તેરે ચેહરે મેં વો જાદૂ હૈ...
મીતલ ઠક્કર
* વારંવાર ચહેરો ધોવાથી ત્વચા રુક્ષ થઇ જાય છે. અને ઓછો ધોવાથી ત્વચા પરનું તેલ જળવાઇ રહેતાં તે ઓઇલી રહે છે. જેથી ખીલની શક્યતા વધી જાય છે. દિવસમાં ફક્ત બે વાર સવાર-સાંજ જ ચહેરો ધોવો. એ જ રીતે સ્ક્રબિંગ પણ રોજ ન કરવું જોઇએ. અન્યથા ત્વચા વધારે પ્રમાણમાં સિબમ ઉત્પન્ન કરવાથી ખીલની શક્યતા વધી જાય છે. અઠવાડિયે એક વાર સ્ક્રબિંગ કરવું યોગ્ય છે. ક્લિંજિંગ પછી ટોનિંગ તથા મોઇશ્ચરાઇજિંગ અવશ્ય કરવું.
* અડધો કપ કેળાના ટુકડા, પપૈયા તથા તરબૂચના થોડા ટુકડા, ગાજરના ટુકડા અને એક ચમચી ગુલાબજળ, બે ટીપાં ગ્લિસરીન તેમ જ અડધી ચમચી મલાઈ ભેળવી વાટી નાખવું. આ પેસ્ટને ચહેરા પર લગાડી ૨૦ મિનિટ સુધી મસાજ કરવો. હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. રુક્ષ ત્વચાથી છૂટકારો મળશે.
* બે ચમચી ખમણેલું સફરજન, એક ચમચી દાડમનો રસ અને એક ચમચી દહીં ભેળવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો. ચહેરાને ત્વરિત ક્રાંતિ આપવામાં આ પેક સફળ સાબિત થશે.
* જો પાર્ટી દિવસે હોય તો પહેલાં ચહેરો ક્લીન્ઝિંગ મિલ્કથી બરાબર સાફ કરી લો. ફાઉન્ડેશન લગાવો. ફાઉન્ડેશનના બે શેડ એટલે કે રોઝ શેડ અને એમાં લાઈટ નેચરલ શેડ મિક્સ કરી લગાવો.
* દરેક ફંકશનમાં પિંક ટોન ફાઉન્ડેશન લગાડવાનું ટાળવું. પિંક ફાઉન્ડેશનથી ચહેરો ડલ લાગે છે. તૈલીય ત્વચા માટે વોટર બેસ્ડ ફાઉન્ડેશનની જ પસંદગી કરવી. મેકઅપને બરાબર બ્લેન્ડ કરવો.
* ઓઇલી ત્વચાવાળાએ હળવા ફેસવોસથી ચહેરો ધોવો.
* ખીલના ડાઘા માટે કાકડી અને બટાકાના રસમાં થોડી મુલતાની માટી ભેળવી ફેસપેક બનાવી લગાડવો. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે-ત્રણ વખત કરવાથી ફાયદો થશે.
* ચહેરો ચમકીલો કરવા એક પાકેલા કેળાને છૂંદી તેમાં બે ચમચા જવનો લોટ, થોડું દૂધ અથવા મલાઈ, ચપટી જાયફળ અને બે ચમચા ઘઉંનો લોટ નાખી બરાબર ભેળવી નરમ લોટ બાંધવો. જરૂર પડે તો મલાઈ તેમ જ જવનો લોટ ભેળવી શકાય. પેસ્ટ બને તેવો નરમ લોટ બાંધવો. ચહેરા પર આ મિશ્રણ ૧૦-૧૫ મિનિટ સુધી લગાડી રાખી ધોઈ નાખવું.
* ચહેરો તડકાના સંપર્કમાં આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે ત્વચા પ્રભાવિત થાય છે. અને ધીરે ધીરે તે ટેન થતી જાય છે. ઘરગથ્થુ ઉપચાર તરીકે ચણાના લોટમાં મલાઇ કે દહીં તેમજ હળદર ભેળવી અઠવાડિયામાં ત્રણ-ચાર વખત ચહેરા પર લગાડો અને સુકાઇ ગયા બાદ ધોઇ નાખો. તેમજ ચોખાના કરકરા લોટની પેસ્ટ બનાવી ચહેરા પર હળવે હાથ રગડો. અને ચહેરો ધોઇ નાખો. ફાયદો થશે. આ ઉપરાંત એસપીએફ ૧૫ યુક્ત સનસ્ક્રીન ક્રીમ લગાડો.
* તમારો ચહેરો વધારે પડતો લાંબો હોય, તો આંખોનાં પોપચાં પર ત્વચા સાથે મેળ ખાતા આછા રંગનો આઈશેડો લગાવો.
* ચહેરોની તૈલીય ત્વચા માટે ઇંડાની સફેદીમાં અડધો નાનો ચમચો મધ અને એક નાનો ચમચો લીંબુનો રસ ભેળવવો. તેમાં મુલતાની માટી ભેળવી ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. જો બ્લેક હેડ્સ હોય તો ઇંડાની સફેદીમાં ઘઉંનું થૂલું ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરો ધોવો.
* એક ચમચો એલોવિરા જેલમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખી ચહેરો ધોઇ નાખવો. ત્વચાને મુલાયમ કરે છે તેમજ મોઇશ્ચરાઇઝ પુરું પાડે છે.
* નિયમિતપણે ચહેરો ધોવો જરૂરી છે. વધુ પડતાં ગરમ પાણીથી ચહેરો ધોવામાં આવે તો ત્વચા શુષ્ક થઇ જાય છે અને તેના પર ખીલની દવા ક્રીમ કે જેલના સ્વરૂપમાં લગાડી શકાતી નથી. આથી ચહેરાને સૌમ્ય ક્લિન્સરથી સાફ કરવો જેથી ત્વચા શુષ્ક ન બને. તેલ આધારીત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો નહિ. તૈલીય કોસ્મેટીક્સથી ત્વચા વધુ તૈલીય થશે અને કરચલી પડશે. પાણી આધારીત કોસ્મેટીક્સ વાપરવા અને રાતના સૂતાં પહેલાં મેકઅપ સાફ કરી નાંખવો. કોલ્ડક્રીમ કે લોશન લગાડવું નહિ.
* ગાલનાં હાડકાં એકદમ બેઠેલાં હોવાથી જો ચહેરો સપાટ લાગતો હોય, તો આ ખામી છુપાવવા માટે ચહેરા પર ફાઉન્ડેશન લગાવ્યા પછી ગાલની આસપાસ બ્લશર લગાવો. તેનાથી ગાલ સહેજ ભરાવદાર લાગશે. નીચેની બાજુ સહેજ ઘેરા શેડનો કોમ્પેક્ટ પાઉડર લગાવવાથી ગાલનો ઘાટ સ્પષ્ટ જણાશે.
* કંસિલરથી ચહેરા પરના ડાઘ તેમજ આંખની નીચેના કાળા કુંડાળા છુપાવી શકાય છે. કંસિલર વધુ પ્રમાણમાં લગાડવામા આવે તો ચહેરો ભદ્દો લાગે છે.
* આપણી ત્વચા એકદમ કોમળ હોવાથી વર્ષા ઋતુમાં તેની ખાસ કાળજી કરવાની જરૂર પડે છે. આ મોસમમાં આબોહવા ભેજવાળી હોવાથી આપણી ત્વચા પણ ચીકણી થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે. આવી ત્વચામાં ખીલ થવાની સમસ્યા વકરે છે. તેથી ચહેરાની ખાસ દેખભાળ આવશ્યક બની રહે છે. તેથી જ ચહેરો ધોવા માટે સારા એન્ટિબેક્ટેરિયલ ફેસવોશ અને ટોનરનો ઉપયોગ કરો. તેનાથી ત્વચાને ચેપ લાગતો બચશે. આ ઉપરાંત નિયમિત રીતે ત્વચા ક્લિન્ઝીંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝ કરો.
* વર્ષા ઋતુમાં ઘરે બનાવેલા ફેસપેક ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખે છે. જો તમારી ત્વચા તૈલીય હોય તો બેસનમાં હળદર, મધ, લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેક ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઈ લો.
* ઉંમર વધવાની સાથે સાથે પ્રદુષણ અને સુર્યપ્રકાશનો પ્રભાવ ચહેરા પર પડતો હોય છે. એટલા માટે ત્વચાને સુર્યપ્રકાશના આકરા તાપથી રક્ષણ આપવા માટે ઉચ્ચ ગુણવત્તા યુકત એસ.પી.એફ ક્રિમનો ઉપયોગ કરો. આ પ્રયોગ કરવાથી ચહેરો સુર્યપ્રકાશના દુવ્પ્રભાવથી બચશે અને ત્વચા કાળી નહી પડે.
* ખીલ થયા હોય તો વારંવાર એ સ્થાને હાથ ફેરવવાની અદમ્ય ઇચ્છાને દબાવી દેવી. એ સ્થાને ખંજવાળવું પણ નહી. તરસ ન લાગી હોય તો પણ નીયમિત સમયાંતરે થોડું થોડું પાણી પીતા રહેવાથી ચહેરા પર તાજગી આવશે. બહાર ખુલ્લામાં પ્રદુષણમાં ફર્યા હોય તો ઘરે આવીને તરત જ ચહેરો સ્વરછ ન કરવાની આદતથી પણ સંવેદનશીલ ત્વચાને નુકસાન પહોચે છે. આનાથી ચહેરા પર કરચલીઓ પડી જવાની શકયતા રહે છે.
* ત્વચાને મુલાયમ બનાવવા માટે લીંબુનો રસ, પપૈયુ અને મધના મિશ્રણને ૧૦ મિનિટ સુધી ચહેરા પર હળવે હાથે ઘસવું અને બાદમાં દસ મિનિટ પછી ચહેરો સ્વચ્છ કરવો. પપૈયામાં પેપન નામનું એન્જાઇમ હોય છે. જે કુદરતી રીતે જ ત્વચા પરની મૃત કોશિકાઓને દુર કરે છે. તેમજ મધમાં એન્ટી બેકટેરીયલ ગુણ રહેલો છે. જે ત્વચાને મુલાયમ બનાવે છે. લીંબુમાં રહેલ તત્વો ચહેરાને ચમકીલો બનાવે છે. આમ, આ ત્રણેય ખાધપદાર્થનો બનાવેલો ફેસપેક ચહેરાને સુંદર બનાવે છે.
* ટમેટાના એક ટુકડાથી ચહેરા પર હળવે હળવે મસાજ કરવાથી ચહેરો સ્વચ્છ અને તાજગીદાયક બને છે.
* દરરોજ સોપ ફ્રી ક્લીન્સરથી ચહેરો ધોવાની આદત પાડવી. તેની સાથે માઇલ્ડ સ્ક્રબ પણ વાપરવું. જેથી ડેડ સ્કિન નીકળી જાય. ત્વચાના ક્લીન્સીંગ બાદ ટોનિંગ પણ કરવું. વરસાદની ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ત્વચા પર રહેલા રોમછિદ્રો ખુલી જાય છે. આથી આલ્કોહોલ ફ્રી ટોનર વાપરવું જોઇએ. સાબુની સાથે ડિપ ક્લીન્સીંગ માટે ક્લીન્સરનો ઉપયોગ કરવો. હાઇડ્રોકસીલ એસિડયુકત ક્લીન્સરને દિવસમાં એક વખત જરૂર લગાડવું જોઇએ. આનાથી ત્વચા તાજી રહેશે. જો કે આને દિવસમાં એક જ વખત લગાડવું વધુ નહિ. વધુ લગાડવાથી વિપરિત અસર થશે.
* મીઠા અને ઓલિવ ઓઇલને સપ્રમાણ માત્રામાં ભેળવી ચહેરા પર માલિશ કરવું. ગળાથી નીચેની તરફથી ઉપર તરફ મસાજ કરતાં જવું. પાંચ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા ચમકીલી થાય છે.
* બહારથી ઘેર આવો એટલે તરત ગુલાબજળમાં રૂને પલાળી તેનાથી ચહેરાને સાફ કરો. શક્ય હોય તો દિવસમાં અનેકવાર આમ ચહેરો સાફ કરો. આવું કરવાથી મેલ, ધૂળ તો દૂર થશે જ, ત્વચા પણ સ્વચ્છ બનશે અને તમે ઠંડક અનુભવશો. આ ઉપાય અસરકારક છતાં સલામત છે.
* રોજ સુતા પહેલા ચહેરાને કલીન્સીગ મીલ્કથી સાફ કરો. અઠવાડીયામાં એક વખત સ્ક્રબીંગ કરો. આનાથી ત્વચા પરના મૃતકોષો દુર થશે. ફેશિયલ કરવાથી ચહેરા પર લોહીનું પરીભમ્રણ વ્યવસ્થિત થાય છે. જેનાથી ચહેરો સ્વચ્છ દેખાય છે. પણ બ્લીચનો ઉપયોગ વારંવાર અને વધુ વખત ન કરવો. વારંવાર બ્લીચ કરવાથી ચહેરાની કોમળ ત્વચાને નુકસાન પહોંચી શકે છે. બ્લીચમાં રહેલા રસાયણથી ચહેરાને હાની પહોંચે છે. રાતના સૂવા જતા પહેલાં ચહેરો મિલ્ક પાવડર કે કાચા દૂધ વડે સાફ કરશો તો પણ તે એક સારા ક્લિન્ઝરનું કામ આપશે.
*****