૩૫
‘આવ બેટા, આવ. કેમ છે તું?’ કાન્તાબેને સ્નેહપૂર્વક આવકાર આપતાં દરવાજા ઉઘાડ્યો.
દરવાજા પાસે જ સૅન્ડલ ઉતારી કાશ્મીરા અંદર આવી.
આમ તો કાન્તાબેન તેના આવવાની રાહ જ જાઈ રહ્યાં હતાં, કારણ કે બપોરે ફોન કરીને કાશ્મીરાએ પૂછ્યું હતું કે ‘બા, જો તમે ક્યાંય બહાર ન જવાનાં હો તો સાંજે ઑફિસ પછી તમને મળવા આવું?’
‘હું તો ઘરે જ છું, તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે.’ કાન્તાબેને કહ્યું હતું. ફોન પર તો તેમણે ખાસ કંઈ પૂછપરછ કરી નહોતી, પણ કાશ્મીરા સાથેની વાતચીત પરથી તેમને ખ્યાલ આવી ગયો હતો કે તે કંઈ અમસ્તા જ મળવા નહોતી આવવાની.
આ ત્રણ-ચાર કલાક તેમના મનમાં અનેક વિચારો આવી ગયા હતા. કાશ્મીરાને મારું શું કામ પડ્યું હશે એ અંગે કાન્તાબેન અટકળ કરતાં રહ્યાં હતાં.
‘કેટલા વાગ્યે આવવાની છો?’ કાન્તાબેને ફોનમાં પૂછ્યું હતું.
‘ચોક્કસ સમય કહી શકું એમ નથી, કારણ કે મારે એક-બે અગત્યનાં કામ પતાવવાનાં છે. મને મળવા કોઈ ઑફિસમાં આવવાનું પણ છે. જો તે જલદી આવી જશે તો હું સાડાપાંચેક વાગ્યે નીકળી જઈશ, પરંતુ તેમને આવતાં મોડું થયું તો કંઈ ભરોસો નહીં. તોય સાત-સાડાસાત તો થઈ જશે.’
‘કંઈ વાંધો નહીં. તને ફાવે ત્યારે આવજે, હું તો ઘરે જ છું.’ ફોન મૂકીને કાન્તાબેને ઘડિયાળ પર નજર કરી હતી. સવાચાર વાગ્યા હતા. કાન્તાબેને પથારી સરખી કરી. ચાદર વાળીને મૂકી. ચા બનાવીને પીધી. ઘરમાં ઝાપટઝૂપટ કરી નાખી. કપડાંની ગડી કરી, વાસણ ચડાવ્યાં તોય હજી પાંચ વાગ્યા હતા. કાશ્મીરા ઑફિસથી વહેલી નીકળે તોય છ વાગ્યા પહેલાં તો ન જ આવે. કાન્તાબેને મનોમન ગણતરી કરી. તેણે કહ્યું હતું એમ મોડેથી નીકળે તો-તો કંઈ ભરોસો નહીં.
કાશ્મીરાને શાના વિશે વાત કરવી હશે? કાન્તાબેનનું મન ફરી ચકરાવે ચડ્યું.
‘જે હોય તે. આમ વિચાર્યા કરવાથી શું થવાનું છે? હમણાં આવશે એટલે ખબર.’ કાન્તાબેને પોતાને જ ટપાર્યા, પણ અડવીતરું મન ફરી-ફરીને ત્યાં જ આવી જતું હતું. કાન્તાબેને ઘરમાં આંટા માર્યા, બાલ્કનીમાં જઈને થોડીક વાર માટે ઊભાં રહ્યાં
શ્વેતાનો વળતો ફોન આવ્યો નહોતો.
‘લાવ, હું જ ફોન કરી જાઉં.’ વિચારતાં કાન્તાબેન ફોન પાસે આવ્યાં, પણ પાછું મન વાળી લીધું. શ્વેતાની સાસુએ જે રીતે તેમની સાથે વાત કરી હતી એ અનુભવ પછી કાન્તાબેનને ફોન કરવાની ઇચ્છા ન થઈ. કદાચ તે જ ફોન ઉપાડે તો? કાન્તાબેને ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો.
‘જો શ્વેતાનો ફોન રાત સુધી નહીં આવે તો હું સામેથી કરીશ.’ કાન્તાબેને પોતાની જાત સાથે જ નિર્ણય કર્યો.
‘મારે કાશ્મીરાને પૂછી લેવું જાઈતું હતું કે શાના વિશે વાત કરવા આવવાની છે. કમસે કમ મગજ આમ ચકરાવે તો ન ચડત.’ કાન્તાબેનનો જાત સાથેનો સંવાદ ચાલુ જ હતો.
‘લાવ, થોડીક ફરશી પૂરી બનાવી નાખું. બિચારી ઑફિસથી સીધી આવશે તો ભૂખી પણ થઈ હશે અને થોડીક દીપક માટે ડબ્બામાં ભરી આપીશ.’ કાન્તાબેને સમય પસાર કરવાનો મનને ગમે એેવો રસ્તો શોધી લીધો.
વર્ષો સુધી ઘરનું બધું કામ હાથે જ કર્યું હતું. એ વખતે તો કેટલું કામ રહેતું. બજારમાંથી ચીજવસ્તુ ઓ લઈ આવવાથી માંડીને નાસ્તાં, પાપડ, અથાણાં, બટાટાની કાતરી... કેટકેટલું કરતાં હતાં. આ બધું કર્યા પછી પણ તેમની પાસે સમય ફાજલ રહેતો હતો. છોકરાઓને ભણાવવા માટેય સમય ફાળવી શકાતો હતો.
રવિવારે નવીનચંદ્ર સાથે ત્રણેય છોકરાઓને લઈને કોઈક વાર હૅન્ગિંગ ગાર્ડન તો કોઈ વાર ચોપાટી, રાણીબાગ અથવા ફિલ્મ જાવા ઊપડી જતાં હતાં. ઘણી વાર છોકરાઓને છેક બોરીવલી નૅશનલ પાર્ક અને ગોરેગામ આરે કૉલોની, વિહાર તળાવ અને છોટા કાશ્મીર લઈ ગયાં હોવાનું પણ તેમને બરાબર યાદ હતું.
એકલા હાથે બધાં કામ કરવા પડતાં હોવાને કારણે કામ કરવામાં તેમની ખૂબ ઝડપ હતી. તેમના હાથ ફટાફટ ચાલતા હતા. અત્યારે એવી ઉતાવળ કરવાની જરૂર નહોતી તો પણ આદત પડી હતી એ છૂટતી નહોતી. કાન્તાબેને લોટ બાંધી ત્રીસ-પાંત્રીસ પૂરીઓ વણી અને તળી નાખી. કિચન ચોખ્ખું કરીને તેઓ હાથ લૂછતાં-લૂછતાં બહાર આવ્યા ત્યાં જ બેલ વાગી હતી.
કાશ્મીરા સોફા પર આવીને બેઠી ત્યાં જ કાન્તાબેન તેના માટે ઠંડા પાણીનો ગ્લાસ લઈ આવ્યાં.
‘તમે શું કામ લાવ્યાં? હું લઈ લેતને...’ સાસુના હાથમાંથી ગ્લાસ લેતાં કાશ્મીરા બોલી.
બે-ત્રણ મિનિટ ઔપચારિક વાતો થયા પછી સોપો પડી ગયો. આમ પણ કાશ્મીરા સ્વભાવે ઓછાબોલી જ હતી.
‘હું તારા માટે ચા બનાવી આવું. મેં નાસ્તામાં પૂરી ઓ બનાવી રાખી છે. તને ભૂખ લાગી હશેને...’ કાન્તાબેન ઊભાં થતાં બોલ્યાં.
‘રહેવા દોને! મને ઇચ્છા નથી.’ કાશ્મીરાના અવાજની ગમગીની કાન્તાબેન પારખી ગયાં.
‘શું થયું બેટા?’ કાન્તાબેન કાશ્મીરાની નજીક ગયાં.
કાશ્મીરાની આંખોમાં પાણીની પરત બાઝી ગઈ હતી એે કાન્તાબેનની નજર બહાર ન રહી. કાશ્મીરાએ એક ખોંખારો ખાઈને ગળે આવેલો ડૂમો પાછો અંદર હડસેલી દીધો હોય એવું કાન્તાબેનને લાગ્યું.
‘બા, મેં તમને વાત કરી હતી કે મારા અને દીપક વચ્ચે...’ કાશ્મીરા આંસુની સાથે બાકીના શબ્દો પણ ગળી ગઈ.
કાન્તાબેન તેની સામે ચૂપચાપ જાઈ રહ્યાં.
‘મેં ખૂબ પ્રયત્ન કર્યો કે અમારા સંબંધો ફરી એક વાર... એટલે કે જે અંતર પડી ગયું છે એ... આઇ મીન કોઈ રીતે અમે એકબીજાની નજીક આવીએ...’ કાશ્મીરા શબ્દો શોધવા માટે ફાંફાં મારતી હતી.
‘તો હવે?’ કાન્તાબેને શક્ય એટલા મૃદુ અવાજમાં પૂછ્યું.
‘તમારી સાથે એ જ વાત કરવા આવી છું. ઘણા દિવસથી વિચારતી હતી પણ...’ કાશ્મીરા પૂર્વભૂમિકા તૈયાર કરતી હોય એમ બોલી.
કાન્તાબેન સમજી શકતાં હતાં કે આ આખી ક્રિયામાંથી પસાર થવું કાશ્મીરા માટે કેટલું મુશ્કેલ બન્યું હશે. કાન્તાબેન શાંતિથી બેસી રહ્યાં. કાશ્મીરા પોતાની રીતે પોતાના મનની વાત કરે એ માટે તેઓ કાશ્મીરાને પૂરતો અવકાશ આપવા માગતાં હતાં.
‘બા, તમને તો ખબર છે કે મારી કઝિન ન્યુઝીલૅન્ડમાં રહે છે... હું ન્યુઝીલૅન્ડ જાઉં છું... કાયમ માટે.’ કાશ્મીરા મહામહેનતે બોલી અને પછી સાવ ચૂપ થઈ ગઈ.
કાન્તાબેનને પણ શું બોલવું એ સૂઝ્યું નહીં. તેઓ કાશ્મીરાને જોઈ રહ્યાં. આ પહેલાં તેમણે અનેક વાર કાશ્મીરાને જાઈ હતી, પણ આજે જે રીતે તેમણે તેને જાઈ હતી એવી રીતે અગાઉ ક્યારેય નીરખી નહોતી. કાશ્મીરાએ કેસરી રંગના ચૂડીદાર પર ક્રીમ રંગનો કેસરી ડિઝાઇનવાળો કુરતો પહેર્યો હતો. કાશ્મીરાની હાઇટ પણ સારી હતી. પાંચ ફૂટ ચાર ઇંચ હોવી જાઈએ કાન્તાબેનના મનમાં વિચાર આવી ગયો. દીપકની સરખામણીમાં તે સહેજ શ્યામવર્ણી કહી શકાય, પણ તેના ચહેરામાં નમણાશ હતી. તેનું નાક અણીદાર હતું, પણ તેના ચહેરા પર સૌથી વધુ ધ્યાન ખેંચતી હતી તેની આંખો. પાણીદાર અને ગંભીર. આજે તેની આંખો વધુ ઉદાસ હતી.
કાન્તાબેનને થયું કે આજે જ્યારે તે પોતાના દીકરાની જિંદગીમાંથી કાયમ માટે ચાલી જવાની વાત કરતી હતી ત્યારે પોતે તેને એ રીતે જાઈ રહ્યાં હતાં જાણે તેનાં લગ્ન લાયક દીકરા માટે કન્યા જાઈ રહ્યાં હોય.
‘બીજો કોઈ ઉપાય નથી?’ જે સવાલનો જવાબ પોતે જાણતાં હતાં એ કાન્તાબેનથી પુછાઈ જવાયો. આવો પ્રશ્ન પૂછવા માટે તેમને ક્ષોભ પણ થયો. કાન્તાબેન જાણતાં હતાં કે દીપકને છોડીને જવાના નિર્ણય પર પહોંચતાં પહેલાં કાશ્મીરાને કેટલી તકલીફ પડી હશે. આ પરિસ્થિતિ ટાળવા તેણે તમામ પ્રયાસો કર્યા જ હશે. અહીં રહીને દીપકથી દૂર રહેવું તેના માટે શક્ય નહીં હોય એટલે જ તેણે પરદેશ જવાનું નક્કી કર્યું હશે અથવા કદાચ તે પોતાની જિંદગી પોતાની રીતે આ બધાથી દૂર, નવેસરથી શરૂ કરવા માગતી હશે.
‘દીપકને ખબર છે?’ તેમણે અગાઉ પૂછેલો પ્રશ્ન અસ્થાને અને નિરર્થક છે એ સમજાઈ ગયું હતું એટલે એના જવાબની અપેક્ષા રાખ્યા વિના પૂછ્યું.
‘હા...’ કાશ્મીરાએ એકાક્ષરી જવાબ આપ્યો.
કાન્તાબેનને પૂછવું હતું કે તેણે તેને રોકવાનો પ્રયાસ ન કર્યો? તેણે તને જવા માટે સમંતિ આપી દીધી? તમે તો પ્રેમલગ્ન કર્યાં હતાં, તો તમારી વચ્ચે આવી ખાઈ કેવી રીતે પડી ગઈ? તમારી વચ્ચે આટલું બધું બની ગયું ત્યાં સુધી તમે અમને કંઈ વાત પણ ન કરી? કદાચ કંઈક માર્ગ કાઢી શકાયો હોત. પણ હવે આ બધું પૂછવાનો કે કહેવાનો સમય વીતી ચૂક્યો હતો.
‘ક્યારે જવાની છે?’
‘પરમ દિવસે.’ કાશ્મીરાની નજર ભોંય પર કંઈક શોધતી હોય એમ ફરી રહી હતી.
કાન્તાબેનના હૃદયમાં એક ટીસ ઊઠી. તો કાશ્મીરા વિદાય લેવા આવી હતી. તે પરદેશ જઈ રહી હતી અને હવે આ જિંદગીમાં ક્યારેય ફરી તેની સાથે મેળાપ થવાનો નહોતો. કાન્તાબેનની આંખો ઊભરાઈ આવી.
‘ચા પીશને?’ કાન્તાબેનથી પુછાઈ જવાયું. આ ક્ષણે આવો સવાલ સાવ વાહિયાત લાગે એેવો હતો તોય તેમનાથી પુછાઈ જવાયો.
કાશ્મીરાના જવાબની રાહ જાયા વિના જ તેઓ બોલ્યાં, ‘હું બનાવી લાવું છું.’
ચાની સાથે-સાથે તે ઓ કાશ્મીરા માટે ફરશી પૂરીની પ્લેટ ભરીને લાવ્યાં. કાશ્મીરાએ ચૂપચાપ ચા અને પૂરી ખાઈ લીધાં.
કાન્તાબેનને કાશ્મીરા સાથે ઘણી બધી વાતો કરવી હતી, ઘણું બધું પૂછવું હતું. તું ત્યાં ક્યાં રહીશ? શું કરીશ? તારા રહેવાની વ્યવસ્થા કરી છે? પૈસાનું શું કર્યું છે? દીપકે તને કંઈ આપ્યું કે નહીં? પણ તેમના મોંમાંથી એકપણ શબ્દ ન નીકળ્યો. કાશ્મીરાને જોઈને તેમને અપરાધભાવ થઈ રહ્યો હતો.
‘જાઉં? બહુ મોડું થઈ ગયું છે...’ કાશ્મીરા ઊભી થઈ ત્યારે કાન્તાબેનને ખ્યાલ આવ્યો કે ખરેખર બહુ મોડું થઈ ગયું હતું.
‘હં... હા. તારે પણ હજી ઘણી તૈયારી બાકી હશે... ’ કાન્તાબેન પણ ઊભાં થઈ ગયાં. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યા, ‘એક મિનિટ...’ અને અંદર ગયા.
તેઓ પાછાં આવ્યાં ત્યારે કાશ્મીરા દરવાજા પાસેના પૅસેજમાં જ ઊભી હતી.
‘આ લે... મારી પાસે તને આપવા માટે બીજું ખાસ કંઈ તો નથી. આને અમારા આર્શીવાદ માનજે.’ કાન્તાબેન સોનાની બે બંગડીઓ કાશ્મીરાના હાથમાં મૂકતાં માંડ બોલ્યાં.
પોતાની હથેળીમાં મુકાયેલી બંગડીઓ કાશ્મીરા જોઈ રહી અને પછી વાંકી વળીને પગે લાગવા જતી હતી ત્યાં કાન્તાબેને તેને રોકી અને ગળે વળગાડી લીધી. કાશ્મીરા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. કાન્તાબેન માટે પણ પોતાનાં આંસુઓને રોકવાનું અશક્ય હતું.
‘સુખી રહેજે...’ લિફ્ટમાં પ્રવેશી રહેલી કાશ્મીરાને વિદાય આપતાં કાન્તાબેનના મોંમાંથી શબ્દો સરી પડ્યા.
ફ્લૅટનો દરવાજા બંધ કરીને કાન્તાબેન ઘરમાં પાછાં આવ્યાં ત્યારે પોતે વધુ એકલાં પડી ગયાં હોય એવું તેમને લાગ્યું.