વાત છે આઝાદી વખતની. જ્યારે દેશ અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયો હતો પણ કુપ્રથાઓ અને કુરિવાજો માં થી આઝાદ થવાનું બાકી હતું.
બંગાળ માં જન્મેલી દેબીના મોટા જમીનદાર ની પુત્રી હતી. તે સમય માં દીકરી ને બાળપણ માં જ પરણાવી દેવા માં આવતી. દેબીના સાથે પણ તે જ થયું. તેના લગ્ન બીજા ગામ ના જમીનદાર ના પુત્ર સત્ય સાથે થયા. દેબીના અને સત્ય એ એકબીજા ને લગ્ન સમયે જ જોયા. પણ એ સમયે તેઓ એકબીજા ને સમજી શકે તેવા સમજદાર નહોતાં. તેમના માટે લગ્ન નવા કપડાં પહેરવા મળે અને ઉપહાર મળે બસ એટલું જ મહત્વ ધરાવતા હતા.
દેબીના અઢાર વર્ષ ની ઉંમર બાદ જ સાસરે જાય તેવી તેના પિતા ની ઈચ્છા હતી. સત્ય ના પિતા ને પણ તેની સામે કોઈ વાંધો નહોતો. ધીરે ધીરે દેબીના મોટી થઈ રહી હતી તે ચિત્ર કલા, પાક કલા, સંગીત અને અભિનય માં નિપુણ થઈ રહી હતી. તેને સાસરે વળાવા નો સમય આવ્યો ત્યાં સુધી માં તો તે પિતા ના કારોબાર ને પણ સમજતી થઈ ચૂકી હતી. દીકરી ને માબાપ નું ઘર છોડવું જ પડે છે તેમ દેબીના એ પણ પોતાના સાસરા ને પોતાનું ઘર બનાવ્યું.
નવી વહુ ના આગમન ને ખૂબ જ ધૂમધામ થી ઉજવવા માં આવ્યો. સત્ય પણ દેબીના ના રૂપ થી પ્રભાવિત થયો. તે તો દેબીના ની આગળપાછળ જ ફરતો રહેતો. તે દેબીના જોડે વાત કરવા ચાહતો પણ દેબીના સ્ત્રીઓ થી ઘેરાયેલી રહેતી અને તેને મોકો મળતો નહિ. આખરે જયારે બે દિવસ પછી તેને અને દેબીના ને એકાંત મળ્યું ત્યારે તેણે દેબીના ને કહ્યું કે તે ખૂબ જ ભાગ્યશાળી છે કે તેને દેબીના જેવી સુંદર પત્ની મળી છે. તેના મિત્રો ને તો તેની ઈર્ષા થઈ રહી છે. દેબીના એ શરમ થી પાંપણો ઢાળી દીધી. અને તેમની લગ્ન પછી ની પ્રથમ રાત્રી સંપૂર્ણ થઈ. સત્ય દેબીના ના લાવણ્ય અને રૂપ થી અંજાઈ ગયો. દેબીના ના દેહ ને પામી ને તે દેબીના પર મોહિત થઈ ચૂકયો હતો.
સત્ય ના પિતા ની તબિયત ઠીક રહેતી નહોતી. આથી તેઓ સત્ય ને કારોબાર સંભાળવા કહેતા. પણ સત્ય ને કારોબાર માં ક્યારેય રસ નહોતો પડ્યો. તેને રસ હતો મિત્રો સાથે ફરવા માં અને નાટકો જોવા માં. તે સમયે ચલચિત્રો નું ચલણ નહોતું. નાટક જોવાની પોતાની મઝા હતી. અને નાટકો પણ ઐતિહાસિક અથવા તો કુપ્રથાઓ માં થી નીકળવાં ના સંદેશ આપનારા રહેતા.
સત્ય તેના પિતા ના પૈસા બેફામ વાપરતો. તેની માતા પણ તેને ક્યારેય રોકતી નહિ. સત્ય ના મિત્રો પણ તેની સાથે એટલે જ હતા કારણકે તેની પાસે ખૂબ પૈસા હતા. સત્ય ના પિતા તેની માતા ને ઘણી વાર સમજાવતા કે તે દીકરા ની આદત બગડી રહી છે. પણ તેની માતા કહેતી કે જેમ તે મોટો થશે તેમ સમજદાર થઈ જશે. અત્યારે તેની ઉંમર હરવા ફરવાની છે. આથી તેને તેની જિંદગી જીવી લેવા દો.
દેબીના ના આવ્યા બાદ સત્ય મિત્રો સાથે જવાનું ટાળતો. તેને દેબીના સાથે વધુને વધુ સમય પસાર કરવા ની, તેના રૂપ ને માણવાની ઈચ્છા થતી. આમ, પણ નવયુગલે જોડે સમય વિતાવવો જ જોઈએ જેથી તેઓ એકબીજા ને સમજી શકે જાણી શકે. પણ તે સમય માં આવું શક્ય નહોતું. દેબીના ઘર માં આવ્યા ના બીજા જ દિવસ થી સગા સંબંધી ને મળવા માં ઘર નું કામ શીખવા માં વ્યસ્ત થઈ ગઈ. સત્ય આ વાત થઈ અકળાઈ જતો. પણ દેબીના પ્રેમ થી તેને સંભાળી લેતી. સત્ય તેના પર ગુસ્સે થઈ જતો પણ દેબીના તેને પ્રેમ થી આલિંગન આપતી અને તે પીગળી જતો. દેબીના તેને સમજાવતી કે તેને પણ કારોબાર માં ધ્યાન આપવું જોઈએ જેનાથી તેનો સમય પસાર થઈ જશે અને એકલતા પણ નહીં લાગે. સત્ય દેબીના ના રંગે રંગાવા લાગ્યો હતો. જ્યારે દેબીના ઘર ના કામ માં વ્યસ્ત હોય ત્યારે તે પિતા ની સાથે બેસતો અને કારોબાર માં રસ લેતો. તેના પિતા પણ સત્ય માં આવેલા આ પરિવર્તન થી ખુશ હતા.
બધું જ સરસ રીતે ચાલી રહ્યું હતું. ત્યાં જ અચાનક એક દિવસ સત્ય ના પિતા નું હૃદય રોગ ના હુમલા થી મૃત્યુ થયું. અને તેની માતા આ આઘાત જીરવી ના શકી પતિ ની સાથે તે પણ અનંત યાત્રા પર ચાલી નીકળી. સત્ય અને દેબીના પર આખા ઘર અને કારોબાર ની જવાબદારી આવી પડી. બન્ને જણા એક બીજા નો સહારો બન્યા અને સંસાર ની ગાડી દોડવા લાગી.
સત્ય ના મિત્રો જે પિતા ના ડર ના કારણે ઘરમાં નહોતા આવતા. તે હવે સત્ય ને મળવા માટે ઘરે આવવા લાગ્યા. તેઓ જાણતા હતા કે હવે સત્ય ને રોકનારું કોઈ નથી. અને આમ પણ સત્ય તેમની સાથે હોય તો તેમને ખર્ચ ની કોઈ ચિંતા રહે નહીં. તેથી તેઓ સત્ય ને ફરી પહેલા જેવો બનાવા માટે ના પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ સત્ય ને તેમની સાથે લઈ જવા નિત નવા બહાના કરતા. સત્ય ભોળપણ માં હા પાડી દેતો. દેબીના બધું સમજતી. તેને જરા પણ ગમતું નહિ કે સત્ય તેના આવારા દોસ્તો સાથે સમય વિતાવે છે. તે સત્ય ને સમજાવતી. સત્ય હસી ને વાત ટાળી દેતો.
ધીરે ધીરે સત્ય પાછો મિત્રો ના રંગે રંગાવા લાગ્યો. તેનો રસ કારોબાર માં થી ઘટવા લાગ્યો. કારોબાર નોકરો ના ભરોસે મૂકી ને તે આખો દિવસ મિત્રો ની જોડે અને નાટકો જોવા માં પસાર કરવા લાગ્યો. તે દેબીના ને અવગણવા લાગ્યો.
નાટકો માં તેનો રસ તેની અભિનેત્રી કાવેરી ના કારણે વધુ જાગ્યો હતો. કાવેરી ની અદા અને તેનું રૂપ સત્ય ને આકર્ષી રહ્યા હતા. તે કાવેરી ને જોવા માટે જ નાટક માં જતો.
જેમ બાળક ને દુકાન માં રહેલું નવું રમકડું આકર્ષે છે . તેમ સત્ય કાવેરી ને જોઈ ને આકર્ષાતો. કાવેરી સુંદર હતી પણ દેબીના જેટલી નહિ. સત્ય ને દેબીના માં કોઈ જ રસ રહ્યો નહોતો . દેબીના ઘર અને કારોબાર બન્ને સંભાળી રહી હતી. તે પોતાનો પત્ની ધર્મ પૂર્ણ રીતે બજાવી રહી હતી. પણ સત્ય ભાન ભૂલી ચુક્યો હતો. તે ઘરે માત્ર પૈસા લેવા જતો. દેબીના સત્ય ના પ્રેમ માટે તરસતી. . તે સત્ય ને મિત્રો ની સોબત છોડવા કહેતી. પણ સત્ય કઈ સમજવા તૈયાર નહોતો કારણકે તેની પાસે નવું રમકડું આવી ગયું હતું અને તે હતી કાવેરી.
દેબીના નો ત્યાગ સત્ય ને દેખાશે? સત્ય મિત્રો ને છોડી શકશે? દેબીના સત્ય ને પાછો લાવી શકશે? કે પછી સત્ય કાવેરી સાથે આગળ વધશે. . . . જાણવા માટે વાંચો આગળ નો ભાગ. . . . અને તમારો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ. . . . .