Tamara vina - 36 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - 36

Featured Books
Categories
Share

તમારા વિના - 36

૩૬

કાશ્મીરાના ચાલ્યા ગયા પછી પણ તેમના મનમાં કાશ્મીરાના જ વિચાર ઘોળાતા રહ્યા.. આજે તેમને ચંદ્રની ખોટ ખૂબ સાલી રહી હતી. ચંદ્ર હોત તો તેમણે પૂછ્યું હોત કે તમારો ભગવાન આટલો નિષ્ઠુર કેમ છે? કાશ્મીરા સાથે જે બની રહ્યું હતું એ કોઈ ન્યાયપ્રિય મનુષ્ય પણ ન કરે તો ઈશ્વર શું કામ આવું કરી રહ્યો હતો?

કાશ્મીરાના ભાગે જાણે નાનપણથી સુખ આવ્યું જ નહોતું. તે બહુ નાની હતી ત્યારે જ તેની માનું મૃત્યુ થયું હતું. ઘરમાં પિતા અને ભાઈ બે પુરુષો જ હતા એટલે નાની ઉંમરથી જ તેણે ઘરનું કામકાજ સંભાળવું પડ્યું હતું. એ બધી પરિસ્થિતિમાંય તે ભણી હતી. દીપક સાથે ભાગીને લગ્ન કરવાં પડ્યાં, કારણ કે તેના ભાઈને દીપક પસંદ નહોતો. દીપકને તેની કારકિર્દીમાં સફળતા મેળવવામાં અને તેને આ તબક્કે પહોîચાડવામાં કાશ્મીરાનો ફાળો નાનો-સૂનો નહોતો એની કાન્તાબેનને ખબર હતી. હવે જ્યારે દીપક એક પછી એક શિખરો સર કરી રહ્યો હતો ત્યારે કાશ્મીરાને તેના ભાગનો હિસ્સો મળવાને બદલે તેણે પતિને છોડીને જવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ રહી હતી.

કાશ્મીરા સાથે આવું નહોતું થવું જાઈતું. તેમને થયું કે કાશ્મીરાનું આ રીતે દીપકની જિંદગીમાંથી ચાલ્યા જવું દીપક માટે પણ હિતાવહ નહોતું. કાશ્મીરાને કારણે દીપકની જિંદગી એક ખૂંટા પર બંધાયેલી હતી. હવે તેની નૈયા કઈ દિશામાં જશે એ કહેવું મુશ્કેલ હતું. તેમને થતું હતું કે કોઈક રીતે દીપકને સમજાવી શકાય કે કાશ્મીરાના તેના જીવનમાંથી ચાલ્યા જવાથી તે શું ગુમાવી રહ્યો હતો. કાન્તાબેને ભયંકર અસહાયતા અનુભવી. મહાભારતમાં સહદેવે અનુભવી હતી એવી અસહાયતા.

ચંદ્ર હોત તો તેમણે શું કહ્યું હોત? કાન્તાબેનના મનમાં વિચાર આવી ગયો.

‘આપણે આપણી ફૂટપટ્ટીથી બધું માપ્યા કરીએ છે. તેનાં ગણિત જુદાં છે. આપણાં ચોકઠાંમાં જે નથી બેસતું તે બરાબર નથી એવું વિચારી આપણે ભગવાનને ભાંડીએ છીએ, પણ આટલી મોટી સૃષ્ટિનો સર્જનહાર જે કંઈ કરી રહ્યો હશે એ યોગ્ય જ હશે. મને ખબર છે કાન્તા તું નહીં માને, પણ આપણી સમજણની પાર પણ એક વિશ્વ છે...’ નવીનચંદ્ર વિશ્વાસપૂર્વક કહેતા ત્યારે કાન્તાબેન તેમની વાતને હસી કાઢતાં અથવા તેમની મશ્કરી કરતાં.

કોણ જાણે કેમ આજે પહેલી વાર કાન્તાબેનને થયું કે તેમનામાં ચંદ્ર જેટલી નહીં તોય થોડીક શ્રદ્ધા હોવી જોઈતી હતી. સંસારની આ ધૂંસરીનો તેમને બોજ લાગી રહ્યો હતો. ક્યાંક થોડીક વાર માટે પણ એ ઉતારીને મૂકી શકાય તો કેવું સારું? આ ભારનો આજે બહુ થાક લાગી રહ્યો હતો. પથ્થર કે કાષ્ઠની પ્રતિમા પર તો તેમને આજેય ભરોસો ન બેઠો હોત, પણ ચંદ્ર હોત તો તેને કહેત કે તમે જ આ ભાર લો અને તમારા ભગવાનને સોંપી આવો. તેમને આવો વિસામો આપી શકે તેવા ચંદ્ર પણ તેમની પાસે નહોતા.

‘માસી, મોના બોલું છું... ઓળખી મને? મોના ભટ્ટ... ‘ન્યુ ઇન્ડિયા ટાઇમ્સ’ની રિપોર્ટર...’ આટલી મોડી રાતે કોણ હશે એવું વિચારતાં કાન્તાબેને ફોન ઉપાડ્યો કે સામે છેડેથી અવાજ આવ્યો.

‘હા... હા... ઓળખી. કેમ છે તું?’

‘સૉરી, તમને ડિસ્ટર્બ નથી કર્યાને? મારું વૉચ પર હમણાં ધ્યાન ગયું. સૂઈ તો નહોતાં ગયાંને? એક્ચ્યુઅલી, હું તો હજી ઑફિસમાં જ છું. આજે સૉલિડ કામ હતું. ઇલેવન ક્યારે વાગી ગયા એની ખબર જ ન પડી. એક્ચ્યુઅલી તો મારે સાંજે જ તમને ફોન કરવો હતો; પણ મને એમ કે બધું કામ ફિનિશ કરીને પછી જ તમને ફોન કરું, પણ બહુ લેટ થઈ ગયું... સૉરી... સૉરી...’ મોના એકધારું બોલી રહી હતી.

‘ના, કંઈ વાંધો નહીં. હું જાગતી જ હતી...’

‘એક્ચ્યુઅલી, ડીસીપી પાંડેએ મને મળવા બોલાવી હતી. તમારા કેસ... આઇ મીન, તમારા હસબન્ડના મર્ડરકેસ માટે વાત કરવા... એક્ચ્યુઅલી, એ લોકો પકડાઈ ગયા છે.... યસ, ડીસીપી પાંડે કહેતા હતા કે તેમણે કન્ફેશન પણ કરી લીધું છે...’ મોના બોલતી રહી. કાન્તાબેનને લાગ્યું કે ટેલિફોનના રિસીવરમાંથી મોનાનો અવાજ આવતો હતો ત્યાં સુધી જાણે તે વ્યક્તિ મટીને માત્ર એક કાન થઈ ગયા હતા. તેમનું સમગ્ર અસ્તિત્વ માત્ર શ્રવણેન્દ્રિય થઈ ગયું હતું.

‘હું કાલે તમારા ઘરે આવીશ. લગભગ ટ્વેલ થશે. ડીસીપીની ઑફિસમાં જવાનું છે. એક્યુઝડને ત્યાંની લૉક-અપમાં જ રાખ્યા છે.’

કાન્તાબેન રિસીવર ક્રેડલ પર મૂકી સોફા પર બેસી રહ્યાં. મોનાએ કહ્યું હતું કે ચંદ્રના હત્યારાઓ મળી ગયા હતા. તેમણે કબૂલ કર્યું હતું કે તેમણે જ ચંદ્રને મારી નાખ્યા હતા. એ સાંજે તે લોકો આવ્યા. તેઓ બે જણ હતા. તેમની પાસે પ્લાસ્ટિકની એક કોથળી હતી જેમાં પ્લમ્બિંગ માટેનાં ઓજારો હતાં. એક કાનસ, પાનું, સ્ક્રૂ-ડ્રાઇવર અને હથોડી...

એ હથોડી જેને તેમણે ચંદ્રના માથાના પાછળના ભાગમાં જોરથી ઝીંકી દીધી હતી. ચંદ્રે કદાચ પૂછ્યું હશે, ‘કોણ છો તમે?’ તેમણે ચંદ્ર પાસે પાણી માગ્યું હતું. ચંદ્ર પાણી લઈને આવ્યા હતા. બન્નેએ પાણી પીધું હતું અને પછી દરવાજામાં ઊભેલા ચંદ્રને અંદર હડસેલ્યા હતા.

‘આમ અંદર જબરદસ્તી શા માટે ઘૂસી આવ્યા છો? આ તમે શું કરી રહ્ના છો...’ એવું બધું કહ્યું હશે. કદાચ તેમણે બૂમ પાડવાની કોશિશ કરી હશે અને તે બેમાંના એક જણે ચંદ્રને જારથી પકડ્યા હશે. ચંદ્રને ધક્કો મારીને અંદર લઈ ગયા હશે. તેમના મોં પર હાથ દાબી દીધો હશે. બીજા માણસે ચંદ્રના માથા પર હથોડી મારી હશે. ચંદ્ર કદાચ થોડુંક તરફડ્યા હશે અથવા એ ઘડીએ જ તેમના પ્રાણ...

લોહીના ખાબોચિયામાં પડેલા ચંદ્ર કદાચ થોડીક સેકન્ડો કે મિનિટો જીવ્યા હશે. તેમણે કદાચ ઊભા થવાની કે મદદ માગવાની કોશિશ કરી હશે, પણ ફરી ફસડાઈ પડ્યા હશે. એ છેલ્લી ઘડીઓમાં કદાચ તેમણે તેમના હરિને યાદ કર્યાર હશે અથવા કદાચ પોતાને યાદ કર્યા હશે. કાન્તાબેનનું મન કલ્પના કરતું રહ્યું હતું.

વીસ-બાવીસ વર્ષના એ યુવાનોને ચંદ્ર સાથે કોઈ દુશ્મનાવટ નહોતી. એે બન્ને તો ચંદ્રને ઓળખતા પણ નહોતા. ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન કે પછી કર્ણાટક કે આંધ્ર પ્રદેશ અથવા હિંદુસ્તાનના આવા જ કોઈ રાજ્યના ગામડામાંથી તે બન્ને મુંબઈ કમાવા આવ્યા હતા. પૈસા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા. દસ હજાર માટે તે બન્ને હત્યા કરવા પણ તૈયાર થયા હતા.

તેમણે હત્યા કરી પણ નાખી હતી. તેમને ચંદ્રની હત્યા કરવાના પૈસા નહોતા અપાયા તો પણ તેમણે તેમની હત્યા કરી હતી.

તે બન્ને યુવાનોને જ્યારે મહાવીર સદનમાં મોકલવામાં આવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે ચોથા માળે જવાનું હતું. વૉચમૅને તેમને અટકાવ્યા હતા. વૉચમૅને તેમની પૂછપરછ કરી હતી એમાં તેઓ સહેજ ડરી ગયા હતા. ઉતાવળમાં તેમણે લિફ્ટમાં ભૂલથી પાંચમા માળનું બટન દબાવી દીધું હતું.

આગલા દિવસે તેમને પૈસા આપીને ખૂન કરવાના કામ માટે રોકનાર માણસે ચોથા માળનો નવીનચંદ્ર અને કાન્તાબેનના ફ્લૅટનો બરાબર નીચેનો ફ્લૅટ દેખાડ્યો હતો. એે ફ્લૅટમાં રઘુનાથ મહાડિક રહેતા હતા. એકલા જ. મહાડિકને કોઈ સંતાનો નહોતાં. તેમનાં પત્ની પણ મૃત્યુ પામ્યાં હતાં. મહાડિકનું લોખંડ પર પાઉડર કોટિંગ કરવાનું નાનકડું વર્કશૉપ હતું. તેમના વર્કશૉપમાં તેમણે એક યુવાનને કામે રાખ્યો હતો, પણ પછી તેની સાથે ઝઘડો થતાં તેને કાઢી મૂક્યો હતો. અપમાનિત થયેલા એ યુવાને પોતાના ગામથી આવેલા બે છોકરાઓને મહાડિકને પતાવી દેવાનું કામ સોંપ્યું હતું.

છોકરાઓએ ભૂલ કરી હતી. તેઓ ચોથા માળને બદલે પાંચમા માળે પહોંચી ગયા હતા. તેમના માટે મહાડિકમાં અને મહેતામાં, નવીનચંદ્ર કે રઘુનાથમાં કોઈ ફેર નહોતો. તેમણે તો બસ મારી નાખવાનો હતો એક આધેડ વયના માણસને. દસ હજાર રૂપિયાના બદલામાં એક માણસની હત્યા કરવાની હતી.

તેમણે બેરહમીથી હત્યા કરી હતી, ચંદ્રની.

તે ચંદ્ર જેમની સાથે કાન્તાબેને તેમના જીવનનાં પાંત્રીસ વર્ષ વિતાવ્યાં હતાં. તે ચંદ્ર જેમની સાથે તેમણે જીવનની તડકીછાંયડી જાઈ હતી. તે ચંદ્ર જેમનાં બાળકોને તેમણે જન્મ આપ્યો હતો. તે ચંદ્ર જેમની સાથે તેમની રાત પડતી હતી અને સૂરજ ઊગતો હતો. તે ચંદ્ર જેમની સાથે તેમણે મીઠી નીંદર માણી હતી અને ઉજાગરા કર્યા હતા. તે ચંદ્ર જેમની સાથે તેઓ ઝઘડ્યાં પણ હતાં, રિસાયાં પણ હતાં અને માની પણ ગયાં હતાં. તે ચંદ્ર જેમની સાથે હાથ પકડીને તેઓ જિંદગીની કેડીઓ પર ચાલ્યાં હતાં અને ક્યારેક તેમણે તો ક્યારેક ચંદ્રે એકબીજાને ટેકો આપ્યો હતો. તે ચંદ્ર જે તેમના પોતાના હતા, તેમના અસ્તિત્વનો હિસ્સો હતા...

આખી રાત તેમનો ભૂતકાળ તેમની નજર સામે આવતો રહ્યો. જાણે ગઈકાલની જ વાત હતી. ચંદ્ર સાથેનો સહેવાસ અને જિંદગીની તડકીછાયંડીઓ. બધું જ પલકવારમાં વીતી ગયું હતું. પણ ચંદ્રના મૃત્યુ પછીના એક એક દિવસને વીતતાં જાણે એક એક યુગ લાગ્યો હતો.

કાન્તાબેને પોતાની જ લાગણીઓ સમજવાનો પ્રયાસ કર્યો. ચંદ્રના હત્યારાઓ સુધી પહોંચવામાં તેમને સફળતા મળી હતી. આવતીકાલે એ હત્યારાઓને તે પોતે જોવાના હતા. તેમને થયું તેમને આ ઘડીએ શું થવું જાઈએ? આનંદ કે શોક?

કાન્તાબેનને લાગ્યું કે તેમને અત્યારે ખૂબ થાકી ગયાનો અનુભવ થતો હતો અને સાથેસાથે એક હાશકારાનો. ચંદ્ર હોત તો તેમણે કદાચ પોતાની આ લાગણીને શબ્દો આપવામાં મદદ કરી હોત.

ચંદ્ર હોત તો...

પણ ચંદ્ર નહોતા. ક્યારેય પાછા આવવાના નહોતા.

એકવાર ચંદ્ર અહીં આ સોફા પર જ બેઠાં હતાં અને કાન્તાબેન જિંદગીની આવી જ કોઈક લડાઈમાં સફળતા મેળવીને આવ્યા હતા. કાન્તાબેનના ચહેરા પર વિજયનો આનંદ હતો, નશો હતો. એ દિવસે નવીનચંદ્રે બહુ ગંભીરતાથી કહ્યું હતું. ‘કાન્તા, તારા જેવી લડવાની, ઝઝૂમવાની શક્તિ બધા પાસે હોતી નથી. પણ તારી આ શક્તિ જ તારી અંગત નબળાઈ ન બની જાય એ જાજે. સમાધાન કરવું એ તારો સ્વભાવ નથી એ હું જાણું છું. પણ જિંદગી એક વહેતી ધારા છે અને એની સાથે વહી જવામાં પણ એક આનંદ છે. જે જેમ છે એમ એને કડવાશ વિના સ્વીકારી લેવામાં વધુ હિંમત અને સાહસની જરૂર પડે છે એ કોઈ દિવસ તને સમજાશે.’

કાન્તાબેનને થયું તેમને આજે સમજાઈ રહ્યું હતું. ચંદ્ર નહોતા અને એ ગમે એટલું લડે કે ઝઝૂમે તે પાછા આવવાના નહોતા. તેમના તમામ પ્રયાસો છતાં પોતાના જ પેટના જણ્યાઓ વચ્ચે એક અંતર પડી ગયું હતું જે કદાચ સંપૂર્ણપણે દૂર થઈ શકવાનું નહોતું. પોતે એકલાં જ હતાં અને હવે તેમણે એકલા જ જીવવાનું હતું. વાસ્તવિકતા સ્વીકારીને અને કડવાશ વિના.

કાન્તાબેન સોફા પરથી ઊભા થઈ બાલ્કનીમાં આવ્યા. અંધારૂં અલોપ થવા માંડ્યું હતું અને આકાશમાં ઉજાસ ફેલાવા માંડ્યો હતો. ઘડીભર તેમને લાગ્યું કે તેમની નજીક, લગોલગ કોઈક હતું. પવનથી ફરફરતા તેમના સાડલાના પાલવને અડકીને કોઈ જઈ રહ્યું હતું. આ હકીકત હતી કે એક આભાસ?

ડૉરબેલ રણકી અને કાન્તાબેને બારણું ઉઘાડી દૂધની થેલી લીધી. મોં ધોઈ ચાનો કપ લઈને કાન્તાબેન હિંડોળે બેઠાં. હાથમાંનું અખબાર ઉઘાડી તેમણે હિંડોળાને ઠેસ મારી. હિંડોળો ઝૂલતો રહ્યો...