ડૂબકીખોર
નવલિકા
રઈશ મનીઆર
રાતનો સમય હોય, તમે ગંગા જેવી નદીના વિશાળ પટની વચ્ચોવચ હો, કિનારાના તમામ આથમતાં શોરોગુલ અને ઓસરતી ચહલપહલથી દૂર પ્રવાહમાં એક હોડી મંદમંદ સરતી હોય, નાવિક માત્ર ખપપૂરતાં જ હલેસાં મારતો હોય ત્યારે નિયમિત અંતરાલ પછી આવતાં છપાક.. છપ.. ના અવાજથી વધુ લયબદ્ધ અને વધુ મધુર અવાજ કોઈ હોતો નથી. પણ વારાણસીનો આવો અનુભવ કંઈ દરેક તીર્થયાત્રીને ન થાય.
એક કલાક પહેલા આ હોડી ભાડે કરી હતી. હું હોડીમાં બેઠી એની પહેલી દસ મિનિટ સુધી હોડીની ગતિ પર રહીરહીને ધ્યાન જતું હતું. હલેસાના એક ધક્કાથી હોડી આગળ સરે, ત્રણેક સેકંડમાં તમને થાય કે ધક્કાનું બળ પૂરું થયું, હવે હોડી ધીમી પડશે, હવે નાવિકે હલેસું મારવું જોઈએ, તમે નાવિક સામે જુઓ, એ જાણે તમને એક સેકન્ડ રાહ જોવડાવે પછી આછું સ્મિત કરી હલેસું મારે. બે હલેસાની વચ્ચે હોડીની ઘટતી જતી ગતિ અને ફરી નવા હલેસાથી વધતી ગતિ. દસ મિનિટમાં આવું દોઢસો વાર બને. પછી તમે ટેવાઈ જાઓ.
એવું જ થયું. હવે છેલ્લી પચાસ મિનિટથી હોડીની ગતિ મને એકસરખી લાગતી હતી. એની ગતિની વધઘટ સાથે મારા તન-મનનો લય એકરૂપ થઈ ગયો હતો. આ ઘેન ચડી જાય એવો લય હતો.
ત્યાં જ એ ઘેનને ચીરતો નાવિકનો અવાજ આવ્યો, “કિનારે કો કિતને દૂર સે દેખના હૈ? ઈતની દૂરી સહી હૈ?”
નાવિક સાથે હોડીમાં બેસતાં પહેલા જ શરત કરી હતી કે એણે કંઈ બોલવું નહીં. એણે શરત તોડી, એનો ગુસ્સો ન હતો. બલકે એક કલાક સુધી એણે ન બોલવાની શરત પાળી, એની નવાઈ હતી, અને ઉપરથી જે સવાલરૂપે એ પહેલું વાક્ય બોલ્યો, તે સવાલ એક ટુરિસ્ટ પ્લેસના ખાઈબદેલા નાવિક કે ગાઈડનો સવાલ ન હતો, કોઇ ફિલ્મનો ફોટોગ્રાફર એના ડાયરેક્ટરને પૂછે એવો સવાલ હતો.
નાવિકના સવાલના જવાબમાં મેં આછું સ્મિત કર્યું, જેનો અર્થ હતો કે કિનારાને જોવા માટે આ અંતર પરફેક્ટ છે. ન ઓછું, ન વધારે. પછી પાણીમાં તરતાં દૂર કિનારેથી અહીં આવી પહોંચેલા ભૂલાભટક્યા એક દીવડાનો ફોટો પાડવા માટે હું સહેજ ઝૂકી, એટલે અનિકેત બોલી ઊઠ્યો, “કેમેરો છટકી જશે તારા હાથમાંથી.”
મેં એની વાત ન ગણકારી. એક છવ્વીસ વરસની યુવતીને અગિયારની ગણીને કોઈ કાળજી લે, એ ન જ ગમે. છતાં અનિકેત ફરી બોલ્યો, “નેત્રા! કેમેરો પડી જશે!”
નાવિક બોલ્યો, “સાહબ, ફિકર નહીં, એક ઘંટે સે મૈં દેખ રહા હૂં, બહનજી કે લિયે યે કેમરા કોઈ ચીજ થોડી હૈ? યે તો ઉનકે બદન કા હિસ્સા હૈ, યે કૈસે ગિર સકતા હૈ?”
આવો ચોટદાર જવાબ હું ન આપી શકી હોત. મને ફોટોગ્રાફી આવડે છે. ભાષા બહુ આવડતી નથી. ફરી શાંતિ પથરાઈ ગઈ. હોડી ફરી વહેવા માંડી. પ્રવાહની દિશામાં હોડી સરી રહી હતી, એટલે લગભગ પ્રયાસ વગરની ગતિ હતી. સામે જુદી જુદી સદીના જુદા જુદા દાયકામાં બનેલા બનારસના વિખ્યાત ઘાટ દેખાઈ રહ્યા હતા. ઘાટ સ્થિર હતા અને હોડી પૂર્વ દિશામાં વહી રહી હતી. છતાં લાગતું એમ હતું કે જાણે પસાર થતા સમયની જેમ ધીરેધીરે આ ઘાટ પશ્ચિમ દિશામાં પસાર થઈ રહ્યા હતા અને હોડી સ્થિર હતી. અદભૂત અનુભવ હતો આ.
આવો અનુભવ લેવા માણવા માટે જરા રખડુ પ્રકૃતિ હોવી જોઈએ. તીર્થયાત્રીઓ જે માત્ર જાતરા કરવા આવ્યાં હોય, એ તો ગંગાને જરા ડહોળીને ચાલ્યાં જાય. પણ રખડુઓની રખડવાની રીત જરા જુદી હોય, અમારા જેવી.
જો કે મારી એવી રખડુ પ્રકૃતિ છે, એવું સો ટકા ન કહેવાય. આવા કોઈપણ પ્રવાસમાં મારી પાસે કેમેરા હોય. પણ આવા દરેક શોખનો ખર્ચ થાય, એટલે કમાવું તો પડે, એટલે, કમાવાની જરૂર પડે ત્યારે હું અખબાર કે મેગેઝિનમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરું. પૈસા એક્ઠા થાય એટલે નોકરી છોડી બેગપેક બાંધી નીકળી પડું. પૈસા ખૂટે એટલે નવી નોકરી શોધું. અત્યારે નોકરીની ચિંતા નથી, પંદર દિવસ ચાલે એટલા પૈસા છે.
રાતના વાતવરણમાં એક અજબની માદક શાંતિ હતી. મેં દીવડાનો ફોટો લેવાનું પડતું મૂકીને સામેનું મનોહર દ્રશ્ય આંખમાં ભરવાનું નક્કી કર્યું. કેમેરા ન ફેરવી શકે એ રીતે ડોક પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવી અને કેમેરો ન ભરી શકે એટલું દૃશ્યફલક આંખમાં ભર્યું. એમ કરવામાં નજર અનિકેત પર પડી. નાવિક અડધી મિનિટ પહેલા જે વાક્ય બોલ્યો, એનાથી એ અપમાનિત અનુભવતો હતો?
આછા અંધકારને ચીરતો નાવિકનો અવાજ આવ્યો, “સાહબ! આપકો બૂરા તો નહીં લગા? આપ કી બાત કો મૈંને..”
અનિકેત કહી ઊઠ્યો, “બૂરા ભી લગા, ઔર ઈંટેરેસ્ટીંગ ભી! યા ફિર યૂં કહો કિ તુમ્હારી બાત દિલકશ જ્યાદા થી, ઇસ લિયે બૂરી નહીં લગી!”
અનિકેત હિંદી-ઉર્દુનું ઘટિયા મિશ્રણ કરીને બોલતો ગુજરાતી હતો. અમારી મુલાકાત ત્રણ મહિના પહેલા એક ફિલ્મ સ્ટુડિયોમાં થઈ હતી, જ્યાં એ સેકંડ આસિસ્ટંટ ડાયલોગ રાઈટર તરીકે કામ કરતો હતો, અને હું એ ફિલ્મની સ્ટીલ ફોટોગ્રાફી માટે ગઈ હતી. એક જગ્યાએ ભેગા જરૂર થયા પણ અમે જુદાં હતાં. મારા જીવનનો કોઈ ધ્યેય નહોતો, એણે પટકથા લેખક બનવું હતું.
સાથે કામ કર્યું, એ દિવસોમાં વાતવાતમાં હું બોલી હતી, “અનિકેત, હું ફોટોગ્રાફર છું પણ જાણું છું કે અમુક દૃશ્યો કેમેરામાં કેપ્ચર કરવાના હોતા નથી.” વાતવાતમાં એ બોલ્યો હતો, “નેત્રા, દરેક જીવનમાં ક્યાંક ને ક્યાંક વાર્તા હોય છે, પણ દરેક વાર્તા લખાય નહીં. અમુક છોડી દેવી પડે.” વિચારોની આટલી સમાનતાના આધારે અમે આ પ્રવાસ સાથે કરવાનું નક્કી કર્યું હતું. અને અમે સાથે રખડવા નીકળ્યા હતા. પંદર દિવસનો આ સંગાથ હતો. પ્રવાસનો દરેક ખર્ચ સોલજરીથી ઉઠાવવાનો, અને પ્રવાસમાં એકમેકને પૂરતી સ્પેસ આપવાની.. એવા કામચલાઉ એગ્રીમેંટ સાથે અમે નીકળ્યાં હતાં.
આજે સવારે જ વારાણસી સ્ટેશન પર ઉતર્યા. સાંજે પહેલો નૌકાવિહાર સહુની જેમ મોટરબોટમાં કરીને ગાઈડની બડબડ સાંભળી માથું દુખાવી ચૂક્યા હતા. ત્યાંથી કંટાળી, પ્રમાણમાં નિર્જન ઘાટ પર ગયા. વારાણસીથી થોડે દૂર માછીમારોની વસ્તી પાસે આ ઘાટ હતો, ત્યાં આ નાવિક દોડી આવ્યો,“બોટીંગ પે ચલેંગે? એકદમ બઢિયા બોટીંગ કરાયેંગે.”
અમે ના પણ ન પાડી અને હા પણ ન પાડી. ટુરિસ્ટ પ્લેસ પર અવઢવમાં હો તો ય મક્કમ હોવાનો દેખાવ કરવો પડે. અનિકેત જવા તૈયાર હતો, હું દાંત દબાવી ધીમેથી બોલી, “ચાંપલો લાગે છે!”
એ તરત બોલ્યો, “ગુજરાતી હો? સાહેબ ગુજરાતી આવડે છે મને. ગુજરાતમાં દસ વરસ રહ્યો છું નર્મદા કાંઠે. હોડીમાં પણ ફેરવીશ ને ગાઈડ પણ કરીશ.”
“ગાઈડ નથી કરવાનું. ચૂપચાપ હોડી ચલાવશે?” મેં જરા અપમાનજનક લાગે એ રીતે કહ્યું. પણ એણે એમાંથી સોદો પાકો થયાની હકારાત્મકતા તારવી લીધી.
નાવિકે કલાકના છસોનો ભાવ કહ્યો. એને બે કલાકના બારસો આપ્યા અને યાત્રા શરૂ થઈ.
નૌકાવિહાર દરમ્યાન કશું ન બોલવાની શરત એની સાથે ફરી એકવાર પાકી કરી, અને નાવમાં બેઠા. કલાક સરસ રીતે વીત્યો. હવે થોડી વાતચીત થાય તો મને વાંધો નહી હોય, એવું અનિકેતે તારવ્યું.
“તુમ્હારા નામ ક્યા હૈ?” અનિકેતે સવાલ પૂછ્યો, એની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક્સ્ટ્રા કલાકારોના નામ ટાઈટલમાં આવતાં નથી. અનિકેતનું નામ પણ આસિસ્ટંટ ડાયલોગ તરીકે ભાગ્યે જ સ્ક્રીન પર આવે છે. પણ આજની રાતની મૂવીમાં નાવિક એક્સ્ટ્રા કલાકાર જેવો હોવા છતાં એ જે બે વાક્યો બોલ્યો એના આધારે એનો નામોલ્લેખ જરૂરી હતો. આવું અનિકેતનું લોજિક હશે, એટલે એણે નામ પૂછ્યું.
“છોટુ!” નાવિકે જવાબ આપ્યો.
અનિકેતને ‘છોટુ’ નામ ડાયનેમિક ન લાગ્યું, એ હું તીરછી નજરે જોઈ શકી. આમ તો કોઈને એમ લાગે કે મારું બધું ધ્યાન ફોટોગ્રાફીમાં જ છે. પણ હું આંખ-કાન પર જે પડે એ મનમાં ચ્યૂઈંગ ગમની જેમ ચગળું. બીજાને ખ્યાલ ન આવે પણ મારું ધ્યાન બધે હોય.
મેં આ ‘છોટુ’ નામધારી નાવિક પર એક અછડતી નજર નાખી. આછા અંધકારમાં એ બેતાલીસ વરસનો તો લાગતો જ હતો. મારી છાપ એવી હતી કે મોટેભાગના નાવિકો કે માછીમારો દારુડિયા હોય. કદાચ બને કે એ પાંત્રીસનો જ હોય અને નશાથી થયેલી દશાના કારણે એ બેતાલીસનો દેખાતો હોય!
અનિકેત કહ્યું, “ઇતને બડે હો ગયે ફિર ભી છોટુ!” એ ડાયલોગ મારીને હસ્યો.
“અબ પાંચ ભાઈઓમેં સબ સે છોટા જો હૂં, તો છોટુ હી રહૂંગા હંમેશા!”
“માબાપ ભાઈ સબ સાથ રહેતે હો?”
“જી નહીં. હમારે યહાં, હર જવાન શાદી સે પેહલે ગંગામૈયા કે કિનારે એક ઝોંપડી ખુદ બનાતા હૈ, ઔર એક નાવ બનાતા હૈ અપને હાથોં સે! તભી ઉસ કો લડકી મિલતી હૈ!”
“યે નાવ તુમ્હારી હૈ?” અનિકેતની અંદરનો વાર્તાકાર જાગ્રત થઈ ગયો હતો. એ શું જાણવા માંગતો હતો એ છોટુ સમજી ગયો.
“હાં સાહબ! નાવ અપની હૈ, ખુદ કી. ઔર ઝોંપડી ભી હૈ ખુદ કી.”
“ઓહ, તબ તો શાદી હો ગઈ હોગી તુમ્હારી!” હવે અનિકેતની વાત પંચાતના લેવલ પર જઈ રહી હતી. મેં અનિકેતને કીધું, “ખણખોદ બંધ કર તારી!” ત્યાં જ છોટુનો જવાબ સંભળાયો.
“સાહબ, ઈક્યાવન સાલ હૈ મેરી ઉમર..!”
આ છોટુ એકાવન વરસનો હતો? આઈ કાંટ બિલિવ! જેના વિશેની તમારી ધારણાઓ ખોટી પડે, એનામાં તમને વધારે રસ પડે.. મને થયું કે હવે અનિકેત થોડું પૂછી જ લે તો સારું. પણ અનિકેત તો મારી ટકોર સાંભળીને ચૂપ થઈને બેસી ગયો.
મને વાત કરવાની જરાય આવડત નથી, છતાંય મેં વાત ચાલુ કરવા ડફોળ જેવો સવાલ, તે ય ગુજરાતીમાં પૂછ્યો, “છોટુ, તને કયો ઘાટ સૌથી વધુ ગમે છે?”
“બહનજી, એક નાવિકને પૂછો છો? મને તો ગંગામૈયાના બધા ઘાટ ઘાટીલા લાગે.” એકંદરે સારું ગુજરાતી બોલતો હતો.
ફરી માત્ર છપાક છપનો મંદ મંદ અવાજ ચવાઈ રહ્યો.
“નાવ આટલી આહિસ્તા કેમ ચલાવે છે?”
“બહનજી, રાતના સમયે નદીના પાણીમાં હોડી ઉતારું તો હું જરૂર જેટલી જ હલચલ કરું.” હસીને બોલ્યો, “સૂતેલી માછલીઓ જાગી ન જાય એ માટે!”
એણે રમૂજ કરી કે એ વિશ્વાસથી બોલ્યો, પણ મને ગમી આ વાત. પણ હવે આગળ શું સવાલ પૂછી શકાય એ મને ખબર ન પડી, એટલે મેં અનિકેત સામે જોયું. એનું મોં હજુ થોડું ફૂલેલું હતું. મને થયું કે એ કંઈ નહીં પૂછે. પણ એ બોલ્યો, “યે દોસ્ત હૈ મેરી. ઉસકો મૈં તીન મહિને સે જાનતા હૂં, પર મેરે ફેમિલી કે બારે મેં આજ તક કુછ પૂછના ઉસને જરૂરી નહીં સમજા. પર આજ યે તુમ્હારે બારે મેં જાનના ચાહતી હૈ. શાદી હુઈ કે નહીં? શરાબ પીતે હો કિ નહીં.. બતા દો, જો કુછ ભી બતા સકતે હો.. ”
“અપને બારે મેં?” છોટુએ નવાઈથી પૂછ્યું.
મેં બેશરમની જેમ હા પાડી!
“શરાબ પીતા હૂં રોજ. કભી કમ કભી જ્યાદા. શાદીશુદા હૂં મૈં. અમારામાં જલદી જ શાદી થઈ જાય. મારી પણ થઈ ગઈ. બીવીનું નામ લખમી છે.”
“લખમી યા લક્ષ્મી?” હસીને અનિકેતે એની ટેવ મુજબ ડબકું મૂક્યું. ડાયલોગ રાઈટરને શીખવવામાં આવે કે વાર્તામાં વચ્ચે વચ્ચે હળવાશ લાવવી એટલે રિયલ લાઈફમાં પણ આવી ફૂવડ રમૂજ કરવાની એને ટેવ હતી.
“વહાં ઘાટ પે જો મંદિરો કે ગુમ્બજ પર, દુકાનોં ઔર હોટલોં મેં જો રોશની દીખાઈ દેતી હૈ, ઉસે લક્ષ્મી કેહતે હૈ. ઔર હમારી બસ્તી ઉધર હૈ, વહાં.. જહાં દો-ચાર દિયે ટિમટિમાટે હૈ. વહાં બહુ કા નામ લક્ષ્મી હો તો ભી ધીરે ધીરે લખમી હો જાતા હૈ!”
આ દારુડિયો નાવિક જરા જુદો હતો. આમ તો અમેય જરા જુદા હતા. પણ આ વધારેપડતો જુદો હતો.
મેં જોયું કે અનિકેતે એનું ટેપ-રેકર્ડર ચાલુ કરી દીધું. નવાં પાત્રો, નવી બોલીઓ શોધતાં ફરવું એ એના વ્યવસાયની જરૂરિયાત.
હું સામે ઊભા રહી હલેસાં મારી રહેલા નાવિકના શરીરની મુદ્રા જોઈ રહી હતી. મને ખ્યાલ આવ્યો કે આખા પરિસરમાં બધા ઘાટની વચ્ચે સૌથી વધુ ફોટોજનિક તો આ નાવિકના દેહનો ઘાટ છે! મેં એના ફોટા ધડાધડ ખેંચવાનું શરૂ કર્યુ. થોડીવાર પહેલા જે માણસ એક રિજેક્ટેડ ગાઈડ હતો એ હવે ટુરિસ્ટ ઈંટ્રેસ્ટ સ્પોટ જેવો બની ગયો.
આ એનો પહેલો અનુભવ નહીં હોય, ઘણા વિદેશી પ્રવાસીઓ એનામાં આવો રસ કદાચ બતાવી ચૂક્યા હશે, એટલે એ સેંટર ઓફ એટ્રેક્શન બનવા છતાં બેફિકર હતો.
‘છોટુ! બોટીંગમાં સારું કમાઈ લેતો હશે, નહી?”
“સાત દિવસમાં આ પહેલો ફેરો છે!”
“તો કમાઈ મચ્છી વેચી ને?”
“મચ્છી તો રાત કો ખાને કે લિયે ભી ખરીદની પડતી હૈ કભી કભી!”
“તો પછી..?”
“તરવાનું શીખવું છું!”
“કોઈ સ્વીમીંગ પુલમાં?”
“ના! ગંગા નદીમાં!”
“ઓહ! આમાં તરાય? કેટલું ઊંડુ હશે આ પાણી? કેટલા ફૂટ?” મેં પાણીમાં હાથ બોળતાં પૂછ્યું.
“સિત્તેર હાથથી થોડું ઓછું.” એવા માણસનો જવાબ હતો જેણે ગંગાની ઊંડાઈ, પહોળાઈ હાથથી, બાવડાંથી માપી હતી. મેં જોયું કે અનિકેતે ગૂગલ કરીને ખાતરી કરી લીધી.
“શીખવવાનું શું લે? તારી ફી કેટલી?”
“જે ડરી જાય અને ન શીખી શકે એની પાસે કંઈ નહીં. જે તરત સરસ કુદરતી રીતે શીખી જાય એની પાસે કંઈ નહીં. ગરીબ પાસે કંઈ નહીં. એ સિવાયના પાસેથી જે કંઈ મળે એમાંથી રોટલા નીકળી જાય છે!”
“કેટલા રોટલા બને છે રોજ?” અનિકેતે ફરી સ્ક્રીનરાઈટર જેવો સવાલ કર્યો.
છોટુને સવાલનો મરમ સમજતાં વાર ન લાગી, “ઘરમાં હું છું, મારી બીવી છે, બચ્ચા-કચ્ચા છે!”
હું વિચારી રહી હતી, ‘કેમ કરી બે છેડા ભેગા કરતો હશે? દારુડિયો નાવિક. લીવર ખરાબ જ હશે! કેટલું જીવશે?’
મારા મોં પર ચિંતાની લકીર જોઈ બોલ્યો, “સુખી પરિવાર છે, બહેનજી ચિંતા ન કરો. બે દીકરી તો પરણાવી દીધી. બન્નેને લાખ લાખ રુપિયા દહેજ આપ્યું!”
થોડીવાર પહેલા એણે બોટ પાછી વાળી લીધી હતી, હવે ઉલટા પ્રવાહમાં ગતિ હતી. હવે હલેસા અને પાણીનું સંગીત જરાજરા યુદ્ધના પડઘમ જેવું સંભળાતું હતું. સૂરીલું નહોતું પણ તાલબદ્ધ તો હતું જ. ગંગાની સપાટી ન વધે એ રીતે એનો પરસેવો પણ પાણીમાં ભળી રહ્યો હતો. મને સમજાયું, નદીઓ સમુદ્રમાં મળતાં પહેલા પણ કેમ થોડી ખારી હોય છે?
એની દીકરીઓ પણ નદીની જેમ ગઈ હશે સાસરે. આના પરસેવાની કમાઈની ખારાશ લઈને.
“દહેજના બે લાખ આ નાવ અને આ નદીમાંથી કેમ કરીને આવ્યા એમ વિચારો છે ને?” એ બોલ્યો. હું ચૂપ થઈ ગઈ. કોઈના દુ:ખમાં કેટલું ઊંડે ઉતરાય? હું એની સાથે આંખ મિલાવવાના બદલે ફરી ફોટો પાડવા લાગી.
મને કેમેરા પાછળ મોં છુપાવતી જોઈને અનિકેતે વાત બદલીને રિયલ સિચ્યુએશનને ફિલ્મી કરવાની ટ્રાય કરી, “ધારો કે, છોટુ, સાંભળ! ધારો કે.. આ નાવ અત્યારે તૂટી પડે, ડૂબી જાય, તો તું અમને બન્નેને બચાવી શકે?”
“કેમ નહીં?” એ હસ્યો, “પણ દિવાળી પછી ત્રીજીના લગ્ન કરવાના છે, એટલે બચાવતાં પહેલા પૂછું કે જીવ બચાવવાના કેટલા આપશો?”
હું મસ્તીથી બોલી, “પૈસા નથી વધારે, ખાલી ‘થેંક્સ’ કહીશું!”
“તો નહીં બચાવું, બારસોમાં તરાવવાનું અને બચાવવાનું બન્ને ન થાય!” એ ખડખડાટ હસ્યો..
અનિકેત કલ્પનાને આગળ વધારવા માંગતો હતો, “ધારો કે કોઈવાર ખરેખર એવું થાય તો ડૂબતાં બચનાર તને કેટલા પૈસા આપે?”
“સાહેબ! જીવતાં માણસ કરતાં મને મરેલા માણસ વધુ આપી જાય છે.” એ બોલ્યો.
અમારી માટે આ નવું હતું. સમજતાં જરા વાર લાગે એવું હતું.
એ બોલ્યો, “સાહેબ, હું ગોતાખોર છું... ડૂબકીખોર. આ આખા ઈલાકામાં મારાથી સારો તરવૈયો કોઈ નથી. આ ગંગામૈયામાં કોઈ પડે કે ડૂબે તો જીવતો ભાગ્યે જ નીકળે. અમુક લોકો લપસીને પડે અને અમુક લોકો તો મરવા જ અહીં આવે છે. નહીં નહીં તોય, વરસમાં મારા ઘાટ નજીક પચાસ આપઘાત કે અકસ્માત થાય છે.”
અમારે માટે આ વાત ગંભીર હતી, એને માટે આ રોજનું હતું. “નદીમાં કોઈ ડૂબે, એટલે પહેલા તો બોટથી એને શોધે. પછી ગોતાખોરને બોલાવે. વસ્તીમાં ઘણા છે નાનામોટા ગોતાખોર. એક લાશ કાઢવાના બે હજાર મળે.”
અમે ચૂપ હતા.
“સાહેબ, પે...લું વોટરવર્ક્સ દેખાય છે? ત્યાં નીચે રાક્ષસી પંપ છે. આખા વારાણસી શહેર માટેનું પાણી એ વોટરપંપ ખેંચે છે. એટલું બધું પ્રેસર હોય, કે ડૂબનારાની લાશ પણ ખેંચાઈને સીધી ત્યાં પહોંચી જાય!”
“ઓહ!” પહેલો વિચાર એક ચોખલી સ્ત્રી તરીકે મને એ આવ્યો કે શહેરનું પીવાનું પાણી..
એ તરત બોલ્યો, “ત્યાં ઇનલેટ પર જાળી લગાવેલી છે, ડૂબનારાની લાશ ત્યાં જ અટકેલી હોય. વસ્તીના બીજા કોઈ ગોતાખોરની હિંમત નથી કે ત્યાં એટલા પ્રેસરમાં જાય અને લાશને ઉપર ખેંચી લાવે!”
કોઈ ડૂબી જાય અને ચાર કલાક સુધી લાશ ન મળે તો પોલિસ કહે, “ચોક્ક્સ લાશ વોટરવર્ક્સની નેટમાં ફસાઈ હશે. હવે છોટુને બોલાવો, હવે બીજાનું કામ નહીં!”
“એટલે એ ડૂબનારના સગા તારા ઘરે આવે એમ ને.” અનિકેતે બિનજરૂરી ડબકું મૂક્યું.
“હા, દિવસ હોય તો ઘરે અથવા કાંઠે, અને સાંજ હોય તો દારુના પીઠા પર આવે!” એક ક્ષણ અટકીને એ બોલ્યો, “ગમે તેટલો નશામાં હોઉં, સગા સાથે પહેલા ભાવ નક્કી કરું. ચાર હજાર રુપિયા થશે. ડૂબનારના સગા મારા દીદાર જુએ, અને વિચારે આ દારુડિયો, લાશ લાવશે? અને એ માટે એને ચાર હજાર આપવાના? કોઈક બોલે પણ ખરું, કે બીજા તરવૈયા તો બે હજાર લે છે! એટલે, હું કહું એમણે કાઢી લાશ? એમણે ના પાડી હાથ ખંખેરી નાખ્યા, પછી જ મારી પાસે આવ્યા ને!”
મેં ચાર હજાર ગુણ્યા પચાસનો હિસાબ લગાવ્યો અને અનિકેતની માનવતા બીજાઓનો વિચાર કરવા લાગી. “ઓહ! પણ લાશ કાઢવાના આટલા બધા પૈસા લેવા એ જરા..”
“વાત સાચી છે તમારી. અને આમ તો જરૂર જ શું છે લાશ કાઢવાની?”
“કાઢવી તો પડે જ ને?” નદીઓને સ્વચ્છ રાખવાની હિમાયતી હોઉં એમ હું બોલી.
“બહનજી, કોઈ જરૂર નથી લાશ કાઢવાની, માછલીઓ ખાઈ જાય! કુદરતનું ચક્ર છે, બહેનજી! ગંગામૈયા અપનેઆપ કો સાફ રખના જાનતી હૈ!”
હલેસાં વધુ મુશ્કેલ થતાં જતાં હતા. એ શ્વાસ લઈ આગળ બોલ્યો, “પણ સગાઓને લાશ જોઈએ. લાશ ઘરમાં તો કોઈ રાખવાના નથી. ચાર કલાકમાં તો અગ્નિદાહ. જેની સાથે આખી જિંદગી ગુજારી, આ માણસજાત એના મરણ પછી એનું શરીર જલદીથી જલદી ઘરમાંથી કાઢે છે, પણ તોય લાશ જોઈએ. જોઈએ તો ખરી. પંચનામું થાય, મરણનો દાખલો મળે, વારસો મળે. બધું બહુ જોડાયેલું હોય છે લાશ સાથે, સાહેબ! એટલે ચાર હજાર મંગાય! પંડાઓ ખોટી ખોટી વિધિના દસ હજાર લે છે, હું તો રિયલ વિધિ કરું છું લાશ કાઢવાની! મને લાશ કાઢતાં જોવો હોય તો આવજો કોઈ વાર!”
હું ગભરાવા લાગી અને અનિકેતને રસ પડ્યો.
“પરમદિવસે તો સારનાથ અને શ્રાવસ્તિ જવાનું છે, વચ્ચે એક જ દિવસ છે પણ.. એમ તો કહેવાય નહીં કે કાલે જ કોઈ ડૂબે તો સારું જેથી આ નજારો જોવા મળે!” અનિકેતે એની ટેવ પ્રમાણે ઘટિયા રમૂજ કરી.
છોટુને ય આવી વાત સાંભળનારા વીરલા ઓછા મળતાં હશે, એટલે એણે વાત ચાલુ રાખી, “લાશ કાઢવા જવાનું હોય એટલે પહેલા, કિનારે જઈ બાટલીમાંથી બે ઘૂંટ મારું. બે ઘૂંટ વગર ત્યાં છલાંગ ન મરાય! કાછડો વાળી કૂદું. જીવતા માણસને બચાવવાનો હોય અને તમે એનો હાથ પકડો ને, તો એ તમારો હાથ એ રીતે પકડે કે તમને થાય કે એ ઉપર આવવા માંગે છે, તમારે માત્ર એને પકડવાનો હોય એનું વજન ન લાગે. પણ લાશ પાસે જાઓ, અને એનો હાથ પકડો તો..”
મેં ગભરાઈને અનિકેતનો હાથ પકડ્યો. અનિકેતની હથેળીમાં પણ પરસેવો હતો.
“પાંચસોથી વધુ લાશ કાઢી હશે, સાહેબ, આ હાથથી. લાશનો હાથ પકડોને ત્યારે... પહેલા તો એ સરકી જાય હાથમાંથી. આપણા હાથમાં લીલ જેવી ચીકાશ જ આવે... હાથ છટકી જાય. ડૂબ્યાને બે દિવસ ઉપર થયા હોય તો ચામડી પણ હાથમાં આવી જાય. મરનારના હાથ પર કસીને પકડ જમાવતાં જ વાર લાગે. પકડ આવે ત્યાં સુધી તો એના કાંડા પર તમારા કાયમી ફિંગરપ્રીંટ આવી જાય! તમે લાશને ખેંચવા જાવ તો એ પથ્થર જેવી લાગે. સાહેબ! ઘડીભર તમે ભૂલી જાઓ કે તમે એને ઉપર ખેંચી રહ્યા છો. તમને એમ જ લાગે કે એ તમને નીચે ખેંચી રહી છે.”
મેં અનિકેતનો હાથ જોરથી પકડી લીધો. કિનારો નજીક હતો, તો ય ડૂબવાનો ડર લાગી રહ્યો હતો. થોડીવાર પહેલા જે નદી રમ્ય લાગી હતી, એ બિહામણી લાગવા માંડી.
“આજુબાજુ પાણી અને પેટમાં દારુ! નશા વગર તો તળિયે ઉતરાય જ નહીં. થોડો નશો ચડ્યો હોય એટલે મને ભ્રમણા થાય. કંઈ પણ દેખાય અને કંઈ પણ સંભળાય, લાશ કહે, ‘નીચે આવી જા. અહીં તળિયે જ સારું છે.’ ઉપર સપાટી પરથી અવાજ સંભળાય, ‘છોટુ જલદી.. છોટુ.. ક્યા કર રહે હો?’ તળિયાનું ખેંચાણ છોડી સપાટી પર આવવું સહેલું નથી. સાહેબ! એક ડૂબકીના ચાર હજાર તો કંઈ જ નથી. દરેક ડૂબકીમાં જિંદગી મોત સાથે હાથ મિલાવીને આવે છે!”
“એમ બોલ ને કે જિંદગી મોતને હાથતાળી આપીને આવે છે..” અનિકેત અત્યાર સુધી ચૂપ હતો, એને પંચલાઈન મળી.
અમે કિનારે આવ્યા. મેં અનિકેતને કહ્યું, “હવે કાલે આ તરફ નથી આવવું.”
*
બીજી સવારે અમે ત્યાં જ હતા. કેમ કે આગલા દિવસે નીકળતી વખતે છોટુએ કહ્યું હતું, “ગંગાના પાણી પર ઝિલમિલાતી રાત તમે જોઈ, ગંગાનું પાણી ઊગતા સૂરજને કેવી રીતે ઝીલે એ નથી જોવું? આમે ય મંદિરોમાં જાઓ એવા તો તમે લાગતા નથી, અને તો પછી વારાણસીમાં ગંગાજી સિવાય છે શું?”
એની વાત સાચી હતી. દર્શનની લાઈનો, પૂજાની વિધિઓના ભાવતાલ એ બધું અમારા એજંડામાં ન જ આવે. મેં કહ્યું, “તમે બન્ને લાશની અને ડૂબવાની કોઈ વાત ન કરવાના હો તો આવું!”
બન્નેએ વચન આપ્યું અને પરિણામે નૌકાવિહાર સાથે સૂર્યોદયનો આનંદ માણવા અમે પહોંચી ગયા.
હજુ ભડભાંખળું જ થયું હતું અને વાતો પણ ઉઘડતા સૂરજ જેવી જ ઉઘડી.
મેં જ વાત શરૂ કરી, “તેં કાલે કહ્યું તારે ત્રણ દીકરી છે!”
“ત્રણ દીકરીની વાત થઈ. ત્રણ જ દીકરી છે એમ નથી કહ્યું. ચોથી જન્મેલી તે ગુજરી ગઈ.”
“એના લગનના લાખ બચ્યા!” જરૂરી નહોતું એવું વાક્ય અનિકેત બોલ્યો.
“નેવુ હજાર જ બચ્યા! મરણની વિધિમાં ય દસ હજાર તો ખરચાઈ જ જાય ને!” છોટુ પાસે અનિકેતની દરેક વાતનો જવાબ હતો. અનિકેત આગળ કંઈ બોલે છે? એની રાહ જોઈ એણે આગળ ચલાવ્યું, “પાંચમી કોઈ મુસલમાનના પ્રેમમાં છે, એ એની સાથે ભાગીય ગઈ હતી, ઉંમર નાની હતી એટલે લઈ આવ્યા, પણ અઢારની થશે, એટલે એની સાથે જ ભાગશે.”
“પાંચ સંતાનો! લાગે છે તેં કુટુંબનિયોજન વિશે સાંભળ્યુ નથી? સરકાર નક્કામી આટઆટલી જાહેરાતો કરે છે!” અનિકેતે ફરી મજાક કરી.
“સાંભળ્યું છે અને સમજું પણ છું. પણ લખમી માને? ચારેચાર જેઠાણીને દીકરા છે, ભાભીને દીકરો છે, તો પછી એને એક દીકરો તો જોઈએ ને!”
કોઈ હાવભાવ વગર અજબ પ્રકારની ઉદાસીનતાથી એણે વાત આગળ વધારી, “એક દીકરાની લ્હાયમાં છઠ્ઠી દીકરી આવી. લખમીએ એને દીકરાની જેમ ઉછેરી. કાયમ પેંટ પહેરાવ્યું, વાળ બોય કટ કાપ્યા, મુન્ની નામ હતું તો ય ‘મુન્નો’ કહી બોલાવી, એ ય પંદરની થઈ. હજુ શર્ટ પેંટ પહેરે છે. અમારી બસ્તીમાં જરા અજીબ લાગે, પણ એ ય મનની જિદ્દી છે. એ તો લગ્નની કરવાની જ ના પાડે છે! એટલે દીકરીઓ કુલ અડધો દર્જન છે, પણ લગનનો ખરચ તો લગભગ એકનો જ બાકી છે.”
“આ સૂર્ય હજુ ઊગવાનું નામ કેમ નથી લેતો?” મને બેચેની થઈ.
“મજા સૂર્યોદયની હોતી જ નથી, એકવાર સૂર્ય ઊગે પછી તો દિવસ જેવો દિવસ! મજા તો આ સમયની જ હોય છે.”
છ દીકરીના દારૂડિયો બાપ મને પૂર્વ દિશા દેખાડી રહ્યો હતો. ક્ષિતિજ પર મને દારુડિયાની આંખમાં હોય એવી લાલાશ દેખાઈ રહી હતી. કે પછી એ લાલાશ વીતેલી કાલના લોહીની હતી? હું વર્તમાનમાં ન રહું તો બેચેન થઈ જાઉં.
આમ કંઈ બીજાની વાતથી બેચેન થવાનું મારા સ્વભાવમાં નથી. શરીરથી ખડતલ અને મનથી મજબૂત છું હું. છોકરાઓ જેવી. પણ આખરે હું ય એક દીકરી જ છું ને! ભલે મને પણ મારી માએ પેન્ટ પહેરાવી જ ઉછેરી હોય! હું ય ત્રીજું અને છેલ્લું સંતાન હતી. ભાઈ ન જન્મ્યો તે ન જ જન્મ્યો. એના દુ:ખમાં સોરવાતાં માબાપ સાથે સત્તર વર્ષ એક છત નીચે કાઢવા એ ય સહેલું નથી.
બહુ નાની ઉમરે ઘરથી નીકળી ગઈ હતી. સંપર્કમાં રહેવાનું, પણ ઘરે કદી જવાનું નહીં. ગઈ કાલે જ પપ્પા ફોન પર નોકરી છોડવા બદલ ખિજાયા હતા, અને મા એ તરત ફોન હાથમાં લઈ લાડ કર્યું હતું, “મારા દીકરા! મન પર લેવાનું નહીં, પપ્પા તો બોલ્યા કરે!”
અહીં છોટુની વાત ચાલુ જ હતી, “બહુ દવા કરાવી, બાધાઆખડી રાખી. પણ દીકરો ન થયો એટલે ગુસ્સે થઈને એક દિવસ મેં બધુ બંધ કરાવ્યું.”
“ગૂડ!” અનિકેત બોલ્યો,
મેં અનિકેતને કહ્યું, “એમાં ગૂડ શું? આપણા જેવા ભણેલા માણસોને અભણ માણસ સમજદારી બતાવે એ બહુ ગમે, આપણે એ કદી નથી જોતાં કે એમ કરવામાં એ કેટલી પીડામાંથી પસાર થયો હશે!”
છોટુ બોલ્યો, “તકલીફ કોઈ થઈ જ નથી, કેમ કે બધા ઉપચાર છોડ્યા પછી એક વરસે દીકરો જન્મ્યો. એ ય હવે આટલો.. સાડા દસ વરસનો થયો.” છોટુએ હાથથી દીકરાની કેટલી ઊંચાઈ છે તે બતાવ્યું.
સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું. કિનારો નજીક હતો. કિનારે વસ્તીના બાળકો ઘાટ પરથી ધુબાકા લગાવી સવારના સ્નાનનો મસ્તીભર્યો આનંદ લઈ રહ્યા હતા. બાંધેલા ઘાટ અહીં જ પૂરા થતાં હતા. થોડેક આગળથી નદીનો રેતાળ પટ શરૂ થતો હતો. નાના બાળકો નદીકિનારે રેતીમાં રમી રહ્યા હતા. કેટલાક નાવિકો એમની નાવનું નાનુંમોટું સમારકામ કરી રહ્યા હતા.
છોટુંએ કહ્યું, “ત્યાં કિનારે અમારી વસ્તી પાસે ચાની દુકાન છે, ત્યાં સરસ ચા મળે છે. પીવી છે?”
*
દસ બાય દસની ખોલીમાં ચાની દુકાન હતી. ચાર બરણીઓમાં જરૂરી એટલો નાસ્તો હતો. પાંચ-દસ રુપિયાવાળા વેફર-ચેવડાના પડીકા ય હતા. દુકાન ચોખ્ખી હતી. છોટુએ બે ડબ્બા પર ગોઠવેલા પાટિયાને સાફ કરી એના પર અમને બેસવા કહ્યું. અમે કોઈ કોમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટવાળી હોટલમાં તો ઉતર્યા નહોતા એટલે ચાની સાથે થોડી ખારી બિસ્કીટ ખાઈ લેવામાંય વાંધો નહોતો.
અંદરથી દુકાન- માલિક બેન આવ્યા. છોટુએ કહ્યું, “મહેમાન કે લિયે ચાય બનાવો!” ઘૂમટો તાણેલી દુકાનની માલિક અંદર ગઈ. ઘરાકને બદલે અમને મહેમાન કહ્યા. પછી અમારી સામે જોઈ બોલ્યો, “લખમી છે!”
તો આ ચા કોમ્પ્લીમેંટરી હતી. અનિકેતે પૂછ્યું, “બધા ટુરિસ્ટને લાવે છે અહીં? તારા પેકેજમાં આવે ચા?”
છોટુએ કહ્યું, “બારસોવાળાને લાવું છું, છસોવાળાને નહીં!”
ચા આવી. રેતીમાં રમી રહેલા નાના બાળકોને મોટા બાળકો ઘાટ પરથી નદીમાં કૂદવા આહ્વાન કરી રહ્યા હતા. તે તરફ જોઈ, છોટુ બોલ્યો, “વો રહા બચુ!” હવે આ રેતીમાં રમતાં બારપંદર બાળકમાં કયો બચુ છે એની અમને સમજ ન પડી.
મેં પૂછ્યું, “કૌન સા?”
એણે કહ્યું, “વો.. વો..”
અમે ખોટું ‘હા હા’ કર્યું. છોટુ પણ સમજી ગયો કે આ લોકોને સમજ પડી નથી કે આમાંથી બચુ કોણ છે, અને સમજ પડે એ જરૂરી પણ નહોતું એટલે વાત અટકી. છોકરાને રમતો અટકાવી, નમસ્કાર કરવા બોલાવે એવો બાપ એ નહોતો.
થોડી જ વારમાં લખમી ખાલી કપ લેવા આવી, સહેજ ઘૂમટો હટાવી એણે કિનારા પરનું દૃશ્ય જોયું અને દોડી. કિનારા તરફ એ રીતે દોડી, જાણે દોડવાની હરિફાઈમાં ભાગ લીધો હોય. એ જોઈ છોટુ હસતો રહ્યો એટલે કશું ગંભીર નહોતું એ તો અમને અંદાજ આવી ગયો, પણ જે રીતે ઘૂમટા કે સાડીનું ભાન ભૂલીને લખમી દોડી એ જરા નવાઈ પમાડે એવું તો હતું જ.
છોટુ બોલ્યો, “એક મિનિટમાં તમને ખબર પડી જશે કે આ છોકરામાંથી બચુ કોણ છે?”
લખમી એક છોકરાને ધોલધપાટ કરતી કરતી લઈ આવી. દસેક વરસનો છોકરો હતો. લખમી ગુસ્સાથી હાંફી રહી હતી, “કિતની બાર ના બોલા, નદિયા કે પાસ મત જાઓ, છનભર મેં બહા કે લે જાયેગી!”
સાત સંતાનોને જન્મ આપી કૃશ થયેલી માની ધોલધપાટમાં એવું જોર તો ન જ હોય કે દસ વરસનો છોકરો રડી પડે, પણ પાણીમાં રમવાની મજા અટકવાથી છોકરો રડી રહ્યો હતો. પપ્પાને જોઈ બૂમ પાડી, “બાપૂ, માં સે કેહ દો, બેકાર મેં પીટતી રહતી હૈ રોજ રોજ!”
છોટુએ નજર ફેરવી લીધી. બાપૂની મદદ ન મળી એટલે ધૂંધવાયેલો છોકરો લખમીના હાથમાંથી છટકીને ભાગ્યો. છોકરાએ પોતાની નજર નદી તરફ કરી જ્યાં જવાનો એને ‘ગોલ’ હતો. પણ વચ્ચે મા ગોલકીપરની જેમ ઊભી રહી ગઈ હતી. એક ક્ષણ થયું કે માને ધક્કો મારીને ય બચુ નદી તરફ જશે.
છોટુએ બૂમ પાડી, “બચુ, જા સાઈકિલ ચલા! મૈં દેતા હૂં પૈસા..”
બચુએ દિશા બદલી, નદી તરફ જવાને બદલે વસ્તી તરફની ગલીમાં અદૃશ્ય થતાં પહેલા બોલ્યો, “જાઉંગા જાઉંગા, સો બાર નદી મેં જાઉંગા!”
આમ કહીને એ ગયો નદીથી દૂર.. એટલે આફત ટળી. લખમી ધમધમ કરતી આવી. કપ ઉઠાવતી ગઈ. જતાં જતાં બોલી, “બાપ ખુદ તો કુછ સીખ દેતા નહીં ઔર જબ માં અચ્છી સીખ દે રહી હો, તબ બાપ કો હંસી આતી હૈ, તો ફિર બચ્ચા કહાં સે કાબૂ મેં રહેગા?”
પત્ની દ્વારા ખખડાવાયેલો પતિ ફિલસૂફ બની જાય છે. છોટુએ પણ ખુલાસો કર્યો, “વૈસે હમારે યહાં ઔરત મરદોં કે સામને જ્યાદા બોલતી નહીં હૈ. પર અબ સાત બચ્ચોં કી માં કભી ગુસ્સે મેં કુછ કહ જાયે તો ઉસ કા બૂરા નહીં લગાના ચાહિયે!”
અનિકેત ઘણા સમયથી કંઈ બોલ્યો નહોતો, જે એના સ્વભાવથી વિરુદ્ધ હતું. આખરે એણે મારી સામે જોઈ ટીપ્પણી કરી, “સિંગલ ચાઈલ્ડ! પ્રેશિયસ ચાઈલ્ડ! ઇનસિક્યોર મધર!”
“અપની જગહ પર સહી હૈ વો, પર બચ્ચે કો કૈસે સમજાયેં? વો કહેતી હૈ, ‘યે નાવ નહીં ચલાયેગા, યે તૈરના નહીં સિખેગા. યે પઢેગા લિખેગા ઔર બાબુ બનેગા’!”
જરા વાર રહીને છોટુએ પોતાનું દર્દ શબ્દમાં મૂક્યું, “બાપ બસ્તીનો સૌથી મોટો તૈરાક છે, અને એનો ખુદનો દીકરો જ તરતા નહીં શીખે? યહાં તક કિ બ્રાહમિન ઔર બનિયે કે બેટે મેરે પાસ સીખને આતે હૈં, ઔર મેરા બચ્ચા નહીં સિખેગા મુઝ સે?”
સહેજ થોભીને એ બોલ્યો. “સાફ ના બોલ દિયા ગયા હૈ મુઝે! ઔર મૈં ભી એક માં કી બાત કે ઉપર કૈસે જા સકતા હૂં?”
મને સવાલ થયો, અને એ મેં રજૂ કર્યો. “અહીં રહેવું, સામે નદીનો અફાટ પ્રવાહ હોય, બીજા છોકરા સવારસાંજ નદીમાં ધુબાકા લગાવતા હોય, કલાકે કલાકે નાવિકો નદીમાં હોડી ઉતારતા હોય, એવામાં એક બાળકને પાણીથી દૂર કઈ રીતે રખાય?”
અનિકેતે મને કહ્યું, “આઈ થીંક, બીઈંગ અ લેડી, યૂ શૂડ એક્સપ્લેઈન ધીસ ટુ ધ ઈંસિક્યોર મધર!”
હું એવું ન કરું. ફોટોગ્રાફર દૃશ્ય જુએ, ઝીલે, પણ દૃશ્યને બદલે નહીં, દૃશ્યમાં દખલ ન કરે!
“લખમી સમજે છે આ વાત.” છોટુ બોલ્યો. “એ મને સમજાવે છે કે આ બસ્તી અને આ ઝૂંપડી છોડી બીજે રહેવા જઈએ. ભાડાના ઘરમાં! હવે મહિને મહિને ભાડું તો ભરી દઉં, બે લાશ વધારે કાઢીશ! પણ ઘરની પાઘડીના પૈસા ક્યાંથી લાવું?”
અસલામતી અનુભવતી મા, દીકરાને એવી જગ્યાએ ઉછેરવા માંગતી હતી જ્યાં સામે નદી આવકારતી ન હોય!
“અબ એક બાપ અપને લડકે કો વિરાસત મેં અપની હૈસિયત સે જ્યાદા તો નહીં દે સકતા ના!” છોટુ બોલ્યો.
અનિકેત મારી સામે જોઈ બોલ્યો, “પૂઅર ફેલો! આઈ ફીલ, ધ મધર શૂડ મેચ્યોર!”
છોટુના પરિવારની જ ચર્ચામાં છોટુને બાકાત રાખવા એ અંગ્રેજી બોલતો હતો, એ મને નહોતું ગમતું. પણ આ અભણ નાવિક છોટુ જરા જુદો હતો. ભાષા સમજ્યા વગર વાતનો મર્મ પકડવામાં એક્કો હતો.
“દેખતે હૈં, લડકા પેહલે બડા હોતા હૈ કિ માં બડી હોતી હૈ! કમ સે કમ દો મેં સે એક બડા હો જાય!”
રિસાયેલા બચુનો પીછો કરીને આવેલી લખમી રિપોર્ટ આપી ગઈ, “ઈસ્કૂલકે ગ્રાઉંડ પે સાઈકિલ ચલા રહા હૈ!” એના ચહેરા પર અવર્ણનીય સંતોષ હતો. એ જોઈ છોટુએ પણ હિંમત કરી, “અપને બચ્ચે કે પીછે ઇતની બાવલી હો જાઓગી? કિ મહેમાન કો નાસ્તે કા ભી નહીં પૂછોગી?”
પોતે આતિથ્યવિવેક ચૂકી એ બાબતે લખમી એકદમ ગલવાઈ ગઈ. અને એ ક્ષોભ ઓછો કરવા માટે અમને ‘બેટે કી સોગંદ હૈ’ કહીને નાસ્તો કરવા આગ્રહ કર્યો.
નાસ્તા માટે બેસવું પડ્યું. અમારે બીજુ કોઈ કામ તો હતું નહીં, પણ બોટીંગ માટે કોઈ ઘરાક આવ્યો એટલે છોટુ એને કિનારા તરફ લઈ જઈ ભાવતાલ કરવા લાગ્યો. મેં ઝૂંપડાઓની વચ્ચે ડોકાતી બિલાડીઓની ફોટોગ્રાફી શરૂ કરી. અને થોડીવારમાં લખમી નાસ્તો લઈને આવી. એને ખ્યાલ આવી ગયો કે અમે છોટુની ફિલસૂફી સાંભળીને બેઠા હોઈશું, એટલે એણે બહુ સહજતાથી પોતાની વાત કહી દીધી, “લાશ નિકાલ કે લાના ભી કોઈ કામ હૈ? કૌન માં ચાહેગી કિ બેટા ઐસા કામ કરે?”
“નાવ તો ચલા સકતા હૈ વો!” મેં કહ્યું.
એનો અવાજ અચાનક સહેજ ઊંચો થઈ ગયો. “મેરા બચુ પાની સે દૂર હી રહેગા. ઔર હજાર તરીકે કે કામ હૈ દુનિયા મેં!”
“તુમ્હારે પરિવાર મેં કોઈ ડૂબ કર ગુજર ભી ગયા હૈ કિ ખાલી બેકાર મેં ડરતી હો?” અનિકેતે સવાલ કરી જ દીધો.
“ના રે! ઇન કી કે સાત પીઢિયોં મેં ડૂબકર કોઈ નહીં ગુજરા! ઇન કે દોનોં બડી ભાઈ ભી તૈરાક થે. ગોતાખોર. લાશ નિકાલનેવાલે! લેકિન યે કામ કૈસા હૈ, લાશ નિકાલને સે પેહલે શરાબ, બાદ મેં શરાબ! દોનો ભાઈ પાની મેં ડૂબ કર નહીં ગુજરે, શરાબ મેં ડૂબકર ગુજર ગયે!”
મને કાલે જ કાળમુખો વિચાર આવ્યો હતો, કે આ ગોતાખોરનું લીવર ખરાબ જ હશે. પણ એ તો હવે એની મોટાભાગની જવાબદારી પૂરી કરી પચાસનો થઈ ગયો હતો. પતિએ પરિવાર માટે આજ સુધી જે કંઈ અને જે રીતે કર્યું એનાથી લખમીને ફરિયાદ નહોતી, પણ હવે લખમીનું ધ્યાન એના દીકરા પર હતું. દીકરા માટે એની કલ્પનાની દુનિયા જુદી હતી.
“અગલે સાલ બચુવા કો બડે ઈસ્કૂલ ડાલના હૈ, બસ છુટકી કી શાદી નિપટ જાયે.” બચુને એ ‘બચુવા’ કહેતી.
“બડા ઈસ્કૂલ!” અનિકેત હસ્યો!
“હાં બહોત બડા ઇસ્કૂલ!” પોતાના ઘરેણાંની સામે જોઈ જે રીતે એ બોલી, મને થયું ઘરેણાં વેચીને પણ આ બાઈ એના એકના એક દીકરાને મોટી સ્કૂલમાં મૂકશે જ!
“પર ઉસ બડે ઇસ્કૂલ મેં સ્વીમીંગ પુલ ના હો, ઉસ કા ધ્યાન રખના!” અનિકેતે ફરી મજાક કરી. મને થયું અનિકેતને લઈને ફરી બોટીંગ પર જાઉં અને મઝધારમાં જઈ ધક્કો મારી દઉં!
લખમીએ વાત ધ્યાન પર ન લીધી કેમ કે એ જ સમયે રમી પરવારીને છોકરાઓનું ટોળું પોતપોતાના ઘરે જઈ રહ્યું હતું ત્યારે એક છોકરાએ ચાંપલાઈ કરી, “લખમી, યે લલવા તેરે લડકો કો બોલતા થા કિ તુઝે તૈરના મૈં સિખાઉંગા!” વીફરેલી લખમી એ ચૌદેક વરસના લલવાની પાછળ ઝાડુ લઈને દોડી.
*
વારણસીથી સારનાથ, સારનાથથી શ્રાવસ્તી, અને શ્રાવસ્તીથી અલહાબાદ પહોંચ્યા. પૈસા ખૂટવા આવ્યા હતા તોય ખજૂરાજો ગયા. ખજૂરાહો પહોંચ્યા ત્યારે બીજા દિવસે ખિસામાં એકે પૈસો નહોતો. રિટર્ન ટિકિટ તો વારાણસીથી બૂક્ડ હતી એટલે એની ચિંતા નહોતી પણ રિટર્ન થવાને હજુ ચારેક દિવસ બાકી હતા. આ ચાર દિવસનો ખર્ચ ક્યાંથી કાઢવો?
અનિકેત ઉધાર માંગી શકાય એવા બધા મિત્રો પાસે ઉધાર માંગી ચૂક્યો હતો. એના પર માત્ર ઉઘરાણીના જ ફોન આવતા. એકવાર એ નહાવા ગયો હતો ત્યારે એનો ફોન ઉપાડી મેં જવાબ આપ્યો કે અનિકેત અહીં વારાણસી ફરવા આવ્યો છે, ત્યારે એ ટુવાલભેર દોડી આવ્યો અને ઉઘરાણી કરનાર દોસ્તને કહ્યું, “અરે, દાદી ગુજર ગઈ હૈ, શ્રાદ્ધ કરને આયા હૂં!”
ટૂંકમાં પૈસાની વ્યવસ્થા મારે જ કરવાની હતી. પપ્પા પાસે માંગુ તો તરત એકાઉંટમાં જમા થઈ જાય, પણ પૈસાની સાથે સાથે સલાહ પણ મળે સ્થિર નોકરી કરવાની. મમ્મી પાસે મંગાવું તો મમ્મીએ ચોરીછુપીથી આપવા પડે. હું વિચારી રહી હતી શું કરું! ખજૂરાહોના ફોટો પાડવાનું ય મન નહોતું. છેવટે કાચોપાકો વિચાર કરી એક મેગેઝિનના એડિટરને ફોન કર્યો, “ખજૂરાહો પર કોઈ સ્ટોરી કરવી છે? ફોટો ફિચર?” પેલાએ વિચાર કરવા ઘડીભરનો સમય લીધો, મને સીધેસીધી વાત કરવાની ટેવ, મેં કહ્યું, “પણ પૈસા એડવાંસ જોઈશે. ઈનફેકટ પૈસાની અરજંટ જરૂર છે એટલા માટે જ ખજૂરાહો જેવા બોગસ સબજેક્ટનું ફોટોફિચર કરવા તૈયાર થઈ છું!”
“નેત્રા શંકર જેવી ફોટોગ્રાફર અમારા જેવા નાના મેગેઝિન માટે ફોટો ફિચર કરે એ જ મોટી વાત છે!”
હકીકતમાં નેત્રા શંકર મોટી ફોટોગ્રાફર નહોતી અને એ મેગેઝિન કંઈ નાનું નહોતું. પણ વાતનો સાર એ હતો કે એ ફોટો ફિચર ખરીદવા તૈયાર હતો. છતાં મોટા મેગેઝિનના તંત્રીઓ થોડા દોઢડાહ્યા તો હોય જ.
“પણ જે વિષય તારા હૃદયની નજીક નથી એના ફોટા કેવા આવશે? દસ હજાર એડવાંસ તો હમણાં જ જમા કરાવું છું પણ આઈ વોંટ સમ ડિફરંટ સબજેક્ટ! સમ થિંગ ધેટ ઓનલી નેત્રા શંકર કૂડ ડૂ!”
મેં બે ક્ષણ વિચાર્યું અને કહ્યું, “સબજેક્ટ છે મારી પાસે. એડવાંસ જમા કરાવો!”
છેલ્લી બચેલી નોટમાંથી અનિકેત લંચ માટે ભજિયા લઈને આવ્યો ત્યારે મેં એને કહ્યું, “દસ મિનિટમાં કેશ જમા થશે, આપણે વારાણસી જવાનું છે.”
*
મેં સબજેક્ટ નક્કી કરી લીધો હતો. ગંગામૈયા! મારે વારાણસીની હોડીઓ, કિનારા અને બસ્તીઓની ફોટોગ્રાફી કરવી હતી. મારે એવા વારાણસીને કેમેરામાં કંડારવું હતું, જેમાં નદી આવે, ઘાટ પણ કદાચ આવે પણ કોઈ યાત્રાળુ ન આવે! આઠસો રુપિયાવાળી રૂમમાં ચેક ઈન કરી અમે છોટુને શોધવા નીકળ્યા. બે અઠવાડિયા પહેલા જ્યાં અમસ્તાં ગયા હતાં ત્યાં હવે પ્રોફેશનલ જોબ લઈ પહોંચ્યા.
મુખ્ય રસ્તો છોડી વસ્તી તરફ દાખલ થવાની ગલી શરૂ થતાં જ ડાબી બાજુ સ્કૂલ હતી. સ્કૂલના ગ્રાઉંડમાં બાળકો સાઈકલ ચલાવી રહ્યા હતા. બપોરનો સુમાર હતો. થોડીવાર પહેલા જ મોર્નિંગ પાળીની સ્કૂલ છૂટી હશે, એટલે મોડા ઘરે જનારા બાળકો ચહલકદમી કરતાં કરતાં ઘૂમી રહ્યા હતા.
છોટુના ઘરે પહોંચતા પહેલા થોડીવાર કિનારે ચાલવાનું થાય. પછી એનું ફળિયું આવે. કિનારે પહોંચ્યા તો જોયું કે કેટલાક બાળકો ભીના કપડાં પ્લાસ્ટિકની થેલીમાં ભરી સ્કૂલનો યુનિફોર્મ ચડાવી રહ્યા હતા. અનિકેતે મને સમજ પાડી, “સ્કૂલથી રિસેસ પછી દફતર લઈ ભાગ્યા હશે, તરવા માટે. હવે ફરી યુનિફોર્મ પહેરી ડાહ્યાડમરા થઈ ઘરે જશે!”
છોટુની ચાની દુકાન દેખાઈ. બપોરનું બોઝિલ વાતાવરણ હતું. કિનારો સૂમસામ ભાસતો હતો.
મેં બૂમ પાડી, “લખમી બહન! લખમી બહન!”
દુકાનનું પતરું ઠોક્યું, કોઈ નહોતું. એક છોકરો અમને જોઈ કિનારા તરફ દોડ્યો અને થોડીવારમાં પાછો આવ્યો. એની પાછળ છોટુ આવ્યો. અમને જોઈ ખુશ થયો. બે ડબ્બા પર ગોઠવેલું પાટિયું સરખું કરી, લખમીને બૂમ પાડી.
મેં કહ્યું, “નથી લખમી અંદર!”
એણે કહ્યું, “સ્કૂલ છૂટવાનો ટાઈમ થયો ને, લેવા ગઈ હશે બચુ ને! આખા ગામના છોકરા એકલા આવે છે ઘરે, પણ લખમી બચુને લેવા જાય. બચુને શરમ લાગે, આ હોળી પર અગિયારનો થવાનો, મા લેવા જાય એટલે બીજા છોકરા ચીડવે, દેખો બચુઆ કી મા આઈ દૂધ કા બોતલ લેકર! એટલે બચુ લખમીથી દૂર જ ભાગે!”
લખમી આવી. એકલી હતી. હાંફળી ફાંફળી. “બચુ આયા? બચુ નહીં હૈ, સ્કૂલ મેં! સારે રાસ્તેમેં ઢૂંઢતી આઈ ઉસે!”
છોટુ બોલ્યો, “સ્કૂલ સે બસ્તીમેં આને કે ચાર રાસ્તે હૈ, કહીં સે ભી આતા હોગા!”
લખમીએ આમતેમ ગલીકૂચી તરફ જોયું, “સ્કૂલ છૂટી આધા ઘંટા હો ગયા. વો તો દૌડતા હુઆ તીન મિનટમેં આ જાતા હૈ! તુમ જાઓ ઉસે ઢૂંઢ કે લાઓ.”
છોટુ નામરજીથી ઊભો થયો, “આપ ફિકર મત કરો, મહિને મેં કમ સે કમ દો બાર ઐસે ઢૂંઢને નિકલના પડતા હૈ.”
છોટુ નીકળ્યો. એટલે લખમીનો રઘવાટ ઓછો થયો, અને એ હાયવરાળ વ્યક્ત કરવા જેટલી શાંત થઈ, “છહ લડકિયા કૈસે બડી હો ગઈ પતા નહીં ચલા, ઇસ બચુ ને તો નાક મેં દમ કર રખ્ખા હૈ! એક તો બચુ કે પાપા બીમાર હૈ, કલ હી દાક્તર કો દિખાકર આયે.”
“ઓહ, ક્યા કહા ડોક્ટરને?”
“ઔર ક્યા કહેંગે, બોલે કિ શરાબ છોડો ઔર થોડે દિન આરામ કરો. પર યે કરેંગે આરામ? દેખા નહીં, નાવ સજાને બૈઠે થે હથોડી લેકર!”
ક્ષણભરમાં જ એનો દીકરો ફરી યાદ આવ્યો. “પતા નહીં, કહાં કહાં ખેલતા રહેતા હૈ સારા દિન, કમ સે કમ બતાકર તો જાયે!”
મેં કહ્યું, “ચિંતા મત કરો, છોટુભાઈ ગયે હૈ, ઉસે લેકર હી આયેંગે!”
“બેટા બાપ પે ગયા હૈ, સબ કેહતે હૈ, વો ભી ઐસે હી થે બચપન મેં! શાદી કે બાદ જિમ્મેદારી સીખી.”
“બચુ ભી સિખ જાયેગા, ઉસ કી શાદી કર દો જલદી જલદી!” અનિકેત ફરી નકામી કોમેંટ કરી તેથી અને આમે ય ક્ષણ ક્ષણ યુગ જેવી જવાથી લખમી બેચેન હતી. “મુઝે માલૂમ હૈ કહાં હોગા, મૈં હી ઢૂંઢ કે લાતી હૂં.” કહી લખમી નીકળી.
હું ફોટોફિચર પાડવા આવી હતી. બચુ મળી જાય એટલે છોટુને લઈને નીકળવા વિચાર હતો.
અનિકેતે ઘડિયાળ જોઈ કહ્યું, “આમ તો અત્યારે ય કિનારાના ફોટો પાડી શકાય એવું છે!”
મેં કહ્યું, “પણ હજુ થોડો સૂરજ ઢળે પછી જ દૃશ્યમાં કલર આવશે.” હકીકતમાં મારો ફોટો પાડવાનો મૂડ પણ નહોતો.
છોટુ આવ્યો. એકલો હતો, “લખમી ક્યાં ગઈ?”
અનિકેત બોલ્યો, “એ બચુને શોધવા ગઈ, હવે તું એને શોધવા જા, એટલે બચુ તમને બન્નેને શોધવા અહીં આવશે!”
હું ગરજી ઊઠી, “અનિકેત, કેન યૂ કીપ અવે ફ્રોમ યોર સ્ટુપિડ હ્યુમર, ફોર અ વ્હાઈલ?”
હવે પાંચ મિનિટ એ કંઈ નહીં બોલે.
મેં છોટુને માહિતી આપી, “લખમી એમ કહીને ગઈ છે કે બચુ ક્યાં હશે એ મને ખબર છે!”
મને ખ્યાલ હતો જ કે છોટુ હવે સાચું અનુમાન લગાવી શકશે.
“ઓહ, પુરાના સંકટ ઘાટ!”
“એ ક્યાં છે?” એના મોં પર ચિંતાની લકીર જોઈ મેં પૂછ્યું.
“દોઢ કિલોમીટર દૂર એક નિર્જન ઓવારો છો, છોકરાઓ સ્કૂલથી ભાગીને ત્યાં તરવા જાય છે.”
બીજી મિનિટે અમે રિક્ષામાં હતા કેમ કે હોડીમાં પહોંચતા વાર લાગે.
ચારેક મિનિટ પછી છોટુ છલાંગ લગાવતો પુરાના સંકટ ઘાટના ખડક ચડી રહ્યો હતો. પાછળ પાછળ અમે ય દોડ્યા.
લખમી ત્યાં જ હતી. કિનારે કિનારે દોડીને આવી હશે એટલે હાંફતી હતી. એક છોકરાને તમાચા લગાવી રહી હતી.
મેં ઓળખ્યો, એ લલવો હતો. જેની પાછળ લખમી તે દિવસે ઝાડુ લઈ દોડી હતી.
“બચુઆ કહાં હૈ મેરા?” કહી ચિલ્લાઈ રહી હતી, અમે પહોચીએ ત્યાં સુધીમાં તો એણે ખાસી ધોલધપાટ કરી નાખી હતી.
છોટુ વચ્ચે પડી લલવાને બચાવવા ગયો, પણ લખમી અટકવાનું નામ નહોતી લેતી.
એણે લલવાને રેતીમાં ગબડાવી દીધો અને એને લાતો મારી રહી હતી.
આખરે છોટુએ લખમીને એક સણસણતો તમાચો ચોડી દીધો. અને કહ્યું, “અરે યે ભી તો કિસી કા બચ્ચા હૈ, જાન લે લોગી ક્યા?”
સોપો પડી ગયો. અનિકેત કંઈ બોલવા જતો હતો, એને મેં અટકાવ્યો.
એક છોકરો બોલ્યો, “બચુઆ તૈરકર સામનેવાલે કિનારે ગયા હૈ!”
સામે લગભગ એકાદ કિલોમીટરનો અફાટ લાગતો પટ હતો. બચુની મા બચુને એક ફૂટમા પાણીમાં એને જવા નહોતી દેતી અને આ લોકો કહી રહ્યા હતા, “બચુઆ તૈરકર સામનેવાલે કિનારે ગયા હૈ!”
લખમી હતપ્રભ થઈ ગઈ! એણે ઠૂઠવો મૂક્યો, “ડૂબ ગયા મેરા બચ્ચા!” હાથ છાતી પર પીટી, સંતોષ ન થયો એટલે માથું પથ્થર સાથે ભટકાવ્યું, મેં શક્ય એટલી તાકાતથી એને પકડવા કોશીશ કરી. એ બે ક્ષણમાં જ છોટુએ ગંગામૈયામાં ઝંપલાવ્યું.
અનિકેતને થોડીવાર પહેલા મેં બરાબર ટપાર્યો ન હોત તો એ બોલ્યો હોત “ગોતાખોરે આજે બે ઘૂંટ લીધા વગર ઝંપલાવ્યું!”
છોટુની કુશળ કાયા ઘડીભરમાં તો મઝધારમાં હતી.
સામે કિનારે થોડા છોકરા દેખાતા હતા. કેમેરાનો ઝૂમ લેંસ લગાવી મેં જોયું. થોડીવારમાં તો એ સામે કાંઠે પહોંચ્યો, પણ.. ખ્યાલ આવ્યો નહીં કે શું થયું. એટલું જ દેખાયું કે થોડીવારમાં છોટુએ ફરી સામા કિનારેથી છલાંગ લગાવી.
એટલીવારમાં તો છોકરાઓ આમતેમ દોડી વળ્યા, પાંચ મિનિટમાં તો વાત ફેલાઈ ગઈ. બધા ભેગા થઈ ગયા. લલવાનો બાપ પણ આવી ગયો, એણે લલવાને ફટકાર્યો, “અગર બચુઆ નહીં મિલા તો પથ્થર સે બાંધકર તુઝે ડૂબો દૂંગા!”
લાત ખાધા પછીય કૂતરું ભસે એ રીતે લલવો બોલ્યો, “બચુઆ નહીં ડૂબેગા! વો તો હમ સે ભી અચ્છા તૈરાક હૈ!”
લલવાના બાપે એને બીજી એક લાત ફટકારી!
લલવાના બાપ સાથે બીજા વીસ પચીસ માણસો સાથે ત્રણ ચાર બોટ લઈ પાણીના પ્રવાહમાં નીકળી પડ્યા.
કોઈએ પોલિસને ફોન કર્યો એટલે ઘરઘરાટી બોલાવતી એક સ્પીડબોટ પણ થોડી જ વારમાં નદીને ઘમરોળવા લાગી.
લખમી લગભગ બેહોશ થઈ ગઈ હતી. પણ અહીંથી ખસવાની ના પાડતી હતી. અનિકેત એક ડોક્ટરને બોલાવી લાવ્યો, જે એનું પ્રેસર માપી રહ્યો હતો. ગંગાનો પ્રવાહ તેજ હતો કે એનો રક્તપ્રવાહ, ખબર નહીં!
એક કલાક પસાર થઈ ગયો. કોઈ પરિણામ નહીં.
બે કલાક પછી પણ શોધ ચાલી રહી હતી. પ્રવાહની દિશા તરફ શોધ કરાય એટલે ધીરે ધીરે શોધ પુરાના સંકટ ઘાટને બદલે પૂર્વ દિશામાં મુખ્ય ઘાટ તરફ શરૂ કરવામાં આવી. બચુ તો ન જ મળ્યો, પણ ખબર નહીં એનો બાપ છોટુ પણ કઈ તરફ શોધ ચલાવી રહ્યો હતો? લલવાનો બાપ કહેતો હતો કે નદીના પ્રવાહની છોટુ કરતાં વધારે ગતાગમ કોઈને ન હોય. એટલે કદાચ એની સૂઝ પ્રમાણે એ સામે કાંઠે તપાસ ચલાવી રહ્યો હશે. સમજદાર વડીલોએ એને મદદ કરવા અમુક તરવૈયાને સામે કાંઠે પણ મોકલ્યા.
બે કલાક થયા, એટલે રાબેતા મુજબ તપાસ વોટરવર્ક્સની આસપાસ કેંદ્રિત થઈ. સ્પીડ બોટ એક હદ સુધી જઈ અટકી જતી હતી. કોઈ ગોતાખોર ત્યાં ડૂબકી મારવા તૈયાર ન હતો, સામે કાંઠેથી છોટુ આ તરફ આવે તો.. લલવાના બાપે ત્યાં પહોંચેલા માણસોને કોલ કરી કહ્યું કે છોટુને શોધી આ તરફ મોકલો. ત્યાંથી જવાબ આવ્યો નદીમાં તપાસ કરતો કરતો છોટુ એ તરફ જ આવી રહ્યો છે. રાહ જોઈ અકળાયેલા કોઈએ કહ્યું મ્યુનિસીપાલિટીમાં ફોન કરી વોટર વર્ક્સ બંધ કરાવો. ચર્ચાઓ ચાલી. ફોન થયો.
હજુ વોટરવર્ક્સ બંધ થાય એ પહેલા ગંગાના પ્રવાહને ચીરતું માથું દેખાયું. મારા કેમેરાથી ઝૂમ કરી મેં ફરી જોયું. છોટુંનું જ માથું હતું. હવે એનો આખો દેહ આડો દેખાયો. આ શું? મજબૂત સ્ટ્રોક્સ મારવા ટેવાયેલા એના હાથ નીચે લબડેલા હતા. એ આ રીતે ઉપર કેવી રીતે આવ્યો? એના દેહને ટેકો દઈને હડસેલતો એક નાનો હાથ દેખાયો!
એ બચુનો હાથ હતો. બચુ એક હાથના સ્ટ્રોકથી તરી રહ્યો હતો. અને બીજા હાથથી બાપને લઈ આવ્યો હતો, સપાટી પર! શરીર સપાટી પર હતું પણ બીમાર છોટુના આત્માને પાણીનું ઊંડાણ ખેંચી ગયું હતું. સપાટી પર આવ્યું એ તો ખોળિયું હતું!
લલવાની વાત સાચી હતી. માબાપની જાણ બહાર રમત રમતમાં એમનો દીકરો કુશળ તૈરાક થઈ ગયો હતો. બાપે એની હેસિયત પ્રમાણે એના દીકરાને લોહીના વારસામાં ગોતાખોરીને કળા આપી દીધી હતી.
વિશાળ જગતમાં રોજ સ્થળે સ્થળે અનેક ઘટનાઓ બને છે પણ ગંગામૈયાની ગોદમાં બનેલી આ ઘટનામાં બચુ બચી ગયો હતો, આ ઘટનાથી જ બચુ એકાએક મોટો પણ થઈ ગયો હતો. અને આ ઘટનાથી જ એની આજીવિકા શું હશે એ પણ નક્કી થઈ ગયું હતું. ગંગામૈયા જ એની મોટામાં મોટી સ્કૂલ હતી. એ સ્કૂલે મોંઘી ફી લીધી. પણ બચુને એડમિશન મળી ગયું.
રઈશ મનીઆર
6 બી રત્નસાગર એપાર્ટમેંટ
ચાંદની ચોક પાસે
પીપલોદ સુરત 395007
ફોન - 9825137077