Aa man to pagal chhe.. in Gujarati Poems by Prafull shah books and stories PDF | આ મન તો પાગલ છે..

Featured Books
Categories
Share

આ મન તો પાગલ છે..

કવિતા

વરસતા વરસાદે પૂછ્યું કે

તમે પલળ્યાં કે કેમ?

મેં કહ્યું ઠાઉવકાઈથી

તમે ઉતાવળ કરી કેમ..

વીજનાં કડાકાભડાકા સાથે પૂછ્યું કે

તમે પલળ્યાં કે કેમ?

મેં નારાજગી સાથે કહ્યું

આવી ધમાલ કરી કેમ...

નદીએ પૂર, ગામ ખેતર ડૂબ્યા

એ જોતાં જોતાં પછ્યું કે

તમે તણાયાં કે કેમ?

મેં ધમકાવતાં ધમકાવતાં કહ્યું કે

આવો ઉત્પાત મચાવ્યો કેમ?

એ તો જતો રહ્યો પાથરી પથારો

જોયા કરતો લીલાછમ ખેતરો

ને મધમધતી લહેરો

મન મારું પૂછ્યા કરે

તારા સિવાય સૌ પલળ્યા, ડૂબ્યાં, પણ

તે આવી આળસ કરી કેમ?

***

આ તો વરસાદ

હતી છત્રી છતાં

આ વરસાદ પલાળી ગયો

આ તો વરસાદ

 ના એને પહોંચાય.

હતો માહોલ આકાશે

આવશે હમણાં થઈ વંટોળ

પણ છેતરી ગયો, આ તો વરસાદ

 ના એને પહોંચાય.

કર્યાં હતાં બંધ બારીબારણાં

પણ આવી પહોંચ્યો તિરાડ ખોલી

ટપકે ટપકે ભીંજવી ગયો.

આ તો વરસાદ

 ના એને પહોંચાય.

આવ્યો ય ખરો અને ગયો પણ ખરો

પાથરી પથારો ભીની ભીની યાદોનો.

 આ તો વરસાદ

 ના એને પહોંચાય!

***

તું ત્યાં, હું અહીં.

આપણી વચ્ચે વરસાદ

જાણે એક દીવાલ.

હું પલળું

કરી તુજને યાદ

કદાચ ,તું પણ..

ગઝલ

પગ ચૂક્યા તો? સામે ખીણ છે!

બસ ચૂક્યા તો? સામે ખીણ છે!

મોસમનો ના હોય ભરોસો

તક ચૂક્યા તો? સામે ખીણ છે!

અવસર તો આવે પળ બે પળ

મન ચૂક્યા તો? સામે ખીણ છે!

એક છલાંગે પાર થવાનું,

લક્ષ ચૂક્યા તો? સામે ખીણ છે!

હા કે ના પર સૌ મંડાશે જગ,

પળ ચૂક્યા તો? સામે ખીણ છે!

***

ગઝલ

મનોમંથન માં તારણ નીકળે પણ ખરું.

વલોલીને જો માખણ નીકળે પણ ખરું.

લંબાવીજો ને તારો હાથ ઉષ્માથી

નવું નક્કોર પ્રકરણ નીકળે પણ ખરું.

જખમ ભૂલી જવામાં છે મજા દોસ્તો

ખુશી માટેનું કારણ નીકળે પણ ખરું.

નડે છે કર્મની કઠિનાઈ પણ ક્યારે

કનક પોલું ને ઝારણ નીકળે પણ ખરું.

શું સાચું ને શું ખોટું ના ખબર પડતી

આ જીવન છેતરામણ નીકળે પણ ખરું.

***

ગઝલ

નાની આંખોમાં બ્રમાંડ છે.

શ્વાસોશ્વાસ મહીં સંસાર છે.

કાગળનાં ફૂલે શું મળશે?

ભીતર ઢંઢોળો તો બહાર છે.

ધરતી ની મોહક તા જુઓ જી

નાચે મોર અને વરસાદ છે.

મારી વાત ના પૂછો આજે

તમને મળ્યાનો ઉલ્લાસ છે.

***

ગઝલ

થઈ જાય જ્યારે જ્યારે પ્રેમ,બહાર ખીલી ઊઠે.

તું ભલે ના માને એમ,બહાર ખીલી ઊઠે.

પડતાં વેકેશન,યાદ આવ્યા કરે મને મારું ઘર,

પહોંચી જાઉં કરીને જેમતેમ,બહાર ખીલી ઊઠે.

અજાણ્યું શહેર.અજાણ્યાં લોક, મળી જાય અચાનક કોક

પૂછી લે પ્રેમથી આપણું નેમ,બહાર ખીલી ઊઠે.

ઢળતા સૂરજ સમી ઉદાસી ચહેરો લઈ ઘરે પહોંચુ અને

ટહૂકો મળે સુણવા છો કેમ,બહાર ખીલી ઊઠે.

હોય રમતમાં હારજીત,જાણે સૌ ને સમજે સૌ

જીતી જઈએ આપણે હારેલી ગેમ,બહાર ખીલી ઊઠે.

***

ગઝલ

આવ્યો છે તો રોકાઈ જા.

રડ્યો છે તો રોકાઈ જા.

આ તો છે મોસમ વરસાદી

પલળ્યો છે તો રોકાઈ જા.

ઠરતો દીવો પળ બે પળનો

ઝબક્યો છે તો રોકાઈ જા.

વરસો બાદ પટારો આજે

ખોલ્યો છે તો રોકાઈ જા.

તારા પગલે અવસર રૂડો

આવ્યો છે તો રોકાઈ જા.

***

ગઝલ

જિંદગી કારણ વગર દોડાવતી.

ચાંદ જોવા એ હથેળી માંગતી.

હોય છે વળગણ ખરેખર ચીટકું

ભર બપોરે તારલાં દેખાડતી.

હોય સાદાઈ નો અંશ સાથે જરા

વાહવાહનો નાદ તે લલકારતી.

ના સમય મળતો ઈતરનાં ર્દદમાં

આપણાં જો હોય નીંદના આવતી.

અશ્વ છૂટ્યાં બાદ સમજણ આવતી

જિંદગી કારણ વગર દોડાવતી!

 ***

મા

માની આંખોમાં જોયા કરું

હેતનું લીલુંછમ ખેતર જે.

મા તો વૃક્ષ જેવી નમતી છે

મમતાનો લઈ ઊભી છાંવ જે.

મા ના આંગણ ઊગ્યાં હોય છે

ઈંતજારીનાં મીઠાં બોર જે.

માની યાદોમાં દેખાતું

શૈશવ , ઊતારી દે થાક જે.

શ્વાસે શ્વાસે રમતી છે મા

ઠોકર પર આવે છે યાદ જે.

***

તું

તું વગાડે વાંસળી,

હું બનું તારી રાધા.

પછી છોને થયા કરતી

તારી મારી વારતા.

તું પીએ વિષ પ્યાલો

હું બનું મીરા,

પછી છોને થયા કરતી

તારી મારી વારતા.

તું બને દ્રારકાધીશ

હું આવું થઈ સુદામા

પછી છોને થયા કરતી

તારી મારી વારતા.

તું જો બને મારો સારથી

હું બનું તારો સખા

પછી છોને થયા કરતી

તારી મારી વારતા.

સુણ્યા કરીશ તુજને

તું સુણાવે જો ગીતા

પછી છોને થયા કરતી

તારી મારી વારતા.

***

તમે યાદ આવ્યાં..

તમે યાદ આવ્યાં

અને આંગણું મારું

સ્મરણોનાં તોરણોથી

લહેરાઈ ઊઠ્યું.

તમે યાદ આવ્યાં

અને ખૂશીઓનાં ઝરણાં

મારાં અંગેઅંગમાં

થઈ પાયલ રણકી ઊઠ્યાં.

તમે યાદ આવ્યાં

અને મારાં રુદિયાનાં

આભલામાં શમણાંનાં રંગીન

પતંગિયા ઊડવાં લાગ્યાં.

તમે યાદ આવ્યાં

અને મલકાતાં અધરે

ગીત ગુલાબી

ખીલતું ગયું.

તમે યાદ આવ્યાં

અને આંખની અટારેથી

બૂંદ વિરહનું નાનું શું એક

લસરી પડ્યું.

***

ધીમો પગરવ સંભળાય તો લાગે તમે જ છો.

પડછાયો વિસ્તરતો દેખાય તો લાગે તમે જ છો.

થઈ જાય સ્પર્શ ડાળીને બાગમાં

શરમાઈને ઝૂકી જાય તો લાગે તમે જ છો.

જોયા કરતો ચાંદ સૂતા સૂતા તન્હાઈમાં

ઓઢણું બની ચાંદની પથરાય તો લાગે તમે જ છો.

મંદ મંદ મીઠો મધુરો લહેરાતો પવન

ઝંકાર ઝૂલતાં ઝૂલાનો સુણાય તો લાગે તમે જ છો.

***

તે આપ્યો તારો…

આપ્યો તે તારો હાથ,સાથ

જીવન સાગર તરી ગયો.

જોઈ તારું ગુલાબી સ્મિત

ઉદાસી પાનખર પચાવી ગયો.

ચાંદ શા તારા ચહેરે ચહેરે

દિશાઓ તમસની બુઝાતી ગઈ.

જોઈ ગુલાબી શમણાં તારી આંખોમાં

વસંત ચમનમાં લહેરાતી ગઈ.

આપ્યો તે તારો હાથ, સાથ

પગલી આપણી વિસ્તરતી ગઈ.

***

ગમે છે

ના કોઈ કોઈને અડે છે.

કેવળ ભ્રમ કોઈક નડે છે.

શું મળશે ભટકી ભટકીને

ખૂલે ચક્ષુ તો ઈશ જડે છે.

ઊડે છે બીજાના જોરે

તે, નીચે ક્યારે ક પડે છે.

જોયા કરું હું ચ્હેરો મારો

કારણ કે દર્પણને ગમે છે.

***

શમણાં

શમણાંને ક્યાં નડે છે

કોઈ સરહદ કે મોસમ.

એ તો પંખી થઈ ઊડે

ને માછલી બની તરે

આભ કે જળ ના કોઈ

એને છે હદ.

જોઈ એકાંતનું વન

દોડી જાય એ તરફ

પવન પેઠે,દોડે ને થાકે

પણ પાછા ના પડે!

ક્યારેક સુવાળાં ઝરણાં જેવા,

ક્યારેક રૌદ્ર વંટોળ જેવા.

અળસિયાની જેમ ફૂટી નીકળે ,

અલ્પજીવી થઈને!

ના કોઈ સરનામું

ના કોઈ ઠેકાણું

શમણાં તો આવે ને જાય

એની રીતે, એની મરજીએ.

જે છે તે ખરાં,પણ

લાગે શમણાં ખટ્ મીઠાં બોર જેવાં

હોઠે ચસકો મેલી જાય પાછાં!

ના હરખ કે અફસોસ

પણ હોય સદાબહાર જેવાં

શમણાં

મારા કે પછી તમારા..

કે જેનાં હોય તેનાં..

***

આદત

આ આંખોને આદત પડી

ગઈ છે એવી,

કોઈનાં રુદિયાની વાત લે ચોરી!

કેરીનાં ગોટલાની જેમ

ચૂસી ચૂસીને થયા કરે

એ દુખે દુખી!

પ્રસિધ્ધિનાં મોહમાં આ મન પાગલ

દેડકાની જેમ ડ્રાંઉ ડ્રાંઉ કર્યાં કરે!

અંધકારનો કાદવ ઉલેચી થયા કરે

એ દુખે દુખી!

સાગરનાં મોજો જેવા વિચારો

લાવે ગોતી ગોતી ઈર્ષાનાં ડામ

બળતરા લૂછી લૂછી થયા કરે

એ દુખે દુખી!

આદત પડી ગઈ છે એવી

શાંત પાણી આ મન નાખે ડહોળી

અને થયા કરે દુખે દુખી.

તોયે સમજણની ફૂટે ના ડાળી.

***

મન

આ મન તો સાવ પાગલ છે.

જે નથી તેને ઝંખે છે.

આ મન તો સાવ પાગલ છે

મૃગજળ પાછળ ભમે છે.

આ મન તો સાવ પાગલ છે

કારણ વિના રખડે છે.

આ મન તો સાવ પાગલ છે

ઠોકર ખાઈને પડે છે.

આ મન તો સાવ પાગલ છે

જે કરે નફરત તેને ઝંખે છે.

***

ઝરુખો

ઝરુખે ઊભી ઊભી

જોયા કરતી તું મારી રાહ.

રાત ભલે ને હોય

અમાસી કે પૂનમની

તું કર્યા કરતી ઈંતજાર.

જગ તારી આસપાસનું હોય સુતું

પણ બત્તી તારા શયનખંડની બળતી હોય!

હાથમાં હોય મેગેજીન

પણ તારી નજર અથડાતી હોય દરવાજે!

આજે હું ઊભોઊભો વાગોળ્યા કરું છું

તારો ઈંતજાર

કારણ તું ક્યાં છે એ મને ખબર નથી

જોયા કરું છું આકાશ

સૌ સુતાં છે મારીઆસપાસ...

***

સવારે સવારે

પીતો રહ્યો છું

લિજ્જતદાર

ચા

ની જેમ

તડકો,

જાણે

તારો ચહેરો..

***

સજાવી છે પ્રકૃતિને ઘરમાં.

નાનો બાગ ને ફુવારા જાણે ઝરણાં .

બસ ત્યારથી આ મન કરે ટહુકા

જાણે વસંતના વધામણાં!

***

આ યાદ પણ આગ જેવી છે.

ક્યારે ક બાળે

ક્યારે ક હુંફ આપે,

પણ

છેડો ના ફાટે!

***

શું કામનું અજવાળું

જો આંખો ના ખૂલ્લી હોય તો?

***

કરી લીધી છે સમજુતિ જિંદગી સાથે.

નથી ફરિયાદ મુજની જિંદગી સાથે.

લગાગાગા.

***

ફાનસ હશે તો ચાલશે.

અજવાળું આપો ફાવશે.

***

ચાંદની રાત, સરોવર પાળ

છમછમ પડતો વરસાદ

જાણે તારા ઝાંઝરનો

રણકાર.

***

મારી ઈચ્છાઓના મૂળિયાં ક્યાં જઈને અટકશ એે ખબર નથી;

હું વિસ્તરતો જઈશ ક્યાં લગી એ સમજણ નથી!

***

ચાંદની રાત, સરોવર પાળ

છમછમ પડતો વરસાદ

જાણે તારા ઝાંઝરનો

રણકાર.

***

મન થાય છે ભીનાં થઈ થનથન નાચવાનું

ભલેને હોય છત્રી, આપણે તો પલળવાનું.

ધરા ભીની, વૃક્ષો ભીનાં,ભીનાં છે તનમન

છત્રીમાંથી ટપકે શ્રાવણ, મળી ગયું બહાનું

બસ આજે તો પલળવાનું, પલળવાનું...

***

માના ખોળામાં

સ્મરણો આળોટતાં

લઈ વસંત.

***

મારી શ્રધ્ધા મારું બળ છે.

કર્મનું તપ મારું તપોવન છે.

***

કરી લો મહોબ્બત ફૂલો સાથે

નહીં હોય યાદી જખમની

સંગાથે.

***

કર્યો પ્રેમ મેં ફૂલો સાથે

જાય રુઝાઈ ઝખ્મો જાણે!

ગા*૮

***

તારું મૌન મને તારી ફરિયાદથી પણ

વધારે કડવું લાગે છે!

***

મણકે મણકે ગાંઠ બની ગઇ માળા.

સંસારમહીં ગાંઠ બની ગઇ જ્વાળા.

***

ખીલી જઈએ ફૂલ ગુલાબનાં થઇને.

ગુલશન ગુલશન આપણ મ્હેંકી જઇએ.

ગા*10

***

વરસાદ

વરસાદનો કર્યા કરતો ઈંતજાર

લો, આવ્યો વરસાદ જોરદાર .

બંધ કરી નાખ્યાં મે બારી બારણાં

પલળી ગયો યાદ કરી સંભારણાં!

***

તણાઈ ગયો ભાર મુજનો

માનું છું આભાર આંસુનો.

***

તારું મૌન મને તારી ફરિયાદથી પણ

વધારે કડવું લાગે છે!

***