ઢળતી સંધ્યાએભાગ : 4
રૂપેશ ગોકાણી
“ઓહ હો, સુભાષકુમાર, આવી ગયા તમે?” ઘરેથી ગુસ્સે થતો સુભાષ જેવો પોતાના મિત્રોને મળવા ગયો ત્યારે તેમાંથી એક મિત્ર રાજને મજાક કરતા પુછ્યુ. “રાજન હું જરાય મજાકના મુડમાં નથી અને એ પણ લગ્ન બાબતની મજાક તો જરાય સહન નહી થાય મારાથી તો પ્લીઝ તારો બકવાસ બંધ જ રાખ એ સારૂ છે.” સુભાષે સિગારેટ હાથમાં લેતા કહી જ દીધુ. “અરે યાર, કાલ્મ ડાઉન. લગ્ન બાદ આવી મજાક તો થાય જ હો. એમા ગુસ્સો ન ચાલે.” બીજા મિત્ર મહેશે કહ્યુ. “શું મજાક યાર??? લગ્ન..... લગ્ન...... લગ્ન...... અણગમતા બંધનમાં મને મમ્મી પપ્પાએ બાંધી દીધો અને એ પણ અણગમતા પાત્ર સાથે.” સિગારેટનો ઊંડો કસ ખેંચતા સુભાષે નિઃશાસો નાખતા કહ્યુ.
“કેમ શું થયુ યાર? લગ્નના બીજા જ દિવસે આમ કેમ બોલે છે? સુહાગરાતમાં મજા ન આવી કે પછી.....???” રાજન બોલ્યો ત્યાંમહેશ અને નિલય બધા ખડખડાટ હસી પડ્યા.
“રાજ્યા, મજાક નહી, તને કહ્યુ ને? નહી તો બે ચાર અવળા હાથની પડી જશે તને.” ગુસ્સાથી લાલચોળ થતો સુભાષ બોલી ઉઠ્યો. “કાલ્મ ડાઉન યાર. આઇ એમ સોરી, લે ચા પી અને મગજને શાંત કર.” રાજને સુભાષને ચા આપતા કહ્યુ. “હવે શાંતિથી અમને કહે કે શું થયુ??? આમ ગુસ્સો કરવાથી તારી પ્રોબ્લેમનો હલ નહી આવે. મિત્રો સાથે પ્રોબ્લેમ શેર કરવાથી જ કાંઇક હલ નીકળશે.” નિલયે સુભાષને શાંત પાડતા પુછ્યુ. “કાંઇ નહી યાર, ગામડાની ગમારણ સાથે મમ્મી પપ્પાએ મને બાંધી દીધો છે, ન તો તેને બોલવાની કાંઇ સમજ છે, ન તેને લગ્ન જીવનની કાંઇ ખબર છે. મમ્મીની જીદ્દ સામે મારુ કાંઇ ચાલ્યુ નહી બાકી તને તો ખબર છે આ એક જ પ્રકારની દાળ ખાવી એ સુભાષની ફિતરત નથી, આપણે તો કોઇ દિવસ ગુજરાતી તો કોઇ દિવસ પંજાબી ખાવાની આદ્દત છે.” અહમના સુરે સુભાષ બોલી ઉઠ્યો. “યાર જ્યાં સુધી લગ્ન થયા ન હતા ત્યાં સુધી તો ઠીક છે પણ હવે આ અલગ અલગ દાળ ખાવાની વાતો છોડી દે અને શાંતિથી ભાભી સાથે જીવન પસાર કરવામાં જ શાણપણ છે.” નિલયે તેને સમજાવતા કહ્યુ. “હવે આ શાણપણની વાતો તારા મોઢે તો જરાય સારી લાગતી નથી નિલ્યા. મને બધી ખબર છે તારી. લગ્ન બાદ પણ તુ કેટલા અને ક્યા પ્રકારની દાળ કઇ હોટેલમાં ખાવા જાય છે તેનુ લિસ્ટ આપુ તને?” સુભાષે નિલયની ટાંગ ખેંચતા કહ્યુ. “અરે યાર એ તો ક્યારેક ક્યારેક એવી મોજ મસ્તી હોય, બાકી હું મારી પત્નીને સંપુર્ણ વફાદાર છું. “ નિલયની પોંલ છતી થતા તે ધીમે ધીમે બોલ્યો. “તારી ગોવાની ટ્રીપ વિષે જાહેરમાં બોલુ? ગોવાનું પેલુ લ્યુ બીચ??? ત્યાં તુ અને તારી ફ્રેન્ડ........ કોણ શું નામ હતુ તેનું??? તમે બન્ને એ બીચ પર..........” “બસ બસ સુભાષ, બસ કર. મારી શરેઆમ પોલ છતી કરવાનુ રહેવાદે ભાઇ. ભૂલ થઇ ગઇ મારી કે તને સલાહ આપવા આવ્યો. હવે કોઇ દિન તને સલાહ નહી આપુ.” નિલયે હાથ જોડતા કહ્યુ. “યસ, યે હુઇ ના કુછ બાત. લગ્ન થાય, છોકરા થાય કે માથે સફેદ વાળ આવે, સુભાષ કોઇ દિવસ બદલવાનો જ નથી. સિગારેટ, સરાબ અને સબાબ મારી કમજોરી છે યારો. અને તેના વિના તો મારા દિલને ક્યાંય ચેન ન પડે. સમજ્યા નિલય ભાઇ???” મોઢા માંથી સિગારેટનો ધુમાડો નિલયના ચહેરા પર ઉડાવતા સુભાષ ખડખડાટ હસી પડ્યો અને બાઇક સ્ટાર્ટ કરતો વાયુવેગે ત્યાંથી નીકળી ગયો.
“પગે લાગુ બાપુજી.” માલતી તેના સસરાને ચા આપતા બોલી. “અરે.... અરે...... બેટા, સૌભાગ્યવતી રહો.” “ચા, બાપુજી.” માલતીએ ચા આપતા કહ્યુ. “વાહ!!! શું સ્વાદ છે ચા નો...... બહુ સ્વાદિષ્ટ ચા બનાવે છે તુ બેટા.” ચા નો પહેલો જ ઘુંટ લેતા માલતીના સસરા ભગવાનદાસ બોલી ઉઠ્યા.
“૧૦૦ ટકા સાચી વાત કરી તમે. માલતીના હાથમાં જાદુ છે. ગૃહલક્ષ્મી બનીને આવી છે માલતી આપણા ઘરે. આપણા અને સુભાષના નસિબ ખરેખર સારા છે કે આપણા ઘરમાં માલતી ગૃહવધુ બનીને આવી.” મંજુબેન પાછળથી આવતા બોલ્યા. “ઇ તો સાચુ માજી પણ મને ઇ ચુલો સળગાવતા અને તમારી જેમ બોલતા શીખાળજો, તમારા દિકરા મને કેતા’તા કે મને શહેર વારાની જેમ બોલતા નઇ આવળતુ.” ભોળી માલતી તેના દિલની વ્યથા રજુ કરતા બોલી ગઇ ત્યાં તેના સાસુ-સસરા બન્ને હસી પડ્યા. “દિકરી એ તો મનેય ન આવડતુ. તારી જેમ હું પણ ગામડાની જ હતી. તારા સસરા સાથે લગન કરીને આવી ત્યારે હું પણ તારી જેમ જ બોલતી પણ તારા સસરાએ ધીમે ધીમે બધી રિતભાત મને શિખવી દીધી.”
“હા બેટા, હું જાણું છું કે મારા સુભાષમાં થોડી ચંચળતા છે પણ તું જરાય ચિંતા ન કરજે, હું અને તારા સાસુ અમે બન્ને તને બધી શહેરની રિતમાં ઢાળી દઇશું.” માલતીના સસરાએ તેને સાંત્વના આપતા કહ્યુ. “સારૂ બાપુજી.” કહેતી માલતી પોતાના માથે ઓઢેલી સાડીનો પલ્લુ સંભાળતી ત્યાંથી જતી રહી. “સુભાષના પપ્પા, ખરેખર આપણે નસીબદાર છીએ એટલે જ આપણા ઘરે માલતી આપણી કુળવધુ બનીને આવી.” “હાસ્તો મંજુ. ચાલો હવે હું દુકાને જવા નીકળું છું અને સુભાષને ઘરે મોકલુ છું. એ આવે એટલે માલતીને તેની સાથે બહાર ફરવા મોકલજે, એટલે થોડુ સુભાષ સાથે શહેરમાં હરેફરે તો તેને દુનિયાદારીની ખબર પડે અને અહીની રિતભાંત વિષે જાણે.” ચા નો કપ ખતમ કરતા ભગવાનદાસ મંજુબેનને સલાહ આપતા નીકળી ગયા. “સુભાષ બેટા, હવે તુ તારે ઘરે જા. હજુ લગ્નને બીજો જ દિવસ છે અને તુ વહેલો દુકાને આવી ગયો એ સારૂ ન કહેવાય. તુ તારે ઘરે જા અને માલતીને શહેરની દુનિયા બતાવ જેથી તે આપણા ઘરની રિત મુજબ ઢળી શકે અને તેની રહેણીકરણીમાં જે ગામડાની છાપ ઉપસી આવે છે તે પણ શહેરની ચમકદમકમાં ભુંસાઇ જાય.” ભગવાનદાસે આવતાવેંત જ સુભાષને કહ્યુ. “ઠીક છે પપ્પા.” સુભાષને તો ભાવતુ હતુ અને વૈધે કહ્યુ તેવુ થયુ. તે પાંચ જ મિનિટમાં કામને આટોપી બહાર નીકળી ગયો.
“હુર્રેર્રેર્રે...... થેન્ક્સ અ લોટ પપ્પા. તમે સામેથી મને આઝાદી બક્ષી દીધી. આજે હું મારા લગ્નની ખુશી મનાવીશ, પણ સોરી પપ્પા, માલતી સાથે નહી પણ બીજા કોઇ સાથે અને એ પણ મારી મરજી મુજબ, મારી મનપસંદ જગ્યાએ. હીયર વી ગો........આઇ એમ કમીંગ ફ્રેન્ડસ...” બાઇકને વાયુવેગે હંકારતો સુભાષ દુકાનેથી ક્યાંક જવા માટે નીકળી ગયો.
“અરે યાર તારે ભાભીને શહેર દેખાડવા જવાનુ હતુ, યાદ છે કે?”
“હવે તુ બંધ થા ને યાર, આવા મસ્ત માહોલમાં તુ એ અભણનું નામ લઇને શું માહોલને ખરાબ કરે છે?” પોતાના એક ખાલી ફ્લેટ પર મહેફિલ જમાવી બેઠો સુભાષ બરાડી ઉઠ્યો. “સોરી યાર, મને એમ કે તારે જવાનુ મોડુ થતુ હશે તો મે કહ્યુ.” સવારથી દુકાનેથી નીકળી ગયેલો સુભાષ મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે તેના માતા-પિતા તો સુઇ ગયા હ્તા પરંતુ માલતી તેની રાહ જોતી જાગતી હતી. તેને આવતો જોઇ તે ઉભી થતી તેને સંભાળવા લાગી. લથડીયા ખાતો સુભાષ માલતીની બાહોમાં ફસડાઇ પડ્યો.
માલતીને પણ તેના પતિના સહવાસની ઇચ્છા હતી અને નશામાં ચુર સુભાષ પણ તેના હોંશકોશ ભુલી બેઠો હતો ત્યારે એ રાત્રી બન્ને એકબીજામાં સમાઇ ગયા.
વહેલી સવારે જ્યારે સુભાષની ઊંઘ ઉડી ત્યારે તેની અને માલતીની પરિસ્થિતિ જોઇ તે સમજી ગયો કે ગઇ રાત્રીએ બન્ને વચ્ચે સબંધ બંધાઇ ગયો છે જે તે ક્યારેય ઇચ્છતો ન હતો પણ જે થયુ તેનો વિચાર સુધ્ધા કર્યા વિના તે કોઇને કાંઇ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો. દરરોજની તેની નક્કી પાનની દુકાને એકલો બેઠો તે બધુ વિચારી રહ્યો હતો. એક પછી એક સિગારેટના કશને ખેંચતો તે આગલી રાત્રીએ કરેલી ભૂલને વાગોળતો રહ્યો. તે માલતી જેવી અભણને તેના જીવનમાંથી દૂર ફેંકવાના વિચારમાં હતો પણ કુદરતની કરામતે તેનાથી ઉલ્ટુ જ બની ગયુ. હવે કોઇપણ હિસાબે માલતીને અપનાવવી એવુ વિચારી સુભાષ ઘરે જવા નીકળી ગયો. થોડા દિવસોમાં માલતીને સારા દિવસો રહ્યા એ સમાચારથી બધા ખુબ રાજી થયા. તેના સાસુ તેને કાંઇ કામ કરવા દેતા નહી અને સાથે સાથે તેને શહેરની રીતભાત અને બોલી શીખવતા, માલતી પણ હોંશેહોંશે બધુ શીખતી અને તેને જીવનમાં અપનાવતી પરંતુ સુભાષને મન તો તે અભણ જ હતી. તે હવે પિતાજી બનવાનો હતો છતા પણ પોતે તો તેની આદતોથી બાઝ ન આવતો. રોજ મિત્રો સાથે હરવુ ફરવુ, સિગારેટ અને સરાબની તો ક્યારેક તો સબાબની મહેફિલો માણવી એ જ તેનો ક્રમ હતો. તેણે ક્યારેય માલતીની કાળજી રાખવાનુ વિચાર્યુ સુધ્ધા ન હતુ પણ માલતી જેનુ નામ, તે કોઇપણ જાતની ફરિયાદ કર્યા વિના બસ સુભાષને ખુશ રાખવાની કોશીષ કરતી, આમ ને આમ નવ માસ વિતી ગયા અને નવ માસ બાદ તેણે પુત્રને જન્મ આપ્યો.
ઘરમાં નાનુ બાળ આવતા જ માલતીના સાસુ સસરાની ખુશીનો પાર ન હતો. ભગવાનદાસ તો હવે વધુમાં વધુ સમય ઘરે જ વિતાવતા હતા પણ સુભાષના હ્રદયમાં બાળક પ્રત્યે જરા પણ લગાવ ન હતો. તેને ખબર જ હતી કે આ સંતાન તેનુ જ છે છતા હંમેશાને માટે સુભાષ બન્નેની અવગણના જ કરતો.
ધીમે ધીમે જીત મોટો થવા લાગ્યો. તેની નામકરણ વિધી, જનોઇ પ્રસંગ અને તેના એક એક જન્મદિવસ ધામધુમથી મંજુબેન અને ભગવાનદાસ ઉજવતા. ખુબ લાડકોડથી ઉછરેલા અને સુભાષના સંતાન જીતમાં પણ તેના પિતાજીની જેમ સંસ્કાર રોપણીની ખામી રહી ગઇ હતી.
અવારનવાર નાની નાની વાતમાં તેની મમ્મીને ઉતારી પાડવા અને ગુસ્સો કરી જાણવો એ જીતના સ્વભાવમાં વણાઇ ગયુ હતુ કારણ કે સમજણો થયો ત્યારથી તેણે તેના પપ્પા સુભાષભાઇને તેના મમ્મી સામે ઝઘડો કરતા જ જોયા છે અને સ્વાભાવીક છે કે જેવુ બાળક જુવે છે તેવુ જ આચરણ તેનામાં આવે છે, તે રીતે જીત અવારનવાર પોતાના મિત્રો સામે કે ક્યારેક શાળાએ વાલી મીટીંગમાં તેના શિક્ષકો સામે તેના મમ્મીને ઉતારી પાડવાનુ ચુકતો નહી અને ગુસ્સો તો જાણે તેના પપ્પાએ તેને ગળથુથીમાં આપ્યો હોય તેમ તેના નાક પર જ રહેતો.
પાંચ વર્ષ બાદ માલતીને ફરી ગર્ભ રહ્યો એટલે ઘરમાં ફરી ખુશહાલી છવાઇ ગઇ. એ વખતે માલતીએ પુત્રીને જન્મ આપ્યો. લક્ષ્મી અવતરી તેની ખુશીમાં દાદા ભગવાનદાસે સમાજમાં પેંડા વહેચ્યા અને ઘરે અનેરો ઉત્સવ ઉજવ્યો પણ સુભાષના ભ્ંવા એ વખતે પણ ચડેલા રહ્યા. માલતીની સાથે સાથે તે પોતાની પુત્રી વૃષ્ટીને પણ ધીક્કારની નજરે જ જોતો અને પુત્ર જીતને લાડ કરતો એ જાણી માલતીનો જીવ કળીએ કપાઇ જતો પણ તે ક્યારેય કાંઇ બોલી શકતી નહી. ધીમે ધીમે વૃષ્ટી પણ મોટી થવા લાગી. જીત જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે સતત બે વર્ષ માલતી માટે કપરા રહ્યા. પહેલા વર્ષે તો તેના સસરા ભગવાનદાસ હ્રદયરોગના કારણે મૃત્યુ પામ્યા. ભગવાનદાસે માલતી પરણીને આવી ત્યારથી તેને પિતાતુલ્ય પ્રેમ આપ્યો હતો અને હંમેશા તેના માર્ગદર્શક બની તેને શહેરની રિતભાત શીખવાડી હતી આથી માલતીને તેનો ઘેરો આઘાત લાગ્યો હતો.
હજુ તો તે એક આઘાતમાંથી ઉભરી ન હતી ત્યાં બીજા જ વર્ષે તેની માતા સમાન સાસુ મંજુબેન સ્વર્ગવાસી થયા. આ આઘાત માલતી માટે જીરવવો ખુબ અસહ્ય રહ્યો. જેમતેમ કરીને તેણે પોતાના સાસુ સસરા વિના જીવન જીવતા શીખી લીધુ. હવે તેને ખબર જ હતી કે આ ઘરમાં તેને હુંફ અને પ્રેમ આપે તેવુ કોઇ રહ્યુ નથી. સતત મ્હેણા ટોણા અને જાહેરમાં ઉતારી પાડવાને કારણે માલતી સુનમુન જ રહેવા લાગી હતી. એક તેની પુત્રી હતી જેની સાથે તે હસી બોલી શકતી બાકી જીત અને સુભાષ સામે બે માંથી એકપણની મઝાલ ન હતી કે કાંઇ પણ પોતાની વાતને રજુ પણ કરી શકે.
વધુ આવતા અંકે........