પહોંચી તો અાલોકનું શરીર એટલું ગરમ હતું અસ્મિતા એ તરત હાથ પાછો ખેંચી લીધો. આજે ઉપરથી સોમવાર હોવાથી PHC બંધ હતું. અસ્મિતાને બીજા દવાખાને જવું જ પડે એમ હતું. કારણ કે આલોક ઘડીએ ઘડીએ રડતો હતો અને આંખો બંધ કરી દેતો હતો.અસ્મિતા અાલોક ને ઊંચકી બહાર ગઈ. કોઈ રિક્ષા પણ દેખાઈ રહી નહોતી. એટલામાં જ એક ગાડી આવતી દેખાઈ. અસ્મિતાને આ ગાડી ઓળખીતી લાગી. એણે લિફ્ટ માંગવાનુ વિચાર્યું અને ગાડીનો કાચ ઉતર્યો ત્યારે ખબર પડી કે અથર્વ છે. "શું થયું અસ્મિતા કોઈ કામ હતું.? કેમ આટલી હાફે છે.? કોઈ ચિંતાની વાત તો નથી ને? અથર્વે ચિંતાની લકીરો જોઈને કીધું." તમે જલ્દી ચાલો આલોકને બહુ તાવ છે સવારે દવા આપી છતા ઊતરતો જ નથી અને વધતો જાય છે "રસ્તામાં આલોકની ચિંતા સાથે એ દિવસ પણ યાદ આવવા માંડ્યો જ્યારે ઓમને પ્રપોઝ કરવા જવાની હતી ત્યારે પણ પોતે એટલી જ ચિંતિત હતી પણ ત્યારની અને અત્યારની પરિસ્થિતિ જુદી હતી. સમાનતા હતી તો ગાડી ચલાવનાર એ અથર્વ...

હોસ્પિટલ આવી ગઈ ડોક્ટરે તપાસ કરી જણાવ્યું" hyperthermia છે એટલે સારવાર કરવામાં વાર લાગશે અને જો સાત-આઠ કલાકમાં હોશના આવ્યાં તો ગંભીર બાબત થઈ શકે છે."આટલું બોલી ડોક્ટર તો જતાં રહ્યાં. પણ અસ્મિતા ચિંતામાં સરી પડી.એક પછી એક કેમ મુસીબતના પહાડો તૂટી પડ્યા. શું ભગવાનને બધી મારી જ પરીક્ષા લેવાનું મન થયું? આટલી મોટી દુનિયામાં બીજું કોઈ ન મળ્યું?હું જ મળી એમને? અને આમ ભગવાન પર થોડો ગુસ્સો કાઢયા પછી અસ્મિતાની હિંમત તૂટી...અને એ રડી પડી. "શાંત અસ્મિતા" આલોકને સારું થઈ જશે. " " તમે શું જાણો એક માનું દુઃખ? અને આ તો હજુ ચાલતા નથી શીખ્યો. આનો શું વાંક? ભગવાન આને ઉપાડી લેશે? "અસ્મિતાના શબ્દોમાં ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ વર્તાઈ આવતું હતું.

"શું બોલે છે અસ્મિતા તું? ડોક્ટરએ માત્ર એટલું કીધું છે કે ૭ - ૮ કલાકમાં સારું ના થયું તો કદાચ ગંભીર થશે અને તું આટલી નકારાત્મક થઈ ગઈ? આજ તારા જીવવાનું કારણ છે એને કઈ નઈ થાય ચિંતા ન કર." "તમે એક માં નું દુઃખ નહીં સમજી શકો." અથર્વએ વાત બદલતા કીધું "મમ્મી પપ્પા મજામાં?" "મેં તો પત્ર લખી દીધો પણ પ્રત્યુત્તર નથી આવ્યો."તો એકવાર ફોન કરી લે ને!"

"પછી એ મને સોધી લેશે તો એમ વિચારી મેં વેલકમ હોમથી ફોન ન કર્યો"

" તો મારા ફોનથી કરી લે. તને આલોકની આટલી ચિંતા થાય છે તો વિચાર એમને તારી કેટલી ચિંતા થતી હશે? અને તારી ઇચ્છા ન હોય તો એ તને જબરદસ્તી ન લઈ જાય! "

અસ્મિતા એ આટલું વિચારી ઘરે ફોન જોડ્યો. અસ્મિતાએ અથર્વના કહેવાથી તેના ફોનથી ઘરે ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવ્યો. એક બાજુ એને સારુય લાગ્યું કે ક્યાંક એ લોકો એને શોધી લેત! અસ્મિતા આલોકને દરવાજાના કણમાંથી જોઈ રહી છે. તેને થયું કે જે આલોકે એના જીવનમાં રોશની પાથરી એ જ આજે પવનના સુસવાટા વચ્ચે હાલી રહી હતી. પણ અથર્વના શબ્દોએ અસ્મિતાને શાંત રાખી એની ધીરજ ટકાવી હતી.. એટલામાં ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે હવે ખતરો નથી પણ હજુ એક દિવસ આલોકને અહીં રાખવો પડશે. પછી બંને અંદર ગયા અને અસ્મિતા ના જીવમાં જીવ આવ્યો અને એણે અથર્વનો આભાર માન્યો.. બીજા દિવસે નિયતિ આલોકને જોવા અસ્મિતાના રૂમમાં આવી હતી...

ઓમે જ્યારથી અસ્મિતાને વેલકમ હોમમા જોઈ હતી ત્યારથી એના મનમાં એક જ વાત ચાલતી જતી કે અસ્મિતા ત્યાં શું કરે છે એ તો અમદાવાદ એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી અને એ તો પ્રેગનેંટ... ઓમે એને ફરી મળવા જવા વિચાર્યું.. પણ શું એ મને મળશે? પણ પ્રયત્ન કરવામાં શું જાય છે! બીજા દિવસે એ અસ્મિતાને મળવા જવા વિચારતો હતો પણ જાગૃતિ બહેનના રિપોર્ટના પ્રોબ્લેમને ને લીધે એ બે ત્રણ દિવસ જઈ શક્યો નહીં અને છેવટે એણે શનિવારે જવાનું નક્કી કર્યું. અને એ જ્યાં અસ્મિતા એને અથડાઈ હતી એ જગ્યાએ જ જઈ ઊભો રહ્યો. પણ અસ્મિતા ત્યાં નહોતી એને પૂછપરછ કરતાં ખબર પડી કે અસ્મિતાને દીકરો થયો છે અને એનું નામ આલોક છે. એના ચહેરા પર ખુશી આવી ગઈ.. એટલામાં અસ્મિતા દાદરા ઉતરતી આવી અને તેને બોલાવવા ઓમે બૂમ પાડી પણ એ ઊભી રહી નહોતી.. "અસ્મિતા, આલોક માટે તો ઉભી રહે..!" ઓમે જોરથી કહ્યું. અને અસ્મિતા ઉભી રહી.. "મને જોવા તો દે એક વાર એને.." ઓમે કહ્યું.. "શું કરશો એને જોઈને? આમ પણ હવે તમારો કોઈ હક નથી.. ચાલ્યા જાઓ અહીંથી!" કહીને અસ્મિતા ઝડપથી અંદર જતી રહી.. અથર્વએ પહેલા માળની ઓસરીમાંથી આ બધું જોયું હતું.. એ બંને ના હાવભાવ પરથી સમજી ગયો હતો.. પછી અથર્વને અસ્મિતાના રૂમની બહાર ડૂસકા સંભળાતા હતા..

એકવાર અસ્મિતા અને નિયતિ આલોક અને સમીરને લઈ ગાર્ડનમાં બેઠા હતા. અને અથર્વ પણ ત્યાં જ હતો. અને અચાનક એક મંકોડાએ અસ્મિતાના પગમાં જોરદાર ચટકો ભરી લોહી કાઢયું.. અસ્મિતા તરત ઉભી થઈ પગ ધોવા ગઈ.. અને એટલમાં અથર્વએ નિયતિને કહ્યું, "નિયતિ અસ્મિતા બહું હિંમત વાળી છે નહીં!" "એતો છે જ ને! બાકી આદર્શના સકંજામાંથી બચવું કઈ સરળ નથી.." "તને કઈ રીતે ખબર આ બધી?" અથર્વએ નવાઈ પામતા કહ્યું... "હું એજ આદર્શની પત્ની હતી!" નિયતિએ કહ્યું.. "શું?? એટલે તારો પતિ આદર્શ જેને તું છોડીને આવી એજ છે જેણે અસ્મિતા સાથે?!" અથર્વએ પૂછ્યું.. નિયતિએ હકારમાં કહ્યું.. "આર યુ શ્યોર?" અથર્વએ પૂછ્યું.. "હા અસ્મિતાએ સામેથી જ મને બધી વાત કરી છે..પણ કાલની અસ્મિતા બહુ ઉદાસ દેખાય છે નહીં!" "હા.. જ્યારથી તે ઓમને મળી ત્યારની એ ઉદાસ છે.." "શું ઓમ અહીં આવેલો??" નિયતિએ નવાઇથી પૂછ્યું.. "હા મેં કાલે જોયેલું.. પણ અસ્મિતા ભાગી ગયેલી રૂમ માં! પણ મેં ઓમની આંખોમાં જોયું તો મને લાગ્યું નહીં કે ઓમ આવો દગો કરી શકે!" અથર્વએ કહ્યું.. "સાચું કહું તો મને ય એવું જ લાગે છે.. મને લાગે છે કે એમાં પેલા પાપી રાક્ષસ આદર્શનો જ હાથ લાગે છે. એ જેને ચાહે એને પામવા કઈ પણ હદ સુધી જઈ શકે છે! હોય શકે એણે જ અસ્મિતાનો સંસાર ભાંગ્યો હોય!" અથર્વ નિયતિની વાત સાંભળી રહ્યો. એટલામા અસ્મિતા આવતી દેખાતા બંને નોર્મલ થઈ ગયા.

-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ