8 - પ્રેમાગ્નિ
'હેલ્લો.... ઓ.... ઓ..... અવિનાશ !' આ બે શબ્દોએ અવિનાશના કાનોમાં જાણે કરોડો કોયલના મધુર ટહુંકાઓ રેલાવી દીધા! એ મધુર ટહુંકાને અવિનાશે એના કાન વાટે ઉરમાં ઉતારી દીધા. એ સૂરીલા અવાજની માદક રોમાંચકતાથી એના રૂવાડા ખડા થઈ ગયા. એ પ્રત્યુત્તર વાળે એ પહેલા તો ફરીથી સામેથી સૂરોનું સામ્રાજ્ય લઈને શબ્દો છૂટ્યા.
'અવિનાશ ! હું મારું રળિયામણું અને મધુરુ મહારાષ્ટ્ર છોડીને તારા રંગીલા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છું!'હાસ્યની છોળો ઊડાડતી ઊર્મિ આનંદના ઉમળકાથી આટલું માંડ બોલી શકી.
આ સાંભળીને અવિનાશના રોમેરોમ અજાયબ ખુશીથી મલકાઈ ઉઠ્યા. આનંદના પ્રગાઢ સાગરમાં તરબોળ બનીને એણે ઉત્તર વાળ્યો:'હાશ.. ! ઊર્મિ.. !તું આવી ખરી હો. પણ ચાલ હવે તું મારા મનની મોંઘેરી મિરાત સમાં ગુજરાતમાં આવી ચૂકી છે તો બેનમૂન અદાઓથી, સ્વર્ણિ સૌરભથી અને અત્યારની મારી કર્મભૂમિ સૂરતમાં પડેલા બેશુમાર વરસાદની ભીનીભીની બુંદોથી મારી ગુર્જરભૂમિમાં તારું લાગણીભીનું સ્વાગત કરું છું. પણ મહારાષ્ટ્રની રાજકુંવરી ઊર્મિ ! એક વાત જણાવ કે ગુજરાતના એવા તે ક્યાં રાજકુંવરે તને ઘેલું લગાડ્યું કે તારે આમ અચાનક સરહદ ઓળંગવી પડી!
'અવિનાશ! એ મારા મનનો સાહ્યબો, મારો રાજકુંવર એટલે એ જ કે જેણે મને આ સવાલ કર્યો. 'ટૂંકમાં ઉત્તર વાળ્યો. પછી મનમાં કંઈ યાદ આવતા પાછી બોલી:'પણ અવિનાશ, આ વખતે હું એક દિવસ નહી લેકિન પૂરા દશ દિવસ તારી અને તારા ગુજરાતની મહેમાન બની રહેવાની છું હો.. !'
'વાહ ! મારી વહાલી વાહ.. ! ત્યારે તો તું મને દશેદશ દિવસ પ્રેમના પીયુશ પાવાની કેમ! 'પછી આગળ બોલ્યો:'તું મારા કાજે જ આવી છો તો તને શ્પર્શ વિનાના અઢળક ચુંબનો મોકલું છું. 'આમ કહીને એણે ફોનમાં ચુંબનોનો મુશળધાર વરસાદ વરસાવી દીધો!'
જે મહેસુસ કરીને -સાંભળીને અપાર ખુશીથી ઊર્મિ બોલી: 'અવિનાશ, તારા બધા ચુંબનો મારા પરવાળા જેવા અધરો પર કિન્તું હવે એ બતાવ કે તારે ક્યારે પધારવું છે?'
અવિનાશને અબઘડી ઉપડી જવાનું મન થયું.
પણ એણે રમૂજ કરી: 'સોરી બકાં, આ વખતે તો મને કંપની રજા નથી આપવાની!'
ઊર્મિના દેહમાં સન્નાટો છવાયો. દિલ ધબકારો ચૂકતા-ચૂકતા રહી ગયું.
'પણ વાલમાં અવિનાશ ! હું તને પરણવાની પૂરતી તૈયારી સાથે આવી છું એનું શું?' અશ્રુઓથી તરબોળ આંખે અને બેબાકળા સાદે એ માંડ બોલી.
કોકડું ગુંચવાયું ! હવે કરવું શું?
ઘડીકમાં જે રમતી હતી એ અપાર ખુશીને દુખ વળગ્યું!
વાતને મૂળ પાટા પર લાવતા અવિનાશે ધીરેથી કહ્યું, 'બકાં ઊર્મિ, હાલ તો પરણવાનો તો મારો કોઈ ઈરાદો નથી પણ કાલે હું તને મળીશ.. કોઈ પણ ભોગે. '
અને અવિનાશે પૂરપાટ ઝડપે પાલનપુરની વાટ પકડી.
વહેલી સવારે એ પાલનપુર ઊતર્યો ત્યાં સુધીમાં તો ઊર્મિના અસ્તિત્વમાં, એના ભાવજગતની ભૂમિમાં ભયંકર ઉથલપાથલ થઈ ચૂકી હતી.
'અવિનાશ, મને ખબર નથી કે તું પાલનપુર આવ્યો છે નહી. પણ જો આવ્યો હોય તો તત્ક્ષણ મારે તને મળવું છે. 'નવના સુમારે અવિનાશના ફોનમાં મેસેજ ઊતર્યો.
અવિનાશ આવ્યો.
એક શિલા પર ઊર્મિ બેઠી હતી. એની બેઠક પરથી એને અવિનાશનો ઈંતજાર હતો કે નહી એ કળી શકાતું નહોતું.
પરફ્યુમનો અહેસાસ થતાં જ એના ભણી જોયા વિના જ ઊર્મિએ વાત ચલાવી:
'અવિનાશ.. . !તારી સાથે આ મારી આખરી મુલાકાત છે! હવે તું મને જોઈશ, પણ તડપતી આંખે.. . ! અત્યાર સુધી હું યાદ આવતી ને તું હરખાતો! હવે યાદ મારી તારા કાળજાને ચીરશે! તું મને જોતો ને ભેટવા દોટ મૂકતો હવે દૂરથી મને જોઈશ ને રાતા પાણીએ રોઈશ ! હવે હું તારી આંઓમા રહીશ એક ખ્વાબ તરીકે !'જે સાંભળીને અવિનાશનું કોમળ કાળજું પળભર માટે ધબકારો ચૂકી ગયું. એના અણુએ અણુમાંથી અશ્રુઓ ઊભરી આવ્યા. દયામણા ચહેરે ને સજળ આંખે એણે ઊર્મિ તરફ આંખ કરી.
ઊર્મિ મંદ-મંદ મુસ્કરાઈ રહી હતી. જ્યારે અવિનાશના વદનનું નૂર ડી ગયું હતું.
'બ.. . સ ઊર્મિ ! તું આ જ ક્ષણોની રાહ જોતી હતી કે ક્યારે અવિનાશ મોતને ઘાટ ઉતરે ને ક્યારે તું એનો સાથ છોડી દે?'સજળ નેત્રે સાવ વિખાયેલા વદને અવિનાશ બોલતો હતો.
વચ્ચે જ ઊર્મિ બોલી:'બસ કર અવિનાશ ! મોતને ઘાટ તો હું તને નહી પણ તું મને ઉતારી રહ્યો છે. અહીં તારામાં લગ્ન કરવાની હિંમત નહોતી તો જુઠ્ઠા વાયદાઓ ક્યા મોઢે કરતો હતો હે? તારા ભરોસે તો મેં મારા અસલી ભરથારને ભૂલાવ્યો હતો. કેટલો વહાલ કરતી હતી હું એને!અરે તારા ખાતર તો મે મારા પ્રથમ પ્રેમીને તરછોડ્યો હતો કે જે મારી સાથે લગન કરવા આતુર હતો. એ તો ઠીક પણ મારી જીંદગીમાં આવીને મારી સાથે લગ્ન કરવા માંગતા અનેક યુવાનોના અરમાનોની હોળી કરી નાખી હતી! એ કોના માટે ખબર છે અવિનાશ. ? એ એક તારા માટે જ.. . હા તારા માટે જ.. .. ! પણ હાય રે નસીબ.. .. . !'
અવિનાશ વિચારોના ભયંકર વમળો વચ્ચે ખૂંપ્યો. ને ઊર્મિ એને હલબલાવ્યે જતી હતી:'આમ મૂંગો શું કામ પડ્યો છે અવિનાશ?' એક સમયની પ્રેમાળ પ્રેમિકા વિકરાળ વાઘણ બની. 'હટ રે અવિનાશ, મને ખબર જ હોત કે મારી જીંદગીમાં પ્રવેશીને મને જ તરછોડી દઈશ તો મે તને ક્યારેય અપનાવ્યો ન હોત! કેટકેટલા અરમાન લઈને તારા ભરોસે જીવતી હતી હું! મારી એ હર ઉમ્મીદો પર તે સુનામી સર્જી દીધી હો ! મારી અફર ઈચ્છાઓને તે આગમાં હોમી દીધી આગમાં !'
વ્યક્તિને પોતાનો કોઈ સ્વાર્થ સાધવામાં કોઈ વિઘ્ન નડે તો એ કેવું વિકરાળ સ્વરૂપ સર્જી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ હતું આ.
અવિનાશના ઉરમાં પણ આઘાતોના વાદળ ઉમટ્યા. હવે કરવું શું?
કંઈક વિચાર આવતા એણે પૂછ્યું:'અરે ઊર્મિ.. . કદાચ તારા કહેવાથી કે ઉકસાવાથી એ દિવસે મે તારી સાથે શરીરસુખ માણ્યું હોત તો?'
'તો હું તને બળાત્કારી સાબિત કરત! ને શૂળીએ ચડાવત!'
સંબંધ પરિપાક થયા વિના કે પત્નિ સિવાય કોઈની સાથે શહશયન ન કરવાની નેમના ફાયદા અવિનાશને વખત આવ્યે જબરા કામ આવી ગયા. એ દુખતા હૈયે પરવદિગારનો આભાર માનવા લાગ્યો.
પછી બિચારો અવિનાશ ઊર્મિનું મેઘાગ્નિ વરસાવતું વિકરાળ મોં જોઈને જેમ આગમાં કચકડું કોચડે વળે એમ ભંગાઈને બેવડ વળી ગયો. ધરતી કે એ ડુંગર જો જગ્યા આપે તો સમાઈ જવાની ઈચ્છા જવાન થઈ. કિન્તું બિચારો કરે શું ? વિવશતા માનવીને ક્યાં કશુંય કરવા દે છે! છતાંય એને મૃત્યું સામે જ ઊભેલું દેખાયું. મરી જવાનું મન થયું. પણ સ્વહત્યાનું પાપ કેમ કરીને કરાય!
એણે આંસું ખાળ્યા. સંયમ જાળવ્યો.
કિન્તું ઊર્મિ હજું અંગારા વરસાવતી ત્યાં જ ઊભી હતી.
એણે ચાલું કર્યું:'અવિનાશ ! ધિક્કાર છે તને કે તું તારી જીંદગીનો ફેંસલો જાતે કરી શકતો નથી. વળી તું ફોનમાં ક્યા મોઢે કહેતો હતો કે મારાથી પરિવારના વિરૂધ્ધ જઈ શકાતું નથી? પરિવિર આટલો વહાલો છે તો આ ઊર્મિ નથી શું?વળી તું મજનુની માફક કહેતો હતો કે ઊર્મિ તું મારૂ અમૂલ્ય ઘરેણું છે. તું મારુ જીવન છે! ક્યાં ગયા એ બધા વેવલાવેડા?'
અવિનાશના મો આગળ મો લાવીને પાછી તાડુકી:'પ્રેમ કરનારા તો હવે હું તને બતાવીશ, અવિનાશ! જીવતો રહે તો જોઈ લેજે ને કબરે થાય તો તારી મજારે હું ફોટા મોકલી આપીશ!' આટલું ભાષણ કરીને એ ડુંગરો ઊતરવા લાગી.
અવિનાશ બાઘાની માફક એને જતી જોઈ રહ્યો.
ફરી પ્રણયભંગનો મહોત્સવ ઉજવવાના સપના જોતો બેઠો હતો.
સાત-આઠ પગથિયા ઊતરી હશે ને કંઈક યાદ આવવાથી સુનામીની જેમ એ પાછી ફરી.
કહેવા માંડ્યું:'મને ખબર છે અવિનાશ કે તું મને વીસરી નહી શકે. મારી યાદ તારા કાળજાને કાપશે પણ એની ચિત્તા જલાવી દેજે. મને કોઈ જ વાંધો નહી આવે. '
ઊર્મિને જતી જોઈ અવિનાશ મનમાં બબડ્યો:'ચિત્તા તો તું ખડકીને જાય છે તે જલાવવી જ પડશે ને ! કાં તો તારી યાદ નહી કાં તને યાદ કરનાર હૈયું નહી. '
એ શબવત બેઠો હતો.
ગુજરાતની ઉત્ત સરહદે અરવલ્લીની ગિરિમાળાઓમાં કેદારનાથ મહાદેવનું પુરાણપ્રસિધ્ધ મંદિર આવેલ છે.
શિવરાત્રિનો તહેવાર હતો. દિવસભરની ચક્કાજામ થયેલી ભીડ ઓસરી રહી હતી. પંદરેક જણની અવરજવર વચ્ચે એક શિલા પર અવિનાશ બેઠો હતો. એની ઉદાસીન હાલત જોઈને આકાશનો સૂરજ પણ અવનનીની ગોદમાં ભરાઈ ગયો હતો. નમણી નાજુક વેલ સમી માસૂમ સાંજ અવની પર ઊતરી આવી હતી. એવે વખતે અવિનાશ શિલા પર બેઠો-બેઠો એને અશ્રુઓથી નવરાવી રહ્યો હતો. જાણે એના પર બેસવાનું રૂણ ઊતારી રહ્યો ન હોય!
એ પળે એના મનચક્ષુ સમક્ષ ઊર્મિની બનાવટી ઊર્મિઓ ઊભરી આવી.
અવિનાશને હવે સમજાઈ રહ્યું હતું કે માત્ર ને માત્ર લગ્ન કરવા ખાતર જ ઊર્મિએ એની સમક્ષ પ્રેમની લોભામણી જાળ પાથરી હતી. એ પોતાને નહી પણ પોતાની નોકરી અને કંપનીના ઊંચા પગારને પ્રેમ કરતી હતી. એવું એને ભાન થયું. અને એટલે જ તો પ્રેમ પાંગર્યાના બીજા જ દિવસથી એ વારંવાર લગ્નની જ વાતો રટ્યા કરતી હતી. દિવાળી ટાણે દિવાળીના ચાર દિવસ પહેલા જ એણે અવિનાશને મોઢે બળજબરીથી લગ્નની હા પડાવી હતી ને પાક્કું વચન લીધું હતું. અને અવિનાશ પણ એટલો ભોળો કે એ વચન આપી પણ બેઠો.
અવિનાશ એટલે વિનાશને આરે આવીને ઊગરી જતો દુખીયારો યુવક!
લગ્નના વાયદાની ખુશહાલીમાં ઊર્મિની દિવાળી અમાસની રાતે ચમકતા ચાંદની જેમ ચમકી રહી હતી. કિન્તું અવિનાશ અંદર ને અંદર મુરઝાઈ રહ્યો હતો. કારણ કે આ એના પરિવારની વિરુધ્ધનું પાગલ પગલું હતું. પરિવારને ક્યાં મોઢે કહેવું કે એ પોતે પરિવારની જાણ બહાર જાતિ બહારની યુવતીને લગ્નનું પાક્કું વચન આપી બેઠો છે?કહે તો કેવી બૂરી વલે થશે એ વિચારે અવિનાશના દિલમાં સામી દિવાળીએ હોળી સળગવા લાગી.
આપણો આ અણઘડ માનવસમાજ પ્રેમને નથી સ્વિકારી શકતો તો પછી પ્રેમલગ્નને ક્યાંથી સ્વિકારવાનો ?
દિવાળી હેમખેમ પાર ઊતરી હતી. દિવાળી બાદ ઊર્મિએ અવિનાશને મુંબઈ તેડાવ્યો. ત્યાં સિધ્ધિવિનાયકના મંદિરમાં પ્રવેશતાં જ ઊર્મિએ એના હાથમાં સિંદૂર પકડાવ્યું. કમને અવિનાશને ઊર્મિની માંગ પૂરવી પડી હતી.
પછી કહ્યું હતું:' અવિનાશ ! ભગવાન ગણપતિની સાક્ષીએ તે મારી માંગ ભરી છે. એની ઈજ્જત રાખજે. '
હવે, અવિનાશ કોની આબરૂ રાખે? પોતાની, પ્રેમની, પરિવારની, પ્રેમિકાની કે પ્રભુની?
એણે ઊર્મિને કહેવું હતું, ઊર્મિ હું તને અપનાવીશ.. લગ્ન કરીશ પણ મારા સમયે કિન્તું ઊર્મિ એ સાંભળવાના સમયને ગુસ્સામાં ગુમાવી ચૂકી હતી.
અને અવિનાશ જેની મર્યાદાઓ-આડાઅવળા લક્ષણો જાણતો હતો એવી વહાલસોયી ઊર્મિને!
પ્રણયમાં મંઝીલ પામવાની ઘેલછાએ એ ફરીથી પ્રણયભંગ થયો.
ક્રમશ: