operation golden eagle in Gujarati Adventure Stories by Pratik D. Goswami books and stories PDF | ઓપરેશન ગોલ્ડન ઈગલ-7

Featured Books
Categories
Share

ઓપરેશન ગોલ્ડન ઈગલ-7

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૭

પ્રતીક ગોસ્વામી,

( ગયા પ્રકરણમાં.......

દિલ્હીમાં ભારતીય ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ હરબક્ષસિંહ પ્રેસ મીટીંગ બોલાવીને હુમલાના સમાચાર આપે છે. જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે. માતમની સાથે સાથે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. બીજી તરફ આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુખ્તા સબૂત મળે છે. તપાસના રિપોર્ટ સંરક્ષણ મંત્રાલયને મોકલી દેવાય છે. હવે જોવાનું એ છે કે સરકાર શું નિર્ણય લે છે..

હવે વાંચો આગળ...... )

'' તો હવે આગળ શું કરવું જોઈએ ?'' વડાપ્રધાન બ્રિજમોહન તિવારીએ ત્યાં હાજર રહેલા સૌને ઉદ્દેશીને સવાલ કર્યો. છેલ્લા અડધા કલાકથી વડાપ્રધાન કાર્યાલયના વિશાળ વોરરૂમમાં બંધ બારણે અત્યંત ગોપનીય રીતે બેઠક ચાલુ હતી. દેશની સુરક્ષા સાથે સંકળાયેલા મોટા ગજાના મહાનુભાવો ત્યાં ઉપસ્થિત હતા. સીસમના પ્લાયવૂડના જૂની શૈલી અનુસાર બનેલા મોટા લંબગોળ ટેબલની એક તરફ વડાપ્રધાન બી. એમ. તિવારી બેઠા હતા. તેમની તરત જમણી બાજુ સંરક્ષણમંત્રી, આર્મી ચીફ, એરફોર્સ ચીફ અને નેવી ચીફ તથા વડાપ્રધાનની તરત ડાબી બાજુએ કેન્દ્રીય ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રો ચીફ, આઈ. બી ચીફ તથા અન્ય અર્ધલશ્કરી દળોના ડિરેક્ટર જનરલ બેઠા હતા. હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના સબૂત તેમને આર્મી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રીપોર્ટ પરથી મળી ચુક્યા હતા. આર્મી ચીફ જનરલ જે. સી. કૃષ્ણને ખુદ મિટિંગની શરૂઆતમાં બધાને પરિસ્થિતિ વિશે બ્રીફ કર્યું હતું. ચર્ચાનો મુખ્ય મુદ્દો તો એ જ હતો, કે હવે શું કરવું ? કઈ રીતે પેલા અવળચંડા દુશ્મન દેશ અને તેના શાસકોને તેમની જ ભાષામાં જવાબ આપવો ? આટલું બધું થયા પછી હવે ચુપ બેસી રહેવું પાલવે તેમ નહોતું, પણ જવાબ આપતા પહેલા દુશ્મનની હિલચાલ વિશે જાણી લેવું ખૂબ જરૂરી હતું, તેથી પાકિસ્તાનમાં રહીને ભારત વતી જાસૂસી કરતાં 'રો' ના એક જાસૂસે મોકલેલા તાજા ખુફિયા રિપોર્ટ પર અત્યારે વિસ્તૃત બહેસ ચાલુ હતી. પરિસ્થિતિ ગંભીર રૂપ ધારણ કરી રહી હતી એવું રિપોર્ટ પરથી લાગતું હતું. '' તો હવે આગળ શું કરવું જોઈએ ?'' આખરે અડધા કલાકની ચર્ચા પછી વડાપ્રધાને પૂછ્યું. પોતાનો નિર્ણય તો તેઓ વહેલો લઇ ચુક્યા હતા, પણ તેમને ત્યાં હાજર રહેલા બાકી લોકોની રાય જાણવી હતી. પોતાના સહકર્મીઓના વિચારોથી હંમેશા વાકેફ રહીને સૌના હિતમાં નિર્ણય લેવો, આ જ તેમની ખાસિયત હતી, જે છેવટે તેમને વડાપ્રધાનપદ સુધી દોરી લાવી હતી. બધા સામે એક નજર નાખ્યા બાદ તેમણે જનરલ જે. સી. કૃષ્ણન તરફ જોયું. કૃષ્ણન સમજી ગયા અને તેમણે પોતાનું મંતવ્ય રજુ કરતા કહ્યું...'' સર, હજુ થોડા સમય પહેલા જ આપણે એક સફળ સર્જીકલ સ્ટ્રાઈક કરી ચુક્યા છીએ, પણ લાગે છે કે દુશ્મન પર આની જોઈએ તેવી અસર નથી થઇ, તેથી આ વખતે આપણે જવાબી કાર્યવાહી તરીકે વધુ મોટા પાયે હુમલો કરવો પડશે. હુમલામાં આપણું પહેલું લક્ષ્ય દુશ્મનના સરહદપારના બંકરો અને આતંકીઓના લોન્ચપેડ્સ રહેશે, કારણકે ઘૂસણખોરોને કવર અહીંથી જ અપાય છે. સાથે સાથે આપણી એક સ્ટ્રાઈક કોર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ઘૂસીને જેમ બને તેમ જલ્દી તેને પાકિસ્તાનથી અલગ પાડી દેશે. ત્રીજું લક્ષ્ય તેમના ભારતમાં આવેલા અડ્ડાઓ હશે. આ વખતે આપણી પાસે હુમલો કરવા માટે એક ઠોસ કારણ છે અને ચીન- પાકિસ્તાનની ઇપીઈસી યોજના પૂરી થયા પહેલાનો કદાચ આ છેલ્લો મોકો છે. જો એ યોજના પૂરી થઇ ગઈ, તો પછી આપણે પીઓકે પર હુમલો કરી શકવાની સ્થિતિમાં નહી રહીએ. '૪૭ ની સાલથી ભારતનાં એ ભૂલાયેલા ભાગને હંમેશ માટે ગુમાવવાનો વારો આવશે. તેથી આપણે તાબડતોબ આ પગલું ભરવું રહ્યું. આ બધાં લક્ષ્યાંકો પર સામટું ત્રાટકવાં માટે સેના પૂરી રીતે તૈયાર છે, ૯ પેરા બટાલિયનને પણ કાશ્મીર રવાનાં કરી દેવામાં આવી છે. દુશ્મનના ઘરમાં ઘૂસીને કરેલ સરપ્રાઈઝ એટેકથી આપણને ત્રણ ફાયદા થશે. પહેલું, કે થોડા સમયમાં જ આપણે પોતાનો હુમલો સમેટી લઈશું એટલે અને એન્ટી ટેરર ઓપરેશન હોવાને લીધે દુશ્મન વળતો પ્રહાર નહિ કરી શકે, તેને એટલો સમય જ નહિ મળે. બીજું, સરહદ પાસેના તેમના બધા જ લોન્ચપેડ્સ નેસ્તોનાબૂદ કરી દેવાથી તેઓ આતંકવાદીઓને ભારતમાં નહિ ઘૂસાડી શકે. ખાસ વાત એ પણ છે કે ઘણાં વર્ષો પછી આપણને ૧૯૪૭-૪૮ ના યુદ્ધની ભૂલ સુધારવાનો મોકો મળશે. ત્રીજો અને સૌથી મહત્વનો ફાયદો એ કે દુશ્મનોનું મનોબળ સાવ ભાંગી પડશે અને આપણી તાકાત એક વખત બરાબર ઓળખ્યા પછી તે બીજીવાર આવી ગુસ્તાખી કરતાં પહેલા હજાર વખત વિચારશે. સાથે સાથે દુનિયાના બીજા દેશોને પણ આપણે નબળાં નથી એવો કડક મેસેજ જશે.'' જનરલ જે. સી. કૃષ્ણને પોતાની વાત પૂરી કરી. '' શું જનરલ કૃષ્ણનની વાતથી બધા સહમત છે ?'' તિવારીજીએ પૂછ્યું. અરુણ બક્ષી સિવાય સૌના હાથ ઊંચા થયાં. '' કેમ અરુણ ? તમે જનરલથી સહમત નથી ?'' વડાપ્રધાને અરુણ બક્ષી સામે જોઈને પૂછ્યું. '' સર, બેશક જનરલ કૃષ્ણનની યોજના એકદમ જડબેસલાક છે, પણ મને લાગે છે કે અત્યારે આની જરૂર નથી.'' બક્ષીએ પોતાની વાત મૂકી. '' તો ? તમારી પાસે બીજી કોઈ યોજના છે ? આ રણનીતિ નવી છે અને ફુલપ્રૂફ છે એમાં કોઈ શંકા નથી. હું પણ એવું માનું છું કે પાકને મરણતોલ ફટકો મારવાનો આ જ યોગ્ય સમય છે.'' નેવી ચીફ એડમીરલ ગ્રાન્ટ દિરશાજી બોલ્યા. બક્ષીએ તેમની સામે જોયું. એ પારસી એડમીરલના ચહેરા પર ભારોભાર વ્યંગ દેખાતો હતો. '' હું પણ એમ જ કહેવા માગું છું એડમીરલ, આ રણનીતિ નવી છે તો આપણે તેને પાકિસ્તાન સામે વાપરીને શા માટે દુશ્મનને તેની ભનક પડવા દઈએ ? અત્યારે દેશને યુદ્ધનીતિની નહીં, ચાણક્યનીતિની જરૂર છે. ચાણક્ય કહી ગયા છે કે દુશ્મન સામે વધુ વખત લડવાથી આપણી રણનીતિ તેની સામે ખુલ્લી પડી જાય છે અને ક્યારેક ખરાખરીના જંગમાં તે બાજી મારી જાય છે. પાકિસ્તાન આપણો મોટો દુશ્મન છે એ વાત સાચી, પણ મુખ્ય દુશ્મન નથી. આપણે સૌ જાણીએ છીએ કે ભવિષ્યમાં આપણે ખરાખરીનો જંગ ચીન સામે ખેલવાનો છે, તો શા માટે અત્યારે કોઈ બિનજરૂરી લડાઈ લડીને પોતાની સ્થિતિ નબળી કરવી ? લંબાગાળાનું હોય કે ટૂંકું, પણ યુદ્ધ અંતિમ ઉપાય છે અને અત્યારે તેની કોઈ જરૂર લાગતી નથી. ઉલટું આપણાં આ પગલાંથી વિશ્વ બિરાદરીમાં આપણી છાપ એક એવા મરણિયા દેશ તરીકે પડશે જેણે જોશમાં આવીને પોતાની વર્ષોની મહેનતથી ઉભી કરેલી આર્થીક સધ્ધરતાં ખોઈ દીધી હોય.'' અરુણ બક્ષી પ્રેક્ટિકલ દ્રષ્ટિકોણ રજુ કરી રહ્યા હતા. '' તો શું આપણે એ જવાનોની શહાદત ભૂલી જવાની ? ચુપચાપ બેસી રહેવાનું અને દુશ્મન સામે અપમાનનો વધુ એક ઘૂંટડો પી જવાનો ? જો દર વખતની જેમ આ વખતે પણ એમ જ થવાનું હોય તો હું અત્યારે જ મારું રાજીનામુ આપવાનું પસંદ કરીશ. હોદ્દા કરતા પોતાનું સ્વાભિમાન મને વધુ પ્રિય છે.'' જનરલ કૃષ્ણને થોડા ઊંચા અવાજે કહ્યું. '' કામ ડાઉન જનરલ, પહેલા મારી પૂરી વાત તો સાંભળી લો, પછી આપણે નક્કી કરીશું કે રાજીનામુ તમારે આપવું કે તમારા પાકિસ્તાની સમકક્ષે... '' બક્ષીએ કૃષ્ણનને શાંત પાડતાં કહ્યું અને વડાપ્રધાન સામે જોયું. તિવારીજીએ આંખોથી જ સંમતિ આપી દીધી. '' આ વખતે આપણી સામે એવો પડકાર છે, જે પહેલા ક્યારેય ન હતો. તેથી સૌએ સાથે મળીને તેનો સામનો કરવાનો છે. માત્ર પીઓકે જ શું કામ ? પુરા ચાર ટુકડા કરવાના છે પાકિસ્તાનના. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી. આ કામ સહેલું નથી, પણ જો બધા સાથે હોઈએ તો અઘરું પણ ક્યાં છે ?'' આટલું બોલીને બક્ષી અટક્યા. બધાં ધ્યાનથી સાંભળી રહ્યા હતા તેથી તેમણે આગળ ચલાવ્યું '' હુમલો ત્રિપાંખીયો હશે. એકની કમાન આર્મી પાસે હશે, બીજો મોરચો 'રો' સંભાળશે, ત્રીજો નેવી અને કોસ્ટગાર્ડને હસ્તક રહેશે, જયારે એરફોર્સના ભાગે થોડું શક્તિપ્રદર્શન આવશે. જનરલ, તમારે અત્યારે થોડા સમય સુધી દુશ્મનના પ્રદેશોમાં ઘૂસવાને બદલે સીમાની અંદર રહીને જ તેના પર ભારે તોપમારો કરવાનો છે, તેને એવા ભ્રમમાં રાખવાનો છે કે આપણે હુમલાનો બદલો તેમની ચોકીઓને નષ્ટ કરીને લઇ રહ્યા છીએ. અહીં એક વાત ખાસ જણાવવાની, કે પાકિસ્તાનની બધી જ અગ્રીમ ચોકીઓ પર પાકિસ્તાની રેંજર્સની સંખ્યા ઘટાડી દેવાઈ છે અને તેમના સ્થાને કાશ્મીરી યુવકોને ટ્રેનિંગના નામે ગોઠવી દેવાયા છે, જેથી તેમના સૈનિકોની જાનહાનિ ઓછી થાય. સરહદની નજીક આવેલા દુશ્મનના ટેરર લોન્ચપેડ્સ પર પણ આવી જ ગોઠવણી કરાઈ છે. તેમની આવી આગોતરી તૈયારીને લીધે સર્જીકલ સ્ટ્રાઈક જેવો હુમલો અત્યારે શક્ય નથી. તેથી, જ્યાં સુધી આપણે આ વર્ષો જૂનાં ખૂની ખેલની કુંડળીમાં ગ્રહણ ન લગાવી લઈએ, ત્યાં સુધી આપણે આવો જ ગેમપ્લાન જારી રાખવાનો છે. આવું જ કામ કોસ્ટગાર્ડ અને નેવીએ કરવાનું છે. અત્યાર સુધી પાક મરીન આપણી જળસીમામાં આવીને માછીમારોનું અપહરણ કરતી હતી, હવેથી આપણે તેમ કરવાનું છે. માત્ર બળાપો કાઢવા માટે આપણે આવું કરીએ છીએ એવું તેમને લાગવું જોઈએ. આર્મીના પગલાંથી દુશ્મનોના મનમાં જો કોઈ શંકા બાકી હશે, તો એ આ કારનામાથી બેશક દૂર થઇ જશે. આ પગલાંને આપણી મૂર્ખાઈ સમજીને તેઓ બેદરકાર બની જશે અને તેમને પોતાની મુર્ખામીનો અહેસાસ થતાં પહેલા જ પાકિસ્તાનનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવશે. જયારે તમે લોકો દુશ્મનનું ધ્યાન ભટકાવતાં હશો, ત્યારે અમે ચુપચાપ પાકિસ્તાનના મળતીયાઓ અને આતંકના આકાઓનો ખાત્મો કરી રહ્યા હોઈશું. લશ્કરી ભાષામાં તમારે લોકોએ 'રો' ને કવર ફાયર આપવાનું છે. આખરે મોકો જોઈને તમે પીઓકે પર એટેક કરી દેજો, સિંધ અને બલુચિસ્તાનને અમે સાંભળી લઈશું. આ મિશન માટે અમને ત્રણે સેનાઓ અને અર્ધલશ્કરી દળોના કમાન્ડોમાંથી ૧૦૦ એવા કમાન્ડોની જરૂર છે, જે બેસ્ટેસ્ટ ફ્રોમ ધ બેસ્ટ હોય, સાથે સાથે બધી જ ખુફિયા એજન્સીઓના તાલમેલ માટે એક જોઈન્ટ ઇન્ટેલીજન્સ કોર પણ જરૂરી છે, જેથી તાલમેલના અભાવને લીધે ઓપરેશનમાં કઈં ગરબડ ન થાય. પછી જોઈએ કોણ રોકે છે આપણને. આ એક એવી તક છે કે જો આપણે સફળ રહ્યા, તો વર્ષો જૂની દુશ્મનીને મૂળિયાં સહીત ઉખાડી ફેંકી શકીશું, બસ એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પરસ્પર સહકાર જરૂરી છે. ધેટ'સ ઓલ.'' બક્ષીએ પોતાની વાત પૂરી કરી અને પાણી પીવા માટે સામે પડેલી બોટલ ઉપાડી. એકધારું બોલવાથી તેમનું ગળું સુકાયું હતું. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ ગઈ. '' હમ્મ.. સાંભળવામાં તો સારી લાગે છે, પણ સફળતાની ગેરંટી કેટલી ?'' સંરક્ષણમંત્રીએ પૂછ્યું. '' જો તાલમેલ જળવાઈ રહે અને નેશનલ ડ્યુટીમાં કોઈનો ઈગો વચ્ચે ન આવે, તો ૯૮ %. બાકીના ૨ % અમેરિકાના વલણ પર આધાર રાખે છે. '' બક્ષી બોલ્યા. અહીં તેમણે ઈગો શબ્દ પર જાણી જોઈને ભાર મુક્યો હતો અને આવું શા માટે કર્યું હતું, એ ત્યાં હાજર દરેક વ્યક્તિ જાણતી હતી. '' હું સહમત છું. '' અત્યાર સુધી ચુપચાપ બધાની વાતો સાંભળી રહેલા એરચીફમાર્શલ ધ્યાનચંદ બોલ્યા. '' મને પણ લાગે છે કે આ યોજના પર કામ કરવા જેવું છે.'' વડાપ્રધાને હકારમાં પોતાનો સૂર પૂરાવ્યો. હવે આર્મી ચીફની સાથે સાથે ત્યાં હાજર રહેલ બધા લોકોએ એકી સૂરે આ યોજનાને સંમતિ આપી દીધી. થોડીવાર પહેલા જે એડમીરલના ચેહરા પર બક્ષી સાહેબ માટે કટાક્ષ ઉભરાતો હતી, અત્યારે તેમની જ આંખોમાં બક્ષી પ્રત્યે માન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો. '' બક્ષી સાહેબ, આમ તો હવે બધું તમે નક્કી કરી જ નાખ્યું છે, પણ છતાંય અમારે લાયક કંઈ કામ બાકી હોય તો જરૂર કહેજો.'' રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર થોડા હળવા અંદાજમાં બોલ્યા. '' વેલ, તમે આ ઓપરેશનનું નામ સજેસ્ટ કરી શકો છો.'' એ જ લહેજાથી બક્ષીએ જવાબ આપ્યો. થોડીવાર પહેલાનો ગંભીર માહોલ હળવો થઇ રહ્યો હતો, કારણકે અત્યારે જે ચર્ચા થઇ હતી એના પરથી એક વાત સ્પષ્ટ હતી, કે હવે ગુસ્સો, નિરાશા, લાચારી જેવી લાગણીઓ શત્રુ પક્ષે અનુભવવાની હતી. વર્ષોથી આડોડાઈ ભરેલ વલણ દાખવતાં પડોશીને તેની જ ભાષામાં જવાબ આપવાની બ્લુપ્રિન્ટ ઘડાઈ ચુકી હતી. અત્યારે ત્યાં હાજર રહેલ દરેક જણ પોતાને દેશભક્તિની ભાવનાથી તરબતર મહેસૂસ કરી રહ્યો હતો. '' ભલે ત્યારે, ઓપરેશનનું નામ તમે નક્કી કરો. બીજા કોઈને હવે કઈં કહેવું છે ?'' તિવારીએ પૂછ્યું. '' સર, હજુ એક નાનકડી વાત રહી ગઈ છે.'' બક્ષી સાહેબ બોલ્યાં. '' હવે તો મને એવું લાગે છે કે આ ઓફિસર મને યુદ્ધ મોરચે મોકલીને જ દમ લેશે.'' હળવું હસીને તિવારી બોલ્યા... અને પછી આગળ ચલાવ્યું '' બોલો અરુણ, હજી કઈં બાકી હોય તો બોલી નાખો. આમ પણ આજે તમારો દિવસ છે. '' વડાપ્રધાનની વાતથી વોરરૂમમાં આછું હાસ્ય છલકાયું. '' સર, એવું કંઇ નથી, પણ પગલું મોટું છે એટલે શરૂઆતમાં જ બધી સ્પષ્ટતા થવી જરૂરી છે. એ વાત તો તમે પણ જાણતાં હશો કે આપણાં દેશની રાજનીતિમાં અને સરકારમાં રહીને દુશ્મન પ્રત્યે સહાનુભૂતિ રાખવાવાળા અમુક નેતાઓ છે, જેમાંથી અમુક તો મંત્રીપદ પણ ભોગવી રહ્યા છે. તો જો ઓપરેશનમાં તેમના લીધે અડચણ ઉભી થાય તો અમારે શું કરવું જોઈએ ?'' સવાલ ધારદાર હતો અને સામે પક્ષે જવાબ પણ એક સાચા વડાપ્રધાનને શોભે એવો તેજતર્રાર મળ્યો. '' જો તમારા ખાતામાંથી કોઈ ગદ્દાર નીકળે તો તમે શું કરો ? એવું જ એ લોકોની સાથે કરજો. દરેક દેશદ્રોહીને સજા મળવી જ જોઈએ. આ વિષયમાં તમને લોકોને પૂરેપૂરી સત્તા છે, પણ હવે પછી આપણાં દેશનું સ્વાભિમાન હણાવું ન જોઈએ. યોજના પર જેમ બને તેમ જલ્દી અમલ શરુ કરી દો.'' વડાપ્રધાન બોલ્યાં. '' ઓકે સર, બસ હવે મારે બીજું કઈં નથી કહેવું, હા પણ એટલું ચોક્કસ કહીશ કે વર્ષો પછી આ દેશના સંરક્ષણ દળોના હાથ મજબૂત થયા છે, એટલે તેનો પ્રહાર પણ ઘાતક હશે જ એની અમે સૌ ખાતરી આપીએ છીએ. '' અરુણબક્ષીએ અન્ય ઓફિસરો સામે જોઈને વડાપ્રધાનને ઉદ્દેશતા કહ્યું. અત્યારે સૌ એકમત હતાં. ન જાણે કેટલાંય વર્ષોથી તેઓ આ મોકાની તલાશ કરી રહ્યા હતા. એવું ન હતું કે તેમને ભૂતકાળમાં આવા મોકા નહોતા મળ્યા, પણ દર વખતે તેમની બહાદુરી પર રાજનીતિ ભારે પડી હતી. ઘણાં સમય પછી હવે એક એવો વડાપ્રધાન આવ્યો હતો જેણે વર્ષોથી બંધાયેલા ફૌજના હાથ ખોલી નાખ્યાં હતાં, જે ખરા અર્થમાં મર્દ હતો. બંધબારણે ચાલેલી એ બેઠક આખરે એક દ્રઢ નિર્ણય સાથે સમાપ્ત થઇ. બેઠકમાં એક એવા ઓપરેશનને અમલમાં લાવવાની તજવીજ થઇ હતી જે ભારતના પડોશી માટે કરૂણ હતો. તેના બધા જ કુકર્મોનો હિસાબ હવે સામટો મળવાનો હતો. પાકિસ્તાનને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેનાર એ ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું '' ઓપરેશન ગોલ્ડન ઈગલ.''

ક્રમશ: