Urdhvgati in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | ઉર્દ્વગતિ

Featured Books
Categories
Share

ઉર્દ્વગતિ

ઉર્ધ્વગતિ

પાંચ વર્ષથી વદોદરાની એક પ્રાઈવેટ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહેલ મી. હવન દેસાઈનાં લગ્ન વડીલો મારફતે એમનાં વતન વલસાડમાં પારમિતા દેસાઈ સાથે રંગેચંગે થયા. નોકરી અર્થે લગ્ન બાદ બંને પતિ-પત્નિ વડોદરા સ્થાયી થવા આવી ગયા.

હવન દેસાઈ સાલસ, મળતાવડાં સ્વભાવનાં હોવાને કરણે આ વર્ષ દરમ્યાન એમનાં બેંક કર્મચારીઓ ઉપરાંત પણ ઘણાં મિત્રો વડોદરા ખાતે થઈ ચૂક્યા હતા. દરેક મિત્ર હવન પાસે લગ્નની પાર્ટી હક્કથીમાંગી રહ્યા હતા. મિત્રોનાં પ્રેમભાવને આદર આપી એક રવિવારે હવને બઘા મિત્રોને પોતાનાં ઘરે આવવા આમંત્રણ પાઠવ્યું. પારમિતાનાં હાથનાં ગરમાગરમ સમોસા અને ચાની લિજ્જત સૌ કોઇ માણી આનંદ માણી રહ્યા હતા. હવન-પારમિતાનાં ઘરમાં ઉલ્લાસી માહોલ છવાયો હતો. હવને સૌ મિત્રોને પત્નિ પારમિતા સાથે પરિચય કરવ્યો. ત્યાં આવેલ મિત્ર અર્થવનાં મુખ પરથી પારમિતાને જોઈ અચાનક લાલી ઊડી ગઇ અને જ્યારે હવને કહ્યુ ‘ અ બ્યુટીફૂલ લેડી, માય વાઈફ પારમિતા ઇઝ અ B.Sc. હોમસાયન્સ ફ્રોમ વિદ્યાનગર.’ અર્થવનાં કર્ણપટલ પર ‘વિદ્યાનગર’ શબ્દ અથડતાં એનાં પગ નીચેથી જમીન સરકી ગઇ. અર્થવ પરસેવે રેબઝેબ થઈ ગયો એનું મન માનવા તૈયાર જ ન હતું કે ‘ આ એ જ છોકરી જેને વિદ્યાનગરમાં આવતાં-જતાં પોતે અનેકવાર જોઇ છે.’ અર્થવ શૂન્યમનસ્ક બની ગયો. અર્થવ બહાનું બનાવી પાર્ટીમાંથી વહેલો નીકળી ગયો. એને આખી રાત ઉંઘ પણ ન આવી. બીજે દિવસે માથું ભારે લગતાં એ ઑફિસે પણ ન જઇ શક્યો. વિચારોમાં અર્ધપાગલ થઈ ચૂકેલ અર્થવ નક્કી કરી જ ન હતો શકતો કે ‘ હું જે જાણું છું એ વાત મારે હવનને કહેવી જોઇએ કે નહીં ?’ જો હું જે જાણું છું એ વાત હવનને જણાવીશ તો આ નવદંપતિનાં જીવનમાં ભૂકંપ પણ આવી શકે. આંધી-તુફન પણ આવી શકે ! લગ્નવેચ્છેદન પણ થઈ શકે... એક હસ્તી-રમતી દુનિયાની નાવ પણ ડૂબી શકે... જો હું નહીં કહીશ તો મિત્રને અંધકારમાં રાખ્યાનો અફસોસ રહેશે. મિત્રતા ન નિભાવ્યાનો બોજ હું જેરવી નહિં શકું. મિત્રો સાથે વિશ્વાસઘાત કર્યાનો પસ્તાવો મને જીવવા નહીં દે”

અર્થવએ એક દિવસ પ્લાન કરી, પોતાનાં ગામ અરજન્ટ જવું પડશે એમ કહી બોલાવ્યો. હવન અને અર્થવ રસ્તામાં અવનવી વાતો કરી રહ્યા હતા. વાતવાતમાં અર્થવએ હવનને સાયકોલોજીકલ તૈયાર કર્યો. અર્થવએ ખાતરી કરી કે હું જે કંઇ કહેવા જઇ રહ્યો છું એ વાત હવન સમજી શકશે. અર્થવએ વાત શરૂ કરી. “ જો મિત્ર હવન ! હું તને જે કંઇ કહેવા જઇ રહ્યો છું એ વાત ભગવાન કરે ખોટી જ પડે. પરંતુ એકવાર હું તને જણાવી દઉં પછી તારે જે નિર્ણય લેવો હોય એ લેજે.” અર્થવએ વાત આગળ વધારી – “ હવન ! હું પારમિતાભાભીને નજીકથી ઓળખતો નથી. પરંતુ યુ ક્નો મેં પણ ગ્રેજ્યુએશન વિદ્યાનગરથી જ કર્યું છે. આથી મેં ભાભીને આવતાં-જતાં અનેકવાર રસ્તામાં જોયા છે.” હવને વચ્ચેથી વાત અટકાવી અને બોલ્યાં “ સો વોટ ? એક ગામ-શહેરમાં રહેનારાઓ એકબીજાને ફેઇસથી ઓળખતા જ હોય. એમાં નવી શી વાત છે ?” અર્થવએ જોયું વાત બરાબર આગળ વધી રહી છે. એ એકીશ્વાસે ઝડપથી બોલી ગયો “ હવન ! મેં પારમિતાભાભીને પ્રેગનન્ટ જોયા છે.” ક્ષણભર માટે હવનને જાણે બ્રેઇનહેમરેજ જેવો આંચકો લાગ્યો પણ તરત જ એણે પોતાની જાતને સંભાળી લીધી. મનોમન એ વિચારવા લાગ્યો. “ પારમિતા આમ તો સમજુ, સુશીલ, સંસ્કરી છે એનાં ઉપર શંકા કરી શકાય એવું વર્તન મારી નજરે ચડ્યું નથી. વાતના મૂળમાં પહોંચ્યાં પહેલાં એનાં ઉપર ચારિત્ર્યહીનતાનો આરોપ મૂકવો યોગ્ય નથી.” એ પોતે પોતાને જ કહેવા માંડ્યો- “ અરે એય હવન ! આમ તો – એટલે શું ??? વોટ ડુ યુ મીન ??? હવનને સપ્તપદીનાં વચનો યાદ આવ્યા. “ હું, પારમિતા સાથે મન, કર્મ, વચનથી બંધાયો છું. દામપત્યને આમ એરણે ન ચડાવાય. ખૂબ ઉંડા મનોમંથન પછી હવન નતીજા પર પહોંચ્યા કે લગ્ન પછી પારમિતા ૧૦૦% ડેડીકેશનથી મારી સાથે જીવે છે. તો નાહક્નો શું કામ આ અટપટીમાં પડવું જોઈએ. પૂરાં હ્રદય અને મનથી સ્વસ્થ થઈ હવને અર્થવને કહ્યું “ એવું કશું જ નહિં હોય. અને જો એવું કંઇ હોય તો પણ મારે એનાં ભૂતકાળ સાથે શું નિસ્બત. પારમિતા સાથે મારે વર્તમાન અને ભવિષ્ય જીવવાનાં છે. આથી મારે આવી કોઇ બાબતને મહત્વ આપવું નથી. અને એ સમજદારી પણ નથી. બંને ગાડીમાં ગુપચુપ બેસી રહ્યા...

થોડા સમય પછી હવન બોલ્યાં- “ જો આ વાત સાચી હોય તો જ્ન્મ લેનાર બાળકનું શું થયું હશે ??? નિર્દોષ બાળકે શા માટે જીવનભર સજા ભોગવવી જોઇએ ? “હવનની વાતથી અર્થવ અવાક્ રહી ગયો. હવને અર્થવને કહ્યું “ અર્થવ ! તું વિદ્યાનગરથી પરિચિત છે તો તું મારી સાથે વિદ્યાનગર આવીશ? આપણે એ નિર્દોષ બાળકની ભાળ કઢીશું. હું એ બાળકને સ્વમાનભેર જીંદગી આપવા માંગુ છું.”

અને, શનિ-રવિની રજાનો લાભ લઇ બંને મિત્રો વિદ્યાનગર પહોંચ્યા. તકિયા પર ચોંટેલ પારમિતાના વાળને પોતાની સાથે લઈ લીધો. હોમસાયન્સ કોલેજની હોસ્ટેલ પહોંચ્યાં. રેક્ટર મેડમને મળ્યા. એમણે કહ્યું “ હા, પારમિતા પ્રેગનન્ટ હતી પરંતુ એ ખૂભ ડાહી-સમજુ છોકરી હતી. એના જેવી બીજી છોકરી મેં મારા બાવીસ વર્ષમાં કેરિયરમાં ક્યારેય જોઈ નથી. આથી એના ઉપર મને ક્યારેય શંકા થઈ નથી. એણે મને જાણ કરી હતી વેકેશનમાં ઘરે ગઇ હતી ત્યારે એનાં લગ્ન થઈ ચૂક્યા હતા. પણ હા, ઘણીવાર લગ્નની મીઠાઈ માટે એની ફ્રેન્ડસ માંગણી કરતી પણ એણે કોઈને મોં મીઠું કરાવ્યું ન હતું. એથી વિશેષ મારી પાસે કોઈ માહિતી નથી. ” વધુ તપાસ કરતાં માલૂમ પડ્યું કે પારમિતાને લાયબ્રેરીનાં પટાવાળા સાથે સારી ફાવટ હતી. હવન અને અર્થવ લાયબ્રેરીનાં પટાવાળા મોહનકાકાને મળ્યા. અર્થવ અને હવનને મોહનકાકાને વિશ્વાસમાં લેતાં લગભગ આખો દિવસ નીકળી ગયો. જેમતેમ મહાપ્રયત્ને મોહનકાકાએ મોં ખોલ્યું....

“ હા, દિકરી પારમિતાને હું જાણું છું. ખૂબ જ ડાહી અને મહેનતું છોકરી. આખા વર્ષ દરમ્યાન પણ છેલ્લે સુધી લાયબ્રેરીમાં બેસીને ભણે. ક્યારેય કોઇની જોડે લપ્પનછપ્પન નહીં.” ઉંડો શ્વાસ લઈ મોહનકાકાએ વાત આગળ વધારી. “ તે દિવસે રાતે નવ વાગ્યા હશે. લાયબ્રેરીમાંથી લગભગ બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા હતા. ફક્ત પારમિતા અને એક એન્જીનિયરીંગનો એક વિદ્યાર્થી પોતપોતાનું વાંચવામાં ગળાડૂબ હતા. ઘણી ફેકલ્ટીમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી. હોસ્ટેલમાં પારમિતાનાં નામ એક તાર આવ્યો. હોસ્ટેલમાં પારમિતા ન મળતાં હોસ્ટેલનાં રેકટર મેડમે પટાવળાને લાયબ્રેરી પર દોડવ્યો. બધા જાણતા હતા પારમિતા લાયબ્રેરી સિવાય ક્યાંય ન હોય. એ પટાવાળાએ તાર મને આપ્યો મેં પારમિતાને આપ્યો. તાર વાંચતાની સાથે પારમિતા ધ્રુસકે ધ્રુસકે રડવા મંડી. મેં પાણી આપ્યું એણે પાણી પણ ન પીધું. મેં એને રડવાનું કારણ પૂછ્યું એ બોલે કશું નહીં બસ રડ્યે જ જાય. મેં સામેનાં ટેબલ પર બેઠેલ વિદ્યાર્થીને મદદ માટે બોલાવ્યો. એ વિદ્યાર્થીએ તાર વાંચ્યો અને મને કહ્યું “ એમનાં મમ્મી દેવલોક થયા છે.” હું અને એ છોકરાએ ભેગાં મળી પારમિતાને મહામહેનતે શાંત પાડી. પારમિતાએ ઘરે જવાની જીદ્ પકડી. મેં અને પેલા છોકરાએ સમજાવ્યું “ કાલે હવે એક છેલ્લું પેપર બાકી છે. એ પરીક્ષા નહીં આપશો તો નાહકનું વર્ષ બગડી જશે. વળી, આમ પણ તમારે ગામ જવા સવારે ૫.૦૦ પહેલાં કોઇ બસ નથી. તમે પહોંચશો ત્યાં સુધીમાં મોડી સાંજ થઈ ગઈ હશે. ત્યાં સુધીમાં તમારા મા ની અંતિમવિધિ થઈ ચૂકી હશે. આથી થોડાં સ્વસ્થ થાઓ આવતીકાલે બપોરે પરીક્ષા પૂરી થયે તમે નીકળી જજો.” પારમિતા દિકરી જેમતેમ થોડી સ્વસ્થ થઈ. રાતે દશ વાગી ચૂક્યા હતા. મેં કહ્યું એ વિદ્યાર્થીને હા જો એનું નામ યાદ આવી ગયું. “ અખંડ બેટા ! જરા આ દીકરીને એની હોસ્ટેલ પર છોડી દેશો ? બિચારી ખૂબ અસ્વસ્થ છે. મારે હવે લાયબ્રેરી બંધ કરવી પડશે. ઘણું મોડુ થઈ ચૂક્યું છે.” બંને સાથે નિકળ્યા. પારમિતા થોડી-થોડી વારે અસ્વસ્થ થઈ રડવા મંડતી. દિકરા અખંડને કંઇ સમજાતું ન હતું કે પારમિતાને કઇ રીતે સાંત્વના આપવી. અખંડનો રૂમ આવી ગયો. અખંડે સાંત્વના આપી. બીજા દિવસની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી. છૂટા પડવા જણાવ્યું. પારમિતા ફરીથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા મંડી. ઇમોશનલ અનસ્ટેબલ પારમિતાને અખંડે રૂમ પર ચા પી ને સ્વસ્થ થવા જણાવ્યું. આમ, પારમિતાને સહકાર આશ્વાસન આપતાં આપતાં કંઇક ચૂકી જવાયું જેનું ધ્યાન સુધ્ધાં બંનેને ન રહ્યું. બીજા દિવસે પરીક્ષા પતાવી પારમિતા એનાં ઘરે ચાલી ગઇ. લગભગ પચ્ચીસ દિવસ પછી પારમિતા એનાં મા ની ક્રિયા પૂર્ણ કરીને પરત થઈ. એ દિવસોમાં અખંડની પરીક્ષા પૂરી થતા એ પણ નીકળી ગયો. એનું છેલ્લું વર્ષ હતું એ ફરી પાછો ક્યારેય ન આવ્યો. થોડો ઊંડો શ્વાસ લઈ કપાળે હાથ મોહનકાકા બોલ્યા “ ત્રણ-ચાર મહીના પછી પારમિતાને ખ્યાલ આવ્યો ‘ એ ગર્ભવતી છે.’ પારમિતા દોડતી હાંફ્ળી-ફાંફળી મારી પાસે આવી મને આખી વાત કહી. હું મનોમન મને ભાંડવા લાગ્યો. આવી રીતે મારે જુવાન દીકર-દીકરીને એકલા નહીં છોડવા હતા. મેં અખંડને શોધવા તપાસ આદરી પરંતુ સમાચાર મળ્યા એ અમેરિકા પહોંચી ગયો છે એનો કોન્ટેકટ થઈ શકે એવો કોઈ રસ્તો ન જડ્યો. હું અને પારમિતા બેટી બંને ખૂબ ગભરાય ગયા હતા. વળી, એ જમાનામાં આજની જેમ નહિં તો વધુ કંઇ સૂઝસમજ કે સગવડ. બાળકને જન્મ આપ્યે જ છૂટકો હતો. આંખમાં ઝળઝળિયાં સાથે મોહનકાકાને કહ્યું “ મારા આ હાથે હું પોતે જ એક નિર્દોષ બાળકને અમદાવાદ અનાથાશ્રમમાં છોડી આવ્યો હતો.”

મોહનકાકા પોતે રડવા મંડ્યા. હવન અને અર્થવ આખી વાત પામી ગયા. જરા મિજાજી એવો અર્થવ પણ આ વાત જાણી ઠંડો પડી ગયો. એણે આંખના ઈશારે હવનને સંમતિ આપી” હું તારી સાથે જ છું.” શાંત, સૌમ્ય અને પરિપક્વ હવન- અર્થવ અને મોહનકાકાને લઇ અમદાવાદ અનાથાશ્રમ પહોંચ્યા. મોહનકાકાને જોતા વેંત અનાથાશ્રમનાં અધિકરી એમને ઓળખી ગયા. અધિકારી શ્રીમતિ આકાશી પટેલે એ બધાને મીઠો આવકાર આપ્યો. મોહનકાકાએ મેડમ આકાશી પટેલને આખી વાતની જાણ કરી. હવનનાં નિર્મળ અને પરમાર્થી સ્વભાવથી પ્રભાવિત થઈ મેડમ આકાશી પટેલે હવનનો પરિચય એ બાળક સાથે કરાવ્યો. અદ્લ પારમિતા જેવી અણિયાળી ભૂરી આંખો અને ગોરોવાલ બાળકનો જોઈ હવન, અર્થવ અને મોહનકાકા સૌ ક્ષણ માટે ધબકરા ચૂકી ગયા. પરિસ્થિતિને પામી આકાશી મેડમે એ ત્રણેયને ચા-પાણી કરાવ્યા. સ્વસ્થ થઈ હવનને પોતાનાં ખિસ્સામાં સાચવીને રાખેલ પારમિતાનો વાળ કાઢ્યો અને DNA ટેસ્ટ કરાવવા ઈચ્છા વ્યક્ત કરી જેથી બાળકને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન નડે. આકાશી મેડમ સહિત દરેકને હવનની વાત ગમી અને માન્ય રાખી. DNA ટેસ્ટ કરાવ્યો અને રીપોર્ટ આવ્યો કે ‘ આ જ બાળક પારમિતા’નું છે. હવને બાળકને છાતી સરસું ચાંપી, બાળકને નામ આપ્યું નવપલ્લિત. હવનએ અર્થવ, મોહનકાકા અને આકાશી મેડમની હાજરીમાં બાળકનું એફીડેવીટ કરવ્યું. કાયદાકીય દરેક વિધિઓ પતાવી. જ્યારે ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે દરેક અસ્વસ્થ થઈ રહ્યા હતા. પરંતુ હવને પૂરાં હોંશથી ફોર્મ ભર્યું અને પિતાનાં નામનાં બ્લોકમાં લખ્યું હવન દેસાઈ. હજર ત્યાં સૌ જોઈ મનોમન હવનનાં પુરુષ્ત્વને વંદન કરી રહ્યા.

બીજા દિવસે વહેલી સવારે નવપલ્લવિતને લઈ બધાં માઉન્ટઆબુ ગયા. ત્યાં શ્રેષ્ઠ સ્કૂલમાં બાળકનું એડમીશન કરાવ્યું. નવપલ્લવિતને બોર્ડિંગમાં મૂકી, બધાં છૂટાં પડ્યા. પરંતુ, દર મહિને એકવાર હવન નવપલ્લવિતને મળવા જતાં. એને ઉત્તમ સગવડ સુવિધા અને ઉચ્ચકક્ષાનું ભણતર મળી રહે એ માટે પોતાનાં ખર્ચા પર કાબૂ મૂકી નવપલ્લવિત્ની ફી ભરતા. આજે પુરાં ત્રીસ વર્ષનો પુખ્ત યુવાન નવપલ્લિત સાયકોલોજીમાં પી.એચડી. કરી કોલેજમાં પ્રોફેસર તરીકે કર્યરત છે.

ભૂતકાળને હાંસિયામાં ધકેલી જીવન સફર કાપી રહેલ પચાસીનાં ઉંબરે ઉભેલ પારમિતાનો દિલનો કાટમાળ ખાઈ ચૂકેલ દ્વાર કિચૂડ કિચૂડ કરતા ખૂલી રહ્યો હતો. ફાંફાંફંફોસ કરતાં જીવનની યાદો વાગોળતાં પારમિતાને દિલનાં કબાટમાં છઠ્ઠાખૂણામાં ક્યારેય હાથ ન લાગે એ રીતે મૂકેલ જીંદગીનો આલ્બમ હાથ લાગી ગયો. ધીમે-ધીમે એક-એક પાનું ફેરવી રહેલ પારમિતા કોલેજકાળ પર આવીને અટકી ગયા. પોતાની જાતથી છૂપાવેલ એ પાનું પતંગિયાની માફક એમનાં દિલ-દિમાગ પર ફરફર ઉડવા માંડ્યું. પારમિતા પાણી-પાણી થઈ રહ્યા હતા. દિલમાં વાગી રહેલ બેલથી આકૂળવ્યાકુળ થઈ રહ્યા હતા. એ જ સમયે ડોરબેલ વાગ્યો. પોતાની જાતને સંભાળી એમણે બારણું ખોલ્યું સામે હવન ઊંભા હતા. પારમિતા એમને ભેટી ખૂબ રડી અને પોતાનાં ભૂતકાળની વાત કરી. હવને શાંતચિતે પારમિતાને શાંત પાડી. પોતાનાં હાથે ચા બનાવી પારમિતાને પીવડવી અને એનાં માથા પર હાથ ફેરવી સૂવડાવી. હવન તરફથી કોઇપણ પ્રતિભાવ ન મળતા પારમિતા વધુ વિહવળ્ થઈ આખી રાત પાસાં ફેરવતી રહી. જેમતેમ સવાર થઈ પરંતુ પારમિતા એ સવારને અંધારી સવાર અનુભવી રહી હતી. હવને પારમિતાને પ્રેમાળ શ્બ્દોથી કહ્યું “ પારમિતા ! તું ખૂબ ડીસ્ટર્બ છે. ચાલ આપણે માઉન્ટ આબુ ફરવા જઈએ.” હવનનાં અતિ આગ્રહને માન આપી પારમિતા હવન સાથે માઉન્ટ આબુ ગયા. આખી મુસાફરી દરમ્યાન પારમિતાને જીવનસફરની યાદ આવતી રહી. વારંવાર ધ્રુસ્કે ચડી જતી. આખી મુસાફરી દરમ્યાન હવને કોઈપણ બાબતનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. ઉપરથી પારમિતાની માનસિકતાને ધ્યાનમાં રાખી હવન પારમિતાને વધુ સપોર્ટીવ થઈ રહ્ય હતા. તેમતેમ પારમિતાની વ્યાકુળતા વધી રહી હતી.

માઉન્ટ આબુ આવી પહોંચ્યા. હવન પારમિતાને લઈ એક નાનકડાં બંગલામાં ગયા. ડ્રોઈંગરૂમમાં પોતાનો પોર્ટફોલિયો જોઈ પારમિતા ચમકી ઉઠ્યા. “ આ શું હવન !” પારમિતાના મુખેથી ચીખ નીકળી પડી. પારમિતાની ચીખ ઉપર રૂમમાં બેસી પોતાનાં પ્રોજેક્ટ પર કામ કરી રહેલ નવપલ્લવિતે સાંભળી. એ સફાળો દોસ્યો ડ્રોઈંગરૂમમાં આવી પહોંચ્યો. હવનને જોઈ “ પપ્પા! વોટ અ સરપ્રાઈઝ !” કહી નવપલ્લ્વિત હવનને ભેટી પડ્યો. “ આ નવયુવાન હવનને પપ્પા કેમ કહેતો હશે ” પારમિતા વધુ વિચારોનાં ચકરાવે ચડે એ પહેલાં હવને આખી માંડીને વાત કહી. DNA રીપોર્ટ પણ બતાવ્યો. પારમિતાના પગ અને હૈયું નવપલ્લવિતને ભેટવા દોડવા માંડ્યું. પરંતુ પારમિતાએ પોતાને જાતને થપાટી શાંત કરી. પારમિતાને આંખે અંધારા આવી ગયા. હવને પારમિતાને સોફા પર બેસાડી દીધી. નવપલ્લવિત લીંબુ પાણી લઈ આવ્યો. પારમિતા કંઈ પણ વચારી શકતી ન હતી. એ નવપલ્લવિતથી ગભરાય ગઈ મનોમન વિચારવા મંડી. “હવે આ નવપલ્લવિત મારં ઉપર પ્રશ્નોનો મારો ચલાવશે. હું શું જવાબ આપીશ? એ મારાં માટે શું અને કેવું વિચારતો હશે?

સાયકોજીસ્ટ નવપલ્લવિત પારમિતાની મન:પરિસ્થિતિ પામી ગયો. એણે સામેથી “ હેલો મોમ!” સંબોધન કર્યું. પારમિતા મનમાં વિચારતી હતી. “ આ હવન આ નવપલ્લવિત કઈ માટીનાં બન્યા હશે! કોઈ મને કશું ટોકતું કેમ નથી મારા ઉપર ગુસ્સો કેમ નથી કરતા? કોઈની પણ નજરમાં મારા માટે પ્રશ્નાર્થ કેમ નથી?” એ પોતે જ પોતાનાં પ્રશ્નોનાં ઢગ વચ્ચે ઘેરાઈ ગઈ.

પારમિતા અપરાધભાવ ન અનુભવે એ માટે સાયકોલોજીસ્ટ એવાં નવપલ્લવિતે પારમિતાનું કાઉસલીંગ શરૂ કર્યું. કહ્યું “મોમ! જીવનમાં અવરનેશ રાખવી અતિ આવશ્યક છે. જગતો નર સદા સુખી. છતાં પણ કોઈક ઘટના જીવનમાં એવી બની જાય જેનાં પર પોતાનો કોઈ કાબુ ન હોય તો એવાં સંજોગોને ડેસટીની સમજી સ્વીકારી લેવું. માણસ સભાનતા અને આયોજનપૂર્વક ખરાબકૃત્ય કરે કે સામેવાળાને ઠેસ પહોંચાડે એને અપરાધ કહેવાય. આથી સમય-સંજોગોને ધ્યાનમાં રાખી નિર્ણય પર પહોંચી કે જે-તે વ્યક્તિ અપરાધી છે કે નહિં. મોમ! મારો આ રીતે જન્મ થવા પાછળ કુદરતનો કોઈ સંકેત હશે. આથી, તમે તમારી જાતને ફિટકારો નહીં. જે થવાનું હતું એ વર્ષો પહેલાં થઈ ચૂક્યું. હવે નાહકના દુ:ખી થવાનો કોઈ મતલબ નથી.” પારમિતા મનોમન પુત્ર નવપલ્લવિતની સમજણ પર ઓગરણાં લઈ રહી હતી. ગુમશૂમ થઈ ગયેલ પારમિતા કશું બોલી શકતી ન હતી. ડોરબેલ વાગતાં બધાની નજર બારણાં તરફ ગઈ અર્થવ અને મોહનકાકા આવી પહોંચ્યા હતા. પારમિતા વધુને વધુ સંકોચ અનુભવી રહી હતી. હવને કહ્યું “ગઈકાલે રાતે જ મેં એમને ફોન દ્વારા અહીં આવી જવા જણાવ્યું હતું. કરણકે નવપલ્લવિતનું આ જ તો ફેમિલી છે. ચાલો! બધાં ભેગાં થઈ આનંદ કરીએ.”

પારમિતા અંદરથી દ્રવી રહી હતી. “ આ બધા જ પુરુષો આટલી ગંભીર વાતને કેમ આટલી હળવી લેતા હશે!? આજે મારો ભ્રમ તૂટી ગયો પુરુષો તકસાધુ હોય, સ્વાર્થી હોય, સ્ત્રી પર રૂઆબ જમાવવાવાળા હોય. અહીં તો સાવ જ ઉલટું છે. આ બધાં જ પુરુષો પરમાર્થી છે, સમજુ છે, સહજ છે. એક સ્ત્રીનાં ખરાબ જોગને કેટલી સાહજીકતાથી સ્વીકારી લીધી. ધન્ય છે પુરુષની અંદર સમાયેલ તત્વને.”

ખૂબ સહજભાવે સૌ આનંદ કરી રહ્યા હતા. પારમિતા સંકોચ અનુભવી રહી હતી. પ્રથમવખત આખું કુટુંબ એકત્ર થયું હતું. નવપલ્લવિત ખુશખુશાલ હતો. એણે સર્વને થોડાં દિવસ રોકાય જવા કહ્યું. નવપલ્લવિતની ખુશી ધ્યાનમાં રાખી બધાં રોકાય ગયા. કોલેજથી સાંજે પરત આવીને નવપલ્લવિતે કહ્યું “ અમારી કોલેજમાં બેંગ્લોરથી એક પ્રોફેસર આવી રહ્યા છે. હું એમને ક્યારેય મળ્યો નથી પરંતુ વોટસએપ, ફોનિક કોન્ટેએક્ટથી અમારાં દિલ એક થઈ ગયા છે. એમની મોટીવેશનલ વાતોથી હું ઘણો પ્રભાવિત છું. તમારી ઈચ્છા હોય તો આવતીકાલે ડીનર માટે એમને આમંત્રિત કરું.” હવને કહ્યું “નેકી ઔર પૂછપૂછ. તું એનાથી પ્રભાવિત છે તો નક્કી એમનાંમાં કંઈક તો વિશેષ હશે જ છે. અમે પણ એમને મળવા આતુર છીએ.”

બીજા દિવસે નિયત સમયે નવપલ્લવિતનાં સર પધાર્યા. મોહનકાકાને જોઈ એ થોભી પડ્યા. ઉંમરનાં કારણે ધૂધળી થયેલ આંખે મોહનકાકાએ એમને તરતજ ઓળખી કાઢ્યા. આકાશ તરફ ઊંચા હાથ કરી મોહનકાકા બોલ્યાં “ભગવાનને ઘેર ઉજવાળું છે અંધારું નહીં. હે પ્રભુ! તારો ખેલ પણ ન્યારો છે. આગળ કંઈ વાત વધે એ પહેલાં અખંડની નજર પારમિતા પર પડી. પારમિતા શરમની મારી નજર નીચી કરી ત્યાં ને ત્યાં જ ઊભી રહી ગઈ. અખંડ બોલ્યાં “ પારમિતાજી! તમે ક્યાં હતા? મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યા?” અખંડ આનંદનાં અતિરેકથી ઝૂમી ઉઠ્યા. અર્થવ, હવન, નવપલ્લવિત કંઈ સમજે એ પહેલાં મોહનકાકા બોલ્યાં. “ ઓ મારા ભાઈઓ એ આ જ છે અખંડ. વર્ષો પહેલાં સાવ નાનકડો છોકરો હતો જુઓને હવે કેટલા મોટાં સાહેબ બની ગયા છે.” હવન ખુશીથી અખંડને ભેટી પડ્યા. હવને અખંડને આખું આયખું સમજાવ્યું. પારમિતા વિચારી રહી હતી “આ હવન માણસ છે કે નહિં. કે પછી કોઈ પરગ્રહવાસી છે! આટલું દરિયાદીલ કેવી રીતે !!!” નિખાલસભાવે અખંડે પોતાંની વાત માંડી “હું વિદ્યાનગરથી એન્જીનીયરીંગ કરી માસ્ટર્સ માટે U.S.A. જતો રહ્યો. કરિયરની દોડભાગમાં મને એ દિવસ ક્યારેય યાદ ન આવ્યો. પરંતુ જ્યારે ઘરવાળાઓએ મારાં લગ્નની વાત છેડી ત્યારે મારો અંતરાઅત્મા પોકારી ઉઠ્યો. મેં પારમિતાને શોધવા ખૂબ મહેનત કરી પણ પારમિતાનો ક્યાંય પત્તો ન લાગ્યો. મેં પ્રતિજ્ઞા લીધી. સમાજસેવામાં મારું મન પરોવી દીધું. ઈમોશનલ અનસ્ટેબલ સ્ટેજ પર યુવાનો મારાં જેવી ગંભીર ભૂલો ન કરી બેસે એ માટે મેં અનેક પુસ્તકો લખ્યા. પરિસ્થિતિથી ઘવાયેલ સ્ત્રીઓ માટે આશ્રમ બનાવ્યો. સ્ત્રીઓ સ્વમાનભેર જીવી શકે એ માટે અનેક પ્રોજેક્ટ કર્યા.” બધાં શાંતિથી વાત સાંભળી રહ્યા હતા. અચાનક અખંડની નજર નવપલ્લવિત પર પડી. એ ખૂબ અપરાધભાવ અનુભવી રહ્યા હતા. નવપલ્લવિતે પરિસ્થિતિને સંભાળી લીધી. એ બોલ્યો. “ આ આખી ઘટનામાં કોઈનો બદ્દઈરાદો ન હતો. સૌ કોઈએ સાચી અને સારી ભાવનાથી જે તે સમયે જે યોગ્ય લાગે એ નિર્ણય લીધો. આ આખી ઘટના કુદરતી દસ્તાવેજ છે એને સ્વીકારી લઈએ. ચાલો સૌ ભેગાં થયાં છીએ તો આનંદ કરીએ.” પારમિતા નવપલ્લવિતને નિહળતી રહી એનામાં હવન જેવું દરિયાદિલ અને સમજણ છે. તો અખંડ જેવાં સુસંસ્કાર. પારમિતાને વિચારોનાં તંદ્રામાંથી જગાડતાં નવપલ્લવિત બોલ્યો “ચાલો, ભૂતકાળને ભૂલીને જીવન જીવી લઈએ.”

નવપલ્લવિત પાલકપિતા અને જૈનિકપિતા બંને સાથે ખભે-ખભા મીલાવીને ઝૂમી રહ્યો હતો. અર્થવ અને મોહનકાકાએ પણ રહતનો શ્વાસ લીધો. પારમિતા કશું પણ બોલી શકતી ન હતી પરંતુ મનોમન વિચારી રહી હતી- “મારા પતિ હવને જીવનમાં સપ્તપદીનાં ફેરાનું પાલન કર્યું એમણે. જીવનમાં મોટો યજ્ઞ કર્યો એક નિર્દોષ બાળકને સ્વમાનભેર જીંદગી બક્ષી અને નાદાની કરી બેઠેલ સ્ત્રીને સમાજમાં માનભેર જીવી શકે એવું જીવન આપ્યું. હું હવનના મહાયજ્ઞને નમન કરું છું. અખંડે કોઈ અજાણ સ્ત્રીનાં વિશ્વાસનું ખંડન ખંડિત ન કર્યો અને કર્યું નહિ કોઈ અજાણ સ્ત્રી સાથે અન્યાય કે વિશ્વાસઘાત ન કર્યો હું એમની અખંડિતાને નમન કરું છું. અર્થવ અને મોહનકાકાએ માણસાય અને મિત્રતાનું સુંદર ઉદાહરણ પુરું પાડ્યું છે એ ક્યારેય ભૂલી ન શકાય. અને, નવપલ્લવિતે તો સમજણનો સાગર ઠાલવી દીધો. જો દરેક પુરુષો આવા ઉદાર, આત્મીક, સમજણભર્યા હશે તો ક્યારેય પણ સમાજમાં કોઈપણ નિર્દોષ કે નાદાન સ્ત્રીનું શોષણ નહીં થાય. પારમિતા પુરુષોમાં રહેલ ઉર્ધ્વગતિને મનોમન વંદી રહી.