મારા સરોવરની વાત
નદી તળાવ કે દરિયા જેવા કોઈક ને કોઈક પ્રકારના જળવૈભવને જાણનારા, માણનારા કે એની આસપાસ જીવનારા લોકો આ દુનિયામાં કંઇ ઓછા નથી. કેટલાંય એવા લોકો હશે કે જેમના જીવનના કોઈ મહત્વના અંગ સમાન હશે આવાં જળસ્રોતો. એમના જીવનની કથામાં ક્યાંક ને ક્યાંક એની ભીનપ હજુ મ્હોરતી હશે. દરેકને એની પોતીકી અનુભૂતિ, અલગ અલગ અનુભવો અને એની સાથેના કશા વિશિષ્ટ સંબંધની મિરાત મળેલી હોય છે. આમ તો એ દરેકનું પોતાનું સાવ અંગત વિશ્વ. પણ આમ જુઓ તો બધે જ આવી અનુભૂતિઓ પડઘાતી જોવા,સાંભળવા મળે જ મળે. જળ એ જ જીવન એ તો આપણી સમજણનો પહેલો પાઠ. કવિઓની કવિતામાં ય સરોવરનો વૈભવ છલકે અને ગીતકારોના ગીતોમાં ય હિલ્લોળાય જળનો બિલ્લોરી વૈભવ. લોકજીવનમાં કે ગામડા ગામોમાં પરિવારના એક સભ્યની જેમ એનું સ્થાન. વાર્તાઓ,કથાઓમાં ગૂંથાય આખાં ને આખાં જળાશયો જ્યાં વટેમાર્ગુને માટે વિસામો હોય અને વ્હાલનાં વેપલા માંડેલા જીવોને મળે એમનું રણઝણતું એકાંત! એના કિનારે કે એના આધારે આખા ને આખા જીવતર સર્જાય પણ ખરા અને વિલાય પણ ખરા. ને ઋતુઓને, વૃક્ષોને, આકાશને, હવાને, સૂરજને, તારાને,વાદળને કે વરસાદને-સૌને પોતપોતાની આગવી ઓળખાણ એની સાથે અને એવું જ આગવું સગપણ. વિશ્વના ખૂણે ખૂણે નાનાં,મોટાં, જાણીતા, અજાણ્યા એવા કૈં કેટલાંય સરોવરો છલકાય છે. અનેકવિધ રંગો,અનેક પ્રકારના રૂપ, અનેક પ્રકારની વિશિષ્ટતા અને એવાં અનેકાનેક સંદર્ભોથી વીંટળાયેલા અપરંપાર સરોવરો દુનિયાના નકશા પર અભરે ભરેલા છે પણ આપણે માટે આપણી ઓળખ વગરનાં સહુયે પરાયાં! પોતપોતાના અંગત વિશ્વ અને એ અંગત વિશ્વમાં પોતાનાં અંગત સંબંધની મહત્તા દરેકને મન અદકી. મારે મન પણ. બસ, એટલે જ આજે એમ થાય છે કે તમને હું મારા સરોવરની વાત કહું.
બાળપણમાં જોયેલા ને જાણેલા સરોવરોની સાથે ઘણી સ્મૃતિઓ જોડાઈ છે. કેટલીક ઝાંખી પડતી જાય છે ને કેટલીક આજેય સાવ તરોતાજા. જીવતરની સફરમાં અનેક જળસંચયો જોયા, જાણ્યા અને માણ્યા છે પણ વર્ષોથી આ સ્થળ સાથે જોડાયા પછી આ સરોવર સાથે જે નાતો બંધાયો છે એની તો વાત જ ન્યારી. આમ તો અમારા ગામમાં કંઇ કેટલાંય સરોવરો છે! આહ, શો વૈભવ અને શું ભાગ્ય! દરેકની કૈં ખાસ વિશિષ્ટતા. પણ ગમતા, વહાલાં એવાં અઢળક લોકની ભીડમાં ય સાવેસાવ પોતાનું અંગત હોય એવું તો કોઈક જ હોય. એવું જ છે મારે માટે મારું આ સરોવર.
મારા હોવાનો, અનુભૂતિઓનો, જાતજાતના અનુભવોનો, અને એવી કંઈ કેટલીય અનોખી રીતનો છે મારો સંબંધ આ સરોવર સાથે. એ ય કંઇ અજબ છે હોં! ક્યારેક ખુશખુશાલ લીલુંછમ. તો ક્યારેક આકાશની કુમળી ભૂરાશ જેવું નીલરંગી. ક્યારેક વળી સાવ ચોખ્ખું,નીતર્યા કાચ જેવું નિર્મળ અને શાંત અને કદીક વળી વાદળછાયા આભની ઘેરી ઉદાસી ઓઢી બેઠું હોય એવું શોકમગ્ન! કેટકેટલાં અવનવાં રૂપ અને રંગ હોય છે એનાં. દિવસે જૂદું, રાત્રે જૂદું. દિવસ અને રાતના વિવિધ સમયે પણ સાવ જૂદું જ. ક્યાંક કશેક નાનાં નાનાં તરંગ વલયો સિવાય શાંત અને સ્થિર, પણ જીવંત. સૂરજની ઝળહળથી સોનેરી રંગોળી પુરાઈ હોય એવું ઝળહળતું એનું પાણી કાંચનમૃગ પેઠે મને આકર્ષે એની નજીક જવા, એને સ્પર્શવા, એનામાં મારી આખી જાતને ઝબકોળી દેવા.
હું અવશપણે ખેંચાતી જ રહું એની તરફ, એના દરેક મૂડ, રંગછટા, વહેણ બધું જ મને પરિચિત. એની મૌન ભાષા ઉકેલવી મારે માટે સાવ સરળ. એના જળની જાદુઈ જાજમ પર મારું મન તરતું મૂકું અને ક્યાંની ક્યાં ફરી આવું. કિનારે જઈને બેસું, કદીક પગ ઝબોળું, કદીક દૂરથી જોયા કરું અને સહજ જ ધ્યાનમગ્ન થઇ જવાય. મનનાં અદ્રશ્ય તાર એની સાથે સહેલાઈથી જોડાઈ જાય અને અમે બંને એક થઇ જઈએ. મનમાં ચાલતા સઘળા કોલાહલ ધીરે ધીરે શાંત થઇ જાય અને મન ભીના ભીના ઘાસ જેવું મહેંકી રહે. અડખે પડખે ઊગેલાં વૃક્ષોના પડછાયા જળ પર હળવે હળવે ઝૂલતા હોય તે જોઈને મન આંદોલિત થતું જાય. સરોવર ભલે કશે જતું નથી, આવતું નથી પણ એની સામે બેસીને,એની સાથે બેસીને હું હંમેશા કોઈક એવી સફર પર નીકળી પડું છું જ્યાં મારી સાથે હું પણ હોઉં અને આખું વિશ્વ પણ હોય. અને હું જ્યાં જાઉં ત્યાં મારી અંદર એને લઈને જ જતી હોઉં છું કોઈ પણ સભાન પ્રયાસ વગર. એના કિનારે એકાંત અને એકલતા બંને ઉજવાય છે, વહેંચાય છે , વિસરાય છે. અને સૌને પોતાના બનાવી લેતું છતાં સાક્ષીભાવ ધરીને ત્યાં જ સ્થિર રહેતું આ સરોવર કંઈ ન કહીને પણ કેટલું છે, શીખવી જાય છે. કોઈકને ભલે એ બંધિયાર લાગે કારણકે નદી જેવું સતત વહેણ કે દરિયા જેવી ઊછળકૂદ એનામાં નથી પણ કદાચ એટલે જ મને એની સાથે ફાવે છે કારણકે એ મને શાંતિ, સ્થિરતાનો મંત્ર આપે છે. મને સહજ સમાધિ શીખવે છે!
ક્યારેક સાવ અનાયાસ જ હું તો ગાઈ ઉઠું ત્યાં બેસીને, તો વળી કદીક અમસ્તો જ કોઈ ઉદાસ રવ મારી અંદર ઘૂંટાતો હોય એવું પણ બને છે. પ્રશ્નો,મૂંઝવણો,ખુશીઓ, વિચારો, અનુભવો અને બીજું પણ કેટલું ય એની સાથે વહેંચતી રહું છું. મનની ઝાંખી, ધૂંધળી પળોનો એ વિસામો અને એ જ મનનાં આનંદિત આંદોલનોનું મેઘધનુષ! વળી એવું ય નથી કે હું જ એને ઓળખું છું. એ પણ મને જાણે છે અને એને આ સંબંધની ગરિમા જાળવતાં પણ આવડે છે. મારા જીવનનાં બધા ઉલ્લાસો કે ઉલ્કાપાતો સઘળું સ્વસ્થતાથી એ એના ખોળામાં ઠાલવવા દે છે મને. મને પણ ખબર છે કે મારા જેવા બીજાં કેટલાંય લોકોનાં આંસુ પણ એણે પીધા છે કે એમના સુખની નાની નાની પ્યાલીઓમાંથી ઘૂંટ ભર્યાં છે. એવાં અપરંપાર આંસુઓની ખારાશ એનામાં ભળી છે તો ય એની સહજ મીઠાશ તો બરકરાર જ રહે છે! કે પછી સુખની કશી અવધિમાં ય એ કંઇ છકી જઈને દરિયાની પેઠે ભરતી થઇ ધસી આવે એવું કદી બનતું નથી. પેલાં રૂપાળાં કમળ એને ખોળે ઝૂલતાં હોય તો ય એ તો સાવ સ્થિતપ્રજ્ઞ! એના ખોળામાં રમતાં પેલાં કાચબા, દેડકાં, માછલીઓ,બતક કે કિનારે બેસી એની સાથે ગોષ્ઠિ માંડતા મારા જેવા કૈં કેટલાંયને માટે એ તો એકાંતનો એક આગવો ઓરડો.
ખરું કહું? મારું તો એ પિયરઘર! મારા પિતાની વત્સલ શીતળતા ય એ અને મારી માનો હુંફાળો ખોળો પણ એ જ. અરે, એ જ મારો ઈશ્વર અને એ જ મારું મંદિર! એ જ મારી પ્રાર્થના અને એ જ મારી શ્રદ્ધા. એ જ મારી ગતિ અને સ્થિતિ. એ જ મારી હાશ અને એ જ મારો મારા ભીતર સાથે મેળવાતો પ્રાસ. એ જ મને મારી ઓળખ આપે, મને મારી સાથે જોડે અને મને મારામાંથી ઊંચકી લઇ કોઈ પરમ તાર સાથે પણ જોડે. એથી મને લાગે કે હું જ એ અને એ જ હું ! મારા શ્વાસમાં ભળીને,ઓગળીને, મારામાં જીવતું રહે છે અને મને સતત જીવંત રાખે છે મારું સાવ પોત્તાનું આ સરોવર.
' સરોવરને કાંઠે
હું સાવ અમથી જઈને બેઠી
ત્યાં પાણીના ટીપાંએ મને કહ્યું;
ચાલ આપણે ઓગળીએ,
ને મેં એને હથેળીમાં ઊંચકી
હળવેકથી ચૂમી લીધું-
મારી હથેળી
સુકાઈ ગઈપણહું તો હજુય બસ ભીનીછમ્મ!'