આ વર્ષે આપણે ત્રીજા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. આ યોગ એ ફક્ત કોઈ આસન પૂરતું મર્યાદિત નથી, એ સંપૂર્ણપણે એક જીવનશૈલી છે. આ યોગ (વિદેશી ઉચ્ચારણ પ્રમાણે યોગા) એ સમસ્ત પશ્ચિમી વિશ્વને ઘેલું કર્યું છે. યોગા જર્નલ ના દાવા મુજબ અમેરિકામાં વાર્ષિક આશરે ૨.૫ મિલિયન ડોલર યોગ પાછળ ખર્ચવામાં આવે છે. જે ખુબ મોટી રકમ ગણી શકાય. વળી ત્યાં આશરે ૧.૭ મિલિયન બાળકો (૧૭ વરસ થી નીચેનાં) યોગ શીખે છે. આમ પશ્ચિમી લોકોએ યોગનાં મહત્વને સ્વીકાર્યું છે. અને મોટા પ્રમાણમાં યોગનો અભ્યાસ પણ કરે છે. જયારે આપણો દેશ યોગનો જન્મદાતા હોવા છતાં લોકોને યોગ વિશે જોઈએ એટલી જાગૃતિ નથી. હા છેલ્લા કેટલાક વર્ષોમાં આપણાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ યોગનાં પ્રચાર-પ્રસાર માટે કરેલા પ્રયત્નોને દાદ દેવી પડે.
યોગ એ ફક્ત શારીરિક આસનો કે પ્રાણાયામ પૂરતું મર્યાદિત નથી. યોગ એ એક જીવનશૈલી છે, જીવન જીવવાની કળા છે. જે ખુદ યોગેશ્વર કૃષ્ણએ ભાગવદ-ગીતામાં વર્ણવી છે. યોગનાં કુલ ૮ અંગો છે. જેથી એને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે. આ ૮ અંગો એ આઠ પગથિયાં છે જે માનવીને માનવજીવનની સર્વોચ્ચ અવસ્થા સુધી લઇ જવા સક્ષમ છે. એ આઠ અંગો પૈકી આસન અને પ્રાણાયામ તો ફક્ત ૨ અંગો છે.
મહર્ષિ પતંજલિ નાં અનુસાર યોગ નાં આઠ અંગો છે:
યમ (આચાર સંહિતા)
નિયમ (સ્વયં શિસ્ત કે સંયમ)
આસન (શારીરિક યોગાસન)
પ્રાણાયામ (પ્રાણવાયુ અને ચિત્ત ની સ્થિરતા)
પ્રત્યાહાર (ઇન્દ્રિય-નિગ્રહ)
ધારણા (એકાગ્રતા)
ધ્યાન (આત્મજ્ઞાન)
સમાધિ (આત્મા-પરમાત્માનાં એકાકારની સ્થિતિ)
યમ એટલે કે સ્વયં પરનો કાબુ એ યોગનું પ્રથમ ચરણ છે. યમ માં અહિંસા (તન-મન થી કોઈને પણ દુઃખ ના આપવું), સત્ય (સત્ય અને મીઠું બોલવું), દયા (પ્રાણીમાત્ર માટે દયા રાખવી), બ્રહ્મચર્ય (ફક્ત ધર્મમૂલક કામ), આર્જવ (નિષ્કપટ રહેવું), ક્ષમા (દરેકને ક્ષમા આપવી), ધૃતિ (અવિકારી બનવું), મિતાહાર (પથ્ય અને મિત ભોજન), અસ્તેય (ચોરી ન કરવી), શૌચ (અંતઃ શુદ્ધિ થી પવિત્ર રહેવું) વગેરેનો સમાવેશ થાય છે.
યમ પછી બીજું અંગ છે નિયમ. નિયમમાં તપ (દેહશુદ્ધિ માટે તપ), સંતોષ (દૈવે જે મળે એમાં સંતોષ રાખવો), આસ્તિકય (દેવ, ગુરુ, વેદ પર શ્રદ્ધા) શ્રવણ (વેદાંત વગેરેની વિચારધારાનું શ્રવણ), દાન (સુપાત્રને દાન), પૂજન (ભગવાન અને ગુરુ ની પૂજા), શ્રદ્ધા (સત્કાર્યો માં શ્રદ્ધા), લજ્જા (ખરાબ કામ કરતાં શરમ આવવી), વ્રત (એકાદશી જેવા વ્રતો કરવા), જપ (મંત્ર-જપ) વગેરે નો સમાવેશ થાય છે. યમ અને નિયમ નું આચરણ માણસને યોગનાં અભ્યાસ માટે લાયક બનાવે છે.
યોગનું ત્રીજું અંગ આસન છે. દેવે આપણને આ શરીર આપ્યું છે કે જેના અસ્તિત્વ વગર કોઈ જ યોગ કે પાપ-પુણ્ય કશું જ સંભવ નથી. આથી આ શરીર ની સંભાળ લેવી એ આપણું કર્તવ્ય છે. આસન શરીર ને સ્વસ્થ રાખવામાં અને શરીર ની ક્ષમતા વધારવા માટે ઉત્તમ ઉપાય છે. આસન નાં અનેક પ્રકાર છે જેમાંથી તાડાસન, સવાસન, શીર્ષાસન, પદ્માસન વગેરે મૂળભૂત અને પ્રમાણમાં પ્રચલિત આસનો છે. ઘણીવાર આસનને જ યોગ ગણી લેવામાં આવે છે પણ આસન એ ફક્ત યોગ નું ત્રીજું અંગ છે. યોગ એટલે આસન એમ માનવું ભૂલ ભરેલું છે.
પ્રાણાયામ એ પ્રાણવાયુ અને ચિત્ત ને સ્થિર કરે છે. પ્રાણાયામમાં સીધું પ્રાણવાયુ સાથે આચરણ કરવાનું હોવાથી એ સાવચેતીપૂર્વક અને માર્ગદર્શન હેઠળ જ કરવાં જોઈએ. અન્યથા એ ફાયદાનાં બદલે નુકશાનકારક નીવડી શકે છે. પ્રાણાયામમાં ત્રણ તબક્કા હોય છે: પૂરક (વાયુને ફેફસાંમાં પૂરવાની ક્રિયા), કુંભક (ફેફસાંમાં પૂરેલા વાયુ ને રોકી રાખવાની ક્રિયા), રેચક (રોકેલા વાયુને બહાર કાઢવાની ક્રિયા). આ ત્રણેયનું પ્રમાણ અનુક્રમે ૧:૪:૨ રાખવાનું હોય છે. પ્રાણાયામ દરમિયાન મૂળબંધ, જાલંધરબંધ તેમજ ઉદ્દીપનબંધ વગેરે બંધ નો ઉપયોગ થાય છે.
પ્રત્યાહારમાં ઇન્દ્રિય-નિગ્રહનું મહત્વ છે. કાચબો જેમ અંગોને સંકેલે તેમ ઇન્દ્રિયો સંકેલી વિષય-વાસનાથી વિમુખ કરી વશ કરવાની ક્રિયા ને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહારનો બીજો અર્થ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા પણ થાય છે. તન, મન, બુદ્ધિ અને આત્મા તમામ ઈશ્વરને સોંપી દઈ એનાંમાં સંપૂર્ણ શ્રદ્ધા મુકવી એટલે પ્રત્યાહાર.
મન ને ભટકવા ન દઈ પ્રયત્નપૂર્વક રોકવાની ક્રિયા ને ધારણા કહે છે. જો મન સ્થિર ન રહે તો બહારની કોઈ વસ્તુ પર દ્રષ્ટિ ઠેરવવી. આને સગુણ ધારણા કહે છે. જો કોઈ બહારની વસ્તુ ની જરૂર ના પડે તો એ નિર્ગુણ ધારણા કહેવાય છે. ધારણા દરમ્યાન કોઈ વિચાર આવે તો એમાં અલિપ્ત ના થતાં માત્ર સાક્ષીભાવ થી જોયા કરવું. એક પછી એક વિચારોની પ્રયત્નપૂર્વકની ઉપેક્ષાને કારણે સમયાંતરે વિચારો ઓછાં થઈ જશે. છેવટે વિચાર-રહિત સ્થિતિ આવતાં ધ્યેય તરફ ધ્યાન લાગી જશે. નિયમિત અભ્યાસ પછી, એક સમયે ધ્યાન ધરનાર-ધ્યાતા-ધ્યાન ભૂલી ને ધ્યેયમય બની જાય, ધ્યેયાકાર બની જાય ત્યારે તેને સમાધિ કહે છે.
વળી યોગસૂત્રમાં કલેશ ઉત્પન્ન કરનાર ચિત્ત-વૃત્તિઓનો પણ નિર્દેશ કર્યો છે. જેમકે:
૧. અવિદ્યા : વિદ્યાનો અભાવ. ઘણીવાર કોઈક વસ્તુનું કે બાબતનું અપૂરતું જ્ઞાન પણ માણસનાં મનમાં કલેશ ઉત્પન્ન કરે છે. જયારે જો માણસને પૂરતું જ્ઞાન હોય તો એ એને ઘણી બાબતોમાંથી સુપેરે માર્ગ કાઢવામાં મદદરૂપ થાય છે.
૨. અસ્મિતા : પોતે બીજાથી અલગ હોવાની માન્યતા. માણસ પોતે પોતાને બીજાનાથી અલગ કે ચડિયાતો ગણે એ બાબતને પણ યોગસૂત્રમાં કલેશ ઉત્પન્ન કરનારી કહી છે. આપણાં દરેકની ભીતર એક જ પરમતત્વ પ્રકાશિત છે. આપણે બધાં એકસૂત્રમાં બંધાયેલ છે. જયારે અસ્મિતા આપણને એ વાસ્તવિકતાથી દૂર કરે છે.
૩. રાગ: મોહ. કોઈપણ વસ્તુ કે માણસ પ્રત્યેનો મોહ એ પણ કલેશ ઉત્પન્ન કરનાર છે. મોહ માણસને બાંધવાનું કામ કરે છે. માણસ ધીરે-ધીરે મોહ-જાળમાં ફસાતો જ જાય છે. અને એટલો જ પરમાત્માથી કે પોતાની અંદર રહેલ આનંદરૂપી સ્વાત્મથી એ દૂર થતો જાય છે. રાગ દૂર થવાથી માણસ સંસારમાં કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જલકમલવત રહી શકે છે. અને પોતાની અંદર રહેલા પરમતત્વને ઓળખી શકે છે.
૪. દ્વેષ : ઘૃણા કે નફરત. કોઈ માણસ પ્રત્યેની નફરત કે દ્વેષભાવના કદી તમને પોતાને પણ શાંત કે ખુશ રહેવા દેતી નથી. દ્વેષની ભાવના ઉધઈની માફક માણસને અંદરથી ખોતરતી રહે છે. જયારે દ્વેષ વિનાનો માણસ પોતે સ્વયં પણ ખુશ રહી શકે છે અને પોતાની આસપાસ રહેલાને પણ એ ખુશી આપી શકે છે.
૫. અભિનિવેશ : "મારાં ગયા પછી શું? ની ચિંતા". ઘણા માણસને એ વાત કોરી ખાય છે કે મારાં ગયા પછી શું? મારી સંપત્તિનું શું? મારાં સ્નેહીજનોનું શું? અને આ ચિંતા તેમના માટે ચિતા સમાન બની જાય છે. ભાગવદ ગીતા માં કહ્યા મુજબ કોઈનાં આવવાથી કે જવાથી કશું જ અટકતું નથી. સંસાર ચાલતો રહ્યો છે અને ચાલતો જ રહેશે.
આથી આપણે પોતાની અંદરની કલેશ ઉત્પન્ન કરનાર ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ તેમજ એક સ્વસ્થ, સુંદર અને શાંત ભવિષ્ય માટે યોગને પોતાની જીવનશૈલી બનાવવી જોઈએ. ચાલો આપણે યોગ ને જીવનશૈલી બનાવીએ. અને ભગવાને આપેલા આ અમૂલ્ય જીવનને એની મહત્તમ ક્ષમતા થી જીવી જાણીએ, માણી જાણીએ..
[નોંધ: હું કોઈ યોગ-શિક્ષક કે યોગાચાર્ય નથી. હું ફક્ત યોગની શિષ્ય છું. અને અહીં રજુ કરેલી તમામ વિગત મારી પોતાની જાણ-સમજણ મુજબની છે. એમાં કોઈ ક્ષતિ હોય તો માફ કરવાં અને એ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.]
મારો આ લેખ વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.
Mail: shivshaktiblog@gmail.com
Blog: https://shivayshaktiblog.wordpress.com/