Vicharmadana Moti in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | વિચારમાળાનાં મોતી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વિચારમાળાનાં મોતી

વિચારમાળાનાં મોતી

રાકેશ ઠક્કર

આ પુસ્તકમાં મહાપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકોના સુવિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.

મણકો -૨

* સુવિચાર સેવનાર અને તે પ્રમાણે વર્તનાર માનવી બીજામાં પણ એવા જ સુવિચારનું બીજારોપણ કરશે કે જેના મીઠાં અને સારાં ફળ આવ્યા વગર રહેશે નહિ. આ રીતે સદભાવનાનું ઉમદા બિયારણ તૈયાર થતું રહેશે.

* તમે જેવા તદ્દન છો તેવા જ રહીને જેટલા સુખી છો તેટલા સુખી તમે અન્ય કશાના સહવાસથી કદી પણ થનાર નથી. સુખની શોધમાં નીકળશો તો દુ:ખોના જ માર્ગ પર આવી પડશો.

* માનવ પોતાનો જ વિનાશ પોતાના હાથે જ નોતરતો હોય છે. વિકાસ પણ પોતાના હાથે જ સર્જે છે. માનવે પોતાનો વિકાસ કરવો કે વિનાશ તે તેના કર્તવ્ય અને કાર્ય ઉપર આધારિત છે.

* નીતીકારો કહે છે કે ઘરની ખામી કે કોઈ સાથે ઝઘડો થાય તો પણ ભૂલેચૂકે એ વાત મિત્રને પણ ન કરવી. કોઈના ઝઘડાની વાત જાણવામાં આવે તો પણ ઘરમાં ના કરવી !

* દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.

* તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.

* કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.

* માનવી ધનવાન કે કુળવાન હોવાથી સારો કે સદગુણી નથી બનતો. એનાં કાર્ય, લીધેલું પાર પાડવાનો સંકલ્પ એને સાચો માનવી ગણવાને હક્કપાત્ર બનાવે છે, સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે.

* બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.

* સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે.

* માણસનું જીવન સીધી લીટી જેવું નથી હોતું, એ ફરજોની ભારી હોય છે અને ઘણીવાર એ ફરજો પરસ્પર વિરુદ્ધ પણ હોય છે અને માણસને જીવનમાં હંમેશ એક ફરજ અને બીજી ફરજ વચ્ચે પસંદગી કરવાનું આવે છે.

* ગમે એટલાં નાણાં હોય પણ જિન્દગી કેમ આનંદથી પુરુષાર્થથી જીવવી તેનો હેતુ કે ગતાગમ વગરનો માનવી અબજોપતિ હોય તો પણ જીવન હારી જાય છે. એલ્વીસ પ્રેસલી પાસે અબજો ડોલર હોવા છતાં માત્ર બેંતાલીશ વરસે કાંઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર મૃત્યુ પામ્યો. ગમે એટલું ધન, કીર્તિ કે વૈભવ માનવજીવન પાસે હોવા છતાં ગતાગમ વગરના અબજોપતિના હાલ બેહાલ થાય છે.

* અણીને વખતે તમારી શ્રદ્ધા ઉણી ન ઊતરે તે જો જો. અનુકૂળ વાતાવરણમાં જ પાંગરે એ શ્રદ્ધાની કશી કિંમત નથી. કપરામાં કપરી કસોટીમાંથી પાર ઊતરે તે શ્રદ્ધાની જ કિંમત છે. આખી દુનિયાની નિંદા સામે તમારી શ્રદ્ધા ટકી ન શકે તો તમારી શ્રદ્ધા માત્ર દંભ છે.

* જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.

* એક અંગ્રેજી વાક્યમાં નાનું સરખું નિત્યજીવનનું સુંદર સત્ય વણાયેલું જોવામાં આવ્યું હતું. એક માણસ પોતાની નિત્યની ઈશ્વરી પ્રાર્થનામાં આટલું જ માગતો : ‘હે પ્રભુ ! આજનો મારો વિચાર એ મારો પોતાનો જ હો, નવીન હો, ને ગઈ કાલનું માત્ર અનુકરણ ન હો !’

* સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં, પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે.

* દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું. બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે.

* તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશમાત્ર પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજ કેળવજો.

* આ બધા સંતો, સંત શીદને કહેવાયા ? કારણ કે જ્યારે મોઢું હસતું રાખવું મુશ્કેલ હતું ત્યારે એમણે હસતું મુખ રાખેલું, ધીરજ ધરવી મુશ્કેલ હતી ત્યારે એમણે ધૈર્ય રાખેલું, જ્યારે વિસામો ખાવો હતો ત્યારે એમણે આગળ ધપ્યે રાખ્યું, બોલવું હતું ત્યારે મૌન સેવ્યું, અને કડવા થવું હતું ત્યારે મીઠાશ જાળવી. બસ, એટલું જ. આ સાવ સરળ હતું અને હંમેશ સરળ રહેશે.

* તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે.

* હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

* સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

* ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે.

* ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે.

* ઉપકારની મજા માણવા બે વાત યાદ રાખવી પડે. એ તમે કર્યો હોય તો જેમ બને તેમ જલદી ભૂલી જાવ. એ તમારા પર કરવામાં આવ્યો હોય તો સદાય યાદ રાખો.

* અપવિત્ર વિચારો આવે તેથી બળવું નહીં પણ વધારે ઉત્સાહી થવું, પ્રયત્નનું ક્ષેત્ર આખું આપણી પાસે છે. પરિણામનું ક્ષેત્ર ઈશ્વરે પોતાને હસ્તક રાખ્યું છે.

* ખરી વસ્તુ પાછળ વખત આપવાનું આપણને ખૂંચે છે; નકામી વસ્તુ પાછળ ખુવાર થઈએ છીએ ને ખુશ થઈએ છીએ !!

* પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

* દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

* દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.

* ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ.

* તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા. તમે સમાજને જે આપો એ ચારિત્ર્ય. જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો.

* સૂર્યોદય થાય એ જ ઘડીએ સૂર્યાસ્તની ધીમી પરંતુ અનિવાર્ય એવી શરૂઆત થઈ જાય છે. સંપૂર્ણપણે અવિનાશી એવી સૂર્યોદય-ઘટનાની કલ્પના ક્યારેક કરવા જેવી છે. સૂર્યાસ્ત વગર સૂર્યોદય શક્ય નથી.

* બાહ્ય પ્રવૃત્તિઓ મનના બળને હરી લે છે એટલે એમને અટકમાં લઈ, પોતાનામાં જ નિયંત્રિત કરવાથી એની શક્તિ સંચિત થાય છે અને એક જ વિચારને સમર્પિત સ્થિર સંકલ્પ પણ છેવટે અદશ્ય થઈ ‘શુદ્ધ ચેતના’ રહેવા પામે છે.

* ગુરુ અંદર તેમજ બહાર પણ છે એટલે તે એવા સંજોગો ઊભા કરે છે કે જેથી તમે અંતર્મુખ થાઓ. સાથોસાથ અંદરના પ્રદેશની એવી તૈયારી કરે છે કે જેથી તમે હૃદયકેન્દ્ર તરફ ખેંચાઈ જાવ. આ પ્રમાણે તે બહારથી ધક્કો મારે છે અને અંદરથી ખેંચે છે. જેથી તમે હૃદયકેન્દ્ર પર દઢ થઈ જાઓ.

* સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.

* ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે, ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે.કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે.

* ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઓ, પરંતુ જાગૃત અવસ્થાની એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં.

*****