વેર વિરાસત
પ્રકરણ -18
બે દિવસથી ઘરમાં અજબ શાંતિ પથરાઈ રહી હતી. માયાની અણધારી એક્ઝીટ સૌ કોઈને ખળભળાવી ગઈ હતી. માયાના ઘરમાં ઉતરી આવેલાં ગમગીનીના ઓળા રિયાના મન સુધી પ્રસરી ગયા હતા. ખરેખર તો આરતી અને માધવી બંને મનોમન થથરી ગયા હતા. માયાએ જે કર્યું તે રિયાએ કર્યું હોત તો ?
પહેલીવાર માધવીને લાગ્યું કે મનને ગુનાહિત લાગણી ઘેરી રહી હતી. પોતે જાણેઅજાણે જ આ છોકરીને અન્યાય તો ગંભીરપણે કરી જ બેઠી હતી. એ વાત જુદી હતી કે વહી ગયેલો સમય હવે ક્યારેય પાછો આવવાનો નહોતો પણ એકવાર ભૂલ સમજાય પછી પણ એનું પુનરાવર્તન કરે રાખવું તે તો ગુનો બનતો હતો ને !!
માધવીને પહેલીવાર રિયા સામે આવવામાં સંકોચ અનુભવાયો. જે ભીતિ રિયાની સામે જે છતી ન થઇ જાય તેથી કે પછી ગમે તે કારણસર માધવી રિયા સામે આવવાના પ્રસંગ જ ટાળતી હોય તેમ સામસામે ન થઇ જવાય એ કાળજી લેતી રહી. નહીતર એ શક્ય જ નહોતું કે સવારે ડાઈનીંગ ટેબલ પર સાથે નાસ્તો કરવાનો કે રાત્રે જમવાનો નિયમ કોઈ ચાતરી શકે. એ તો માધવીએ પોતે બનાવેલો નિયમ હતો, જેથી દિવસ દરમિયાન ચારેજણ સાથે રહી શકે. રોમા તો બોર્ડીંગ સ્કૂલમાં ભણતી હોવાથી બાકાત રહી જતી પણ વેકેશન દરમિયાન તો એને પણ આ નિયમ પાળવો પડતો. મનમાં ચાલી રહેલી ગડમથલને યેનકેન છુપાવીને પણ માધવી તો નિયમાનુસાર ટેબલ પર આવી જતી પણ રિયા પોતાના રૂમમાંથી બહાર નીકળી સુધ્ધાં નહોતી. પૂરાં અઢી દિવસ વીતી ચૂક્યા હતા માયાની વિદાયને છતાં રિયાએ મોઢામાં કોળિયો નહોતો મૂક્યો.
'મધુ, જરા જઈને એને પ્રેમથી સમજાવ, નાદાન છે હજી.... ' આરતીએ માધવીને ટોકી પણ ખરી ને માધવીએ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું. ક્યાંક એમ ન બને કે પોતાના આ વર્તનને એ નબળાઈ સમજી બેસે !!
' રિયા, થોડું તો ખાઈ લે... ' આરતીના હાથમાં પ્લેટ હતી, થોડી ખીચડી અને દહીંથી ભરેલી એક નાની વાટકી, એને પોતાના રૂમમાં ભરાઈ બેસી રહેલી રિયાને ફરી એક વાર આગ્રહ કર્યો : બે દિવસથી અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો તેં...
'ના નાની, પ્લીઝ મને ન ફોર્સ કરો...' રિયાનો અવાજ ભારે હતો.
'દીકરા, એમ કોઈ જનારની પાછળ જવાય છે? ' આરતીનો ઈશારો માયા માટે હતો. : એ છોકરીએ તો પોતાના માબાપનો વિચાર સુધ્ધાં ન કર્યો. આવી નાની વાતમાં કોઈ જાન આપી દે ખરું ?
' તો એ શું કરે, નાની ? તમે જ કહો ને ' રિયા ઉછળી : જીવતી હતી ત્યારે તો સહુને ભાર લાગતી હતી ને, હવે મરી ગઈ પછી એની કિંમત સમજાઈ ? ' રિયાનો આક્રોશ વાજબી તો હતો.
માયાનું કુટુંબ હતું મધ્યમવર્ગીય, પણ પાઈની કમાઈ ન કરતાં,દિવસભર રખડતાં ફરતાં સમીરનું જ રાજ ઘરમાં ચાલતું. દીકરો હતો ને ! સમીરની ઈચ્છા હતી કે માયાએ નર્સિંગ કે બ્યુટીશિયન જેવા નાનાં મોટાં કોઈ કોર્સ કરીને નોકરી લેવી જોઈતી હતી, જેથી ઘરના બે છેડાં ભેગાં કરવામાં માબાપને સુવિધા રહે. જાણે માયાને પોતાની મરજીથી જીવવાનો પણ હક્ક નહોતો.
આરતી ક્યાંય સુધી વિના કંઈ બોલે રિયાની પીઠ પસવારતી રહી. માયાનું આમ દુનિયા છોડીને જવું બીજાને મન ભલે એક સામાન્ય વાત હતી પણ એનો ઘાવ રિયા માટે કારમો હોવાનો. એક માયા જ તો હતી જે હંમેશ રિયાની સાથે ને સાથે રહી હતી.
'નાની, તમને ખબર છે ? જો માયાને કોઈક નાનો સરખો બ્રેક પણ ક્યાંક મળી ગયો હોત ને તો આ ન થયું હોત ! ' રિયા સ્વગત બોલી રહી હોય એટલું ધીમેથી બોલી.
'એટલે ? હું કંઈ સમજી નહીં ?' આરતીને રિયાનો ઈશારો તો સમજાયો છતાં રિયાના મનને વાચા આપવી જરૂરી હતી.
'જુઓ ને, કેટલી મહેનત કરી, ને છતાં એક જગ્યાએ ઓપનીંગ ન મળ્યું, માયા કહેતી જ હતી કે જે દિવસે ઘરમાં પોર્ટફોલિઓ કરાવવા પૈસા ચોર્યા છે એની ખબર પડશે ત્યારે બબાલ તો મચી જ જવાની છે પણ ત્યાં સુધીમાં જો કોઈ કામ મળી ગયું હશે તો જોઈ લેજે....તો આ જ મમ્મી પપ્પા સમીર બધું ભૂલીને ઓવારણાં લેશે. બબાલ મચી પણ ઓવારણાં લેવાય એવી તક જ ન આપી જિંદગીએ.'રિયાએ એક ઊંડો નિશ્વાસ મુક્યો : નાની, દુનિયામાં કેટલાંક લોકો માત્ર દુઃખી થવા જ જન્મતાં હશે ? ' રિયાની મોટી મોટી આંખોમાં રહેલા પ્રશ્નની ધાર આરતીને ઘસરકો કરી ગઈ. : આ છોકરી પણ પોતાના જેવું જ નસીબ લઈને આવી છે કે શું ?
' એ બધી વાત મૂક દીકરા, તું તારા પર ધ્યાન આપ. એમ કહેવાય છે કે જેવા વિચાર કરીએ તે જ અનુરૂપ ફળ આ સૃષ્ટિ તમને આપે. આ બ્રહ્માંડ તો એક જાદુઈ રમકડું છે. તમે એમાં જે વિચાર ફંગોળો તે એક તરંગની જેમ ફરીને તમારી પાસે પરત આવે છે. એટલે નેગેટીવ વિચારો કરીશ તો મળશે નેગેટીવિટી, ને પોઝીટીવ વિચારીશ તો એ મળશે... પણ હવે વાતના વડાં કરાવ્યા કરે એના કરતાં સીધી સીધી ખાઈ લે ચલ, મારે હજી ઘણું કામ પડ્યું છે હવે. ' આરતીએ રિયાને થોડી સ્વસ્થ થતી જોઈ વાત પૂરી કરી.
ઘણું કામ શું છે એનો તો ફોડ તો ક્યારેય ન પડતો. ત્રણ માણસના કુટુંબમાં ચાર તો નોકરચાકર હતા. છતાં નાનીનું કામ જ પૂરું ન થાય તેમ લાગતું, નાની માટે કામ એટલે એમના અનુષ્ઠાન, અને આ વખતે પણ નાની એમ જ બોલી રહ્યા હતા. શક્ય છે આ વખતે નાનીનું અનુષ્ઠાન માત્ર ને માત્ર પોતાના માટે જ. એટલું તો અનુમાન રિયા કરી શકી.
રિયા જોતી આવી હતી નાનીની આ પૂજા ને જપ તપને . કદાચ મમ્મી માટે કરતાં હોય એવું જ લાગતું પણ આજની વાત જૂદી હતી. કોઈ કારણ વિના જ રિયાને લાગ્યું કે નાનીની પૂજાના કેન્દ્રસ્થાને હવે કદાચ મમ્મી નહીં પોતે રહેવાની છે.
***
ટરર ટરરર અલાર્મની કર્કશ બઝરથી રોમા સફાળી જાગી.
આ મુંબઈ નહોતું, ન તો પંચગની, આ તો હતું પેરીસ, જેની રાત જેટલી સુહાની એથી કંઇકગણી વધુ ખૂબસૂરત સવાર પડતી. કોલેજમાં કલાસીસના સમય ફિક્સ્ડ નહોતા રહેતા છતાં રોમાની સવાર વહેલી પડતી, માત્ર ને માત્ર સવારની સુંદરતા માણવા માટે એ વહેલી જાગી જતી. ઘરની આસપાસ ફેલાયેલી વનરાજીના વૈભવ અને તેમાં ગુંજતો પંખીઓનો કલશોર. બાકી હોય તેમ રોજ રાત્રે વરસી જતો વરસાદ સવારને વધુ તાજી ને સુંદર બનાવી દઈ અલોપ થઇ જતો હતો.
રોમાએ ઉઠીને લાઈફ સાઈઝ વિન્ડો પરના ત્રણ દિશાને ધૂંધળી કરી નાખતાં શિયર્સ હટાવી લીધા. સાથેસાથે કિચનેટનું કોફી પર્કોલેટર ઓન કરી દીધું. ઉકળી રહેલા કોફીના પાણીની સુગંધ અને રવથી આખું ઘર મઘમઘી ઉઠ્યું હતું.કોફીનો મગ લઈને રોમા વિન્ડો પાસે આવીને ઉભી રહી ગઈ. હવે તો આ રોજનો નિયમ બની ગયો હતો. બહાર વનરાજી નહાઈને ઉભી હોય તેમ રાહ જોતી હતી. દૂર ધુમ્મસમાં નાહી રહેલો એફિલ ટાવર અને પોતાની મસ્તીમાં દોડી જતી સીન નદી, સ્વર્ગ આને જ કહેતા હશે ?
બહાર ઝરમર ઝરમર વરસાદ શરુ થઇ ગયો હતો. આજ તો જાદુ હતો પેરીસની રોમેન્ટિક વેધરનો. રોમાનું ચાલે તો તો એ આખો દિવસ ઉભી રહી કુદરતી સુંદરતા નિહાળ્યા કરતે પણ અચાનક જ મગજમાં સેટ થયેલું રીમાઈન્ડર વાગ્યું : ઓહ આજે તો એક્સ્ટ્રા એક્ટીવિટીના ભાગરૂપે ક્લાસ એફિલ ટાવરની લોનમાં હતો.
રોમાનો રસ માત્ર ને માત્ર રંગની દુનિયા પૂરતો સીમિત હતો. હરેક રંગની પોતીકી ભાષા, પોતીકો મૂડ, પોતીકો દમામ ને અસબાબ હોય એમાં બિચારું પેન્સિલ ડ્રોઈંગ શું કરે ? રંગની દુનિયામાં એમનું શું કામ ? એવી વ્યાખ્યા હવે હળવે હળવે બલાઈ રહી હતી. રોમાની નજર સામે તરવરી રહ્યો એક ચહેરો. રોજ સવારે મેટ્રોમાં સાથે થઇ જતો એ યુવાન. પોતાની દુનિયામાં મસ્ત, છતાં કોણ જાણે કેમ રોમાને પહેલે જ દિવસે વહેમ પડ્યો હતો કે પોતાનું ધ્યાન ન હોય ત્યારે એ એનું સ્કેચ બનાવતો હતો. સ્કેચમાં તો ક્યારેય ખાસ રસ ન પડતો પણ આ અજનબીને કારણે અને પછી પીસીએમાં આવીને એની ટેકનિક સમજવાથી રંગની દુનિયા સાથે હવે બ્લેક એન્ડ વ્હાઈટ સ્કેચની કલાત્મકતા પણ ભાવવા લાગી હતી.
એટલે જ તો પોતે સ્કેચ માટે એક્સ્ટ્રા ક્લાસ ભરવાનું નક્કી કરી લીધું હતું. માત્ર ચાર સેશનના પાંચસો યુરો થોડાં વધુ તો લાગ્યા હતા છતાં પણ... મનમાં કોઈક બોલતું હતું કે ક્યાંક પેલો અજનબી ત્યાં તો નહીં મળી જાય ? લાગતો તો હતો કોઈ અલગારી પેઈન્ટર પણ શક્ય છે એ પણ પોતાની જેમ જ કોઈ સ્ટુડન્ટ જ હોય?
ગોરો, ઉંચો, પાતળો ને બ્રાઉન આયઝ ને ચેસ્ટનટ કલરના લાંબા વાળ, જાણે કોઈક ચુંબક તત્વ, અદમ્ય વાત ખેંચી રહી હતી .
રોજ સવારે મેટ્રોમાં ભટકાઈ જવાથી વાત સ્મિત સુધી તો પહોંચી હતી પણ.... એથી આગળ શું ?
રોમા મનને વારતી હોય તેમ એક જ ઘૂંટડે મગમાં ઠંડી પડી રહેલી કોફી ગટગટાવી ગઈ. મોડું પડવું એટલે ક્લાસ મિસ કરવો અને આજે તો પહોંચવાનું હતું કોઈ નવી જગ્યાએ.
વાદળીયું વાતાવરણ સવારને ખુશનુમા બનાવી રહ્યું હતું. વેધર જોઇને રોમાએ ક્લોઝેટમાંથી લાઈટ ટર્કોઈશ કલરનું પુલઓવર ને જીન્સ ખેંચી લીધા. કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું હતું. સવારે જો પાંચ મિનીટનું મોડું થઇ જશે તો પેલા પેઈન્ટર બાબુના દર્શન દુર્લભ થઇ જશે.
રોમાએ રીતસર દોડાદોડી કરવી પડી. એક તરફ ઘડિયાળના કાંટા પોતાની સખ્તાઈ કરવામાં પાછીપાની નહોતા કરતા ને બીજી તરફ મિરર પોતાની સામેથી રોમાને હટવા નહોતો દેતો.
તાજાં પર્મિંગ કરાવેલાં વાળ પર રોમાએ ઝડપભેર બ્રશ ફેરવી લીધું. ક્લાસમાં નવી નવી ફ્રેન્ડ બનેલી એમીએ કહેલું તે યાદ આવી ગયું : એકદમ વ્યવસ્થિત વાળ બનાવવાનું કામ તો ચોખલી મિડલએજ સ્ત્રીઓનું, વિખરાયેલા વાળની બ્યુટી જ કંઇક અલગ છે.
એ વાત યાદ આવવાની સાથે રોમાના હોઠ મલકી રહ્યા. પર્મ કરેલાં વાળમાં બ્લીચ કરાવવાથી નિખરેલી ગોલ્ડન કલરની લટ ખરેખર એને સોહામણી બનાવી રહી હતી. રોમાએ ઝટપટ લીપ પેન્સિલ હોઠ પર ફેરવી લીધી. વહેલી સવારમાં પુલઓવરના ટર્કોઈશ કલરે રોમાના તાજાં ગુલાબ જેવા ચહેરા પર તો જાદુઈ ઈફેક્ટ કરી હતી, એમાં વળી વિખરાયેલા વાળ, બેબી પિંક લીપ કલરે હોઠને તો કંઇક નવું જ પરિમાણ આપ્યું હતું.
બસ, જલ્દી કર... નહીતર જેને માટે આ બધું કરે છે એ જ નહીં મળે.... દિલમાંથી ઉઠેલી શિખામણને અનુસરતી હોય તેમ રોમાએ ક્રોસમાં સ્લિંગ બેગ ભરાવી ઉપર પિંક પેઈઝ્લી પશ્મીના સ્ટોલની જેમ ગળે વીંટાળી દોટ મૂકી.
ઘર તો મેટ્રો સ્ટેશનથી ખાસ દૂર નહોતું પણ આજે બહુ દૂર લાગ્યું. ઝડપભેર લાંબા લાંબા પગલાં ભરીને રોમા સ્ટેશન પર પહોંચી ને ત્યારે જ દરરોજ પકડતી હતી તે મેટ્રો ટ્રેને ગતિ પકડી લીધી હતી. રોમાના ચહેરો ઉતરી ગયો. મગજે દલીલ પણ કરી: આજે તો આમ પણ લાઈન નંબર ટેન પકડીને એફિલ ટાવર પહોંચવાનું હતું તો પછી....
ફર્ક માત્ર દસ મિનિટનો પડ્યો હતો પણ એનો અર્થ સીધો હતો. પેલા પેઈન્ટર બાબુ તો પોતાની મંઝિલ તરફ નીકળી ચુક્યા હતા.
નિરાશ થઇ લાઈન ટેન આવતી હતી તે પ્લેટફોર્મ તરફ રોમાએ પગ ઉપાડ્યા ને અચાનક પીઠ પર કોઈકનો અથડાયો : હાય...ગુડ મોર્નિંગ .
રોમાને અચરજ તો થયું ને કાન પર વિશ્વાસ પણ ન બેઠો, પાછળ ફરી જોયું , ને એ જ ક્ષણે ચહેરો ખીલી ઉઠ્યો. પેલા પેઈન્ટર બાબુ તો રાહ જોતાં ઉભા હતા.
એ પોતાની રાહ જોઈ રહ્યો હશે એ પણ ટ્રેન જવા દઈને ?
એ વિચાર સાથે રોમાને લાગ્યું કે તેના શરીરમાં ફરી રહેલું લોહી ગરમ થઇ રહ્યું છે. રોમાના ગુલાબી ચહેરાનું નૂર આંખથી પ્રસરીને હોઠ સુધી પહોંચી ગયું. ભીડાયેલા હોઠ પર સ્મિત ક્યારે આવ્યું હતું એ તો ખબર નહોતી પડી પણ રોમા માંડ હલો બોલી શકી. તપી રહેલા કાન પેઈન્ટર બાબુની નજરે ચડી જાય એવી કોઈક આશંકા એ રોમાએ સ્ટોલથી કાન ઢાંકવાનો નિરર્થક પ્રયાસ કર્યો.
એ જોઇને કદાચ હસી રહ્યો હોય તેમ એના ચહેરા પર મલકાટ હતો, કદાચ એ પણ એની જેમ જ ??
***
' કોન્ગ્રેટ્સ રિયા, ટાઈમ ફોર પાર્ટી...... ' પહેલા મહેરનો ફોન તો આવી જ ચુક્યો હતો અને થોડી વાર ન થઇ ત્યાં તો રીતુનો ફોન આવ્યો: રિયા, પાર્ટી તો બનતી હૈ બોસ....
'અરે, પહેલા એક મીટીંગ તો થવા દો....' રિયાએ બની શકે એટલી નમ્રતાથી બંનેને વાળવાનો પ્રયત્ન કર્યો.
'અરે !! હવે મિટિંગ કેવી ને વાત કેવી ? ડાર્લિંગ, આ બમ્બૈયા પ્રોડ્યુસર્સ નથી, આ લોકો તો રીઅલ ટાસ્ક માસ્ટર્સ છે. એ લોકો આમ મિટીંગમાં સમય ન બગાડે, એ લોકોએ હા પાડી તો હા, ના પાડે તો ના. ને રિયા, યુ નો હાઉ લકી યુ આર...., રીતુની તો જબાન જ નહોતી બંધ થતી. : એમ સાંભળ્યું છે કે ભલે રહી રીજનલ ફિલ્મ પણ હિન્દી ફિલ્મ જેવી બ્લોકબસ્ટર, મલ્ટી સ્ટારર હશે... અરે લોકો તો બી. જાનકીરેડ્ડીની આવી ફિલ્મમાં એક સેકંડ માટે સ્ક્રીન પર આવવા મળેને તો ય પોતાની સીવીમાં એ ફિલ્મ ઉલ્લેખે, ને જો એમાં છીંક ખાવા મળે તો તો સમજ ચાંદી જ ચાંદી ...
સેતુમાધવનને ત્યાં અને એ ઉપરાંત બે ત્રણ પ્રોડક્શન હાઉસમાં પ્રયત્ન ફળતો ન એટલે રિતુએ દક્ષિણ ભારતના પ્રોડ્યુસર્સને સંપર્ક કરવા માંડ્યો હતો.
'એ બધી વાત સાચી પણ હજી તો માત્ર વાત થઇ છે.... મને થાય છે ... ' રિયાના અવાજમાં થોડી માયૂસી તરી આવી : મારું વજન ઓછું થયું છે પણ લોંગ વે ટુ ગો... ને ફિલ્મ શરુ થાય છે આ જ મહિને , આડા પંદર દિવસ પણ નથી.
'ઓયે સીલી ગર્લ, ધે લાઈક બક્ઝમ બ્યુટી... એટલે જ તો તારી પસંદગી થઇ છે... પણ યાદ રહે આ પછી તારું જીમીંગ ચાલુ રાખજે નહીતર મળી રહી હિન્દી ફિલ્મો, સમજી ને.... ' તડ ને ફડ કરનારી સરદારની રિતુએ કહેવાનું કહી દીધું પણ સાથે સાથે દિલથી આશીર્વાદ પણ આપેલા.
ભલે તેલુગુ પણ વિશ્વરૂપમ જેવા મોટા બેનરની ફિલ્મ મળવી એ જ જેકપોટ હતો. રિયાને એકલી મદ્રાસ મોકલાવી કેમ એ તો એક પ્રશ્ન હતો જ પણ આરતીએ તો એ પણ હલ કરી દીધો હતો. આરતીમાસી સાથે રિયા મદ્રાસ જવા એરપોર્ટ જવા નીકળતાં જ હતા ને માધવી પૂજારૂમમાંથી આરતીની થાળી સાથે બહાર આવી.
'મધુ ? તે પૂજા કરી ? રિયા માટે ? ' આરતીના સ્વરમાં આશ્ચર્ય તો હતું જ પણ એથી વધુ તો આનંદ છલકાઈ રહ્યો હતો.
માધવીએ વધુ કંઈ ન બોલતા રિયાને હલ્દી કુમકુમનું તિલક કરી ચોખાથી વધાવી : વિજયી ભવ: તારી તમામ ઈચ્છા પૂરી થાય દીકરા...
છ આંખો ભીની થઇ રહી હતી. રિયા દોડીને જોરથી માધવીને ભેટી પડી. ; મમ.. તમારા આશીર્વાદ સફળ કરીને બતાવીશ.
'એ તો ખાતરી છે મને..' માધવીએ રિયાના મોઢામાં દહીંભરેલી ચમચી મૂકી.
નીચે ઉતરી રહેલી લીફ્ટમાં આરતી ને રિયાને હાથ હલાવી માધવીએ વિદાય આપી. રોમાને પેરીસ સુધી મુકવા જનારી માધવી રિયાને મૂકવા એરપોર્ટ સુધી જવું પણ જરૂરી ન સમજ્યું. કોઈ અજ્ઞાત ભયથી ડરી ગઈ હોય તેમ એને તો રિયા ને આરતીની કાર બિલ્ડીંગની બહાર નીકળતી જોઈ કે સીધી પૂજાખંડમાં જઈ ચારભૂજાવાળી પ્રતિમાના ચરણે માથું ટેકવ્યું. : મા, એને મનવાંછિત સફળતા આપજો...બે ઘડી સુધી હાથ જોડી માધવી બેસી રહી : કૃપા કરજો મા કે રિયાને જિંદગીમાં ક્યારેય એના ફરેબી બાપ સાથે પનારો ન પડે..
માધવીએ મનવાંછિત સફળતાની વંચના કરી તો લીધી પણ એને ક્યાં ખબર હતી કે રીજનલ ફિલ્મથી શરુ થનારી આ મંઝિલ જ તો એક ખરેખરી તપસ્યા હતી : પેલા વેરી બાપને શોધીને દંડવાના અભિયાનની પહેલી કડી.
***
'શું છે આ વખતે ? સિંહ કે શિયાળ ? ' આર સેતુમાધવને પોતાના રાઈટ હેન્ડ જેવા શમ્મીને પૂછ્યું. સેતુ માધવનની ચરબીભરી પંચ્યાશી કિલોની કાયાને એર કંડીશનરની ઠંડકમાં પણ પરસેવો વળી જતો હતો. જે કોઈ સામાન્ય લક્ષણ નહોતું એ તો શમ્મી જોઈ શકતો હતો.
છેલ્લી મલ્ટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મના જે હાલ થયા હતા તે પછી તો જાણે સેતુમાધવનનો પોતાની જાતમાં રહેલો વિશ્વાસ જ ડગમગવા માંડ્યો હતો. માધવીને બેરહમીથી ત્યજી દઈને મગજની અસ્થિર મધુરિમાને પરણ્યા પછી પણ ક્યારેય સંતાપ નહોતો થતો તેવો સંતાપ ઉપરાછાપરી નિષ્ફળતાએ આપ્યો હતો.
એક જમાનામાં પ્રભાત ફિલ્મ્સનું નામ પંકાતું તે બેનરને પ્રભાત મહેરાના અવસાન પછી કંઈગણી વધુ ઉંચાઈએ પહોંચાડવાનું કામ રાજાએ કરી બતાવ્યું હતું। રાજા રાતોરાત પ્રોડ્યુસર ડિરેક્ટર શું બન્યો એની રહેણીકરણીથી લઇ દુનિયાને જોવાની દ્રષ્ટિ સુધ્ધા બદલાઈ ગઈ હતી. હવે એ રાજા નહોતો, હવે એ એ હતો રાજા સેતુમાધવન. પિતાનું નામ સાથે લગાડવાથી સફળતા સાથ નહીં છોડે એવું જાન્ય પછી રાજાએ પોતાના નામનો માત્ર આર રાખી નામ વહેતું મૂકી દીધું હતું. જ્યોતિષની સલાહ ફળી હોય તેમ નહીવત સમયમાં ફિલ્મી જગતમાં મોટાભાગના લોકો સેતુમાધવનની ઈર્ષ્યા કરતાં થઇ ગયા હતા, પણ એક વર્ગ એવો પણ હતો જેને માધવનની દયા પણ આવતી. અસીમ સુખ, સંપત્તિ, સફળતા વર્યાં પછી પણ અંગત જિંદગીના ખાલીપાનું શું ? મધુરિમા તો લગ્ન વખતે જ માનસિકરીતે અસ્થિર હતી અને તેમાં વળી બેવાર મિસ્કેરેજ થયા એ પછી તો તેની હાલત અત્યંત બગડી હતી.
જો કે સેતુમાધવન એ બધાથી ડરી જાય કે ડગી જાય તેવો ઢીલી કાછડીનો તો હરગીઝ નહોતો પણ ઉપરાછાપરી ત્રણ નિષ્ફળ ફિલ્મોએ તેને ગભરાવી દીધો હતો. જ્યોતિષની સલાહ પણ એક્સપાયરી ડેટ સાથે આવી હોય તેમ બધાં જ પાસાં અવળાં પડતાં ચાલ્યા હતા. માર્કેટમાંથી ચાલીસ ટકા વ્યાજે લીધેલાં કરોડો રૂપિયા દાવ પર લાગ્યા હતા. હવે જરૂર હતી એક મેગા હિટની, નહીતર તો જે કારણે આ પાગલ સાથે લગ્ન કર્યા તે પ્રભાતનું માત્ર બેનર જ નહીં, સ્ટુડીઓ, બંગલો, ઓફીસ હતા ન હતા થઇ જવાના હતા.
સેતુમાધવને હવાના સિગારનો ઊંડો કશ ભર્યો. ક્રીમ ડી લા ક્રીમ કહેવાય તેવાં સર્કલમાં હવે એ સેટ થઇ ચુક્યો હતો. એ આદતો પોષવા માટે પણ જરૂરી હતી એક છેલ્લી બાજી માંડવાની.
'સર, આમ તો કંઇ ખુશ થવા જેવું નથી પણ રીતુ આ વખતે પ્રમાણમાં ખરેખર સારા છોકરાંછોકરી લાવી હતી..ને થવાકાળ થયું કે તમે દોઢ મહિનો બહાર હતા.' શમ્મીએ શેલ્ફ પર મુકેલી ફાઈલો તારવવા માંડી.
'શમ્મી, તું તો જાણે છે ને પરિસ્થતિ....' માધવને પોતે બોલેલા શબ્દ પાછા ખેંચી લેવા હોય તેમ મૌન લઇ લીધું : એકસરખા દિવસો તો ક્યાં કોઈના રહ્યા છે ? પણ એક પછી એક ચાલી રહેલો નિષ્ફળ ફિલ્મોનો દોર ને બીજી તરફ મધુરિમા વકરતું જતું ગાંડપણ ....
શમ્મી વર્ષોથી સાથે હતો. તમામ પરિસ્થિતિથી વાકેફ પણ એની સાથે પણ પોતાનો રંજ વહેંચવાથી એ હળવો થવાને બદલે વધવાનો હતો એટલે વાત પર પૂર્ણવિરામ મુકીને કામની વાતનો દોર સાધવો જરૂરી લાગ્યો સેતુમાધવનને.
' એટલે આપણને ચાલે એવું કંઈ છે ? ' સેતુ માધવને પોતાની રિવોલ્વીંગ ચેરને રીક્લાઈન કરીને વધુ આરામદાયક પોઝીશન લીધી.'
જી, આ એ જ સોર્ટ આઉટ કરતો હતો. પિક્ચર્સ સાથે પરફોર્મન્સની વિડીયો કેસેટ્સ કરાવી છે.' શમ્મીએ પોતાના હાથમાં રહેલી વિડીયો કેસેટ્સ ને ફોટોગ્રાફ્સ, બાયોડેટા એના બોસના ટેબલ પર મૂક્યા.
શમ્મીએ સામેની કેબિનેટમાં ગોઠવાયેલાં વીસીઆરમાં કેસેટ લોડ કરી. 27 ઇંચના કલર ટીવી પર શૂટ થયેલાં સીન શરુ થયા.
પહેલી કેસેટ હતી પૂનમ બત્રાની. પાંચ ફૂટ છ ઈંચની ઉંચાઈ, ગોરી, લાંબા વાળ. પૂનમ સંપન્ન ઘરની પંજાબી કૂડી લાગી રહી હતી.
પાંચ મિનીટ પણ કેસેટ પ્લે થઇ ન થઇ અને સેતુમાધવનના ચહેરા પર નિરાશા છવાતી ચાલી.'
શમ્મી, હટા ઇસ કો...આ તો હિરોઈનની સહેલીમાં કદાચ ચાલે, નેક્સ્ટ...'
એક પછી એક કેસેટ્સ પ્લે થતી રહી અને તે જોઇને સેતુમાધવનના ચહેરા પર નિરાશા બેવડાતી રહી.
શમ્મી, વાત નથી બનતી...' હળવો નિશ્વાસ અનુભવ્યો શમ્મીએ. એ બોસ સાથે રહીને તેમનો પરફેક્શનનો આગ્રહ સમજી શકતો હતો.
કોઈ ઢંગની વાત છે કે પછી ?' સેતુમાધવને પોતાના બંને હાથ હતાશામાં ટેબલ પર પછાડ્યા.'
સર, એક જ બાકી છે, પણ એ રહેવા જ દો, જો આમાંથી જ કોઈ પસંદ નથી પડ્યું તો આ તો..' શમ્મીએ પોતાના હાથમાં રહેલી છેલ્લી કેસેટ પાછી કેબિનેટની શેલ્ફ પર મૂકી દીધી : કાલે હજી થોડી એન્ટ્રી જોઈએ, બીજું શું ?
ના શમ્મી, માંડ્યું છે તો પૂરું કર. લેટ્સ ચેક અપ ધીસ લાસ્ટ એઝ વેલ... એક છે તો જોઈ કાઢવામાં શું ફર્ક પડે?'
શમ્મીએ બોસના આદેશને અનુસરીને છેલ્લી કેસેટ લોડ કરી.
પહેલી જ ફ્રેમમાં રિયાને જોઇને સેતુમાધવનનું મોઢું બગડી ગયું : આ છોકરીને હિરોઈન બનવાના ઓરતાં છે?
એટલે જ કહ્યું સર..' શમ્મી બોલી ઉઠ્યો એનો એક હાથ વીસીઆરના સ્ટોપ બટન પર ગયો.
વેઇટ શમ્મી.... ' સેતુમાધવનનું ધ્યાન હવે રિયાએ ભજવવા માંડેલા સીન પર હતું.
સીન હતો બાપ દીકરીના મિલનનો. સીનમાં પિતા તો સામે નહોતો માત્ર સંવાદ હતા દીકરીના. જેલવાસી પિતા બાવીસ વર્ષ પછી દીકરીને મળે છે અને દીકરી એ વ્યક્તિને પિતા તરીકે સંબોધવાની ના પાડે છે. કારણ કે આ એ માણસ છે જેને માટે માએ આખી જિંદગી વિધવાની જેમ ગુજારી છે.
આ સીન કોણે ડાયરેક્ટ કર્યો હતો ? ' સેતુમાધવન ઘડીભર હાથમાં રહેલી સિગારનો કશ મારવાનો ભૂલી ગયા હોય તેમ તલ્લીન થઈને રિયાનો પરફોર્મન્સ જોઈ રહ્યા હતા.
નો સર, રીતુ જ અરેન્જર હતી. આ તમામ છોકરીઓ એની મારફત આવી હતી...' શમ્મીએ પૂરક માહિતી આપી.
શમ્મી, એક વાત જોઈ તેં ? સેતુમાધવનના ચહેરા પર પહેલીવાર થોડી હળવાશ નજરે ચઢી શમ્મીને.'
જી ? '
આ છોકરી છે, શું છે નામ એનું ? ' સેતુમાધવને પૂછ્યું.'
સર, રિયા ' શમ્મીએ કેસેટની ઉપર ચીપકાવેલું સ્ટીકર જોતાં કહ્યું: આગળ પાછળ કોઈ બીજી માહિતી નથી.
કોલ હર, શી ઇઝ ધ રાઇટ ચોઈસ ફોર અસ...' સેતુમાધવને એક ઊંડો કશ માર્યો.'
સર...?? ' હવે આભા બની જવાનો વારો શમ્મીનો હતો. આવી બટકી, ભીનેવાન, થોડી ઓવરવેઇટ છોકરીને પસંદ કરીને સર શું સાબિત કરવા માંગે છે ?'
શમ્મીના મનમાં ચાલી રહેલી ગડમથલ પામી ગયા હોય તેમ સેતુમાધવન જરા હસ્યા. ચેર સરખી કરી જરા ટટ્ટાર બેઠા ને સિગાર સામે પડેલી એશટ્રે પર મૂકી દીધી.'
શમ્મી, તને કદાચ એમ તો નથી કે હું પાગલ થઇ ગયો છું ? '
સર... પણ ' શમ્મી આગળ વધુ કંઈ બોલી ન શક્યો, ખરેખર તો મનમાં એ એમ જ તો વિચારી રહ્યો હતો ને !
' તને લાગે છે કે એ હિરોઈન મટીરિયલ નથી, રાઈટ ?'
શમ્મીએ માત્ર ડોકું ધુણાવ્યું : સો ટકા નથી.
' ત્યાં જ તું ભૂલે છે. હા, એ અત્યારે હિરોઈન મટીરિયલ નથી દેખાતી કારણ કે આ રફ ડાયમંડ છે... પાસાં પડ્યાં વિના પડેલો હીરો પથ્થર જ લાગે. પણ, શમ્મી તું લખી રાખ મારા શબ્દ, એક દિવસ આ છોકરી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરશે.... અત્યારે જરૂરી છે એનું ગ્રૂમિંગ અને થોડી તાલીમ.
'તો પછી એને....' શમ્મી હજી અવઢવમાં હતો.
બિલકુલ, રીતુને જાણ કરી દે અને બાકીની પ્રોસીજર પૂરી કરો.'
શમ્મી હજી અચંબામાં જ હતો ને આદેશ મળ્યો એટલે એને બોસની કેબીનમાંથી ઉઠીને બહાર જવું પડ્યું.
જેવો શમ્મી બહાર ગયો કે સેતુમાધવને ફાઈનાન્સર મંગલ બાફ્નાને ફોન લગાવ્યો.
'બાફના જી, જુઓ તમે એક લાસ્ટ ચાન્સની વાત કરતા હતા. તો એ હવે કાર્ડ પર છે. એ કહો કે આ વખતે કેટલા લગાવો છો ?
ક્રમશ: