આજની વાર્તા માં મુખ્ય પાત્ર છે મિસ્ટર એન્ડ મિસિસ શિંદે જેઓ ગોવા માં ભાડે એક બંગલા માં રહે છે. મિસ્ટર શિંદે એક બહુ મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં પ્લાનીંગ મેનેજર છે જેનું કામકાજ ભારત ના ઘણા શહેરોમાં ચાલે છે આથી એકાદ બે વર્ષે તેમને પણ કંપની નું કામ ચાલતું હોય તે શહેરમાં બદલી થતી રેહતી હતી, કયારેક ચેન્નાઇ તો કયારેક મુંબઈ તો કયારેક અમદાવાદ. આ વખતે તેમનું ટ્રાન્સફર થયું હતું ગોવા માં. આમ જોવો તો ગોવા પર્યટન સ્થળ એટલે લોકો "ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ વાળી" જિંદગી થી થોડા સમય નો બ્રેક લેવા ગોવા ફરવા આવતા પણ મિસ્ટર શિંદે ને તો કામકાજ માટે ગોવા જવાનું થયું હતું. શિંદે પરિવાર માં આમ જોવો તો મિસ્ટર શિંદે, મિસિસ શિંદે અને તેમનો સવા વર્ષ નો ટેણીયો ક્ષિતિજ. શરૂઆત માં ક્ષિતિજ અને તેની દેખભાળ રાખવા માટે મિસિસ શિંદે ના મમ્મી પણ ગોવામાં તેમની જોડે રહેતા પણ તેઓ જ્યાં રહેતા ત્યાં આજુ બાજુ નાના બાળકો વાળો કોઈ પરિવાર નહતો આથી ક્ષિતિજ ઘરમાં અને ઘરમાં એકલો બેસી રેહતો અને કંટાળી જતો. આખો દિવસ ગુમસુમ બેસી રહેતા ક્ષિતિજ નું બાળપણ રૂંધાઇ ના જાય એ હેતુથી મિસિસ શિંદે ક્ષિતિજ ને તેની નાની સાથે પુણે તેમના પિયર માં મોકલી દીધો. મિસિસ શિંદે પણ ઘરમાં એકલા કંટાળી ના જાય તેના માટે ગોવાની એક પ્રાઇવેટ કંપની માં કામ શરૂ કરી દીધું.
જે બંગલામાં ભાડે રહેતા તેમાં બંગલાના માલિક ની દીકરી બંગલાના નીચેના ભાગમાં રેહતી અને બંગલાના ઉપરના ભાગમાં એક બેડરૂમ એક હૉલ અને રસોડું હતા જ્યાં મિસ્ટર અને મિસિસ શિંદે રહેતા હતા. બંગલાનું આંગણ તેની ચારે તરફ ફેલાયેલું હતું અને મધ્ય માં બંગલો, આ આગણમાં ચારે તરફ બંગલાની ચારેક ફૂટ ઊંચી દીવાલ હતી અને દીવાલ પાસે નારીયેલી ના વૃક્ષો વાવેલા હતા. બંગલાની આજુબાજુ તેના જેવુજ બાંધકામ ધરાવતા બીજા બંગલા અને સામેથી રોડ પસાર થતો અને રોડ ની બીજી તરફ પણ એ જ બાંધકામના અન્ય મકાનો હતા.
પ્રોજેક્ટ ની ડેડલાઈન આવતી હોઇ મિસ્ટર શિંદે પ્રોજેક્ટના કામકાજમાં જ બીઝી રહેતા અને ઘણી વાર તો ઘરે પણ કામ લાઇ આવતા, મિસિસ શિંદે પણ તેમનાથી બનતી મદદ કરતી. એક વાર આજ રીતે ઘરે કામ કરતા મોડી રાત થઈ ગઈ. રાતનાં એકાદ વાગે મિસ્ટર એન્ડ મિસિસ શિંદે કામ કરી રહ્યા હતા ત્યાં બંગલા ના આંગણ માં કશુંક પડયાનો અવાજ આવ્યો. આટલી મોડી રાતે અચાનક આવેલા અવાજ થી મિસ્ટર અને મિસિસ શિંદે બન્ને થોડા ગભરાઈ ગયા પણ અવાજ તરફ બહુ ધ્યાન ન આપી ઓફિસ થી લાવેલા કામ માં લાગી ગયા. થોડી વાર થઈ હશે ત્યાં ફરી આંગણ માં રહેલા ઘાસ માં કશુંક પડવાનો અવાજ આવ્યો. પેહલા લાગ્યું કે કદાચ ભ્રમ હશે પણ બન્ને ને એક જેવોજ ભ્રમ થોડો થાય..! મિસિસ શિંદે એ મિસ્ટર શિંદે સામે જોયું અને ઇશારામાં બહાર નજર કરવા કહ્યું. મિસ્ટર શિંદે બારી પાસે આવ્યા અને આંગણમાં જોવા લાગ્યા, રસ્તા ઉપર ની લાઈટો ચાલુ હતી જેનો આછો પ્રકાશ અંગણમાં પડતો હતો. મિસ્ટર શિંદે બારી માંથી આંગણામાં પડતા આછા પ્રકાશ માં આંખ જીણી કરી જોયું પણ કોઈ નજરે ના ચડ્યું. ત્યાં ફરી અવાજ આવ્યો અને આ ફેરી અવાજ નારિયેળ ના ઝાડ પાસે થી આવ્યો. મિસ્ટર શિંદે ચેહરા પર આછા સ્મિત સાથે બારીએ થી પાછા ફર્યા અને મિસિસ શિંદે ની સામે જોઈ કહ્યું "નારિયેળ પડ્યું". નારિયેળ ના ઝાડ પરના નારિયેળ બહુ મોટા થઈ જાય એટલે વજન ને લીધે તૂટી નીચે પડતા અને એટલે ઊંચેથી નીચે ઘાસ માં પડવાને લીધે અવાજ થતો હતો.
સવા બે ની આસપાસ ઓફિસ નું કામકાજ પૂરું થતા મિસ્ટર શિંદે ઓફિસ ના કામકાજ ની ફાઈલો આટોપી લેપટોપ ને બંધ કર્યું અને ઊંઘવાની તૈયારી કરી. મિસિસ શિંદે એકાદ અઠવાડિયાની રજા લઇ પુણે તેમની મમ્મી ને ઘરે જવાનું નક્કી કરતા હતા ત્રણેક મહિનાથી તે ક્ષિતિજ ને મળ્યા નહતા. રાતનાં અઢી વાગ્યા ની આસપાસ મિસ્ટર અને મિસિસ શિંદે હજુ કાચી ઊંઘમાં હશે ત્યાં એકા એક ઘણા બધા કુતરાઓ નો ભસવા નો અવાજ થી રાત ની શાંતિ ડોહળાઈ ગઈ અને મિસ્ટર અને મિસિસ શિંદે બન્ને ની ઊંઘ ઊડી ગઈ. પહેલા તો તેમને થયું કે કુતરા અમસ્તાજ ભસતાં હશે થોડી વાર માં શાંત થઈ જશે પણ પંદરેક મિનિટ સુંધી સતત અવાજ આવતા મિસ્ટર શિંદે ઉભા થઈ બારી પાસે ગયા ત્યાંરે કુતરાના ભસવાની સાથે નાના ગલુડિયા નો પણ અવાજ સંભળાયો. મિસ્ટર શિંદે બહાર અગાશી માં આવી જોયું તો સામેના બંગલાની બહાર ના બગીચામાં પાણીની ડંકી પાસે એક પાણી થી અડધાથી થોડું વધારે ભરેલું પીપ હતું અને આઠ થી નવ કૂતરા તેને ઘેરી ને ઉભા હતા ધ્યાન થી જોયું તો એ પાણી ના પીપ માં કંઈક હલન ચલન કરતું દેખાયું એ એક નાનું ગલુડિયું હતું જે પીપમાં કાંઈક કરતા પડી ગયું હશે અને બહાર આવવા તરફડિયા મારતું હતું.
મિસ્ટર શિંદે ને બહાર અગાશી માં જતા જોઈ મિસિસ શિંદે પણ ઉભા થઇ બારી પાસે આવી ઉભા રહ્યા અને મિસ્ટર શિંદે ને અવાજ લગાવી પૂછ્યું "શુ થયું કુતરા કેમ ભસે છે ? કોઈ ચોર તો નથી ને...!". મિસ્ટર શિંદે તેમને નજરે જોયેલું આખું દ્રશ્ય વર્ણવ્યું. પાણીના પીપ માં પડી ગયેલા ગલુડિયા વાત સાંભળી મિસિસ શિંદે ભાવુક થઈ ગયા અને થાય કેમ નહિ...! આખરે તે પણ જાણતા હતા કે બાળક દુર હોય તો મા ના મન પર શુ વીતે. તેમણે મિસ્ટર શિંદે ને કહ્યું ગમે તેમ કરી એ ગલુડિયા ને પાણી ના પીપ માંથી બહાર કાઢવું પડશે. મિસ્ટર શિંદે પણ વાત સાથે સહમત હતા પણ રાત ના ત્રણ વાગે અજાણ્યા શહેર માં કોઈક ની માલિકીના બગીચામાં જાવું અને એ પણ આઠ દસ કુતરા ઘેરી ને ઉભા હતા એ જગ્યાએ પગ મુકવો જોખમ તો હતું. મિસ્ટર અને મિસિસ શિંદે હાથ માં ટોર્ચ લઈ તેમના બંગલાની બહાર આવ્યા રસ્તો ઓળંગી સામેના બંગલા તરફ આગળ વધ્યા. મિસિસ શિંદે એ સામેના બંગલા ના રહેવાસીઓ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું "માન્યું કે આજુબાજુ ના લોકો ને માત્ર કુતરાના ભસવાનો અવાજ આવે પણ એ બંગલાના રહેવાસી ને તો ગલુડિયા નો અવાજ નહિ આવતો હોય કે ઢોર ની માફક ઊંઘયા જ કરે છે.."
બંગલા નો મુખ્ય જાંપો તો બંધ હતો આથી તેઓ બંગલા ની ફરતે ની દીવાલ જે અઢી ત્રણ ફૂટ જ ઊંચી હતી તેને કુદી બંગલામાં દાખલ થયા. કુતરાઓ પીપને ઘેરી ને ઉભા હતા અને તેમનું ભસવાનું ચાલુ જ હતું મિસ્ટર અને મિસિસ શિંદે ને એ તરફ આવતા જોઈ એક બે કુતરાઓ એ તેમની તરફ જોયું પણ તેમના માટે પણ પરિવાર નું પાણી માં પડી ગયેલા સભ્ય વધારે અગત્યનું હોઈ પાછું પીપ પાસે જઈ ભસવા લાગ્યા. એ ગલુડિયા ની મા પીપ ની આજુબાજુ જ આંટા મારતી હતી બે પગ પર ઉભી થઇ પીપ ની ઉપર ના ભાગ પાસે મો લઇ જતી અને જાણે ગલુડિયાને એ બાજુ આવવા કહેતી હોય તેવો દયામણો અવાજ કાઢતી હતી. પીપમાંનું પાણી જો છલોછલ હોત તો ગલુડિયું આસાની થી નીકળી જતું પણ પાણી પીપના મુખ થી થોડું નીચેના સ્તરે હતું અને ગલુડિયું બહુ નાનું હોઈ તે પહોંચી નોહતું શકતું. બહાર આવવા માટે તરફડીયા મારતું ગલુડિયું થાકી ગયું હતું તેનું મો પાણી સપાટી ની ઉપર રાખવા મથી રહ્યું હતું. મિસ્ટર શિંદે એે મિસિસ શિંદે ને બગીચાની દીવાલ પાસે જ ઉભા રહેવા કહી પીપ પાસે એકલા જવાનું નક્કી કર્યું. મિસ્ટર શિંદે ના પીપ ની એકદમ નજીક પોંહચતા જ કુતરાઓ એ ભસવાનું બંધ કરી નાખ્યું અને તેમને જોવા લાગ્યા. મિસ્ટર શિંદે ને કોઈજ અંદાજો નોહતો કે કુતરાઓ શુ કરશે બની શકે કે કુતરાઓ મિસ્ટર શિંદે ને નાના ગલુડિયા માટે ખતરારૂપ સમજી હમલો પણ કરે. મિસ્ટર શિંદે કુતરાના ટોળા તરફ ધ્યાન આપ્યા વિના સીધા પીપ પાસે જઈ પીપ ને જોરથી લાત મારી અને પીપને આડું પાડી દીધું.
પીપ આડું પડતાજ તેમાંનું પાણી બહાર ઢોળાઈ ગયું અને ગલુડિયું પણ પાણી સાથે બહાર તણાઈ આવ્યું. ગલુડિયા ની માં ગલુડિયા ને સુંઘવા અને ચાટવા લાગી જાણે તપાસી રહી હોય કે તે સહી સલામત છે કે નહીં. બાકીના કુતરા પણ ગલુડિયા ને સુંઘવા લાગ્યા અને બે ત્રણ મિનિટ પછી આખું ટોળું બંગલાની પાછળ ના ભાગ માં જતું રહ્યુ. મિસ્ટર શિંદે એક અનોખા આત્મસંતોષ સાથે પાછા ફર્યા અને મિસિસ શિંદે ની જોડે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. મિસિસ શિંદે પણ એટલોજ આત્મસંતોષ અનુભવતા હતા અને વિચારતા હતા કયારે પુણે જવાશે અને ક્ષિતિજ ને આખી ઘટના વાર્તા ના રૂપમાં સંભળાવવા મળશે.