Trijo Janm in Gujarati Short Stories by yashvant shah books and stories PDF | ત્રીજો જન્મ

Featured Books
Categories
Share

ત્રીજો જન્મ

‘સુહાના સફર ઓર યે મૌસમ હસી..

હમે ડર હૈ કી હમ ખો ના જાયે કહિ’....

રેડિયા પર ગીત વાગી રહ્યું હતું . સુહાના રસોઈ કામ કરતા કરતા ગીત સાંભળી રહી હતી ને સાથે સાથે ગુનગુનાઇ રહી હતી. ગીત પુરુ થતા જ તે તેના શબ્દો પર વિચારવા લાગી. શું મારી ‘સુહાના’ની આ જીવન સફર ખરેખર સુહાના સફર રહી છે ખરી..?

કહેવાય છે કે જન્મ ને મરણ માણસના હાથની વાત નથી. તો પછી લોકો પોતાને સંતાન નથી તે માટે દોશી કેમ ગણે છે..? ગુજરાતીમા કહેવત છે કે પ્રસુતિની પીડા વાંઝીયા શું જાણે ? તો શું વાંઝીયાની પીડા બીજા કોઈ સમજી શકે છે ખરા..? તેને પણ સંતાન ન હોવાની પીડા હોય જ છે. લોકોને ત્યાં બાળકોને રમતા જોઇ તેને પણ અંદરથી પોતાના ઘરેપણ બાળકો કિલકિલાટ કરતા હોય તેવુ તે પણ ઇચ્છે જ છે. કઇ સ્ત્રી માતા બનવા નથી ઇચ્છતી..? દુનિયાની બધી જ સ્ત્રી મા બનવા ઇચ્છતી હોય છે . પણ શું મા બનવું માત્ર સ્ત્રીના હાથમા છે ? તો પછી સમાજ તેને જ કેમ દોશી ગણી અલગ નજરે જુવે છે.

આજે જ્યારે સુહાનાને ઘરમા તેની દેરાણીના સિમંતના પ્રસંગમા ઘરમા વડિલ લોકોએ તેને શુભપ્રસંગમા અપશુકન ના થાય તે માટે દૂર રાખી ત્યારે સુહાનાને અંદરથી દિલમા બહૂજ દુ:ખ થયુ. શુ સ્ત્રી માત્ર માતા બને તો જ સ્ત્રી સારી ગણાય...?

સ્ત્રી એતો કુદરતનુ એક અનોખું સર્જન છે.

સ્ત્રીમા સામાન્ય સંજોગોમાં ફુલ જેવી કોમળતા દેખાય છે. પણ એ જ સ્ત્રી વિપરીત પરિસ્થિતિમાં વજ્ર જેવી કઠોરતા પણ ધારણ કરી સકે છે.કેટલીક સ્ત્રી જેટલી ચંચળ દેખાય છે પરંતુ પોતાના પરિવારના કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે દ્રઢ નિશ્ચય બની જાય છે.

સ્ત્રી ભલે વાચાળ હોય પરંતુ મોટેભાગે પોતાના પર અત્યાર થતો હોય તો પણ પરિવારના ભલા માટે મૌન રહેવાનું પસંદ કરે છે. સ્ત્રીના મનને તેથી જ કદાચ કોઇ સંપૂર્ણ સમજી શકતું નથી. સ્ત્રીને સમજવા કદાચ સ્ત્રી જ બનવું પડે. કારણ કદાચ એ એક પુરુષ માટે તો શક્યજ નથી .

સુહાના પણ આમાનીજ એક સ્ત્રી હતી. શાસ્ત્રમા ખગ અને બ્રાહ્મણને દ્વીજ એટલે કે દ્વિ જન્મ એટલે કે બે વાર જન્મ લેનાર ગણ્યા છે. પક્ષી માટે પ્રથમ ઇંડા રૃપે અને પછી બચ્ચા રુપે જન્મે છે. તેમ બ્રાહ્મણ પ્રથમ મનુષ્યરુપે ને પછી જનોઈ ધારણ કરે ત્યારે બ્રાહ્મણરુપે તેનો બીજો જન્મ ગણાય છે. પરંતુ સ્ત્રીનો કદાચ ત્રણ વખત જન્મ થાય છે.

પ્રથમ દરેક માનવની જેમ માતાની કુખે. અને ત્યારબાદ લગ્ન.

સ્ત્રી માટે લગ્ન એ પણ મારા હિસાબે બીજો જન્મ જ છે.

કારણ જન્મ પછી લગભગ ૧૮ થી ૨૦ વર્ષ જે વાતાવરણમાં પરિવારમા ઉછેર થયો હોય તે બધું જ લગ્ન પછી બદલાય જાય છે. સ્ત્રી માટે તો લગ્ન એટલે ઘર પરિવાર અને નામ પણ બદલાય જાય છે. પહેલા જે પોતાના નામ પાછળ પિતાનુ નામ લાગતું ત્યાં હવે પતિનુ નામ લાગે છે. તેના માટે તો એક નવો જન્મ જ છે. કારણ તેણે આજ સુધી જે જે કર્યું કે કરતી હતી તે કદાચ હવે ન પણ કરી શકે.

સુહાનાનો પ્રથમ જન્મ તો અંબાલાલને ત્યાં થયો. અંબાલાલને ત્યાં પ્રથમથી જ ત્રણ ત્રણ સંતાનરુપે છોકરી આવેલ. પરંતુ છોકરાની આશા ને આશામા ચોથી વખત પણ સંતાન નો જન્મ થયો તે સુહાના. એટલે સ્વભાવિક રીતે આ પ્રુથ્વી પર પોતાનું આગમન જાણે પરિવાર માટે વધારાનુ થઈ ગયેલ. છતાં પરિવાર સંસ્કારી અને ધાર્મિક હોવાથી પોતાનો ઉછેર તો એક મધ્યમવર્ગીય થાય તેમ થયો. આગળની ત્રણ બહેનો ને ભણાવી તેમ તેને પણ પિતાએ જેમ તેમ કરી ગ્રેજ્યુએટ કરાવી.

ઘરમાં ચાર ચાર છોકરી હતી. પિતાને તો કમાવવા પાછળ પોતાની જિંદગીમા દોડવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પિતા આખો દિવસ પોતાના વ્યવસાયમા વ્યસ્ત રહેતા અને માતા બિચારીને ઘરમાં કામથી જ ફુરસત નહોતી મળતી. સામાન્ય પરિવારમા બને છે તેમ માતા ઘર પરિવારનુ ધ્યાન રાખવામા એટલી ઓતપ્રોત થઈ જાય છે કે તેને પોતાનું ખુદનુ ધ્યાન રાખવાનો સમય જ નથી મળતો.સુહાનાની માતાને પણ એવુ જ થયુ ઘર પરિવારનુ ધ્યાન રાખવામા અને આર્થિક સંકળામણમા પોતાને ચાર ચાર પ્રસુતિ પછી પોતાના શરીરની સંભાળ રાખવાનો સમય જ ના મળ્યો અને કયારે એક કેન્સર જેવી મહાબિમારી લાગી ગઇ તેની ખબર જ ના પડી અને નાની ઊમરમા જ આ સંસાર છોડી દીધો.

સુહાનાએ નાની ઊમરમા માતાનો સાથ ગુમાવ્યા બાદ પણ પિતાના પ્રેમ અને મોટી બહેનોના સહકારથી તેણે જેમ તેમ પોતાનું ગ્રજયુએશન સુધીનુ ભણતર પુરુ કર્યું. ધીમે ધીમે એક પછી એક બહેનોની ઉમર થતા સામાજિક રિવાજ મુજબ દરેકના લગ્ન પિતાએ પોતાની પરિસ્થિતિ મુજબ સારા ઘર શોધી કરાવી દીધા.

હવે સમય આવ્યો તો સુહાનાનો પણ તે ઘરમાં સૌથી નાની ને આખરી હતી. તેના લગ્ન કરાવ્યા બાદ પિતા નુ શું ? દરેક માટે આ એક વિચાર માગી લે તેવો પ્રશ્ન હતો.પરંતુ દીકરી તો પારકી થાપણ કહેવાય છે ને ક્યાં સુધી ઘરમાં રખાય .? આખરે પિતાએ મન મક્કમ કરીને સુહાનાને એક સારું ઘર જોઇ ‘સમય’ સાથે લગ્ન કરાવી વિદાય કરી જ દીધી. શરૂઆતમા તો તેનો સંસાર ઘણો સારો ચાલ્યો પરંતુ સુહાના પોતાના નસીબમા કઇંક એવુ લખાવીને લાવેલ કે દરેક જગ્યાએ તે કઇ કે કોઈ રીતે પાછી પડતી હતી.

પ્રથમ જન્મમા ચોથા નંબરે ઘરમા પુત્રની જગ્યાએ પુત્રી તરીકે જન્મી જે પોતાના હાથમાં ન હતું. છ્તા પરિવારમા તે એક અનવોંટેડ ચાઇલ્ડ બની ને રહી ગયેલ. અને પિતાએ બધુ સારુ જોઇને તેના લગ્ન કરાવેલ પણ લગ્ન જીવનમા પોતાનો પતિ જ તેને સમજી શકતો ન હતો. પોતે જે વાતાવરણમાં ઉછરીને આવેલ તેનાથી ઘણું ભિન્ન વાતાવરણ હતું છતાં પોતે વાતાવરણને અનુરૂપ થઈ સેટ થવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ પોતાનો પતિ સમય જ તેને બરાબર સમજી શકતો ન હતો. તેથી દિનપ્રતિદીન બોલચાલ ચણભણ થયા કરતી હતી. પરંતુ સાસરામા તેના નસીબે મા વગરની દિકરીને માથી પણ વિશેષ પ્રેમ કરનાર સાસુ મળેલા. સાસુને બે દિકરા જ હતા પોતાની દિકરી ન હતી તેથી તેણે સુહાનાને પુત્રવધુ ને બદલે પુત્રી તરીકે જ અપનાવી લીધેલ. તેથી સાસુ વહુ કરતા મા દિકરીની જેમ બન્ને રહેતા. આમ તેનુ જીવન પસાર થતુ હતું .

લગ્નના બે ત્રણ વર્ષ તો ધીમે ધીમે ક્યાં પસાર થઈ ગયાં તે ખબર ના પડી. ધીમે ધીમે બધા તેને સંતાનની ખુશખબર ક્યારે આપે છો તેમ કહેવા અને પુછવા લાગ્યા. કુદરતને જાણે તેની કસોટી લેવાની મજા આવતી હોય તેમ સમય પસાર થતો જતો હતો તેમ આજુબાજુ સગાંસંબંધીમા કાનાફુસી થવા લાગી. પતિ પત્ની આ બાબતમાં બન્ને એકમત હતા કે જે થાય તે આપણે લોકોનું સાંભળીને કોઈ પગલાં નથી લેવા કુદરતની ઇચ્છા હશે ત્યારે બાળક થશે. અને આનાથી જ કદાચ બન્ને વચ્ચે એકમત હોવાથી મનમેળ વધવા લાગ્યો . તેઓની કમીએ જ તેઓને નજીક લાવી દીધા. બન્ને વચ્ચે ધીમે ધીમે પ્રેમ વધવા લાગ્યો. હવે બન્ને એટલા નજીક આવી ગયાં હતા કે કોઈ ત્રીજાની હાજરી પણ સહી શકતા ન હતા.અને એ જ કારણસર બન્ને સંયુક્ત પરિવારમાથી અલગ થઈ સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. બન્ને માતા અને નાનાભાયથી અલગ સ્વતંત્ર રહેવા લાગ્યા. બન્ને એકબીજાનો સંપૂર્ણ ખ્યાલ રાખતા હતા બધી રીતે સુખી હતા. બસ ખોટ હતી તો શેર માટીની.

દરેક સ્ત્રી જ્યાં સુધી માતા નથી બની શકતી ત્યાં સુધી તે પોતાની જાતને અધુરી માને છે. સંતાન ન થવાનું કારણ કઇ પણ હોય દોશી હમેંશા સ્ત્રી ને જ માનવામા આવે છે.અહી પણ સુહાનાને સંતાન ન થવા માટે માત્ર ને માત્ર તેને જ દોશી માનવામા આવતી હતી. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ તેના તરફ લોકોની જોવાની દ્રષ્ટિ બદલાતી જતી હતી. લોકો મ્હો પર તો કશુ નોતા કહેતા પરંતુ પીઠ પાછળ વાતો કરતાં અને કોઇ પણ શુભ પ્રસંગે તેને આગળ આવવા ન દેતા. કયારેક કોઈ આખાબોલુ વાંઝીયામેણુ પણ સંભળાવી દેતુ. ત્યારે સુહાનાને બહુજ દુ:ખ થતુ. જે માટે ખરેખર માત્ર સ્ત્રી જ જવાબદાર નહોય છતા તેમાં પણ માત્ર સ્ત્રીને જવાબદાર ગણીને હડધુત કરાય છે કે અપમાન કરાય છે. તે આપણા સમાજની બહૂ મોટી કમનસિબી છે.

સુહાનાની કસોટી દિન-પ્રતિદિન વધતી જતી હતી.પરંતુ પતિના સાથથી તે ટકી રહી હતી. ઘણાં ઇલાજ કરાવ્યા ઘણી તપાસ કરાવી પણ પરિણામ શુન્ય. આમને આમ કરતા લગ્નને ધીમે ધીમે ૧૨ વર્ષ વીતી ગયા. લોકોએ તો તેની મા બનવાની આશા છોડી દીધી હતી. સગાંસંબંધી મિત્ર વર્તુળમાં બધાને હવે તેના ઘરે પારણુ બંધાસે તેવી કોઇ આશા નહોતી. દરેક પોતપોતાના અભિપ્રાય જણાવતા હતા કોઇ સંતાન દત્તક લેવાનું કહેતા હતા. તો કોઇ ભૂતભુવાની વાતોની સલાહ આપતા હતા. દરેક પોતાની જગ્યાએ ખરા હોય સકે. કારણ લગ્નને આજકાલ કરતાં ૧૨ વર્ષ વીતી ગયેલ. બન્ને પતિપત્નીએ બધા નુસખા અજમાવી પણ જોયા પરંતુ કુદરત આગળ માનવી લાચાર છે. ઇશ્વરે જે ધાર્યુ હોય તેજ થાય. આખરે બન્નીએ પોતાની આ મનોકામના ઇશ્વર પર છોડી દીધી. બન્ને પતિ પત્નીના પરસ્પર પ્રેમ અને ઇશ્વર પરની બન્નેની અતૂટ શ્રદ્ધા અંતમા રંગ લાવી. વિકસતા વિજ્ઞાને તેની સહાય કરી અને એના ઘરે પણ પારણુ બંધાશે તેવા શુભસમાચાર મળ્યા. બન્નેની ખુશીનો પાર ન રહ્યો. બન્નેને ઇશ્વર અને પોતાના નસીબ પર વિશ્વાસ બેઠો. હવેના દિવસો સુહાના માટે આનંદના હતા તો મુંજવણના પણ હતી. આનંદ એટલા માટે કે વર્ષોની ઇચ્છા પુર્ણ થવા જઇ રહી હતી તો બીજી તરફ પ્રથમ પ્રસુતિ હતી તેની મુજવણ અને ડર હતો. કે બધૂ સમુસુતરુ પાર ઉતરસે કે કેમ. સમય જેમજેમ નજીક આવતો ગયો તેમતેમ તેની પીડા અને ડર વધતો ચાલ્યો.પરંતુ સમય સમયનુ કામ કરે છે. ઇશ્વરે જે ધાર્યુ હોય તે જ થાય છે. માણસ માત્ર નિમ્મીત જ હોય છે. એક દિવસ તેના ઘરે પણ સુંદર બાળનો જન્મ થયો. માતા બન્યાનો સુહાના માટે આ ત્રીજા જન્મથી કમ પીડા કે આનઁદનો અવસર ન હતો. દરેક સ્ત્રી માટે મા બનવુ એ તેના જીવનનો ત્રીજો જન્મજ હોય છે. કારણ સ્ત્રી મા બને એટલે પુર્ણ તો બને છે. પરંતુ મા બન્યા પછીનુ તેનુ જીવન પણ અલગ જ બની જાય છે.ખરુ ને...?

-‘આકાશ.’ યશવંત શાહ.