Micro Fictions in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | Micro Fictions

Featured Books
Categories
Share

Micro Fictions


માઈક્રો ફીક્શન્સ

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.“ બ્યુટી ”

૨.“ ભેદ ”

૩.“ અંબા ”

૪.“ બોલ ”

૫.“ચક્ષુપઠન”

૧ - “ બ્યુટી ”

મોર જેવુ લાવણ્‌ય, મેનકા જેવો સુંદર ચહેરો, કપાળમાં ગોળ કાળો ચાંદલો, ધનુષાકાર જેવી અણીયાળી આંખો, આંખોમાં આંજેલુ કાજળ, હાથના લાલ કંગણ, પહાડ જેવા ઉરજ, બેંગોલી સાડી. જાણે અંબા કે સિતા. મત્સરા લાંબી કારમાંથી ઉતરી અને ચારો તરફ એની સુંદરતા પથરાણી. એક અંધ વ્યક્તિ બાજુમાંથી પસાર થયો જે મત્સરા સાથે ટકરાયો. એના હાથમાંથી લાકડી સરકી ગઈ. ‘બહેન માફ કરજો. મને સોટી લઈ આપશો ?’, અંધ વ્યક્તિ બોલ્યો. એકાએક જ બધુ સૌંદર્ય અને સ્મિત શુન્યમાં સમાઈ ગયુ. મત્સરાનુ રૂપ શુર્પણખામાં બદલાઈ ગયુ.

૨ - “ ભેદ ”

એકવીસ વર્ષની કૃતિએ લાગણીઓ રૂપી ઉન લઈને આંખોના ચીપીયાથી પ્રેમને ગુંથી નાખ્યો હતો. પણ એ ગુંથાયેલ પ્રેમમાં કેટલીક આંટીઓ રહી ગઈ હતી. ઘરે કહેવુ તો, કહેવુ કેવી રીતે ? સોફા પર ટીવીની સામે બેસેલી કૃતિ વિચારોના વમળો ઉભા કરીને બેસી હતી. મમ્મી પપ્પા સમાચાર જોવામાં ડુબી ગયા હતા. ડોરબેલ વાગ્યો, એક છોકરો અને એક છોકરી અંદર આવ્યા. ‘હુ તમને મળાવવા કોઈને લાવ્યો છુ.’, ખુશીયો ભરેલા ચહેરે કૃતિના ભાઈ વજ્રએ અંદર આવીના કહ્યુ. બધાના ચહેરા પર આનંદનો ઉત્સવ થયો. કુતિએ મોકો જોયો. પપ્પાની લાડલી વ્હાલા પપ્પા પાસે જઈને બેસી ગઈ.

‘પપ્પા હુ પણ કોઈને પ્રેમ કરૂ છુ.’, કૃતિએ હિમ્મતનો લાડવો વાળ્યો. મમ્મી પપ્પા અને ભાઈ ત્રણેયના ચહેરા પર ભેદભાવે આનંદની હોળી સળગાવી. બધાના ચહેરા પર સ્મિતની નનામી નીકળી.

‘પપ્પા દિકરો પ્રેમ કરી શકે, દિકરી કેમ નહિ ?, અરે હા હુ તો તમારી ઈજ્જત છુ નહિ?’, કૃતિ કટાક્ષ હાસ્ય કરતા બોલી

૩ - “ અંબા ”

ઝાલાએ પંડિત મંજુરામની પીઠ પાછળ પીસ્તોલ રાખીને કહ્યુ, ‘રામ ભજનો બહુ ગાયા હવે રામ પાસે જવા તૈયાર થઈ જા.’

‘ઈશ્વર પાસે બધાના પાપોના લખાણ હોય છે, પીસ્તોલની ટ્રીગર દબાવવી સહેલી છે, ઈશ્વરને જવાબ કોણ આપશે..?’, પંડિત મંજુરામ હસતા હસતા બોલ્યો.

‘જવાબ તો આપડે બન્નેએ આપવાના છે.’, ઝાલાએ પીસ્તોલ પાછી ખેંચીને પંડિતના ખભા પર ભાઈબંધીના હાથ મુક્યા.

‘આવો માલ દેખાડુ.’, મંદિરના ગર્ભગૃહમાંના એક ગુપ્ત દરવાજામાં જતા પંડિતે કહ્યુ.

પંડિત તુટેલી ખુર્શી જોઈને ગુસ્સા સાથે ચિંતીત થઈ ગયો અને કહ્યુ ‘મેં અહિંયા જ બાંધી હતી.’

‘ઢીચકાંવપ! ઢીંચકાવ..!’, બંદુકની ગોળી ફુટવાના બે પ્રચંડ અવાજ થયા. ઝાલા અને પંડિત બન્નેના શરીર ઢળી પડયા.

‘ભક્તિ કરનારા દંભી, ભોગના ભુખ્યા વરૂઓ, તમને તો પ્રશ્ન પણ નહિં પુછવામાં આવે.’, નગ્ન અવસ્થામાં અને લોહી લુહાણ થયેલ બંદુક સાથે ઉભેલી સ્ત્રી બોલી અને બંદુકને માં અંબાના ચરણોમાં ધરી દીધી.

૪ - “ બોલ ”

ઝરમર વરસાદથી તપેલી ધરતીએ ઉઘાડા મોઢે થોડુ શરમાઈને મેઘ વાદળ સાથે વાત કરતા કહ્યુ, ‘તમે તો મોંઘા મહેમાન, આંય અમારી નીંદર હરામ ને તમે તો આમ તેમ ફરીને ટેસડા કરો.’

વાદળની છાતી બે ગજ ફુલી ગઈ. હરખ તો મા’ણો નય. ‘તમે આવા સુકા ભટ ઓઢણા ઓઢો એ અમનેંય કાંય ગમતુ નથી, પણ તમને અમારી લીલી સુદંલડી ની ભેટ ગમશે ખરી ?’

ધરતી થોડુ વધારે શરમાણી, ‘પારકાનો તો અમારે કટકોંય નો ખપે, પણ તમે તો અમારા જુગ જુગના સખા, ઓઢણું ઓઢું પણ તમારે બોલ આપવા પડે.’, ધરતીએ ઉંચા સાદે કહ્યુ.

‘પ્રિત તો બોલે જ બંધાય ને, બોલો શું બોલ આપુ ?’, વાદળેતો હોંશે હોંશે કહી દીધુ.

‘આ અહાઢે ને શ્રાવણે મારૂ હૈયુ એકલા એકલા બવ અકળાય સે, અને મારા માનુનીઓ’ય ધોમ-ધખતા તાપમાં બેબાકળા બને સે, તો દર અહાઢે વિના સુંકે આવવુ પડે..!’, ધરતીએ બોલ કાઢ્‌યા. હવે વાદળ વિસામણે પડયો. પ્રિત તો પુરેપુરી, લીલુડી ધરતી એના કાળજાનો કટકો, પણ કાળા ડિબાંગ મેઘ વાદળો ક્યાંક બંધાયેલ હતા. વાદળ મનમાં જ બોલ્યો, ‘તારા આ માનુનીઓયે ઝ તેલની ફેક્ટરીઓ, પ્રદુષણ અને ઝેરી વાયુ ઓકી ઓકીને ઋતુ ચક્ર ફેરવવાની શરૂઆત કરી દીધી છે, તોય હે માનુનીઓ હું તમારા પર ભરોસો મુકુ સુ, સાચવી લે જો.’

‘લે આ ઓઢણી, આપ્યા બોલ..!’, કાળા ડિબાંગ વાદળે વિશ્વાસના બોલ આપ્યા.

૫ - “ ચક્ષુપઠન ”

’તારી આંખોને હું વાંચી શકુ છુ, તારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ મારી આંખો તારી આંખોમાં જોઈને જ વાંચી લે છે.

મારૂ હ્ય્દય વિશાળ છે, હું તારી બધી જ ઈચ્છાઓ પુરી કરીશ. હું તો તને પ્રેમ કરૂ જ છુ, તુ બસ તારા બોલ આપ.’, અપેક્ષિતે કોલ્ડરીંક પીતા પીતા અપેક્ષાને કહ્યુ. અપેક્ષા સ્મિત વેરતી રહી.

ત્યાંજ એક માંગણ આવીને, ’ભુખ લાગી છે, કંઈક આપો..!’, એમ બોલી.

’છુટ્ટા નથી માજી...! જાવ...!’, અપેક્ષિતે માજીને જાકારો આપતો ઈશારો કર્યો.

અપેક્ષાએ એક ક્ષણ પણ વિચાર કર્યા વિના પોતાના હાથમાં રહેલો આઈસ્ક્રીમ

પેલા માજીને આપી દીધો.

’તારી આંખો બધુ વાંચી લે છે નહિ...?’, અપેક્ષા કટાક્ષમાં બોલી. અપેક્ષિત જોતો રહ્યો.