Prakruti in Gujarati Magazine by Bhavisha R. Gokani books and stories PDF | પ્રકૃતિ

Featured Books
Categories
Share

પ્રકૃતિ

પ્રકૃતિ

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

જળને જાણો જમુનાજી

પાણી એ ઇશ્વરનું અમૂલ્ય વરદાન છે. પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજનનો બનેલો રાસાયણીક પદાર્થ છે જે ત્રણેય સ્વરૂપે જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ. પૃથ્વીની સપાટીના ૭૦.૯% ભાગ પર પાણી છવાયેલ છે.જેમા મોટા ભાગે સમુદ્ર અને અન્ય સ્ત્રોત પર રહેલુ છે. ૧.૬% જેટલુ પાણી ભુગર્ભ જળ સ્વરૂપે છે અને ૦.૦૦૧% ભાગનું પાણી વાતાવરણમાં વરાળ,વર્ષા અને વાદળ સ્વરૂપે છે.

સ્વચ્છ પીવાલાયક પાણી તે માનવ અને અન્ય જીવસૃષ્ટી માટે જરૂરી છે.તેનો આડેધડ બેફામ ઉપયોગી કરવાથી ભયંકર પરિણામ ભોગવવું પડશે.પાણીનું સંયોજન સરળ હોવા છતા આપણે તેને બનાવી શકતા નથી,માટે આપણી પાસે એક જ ઉપાય છે કે પાણીને બચાવો. “બુધ્ધી વહાવો,પાણી બચાવો” અને ધરાને પાણીદાર બનાવો.

માણસનું શરિર ખોરાકમાંથી લોહી બનાવી શકે છે પરંતુ પાણી બનાવી શકતુ નથી માટે વરસાદી પાણીનો સંગ્રહ કરો..વિશ્વમાં માણૅસ સિવાયના જીવો રહેલા છે તે બધા જીવોના જેવનનો આધાર પાણી છે.પાણીની પ્રાપ્તિનો એક જ .માર્ગ છે અને તે છે વરસાદ.કુદરત જે કંઇ પાણી વરસાદ રૂપે ધરતી પર આપે છે તેને આપણે સંગ્રહ કરીએ છીએ અને બાકીના પાણીને ધરતીની અંદર ઉતારવાનો પ્રયાસ કરવાનો છે.જેથી લાંબા સમય સુધી તેનો સંચય થઇ શકે.

પાણીનું સ્તર આપણે દિન પ્રતિદિન નીચે જતા જોઇ રહ્યા છીએ ત્યારે આપણે જળસંચયની જાગૃતિ જરૂરી છે.રોજિંદા જીવનથી માંડીને મોટા પાયાના ઉદ્યોગો સુધી પાણીને લગતી આપણી ટેવો આપણે બદલવાની જરૂર છે તો જ આપણું જીવન શક્ય છે નહી તો અપુરતા પાણીના સ્ત્રોતના હિસાબે જ આપણો વિનાશ શક્ય બની જશે.દર વર્ષે ૨૨ મી માર્ચ “વિશ્વ જળ દિન તરીકે ઉજવાય છે. તો આપણે આ વર્ષે એક પ્રણ લૈએ કે રોજ બરોજની આપણી ટેવો બદલીને પાણી બચાવના પ્રયાસો કરીએ અને સમાજને જળ સંચય વિશે સમજાવીએ.

પૃથ્વી પર રહેલુ બધુ પાણી જમુનાજીનું જળ માનીને તેની પુજા કરીએ અને તેને પ્રસાદની જેમ જ જોઇએ..જેમ પ્રસાદને આપણે વેડફતા નથી તેમ પાણીનો પણ બગાડ ન કરવો જોઇએ. આપણે આપણી આવતી પેઢીને સુખી અને સમૃધ્ધ જોવી હોય તો તે માટેનો પ્રયાસ આપણે જ કરવો પડશે.આપણે જ આપણા પગ પ્ર કુહાડી ન મારતા પાણી બચાવ અને સંચય માટે પ્રયાસ શરૂ કરી દેવા જોઇએ.

“પાણી બચાવો , જીવન બચાવો”

”પાણી એ તો જમુનાજીનો અવતાર”

”પાણી હશે તો જ આપણે બધા સુખી.”

પ્રકરણનું નામ: ઇશ્વરનો પત્ર

મારા વહાલા સંતાનો, આજે મારી પાસે અગણિત ફરિયાદો આવી રહી છે. કોઇ કહે વરસાદ નથી પાણી વિના શુ કરુ મહેરબાની કરો. કોઇ કહે આર્થિક તંગી છે પરિવાર ભીંસાઇ રહ્યો છે. વળી કોઇ નાત જાતના પ્રશ્નોથી પરેશાન છે. દરેકને પોતાના મોટા મોટા પ્રશ્નો છે તેની વચ્ચે તે ફસાયેલો છે. તમે બધા મારા સંતાનો છો તમારા દુ:ખ મને વિચલિત કરી રહ્યા છે.

હું આ પ્રકૃતિનો જન્મદાતા છું તો મેં આ સૃષ્ટિની રચના ખાલી મોજ શોખ માટે નથી કરી. સૃષ્ટિનો ઉદય તેના ખાસ ઉદેશ્યથી થયો છે. હે મારા સંતાનો, જેમ તમે ઘણું બધુ વિચારી નાના નાના યંત્રો અને અવનવી શોધ કરો છો અને તે ચોક્કસ નિયમથી જ ચાલે છે તે જ રીતે આ સૃષ્ટિના સંચાલનમાં પણ નિયમો રહેલા જ છે. મનુષ્ય સ્વભાવવશ બંધન અને નિયમોને ફગાવી રહ્યો છે પરંતુ આ નિયમો તોડવાથી સૃષ્ટિનું સંચાલન ખોરવાઇ રહ્યુ છે. મારા બનાવેલા કોઇ નિયમો બંધન નથી પરંતુ બિમારી સમયે લેવામાં આવતી કડવી દવા સમાન છે. જેમ બિમારી સમયે કડવો રસ રૂચિકર લાગતો નથી પરંતુ તેના ગુણ આપણા શરીરને લાભદાયી છે તેના થકી જ મીઠાશની મહત્તા વધે છે અને તેના થકી જ શરીરની સફાઇ શક્ય બને છે. તે જ રીતે મારા બનાવેલા નિયમો અપનાવવામાં અને તેને ગ્રહણ કરવામાં કે જીવનમાં અમલવારી કરવામાં જરૂર કડવા રસ જેવા લાગશે પણ જો તે એક વખત તમારા દ્વારા અમલી બની જશે ત્યારે તેની મજા અને મીઠાશનો આનંદ અલગ જ હશે. આંખોની પાંપણ આંખને આરામ અને તેની રક્ષા માટે આપ્યુ છે બાકી આંખ બંધ કરી આજુબાજુનુ અનદેખુ કરવાથી કાંઇ પરિસ્થિતિ બદલી જવાની નથી. પ્રકૃતિની રક્ષા, દયા-પ્રેમ, નિર્બળની સહાયતા જેવા ગુણો કેળવવાથી બધી સમસ્યાઓના સમાધાન મળતા રહેશે બાકી કાગળની પાછળ દોડવા કરતા આ મહામુલા દેહ અને તેની શકિતને નીખારીએ તો કોઇ જાતની મુશ્કેલી જીવનમાં આવશે જ નહી. વાડા અને બંધન ગમે તેટલા બનાવશો પણ તમારી અંદર રહેલો પરમતત્વ હું એક જ છું અને એક જ રહેવાનો છું, એ ક્યાંય બહાર તમને મળીશ નહી

બાકી અંતમાં એટલુ જ કહીશ કે હું ખુબ જ કૃપાળુ છું. તમે બધા મારા જ સંતાનો છો અને હું સદાય તમારી સાથે જ હતો, સાથે જ છું અને ભવિષ્યમાં પણ સાથે રહેવાનો જ છું. મને કયાંય બહાર શોધવા કરતા એકવાર ભીતર ડોકિયુ કરી લેજો તમને તમારા સખા રૂપે હમેંશા હુ મળીને જ રહીશ. તમારી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો હલ મારા દ્રારા તમારા અંતર માંથી મળીને જ રહેશે.

પ્રકરણનુ નામ : તું જ ઇશ્વર

જીવન મને દેનાર, મારા શ્વાસ ચલાવનાર, મારી જરૂરિયાત પુરી કરનાર, હે, વૃક્ષ તુ જ ઇશ્વર.

તારા થકી હુ ખાઇ, પી

અને જીવી શકુ છુ.

તારા થકી જ મારી જરૂરિયાતો પુરી થાય છે. હે, વૃક્ષ તુ જ ઇશ્વર છે.

જોયા નથી પેલા દૈવી ઇશ્વરને મે મારા માટે તો હે, વૃક્ષ તુ જ ઇશ્વર.

કહેવાય છે કે ઇશ્વરએ સૌથી દયાળુમાં દયાળુ છે. તે આપણા હજારો ગુના અને પાપ હોવા છતાંય આપણને પૃથ્વી પર સુંદર મજાનુ જીવન આપે છે અને સદાય આપણી એક માફીથી આપણા બધા ગુના માફ કરી ગળે લગાડી દે છે. તેને મે જોયા નથી પરંતુ તેનો પ્રેમ મે અનુભવ્યો છે વૃક્ષ રૂપે. હા, ઇશ્વરે પોતાનુ એક સ્વરૂપ વૃક્ષો રૂપે આપણને અર્પણ કર્યુ છે. જે આપણને જીવાડી રહ્યુ છે. આપણા શ્વાસ માટે જરૂરી ઓક્સિજન, ખોરાક માટે જરૂરી સામગ્રીઓ અને જીવનના ડગલે પગલે જરૂરી વસ્તુઓ એક યા બીજા રૂપે આપણે પુરૂ પાડે છે એ વૃક્ષ છે. તેના માટે આપણે કાંઇ જ ન કરીએ અને તેને પથ્થર મારીએ , પાણી પણ ન આપીએ છતાંય તે સંઘર્ષ કરીને તેનુ અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયત્ન કરે છે અને તેના જીવનના અંત સુધી આપણને ઉપયોગી બને છે. આપણા પણ જીવનની શરૂઆતના ઘોડિયાથી માંડીને ચિત્તાના લાકડા સુધી તે સદાય આપણો સાથ નિભાવે છે. દરેક સજીવમાં કોઇને કોઇ ખરાબ આદતો હોય છે. માત્ર વૃક્ષ જ એવુ છે જેનામાં બધી સારી આદતો છે અને પૃથ્વી પર રહેલા તમામ સજીવોને માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ આપે છે. આપણે ઇશ્વરને શોધવા કયાંય મંદિર, મસ્જિદ, ગુરુદ્વારે કે કોઇ પણ ધાર્મિક સ્થળે જવાની જરૂર નથી તે સદાય વૃક્ષ રૂપે આપણી આસપાસ જ રહેલા છે અને આપણને આશીર્વાદ આપી રહ્યા છે. તેને આપણી પાસે આપણા ઘરની આજુબાજુ રાખવાથી આપણી બધી મુશ્કેલીઓ દુર થઇ જશે. તુલસી કે પીપળારૂપે ઘરની બાજુમાં રાખવાથી બિમારી અને રોગના જંતુ ઘરમાં આવતા અટકાવે છે અને આપણા પરિવારને તંદુરસ્ત રાખે છે. શાકભાજી કે ફળના વૃક્ષને ઘરની આજુબાજુ રોપવાથી આપણને ખોરાકરૂપે ઉપયોગી બને છે. તેમ ગમે તે સ્વરૂપે ઇશ્વરતુલ્ય વૃક્ષો સદાય આપણા સાથી જ બનીને રહે છે.

આપણે રાક્ષસો બનીને તેનુ નિકંદન કાઢી રહ્યા છે અને તેના ઉછેરની જવાબદારીથી ભાગીએ છે પરિણામ સ્વરૂપ આપણે જોઇ જ રહ્યા છે. શુધ્ધ હવાના અભાવે આપણે જાતજાતની નિત- નવીન બિમારીના ભોગ બની રહ્યા છે અને વરસાદનુ પ્રમાણ પણ અનિયમિત થઇ રહ્યુ છે. આજે નહિ સમજીએ તો કદાચ કયારેય મોકો નહિ મળે માટે આઁખ ઉઘડી ત્યારથી સવાર માનીને પૃથ્વી પર રહેલા ઇશ્વરને કપાતા બચાવીને અને વધારેમાં વધારે તેનો ઉછેર કરીએ. આપણા જીવનનો થોડો સમય તે ઇશ્વરને આપીશુ તો કદાચ આપણી મોટાભાગની બિમારીઓ અને તકલીફો આપણા જીવનમાંથી સદાય માટે દુર થઇ જશે અને વૃક્ષોની હરિયાળીરૂપી આશીર્વાદથી આપણે તંદુરસ્ત અને ખુશહાલ જીવન મેળવી શકીશુ.