આથમતા સૂર્યની સાથે અસ્મિતા પોતાના જીવનને પણ આથમી દેવા જતી હતી. તે કૂદવા છેલ્લું પગલું ભરવા જતી જ હતી ત્યાં જ એક યુવાને એને પાછી ખેંચી લીધી. "છોડો મને! મારે નથી જીવવું હવે! હવે વધારે સહી નહીં શકું!" અસ્મિતાએ એ યુવાન સામે જોયું પણ નહીં અને પાછી કૂદવા જવા લાગી. "તારી જીંદગી છે તારે જે કરવું હોય એ તું કરી શકે છે. પણ જતા પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપ," તું જે કારણસર આત્મહત્યા કરી રહી છે તેમાં તારો કેટલો વાંક છે? તું કેટલી જવાબદાર છે? "અસ્મિતા અટકી ગઈ અને એણે ખરેખર વિચાર્યું કે તેની સાથે જે કાંઈ પણ બન્યું એમાં એનો તો કશો વાંક જ નથી! ઓમનું પ્રતિકા સાથે હોવું અને એનું અને ઓમનું અલગ થવું, આદર્શ સાથે લગ્ન નો નિર્ણય પણ એણે પોતાના સ્વાર્થ માટે નહીં પણ પોતાના સંતાન માટે જ કર્યો હતો અને આજે આદર્શના કૃત્ય પાછળ પણ તે જવાબદાર નહોતી.
આ બધું તો ભાગ્યનો ખેલ હતો એતો માત્ર નિમિત્ત અને શિકાર બની હતી... આ બધું માત્ર બે મિનિટમાં વિચારી અસ્મિતા પાછળ ફરી. એણે પેલા યુવાન સામે જોયું. એના મોઢા પર સ્વાભાવિક તેજ હતું. સંતોષ અને આનંદ એના મોઢા પર સ્પષ્ટ હતા. અને મોઢા પર હળવું સ્મિત હતુ.. અસ્મિતાને તે ઘણો વિશિષ્ટ લાગ્યો. "તો શું વિચાર્યું તે? આમાં તારો કેટલો દોષ હતો?" પેલા યુવાને પૂછ્યું.. અસ્મિતા કઈ બોલી નહીં અને નીચું જોઇ રહી... "અને તું તારો જીવ શોખથી લઈ શકે પણ આ બાળક જે હજી સંસારમાં આવ્યું ય નથી એનો જીવ લેવાનો તને શું અધિકાર છે?" એ યુવાનના અવાજમાં અસ્મિતાને ગંભીરતા અને સ્થિરતા બંને જણાયા. "પણ હું શું કરું.. મને કોઈ રસ્તો દેખાતો નથી બધા દ્વાર બંધ થઈ ગયા છે. હું થાકી ગઈ છું. હવે હું થાકી ગઈ છું. હવે બોજરૂપી જીવનથી મુક્ત થઈ જવા ઈચ્છું છું.." અસ્મિતા બોલી. "તો બોજો દૂર કર! એમાં આત્મહત્યા કરવાની શું જરૂર છે? એતો કાયરતાનો માર્ગ છે! જો બધા પોતાના જીવનથી કંટાળીને આવા માર્ગો પસંદ કરશે તો શું થશે આ જગતનું! હું માનું છું કે દરેકના જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે તેની જીવવાની ઇચ્છા મરી જાય છે પણ એવા સમયે ધીરજ અને સંયમની જરૂર છે. આ રીતે આવું પગલું ભરવાની નઈ! દુખ કોના જીવનમાં નથી હોતું? આજે સૌ કોઈ દુખી છે પણ દુખ માંથી સુખ શોધવાને જ જીવન કહે છે.. એટલે હવે ભૂતકાળના કડવા અનુભવો ભૂલી ભવિષ્યનો વિચાર કર.. પોતાના માટે નઈ તો બીજા માટે જીવવાનું શરૂ કર! બીજાના દુખ દૂર કર અને કદાચ એવું કરતા કરતા તને તારા જીવનનો ય માર્ગ મળી જાય! "અસ્મિતા એના ચહેરા સામે જોઈ રહી! એના એક એક શબ્દો સાચા અને અસરકારક હતા. તેણે અસ્મિતાના આંસુ લૂછ્યા. એ આશરે ઓમની ઉંમરનો જ જણાતો હતો અસ્મિતાએ પૂછ્યું," કોણ છો તમે? તમારું નામ? " " હું અથર્વ. તારી જેમ એક માણસ જ છું! " અથર્વ હસીને બોલ્યો. પછી અસ્મિતાએ તેને ધ્યાનથી જોયો એને લાગ્યું કે પહેલા એણે એને કશે જોયો છે! તેણે યાદ કરવા પ્રયત્ન કર્યો તો યાદ આવ્યું કે જ્યારે ઓમને પોતાના મનની પ્રેમની વાત કહેવાની હતી ત્યારે અસ્મિતાને અથર્વએ જ લિફ્ટ આપી હતી. અને જ્યારે પ્રતિકા સાથે ઓમને જોઈ એ ઓમને છોડી રસ્તામાં બેધ્યાન ચાલી નીકળી હતી ત્યારે અથર્વએ જ આવી તેને ટ્રકની અડફેટે આવતી બચાવી તેનો જીવ બચાવ્યો હતો અને આજે જ્યારે મોતના કૂવામાં ફરી જતી હતી ત્યારે એણે જ આવી એને અટકાવી હતી. અથર્વની આંખોમાં અલગ જ ચમક હતી તે બીજા કરતાં સાવ જુદો જ તરી આવતો હતો. "તમારો ખૂબ ખૂબ આભાર અથર્વ! આજે તમે મને સમજાવી કે હું કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી!" અને પછી અસ્મિતા જવા લાગી.. "પણ તું જઈ ક્યાં રહી છે?" અથર્વએ પૂછ્યું. "ખબર નઈ પણ આત્મહત્યા તો નથી જ કરવાની!" અસ્મિતાએ હસીને કહ્યું. અથર્વએ હકારમાં માથું હલાવ્યું એના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું એ અસ્મિતાએ જોયેલું.. અસ્મિતા આગળ વધી પણ કોણ જાણે કેમ અચાનક એના પેટમાં દુખાવો ઉપાડવા લાગ્યો. તે અચાનક નીચે બેસી ગઈ અને પેટ પર હાથ મૂકી ચીસ પાડવા લાગી.. અથર્વ સમજી ગયો કે અસ્મિતાને ચોક્કસ પ્રસવ પીડા ઊપડી છે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવી પડશે! પણ આજુબાજુ કોઈ લેડીઝ પણ સહાયતા માટે હતી નહીં એટલે એને એમ્બ્યુલન્સનો પણ વિચાર આવ્યો પણ એમાં મોડું થઈ જાય એમ હતું એટલે એણે અસ્મિતાને ઊભી કરી ખભાનો સહારો આપી જેમતેમ ગાડીમાં બેસાડી અને ગાડી નજીકના દવાખાને હંકારી મૂકી. અંદરથી નર્સ અને સ્ટ્રેચર બોલાવી એને એમાં સુવાડી.. અથર્વને નવાઈ લાગી કેમ કે અસ્મિતા વારે વારે ઓમ ઓમ બોલતી હતી.. કોણ હશે આ ઓમ! પણ હમણાં એ વિચારવાનો સમય નહોતો એટલે એણે કાગળની બધી કાર્યવાહી પૂરી કરી... એકાદ કલાક બાદ ડોક્ટર બહાર આવ્યા અને અથર્વને કીધું, "અભિનંદન તમે પપ્પા બન્યા છો! દિકરો આવ્યો છે!" અથર્વ આ સાંભળી ચમકી ગયો અને એ ડોક્ટરને જણાવે કે એ અસ્મિતાનો પતિ નથી એ પહેલાં ડોક્ટર જતાં રહ્યાં.. અથર્વ સહેજ હસી અંદર ગયો. અસ્મિતા સુતેલી હતી અને નર્સ બાળકને ચોખ્ખું કરી ટુવાલમાં લપેટી અથર્વને હાથમાં બાળક આપી દે છે.. "સાહેબ બાબો આવ્યો છે પેંડા જોઈશે હા.." નર્સ કહીને જતી રહી.. અથર્વ કઈ બોલ્યો નહીં અને અસ્મિતા સામે જોઈ હસ્યો. "માફ કરજે. તારા દીકરાને તારે જ સૌથી પહેલાં લેવો જોઈતો હતો પણ આ નર્સ મને પકડાવી ગયા!" અથર્વએ કહ્યું... "કઈ વાંધો નહીં તમે ના હોત તો એ આ દુનિયામાં આવ્યો જ ના હોત! અને સારું છે ને તમે લીધો તમારા જેવો બનશે!" અસ્મિતાએ કહ્યું. પછી અથર્વએ બાળક અસ્મિતાને આપ્યું. અસ્મિતાએ એને છાતીસરસુ ચાંપી દીધું. તેણે ધ્યાન થી જોયું તો બાળકનું મોઢું, દેખાવ, આંખો બધું લગભગ ઓમને જ મળતું આવતું હતું એમ લાગતું હતું કે જાણે ઓમ નાનો હશે તો આવો જ લાગતો હશે! અસ્મિતાની આંખોમાં આંસુ આવી ગયા..
અસ્મિતાના દીકરાને સૌથી પહેલાં અથર્વએ હાથમાં લીધો અને નર્સે એટલે જ એને સંતાનના પિતા સમજી બેઠી. પણ અસ્મિતાને એનો રંજ નહોતો કારણ કે એ જાણતી હતી જો અથર્વે મને નદીમાં પડતાં ન બચાવી હોત તો આ બાળક જન્મ જ ના લઈ શકત!
"હું તમારા અને મારા માટે કાંઈક જમવાનું લઈ આવું."અથર્વને સમયનો અંદાજ આવતાં કહ્યું. હજુ અસ્મિતા કઈ જવાબ આપે એ પહેલાં જ બાજુમાં ઊભેલી નર્સ બોલી "ના અત્યારે અસ્મિતાને કઈ ન આપશો. એ માત્ર હોસ્પિટલમાંથી જે આપવામા આવે એ જ ખાશે એ અહીંનો નિયમ છે. "આટલું બોલી નર્સ રૂમમાંથી બહાર નીકળી ગઈ.
" સારું તો હું અહીં જ બેસું છું. ""અરે ના ના તમે જમી લો. તમે જઈ આવો બહાર. આમ પણ મને તો અહીંથી આપશે જ ને." "ના ના આમ પણ મને ભૂખ નથી અત્યારે." અથર્વએ આનાકાની કરતા કહ્યું. "આટલી જીદ ના કરશો.હું જમી લઈશ અને તમે ભૂખ્યાં રહેશો?" અસ્મિતાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. "સારું હું હમણાં જ આવું છું. ટેક કેર કહીને અથર્વ બહાર નીકળ્યો અને થોડી વારમાં જ અસ્મિતાનું ખાવા આવ્યું. અસ્મિતા જમતા જમતા વિચારવા લાગી 'કેટલી હરી-ભરી હતી મારી જિંદગી! અને આજે એકલું ખાવું પડે છે! એટલામાં એની આંખમાંથી આંસુ આવી ગયા અને અત્યારે એના આસું લૂછવા વાળુ પણ ન કોઈ નહોતું.
વિચારોના ઘમાસાણ યુદ્ધ પછી એણે નક્કી કરી લીધું કે એની જૂની જીંદગીમાં તો પાછી નહીં જ ફરે!અને પોતાનાં આસું લુછી નાખ્યા.પણ સવાલ એ ઉભો થયો કે જવુ ક્યાં?એટલામાં અથર્વ આવ્યો એટલે અસ્મિતા ને મનમાં થયું કે મિ. અથર્વ મારી જિંદગીમાં ફરિશ્તા બનીને આવ્યા છે, બે વાર જીવતદાન આપ્યુ કદાચ એ ફરી મારી કોઈ મદદ કરી શકે! એટલે એમને મારી મૂંઝવણ રજૂ કરૂં? એ હજી એણે પૂછવા જ જાય છે એટલામાં એને અથર્વની ચપટી સાંભળી “કયા ખોવાઈ ગયા મેડમ?” “હ..હ...હ..મારે એક એક વાત કરવી ...” ”કેમ આટલું ખચકાવો છો?” “એક વાર પૂછું?”અસ્મિતા ખચકાતા ખચકાતા બોલી. "હા" અથર્વે ટૂંકમાં જ ઉત્તર આપ્યો."વાત એમ છે કે હવે હું મારી જૂની જીંદગીમાં પાછી ફરવા નથી માંગતી... અસ્મિતા જરા અટકી અને ફરી બોલી અને કોઈ નવી જિંદગી શરૂ કરવાનો કોઈ રસ્તો કે કોઈ દરવાજો દેખાતો નથી શું કરું" અસ્મિતાએ પોતાની મુંઝવણ રજૂ કરી. "લુક, હું તારી મુસીબત જાણતો નથી પણ જૂની જીંદગીમાં પાછો ન ફરવાનો નિર્ણય પર તું જાતે ફરી વિચાર કરી જો કારણકે ભરજુવાનીમાં ફરીથી એકડો ઘૂંટવો લગભગ અશક્ય છે અને.." હજુ અથર્વ પોતાની વાત પતાવે તે પહેલાં જ અસ્મિતા બોલી "ના ના હું મારા નિર્ણયમાં અફર છું, પણ બધા દરવાજા બંધ થઈ ગયા લાગે છે" "જો એક દરવાજો બંધ થઈ ગયો તો બીજો ખુલી જાય અને બધા દરવાજા બંધ થઈ જાય તો કોઇ બારી તો ખુલી જ જાય. આમ તો હું વ્યવસાયે ઈજનેર છું પણ મલ્ટિનેશનલ કંપનીમાં હોવાથી સોમ થી શુક્રવાર જ હોય એટલે શનિ - રવિ રજા હોય તો મેં નવી એક્ટિવિટી શોધી કાઢી છે હું ત્યારે એક આશ્રમમાં જવું છું. " " ઓ હેલો... હું કોઈ સાધ્વી બનવા નથી માંગતી. " " અરે ના ના હું આશ્રમ તો ભૂલથી બોલી ગયો. એનું નામ 'વેલકમ હોમ'છે.હું શનિ-રવિ લગભગ ત્યાં જ રહું છું. એમાં ૭ દિવસના નવજાત શિશુથી લઈને ૭૦ વર્ષના અનુભવી રહે છે, અનાથ બાળકો કે ત્યજાયેલા બાળકો, વિધવા સ્ત્રીઓ અને એવા વૃદ્ધો કે જેમના બાળકો નથી અથવા છતે બાળકે કોઈ રાખવા તૈયાર નથી એ તમામ ત્યાં રહે છે. બધાએ ત્યાં જ રહેવાનું, બાળકોએ ત્યાં જ ભણી શકે એ માટે સ્કૂલ પણ બનાવી છે ત્યાંના ઘણા શિક્ષકો વેલકમ હોમમાં રહેનારા છે.બીજી સ્ત્રીઓ ભરતકામ, દરજીકામ, ચિત્રકામ વગેરે કરે અને વૃદ્ધો બાળકોને સંસ્કાર આપે , બધાં ભેગા થઈ વાતો થાય મહિને પ્રવાસ થાય વગેરે..અથર્વ બધું એકીશ્વાસે બોલી ગયો. એણે ફરી કહ્યું "તમે આવવા માંગતા હોય તો તમે પણ આવી શકો છો પહેરેલા કપડે આવશો તો પણ ચાલશે અને સમાન લઈને આવશો તો પણ " "ઓકે હું વિચારીને કહીશ" ત્યાર બાદ હૉસ્પિટલમાં અડધો કલાક શાંતિ છવાઈ ગઈ. "અંધારું છવાઈ ગયું છે રાત ઘણી થઈ ગઈ છે તમે જાવ ઘરે કોઈ રાહ જોતું હશે!" અથર્વે વાત બદલાતા પૂછ્યું "એક વાત પૂછું?" "હા બેશક""એક પ્રશ્ન મનમાં રમ્યા કરે છે કે જ્યારે તમને પ્રસવ પીડા ઊપડી ત્યારે તમે પાંચ સાત વાર ઓમ ઓમ કરતા હતા આ ઓમ કોણ છે?" એક વખતતો અસ્મિતા ચીડાઈ ગઈ. પણ પોતાની જાતને સાંભળી. થોડી વાર રહીને આખી આપવીતી કહી. "અને તમારું નામ? " અથર્વને છેક અત્યારે ભાન થયું કે એણે આ યુવતીનું નામ જ નઈ ખબર!
"નામમાં શું રાખ્યું છે ગુલાબને ગુલાબ કહો કે કાદવ એતો એટલી જ સુગંધ આપશે " " ઓ લેડી સેક્સપિયર ડાયલોગ બાજી બંધ કરો અને સીધી રીતે નામ કહો. " " મારું નામ અસ્મિતા" "તો અસ્મિતા આ બાળકનું શું નામ વિચારવાનું નક્કી કર્યું છે?" "ખબર નહીં ઓમ તો આકાર પાડવાનું કહેતા હતા જે હું પાડવાની નથી અને અસ્મિતાના આંખમાં ઓમનો ચહેરો તરવરી ગયો." તમે આનું નામ અાલોક રાખો તો? " " આલોક કેમ? " " આલોક એટલે રોશની ફેલાવનાર અને આ બાળક જ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરનાર બનશે અને તમને જીવવાનું નવું કારણ એ જ છે એટલે આલોક સારું રહેશે પછી તમારી મરજી" "હું આનું નામ આલોક જ રાખીશ કેટલું સરસ નામ છે આલોક" "સારું. હવે હું જાઉં" કહીને અથર્વ બહાર નીકળ્યો.
અસ્મિતા ફરી વિચારવા લાગી કે ઘરે જવું કે નહીં? ઘરે જઈશ તો મમ્મી મને આ પગલું નહીં ભરવા દે. લાવ તો ઘરે ફોન કરી દઉં. ત્યાં એણે જોયું તો ખબર પડી કે એ ફોન ભૂલી ગઈ છે. માથે હાથ દઈ બેઠી અથર્વ પણ જઈ ચૂક્યો હતો. એટલે એણે વિચાર વિમર્શ કરી ઘરે પત્ર લખી પોસ્ટ કરી દીધો.
***
બે ત્રણ દિવસ બાદ અસ્મિતા અથર્વે આપેલા કાર્ડ લઈને સુરતથી થોડે દૂર કતારગામમાં આવી પહોંચી એક 'નવી શરૂઆત' કરવા.
વેલકમ હોમ ખૂબ જ વિશાળ જગ્યા હતી. અસ્મિતાને એમ કે સદાવ્રત જેવું ભોજન હશે અને કોર્પોરેશનની સ્કૂલ જેવા બાળકો હશે.પણ ગેટની અંદર આવતા અસ્મિતા ચોકી ગઈ.
બહાર હરિયાળીથી ભરેલ ગાર્ડન હતો જેમાં લગભગ દરેક જાતના છોડ વાવ્યા હતા. જાતજાતના પક્ષીઓ ચહેકતા હતા. તે વહેલી સવારે આવી હતી અને આલોક હાથમાં સૂતો હતો. લગભગ તેના જેટલી ઉંમરની સ્ત્રીઓ કસરત કરતી હતી. સહેજ આધેડ વયના લોકો યોગ કરતા હતા અને બાળકો સૂર્યનમસ્કાર. સહેજ આગળ જતાં ગાર્ડનની વચ્ચોવચ પૃથ્વીનો ગોળો હતો અને એના પર દરેક ધર્મના ચિન્હો હતાં અને આજુબાજુ જાણે આવકારતાં હોય એવી મુદ્રામાં હાથ હતા અને ગોળા પર ઘર ચિતરેલું હતું.ગોળો સતત ફરતો હતો જાણે દરેક ધર્મના લોકોને સ્વીકારવાનો નિયમ હતો. અસ્મિતા વેલકમ હોમનો ગાર્ડન પતાવી આગળ વધી ત્યાં એની ઓફિસ હતી.તેમાં આવનારાઓ પોતાનું નામ વગેરે લખાવતા હતા કોઈ પાસેથી ચાર્જ નહોતો લેવાતો છતાં દરેક યથાશક્તિ પ્રમાણે પોતાનું દાન આપતા હતા. અસ્મિતાને નવાઈ લાગી કે અહીં પૈસા લેવાતા નથી તો આ સંસ્થા ચાલે છે કેવી રીતે?પછી તે થોડી આગળ વધી તો એણે જોયું કે અથર્વ આંગળીઓ વળી ગઈ હોય એવા માસીને ચમચી- ચમચી ખવડાવી રહ્યો હતો. અસ્મિતા ત્યાં ગઈ. "અસ્મિતા તું અહીં? સરસ તે નિર્ણય લીધો છેવટે..." અથર્વે અસ્મિતાને જોતા કીધું. "હા પણ અહીં રજીસ્ટ્રેશન..." "એની ચિંતા નહી કર હું આવું બસ પાંચ મિનિટમાં તું ઊભી રહે અથવા સામે ત્યાં બેસી જા. અથર્વે સામેના બાકડા તરફ આંગળી ચીંધતા કહ્યું. અથર્વએ પેલા માજીને ખવડાવી, પાણી પીવડાવી અને પગે લાગીને ગયો." ચાલ હવે મારી સાથે.બંને ઓફિસમાં ગયા."મનીષભાઈ! આ અસ્મિતા અને આલોક છે. બંને આજથી અહીં જ રહેશે. "ભલે" "તમે નામ લખી રૂમ ફાળવી દો. તેમણે અસ્મિતાની જરૂરી વિગત લઈ એક રૂમની ચાવી આપી દીધી. બંને ત્યાથી બહાર નીકળ્યા. આગળ એક વિશાળ બિલ્ડીંગ હતું. બહાર સરસ્વતી માતાની પ્રતિમા પરથી સ્પષ્ટ હતું કે આ વિદ્યાલય હતી. જો અસ્મિતા આ અહીંની સ્કૂલ છે.સહેજ આગળ જતાં વૉશરૂમ હતા."આમતો દરેક રૂમમાં છે જ પણ અચાનક કોઈને રૂમમાં નાં જવું પડે એટલે અહીં પણ છે "અથર્વએ ખુલાસો કર્યો. આગળ જતાં વિશાળ ધ્યાનખંડ હતો. ઘણા લોકો અહીં બેસી પોતપોતાના ઇષ્ટદેવ નું ધ્યાન ધરતા હતા. કોઈને નમાજ પઢવી હોય તો પણ વ્યવસ્થા કરી હતી.ધ્યાનખંડ થી આગળ રસોડું હતું. ઘણી સ્ત્રીઓ ત્યાં કામ કરતી હતી.કામ કરતા કરતા પારકી પંચાત કરવાને બદલે સ્ત્રીઓ ભજન કે ગીતો ગાતી દેખાઈ. અસ્મિતાનો રૂમ બીજે માળ હતો. અથર્વએ તાળું ખોલ્યું અને બંને અંદર ગયા. આટલું બધું જોયા પછી અસ્મિતા રૂમ પ્રત્યે નિશ્ચિંત હતી. " અથર્વ, એક સવાલ પૂછું?" "હા હા બોલ.." "આ સંસ્થા.." "ના આ સંસ્થા નહીં આ ઘર છે." અથર્વ અસ્મિતાને અટકાવતા બોલ્યો.. "ઓકે ઘર.. પણ આ ચાલે છે કઈ રીતે? અહીં કરોડોનું દાન આવતું હશે ને!" અસ્મિતાએ નવાઇથી કહયું.. "ના રે ના અહીં બહારનું દાન સ્વીકાર્ય જ નથી! ઊલટાનું અહીં જે બચે એ બહાર મોકલાય છે." અસ્મિતા આ સાંભળી ચમકી ઊઠી. "એ કઇ રીતે?!" "આપણે હજી અડધું જ ઘર જોયું છે. અહીં આવ અથર્વએ રૂમની બારી ઉઘાડતા કહ્યું. અસ્મિતાએ જોયું તો ઘણા મકાનો જેવું દેખાયું. અને મોટો ચોક પણ હતો. " આ બધું શું છે? " " અહીં નાના મોટા ઉદ્યોગો પણ ચાલે છે. જો તારા જેવી ભણેલી ગણેલી સ્ત્રીઓ ઇચ્છે તો તે પેલી સ્કૂલમાં ભણાવી પણ શકે છે. થોડું ઓછું ભણેલી સ્ત્રીઓ પ્રાથમિકમાં ભણાવે છે.. કેટલીક સ્ત્રીઓ સફ્સફાઇમાં મદદ કરે છે. પુરુષો અહીંનો બધો સ્કૂલનો, ઉદ્યોગનો હિસાબ રાખી કારભાર સંભાળે છે. "ઉદ્યોગ એટલે! કઈ જાતના ઉદ્યોગ?" અસ્મિતાએ પૂછ્યું. "જો કેટલીક સ્ત્રીઓ સીવણકામમાં પાવરધી હોય છે તો તેમની માટે મશીન વસાવેલા છે. તો કોઈ ફૂલના હાર બનાવે છે. કોઈ મણકા, માળા વગેરે પરોવી રાખડીઓ અને ઘરેણાં બનાવે છે. વળી કેટલાક પુરુષો અને સ્ત્રીઓ લેખનકાર્યમાં નિપુણ છે તો તેમના આર્ટિકલ બહાર મોકલાય છે. અને અમુક સ્ત્રીઓ જે રસોઈમાં નિપુણ છે એ નાસ્તાના મશીનો વાપરી એ બનાવી બહાર મોકલે છે. એ બધું મોકલવાની પણ ચિંતા નઈ કેમકે સુરતમાં સારું માર્કેટ મળી રહે છે.. અમુક ઇજનેરો, ડોક્ટર પણ અહીં કાયમ ન રહી થોડા થોડા સમયમાં અહીં મુલાકાત લે છે એટલે એની પણ ચિંતા નઈ.. "આટલું મોટું આયોજન કરવું નાની વાત નથી અથર્વ!" અસ્મિતાએ કહ્યું.. "તે નથી જ ને! પણ એકવાર દિનચર્યા ગોઠવાઈ જાય પછી બધું બધાને સમજાઈ જાય છે..." "સાચે જ આ બહું જ સારી જગ્યા છે. મને લાગેલું કે કોઈ અનાથાશ્રમ હશે પણ આ તો બીજું ઘર જ છે!" "ભલે તું હવે આરામ કર અને પછી આગળ વિચારજે." કહી અથર્વ નીકળ્યો.. આ તરફ અમદાવાદમાં નિર્મિતા બહેનને ચિઠ્ઠી મળતા એમના પગ નીચેથી જમીન સરકી ગઈ! મારી દીકરીનો શું વાંક છે! કેમ તેની સાથે આ બધું થાય છે. પહેલા ઓમ અને હવે આ આદર્શ પણ! પ્રકાશભાઇ ગુસ્સામાં અસ્મિતાને ફોન કરવા લાગ્યા પણ ફોન લાગ્યો નહી. અસ્મિતાએ એ આલોકને લઈ જઈ રહી છે અને હવે પાછી ફરશે નહીં એટલે એને શોધવી નહીં અને એ ઘણી સુરક્ષિત છે એવા શબ્દો લખેલા.. પ્રકાશભાઈ વાંચી આકુળવ્યાકુળ થઈ ગયા.. તેમણે પોતાની હતી એટલી વગ વાપરી પણ અસ્મિતા મળી નહીં.. આ તરફ અસ્મિતા પણ પોતાના જીવનમાં આવવાના પરિવર્તનથી બેખબર હતી!!
- અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ