Love Story 1990 in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | લવ સ્ટોરી ૧૯૯૦

Featured Books
Categories
Share

લવ સ્ટોરી ૧૯૯૦

અર્પણ

મારા માતા-પિતા, પ્રભુ શ્રીરામ અને હનુમાનજી, જેઓ હંમેશા મારા હ્રદયમા રહે છે. મારુ મન જે કલ્પનાઓની દુનિયામા રહીને મને અવનવી વાર્તાઓ લખવા પ્રેરીત કરે છે. માતૃભારતી, જે મારા સપનાઓની દુનિયાને આકાર આપવામા મારી મદદ કરે છે. મારો મિત્ર પ્રિતેશ હિરપરા જે મારી વાર્તાનો વિવેચક છે.

***

ભાગ-૧ મા આપણે જોયુ કે આસ્થાને એક ડાયરી મળે છે, જે રવિની છે. એ કેસરને પ્રેમ કરવા લાગ્યો હતો. શુ એને કેસર મળશે કે પછી એનો પ્રેમ અધુરો રહી જશે? જાણો આ ભાગમા.

***

૨૧ જુલાઇ, ૧૯૯૦

વરસાદની આ મોસમ મને પહેલી વાર ખુબ ગમી. કેસર મારા દિલો-દિમાગમા છવાઇ ગઇ હતી. એ દિવસે ભોટો પડ્યો, બાદમા મળવાની હિંમત ના થઇ. હુ ગેરેજમા કામ કરતો હતો ત્યા જ કોઇ સ્કુટર લઇને આવ્યુ. એ તરફ નજર કરી, તો ચહેરા પર ખુશી છવાઇ ગઇ. મારા ગેરેજ પર કેસર આવી હતી, પણ સાથે એના પિતા પણ હતા. હુ ખુબ ખુશ થયો. મે ચિંટુને કહીને બે ખુરશી મંગાવી અને એ બંનેને બેસવા આગ્રહ કર્યો. એમના સ્કુટરને રિપેર કરી આપ્યુ. કેસર મારી તરફ જ જોતી હતી. મે એની સામે જોયુ ફરી નજર મળી અને મને ચેન મળ્યુ. પૈસા આપીને એ બંને રવાના થયા. હુ તો ખુશીથી નાચવા જ લાગ્યો, “જાનુ મેરી જાન…” લકી અને ભિખાકાકા મને જોતા રહ્યા. હુ પાગલ લાગતો હતો.

***

૨૫ જુલાઇ, ૧૯૯૦

બાપુનગરમા એક લગ્ન પ્રસંગમા હાજરી આપવા જવાનુ થયુ. આવા વરસાદની ઋતુમા કોઇ લગ્ન કેવી રીતે કરી શકે? ખેર મિત્ર હતો એટલે જવુ પડ્યુ. રાતે ૧૦ વાગ્યા ત્યાથી બાઇક લઇને નિકળ્યો. સાંજે ૮ વાગ્યાથી ધોધમાર વરસાદ પડ્યો હતો, જે હવે ધીમો થયો હતો. લગ્નમા મહેમાન નહિવત હતા. સારુ હતુ લગ્ન એક હોલમા રાખવામા આવ્યા હતા. મારા હરખપદુડા મિત્રને પરણવામા વાંધો ન આવ્યો.

બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે કેસર આગળ બેઠી જ હતી. કેસર મને ઓળખી ગઇ અને હાથ બતાડ્યો. મે બાઇક સાઇડમા મુકી અને એની પાસે જઇ ઉભો રહ્યો. એણે ચિંતામા વાત કરી, “જુઓ ને કોઇ બસ મળી નથી રહી અને રિક્શા વાળા હડતાળ પર છે, હવે?”

“આવી જશે, ચિંતા ના કરો.” મે કહ્યુ.

“અરે ક્યારની રાહ જોઉ છુ.” એણે કહ્યુ.

“તમને વાંધો ન હોય તો હુ તમને મુકી દઉ, તમારા ઘર સુધી.” મે ડરતા મને પુછ્યુ.

કેસરે થોડી વાર વિચાર કર્યો અને હકારમા માથુ ધુણાવ્યુ. એ બાઇક પર મારી પાછળ બેસી ગઇ. મારો સ્પર્શ ના થાય એનુ ખાસ ધ્યાન એણે રાખ્યુ હતુ. બાપુનગરથી સરસપુરના રસ્તે ખુબ પાણી ભરાયેલુ હતુ. બે કલાકમા જ સારો એવો વરસાદ પડ્યો હતો.

રસ્તા પર પાણી ખુબ ભરાયેલુ હતુ, એ કારણે મારુ બાઇક બગડી ગયુ. મે બાઇક સાઇડમા ઉભી કરી અને ૧૫-૨૦ કિક મારી. સ્પાર્કના પ્લગને નિકાળી મારા શર્ટથી સાફ કર્યુ, ફુંક મારી અને ફરી કેટલીય કિકો મારી. કઇ જ કામ ન આવ્યુ.

કેસરે રડમસ અવાજમા કહ્યુ, “હવે...? મારા ઘરે બધા ચિંતા કરતા હશે.”

રાતના સાડા દસ થયા હતા. લોકોની અવરજવર આવા વાતાવરણમા હતી જ નહી. એ દિવસે કેસર કોઇ છોકરાને ચપ્પ્લથી મારતી હતી. એ બહાદુર કેસર અને આજની કેસરમા બહુ ફરક હતો. એને હેરાન કરવાનુ મન થયુ.

હુ કોઇ ફિલ્મી ગુંડો હાસ્ય કરે એવુ હસ્યો, “આસપાસ કોઇ નથી, આ મોકાનો તો ફાયદો ઉઠાવવો જોઇએ, મદદ થોડી? હા...હા...હા....”

હુ એને જે નજરેથી જોઇ રહ્યો હતો, એવી રીતે કેસર તો ફફડી ગઇ. મે એને બાહોમા ભરવા હાથ પહોળા કરી એની તરફ વધ્યો. એ હવે પહેલાથી વધારે ડરી ગઇ હતી, “જુઓ હુ હાથ જોડુ છુ, મને જવા દો. આવુ ના કરશો પ્લીઝ. હુ કોઇને મોઢુ નહી બતાડી શકુ.” કેસર રડવા લાગી.

“અરે....અરે શાંત થઇ જાઓ, હુ મજાક કરતો હતો, લો તમારાથી દુર થઇ જઉ.” એને રડતી જોઇને મને ખુબ દુખ થયુ. હુ થોડો દુર થઇ ગયો.

“સોરી....સોરી...હુ તો ખાલી મજાક કરતો હતો.”

મને થોડો દુર જતા જોઇ એને વિશ્વાસ આવ્યો અને અચાનક ગુસ્સો આવ્યો. એણે ચપ્પ્લ કાઢી મારા પર છુટ્ટુ ફેક્યુ. હુ ઝુક્યો અને એનુ ચપ્પ્લ પાણીમા ડુબીને ગાયબ થઇ ગયુ. એણે બીજુ પણ ફેક્યુ અને એવુ જ થયુ.

મે હસીને કહ્યુ, “હાશ...આજે તમારાથી બિચારા નિર્દોષ ચપ્પ્લોને છુટકારો મળ્યો. નજાણે કેટલાય છોકરાના ગાલ પર પડી ગયા હશે.”

કેસર આ સાંભળી થોડુ હસી. અચાનક ફરી વરસાદ શરૂ થયો અને અમે દુકાનની નીચે જઇને બેઠા. વરસાદ ખુબ વધારે હતો. અમે બંને પલળી ગયા હતા.

“આટલા ટાઇમથી પીછો કેમ કરો છો મારો?” કેસરે આંખોના નેણ ઉંચા કરતા કહ્યુ. એ જ અદા પર તો હુ ફિદા હતો.

“અને એ દિવસે દેખાવ બદલીને દાઢી મુંછ પહેરીને....” કેસરે કહ્યુ.

“અને હા બિમારીનુ પણ નાટક જ કરો છો ને તમે?” આવુ પુછીને ફરી મને ભોટો પાડ્યો.

હુ ચુપ જ રહ્યો, એના સુંદર ચહેરાને જોતો રહ્યો.

કેસરે ચપટી વગાડતા મારી વિચારધારા તોડી, “પણ કેમ?”

“આજે તમારા ચપ્પ્લ પાણીમા ડુબી ગયા એટલે કહેવાની હિંમત આવી રહી છે.” હુ એનાથી થોડુ દુર ખસી ગયો. આંખ બંધ કરીને બધી હિંમત એકઠી કરીને બોલી ગયો, “હુ તમને પ્રેમ કરુ છુ.”

આંખો ખોલી ત્યારે કેસર મને જોઇ રહી હતી. એ કઇ જ ના બોલી. વરસાદના બંધ થયા બાદ હુ એને એના ઘર સુધી મુકી આવ્યો. રસ્તામા એ ચુપ જ રહી. હુ સમજી ગયો કે એના મનમા મારા માટે કોઇ અહેસાસ નથી. હવે હુ એને ક્યારેય નહી મળુ, એ નિર્ણય કરી ચુક્યો હતો.

***

રાતના એક વાગી ગયા હતા. દર્શન પાણી પીવા ઉઠ્યો ત્યારે ટેબલ પર આસ્થા કોઇ બુક વાંચી રહી હતી. “અરે આસ્થા હવે તો સુઇ જા, એક વાગી ગયો યાર.” આસ્થાએ ડાયરી બંધ કરી અને ઉંઘી ગઇ. સવારે દર્શન ઓફિસે ગયો અને હેતલને નિશાળે મુક્યા બાદ આસ્થા ફરી ડાયરી લઇને બેસી ગઇ. કામકાજ કરવાનો આજે કોઇ ઇરાદો નહતો. રવિ અને કેસર વિશે જાણવાની એની તાલાવેલી આસમાને હતી.

***

૨ ઓગસ્ટ, ૧૯૯૦

આ કેસર મારા વિચારો અને સપનાઓમાથી નીકળતી કેમ નથી? અઠવાડિયુ ઉપર થઇ ગયુ એને જોયે, પણ એ જ બેચેની, તફલીફ, પીડા એના વગર કેમ? હવે તો ખબર પડી ગઇ કે એના મનમા મારા માટે કઇ જ નથી તો હુ એને ભુલી કેમ નથી શકતો? મન તો થાય છે કે હુ ક્યાય ખુબ દુર જતો રહુ...ખુબ દુર....જ્યા મને કેસરની યાદ ના આવે.

***

૧૬ ઓગસ્ટ, ૧૯૯૦

આજે હુ ખુબ જ ખુશ છુ, “યાહુ...મને જંગલી કહો, દિવાનો કહો, કે કેસરનો પ્રેમી કહો. એક જ વાત છે ને.

સવારથી કેસરને જોવાની તડપ મારી આંખોમા હતી. એ મને પ્રેમ ના કરે તો શુ, હુ તો એને કરુ છુ ને. મારી જાનથી પણ વધારે. હુ એને જોવા સાંજે ૮ વાગ્યે જ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. સાડા આઠે કેસર બહાર આવી અને મને જોઇને એના પર્સમાથી પત્ર આપ્યો. એ બસમા બેસીને જતી રહી અને મે પત્ર વાંચ્યો. અંદર લખ્યુ હતુ, “હુ તમને પ્રેમ કરુ છુ.”

વરસાદ વરસી રહ્યો હતો અને હુ ખુશી અને ઉમંગમા જંગલીની જેમ નાચી રહ્યો હતો.

***

૩૦ ઓગસ્ટ, ૧૯૯૦

આજે અમે બંને કાકરિયા ફરવા ગયા હતા. આટલા દિવસથી તો બસ સવાર-સાંજ એને બસ સ્ટેન્ડની બહાર જ જોતો હતો. થોડી ઘણી પ્રેમભરી વાતો થતી. મે એને ફરવા માટે પુછ્યુ અને થોડી આનાકાની સાથે માની ગઇ. એ બહુ શરમાળ છે, તો બહાદુર પણ. લોકોની ભીડની વચ્ચે એને શરમ આવતી હતી. એ શાંત હતી અને હુ જ વાત કરતો હતો. ક્યાક પકડાઇ જઇએ તો? એ જ એનો ભય હતો. તે છતાય થોડી ખુશી સાથે એ મારી સાથે ફરી હતી. એક પાણીની પરબડી પાછળ લઇ જઇને મે એના ગાલ પર ચુંબન કર્યુ અને એની આંખો પહોળી થઇ ગઇ. એના ધક-ધકનો અવાજ મને ચોખ્ખો સંભળાઇ રહ્યો હતો. મે એને કહ્યુ, “હવે તુ મારી ચુમ્મી પાછી લાય.” એણે થોડા ખચકાટ સાથે મારા ગાલને ચુંબન કર્યુ. મારુ દિલ તો ધબકારાની જગ્યાએ પ્રેમના ગીત ગાવા લાગ્યો. શરીરમા આવી ધ્રુજારી અને મનનો મીઠો અહેસાસ પહેલી વાર થયો હતો.

***

૧૩ સપ્ટેબ્મર, ૧૯૯૦

મારી કેસર પ્રત્યે મારો પ્રેમ, દિવસે દિવસે વધી રહ્યો છે. મારા મનને અહેસાસ થાય છે કે એ પણ મને સાચા દિલથી ચાહવા લાગી છે. એ મારી ચિંતા કરે છે, જ્યારે સાથે હોઉ તો ધ્યાન રાખે છે. મારા પ્રત્યેની લાગણીઓ કેસર એની ડાયરીમા લખે છે, જાણીને ખુશી થઇ. બીજી બાજુ એના પપ્પા અને ભાઇ ખુબ ખતરનાક છે, મને બીક તો લાગે છે, જ્યારે એના ઘરે ખબર પડશે, તો શુ થશે, પણ જો કેસરનો સાથ હોય તો કોઇથી પણ લડી જઇશ.

***

૨૧ સપ્ટેબ્મર, ૧૯૯૦

હુ અને કેસર ગાંધીનગર ફરવા ગયા હતા. હાથોમા હાથ પરોવીને આજે ફર્યા. મને તો એવુ લાગ્યુ કે હુ સ્વર્ગથી પણ સુંદર જગ્યાએ છુ. જ્યા કેસર મારી સાથે છે. બાપુનગરના એક સ્ટુડિયોમા અમે બંનેએ ફોટો પડાવ્યો. મે એના ખભે હાથ મુક્યો. શરમના લીધે એના શરીરની ધ્રુજારી હુ મહેસુસ કરી શકતો હતો. રસ્તામા મે પુછ્યુ, “યાર ખાલી હાથ ખભે મુક્યો એમા આટલી શરમાય છે? આપણી સુહાગરાતે કેટલુ શરમાઇશ?” હુ હસી પડ્યો અને તેણે ગુસ્સાથી મારા ખભે મારીને છણકો કર્યો.

***

૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૦

ડાયરી લખવાનો ટાઇમ જ નથી મળતો. એક તરફ ગેરેજનુ કામ, કેસર સાથેનો પ્રેમ અને બહુ બધી ચિંતા. ઘરવાળા હવે લગ્ન માટે દબાણ કરે છે. મને પપ્પાથી ખુબ બીક લાગે છે. કેવી રીતે કહુ કે હુ કેસરને પ્રેમ કરુ છુ. બીજી તરફ કેસરના ઘરવાળા પણ એના માટે છોકરાઓ જોવે છે. શુ કરુ યાર?

***

આસ્થાએ આગળ પાના ઉથલાવ્યા, પણ આગળના દરેક પાના કોરા હતા. ડાયરી અધુરી હતી. આસ્થાને અત્યાર સુધી એ બંનેનો પ્રેમ, એ અહેસાસ ખુબ જ ગમ્યા હતા. એણે પહેલા પાને બંનેનો ફોટો પાછો જોયો અને મનોમન વિચારવા લાગી, “કેટલુ સુંદર જોડુ છે, બંને એક થયા હશે કે નહી? આગળ શુ થયુ હશે? ઓહહહ....”

આસ્થાએ ઉપરના રૂમમા જઇને એ બુકસનો કબાટ આખો ફેંદી માર્યો, કઇ જ ના મળ્યુ. આસપાસ પુછપરછ પણ કરી, પણ આસપાસનો પાડોસ પણ નવો હતો. આ ઘર રવિનુ હતુ એ તો જાણી ગઇ હતી.

અઠવાડિયુ વીતી ગયુ. રવિ અને કેસરને યાદ કરીને આસ્થાને ચેન નહોતુ પડતુ. આ કુદરતની કેવી લીલા હતી. નાનપણમા જે કેસર એને લાડ લડાવતી, મા ની ગરજને સારતી. એ જ હોસ્પિટલની નર્સ આજે ફરી એની યાદોને ઘેરી વળી હતી.

આસ્થાએ દિમાગ પર ઘણુ જોર આપ્યુ અને એક વાત એને યાદ આવી. મધ્ય ઓક્ટોમ્બર બાદ કેસર એને હોસ્પિટલમા જોવા મળી નહતી. એના પિતાને પુછ્યુ ત્યારે કહ્યુ કે તે હવે નહી આવે અને એ દિવસે તે ખુબ રડી હતી. ૧૦ દિવસ તો એને ચેન જ ના પડ્યુ, પણ સમય વીતતો ગયો અને કેસરની સ્મૃતિ ધુંધળી થતી ગઇ.

આસ્થાને કેસરનો એ પ્રેમ, મમતા ફરી યાદ આવી અને નક્કી કર્યુ કે એ જાણીને જ રહેશે કે કેસર અને રવિનુ શુ થયુ?.

***

આસ્થા એના પિતાની હોસ્પિટલમા ગઇ. બહાર એણે બસ સ્ટેન્ડ જોયુ, “ઓહ...અહી એ બંને કેટલી વાર મળ્યા હશે? એ પ્રેમભરી મુલાકાતો....”

આસ્થાએ એના પિતા પાસે સ્ટાફનુ રજિસ્ટર માંગ્યુ. “અરે પણ શુ થયુ એ તો કહે?” એના પિતાએ પુછ્યુ. “અરે એ બધુ પછી કહીશ, તમે આપો ને” આસ્થાએ રજિસ્ટર હાથમા લેતા કહ્યુ. આ વીસ વર્ષમા તો કેટલાય આવ્યા ને કેટલાય જતા રહ્યા. ફાઇલ લઇને આસ્થા વિગતો ચેક કરતી રહી. થોડીક મહેનત બાદ એક નામ પર એની નજર અટકી પડી, “કેસર પાંડે” એના ઘરનુ એડ્રેસ એમાથી લીધુ અને ત્યાથી નીકળી પડી.

***

થોડી વારની મહેનત બાદ આસ્થાને કેસરનુ ઘર મળી જ ગયુ. તેણે બારણુ ખખડાવ્યુ. કોઇ ભાભીએ બારણુ ખોલ્યુ. અંદરથી બા ની અવાજ આવી, “કોણ છે?”

“શુ હુ અંદર આવી શકુ? પછી વાત કરુ.” આસ્થાએ પુછ્યુ. એ ભાભીએ અચરજ સાથે હકારમા માથુ ધુણાવ્યુ.

આસ્થા અંદર આવી.

“કોણ છો તમે?” ઘરડા બા એ સવાલ કર્યો.

“હુ આસ્થા શાહ, કેસરદીદી મારા પપ્પાની હોસ્પિટલમા નર્સ હતા.” સાંભળતા જ ભાભીના હાથમાથી ગ્લાસનો પ્યાલો છુટી ગયો.

“એયયય....નામ ન લે એ કેસરનુ અમારી સામે.” એક પિસ્તાળીસ વર્ષનો માણસ બરાડ્યો. આસ્થા ફફડી ગઇ.

“તુ અહીથી ચાલતી પકડ, સમજીને.” માણસ ફરી બોલ્યો.

આસ્થા તુરંત ત્યાથી નિકળી ગઇ. રસ્તામા મનોમન પસ્તાઇ રહી હતી. આજે ફરી એને કેસરદીદી વિશે કઇજ જાણવા ન મળ્યુ. અચાનક એના મગજમા ઝબકારો થયો, આજે રવિવાર હતો એટલે, હુ ફરી કાલે બપોરના સમયે ત્યા જઇશ અને કેસરદીદી વિશે પુછીશ. “પણ દીદી સાથે એવુ તે શુ થયુ કે એમના ઘરવાળા જ દુશ્મન બની ગયા.”

રાતભર આસ્થા કેસર વિશે જ વિચારતી રહી. એણે દર્શનને આજે બધી વાત જણાવી પણ જવાબ એના ધાર્યા મુજબ જ મળ્યો, “અરે છોડને યાર આ બધી પંચાત, કારણ વગરની ઝંઝટમા તુ કેમ પડે છે?”

“અરે કેસરદીદી નાનપણમા મને દિકરીની જેમ રાખતા હતા, એ પ્રેમ, એ વહાલ હુ કેવી રીતે ભુલુ? અને એમની સાથે શુ થયુ એ તો હુ જાણીને જ રહીશ.” આસ્થાએ કહ્યુ.

“તારે જેમ કરવુ હોય એમ કર.” દર્શન પડખુ ફેરવીને સુઇ ગયો.

આસ્થાએ ફરી ડાયરીમા એ ફોટો પ્રેમથી જોયો, “કેટલુ ક્યુટ કપલ હતુ?” આસ્થા ફોટા પર પ્રેમથી હાથ ફેરવતા બોલી.

***

આસ્થા બીજા દિવસે ફરી કેસરના ઘરે ગઇ. બારણુ ખખડાવ્યુ અને ભાભીએ બારણુ ખોલ્યુ.

“અરે તમે ફરી કેમ આવ્યા?” ભાભીએ પુછ્યુ.

“મને એક વાર વાત કરવાનો મોકો તો આપો,પ્લીઝ?” આસ્થાએ આજીજી કરી.

ભાભીએ આસ્થાને અંદર બોલાવી.

એ સમયે બા અને ભાભી જ ઘરે હતા, એ માણસ ઘરે નહતો. આસ્થાએ જેમ વિચાર્યુ એમ જ થયુ.

“બોલો શુ કામ છે?” બાએ પુછ્યુ.

“બા, કેસરદીદી અમારી હોસ્પિટલમા નર્સ તરીકે કામ કરતા હતા. મારા નાનપણમા એમણે મને ખુબ લાડ લડાવ્યા. મારી મમ્મી હુ નાની હતી ત્યારે મૃત્યુ પામી હતી. મારુ ઉદાસ મન દીદીએ જ પ્રેમથી ભર્યુ. અચાનક એક દિવસ એ ક્યાક ગાયબ થઇ ગયા, ફરી મને મળવા જ ના આવ્યા. મારે એમના વિશે જાણવુ છે, પ્લીઝ...” આસ્થાએ આજીજી કરી.

આસ્થાની આંખોમા આંસુ આવી ગયા.

વર્ષો જુની યાદ ફરી તાજી થતા, બાની આંખોમાથી પણ આંસુ સરી પડ્યા. બાએ કેસરની બધી વાત આસ્થાને કરી. એ તો સાંભળીને જ મુર્તીની જેમ સ્તબ્ધ થઇ ગઇ. ત્યાથી જતા જતા એને કઇક યાદ આવ્યુ અને કહ્યુ, “બા, કેસરદીદી ડાયરી લખતા હતા?”

“ખબર નહી, પણ એમની પેટીમા જોઇ લઉ.” ભાભીએ કહ્યુ. થોડીવારે એ પરત આવ્યા અને આસ્થાના હાથમા એ ડાયરી મુકી. એ લઇ આભાર માની વિદાય લીધી.

નિશાળેથી હેતલને ઘરે લાવી ત્યારે સાંજના ૬ વાગ્યા હતા. તેણે ડાયરી ખોલી, જે કેસરના હાથે લખાયેલી હતી.

***

આસ્થાએ ડાયરીના અમુક પાના વાચ્યા અને એક પાને તેની નજર અટકી ગઇ.

૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૦

રવિને પહેલી વાર બસમા જોયા હતા. પહેલી જ નજરે એ મારી આંખમા વસી ગયા હતા. પહેલા તો કોઇને કોઇ બિમારીથી આવતા, પણ મને ધીમે ધીમે ખબર પડી ગઇ કે એ નાટક જ કરે છે. એક રાતે એમણે પ્રેમનો એકરાર કર્યો, પણ ઘરવાળાની બીકને કારણે હુ કઇ જ ના બોલી. એ રાતે હુ ઘરે મોડી પહોચી હતી, ભાઇએ મને ખુબ મારી.

અઠવાડિયુ થયુ છતા રવિ જોવા ના મળ્યા. મારુ દિલ એમને જોવા બેચેન છે, આટલી બધી તડપ કેમ છે. એમના વિશે વિચારતા હુ ખુશ કેમ થઇ જાઉ છુ? શુ મને પણ પ્રેમ થઇ ગયો એમની સાથે. હવે હુ એમના વિના નહી રહી શકુ, આ વિચારી મે પણ કઇ વિચાર્યા વિના પ્રેમનો એકરાર પત્ર દ્વારા કરી જ દીધો.

મને એમનો સાથ ખુબ ગમે, હરવુ ફરવુ, પણ કોઇ જોઇ ના જાય એની હંમેશા બીક રહે છે. તો પણ જે થશે તે જોયુ જશે, આઇ લવ યુ રવિ.

***

અમુક પાના વાચ્યા બાદ....

૩ ઓક્ટોમ્બર, ૧૯૯૦

ઘરમા બધાને મારા અને રવિના પ્રેમસંબંધ વિશે ખબર પડી ગઇ. કાલે સાંજે મારા રૂમમા ભાઇએ મારો અને રવિનો ફોટો જોઇ લીધો. પપ્પાએ અને ભાઇએ મને ખુબ મારી. બા અને ભાભીએ મારો બચાવ ન કર્યો. શુ સત્યમા પ્રેમ કરવો એ ગુનો છે?

***

૧૦ ઓક્ટોમ્બર, ૧૯૯૦

મારા પપ્પાએ મને રૂમમા બંધ કરી દીધી છે. બહાર જવાનુ એકદમ બંધ. મને વડોદરા મારા મામાના ઘરે મોકલી દેશે. હુ રવિ વિના કેવી રીતે જીવીશ? એક એક ક્ષણ રવિ વિના જીવવુ અઘરુ છે. હવે હુ એમના વિના નહી જીવી શકુ. આ માટે જ મે નક્કી કર્યુ છે કે હુ એમની સાથે પ્રેમલગ્ન કરી લઇશ. હુ અહીથી ભાગી જઇશ. મારા ભાભીની મદદથી મે રવિને ટપાલ મોકલી છે, અમે ક્યાય દુર જઇને એક નવી પ્રેમની દુનિયા વસાવીશુ.

***

આસ્થાએ આગળ પાનુ ફેરવ્યુ, પણ આગળના પાના ખાલી હતા. આરામ ખુરશી પર બેસેલી આસ્થાએ આંખો બંધ કરી અને ખુરશીને આગળ પાછળ કરવા લાગી, બા એ કહેલી વાતોથી બધુ સ્પષ્ટ થઇ ગયુ હતુ. આસ્થા એ કરૂણ ઘટનાની માત્ર કલ્પના જ કરી શકતી હતી.

***

કેસરની ટપાલ રવિ સુધી પહોચી ગઇ હતી. ટપાલમા તારીખ અને સ્થળ કેસરે લખેલા જ હતા. રવિ કેસરને લઇને મુંબઇ જતો રહ્યો. લગ્નની બધી તૈયારી રવિએ બે જ દિવસમા કરી લીધી હતી. કેસરની પંડિતે બતાવેલા મુહુર્ત પ્રમાણે જ પરણવાની ઇચ્છા હતી. રવિએ સમજાવી, “જો કેસર પકડાઇ જઇશુ તો?”

કેસરે પ્રેમથી કહ્યુ, “તમે મારી સાથે છો ને, તો મને કોઇ ચિંતા નથી.”

પાંચ દિવસ સુધી બંને એક નાની રૂમમા છુપાયેલા રહ્યા. વધારે બહાર નિકળતા નહોતા. બંનેને લગ્નના દિવસનો ખુબ જ ઉમંગ સાથે ઇંતજાર હતો.

કાલે લગ્ન થશે એ વાતથી બંનેના ચહેરા પર ખુબ જ ખુશી હતી. બંને અલગ પથારી કરીને ઉંઘતા હતા. લગ્ન પહેલા કોઇ મર્યાદા તોડવાની બંનેમાથી કોઇની ઇચ્છા નહોતી. બંને વચ્ચે પવિત્ર અને નિર્દોષ પ્રેમ હતો.

બંને એકબીજાથી દુર ઉંઘેલા હતા, પણ એકબીજા સામે મોઢુ રાખીને સુતા હતા. રવિ હસવા લાગ્યો. કેસરને નવાઇ લાગી, “કેમ હસો છો?”

“કાલે તારી બધી શરમ દુર થઇ જશે.” રવિ બોલ્યો.

“શેની શરમ, ખબર ના પડી.” કેસરે કહ્યુ.

“અરે કાલે આપણી સુહાગ રાત છે ને?” રવિ ફરી હસ્યો.

કેસરને શરમ આવી ગઇ અને તેની આંખો થોડી પહોળી થઇ ગઇ, “બેશરમ....” કહી તેણે ઓશિકુ રવિ પર ફેક્યુ.

“અરે આજે જેટલુ મારવુ હોય મારી લે, કાલે તારે મારી બાહોમા રહેવાનુ છે, અને...” રવિ બોલતો હતો ત્યા કેસર નજીક આવી અને એના મોઢે હાથ મુકી દીધુ, “ખુબ જ બેશરમ છો તમે.”

“રવિના હોઠ પર મુકાયેલ હાથને એ ચુમ્યો, કાલે તારા હોઠનો વારો છે.”

કેસર છણકો કરતા રવિને મારવા લાગી, પણ એને પકડીને રવિએ એને બાહોમા ભરી લીધી. બંને થોડીવાર એકબીજાની બાહોમા, સાનિધ્યમા રહ્યા. બાદમા બંને પોતાની જગ્યાએ જઇને સુઇ ગયા.

***

રાતે ૧ વાગ્યે કોઇએ બારણો ખખડાવ્યો. થોડાક ડર સાથે રવિએ બારણો ખોલ્યો. એની પાછળ કેસર પણ ઉભી હતી. સામેનુ દ્રશ્ય જોતા જ બંને ફફડી ગયા. કેસરના પિતા, ભાઇ અને ૮-૧૦ બીજા લોકો લાકડી લઇને આવ્યા હતા. બંનેને ઉપાડી લીધા અને એમ્બેસેડરમા બેસાડી દીધા. લગભગ બે કલાક બાદ એક જંગલ જેવા વિસ્તારમા ગાડી ઉભી રાખી. બંનેને જબરદસ્તી જંગલની અંદર લઇ ગયા.

૮-૧૦ માણસોએ મળીને રવિને લાકડીથી ખુબ માર્યો. રવિએ સામે લડવાની કોશિષ કરી, પણ એકલા હાથે કઇ જ ના ઉકાળી શક્યો. કેસરના પિતા એનો હાથ પકડીને ઉભા હતા. કેસરે ઘણી આજીજીઓ કરી, “પપ્પા રવિને છોડી દો....મહેરબાની કરીને...” એ ખુબ જ રડી રહી હતી.

એના પિતાએ કહ્યુ, “પહેલા એનો હાલ જોઇ લે, પછી તારો જ વારો છે. ઘરની ઇજ્જ્ત માટીમા મળાવીને તુ વિચારે છે કે હુ તને જીવતી મુકીશ?” આ સાંભળી કેસરનુ હૈયુ હચમચી ઉઠ્યુ.

રવિનુ શરીર લોહીથી લથબથ થઇ ગયુ હતુ, તે ઢળી પડ્યો. કેસરના પિતાએ એક માણસને ચપ્પુ આપતા કહ્યુ, “હુ આને નહી મારી શકુ, લે તુ જ આને પતાવી નાખ.”

કેસરના પિતા અને ભાઇ ત્યાથી જતા રહ્યા. એક ક્ષણનો વિચાર કર્યા વિના એ માણસે કેસરના પેટમા તીક્ષ્ણ ચપ્પુ જોરથી ઘુસાવી દીધુ. કેસર ચીસ પણ ના પાડી શકી. કેસરનો હાથ અંતિમ વાર રવિનો હાથ પકડવા માંગતુ હતુ. તે ખુબ મુશ્કેલીથી ઉભી થઇને રવિ તરફ લથડાતા પગે ચાલી રહી હતી. “રવિ....રવિ...” ની બુમ તે પાડી રહી હતી. રવિ પણ એની પ્રિયતમાનો સ્પર્શ અંતિમ વાર ઇચ્છતો હતો. પેટના બળે સરકતો તે પણ આગળ વધ્યો.

બંને મુશ્કેલીથી એકબીજાની નજીક આવ્યા. કેસર જમીન પર ઢળી પડી. રવિએ કેસરના પેટમાથી ચપ્પુ નિકાળ્યુ. ઝીણી ચીસ કેસરે પાડી. કેસરે રવિને ગળે લગાવી લીધો. તે રવિના ઉપર હતી. પોતાનુ નાક રવિના નાક સાથે અડકાવીને બંને એકબીજાનો શ્વાસ મહેસુસ કરી રહ્યા હતા. રવિ હસવા લાગ્યો.

“એયય...કેમ હસો છો?” કેસરે પુછ્યુ.

“તને ગળે મળીને ગુદગુદી થાય છે.” રવિ ફરી હસ્યો.

“બદમાશ....” કેસરે એના ખભે હળવેકથી માર્યુ. બંનેની આંખોમા આંસુ અને ચહેરા પર મુસ્કાન હતી.

રવિએ કેસરની આંખોથી મંજુરી મેળવી લીધી. કેસરે આંખો બંધ કરી. રવિએ કેસરના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા. કેસરે રવિની છાતી પર માથુ ઢાળી દીધુ. ધીમે ધીમે બંનેની આંખ આગળ અંધારુ છવાઇ રહ્યુ હતુ. બે શરીર તો એક ના થઇ શક્યા, પણ મૃત્યુ બાદ બે આત્માઓ જરૂર એક થઇ હતી.

***

સમાપ્ત

***

મિત્રો જો મારી આ સ્ટોરી ગમે તો પ્લીઝ...પ્લીઝ....રેટીંગ અને કમેંટસ ચોક્ક્સ કરજો આભાર.

રોહિત સુથાર