Dream Girl
( Chapter - 3 )
રેસ્ટરમાંથી બહાર નીકળીને માધવને બાય કર્યા પછી લાવણ્યા કારનો દરવાજો ખોલીને એમ બેસવા તૈયાર હતી છતાં હજી એને માધવ જોઈતો હતો. માધવથી જ્યારે પણ છુટા પડવાનું હોય લાવણ્યા એને પોતાની આંખથી ઓઝલ ન થાય ત્યાં સુધી અપલક નેત્રે જોયા જ કરતી હતી. હમેશની જેમ આજે પણ માધવ જતો હતો ને લાવણ્યા હજી એની કારમાં ગોઠવાઈ નહોતી. ડ્રાયવરે દરવાજો ખોલીને રાખ્યો હતો પણ લાવણ્યા હજી ઉભી જ હતી. ત્યાજ એક ગાડી આવી... પુરપાટ ઝડપે, એમાંથી એક ટપોરી જેવા છોકરાએ માધવના માથામાં કૈક માર્યું અને એકજ ઝટકામાં માધવને એમાં ખેંચીને ભાગી ગઈ. લાવણ્યા હેબતાઈ ગઈ હતી. એ કઈ સમજે એ પહેલાજ, એની ફિલ્મોમાં ભજવાતો સીન આજે એની નજર સમક્ષ રીયલમાં ભજવાઈ ચુક્યો હતો. અને આ સીનમાં એનો રીયલ લાઇફ હીરો માધવ કીડનેપ થઈ ગયો હતો.
‘મેડમ આપ જલ્દી સે બૈઠ જાઈએ, હમ ઉસકા પીછા કર લેતે હૈ.’ લાવણ્યાની જેમ જ માધવને કિડનેપ થતો જોઈ રહેલા વિપુલે કીધું.
લાવણ્યાના ગાડીમાં બેસતાની સાથે જ વિપુલે માધવને લઈ જતી ગાડીનો પીછો કરવા માટે ફૂલ એક્સીલેટર સાથે ગાડી હંકારી.
ક્યાં મારુતિ વેનની સ્પીડ અને ક્યાં ઓડી. લાવણ્યાને પણ એમ જ હતું કે માધવ વાળી વેનને હમણાં જ પકડી પડીશું. તોય એણે વિપુલને કહ્યું, ‘વિપુલ ભાઈ ગાડી જરા તેજ ચલાના’
હમેશાં નાના માણસોને માન આપીનેજ વાત શરૂ કરતી લાવણ્યાએ વિપુલને કીધું. માન સન્માન અને બે ટંકનો રોટલો મળે તો વિપુલ જેવા નોકરિયાત પોતાના માલિક માટે જાન હાજર કરે એવા હોય છે.
‘આપ શાંતિસે બેઠીયે મેડમ મેં અભી ઉસ વેન કો ચૂંટકી સે પકડ લુંગા.’
લાવણ્યમયી લાવણ્યાના રૂપમાં ચિંતા ભળેલી, એસીની ઠંડકમાંય ચહેરા ઉપર પ્રસ્વેદબિંદુ બાઝી ગયેલા તોય કોઈ ફેર નહોતો પડ્યો. એ આવી પરિસ્થિતિમાં પણ ખુબજ સુંદર લાગી રહી હતી.
અમસ્તી જ તો એ થોડી બોલીવુડની સફળ હિરોઈન હોય? એનામાં કૈક તો હોયજ ને!
***
લાવણ્યા મુંબઈના ગણતરીના મોટા લોકોમાંથી એક અતિ ધનવાન અને સફળ બીઝનેસમેન એવા ગુજરાતી બિલ્ડર રાજીવ રઘુવંશીની પુત્રી હતી. બોલીવુડમાં ઘુસવા માટે જોકે લાવણ્યાને ઝાઝી તકલીફ આ કારણસર જ નહોતી પડી. રાજીવ રઘુવંશી પોતે પણ કેટલીય ફિલ્મોના ફાયનાન્સર હોવાના કારણે એમનું બોલીવુડમાં પણ મોટું એવું નામ હતું.
નવા ઉભરતા મુંબઈના પવઈ વિસ્તારમાં એમના દસ માળના રઘુવંશી હાઉસમાં એ રોજનો કરોડો રૂપિયાનો ધંધો કરી લેતા હતાં. આ રાજીવ રઘુવંશી કેટલાય બીઝી કેમ ન હોય પણ છતાંય એમની નજર લાવણ્યા પર સતત રહેતી. એ લાવણ્યા માટે બહુજ પઝેસીવ હતાં એ જન્મી ત્યારથી જ. પણ જ્યારે સુમન રાજીવ રઘુવંશી એટલે કે, લાવણ્યાની મોમનું લાવણ્યા માત્ર પંદર જ વર્ષની કિશોરી હતી ત્યારે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયું પછી એ જરા વધારે જ પઝેસીવ થઈ ગયેલા.
જ્યારે પણ શુટીંગ ન હોય, ભણવામાં અતિ તેજસ્વી લાવણ્યા આર્કિટેક્ટ થયેલી એટલે ડેડની સાથે રઘુવંશી હાઉસના કામ માટે જતી જ રહેતી. લાવણ્યા નું ફિલ્મી હિરોઈન તો એને આર્કિટેક્ટ બનાવવાનું સપનું સુમન અને રાજીવ રઘુવંશીનું હતું. અને એક માત્ર સંતાન એવી લાવણ્યા એના બંને પ્રોફેશનમાં આજે સફળ હતી.
‘વિપુલ ભાઈ વો રહી વેન જરા સ્પીડ બઢાઓ, હમ ઉસ તક પહુંચ જાયેંગે.’ એટલામાં જ માધવ વાળી વેને ગ્રીન સિગ્નલ જોયું અને યુટર્ન લઇ લીધો અને સેકન્ડ લેનમાં ચાલી રહેલી ઓડીને એજ વખતે સિગ્નલ રેડ થઈ જતાં કમ્પલસરી ઉભા રહી જવું પડ્યું. આવી પરિસ્થિતિમાં કોઈ બીજો ડ્રાયવર હોય સિગ્નલ તોડવા જેવો ગુનો કરી જ લે પણ, રાજીવ રઘુવંશીના ઘરના કે ઓફીસના બધા જ કર્મચારીઓને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન નહી જ તોડવાની શીખ જાણે ગળથૂંથીમાં મળેલી હતી. એનું કારણ પણ હતું, મીડિયા એમના ચોવીસ કલાકના ધંધાને ધમધમતો રાખવા માટે શહેરના આવા મોટા માથાની કોઈ નાની સરખી પણ ભૂલની રાહ જોતા જ બેઠા હોય.
‘ઓ શીટ્ટ, લાવણ્યા બોલી, યે કયા કિયા વિપુલભાઈ, ગાડીકો ઉસકે પીછે ભગાના થા ન,’
‘નહી મેડમ આપકો તો પતા હૈ હમે ટ્રાફિક રૂલ્સ તોડને કી મનાઈ હૈ.’
***
‘પર આપ ચિંતા મત કરીએ હમ ઉસકો છોડને વાલે નહી હૈ’ જાણે કોઈ એડવેન્ચર માટે નીકળ્યો હોય એમ વિપુલ પણ આજે ફૂલ ફોર્મમાં હતો.
“દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે...”
મોબાઈલમાં હાલરડું વાગતાની સાથે જ માધવની ચિંતામાં બધું જ ભુલી ગયેલી લાવણ્યાને ડેડનો કોલ જોતા સહેજ રાહત થઈ.
થોડી ગુસ્સામાં કે, એના માધવને ઉઠાવી જવાની તારી હિમ્મત, અને થોડી લાગણીમાં અને ચિંતામાં મિશ્રિત ભાવના મનમાં ચાલતી હતી ત્યાજ જાણે ડૂબતી નૈયાને કિનારો મળી ગયો હોય એમ, એણે પપ્પાને કહ્યું
“ડેડ માધવ, મારો માધવ કિડનેપ થઈ ગયો છે. હું અત્યારે એનો જ પીછો કરી રહી છું.” બોલતા બોલતા તો એ રડી જ પડી.
“ શું? માધવ? કોણ માધવ?” માધવ વિષે કશું જ ના જાણતા રાજીવ રઘુવંશી તો આ સાંભળીને હક્કાબક્કા થઈ ગયા કે, જેને પોતે જોયો નથી. જેને પોતે ઓળખતા નથી એવી માધવ નામની વ્યક્તિને પોતાની લાડકવાઈ ‘મારો માધવ’ કહે છે?
પણ આ વખત દીકરીને કાઉન્ટર ક્વેશ્ચન્સ કરવાનો ન હતો, એટલું તો એ સમજી જ ગયેલા અને એટલે જ પોતાની લાડકવાઈને ચિંતા મુક્ત કરવા માટે બોલ્યા,
‘તું ઘરે પહોચ હું ઘરે હાલ જ આવું છું બેટા’
‘પણ માધવ ને હું શોધ્યા વગર ઘરે નઈ આવું ડેડ,’ ડૂસકું મુકાઇ ગયું એનાથી.
‘જો બેટા તું એ લોકોનો પીછો કરે અને એ લોકો તને મળી પણ જાય તો, એવા કીડ્નેપરને પહોંચી વળવાનું તારું કે વિપુલનું કાઈ ગજુ નહી. એટલે તું આવ ઘેર ત્યાં સુધીમાં હું આપણી પર્સનલ ડીટેક્ટીવ ટીમ અને મુંબઈના પોલીસ કમિશ્નર અજય ખાંડેકરને કોલ કરી દઉં છું. તું ખાલી મને માધવનો ફોટો અને એ જ્યાંથી કિડનેપ થયો એ એડ્રેસની ડીટેઇલ સેન્ડ કરી દે.”
ડેડની વાત સાંભળીને શાંત થઈ ગઈ લાવણ્યા અને લાવણ્યા સાઈડની વાત સાંભળીને વિપુલ સમજી ગયેલો અને એણે રઘુવંશી બંગ્લોઝ અંધેરી તરફ ઓડી મારી મૂકી.
***
હજી સુધી માધવ વિષે કઈ પણ ના જાણતા રાજીવ રઘુવંશી વોટ્સએપ થ્રુ આવેલ માધવનો ફોટો જોઇને અચંબિત થઈ ગયેલા.
‘કોણ હશે આ માધવ જેણે મારી લાવણ્યાને મારાથી જ વિમુખ કરવાનું ઘોર પાપ કર્યું છે?’ રાજીવ ભાઈ સ્વગત જ બોલ્યા.
જોકે, એમણે લાવણ્યાને કહ્યા મુજબ જ પોતાના શક્તિ સ્વરૂપ ચક્રોને ગતિમાન કરવાનું કામ શરૂ કરી દીધેલું. રઘુવંશી હાઉસમાંથી રઘુવંશી બંગ્લોઝમાંમાં એ પહોચ્યા ત્યાં સુધીમાં તો વેનનો નંબર જે રોડ સાઈડના કેમેરામાં કેદ થયેલો હતો તે પણ મળી ગયો અને માધવના મોબાઈલનું લોકેશન પણ મળી ગયું.
મેં હજી સુધી ડેડને માધવના બારામાં કૈજ જણાવ્યું નહોતું અને આજે આમ અચાનક માધવના કીડ્નેપની સીધી જ વાત ડેડને કરવી પડી એમાં લાવણ્યા પણ વ્યથિત થઈ ગઈ. સ્કુલથી આવેલી લાવણ્યાને જમાડી પછી જ ઓફિસ જતાં ડેડ, મોમને જ્યારે એ ઘણી બીમાર હતી ત્યારે મોમના અને લાવણ્યા બેયના માથે એકસાથે હાથ મૂકતા ડેડ, પોતાના આંસુ છુપાવીને લાવણ્યાની આંખના આંસુ લુછતાં ડેડ, એક વાર સ્કુલની પીકનીક ગયેલી અને ત્યારે એ પડી ગયેલી અને માત્ર ઘૂંટણ જ છોલાઈ ગયેલા તો એમાંય સ્કુલના ટ્રસ્ટી સુધીનાની ધૂળ કાઢી નાખતા ડેડ, શુટીંગમાં એ જ્યારે પણ આઉટ ઓફ સ્ટેશન હોય કે આઉટ ઓફ કન્ટ્રી સિમી માસીને લાવણ્યાની સાથે જ રહેવા મજબુર કરતાં ડેડ, ક્યારેક એને એમના પ્રેમમાં ગૂંગળાવી નાખતા તો ક્યારેક એનું કવચ બનતા ડેડ, લાવણ્યાને બહુ વ્હાલાં હતાં એના ડેડ. પણ શું થાય માધવની પણ એના દિલમાં એટલી જ જગ્યા હતી. એને ખબર હતી કે, જ્યારે પણ એ માધવ વિષે ડેડ જાણશે શું નું શું કરશે? એટલે તો એ ક્યારનીય નહોતી જ કહેતી. એને જ્યારે પણ ડેડ લગ્નની વાત કરતાં એ એનું હીરોઈનનું પ્રોફેશન આગળ ધરી જ દેતી. આમ પણ જો હોરોઈન એકવાર લગ્ન કરી લે તો એની કરિયર ડામાડોળ થઈ જ જાય એવો આપણા બોલીવુડનો વણલખ્યો નિયમ છે. એમાં પણ અત્યારે લાવણ્યા નંબર વન હિરોઈન ગણાતી હતી એટલે ડેડ પણ પછી એની આગળ બહુ આર્ગ્યુંમેન્ટ નહોતા કરતાં. જોકે એમને પણ એવા પાત્રની શોધ હંમેશા રહેતી કે, એમની વ્હાલસોઈ પુત્રીને અઢળક પ્રેમ કરે અને એમના બીઝનેસ એમ્પાયરને પણ નવી ઉંચાઈઓ પર લઇ જાય એવો મુરતિયો મળી જાય તો સારું. અને આજે માધવ વિષે કહી જ દેવાણું લાવણ્યાથી, આમ અચાનકજ એના ડેડને. એ વાતમાં જ આજે કદાચ વધુ અપસેટ થઈ ગયેલા રાજીવ રઘુવંશી.
લેખન - સપના શાહ
સંપાદન - સુલતાન સિંહ
જો આપ પણ આ પ્રકારની એપિસોડિક નોવેલ લખવામાં જોડાવા માંગતા હોવ તો નીચેના કોન્ટેકટ પર સંપર્ક કરી શકો છો.
મોબાઈલ - ૯૯૦૪૧૮૫૦૦૭
મેઈલ - raosultansingh@gmail.com