Aantar manno ujas - 3 in Gujarati Moral Stories by BHAVESHSINH books and stories PDF | આંતર મનનો ઉજાસ - 3

Featured Books
Categories
Share

આંતર મનનો ઉજાસ - 3

(1)

આંધળાની માં ને એક જ આંખ

વેદ તેની પચાસેક વર્ષની માઁ નાં ખોળામાં માથું રાખી અને પ્રેમથી આરામ કરી રહ્યો હતો અને તેની માં પ્રેમ પૂર્વક માથામાં હાથ ફેરવતી હતી . વેદ જાણે ઊંડા ગહનમાં હોય તેમ કંઈક વિચારી રહ્યો હતો. મા નીચે જમીન પર બેઠેલી હતી અને વેદ નીચે જ પોતાની માઁ ના ખોળામાં માથું રાખી અને વિચારોમાં અટવાયો હતો.

માઁ હું આર્મીની જોબ માટે સિલેક્ટ થઈ ગયો છું.. હળવેકથી વેદ આ વાત બોલી ગયો.આ સાંભળી માઁ ના હાથ એકદમ થંભી ગયા અને થોડી ક્ષણો માટે માઁ એના પુત્રના મુખને નિહાળતી જ રહી અને પછી ધીમેથી બોલી બેટા, આપણે જમીન છે અને પાણી પણ છે તું ખેતી કર એવું હોય તો અહીં કંઈક ધંધો કર તારે આર્મીમાં જવાની તે શી જરૂર પડી ? વેદ બોલ્યો માઁ મારે દેશની સેવા કરવી છે. પણ બેટા તારી માઁ ની સેવા કોણ કરશે ? તારા પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી તું એક જ તો મારો સહારો છે. અને હું જીવતા જીવ તને કેમ મૃત્યુના મુખમાં ધકેલી દઉ બેટા?? અરે માં કોણ કહે છે આર્મી એ મોતનું મુખ છે અરે માઁ આર્મી એ તો પોતાનામાં એક ભગવાનનું ઘર છે કે જે આપણી રક્ષા કરે અને એમાં પણ મને મોકો મળ્યો એ તો માઁ મારા નસીબ કહેવાય બાકી સામેથી સ્વર્ગ કોને આવકારે?? વેદના આ શબ્દોએ માઁ ના હૃદય પર અસર કરી નહતી અને કરે પણ ક્યાંથી, જ્યારે પોતાના એક જ સંતાન પાછળ દિવસ રાત નિકાળતી હોય અને એ પણ તેનાથી દૂર જવાની વાત કરે અને એ પણ ઘડપણ મા !

તું કઈ પણ કહે વેદ હું તને આર્મીમાં નહિ જવા દઉં, મારો આ પહેલો અને છેલ્લો જવાબ છે આટલું બોલી માઁ વેદનું માથું ખોળામાંથી નીચે મૂકી અને ઉભી થઇ ગઇ અને બીજા રમ તરફ ચાલવા લાગી ત્યાં દેવ નાના બાળકની જેમ માઁ ને પાછળથી બાથમાં ભીડી લીધી ને બોલ્યો માઁ મારી વાત તો સંભાળ, ત્યાં માઁ રુસ્ત આવજે બોલી ના આજે મારે કશુ સંભાળવુ નથી. અરે માં તું નથી ઇચ્છતી કે તારા પુત્રના બધા સપના પુરા થાય? પણ બેટા આવા સ્વપ્ન કોના હોય? આપણી પાસે સારી જમીન છે અને પૈસા ટેકે પણ સુખ છે તો હવે તારે આર્મીમાં જવાની શુ જરૂર? વેદે હળવેથી માઁ નો હાથ પકડી અને પલંગ પર બેસાડી અને બોલ્યો જો માં પહેલી વાત કે જે લોકો આર્મીમાં છે અને જે જવા ઈચ્છે એ લોકોને પૈસાનો કોઈ મોહ હોતો નથી બસ એ તો દેશ માટે અને આપણા માટે જીવતા હોય છે અને જો તેને પૈસા જ કમાવવા હોય તો તે ક્યાંક બીજી જગ્યા પર આનાથી સારા કમાઈ શકે,પણ નહિ એ લોકો માટે દેશની સેવા પહેલા હોય છે. જો વેદ આવી મોટી મોટી વાતો મારા ગળે ના ઉતરે, તું તારી માઁ નું તો વિચાર હું એકલી અહીં શુ કરીશ ? આ જમીન નું શુ કરશું?

આ સાંભળી અને જવાબ પહેલેથી જ તૈયાર રાખ્યો હોય તેમ વેદ બોલ્યો જો માઁ આ જમીનનું બધું જ કામ સુધીરકાકા સાંભળી લેશે મારી એની જોડે વાત થઈ ગઈ છે, અને તારા માટે હું રજાઓ પર તો હાજર રહીશ જ ને.

પણ બેટા તારા સિવાય આ દુનિયામાં મારું બીજું કોઈ નથી હો.... આ હૃદયથી પીસાયેલા શબ્દો સાંભળી વેદ બોલ્યો જો માઁ આ દેશની દરેક માઁ એના પુત્રને પ્રેમ કરે છે પણ જો તે આમ નિર્બળ બની જાય તો આર્મીમાં કોણ જશે? માઁ તારે મારી તાકાત બનવાનું છે જેથી હું દેશના દુશ્મનો સાથે લડી શકું આમ મને કમજોર ના બનાવ.આટલું સાંભળી માઁ ઉભી થઇ અને ચાલવા માંડી અને ચાલતા ચાલતા બોલી ક્યારે જવાનું છે?આ સાંભળી અને વેદ હરખાય અને માઁ ને ગળે વળગી ગયો, માઁ બોલી બસ હવે તું મને આટલો વ્હાલ કરીશ તો પછી બહુ યાદ આવીશ આટલું બોલતાની સાથે જ માઁ ની આંખો અશ્રુભીની થઈ ગઈ અને વેદ ને ગળે લગાડી લીધો.

વહેલી સવારે નીકળવાનું હતું માટે માઁ રાત્રે સામાન તૈયારી કરી રહી હતી અને સાથે સાથે શિખામણનું પોટલું પણ તૈયાર કરી રહી હતી. માઁ ની બધી વાતો વેદ ધ્યાન પૂર્વક સાંભળી રહ્યો હતો . અંતે બધું તૈયાર થયા પછી માઁ બોલી જો બેટા આ દુનિયામાં આવતાની સાથે બે માઁ ના કરજ તારા પર આવે એક તો એ કે જેણે તને જન્મ આપ્યો અને બીજી એ માઁ કે જેણે તને આશરો અને અન્ન આપ્યું. તે મારુ કરજ તો ચૂકવી દીધું હવે તારે આ ધરતીનું માઁ નું કરજ ચૂકવવાનું છે અને એમાં જરા પણ બાંધ-છોડ કરતો નહિ કારણ કે ધરતી માઁ પોતાની સેવા માટે તેના બધા પુત્રો ને મોકો નથી આપતા અને હું ખુશ છું કે મારી અને તારી બન્નેની માઁ એટલે કે ધરતી માઁ એ તને પસંદ કર્યો. જા બેટા તું દિલ દઈ ને સેવા કરજે. આટલું સાંભળી વેદ બોલ્યો માઁ તું એજ છે ને જે મને થોડા દિવસ પહેલા મને જતા રોકતી હતી? માઁ બોલી અરે બેટા એ તો હું તારા નિશ્ચયની તપાસણી કરતી હતી કે ક્યાંક દુશ્મનને જોઈ નિશ્ચય ડગી તો નહીં જાય ને, આવું કહી માઁ એ વેદના પ્રશ્નનનો ઉત્તર આપ્યો પણ ખરેખરની વેદના શુ હતી એ તો એ માઁ જ જાણતી હતી.

સવારે વેદની જોડે એની માઁ પણ સ્ટેશન સુધી આવી અને હસતે મુખે વિદાય આપી અને વેદના જવાની સાથે જ આંખોમાં રોકાયેલ અશ્રુ એકસાથે બહાર આવ્યા અને અશ્રુભીની આંખે માઁ એ ઘર તરફ પગલાં વાળ્યા માઁ ના મસ્તીસ્કમાં અનેક વિચારો આવી રહ્યા હતા. આ વિચારોમાં પગ એની રીતે જ રસ્તો શોધી રહ્યા હતા. અને આ વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એનું ભાન પણ ના રહ્યું. વેદની માઁ આજે આખો દિવસ ઘરના ઓટલા પર જ બેસી રહી તેણૅ ના તો કશુ ખાવાનું કે બીજી કોઈ વસ્તુનું ભાન હતું નહીં. બસ તે ઓટલે બેઠી બેઠી વેદના વિચારોમાં ખોવાયેલી હતી. વેદનું બાળપણ એના થકી ગુંજતું પહેલાનું ઘર અને આજનું સુમસાન ઘર આ બધું જ દેવની માઁ ની આંખોમાં ફરતું હતું. સવાર થી હવે રાત્રી થવા આવી હતી પણ વેદની માઁ હજુ ઓટલેથી ખસી ન હતી.

સંધ્યા સમય થવા આવ્યો હતો ત્યાં સુધીરકાકાની પત્ની આવ્યા અને વેદની માઁ ની નજીક જઈ બોલ્યા, ભાભી આ લ્યો હું તમારા માટે રોટલા લાવી છુ, વેદ જતા પહેલા કહી ગયો હતો કે થોડા દિવસ માઁ ને એકલું લાગશે માટે રોટલા પહોંચાડજો અને સાથે બેસજો એટલે એકલતા દૂર થઈ જશે.પુત્રની જતી વખતેની ચિંતા જોઈ માઁ ની આંખો હજી તો સુકાઈ નહતી ત્યાં ફરી ભીની થઇ ગઇ. સુધીરકાકાની પત્નીએ થાળી તૈયાર કરી અને આપી અને વેદની માઁ ને જમાડી. હવે તો લગભગ આ રોજનું થયું હતું માટે વેદની માઁ હવે સુધીરકાકાના પત્ની આવે એ પહેલાં જમવાનું બનાવી લેતા અને એ આવે પછી સાથે જમતા. હવે ધીરે ધીરે વેદની માઁ ને આ એકલતા પોતાની લાગવા લાગી અને તેને એકલતા સાથે સોદો કરી લીધો હોય એમ હવે રોજ ટેવાય ગયા. આ એકલતા ને લીધે તેણૅ ખુદ જોડે વાતો કરવાનું ચાલુ કરી દીધું અને એકલતા દૂર કરવાના પ્રયત્નો ચાલુ કર્યા અને બસ હવે તો તે એકલતા દૂર કરવા ખેતરમાં કામ કરવા ચાલ્યા જતા અને ત્યાં કોઈનો સાથ ન મળે તો ખુદ જોડે વાત કરી લેતા.

બીજી તરફ વેદ પોતાના કેમ્પમાં લોકો સાથે હળી-મળી ગયો હતો અને જ્યારે માઁ ની યાદ આવે ત્યારે બીજા લોકોની જેમ અંદર ને અંદર આંસુ વગર રોઈ લેતો. તેનું જીવન તદ્દન બદલાય ગયું હતું, જ્યાં ઘરે થાળીમાં જમવાનું આવી જતું એની જગ્યાએ બધુ હાથે જ કરવું પડતું, ધીરે ધીરે વેદ ને સમજાય ગયું કે આપણા કામ ખુદને જ કરવાના છે અને એમાં એ ટેવાય ગયો. સાથે સાથે ત્યાં એણે નવા મિત્રો પણ બનાવ્યા એમાંનો એનો એક મિત્ર હતો સાહિલ એ ત્યાંનો એન્જીન્યર હતો.

સાહિલ અને વેદ બન્ને એક બીજા સાથે વાતો કરતા અને યાદો તાજી કરતા અને ફરી પાછા મક્કમ બની પોતપોતાના કામે લાગી જતા. વેદ જે જગ્યા પર પોસ્ટિંગ થયો હતો એ જગ્યા જંગલમાં હતી કારણકે ત્યાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો આવી અને નશા યુક્ત સામાનનો સપ્લાય કરતા માટે આ જગ્યા પર જવાનો તૈનાત હતા અને અહીથી નાશયુક્ત સામાન સાથે ઘણીવાર એ લોકો પાસેથી તેના લોકોનો ડેટા પણ મળતો માટે સાહિલ ત્યાં કોમ્યુટર એન્જીન્યર તરીકે હતો આ સાથે હિડન કેમેરાથી ઘણી જગ્યા પર અહીં થી જ નજર રાખવામાં આવતી.

ધીરે ધીરે કરતા લાગભગ છ મહિના થઈ ગયા અને લગભગ દર મહિને સાહિલ અને વેદ રજા માટે એપ્લિકેશન આપતા પણ એની રજા મંજૂર થતી નહિ અને જેની રજા મંજૂર થઈ હોય તેને જતો જોય સૌ ના ચહેરા પર એમ વિચારી ખુશી છવાય જાય કે એકદિવસ અમે પણ આ રીતે ઘરે જશું.

આખરે છ મહિના પછી વેદની રજા મંજુર થઈ અને આ વાત ઘર સુધી પહોંચતા માઁ તો ખુશીથી પાગલ થઈ તૈયારીમાં લાગી ગઈ અને વેદને ભાવતી અને ગમતી વસ્તુનો સંગ્રહ કરવા લાગી અને આખું ઘર ચમકાવી દીધું, માઁ ની પહેલાની એકલતા જાણે સાવ ગાયબ જ થઈ ગઈ હતી,જ્યારે જોવ ત્યારે વેદની માઁ નો બસ હસતો જ ચેહરો દેખાય અને કોઈ આવે તો પહેલી વાત એ જ આવે કે મારો વેદ બે દિવસમાં આવે છે.

સવારે વેદ આવાનો હતો એ ખુશીને લીધે વેદની માઁ આખી રાત ઊંઘી ના શકી અને બસ એ જ ખ્યાલોમાં ડૂબી કે વેદ આવે એટલે આ કરીશ પેલું કરીશ,વેદની માઁ એ આખી સૂચિ મનમાં તૈયાર કરી લીધી. સવારે વહેલા ઉઠી વેદની માઁ બે કલાક પહેલા સ્ટેશન આગળ પહોંચી ગઈ, જેવી ટ્રેન આવી એટલે વેદની માઁ તેના પુત્રનો ચહેરા ગોતવા લાગી, ત્યાં ઓચિંતો વેદનો ચહેરો એની માઁ સમક્ષ રજુ થયો અને આ જોઈ વેદની માઁ સીધી વેદને ભેટી પડી . હવે તેના આંસુ રોકાયા નહિ એ ધ્રુસકે રડવા લાગી. આ જોય વેદ બોલ્યો આમ કોઈ નાના છોકરાની જેમ રોતું હશે, ચાલ હવે ઘરે બાકી અહીં લોકો કહેશે કે એક આર્મી મેન રડી પડ્યો. વેદની માઁ એ વેદનો સામાન ઉપાડ્યો આ જોઈ વેદ બોલ્યો રહેવા દે માઁ, મારુ કામ મને જ કરવા દે બાકી પછી ત્યાં તારી યાદ બહુ આવશે એમ કહી પોતાનો સમાન માઁ ના હાથમાંથી ઊંકકી લીધો. ઘરે પહોંચતા જ માઁ બોલી જા જલ્દી નાહી લે જવાનું તૈયાર છે, ત્યાં જમવાનું નથી આપતા કે શું જો તો કેવો દુબળો થઈ ગયો છે?અરે માં હું નહિ તું દુબળી થઇ ગઈ છે. આમ આખો દિવસ પુત્ર અને માતાના સવાંદો ચાલ્યાં.

હજુ એક પહોર વીત્યો હશે ત્યાં માઁ વાત - વાતમાં બોલી બેટા આ દુનિયાને શુ થયું છે, મેં તારા લગ્ન માટે ઘણી જગ્યા પર પુછાવ્યું, જમીન અને તારો ફોટો જોઈ ને તો માની જાય પણ જેવું કહો કે આર્મીમાં છે એટલે બધું પૂરું, એમ કહે કે અમે કેમ અમારી પુત્રીને જાણી જોઈ કૂવામાં ફેંકીએ, માઁ ના નિરાશા ભેર શબ્દો સાંભળી વેદ બોલ્યો માઁ તું પણ ને.... હજુ મારી ઉંમર જ શુ છે?? અને આમ પણ જે લોકો એવું વિચારતા હોય કે આ મોતનો કૂવો છે એની છોકરી જોડે મારે જ લગ્ન નહિ કરવા, માઁ બોલી છવ્વીસ વર્ષનો થયો ને તું કહે કે મારી ઉંમર જ શુ છે!!! કાલે તૈયાર થઈ જજે છોકરી જોવા જવાનું છે, પણ માઁ .... હજુ કશું બોલે એ પહેલાં વેદને માઁ એ રોક્યો અને બોલ્યા બેટા મારી એકલવાયી જિંદગીમાં કોઈ સહારો મળી જશે, મારા માટે બસ.... આમ કહી માઁ એ વેદને મનાવી લીધો. થોડીવાર રહી વેદ બોલ્યો પણ માઁ તેને આ જિંદગી પસંદ આવશે??તને તો હું દુઃખ આપું છું હું નથી ઈચ્છતો કે બીજું કોઈ પણ દુઃખી થાય. આ સાંભળી માઁ બોલી બેટા એ છોકરીના પિતા પણ આર્મીમાં હતા અને છોકરીની જ ઈચ્છા છે કે તેન લગ્ન એવા યુવક જોડે થાય કે જે દેશ માટે જીવતો હોય. આ સાંભળી વેદને શાંતિનો અનુભવ થયો.

વેદના લગ્ન તે છોકરી સાથે નક્કી થઈ ગયા અને વેદ સગાઈ કરી અને ફરી એ ચાલ્યો ગયો અને હવે તો વેદની માઁ અત્યારથી જ લગ્નની તૈયારીમાં લાગી ગઈ અને આ તૈયારીઓએ એનું એકલવાયું જીવન સપનાઓ સાથે જોડી દીધું હતું. બીજી બાજુ વેદની સગાઈની વાત સાંભળતા સાહિલ અને બીજા બધા મિત્રોએ અભિનંદન આપ્યા અને વેદને ખભા પર ઉઠાવી વધાવી લીધો. હકીકતમાં અહીં બધા લોકો એકબીજા સાથે ખૂબ હળીમળી રહેતા અને નાની નાની વાતોમાં ખુશી મેળવતા. અહીંની જિંદગી કંઈક અલગ જ હતી જાણે કે એક જ માઁ ના પુત્રો સાથે પ્રેમથી રહેતા હોય . અહીંની ખુશી ભલે નાની હોય પણ તેનો રંગ કંઈક અલગ જ હોય છે . અહીં એટલી સુવિધાઓ નથી હોતી પણ સુવિધા વગર જિંદગી સારી રીતે જીવવી એ શીખવા મળતું.

કાદાચ હવે આ ખુશી દુશ્મનોથી સહન ના થઇ માટે, ઘૂસણખોરોની એક ટુકડીએ અહીં કેમ્પ પર હુમલો કર્યો અને બીજી ટુકડી માલ સમાન લઈ અને બીજે રસ્તેથી નીકળી, આ વાતનો અંદાજો થતા વેદને પેલી સામાન લઈ ને ઘૂસતી ટુકડી રોકવા એક ટીમ મોકલી જ્યારે બીજી એક ટુકડી અહીં આ કેમ્પ પર થતો હુમલો રોકવામા લાગી . ઓચિંતો હુમલો થતા ઘણું નુકસાન થઈ ગયું હતું છતાં પણ સારી એવી લડત ચાલુ હતી.વેદની ટીમ જેવી પહોંચી ત્યાં આંધળી રીતે ફાયરિંગ ચાલુ થયું અને એમાં સામેની ટુકડીના લગભગ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાથે પોતાની ટીમના પણ સૈનિકો શહીદ થયા હતા, વેદે ઝડપથી બધાને તપાસવાનું ચાલુ કર્યું અને એમાં અના હાથમાં ઘણો એવો નશા યુક્ત સામાન મળ્યો સાથ તેને એક મરેલા યુવકના બુટને જોયુ તો તે નીચેથી તૂટેલું દેખાયું એણે તેને તાપસ્યું તો એક પેનડ્રાઇવ નીકળી, વેદ અને એની ટીમના બાકી રહેલા છ સભ્યો છાવણી તરફ જવા નીકળ્યા. લગભગ અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સાહિલ એક હાથમાં લેપટોપ અને બીજા હાથમાં ગન લઈ અને ઘાયલ હાલતમાં સામે આવતો હતો. સાહિલ હાંફતો હાંફતો આવી બોલ્યો મેં તમને ત્યાં લગાવેલ કેમેરામાં જોયા માટે ત્યાંથી લેપટોપ લઈ ભાગી નીકળ્યો. અને ત્યાં બધું ખતમ થઇ ગયું, એ લોકો એ મને જોઈ લીધો છે, તું જલ્દી પેનડ્રાઈવ લાવ હું જેથી હું બધો ડેટા સીધો ટ્રાન્સફર કરી દઉં, હજુ વેદ પેનડ્રાઈવ આપવા જતો હતો ત્યાં ફાયરિંગ ચાલુ થયું. વેદે જલ્દી પેનડ્રાઈવ આપી અને ઓર્ડર આપ્યો કે બધા સાહિલ ફરતે રાઉન્ડમાં ગોઠવાય જાવ . સાહિલને વચ્ચે રાખી બધા સૈનિકો ઉભી ગયા અને વચ્ચે સાહિલ બધો ડેટા ટ્રાન્સફર કરવા લાગ્યો ત્યાં તો ગોળીઓના અવાજ વધુ તીવ્ર બન્યા અને એની સાથે જ સાહિલની આગળ ઉભેલો સૈનિક નીચે પડી ગયો. વેદ બોલ્યો મિત્રો થોડીવાર હજુ ઉભા રહો બસ એકવાર આ ડેટા પહોંચી જાય એટલે આપણું બલિદાન સફળ જાય, આ બોલતાની સાથે વેદના પગમાં ગોળી વાગી છતાં તે ફરી ઉભો થયો અને ફરી ગોળીઓ છોડવાની ચાલુ કરી. વચ્ચેથી સાહિલ બોલ્યો બસ થોડીવાર હજુ, પણ ત્યાં તો ધીરે ધીરે એક પછી એક નીચે પડી ગયા અને અંતે વેદ પણ નીચે જમીન પર પડી ગયો આ જૉઈ સાહિલ લેપટોપ વેદની પડખે મૂકી અને ફાયરિંગ ચાલુ કરી અને ગોળીઓ સાથે બોલતો જતો હતો અરે હું એકલો કેવી રીતે મરું તમને પણ લેતો જઈશ, ત્યાં એક ગોળી આવી અને એ જમીન દોસ્ત થઈ ગયો આ જોઈ પેલા લોકો લેપટોપ આગળ આવી તેને લેવા ગયા ત્યાં વેદે તેને ધક્કો મારી ઉભા થઈ અને છરી લઈ ખોપી દીધી આ જૉઈ સાહિલ ઉભો થયો અને તે લેપટોપ આડો આવી ગયો જેથી લેપટોપની ગોળી વાગી ને બંધ ના થઈ જાય, સારી એવી લડત પછી વેદ અને સાહિલ સદા માટે ઢળી પડ્યા અને આ સાથે બધો ડેટા હેડ ઓફિસે પહોંચ્યો અને ત્યાં આર્મીની બીજી ટુકડી પહોંચી અને જોયું તો બધું પૂરું થઈ ગયું હતું.

જ્યારે વેદનું આ પવિત્ર શરીર એની ઘરે પહોંચ્યું ત્યારે થોડીવાર માટે વેદની માઁ રડી પણ ના શકી એને એમ જ લાગતું કે વેદ હમણાં માઁ માઁ કરતો આવશે પણ આ બધું...વેદની માઁ હવે ફરી એકલી થઈ ગઈ એના બધા સપનાઓ એક સાથે. તૂટી ગયા . વેદની માઁ રુદન કરતા કરતા એક જ વાત બોલી રહી હતી "આંધળાની માઁ ને એક જ આંખ હતી અને હવે તે પણ ઓલાય ગઈ". વેદની માઁ પાસે તો હવે એ પણ આશ નહતી કે મારો પુત્ર રજા પર તો આવશે. બસ હવે તેની પાસે હતું માત્ર એકલવાયું જીવન અને એક વિચાર કે હવે જિંદગીનું શુ કામ??

આજે ઘણા લોકો શહીદ આર્મી મેનની ફેમેલીને પૈસા આપે એના બાળકોનો ભણવાનો ખર્ચ ઉઠાવે. ખરેખર એ સારી વસ્તુ છે પણ આપણે ક્યારેય એના પરિવારના સદસ્યની કમી પૂર્ણ ન કરી શકીએ કારણકે ત્યાં કોઈને પિતાની તો કોઈને પતિની તો કોઈના માટે પુત્રની જગ્યા સાવ ખાલી થઈ ગઈ છે. આ લોકોને ખરેખર પૈસા કરતા જરૂર છે એની ખાલી અને એકલવાયી જિંદગીને થોડો સમય આપવાની. કદાચ પૈસા હશે કે નહીં હોય પણ કદાચ આપણા થોડા સમયને લીધે એના પરિવારમાં થોડી ખુશી આવે એ મહત્વની વાત છે.

(2)

* બેટી બચાવ?????*

એક દિવાલ પર મેં વાંચેલું કે બેટી બચાવો પણ કોનાથી? આ વાક્ય સરસ હતું પણ રાજનીતિના અક્ષરોથી અંકિત થયેલું હતું. મેં વિચાર્યું કે આજે આમ તો લગભગ સૌના દિલમાં છોકરા અને છોકરી બન્ને પ્રત્યે સમાન ભાવ જોવા મળે છે તો પછી હજુ પણ કેમ લોકો બેટી બચાવોનો નાદ કરે છે? આજે 70% ઘરમાં એવું છે કે છોકરીનો જન્મ થાય તો પણ લોકો નારાજ નથી થતા પણ આ 70% લોકો વિશે એમ તો ના કહી શકાય કે છોકરી આવે તો ખુશ થાય છે, પણ હા તે નારાજ તો નથી થતા.

મુદ્દાની વાત એ છે કે અત્યારે બધા ને લાગે છે કે બેટી બચાવો એટલે બાળકીને જન્મ આપવો અને આ દુનિયામાં એને રહેવાનો મોકો આપવો અથવા તો છોકરા અને છોકરીને સમાનતા આપવી. હકીકત માં સાચા અર્થમાં તો આ વસ્તુ બધા લોકો કરે છે પણ જે વસ્તુ ખરેખર કરવાની છે એ છે "વિશ્વાસ". આજે છોકરીઓ પણ ભણૅ છે અને છોકરાઓ પણ અને જે છોકરીઓ ને ભણાવે તે એમ સમજે છે કે અમે દિકરીઓનું જતન કરીએ છે અને છોકરા જેટલી જ સમાનતા આપીએ છે પણ એ વાત ફક્ત બાહ્ય રીતે સાચી છે આંતરિક રીતે તો કંઈક અલગ જ છે હવે હું સમજવું કે કઈ રીતે...

જ્યારે છોકરો બહાર ભણતો હોય ત્યારે માતા પિતાને એટલી ચિંતા નથી થતી જેટલી છોકરી બહાર ભણતી હોય ત્યારે થાય.ખરેખર શું આ ચિંતા છે? કે પછી અવિશ્વાસ?

દર વખતે એવું નથી હોતું કે અવિશ્વાસ જ હોય પણ હા જો ફક્ત છોકરી પ્રત્યે જ ચિંતા હોય તો આ હકીકતમાં ચિંતાની આડમાં અવિશ્વાસ છે. જ્યારે બીજા કોઈ નહિ પણ જ્યારે છોકરી ફોન પર ચેટ કરતી હોય કે વાત કરતી હોય ત્યારે જ ચિંતા થવી એ પણ એકજાતનો અવિશ્વાસ જ છે . જ્યારે છોકરો છોકરીને જોવા જાય અને છોકરી સાથે વાત કરવા ઈચ્છે તો એ ઠીક પણ જ્યારે છોકરી ઈચ્છે કે મારે જે છોકરો મને લગ્ન માટે જોવા આવે એની જોડે વાત કરવી તો એ " વધુ ભણેલી છોકરીની " નિશાની આવું કેમ શુ આ સમાનતા છે??

હકીકતમાં આમાં માતા પિતાનો કે વડીલોનો આવો કોઈ ઉદ્દેશ હોતો નથી પણ આવા વિચાર આવે અને ચિંતા અવિશ્વાસમાં પરિવર્તન પામે એનું કારણ છે " સમાજ " . બસ એ જ વિચારે કે સમાજ શુ કહેશે ? સમાજમાં કેમ રહેશું?? હકીકતમાં સમાજ નો મતલબ છે"સમ + આજ" એટલે કે બધા ભેગા મળીને આજના દિવસને કે યુગને સમાન બનાવીએ . પણ આજે બધાને ઉપર લાવવાનો બદલે હું સમાજમાં ઉપર કેમ આવું એના પ્રત્યે વિચારવાનું ચાલુ કર્યું માટે આ વિચાર સમાજ ને કે ખુદને કોઈને આગળ જવા દેતા નથી.સમાજના અમુક નિયમ હોય છે જે વૈજ્ઞાનીક રીતે પણ માન્ય છે પણ જ્યારે લોકો જ્યારે નિયમને પોતાનો મજબૂત પાસો(જેમ કે દીકરીને મર્યાદાનો મોભો બનાવીને) અને બીજાનો નિર્બળ પાસો ગણી અને બીજાને નીચા દેખાડવા પ્રયત્ન કરે ત્યારે આવી સમસ્યાઓ ઉભી થાય .

આ બધા પાછળનું એક કારણ નારી ખુદ પણ છે, ક્યારેક પોતાના ફાયદા માટે નારી જ્યારે ખુદને નિર્બળ બતાવે અને કામ થયા બાદ સબળ અને ખૂંખાર બતાવાનો પ્રયત્ન કરે પણ જ્યાં સુધી નારી પોતાના એક કર્મનું ફળ બીજુ કર્મ કરતી વખતે ફળ સ્વરૂપ મળે એવી આશા છોડશે તો જ આગળ આવશે જેમ કે જ્યારે બસમાં મુસાફરી કરો ત્યારે જો કોઈ પુરુષ બેઠો હશે અને સ્ત્રી ઉભી હશે તો જેટલી પણ સ્ત્રીઓ હશે તે એ જ વિચારશે કે આ પુરુષમાં શુ આટલી પણ સભ્યતા નથી?? પણ જ્યારે ઓફિસમાં કામ કરતી વખતે પુરુષથી એમ બોલાઈ જાય કે સ્ત્રીથી આટલું કામ નહીં થાય તો સ્ત્રી એમ સમજે કે પુરુષ અમને નબળી સમજે પણ હકીકતમાં આ નબળાઈ સ્ત્રીએ જ બતાવી છે. બીજી વાત કે જ્યારે આવા વાતાવરણમાંથી બહાર નીકળેલી સ્ત્રી માઁ બને ત્યારે એ પોતાને ઊંચી બતાવવા માટે ફરી તેની પુત્રીને આ જિંદગી જીવાડે.

બધા આજે એ જ વિચારે કે કોઈક આ નવું ચાલુ કરે પછી હું કરું પણ કોઈ એ નથી વિચારતું કે આ મારાથી જ ચાલુ થવું જોઈએ. લોકો એમ સમજે છે કે અમે બાળકીને દૂધપીતી નથી કરતા અમે અત્યાચાર નથી કરતા માટે બેટી બચાવો અમારા માટે નથી પણ એણે કોણ સમજાવે કે સ્વાભિમાન ઘવાય એ કરતા મોત બરોબર છે.

-BHAVESHSINH PARMAR