રિઝલ્ટ
પ્રતીક. ડી. ગોસ્વામી
આ એક શોર્ટ સ્ટોરી છે. ખરેખર તો આજકાલની 'ઘેટાં છાપ શિક્ષણપ્રથાના' વિકૃત પરિણામોની આ આપવીતી છે. એક પિતાની વધુ માર્ક્સ લાવવા માટેની ઘેલછાનો જે કરૂણ અંત આવે છે એ ખરેખર હૃદયદ્રાવક છે. જો બાળકનું મૂલ્યાંકન તેની માર્કશીટ પરથી કરવાનો સિલસિલો આમ જ ચાલુ રહ્યો તો તે એક દિવસ જરૂર સમાજનું પતન નોતરશે. આશા છે કે આ વાર્તા વાંચીને કોઈકનું તો માનસ પરીવર્તન જરૂર થશે. વાર્તા વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો....
આજે રિઝલ્ટ હતું. અનિકેત જ ખૂબ ઉત્સાહિત હતો. હજુ તો સવારના ચાર વાગ્યા હતા, પણ તેની આંખોમાં નીંદર નહોતી. તે વારે વારે બોર્ડની વેબસાઈટ ખોલીને ચેક કરી લેતો હતો. '' ઓહ ! આ બોર્ડ વાળા પણ કેમ રિઝલ્ટ બહાર પાડવામાં આવડી લેપરાઈ કરતા હશે ?'' તેણે મનોમન વિચાર્યું. જેમ જેમ સમય પસાર થતો જતો હતો, તેમ તેમ તેની ઉત્કંઠા સાથે ઉત્તેજના પણ વધતી જતી હતી. અનિકેત વિજ્ઞાનપ્રવાહનો વિધાર્થી હતો. બે મહિના પહેલાં તેણે બારમાં ધોરણના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી, જેનું આજે રિઝલ્ટ આવવાનું હતું. થોડીવારે ફરી તેણે વેબસાઈટ ખોલી. રિઝલ્ટ જાહેર થઇ ગયું હતું. ઝડપથી તેણે પોતાના સીટ નંબર નાખ્યાં. સર્વર લોડ થયું અને ડિસ્પ્લે પર તેનું નામ ચમકયું '' અનિકેત વિનોદભાઈ દવે. '' નામની નીચે તેની માર્કશીટ હતી. પરિણામ જોઈને ખુશ થતો થતો તે પોતાના મમ્મી-પપ્પાના રૂમ તરફ દોડ્યો. '' ડેડી, જલ્દી દરવાજો ખોલો, મારું રિઝલ્ટ આવી ગયું.'' તેણે દરવાજો ખટખટાવ્યો. થોડીવારે દરવાજો ખૂલ્યો. સામે તેના પપ્પા વિનોદભાઈ ઉભા હતાં. '' શું આવ્યું રિઝલ્ટ ?'' તેમણે દરવાજે જ ઉભા રહીને બગાસું ખાતા ખાતા પૂછ્યું. '' ડેડી, એ ગ્રેડ આવ્યો છે અને એટી ફોર પરસેન્ટેજ આવ્યાં છે, અને પર્સન્ટાઇલ રેન્ક ...... '' સ.....ટ્ટા..... ક.... તે પોતાની વાત પૂરી કરે એનાથી પહેલા જ તેના ગાલ પર સણસણતો તમાચો ચોડાઈ ગયો હતો. હજુ તે પોતાના ગાલ પર હાથ પસવારી રહ્યો હતો કે વિનોદભાઈ તાડૂક્યા '' એક તો સાવ આવું બકવાસ રિઝલ્ટ આવ્યું છે અને ઉપરથી આ લાટસાહેબ સવારનાં પ્હોરમાં શોર મચાવીને ખુશ થતાં ફરે છે ! મેં તને શું કહ્યું હતું કે મારે નાઈન્ટી થ્રી પરસેન્ટ જોઈએ. નાઈન્ટી થ્રીમાં સમજે છે તું ? ત્રાણું ટકા જોઈએ મારે. કેટલા ? '' એટલું કહેતા જ તેમણે બીજો લાફો જડી દીધો. બિચારો અનિકેત ! તે તો સમસમીને ઉભો જ રહી ગયો. તેણે ધાર્યું નહોતું કે તેના પપ્પાનું આવું રિએક્શન આવશે. તે કઈં જ બોલી ન શક્યો. '' હજુ મૂંગો થઇને ઉભો છે ? મેં પૂછ્યું એનો જવાબ આપ.'' અનિકેતને ચૂપ જોઈને તેમને વધુ ગુસ્સો ચડ્યો. તેમણે વધુ એક લાફો ચોડી દીધો. એટલીવારમાં અનિકેતના મમ્મી પહોંચી આવ્યાં. '' શું થયું ? શા માટે સવાર સવારમાં બિચારાને મારો છો ? '' તેમણે અનિકેતની આંખોમાં આંસુ જોઈને પૂછ્યું. '' એ તારા લાડકાને પૂછ. ખાલી ચોર્યાશી ટકા લઈને દોડ્યો છે. એને હજાર વાર કીધું છે કે મારે એને ગુજરાતની સૌથી શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજમાં મોકલવો છે. ખબર નથી પડતી કે કઈ ભાષામાં સમજે છે. હવે મારે જ કડક થવું પડશે. આજથી એના બધા મોજશોખ બંધ. એને સમજાવી દેજે કે ખાલી ભણવામાં ધ્યાન આપે, નહીંતર મારા જેવો ભૂંડો કોઈ નહિ થાય. ખોટી નીંદર બગાડી. ચાલ, તું અંદર ચાલ.. મારે સવારે વહેલાં ઓફિસે જવાનું છે.'' વિનોદભાઈએ રીટાબહેન સામે કટાણું મોઢું કરતાં કહ્યું. રીટાબહેને ચૂપચાપ તેમના હુકમનું પાલન કરવું પડ્યું. ધફ્ફફ.. દઈને દરવાજો બંધ થયો. અનિકેતે પાછળ હટી જવું પડ્યું, નહીંતર તેને જરૂર વાગ્યું હોત. તેની નીંદર તો હવે ઉડી જ ચુકી હતી. તે પણ પોતાના રૂમમાં જતો રહ્યો. આખરે કેટલીવાર સુધી ત્યાં ઉભો રહેત ? ખરેખર તો સવાર તેની બગડી હતી. ચોર્યાશી ટકા કંઈ ઓછા તો ન હતા. તેને આરામથી ગુજરાતની કોઈ પણ સારી કોલેજમાં એડમિશન મળી શકે તેમ હતું, પણ વિનોદભાઈ તો તેને અમદાવાદની પ્રખ્યાત એલ. ડી કોલેજમાં જ એડમિશન અપાવવાની હઠ લઇ બેઠા હતાં. સવારે બ્રેકફાસ્ટ કરતી વખતે પણ તેમણે અનિકેત કે રીટાબહેન સાથે કઈં જ વાતચીત ન કરી. રોજના હસી-મજાકથી ધમધમતું ઘર આજે સૂનું હતું, આના માટે એ જ કમબખ્ત રિઝલ્ટ જવાબદાર હતું. એ દિવસથી ઘરનો માહોલ બગડી ગયો. અનિકેત પાસેથી તેનો લેપટોપ, સ્માર્ટફોન, પ્લે સ્ટેશન બધું જ છીનવાઈ ગયું. તેના ડ્રોઈંગ ક્લાસ પણ બંધ થઇ ગયા. બેશક, અનિકેત એક સારો ચિત્રકાર હતો અને રાજ્યકક્ષાએ બે વખત બીજો નંબર પ્રાપ્ત કરી ચૂક્યો હતો, પણ તેના પપ્પા માટે આ બધું વ્યર્થ હતું. તેમને તો બસ એક જ ઘેલછાં હતી કે અનિકેત એન્જિનિયર બને. એન્જિનિયરીંગની ડિગ્રી આગળ તેની રુચિ, તેનો અભિગમ, બધા તેમના માટે અસ્થાને હતા. અનિકેતના મિત્રોનો તેના ઘરે આવવાં પર પણ પ્રતિબંધ મુકાઈ ગયો હતો. તેણે બસ આખો દિવસ ચોપડીઓમાં મોઢું નાખીને બેસી રહેવું પડતું હતું, જરા વાર પણ તે ઘરમાં આમ તેમ ટહેલતો તેના પપ્પાની નજરે ચડી જાય તો તો ઘરમાં જાણે ભૂકંપ આવી જતો હતો. સૌથી દયનીય હાલત રીટાબહેનની હતી. તેઓ એક સમજુ ગૃહિણી હતા. જયારે પણ અનિકેતનું ઉતરેલું મોઢું જુએ કે તેમનું હૃદય રડી ઉઠતું. શું કરે ? આખરે માંનો જીવ હતો ને. તેઓ સારી રીતે સમજતા હતા કે તેમના પતિની આવી ઘેલછાનું પરિણામ સારું નહોતું આવવાનું, પણ તેઓ લાચાર હતા. વિનોદભાઈ આગળ ઘરમાં કોઈનું કંઈ ચાલતું ન હતું. એક દિવસ વિનોદભાઈ ઓસરીમાં ટીવી જોતા બેઠા હતા. રીટાબહેન રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા. થોડીવારે અનિકેત સ્કૂલેથી આવ્યો. તેના હાથમાં એક મોટું શિલ્ડ હતું અને સાથે એક પ્રમાણપત્ર હતું. આજે તે ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. રસોડાની બારીમાંથી રીટાબહેને તે જોયું. તેના ચહેરા પર ખુશી જોઈને રીટાબહેનનો ચહેરો પણ ખીલી ઉઠ્યો. ઘણાં દિવસ પછી અનિકેતના ચહેરા પર રોનક પાછી ફરી હતી. તેણે આવીને તરત વિનોદભાઈના હાથમાં પોતાનો પ્રમાણપત્ર મૂકતાં કહ્યું.. '' ડેડી, આજે અમારી સ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલ હતું. મેં એમાં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટીસીપેટ કર્યું હતું. જુઓ, મારો પહેલો નંબર આવ્યો. '' વિનોદભાઈએ ઉપરછલ્લી નજર કરી અને અનિકેતની નજર સામે જ પ્રમાણપત્રના બે ટુકડા કરી નાખ્યાં. તેના ટુકડાઓ અનિકેતના હાથમાં પકડાવીને બોલ્યા '' જોઈ લીધું બસ...જાઓ હવે જઈને ચૂપચાપ વાંચો. '' અનિકેતે પોતાનો વિરોધ પ્રગટ કર્યો. '' આ ઠીક નથી ડેડી, તમે મારું પ્રમાણપત્ર તોડી નાખ્યું. તમને ખબર છે, રાજકોટની બધી સ્કૂલોના ચાલીસ કોમ્પીટિટર્સ માંથી મને પહેલો નંબર મળ્યો હતો ! '' વિનોદભાઈએ ઘડીક તેની સામે જોયું અને બોલ્યાં '' હા ભલે, આવ્યો હશે. મેં કિધુંને, જા હવે જઈને વાંચવા માંડ. પરીક્ષાઓ નજીક છે.'' તેમણે ટીવી તરફ નજર કરતાં કહ્યું. ''પણ પપ્પા, મારે ડ્રોઈંગમાં કરિયર બનાવવું છે, મારા બધા મિત્રો પણ કહે છે કે હું ખૂબ સારું ડ્રોઈંગ કરી શકું છું. આજે તો મારા શિક્ષકો પણ મારા વખાણ કરતાં હતાં. '' અનિકેત બોલ્યો. તેની ઘણા સમયથી દબાયેલી લાગણી હવે ધીમે ધીમે બહાર આવી રહી હતી. '' રીટા ! '' વિનોદભાઈ તાડૂક્યા. '' રીટા ! આ તારા કુંવરને લઇ જા અહીંથી, નહીંતર મારા માટે પોતાના હાથ પર કાબૂ રાખવો મુશ્કેલ થઇ પડશે.'' ગુસ્સામાં તેમણે કહ્યું. વળી કઈંક ખોટું ન થઈ જાય એ આશંકાથી રીટાબહેન તરત અનિકેતની પાસે આવીને ઉભા રહી ગયા. તેને સમજાવીને પોતાના રૂમમાં મોકલી દીધો. '' જી, અનિકેત સાચું કહે છે. આપણા પાડોશી છે ને સુનિતા બહેન, એ પણ કાલે મને કહેતા હતા, કે અનિકેત ખૂબ સારો ચિત્રકાર છે.'' રીટાબહેને વિનોદભાઈ સામે જરા અચકાતા કહ્યું. '' શું ધૂળ ને ઢેફાં સારો ચિત્રકાર ! આ ડ્રોઈંગ બોઇંગમાં કઈં કરિયર નથી. એન્જિનિયર બની જશે તો એનું જ ભવિષ્ય સુધરી જશે. તું એની બહુ પંચાત ન કર. તારે લીધે જ એ બગડ્યો છે. આપણે ખાનદાની લોકો છીએ, આ ચિત્રો અને પીંછીઓ આપણને ન શોભે. '' રીટાબહેન પાસે હવે કોઈ જવાબ ન હતો. તેઓ રસોડામાં જતાં રહ્યા. તે દિવસે અનિકેત જમવા ન આવ્યો. રીટાબહેને બે ત્રણ વાર દરવાજો ખટખટાવ્યો, પણ તેણે દરવાજો ન ખોલ્યો. '' છોડી દે રીટા, ખોટાં લાડ ન કર. આજકાલના છોકરાઓને જરાક કઈંક કહીએ એટલે રીસ ચડી જાય છે. આપણે ક્યાં એના દુશ્મન છીએ ? એના ભવિષ્ય માટે જ કહીએ છીએ ને. તું રેવા દે. ભૂખ લાગશે એટલે પોતે આવી જશે. એક દિવસ નહીં જમે તો મરી નહિ જાય. '' વિનોદભાઈ જમતા જમતા બોલ્યા. આજે રીટાબેનનું જમવાનું જરાય મન નહોતું. વિનોદભાઈએ જમી લીધું એટલે તેમણે વિનોદભાઈના એઠાં વાસણ ઉપાડ્યા અને રસોડામાં ચાલ્યા ગયા. વિનોદભાઈ પણ દુકાને ચાલ્યા ગયા. થોડીવારે રીટાબહેન ફરીથી અનિકેતના રૂમ પાસે ગયા. '' બેટા, તારા ડેડી દુકાને ગયા. હવે તો દરવાજો ખોલ. જો તારા માટે હું શું લાવી છું ? પોતાની મમ્મીથી પણ વાત નહિ કરે ? ચાલ, હવે જલ્દી દરવાજો ખોલ. મારો ડાહ્યો દીકરો છે ને. '' તેમણે દરવાજા પાસે ઉભા રહીને અનિકેતને કહ્યું. આ વખતે અનિકેતે દરવાજો ખોલ્યો. તેની આંખો સતત રડવાને લીધે સૂજી ગઈ હતી. જેવા રીટાબહેન અંદર ગયા કે તે સીધો પોતાના મમ્મીને વળગીને રડી પડ્યો. રિટાબહેન તેને શાંત પડી રહ્યા હતા '' જો બેટા, તારા ડેડી ગુસ્સામાં બોલી નાખે. તું તો સમજુ છે ને, તારે મન પર નહિ લેવાનું. '' અનિકેત હજુ પણ રડી જ રહ્યો હતો. '' મમ્મા, ડેડી કેમ નથી સમજતા કે મારે પેઈન્ટર બનવું છે, ફાઈન આર્ટસમાં કરિયર બનાવવું છે. હું એન્જિનિયર નથી બનવા માંગતો, પણ ડેડી તો એક જ જીદ લઈને બેસી ગયા છે. આ મારી લાઈફ છે તો અમુક ડીસીઝન્સ તો મને પોતાને લેવાનો હક હોય જ ને. '' તેણે કહ્યું. '' હા બેટા, હું સમજુ છું. તું ખૂબ સારો કલાકાર છે. હું તારા ડેડીને સમજાવીશ બસ. ચાલ, હવે જમી લે. જો મેં તારી ફેવરીટ દાળ ઢોકડી બનાવી છે. ચાલ હવે મોઢું ધોઈ લે, પછી બહાર આવ. આપણે બંને સાથે જમીશું. '' રીટાબેને દર વખતની જેમ આ વખતે પણ પોકળ વચન આપીને અનિકેતને મનાવી લીધો. તે દિવસથી પિતા-પુત્ર વચ્ચેની ખાઈ વધુ ને વધુ ગહેરી બનતી ગઈ. અનિકેત હવે વિનોદભાઈથી વધુ વાતચીત નહોતો કરતો. તેનો સ્વભાવ એકદમ બદલાઈ ચૂક્યો હતો. એક વખતનો ખુશમિજાજ એ કિશોર હવે ચીડિયો અને એકલવાયો બની ગયો હતો. બેશક, આના માટે વિનોદભાઈ જ જવાબદાર હતા, પણ પોતાના એક ના એક દીકરા કરતા તેમને મન ડિગ્રી વધુ વહાલી હતી. પિતાની આવી વૃત્તિને લીધે અનિકેત ખૂબ દબાણ મહેસૂસ કરતો હતો. સતત ચોપડામાં માથું ઘાલી રાખવું હવે તેના માટે અસહ્ય બનતું જતું હતું, ઉપરથી વિનોદભાઈની રોજ કઈંક ને કઈંક કચકચ. હવે તો રીટાબહેન પણ કંટાળ્યા હતા. તેમણે ઘણીવાર વિનોદભાઈને વારવાની કોશિશ કરી જોઈ, પણ દર વખતે તેમણે ચૂપ થઇ જવું પડતું હતું. આમ ને આમ અનિકેતની છેલ્લાં સેમેસ્ટરની પરીક્ષાઓ નજીક આવી. તેણે બધી પરીક્ષાઓ સારી રીતે પસાર કરી. પેપર લખીને તે ઘરે જતો એટલે વિનોદભાઈ એક જ સવાલ પૂછતાં '' પેપર કેવું ગયું ?'' જવાબમાં તે બસ એટલું જ કહેતો '' સારું ગયું. '' આગળ તેમના વચ્ચે કઈં જ વાતચીત ન થતી. આવીને અનિકેત સીધો પોતાના રૂમમાં ભરાઈ જતો. સેમેસ્ટર પરીક્ષાઓ પૂરી થયા બાદ તરત જેઈઈ મેઇન્સ ની તૈયારીઓ શરુ થઇ. આખરે મે મહિનાના ઉત્તરાર્ધમાં એ ગોખણપટ્ટીનો સિલસિલો અટક્યો. હવે અનિકેત પાસે ત્રણેક મહિના જેટલો ફાજલ સમય હતો. તેને ફરીથી ડ્રોઈંગ ક્લાસ જોઈન કરવા હતા પણ વિનોદભાઈને હવે જાણે એ શબ્દથી નફરત થઇ ગઈ હતી. તેમણે રીટાબેનની ઘણી આજીજી છતાં પરવાનગી ન આપી. એક દિવસ અનિકેત પોતાના રૂમમાં બેઠો બેઠો ગેમ રમી રહ્યો હતો. વિનોદભાઈ તેના રૂમમાં આવ્યાં. અનિકેતને થોડું આશ્ચર્ય તો જરૂર થયું હતું કે ક્યારેય નહી ને આજે અચાનક કેમ વિનોદભાઈ તેની પાસે આવ્યા હતા. તેમના હાથમાં એક મોટી થેલી હતી. તેમણે અનિકેતના સ્ટડી ટેબલ પાસે જઈને થેલી ખોલી. અનિકેતે જોયું તો તેમાં જેઈઈ એડવાન્સની તૈયારી માટેના પુસ્તકો હતા. આ તો નવી મોકાણ થઇ હતી. હજુ હમણાં તો તે પરીક્ષાઓની ઝંઝટમાંથી મુક્ત થયો હતો અને હવે વળી જેઈઈ એડવાન્સ ! '' ગમે તે થાય, આ એક્ઝામ તો હું નહીં જ આપું.'' તેણે મનોમન નક્કી કરી લીધું. '' અનિકેત, આ જેઈઈ એડવાન્સની બુક્સ છે. પ્રિપેરેશન શરુ કરી નાખ. મેહતા અંકલનો છોકરો પણ આ એક્ઝામ આપવાનો છે. આઈ. આઈ. ટી માં સ્ટડી કરીને તને કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીમાં સારી જોબ મળી જશે.'' તેમણે અનિકેત સામે જોતા કહ્યું. હવે તો ખરેખર વિનોદભાઈ બધી હદો વટાવી રહ્યા હતા. તેમની જીદ ધીમે ધીમે પાગલપનમાં પરિવર્તિત થઇ રહી હતી. '' ડેડી મારે નથી આપવી, અને મારે એન્જિનિયર પણ નથી બનવું. તમારું માન રાખવા ખાતર મેં મેઇન્સની એક્ઝામ તો આપી દીધી, પણ હું એન્જીનીયરીંગનું ફોર્મ નહિ ભરું. મારે મુંબઈની સર જે. જે. ઇન્સ્ટીટયુટ ઓફ ફાઇન આર્ટસમાં એડમિશન લેવું છે. ઈનફેક્ટ મેં તેનું ફોર્મ પણ ભરી નાખ્યું છે. તમારી ઈચ્છા હોય તો સારું, અને ન હોય તો વધુ સારું. પણ હું એ જ કોલેજમાં ભણીશ. આ મારી લાઈફ છે, મને પણ પોતાના માટે ડીસીઝન્સ લેવાનો હક હોવો જોઈએ. '' અનિકેત પોતાના નિર્ણયમાં મક્કમ હતો. હવે વિનોદભાઈનો પિત્તો ગયો. ધગધગતા લાવા જેવો તેમનો ગુસ્સો ફરી બહાર નીકળ્યો. કંઈ પણ વિચાર્યા વગર તેમણે અનિકેતને ફટકારવાનું શરુ કર્યું. આજે તેમના માથે ભૂત સવાર હતું. એન્જીનીયરીંગનું ભૂત, જે એક બાપને પોતાની પિતૃ સહજ લાગણીઓ ભૂલવા માટે મજબૂર કરી રહ્યું હતું. આખરે અનિકેત ઢળી પડ્યો. હવે વધુ માનસિક ત્રાસ સહન કરવાનું તેના મગજનું ગજું ન હતું. વિનોદભાઈને શરૂઆતમાં તો ખબર ન પડી કે શું થયું. તેઓ થોભ્યા, પોતાને લીધે જ પોતાના વ્હાલસોયાના આવા હાલ થયા છે એનું ભાન થતાં જરા અચકાયા અને પછી તરત તેની પાસે બેસી પડ્યા. તેઓ તેને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમણે રીટાબહેનને જલ્દી પાણીનો ગ્લાસ લઇ આવવાની રાડ પાડી. રીટાબહેન ઝડપથી દોડી આવ્યા. રૂમમાં આવીને જોયું, તો અનિકેત નીચે ચત્તોપાટ પડ્યો હતો અને વિનોદભાઈ તેની પાસે બેસીને તેના ગાલ થપથપાવી રહ્યા હતા, તેને ભાનમાં લાવવાની નિષ્ફળ કોશિશો કરી રહ્યા હતા. બધા રસ્તાઓ અજમાવી લીધા પછી પણ અનિકેત ભાનમાં ન આવ્યો ત્યારે તેમણે એમ્બ્યુલન્સ બોલાવવી પડી. તાબડતોબ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બે દિવસ સુધી કેટ-કેટલાંય રિપોર્ટ્સ કરાવ્યા. અનિકેત હજુ પણ બેહોશ જ હતો. રીટાબહેનની પણ રોઈ રોઈને હાલત ખરાબ હતી. વિનોદભાઈનું તો શું કહેવું ? તેઓ વારે વારે પોતાની જાતને કોસી રહ્યા હતા, પસ્તાઈ રહ્યા હતા. આખરે આ બધું પોતાને લીધે જ થયું હતું. ન તેમણે ખોટી જીદ પકડી હોત, ન અનિકેતની આવી હાલત થઇ હોત. એક સમયનો એ ખુશહાલ પરિવાર એક માણસની ગેરવાજબી જીદને લીધે પીંખાયો હતો. ત્રીજા દિવસે બપોરે ડોક્ટરે તેમને પોતાની કેબિનમાં બોલાવ્યા. '' જુઓ વિનોદભાઈ, આપણે લગભગ બધા જ રિપોર્ટસ કરાવી લીધા છે, પણ અનિકેતની સ્થિતિમાં કોઈ સુધાર દેખાતો નથી. મને લાગે છે કે તેના દિમાગ પર માનસિક રીતે ખૂબ દબાણ પડવાને લીધે પેરાલીસીસની અસર છે. હેમરેજની શક્યતા પણ નકારી ન શકાય. મેં અમદાવાદથી ખાસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યા છે. તેમના નિદાન પરથી આગળની સારવાર નક્કી થશે. ત્યાં સુધી ઈશ્વરને પ્રાર્થના કરો કે અનિકેતની તબિયતમાં ઝડપથી સુધાર થાય. આ કેસ સાચે જ કોમ્પલીકેટેડ છે. તમને ખોટી આશા નહિ બંધાવું, પણ અમે તેને સાજો કરવા માટે શક્ય બધા જ પ્રયત્નો કરી છૂટીશું. '' ડોક્ટરે પોતાની વાત પૂરી કરી. વિનોદભાઈ ઉભા થઈને તેમની કેબિનની બહાર નીકળ્યા. માંડ માંડ તેઓ અનિકેતને દાખલ કર્યો હતો એ રૂમ સુધી પહોંચ્યા. રૂમમાં અત્યારે અનિકેતના બેડ પાસે તેનો ખાસ મિત્ર મીત ઉભો હતો. તેઓ બંને પાક્કાં ભાઈબંધ હતા અને ત્રીજા ધોરણથી સાથે જ ભણતા હતા. વિનોદભાઈ રૂમમાં દાખલ થયા એટલે તે અનિકેત પાસેથી તેમની પાસે ગયો. તેમને હાથમાં કઈંક પકડાવીને કહ્યું '' કૉંગ્રેચ્યુલેશન્સ અંકલ, અનિકેતને નાઈન્ટી સેવન પેરસેન્ટ આવ્યા છે, તે જેઈઈ એડવાન્સ માટે પણ સિલેક્ટ થયો છે. લો આ એનું રિઝલ્ટ. નેટ પર તો કાલે જ આવી ગયું હતું, પણ તમે લોકો અહીં હતા એટલે આજે હું સ્કૂલમાં ગયો ત્યારે મારી સાથે અનિકેતનું રિઝલ્ટ પણ લઇ આવ્યો.'' અનિકેતની માર્કશીટ આપીને તે તરત ત્યાંથી રવાનાં થઇ ગયો. પોતાના જીગરી દોસ્તની આવી હાલત તેનાથી હવે વધુ વખત જોવાતી ન હતી. વિનોદભાઈ એ મનહૂસ કાગળ તરફ જોઈ રહ્યા. આ બધા માટે એ જ જવાબદાર હતો. કહેવાય છે કે એક પંદર બાય પંદર સેન્ટિમીટરનું કાગળ કોઈનું ભવિષ્ય નક્કી નથી કરતુ, પણ અનિકેતના કિસ્સામાં આ વાત દુઃખદ રીતે ખોટી સાબિત થઇ હતી. ઘણાં સમય સુધી પોતાની લાગણીઓ પર કાબૂ રાખનાર વિનોદભાઈથી હવે ન રહેવાયું. તેઓ અનિકેતના બેડ પાસે જઈને તેને વીંટળાઈને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યાં.. '' મને માફ કરી દે બેટા, હું તારો ગુન્હેગાર છું.... મને માફ કરી દે.... '' તેઓ રડી રહ્યા હતા, પોતાની મૂર્ખામી પર પસ્તાઈ રહ્યા હતા. પણ હવે તેનો કોઈ મતલબ ન હતો. તેમનું સપનું તો પૂરું થયું હતું, પણ પોતાના કાળજાના કટકાની જિંદગીના ભોગે. એક લાગણીહીન બાપને તેના કર્મોનું 'પરિણામપત્રક' કુદરતે શાયદ આ રીતે આપ્યું હતું.....
સમાપ્ત
માતૃભારતી એપ પર આ મારી પહેલી શોર્ટ સ્ટોરી હતી જેમાં આજની બેડોળ શિક્ષણપદ્ધતિ પ્રત્યે ધ્યાન દોરવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આપને ગમી હશે. ઈશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે આપણા સમાજને સાચો માર્ગ બતાવે, તેથી અનિકેત જેવા પ્રતિભાશાળી વિધાર્થીઓનું જીવન નરક બનતા અટકી જાય.. ખરેખર તો આ વર્તમાન સમયના પેરેન્ટ્સની માનોસ્થિતિનું વર્ણન કરતી એક કાલ્પનિક સ્ટોરી હતી. યાદ રાખજો એક કાગળની માર્કશીટ કરતા તમારું બાળક વધારે મહત્વનું છે. વાર્તા માટેના આપ સૌના પ્રતિભાવોનો ઈન્તેજાર રહેશે.. તમે પોતાના પ્રતિભાવો ફેસબૂક કે વ્હોટ્સએપ્પ પર પણ આપી શકો છો.. અને હા મારી એક બીજી એપિસોડીક નોવેલ ' ઓપરેશન ગોલ્ડન ઈગલ ' પણ માતૃભારતી પર પ્રકાશિત થઇ રહી છે. તે વાંચીને જરૂર તમારા રિવ્યૂઝ આપજો. આભાર સહ આપનો પ્રતીક ગોસ્વામી.