ફિટકાર
પ્રકરણ - ૨
પૂજાઘરને તાળું મારી દેવ બારી પાસેના ખુરશી ઉપર બેઠો. હવે એને લક્ષ્યમાં આવ્યું કે મા લગ્નની વાત કેમ કરતાં હતા ? આજે જે ઘટના બની શું મા ને એની જાણ થઇ હશે ? ચોક્કસ થઇ હશે. એટલે જ તો અવાજ સાંભળતાની સાથે મા ની ગરદન પૂજાઘર તરફ ફરી હતી. હવે સુમિયામા શાંત સુઈ ગયા હતા. પરંતુ દેવ માટે આગળની પરિસ્થિતિ કંટ્રોલ કરવી ખુબ જ જરૂરી હતું. સિદ્ધિઓને જાગૃત કરવી અને એને કંટ્રોલ કરવી ખુબ જ વિદ્યા-શક્તિ માંગી લે છે. સામેના પાત્ર ઉપર અંકુશ ખુબ જ જરૂરી થઇ પડે છે. જાગ્રત રૂહજો સ્વચ્છંદી બને તો ઘણું નુકસાન કરી શકે છે. કારણ કોઈને પણ અંકુશ માન્ય ના હોય. પરંતુ દેવ માટે એ બહુ મુશ્કેલ નહોતું. એ ઘણી બધી વિદ્યામાં માહિર તાંત્રિક હતો. ફક્ત પોતાના સ્વાર્થ માટે એનો ઉપયોગ કરી શકતો નહિ.
દેવ અઢાર વરસનો થયો ત્યારથી એના પિતાએ પોતે હસ્તગત કરેલ સિદ્ધિઓ અને વિદ્યાઓ દેવને શીખવવાનું શરુ કરી દીધું હતું. દેવને ઘણાં કડક નિયમ પાળવા પડતા. આવી સિદ્ધિઓ માટે પાત્રતા યોગ્ય હોવી જરૂરી હોય છે. જીવને પણ જોખમ હોય છે, તેમજસમાજને એનાથી નુકસાન ન થાય તે પણ લક્ષ્યમાં રાખવાનું હોય છે. દેવ અને એના પિતા ઘણીવાર એમના ગુરુઓ સાથે રાત્રે ધનિયાખલીના સ્મશાનઘાટ ઉપર પૂજામાં બેસતા. દેવ પણ પિતાની રાહ ઉપરજાય છે, એ વાતની ખબર આજ સુધી સુમિયામા નેનહોતી. દેવના પિતા આમ તો ખેડૂત હતા. શાહુકાર બિમલદા દેવના પિતા સોમદાને પોતાના ચુંગલમાં ફસાવવાની કોશિશમાં રહેતાં. એમની જમીન અને શાહુકારની જમીન બાજુ-બાજુમા હતી. ગામના ખેડૂતો માટે સોમદા તારણહાર જેવા હતાં. એ હંમેશ બધાને મદદ કરતાં. બધાના પડખે ઉભા રહેતાં. ગામના લોકોએ એમને આગેવાન તરીકે નીમેલા. એમનો શબ્દ બધા માટે લકીર જેવો હતો. ગામના શાહુકાર બિમલદાને એ વાત ખુબ ખુંચતી. શાહુકાર સામે કોઈ ટકી શકે તો એક જ વ્યક્તિ હતી - સોમદા.
આમતો બંગાળમાં ચોખાનો પાક જ બધાં ખેડૂતો લેતા હોય છે. સોમદા અને આજુબાજુના બધાં ખેતરોમાં એક સરખો પાક હોય. બધાજ ખેડૂતો પોતાનો પાક શહેરમાં જઈ વેંચતા જે શાહુકારને પસંદ નહોતું. તેથી ગામના ખેડૂતો અને સોમદા શાહુકાર બિમલદાને આંખમાં કણાની જેમ ખૂંચતા.
શાહુકારને એક દિકરો હતો નામ પ્રતિપ. પ્રતિપ ભણવામાં હોશિયાર હતો તેથી, શાહુકારે એને ડોક્ટરીનો અભ્યાસ કરવા ફોરેન મોકલ્યો હતો. પ્રતિપ જયારે ડોક્ટર ની ડિગ્રી લઇ આવ્યો ત્યારે ગામ લોકોએ
એને આનંદથી આવકાર્યો હતો અને જલસો કર્યો હતો. લોકોના પ્રેમથી પ્રતિપ બહુજ ખુશ હતો. પ્રતિપના વિચારો પણ સોમદા જેવાં પ્રજા હિતકારી હતા. શાહુકારે ડોક્ટર પ્રતિપને એક દવાખાનું ખોલી આપ્યું.
ગામના લોકોને એનો વ્યવહાર ગમતો. પ્રતિપ દર્દીના પરિસ્થિતિ અનુસાર પોતાની ફી લેતો. ગામના ઘણાં લોકોની સારવાર એ મફતમાં જ કરતો, જે શાહુકારને નહિ ગમતું. તેથી બંને બાપ-દિકરા વચ્ચે તકરાર થઇ જતી. શાહુકાર બહુ લોભી હતો. ગામમાં ઘટતી જતી શાખ અને માનને લીધે એ કાયમ અકળાયેલો રહેતો. પૈસાની ભૂખ એને કાયમ રહેતી. જરૂરિયાત મંદોને ભારે વ્યાજે નાણાં ધીરતો.ગરીબોની જમીનો પચાવી લેવા પ્રયત્ન કરતો. વારસામાં ઘણું મળેલ હતું છતાં લક્ષ્મીની ભૂખ ભારે! લોભ અતિ ભારે !
બિમલદાએ દિકરા પ્રતિપના લગ્ન લેવાના નક્કી કર્યા. ગામના મહારાજને છોકરી શોધવાં કહ્યું. સુંદર, સુશીલ અને પૈસાદાર ઘરની. પૈસાદાર ઘરની હોય તો દહેજમાં ઘણું લાવશે એવી એમની ગણતરી હતી. પ્રતિપને થોડાક સ્થળો બતાવ્યા, પરંતુ છોકરી પસંદ ના પડી. જે છોકરી પસંદ પડી તે છોકરીના પિતા બહુ પૈસાદાર નહોતા. થોડીક જમીન જાયદાદ શિવાય. આખરે હા, ના કરતા કરતાં પ્રતિપના લગ્ન થયા, પરંતુ શાહુકારને બહુ આનંદ નહોતો થયો.
નવવધૂ આભા સુશીલ, શિક્ષિત અને ઉચ્ચ વિચારવાળી હતી. જૂનો રુડીવાદ એને પસંદ નહોતો. પ્રતિપ અને આભાના વિચારો એકબીજાને મળતા હતા. ઘરમાં ચાલતી સસરાજીની અમુક પ્રવૃતિઓનો અણસાર એને હતો જે બહુ સારો નહોતો. પરંતુ હાલમાં તો એ નિભાવવા શિવાય કોઈ છૂટકો નહોતો. તેથી તે ઘણી વાર આંખ આડા કાન કરી દેતી.
લગ્ન બાદ આભા પહેલી વાર પિયર ગયી ત્યારે બિમલદાએ પોતાના મુનીમજી જોડે સંદેશો મોકલ્યો કે આણાંમાં (અસ્તોમંગલામાં) અમુક ચીજ વસ્તુઓ જરૂરથી મોકલવી. માંગેલી વસ્તુઓ કિંમતી હતી. સાથે ધમકી પણ આપી હતી કે પ્રતિપને આ વાતની ખબર ના પડે. આભાનાં માતા-પિતા ચિંતામા પડી ગયા. બિમલદાની માંગને પહોંચવું એમના માટે ગજા બહારની વાત હતી. એમની બીજી દિકરી અદિતિના લગ્ન પણ લેવાના હતા. આભા અને અદિતિ બંને જુડવા બહેનો, આભાના જન્મ બાદ દસ મિનિટ પછી અદિતીનો જન્મ થયેલો. બંને દેખાવમાં એકદમ ઝેરોક્સ કોપી સમજી લ્યો. પરંતુ જન્મથી માંદગીને લીધે અદિતિ ભણવામાં પાછળ હતી. તેથી શિક્ષણના આધારે આભા પ્રતિપને ગમી હતી.
આભાના માતા પિતાએ જમાઈ પ્રતિપને છાનીમાની વાત કરી. પ્રતિપે આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહિ. બંગાળી કુટુંબમાં લગ્ન પછી સાડા પાંચ દિવસ બાદ સાસરા પક્ષવાળા આણું કરવા નવવધુના ઘરે જાય છે અને અઢી દિવસ વેવાઈને ત્યાં રહી આઠમાંદિવસે નવવધુને લઇ પાછા વળે છે. એને અસ્તોમંગલા કહે છે. પરંતુ રિવાજને બાજુએ મૂકી પ્રતિપ નવવધુ આભાને જાતે જઈને તેડી લાવ્યો હતો. બિમલદા ને ગમ્યું નહિ. દિકરા જોડે ફરી તકરાર થઇ. હવે બંને વચ્ચે ઘણીવાર નાની મોટી વાતોને લીધે કંકાસથતો. પિતાજીના વ્યવહારથી કંટાળી જઈ દવાખાનું બંધ કરી, બહાર ડોક્ટર તરીકે નોકરી કરવાનું નક્કી કર્યું, નસીબ સંજોગે ગુજરાતના એક ઉત્તમ કક્ષાના હોસ્પિટલમાં નોકરી મળી ગયી.
પ્રતિપ હોસ્પિટલમાં હાજર થયો અને આભાને પિતાજી પાસે એક બે મહિના રહેવાની વાત કરી. એક બે મહિનામાં આભાને એ લઇ જશે એની બાહેંધરી આપી.
દર વર્ષની જેમ ગામમાં દુર્ગા પૂજા હતી અને આજે છેલ્લો દિવસ હતો - દુર્ગા વિસર્જનનો. તેમાં બધાજ ગામવાસીઓ પૂજામાં ભાગ લેતાં. વિસર્જન પહેલાં “સિંદૂર ખેલાનો” કાર્યક્રમ પણ હતો. ગામની બધીજ સૌભાગ્યવતી મહિલાઓ ત્યાં હાજર હતી. આ કાર્યક્રમનો આનંદ સ્ત્રીઓ ખુબજ ઉમળકાતી લેતી હોય એટલે પૂજા મંડપમાં આજે એની ઉજવણી બહુ સરસ ગોઠવેલ હતી. કાર્યક્રમ બાદ મોડી રાત્રે બધાં લોકો પોતપોતાના ઘરે પહોંચી ગયા. પરંતુ આભા ઘરે પહોંચી નહોતી.
(ક્રમશઃ)