પિન કોડ - 101
પ્રકરણ-100
આશુ પટેલ
સાહિલે કહેલા શબ્દો સાચા હોય તો આ બધા પ્રયાસો આભ ફાટે ત્યારે થીગડું મારવા જેવા સાબિત થવાના હતા. પણ ચર્ચગેટ અને છત્રપતિ રેલવે સ્ટેશન ખાલી કરાવી શકાય તોય ઘણું હતું. કમસે કમ હજારો લોકોના જીવ તો બચાવી શકાય. જો કે આટલી ઝડપથી મુંબઈનાં બન્ને અતિ મહત્ત્વનાં સ્ટેશન ખાલી કરાવવાનું કામ પણ ભગીરથ હતું
---
આવખતે ચર્ચગેટ રેલવે સ્ટેશન અને છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ અમારા નિશાન પર છે. ‘હું ઈશ્તિયાક હુસેન, આઈએસ તરફથી તમને કાફરોને ખુલ્લી ચેલેંજ કરું છું કે એ બન્ને જગ્યાએ હુમલાઓ થતા અટકાવી જુઓ. તમારી તમામ તાકાત અજમાવી જુઓ. તમારી પાસે ત્રણ મિનિટનો સમય છે!’
સાહિલના મોઢેથી એ શબ્દો સાંભળીને ડીસીપી સાવંત બે સેક્ધડ માટે સ્તબ્ધ થઈ ગયા. જો કે તરત જ તેમણે ધડાધડ આદેશો છોડ્યા: ‘વાઘમારે, તમે સીએસટી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરને કહીને સ્ટેશન ખાલી કરાવો, શહાણે તમે ચર્ચગેટ સ્ટેશન ખાલી કરાવો, ગુપ્તે તમે તાબડતોબ બોમ્બ ડિટેક્શન સ્ક્વોડને બન્ને સ્ટેશન તરફ દોડાવો...’
આ દરમિયાન તેમણે પોલીસ કમિશનર શેખનો નંબર લગાવી દીધો હતો. સાહિલે કહેલા શબ્દો સાચા હોય તો આ બધા પ્રયાસો આભ ફાટે ત્યારે થીગડું મારવા જેવા સાબિત થવાના હતા. પણ ચર્ચગેટ અને છત્રપતિ રેલવે સ્ટેશન ખાલી કરાવી શકાય તોય ઘણું હતું. કમસે કમ હજારો લોકોના જીવ તો બચાવી શકાય. જો કે આટલી ઝડપથી મુંબઈનાં બન્ને અતિ મહત્ત્વનાં સ્ટેશન ખાલી કરાવવાનું કામ પણ ભગીરથ હતું. અને હજારો લોકો ગભરાઈને સ્ટેશન બહાર ભાગવા માટે એકસાથે આંધળી દોટ મૂકે તો સ્ટેમ્પેડ સર્જાવાનું પણ પૂરું જોખમ હતું. પણ અત્યારે બીજો કોઈ રસ્તો નહોતો. આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ હતી. સાવંતના દિમાગમાં વાવાઝોડાની જેમ વિચારો ધસમસી રહ્યા હતા. તેમણે અનેક આતંકવાદી હુમલાઓ વખતે અને પછી કુનેહપૂર્વક કામ લીધું હતું, પણ આવી કટોકટીનો સામનો તેમણે ક્યારેય નહોતો કરવો પડ્યો.
કમિશનર શેખે કોલ રિસિવ કર્યો એ સાથે સાવંતે તેમને દસ સેકંડમાં સ્થિતિ સમજાવી દીધી અને પછી તેમણે ઝોન એકના ડીસીપીને કોલ લગાવ્યો.
આ દરમિયાન સાહિલ વિચિત્ર રીતે હસી રહ્યો હતો!
* * *
સાહિલના શબ્દો સાંભળી રહેલા ઈશ્તિયાકના ચહેરા પર ફરી એક વાર વિકૃત સ્મિત આવી ગયું.
તેણે પેલા વૈજ્ઞાનિકને કહ્યું: ‘હવે પ્લાન અમલમા મૂકી દો. આજનો દિવસ આખી દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે. આપણને થોડો સમય મળી જશે. એ દરમિયાન આપણે મુખ્ય...’
અચાનક કાણિયાની હાજરીનો ખ્યાલ આવ્યો એટલે ઈશ્તિયાક બોલતા બોલતા અટકી ગયો. કાણિયા તેની સામે શંકાભરી નજરે જોઈ રહ્યો.
* * *
મુંબઇ શહેર હજી સંપૂર્ણપણે થાળે નહોતું પડ્યું. શહેરના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના અનેક ફ્લાયઓવર પર બોમ્બ ઝીંકાવાને કારણે ફ્લાયઓવરમાં મોટા ગાબડાં પડ્યા હતા. કેટલાક ફ્લાયઓવર તો સંપૂર્ણપણે નવા બનાવવા પડે એવી હાલત હતી. ઘોડબંદર જંક્શન પાસે વર્સોવા બ્રિજ તૂટી પડવાને કારણે મુંબઇ, ગુજરાત, રાજસ્થાન અને બીજા અનેક વિસ્તારો સાથેનો વાહનવ્યવહાર શક્ય નહોતો રહ્યો. લશ્કરના જવાનોએ તાબડતોબ કામચલાઉ બ્રિજ બાંધ્યો હતો, પણ તેના પર સામાન્ય વાહનવ્યવહાર પૂર્વવત થઈ શકે એમ નહોતો. એને કારણે ગુજરાત અને રાજસ્થાન તરફથી મુંબઇ આવતા પુરવઠાનો પ્રવાહ પણ અટકી પડતા મુંબઇમાં શાકભાજી અને બીજી જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા. મુંબઇમાં વાહનો માટે ઓડ ઇવન ફોર્મ્યુલા લાગુ કરવી પડી હતી. એકી તારીખે એકી નંબરના વાહનો રસ્તાઓ પર આવી શકે અને બેકી તારીખે બેકી નંબરના વાહનો જ બહાર નીકળી શકે એવો આકરો નિયમ લાગુ કરી દેવાયો હતો. એમ છતાં ફ્લાયઓવર્સની બંને બાજુએ ટ્રાફિકની લાંબી કતારો લાગતી હતી. શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થતો રહેતો હતો. આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ફ્લાયઓવર્સ અને વાહનોનો કાટમાળ પણ લશ્કરે મહામહેનતે દૂર કર્યો હતો. મુખ્ય પ્રધાને લોકોને અપીલ કરવી પડી હતી કે શક્ય હોય ત્યાં સુધી લોકલ ટ્રેન કે બેસ્ટની બસોમાં પ્રવાસ કરવાનું રાખો અને તમારા મિત્રો સાથે વાહનોનો સહિયારો ઉપયોગ કરો. શહેરના જે ફ્લાયઓવર્સ પર બોમ્બ ઝીંકાયા હતા એ તમામ વિસ્તારોમાં ભયંકર ટ્રાફિક જામ થતો હતો, પણ એમાંય સૌથી વધુ ખરાબ હાલત છત્રપતિ શિવાજી ટર્મિનસથી નાગપાડા વચ્ચે થતી હતી. સર જે. જે. ફ્લાયઓવરમાં મોટું ગાબડું પડવાને કારણે ફોર્ટ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ તરફથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ જનારા વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ પડતા હતા. ઘાટકોપર તરફ જનારા વાહનો તો ફ્રી વે પરથી જતા રહેતા હતા. ત્યાં પણ ભારે ટ્રાફિક સર્જાયો હતો કારણકે ઘણા વાહનચાલકો પી ’ડીમેલો રોડવાળા રૂટને પસંદ કરતા થઇ ગયા હતા. પણ ના છૂટકે જેમને છત્રપતિ શિવાજી ટર્મિનસથી નાગપાડા કે લાલબાગ તરફના કેટલાક વિસ્તારોમાં જવું પડે એમ હોય તેમણે અકલ્પ્ય ટ્રાફિકમાં ફસાવું પડતું હતું.
છત્રપતિ શિવાજી ટર્મિનસથી નાગપાડા વચ્ચે સોમવારની સાંજે આવો જ અસહ્ય ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘણા વાહનચાલકો અકારણ હોર્ન વગાડીને પરિસ્થિતિ વધુ અકળામણ ભરી બનાવી રહ્યા હતા. ઘણા વાહનચાલકો એફ. એમ. પર ટ્રાફિકની માહિતી મેળવીને વધુ દુ:ખી થઇ રહ્યા હતા. કેટલાક વાહનચાલકો કારમાં સંગીત સાંભળીને પોતાના મનને શાંત રાખવાની કોશિશ કરી રહ્યા હતા. કેટલાક વાહનચાલકો પાછળથી હોર્ન વગાડી રહેલા વાહનચાલકો સાથે એવો ઝઘડો કરી રહ્યા હતા કે શા માટે હોર્ન વગાડીને માનસિક ત્રાસ આપો છો? ‘દેખાતું નથી કે આગળ એક ઇંચ પણ જઇ શકાય એમ નથી!’ છત્રપતિ શિવાજી ટર્મિનસ સામેના ટ્રાફિક સિગ્નલ્સની લાઇટ થોડી થોડી વારે બદલાતી રહેતી હતી. પણ એનો કોઇ અર્થ નહોતો. ગ્રીન લાઇટ થાય તો પણ એકેય વાહન આગળ જઇ શકે એમ નહોતું. થોડી વારે આગળના વાહનો થોડા ફૂટ વધતાં હતા એ સાથે વાહનચાલકોમાં આશાનો સંચાર થતો હતો કે ચાલો હવે આગળથી ટ્રાફિક ક્લિયર થયો છે. પણ એ આશા ઠગારી સાબિત થતી હતી. વાહનો થોડા આગળ વધીને ફરી અટકી જતા હતા.
છત્રપતિ શિવાજી ટર્મિનસ બહાર મુખ્ય સિગ્નલ પાસેના ટ્રાફિક જામમાં ફસાયેલા મુંબઈગરા વાહનચાલકોની ધીરજનો અંત આવી જાય એવી સ્થિતિમાં તેઓ એવા દ્રશ્યના સાક્ષી બન્યા કે જેની તેમણે આખી જિંદગીમાં કલ્પના પણ નહોતી કરી!
* * *
સાંજના સાડા પાંચ વાગ્યે ચર્ચગેટ સ્ટેશન પર હૈયે હૈયું દળાય એવી ભીડ હતી. ઓફિસમાંથી છૂટીને ઘરે પહોંચવા માટે ઉતાવળા થયેલા મુંબઇગરાઓ બબ્બે મિનિટે આવી રહેલી લોકલ ટ્રેનોમાં ગોઠવાઇ રહ્યા હતા અને સંખ્યાબદ્ધ મુંબઇગરાઓ લોકલ ટ્રેનની પ્રતીક્ષા કરતા પ્લેટફોર્મ પર ઊભા હતા. અનેક લોકો ચર્ચગેટ સ્ટેશનના બધા દરવાજેથી મેટલ ડિટેક્ટરોમાંથી પસાર થઇને સ્ટેશનમાં પ્રવેશી રહ્યા હતા. મુંબઈના રસ્તાઓ પર ભયંકર ટ્રાફિકજામને કારણે સંખ્યાબંધ વાહનચાલકો પણ લોકલ ટ્રેનોનો ઉપયોગ કરતા હતા એટલે રશ અવર્સમાં ચર્ચગેટ સ્ટેશનમાં અકલ્પ્ય ગિરદી થતી હતી.
કેટલાક મુંબઇગરાઓ ટ્રેનમાં બેસતા પહેલાં સ્ટેશનના પ્લેટફોર્મથી સબ-વે વચ્ચેની જગ્યામાં લાઇનબંધ ગોઠવાયેલા ખાણીપીણીના સ્ટોલ્સ પાસે ઊભા રહીને ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા હતા કે ઠંડા પીણા પી રહ્યા હતા. સેંકડો મુંબઇગરાઓ ચર્ચગેટના ટોઇલેટ્સમાં એકબીજા સાથે ઘસાતા-ભીંસાતા અંદર જઇ રહ્યા હતા કે બહાર આવી રહ્યા હતા.
કેટલાય ઉતારૂઓ પ્લેટફોર્મ્સના મરીન ડ્રાઇવ સ્ટેશન તરફના છેડે ઊભા રહીને ટ્રેનમાં પ્લેટફોર્મમાં પ્રવેશે એ સાથે ધીમી પડી રહેલી ટ્રેનમાં દોડીને ચઢી રહ્યા હતા અને બેસવાની કે બારી પાસેથી રહેવાની જગ્યા મળી જાય એટલે દિગ્વિજય ર્ક્યો હોય એવા ભાવ સાથે ચહેરા પર હાથરૂમાલ ફેરવીને પરસેવો લૂછી રહ્યા હતા અને શીઇઇઇઇ...’ અવાજ સાથે શ્ર્વાસ છોડી રહ્યા હતા.
ચાર નંબરના પ્લેટફોર્મના ડિજિટલ ઇન્ડિકેટર પર વિરાર ફાસ્ટ ટ્રેન વિષેની માહિતી ચળકતા અક્ષરોમાં ફ્લેશ થઇ અને એ સાથે જ સ્ટેશનની એનાઉન્સમેન્ટ સિસ્ટમ પરથી મહિલા એનાઉન્સરના મીઠા અવાજમાં એનાઉન્સમેન્ટ થયું: પ્લેટફોર્મ નંબર ચાર પર આનેવાલી લોકલ વિરાર કે લિયે બારાહ ડિબ્બો કી જલદ લોકલ હૈ. યહ લોકલ મુંબઇ સેન્ટ્રલ સે દાદર, દાદર સે બાંદરા, બાન્દ્રા સે અંધેરી, અંધેરી સે બોરીવલી ઔર બોરીવલી સે ભાયંદર કે બીચ કિસી ભી સ્થાનકો પર નહીં રૂકેગી. યાત્રીયોં સે નિવેદન હૈ કી વો કૃપયા પ્લેટફોર્મ સે દૂર રહે. ‘પ્લેટફોર્મ યા ટ્રેનમાં કિસી ભી અપરિચિત યા સંદેહજનક વસ્તુ દિખે તો તુરંત પુલિસ કો જાનકારી...’
અચાનક એનાઉન્સરે એ એનાઉન્સમેન્ટ અટકાવીને ગભરાટભર્યા અવાજે બીજું એનાઉન્સમેન્ટ શરૂ કર્યું: ‘સભી યાત્રીયોંકો સ્ટેશનસે બહાર નીકલને કે લિયે પુલિસને આદેશ જારી કિયા હૈ! સભી યાત્રીયોસે નિવેદન હૈ કિ તુરંત હી સ્ટેશનસે બહાર નીકલ જાય!’
અનુભવી ઉદ્ઘોષિકા પણ સ્પષ્ટ સૂચના છતા એ રીતે એનાઉન્સમેન્ટ કરી બેઠી હતી કે ઉતારૂઓ ગભરાઈને આડેધડ દોડવા માંડે અને સ્ટેશનમાં અંધાધૂંધી ફેલાઈ જાય. અને એવું જ બન્યું. ઉદ્ઘોષિકાનું પહેલું વાક્ય તો તરત ઉતારૂઓના કાને ના પડ્યું, પણ તરત સ્ટેશન બહાર નીકળી જવાની સૂચના કાને પડી એ સાથે બધા ઊંધું ઘાલીને દોડ્યા. આતંકવાદી હુમલાઓના આઘાતમાંથી મુંબઈગરાઓ હજી બહાર નહોતા આવી શકયા. એટલે આતંકવાદી હુમલાની દહેશતથી બધા જીવ બચાવવા ભાગ્યા.
એ પછીની ક્ષણો જીવ બચાવવા ભાગી રહેલા મુંબઈગરાઓ માટે અકલ્પ્ય અને ખોફનાક હતી. એ ક્ષણો માત્ર મુંબઈને કે ભારતને જ નહીં સમગ્ર વિશ્ર્વને ધ્રૂજાવી દેનારી હતી!
(ક્રમશ:)