જીવન સંઘર્ષ
રાકેશ ઠક્કર
જીવન ખજાનો ભાગ-૨૦
દુ:ખ સાથે સંઘર્ષ કરો
એક માણસ હંમેશા પરેશાન રહેતો હતો. એને લાગતું હતું કે દુનિયાનો સૌથી દુ:ખી માણસ એ જ છે. બાકીના બધા જ સુખી છે. ભગવાન તેને જ વધુ દુ:ખ આપે છે.
જીવનના દુ:ખોથી કંટાળીને એક દિવસ તેણે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું:''હે ભગવાન, આ દુનિયામાં મારા સિવાય બધા જ ખુશ દેખાય છે. હું એવું નથી કહેતો કે મને દુ:ખ ના આપ. પણ એટલું તો કરી શકે ને કે સહન થાય એટલું દુ:ખ આપે. ભગવાન મારી એવી ઇચ્છા છે કે તું મારું દુ:ખ બીજા કોઇને આપી દે અને એનું દુ:ખ મને આપી દે. મને ખાતરી છે કે બીજા કોઇનું પણ દુ:ખ મારાથી તો ઓછું જ હશે.''
એ માણસ ભગવાનને પ્રાર્થના કરીને ઊંઘી ગયો. એ જ રાત્રે તેને એક સપનું આવ્યું. તેમાં તેને એક ઘર દેખાયું. તેના એક ઓરડામાં અનેક ખીલીઓ લગાવવામાં આવી હતી. એ ઓરડામાં જે પણ આવે તેની પીઠ પર દુ:ખનું એક પોટલું દેખાતું હતું. બધા પોતાની પીઠ પરની એ પોટલી ખીલી પર લટકાવી દેતા હતા. અને થોડી વાર ત્યાં બેસી જતા હતા. એ માણસે જોયું કે બધા જ ચહેરા તેના પરિચિત હતા. થોડીવારમાં એ પણ દુ:ખની પોટલી લઇને ત્યાં પહોંચ્યો. અને એક ખીલી પર પોતાની પોટલી લટકાવી દીધી. તેણે જોયું કે બધાની દુ:ખની પોટલી સરખી જ હતી. કોઇની નાની કે મોટી ન હતી.
થોડી વાર પછી ત્યાં એક અવાજ ગુંજ્યો. ''જેને પણ પોતાના દુ:ખની પોટલી બદલવી હોય તે બદલીને લઇ જઇ શકે છે. બધા કોઇ એક પોટલી ઉઠાવી લો.''
એ માણસે જોયું કે દરેક જણે પોતાની જ પોટલી ઉંચકી લીધી. કોઇએ બીજાની પોટલીને હાથ લગાવ્યો નહીં. એ જ વખતે એ માણસની ઊંઘ ઉડી ગઇ. તેને સપનાનો અર્થ સમજાઇ ગયો. તેને ખ્યાલ આવી ગયો કે દુ:ખી રહેવાનો કોઇ અર્થ નથી. દુનિયામાં દરેક વ્યક્તિ દુ:ખી છે. પોતે જ દુ:ખી છે એવું નથી. સારું એ જ છે કે દુ:ખો સાથે સંઘર્ષ કરીને સુખની શોધ કરવામાં આવે.
*
દુ::ખની અસર જો રાખીએ જીવી શકાય નહીં,
નીચી નજર જો રાખીએ જીવી શકાય નહીં.
- રઈશ મનીઆર
*દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…
- જલન માતરી
*
કોઈના દુ:ખે દુ:ખી થઇ શકો છો? કોઈના સુખો જોઈ સુખી થઇ શકો છો? કોઈના દુ:ખે દુ:ખી થવું સહેલું છે, પણ સુખે સુખી થવું મુશ્કેલ છે. -ગૌતમ બુદ્ધ.
***
આવતીકાલની ચિંતા છોડો
એક શહેરમાં ધર્મદત્ત નામના શેઠ રહેતા હતા. તેમની પાસે અખૂટ સંપત્તિ હતી. તેમ છતાં તે કાયમ ઉદાસ રહેતા હતા. તેમને પોતાની ભાવિ પેઢીની ચિંતા સતાવતી હતી.
એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા એ શહેરમાં આવ્યા. તેમનું પ્રવચન ગોઠવાયું હતું. ધર્મદત્ત પણ પ્રવચનનો લાભ લેવા પહોંચી ગયા. આયોજકોએ શેઠને માન આપી આગળની હરોળમાં મહાવીર સામે જ સ્થાન આપ્યું. શેઠ બેસીને પ્રવચન સાંભળતા હતા પણ તેમનું મન બીજે જ કયાંક ભટકતું હતું.
પ્રવચન બાદ ભગવાન મહાવીરે ઉદાસ બેઠેલા શેઠને બોલાવ્યા અને તેમની ઉદાસીનું કારણ પૂછયું.
શેઠ કહેઃ''ભગવાન, મારે કોઈ ચીજની કમી નથી. મારી પાસે એટલી સંપત્તિ છે કે સાત પેઢી આરામથી જીવન ગુજારી શકે છે. પણ મને ચિંતા એ વાતની છે કે મારી આઠમી પેઢી શું કરશે? તેનું જીવન કેવી રીતે ગુજરશે?'' ભગવાન મહાવીર કહેઃ''શેઠજી, તમારી ચિંતા હું દૂર કરી દઉં છું. તમને એટલું ધન આપીશ કે તમારી આઠમી પેઢી આરામથી જીવી શકશે. એ માટે તમારે એક કામ કરવું પડશે. અહીં આશ્રમની પાછળ ઝૂંપડીમાં એક મજૂરનો પરિવાર રહે છે. તમે એમને જઈને કહો કે તમારી જરૂરિયાતનો લોટ રાખીને બાકી તમને આપી દે.'' શેઠ તરત જ ત્યાં ગયા અને એવું જ કહ્યું.
મજૂરની પત્ની ઘરમાંથી એક માટલું લઈ આવી અને શેઠને આપતાં કહ્યું:''લો ભાઈ, આ લઈ જાઓ. મારી પાસે આટલો જ લોટ છે.'' શેઠ કહેઃ''ના, એવું નહીં. તમે તમારી જરૂરિયાતનો લોટ રાખી લો અને બાકીનો મને આપી દો.'' મજૂરની પત્ની બોલીઃ''ભાઈ, હું મારી જરૂરિયાતનો લોટ રાખી લઈશ તો તમને શું આપીશ? મને તો આજે જેણે આપ્યો છે એ કાલે પણ આપશે. કાલની જરૂરિયાતની આજે ચિંતા નથી.'' શેઠ કંઈ પણ જવાબ આપ્યા વગર ખાલી હાથે ભગવાન મહાવીર પાસે આવી ગયા. અને તેમને આખી વાત કહી.
ભગવાન મહાવીર બોલ્યાઃ''શેઠજી, એ એક મજૂર સ્ત્રી છે, જેને આવતીકાલની પણ ચિંતા નથી. અને એક તમે છો જે આઠમી પેઢીની ચિંતામાં પાતળા થઈ રહ્યા છો. શું તમારી પેઢી અપંગ અને આળસુ હશે કે તેમના માટે તમે ચિંતા કરો છો?'' એ દિવસથી શેઠે આવતીકાલની ચિંતા છોડી દીધી.
*
ગયું 'તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.
- રાજેશ વ્યાસ
*
ભવિષ્યની ચિંતા ન કરો. હંમેશા વર્તમાન પર જ પૂરું ધ્યાન લગાવો. જો વર્તમાનને સંભાળી લઈએ તો ભવિષ્ય પોતાની મેળે જ સુધરી જશે.
***
વ્યક્તિની ઓળખ તેના કામથી
એક રાજાને ચિત્રકામનો બહુ શોખ હતો. તે પોતાના રાજ્યના ચિત્રકારોને પ્રોત્સાહન આપવા સમય -સમય પર સન્માનિત કરતા રહેતા હતા. એક વખત રાજાએ એક ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન કર્યું. જેમાં આખા રાજ્યના ચિત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું.
પ્રતિયોગિતાનો દિવસ આવી ગયો. જ્યાં પ્રતિયોગિતા હતી ત્યાં મોટી સંખ્યામાં ચિત્રકારો એકત્ર થવા લાગ્યા. રાજાએ બધાને યથાયોગ્ય સન્માન આપી બેસાડ્યા. ત્યાં એક ગરીબ ચિત્રકાર થોડા જૂના પરંતુ સ્વચ્છ વસ્ત્રોમાં હતો. રાજાએ એક નજર તેના પર નાખી અને પછી ધ્યાન ના આપ્યું.
નક્કી થયેલા સમય પર ચિત્રકલા પ્રતિયોગિતા શરૂ થઇ ગઇ. બધાએ સુંદર ચિત્રો તૈયાર કર્યા. દરેક ચિત્રોને જોઇને છેલ્લે ત્રણ ચિત્રો પસંદ કરવામાં આવ્યા. અંતમાં એ ત્રણમાંથી સર્વશ્રેષ્ઠ ચિત્રને પસંદ કરવામાં આવ્યું. ઇનામ માટે પસંદ થયેલા ચિત્રના ચિત્રકારનું નામ જાહેર થતાં એ ગરીબ ચિત્રકાર મંચ ઉપર આવ્યો. રાજાએ ખુશીથી તેને પુરસ્કાર આપી થોડા દિવસો માટે રાજમહેલમાં રોકાવાનું આમંત્રણ આપ્યું.
થોડા દિવસ રાજમહેલની મહેમાનગતિ માણીને ગરીબ ચિત્રકાર પાછો ફરતો હતો ત્યારે રાજાએ તેને ભેટ આપીને સન્માન કર્યું.
એ જોઇ ચિત્રકારે રાજાને કહ્યું:''મહારાજ, જ્યારે હું આવ્યો ત્યારે આપે મને જોયો તો પણ ધ્યાન ના આપ્યું. મારી અવગણના કરી. પણ આજે તમે મને માન-પાન આપી રહ્યા છો. તમારા વ્યવહારમાં આ બદલાવ કેમ આવ્યો?''
રાજા કહે:''જ્યારે તમે પ્રતિયોગિતામાં ભાગ લેવા આવ્યા ત્યારે હું તમને ઓળખતો ન હતો અને તમારી પ્રતિભાથી પરિચિત ન હતો. એટલે વેશભૂષા અને રૂપ રંગ પરથી જ પોતાનો વ્યવહાર નકી કર્યો. હવે મને તમારી પ્રતિભાની જાણકારી મળી ગઇ છે. એટલે મારા વ્યવહારમાં તમારી સાથે તમારી પ્રતિભા પ્રત્યે સન્માન દેખાયું છે. વ્યક્તિની ઓળખ તેના કામથી જ થાય છે. મારા માટે એ સમયે પણ તમારી આર્થિક સ્થિતિનું કોઇ મહત્ત્વ ન હતું અને આજે પણ નથી. હું તમારી પ્રતિભાને વિકસાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું.''
રાજાની વાત સાંભળીને ચિત્રકારને સંતોષ થયો.
*
જે છે દાતાર ઓળખતા નથી,
હાથ ક્યાં ક્યાં જઈ ધરે કોઈ…
– મરીઝ
*
મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા છે. મનુષ્યની ઓળખ કર્મથી થાય છે. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ મનુષ્ય બને છે.
*****