Aa bhagwan kona in Gujarati Short Stories by Pankaj Gamot books and stories PDF | આ ભગવાન કોના!

Featured Books
Categories
Share

આ ભગવાન કોના!

*આ ભગવાન કોના!*

સાંજ નું સમય થયું હતું, સુરજદાદા અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠી હતી. પાદર બાજૂ ઉડતી ધૂળની ડમરીઓ ગાયો ના આવવાના એંધાણ આપતી હતી. તો ધીમું-ધીમું આવતું ઘંટણીઓનું રણકાર તેની સાક્ષી પુરાવતો હતો. ધૂળના ગોટા માંથી ઉંચે ઉઠતી ચરણરજ સંધ્યાના લાલ રંગમાં ભળી જઇ સાંજ ને વધુ ગાઢ બનાવતી હતી.

ગામની ભાગોળે આવેલી દુકાનો માંથી લાલચંદ શેઠ સીવાયના બધા દુકાનદાર પોતાની દુકાન વધાવી ઘર ભણી ચાલ્યા છે. ગામની બરાબર મધ્યમાં એક વષૉ જૂનું રાધે-કિષ્નાનું મંદિર, મંદિરના પગથીયાની બંન્ને બાજૂએ બે દિવસ પહેલાજ બંધાયેલું સીમેન્ટનું તાજું ઓટલું અને તે ઓટલા પર સંધ્યાઆરતી ની વાટ જોતા બીડીઓ ફુંકતા ગામ ના વડીલો બેઠા છે. વચ્ચે બેઠેલા પટેલબાપાએ એક ઓલ્વી ને બીજી બીડી પેટાવી. સામે બેઠેલો પચ્ચાસેક વટાવેલો પસો રબારી ખોંખારો ખાતા-ખાતા એક બીડી સેરવી ને બોલ્યો, "આ કંપનીયુની બેડીઉં ચૂસી-ચૂસી ને હાંજે તો જડબોય જલાઈ રે સે, આપણે તો આ તમારી દેશી બોરી ફાવે સે" ખૂંણામાં બેઠેલા ચના મહેશ્વરીએ હળવેકથી હોંકારો ભરયો. પટેલબાપા એ બીડીની જૂડી ચના બાજુ ઠેલી.

"આજ કાલ મારાજબાપા હેં પુજામાં બોરો મોળો થાઉં જાતોય નઈં?" ઓટલો ખોતરતા કરશન આયરથી હવે ન રે'વાયું, "હમ્મ... મારાજબાપાની ઉંમર થઇ ને આ ટાઢકમાં ટેંમ નું ભાને કયાંથી રે" પટેલબાપાએ ઉતર વાળ્યું.

"હરોજ તા હાડા ચારે આઉ જાતા પણ આજે તો દી' ઉગ્યે દેખાણા" કરશને પોતાની વાત આગળ ચલાવી પરંતુ આ વખતે પટેલબાપા એ કોઈ જવાબ ન આપતા તેણે ઓટલું ખોતરવાનું ચાલું રાખ્યું.

અંદરથી મારાજબાપાનું "કાળીયા ઠાકરની જય" અવાજ સંભળાયું. પસા રબારીએ આંગળી સુધી પહોંચેલી બીડીના ઠુંઠાને ખેંચી ને કસ માયૉ. પટેલબાપા ને બાકી બધા અંદર જવા ઉભા થયા, ચનો ઘર બાજું ચાલ્તો થયો ને કરશન પછેડીની પાઘડીને સરખી કરતા-કરતા મંદિરમાં પ્રવેશ્યો. ગામની બાઈયું અસ્તવ્યસ્ત છતાં હારબંધ એક કોર ઉભી રહી, બીજી બાજું માણસોએ "રણછોળ રાય ની જય" સાથે આરતી વગાડવાની ચાલું કરી.

રાધા અને કૃષ્ણનું મુખ દેદીપ્યમાન લાગતું હતું. એમા પણ મંદિરમાં પ્રગટાવેલા દીવાઓ અને પંચવટીના પ્રકાશથી તેમના અંગો ઝળહળી ઉઠયા હતા, અગરબતીના ધૂવાળામાં રાધાજીના આંખોનો શ્યામ રંગ વધુ ઘેરો લાગી રહ્યો હતો. અગરબતીની સુવાસથી પુરો વાતાવરણ જાણે ભકિતના રમણે ચડયો હોય એમ પવિત્ર થઈ ગયો હતો. અને એમા પણ મરક-મરક હસતા રાધાજી જાણે હમણા જ કઈંક બોલી ઉઠસે એવું લાગી રહયું હતું. ભગવાન શ્રીકૃષ્ણના વાંસળીના છેડે લટકતી સોનેરી ઘૂઘરીઓ પવનમાં આમ થી તેમ જોલા ખાઈ રહી હતી...

લાલચંદ શેઠ પણ હવે દીવા-'બતી કરીને દૂકાન વધાવવાની ઉતાવળ કરી રહયા હતાં. ત્યાં તેમની નજર મંદિરની બીલકૂલ સામે ઉભેલા દશેક વષઁના છોકરા પર પડી. સફેદ રંગનો લેંગો-ઝભ્ભો અને માથા માથે સફેદ ઝાળી વારી ગોળ ટોપીમાં એનો ઘઉંવણૉ ચહેરો આકષઁક લાગતો હતો. મંદિરની અધ ખૂલ્લી બારી માંથી પટેલબાપા પણ પાંચેક દી' થી રોજ આ જ સમયે આવી ને ઉભતા છોકરા ને જોઈ રહયા હતા, પરંતુ આજે એ મંદિરની કઈંક વધારે જ નજીક ઉભો હતો.

મારાજબાપા ના ડાબા હાથમાં વાગી રહેલી ટોકરી બંધ થતાં બધાએ આરતીના ડંકા થોભાવ્યા, ધૂપ લઈ રહેલા કરશન આયરની નજર મંદિરના પગથિયા ચડી રહેલા છોકરા પર પડતા જ તેણે દોડીને છોકરાને ઉંમરા પાસે અટકાવ્યો, પટેલબાપા ના હ્દય મા પણ ફાડ પડી. અચાનક દોડેલા કરશન ને જોઈ ને બીજા બધા પણ ઉંમરા પાસે આવી પહોંચ્યા. દૂકાનમાં હિશાબને છેલ્લો હાથ મારવા બેઠેલા લાલચંદ શેઠ પણ ઉભા થઈ ગયા. પસા રબારીએ છોકરાનો ફંગણો જાલી ને પગથીયા નીચે ઉતાયૉ. તેની સાથે-સાથે બીજા બધા પણ ચૉકમાં આવ્યાં. કરશન હાથનો છણકો કરી ને બોલ્યો " કે નો ફર સે આ?"

અચાનક બનેલા બનાવથી છોકરાની મોટી થયેલી આંખો ચોતરફ ઉભેલા લોકો તરફ ફરી વડી ને મંદિર માંની મૂતિઁ પર મંડાઈ. " મૂને આ છોરો આપણા ગામ નો ત નથી લાગતો બારગામથી અમારા મંદરને અભડાવા આયો શો કે?" પસો જીણી આંખે છોકરાને જોઈને બોલ્યો. હવે છોકરાએ હિંમત ભેગી કરીને જવાબ આપ્યો " હી મંદિર તમારો હુંધો પણ અંદર ભગવાન મોયા આય"

છોકરા એ આપેલા જવાબ થી લોકોમાં સન્નાટો છવાઈ ગયો, પટેલબાપા ના મગજમાં છોકરાની અણસાર મૂદે દ્વંદ ચાલી રહયું હતુ ત્યાં તો "તમે ભગવાન માં કે' દી' થી માંડવા લાગુ ગા?" કહેતા જ કરશને આ દશ વષઁના બાળકના ગાલ પર ફટાક કરતા લાફો જીકી દીધો. પટેલબાપાએ બીજી વખત વળેલા કરશનના હાથ ને અટકાવી છોકરાને પાસે લઈ પૂછયું- "બેટા તને પે'લા તા કોઈ દી' નથી જોયો, તું કોનો છોકરો સો અને રોજ ઈંયા શું કરવા આવે સે?" હિબકા ભરતો છોકરો ફકત એટલું બોલી શકયો "હીં મૂજા ભગવાન આય"

દૂર ઉભેલા કરશને પોતાના હાથ મસળ્યા, ભીળ ચીરીને લાલચંદ શેઠ છેક છોકરાની પાસે આવી ને ઉભા રહી ચશ્મા નીચી કરી, ચકાસીને જોઈ રહ્યા. "બેટા પણ તું કોનો દીકરો સો?" પટેલબાપાએ ફરી વાર પૂછયું. "ઈસ્માઇલ મામદ જો" છોકરાના મો' માંથી હિબકા સાથે નીકળેલા નામે પટેલબાપા સહિત બધાય ને આશ્ચયઁમા મૂકી દીધા. ઈસ્માઈલ મામદનું નામ સાંભળતા જ પટેલબાપા ને યાદ આવ્યું કે- બરાબર છ વષઁ પહેલા આવેલા ભયાનક ભુકંપમાં આ વષૉ જૂનું મંદિર તો ઉભું રહી ગયું પણ ગોવધઁનધારીની જમણી આંગળી ખંડીત થઈ ગઈ હતી. અને ફરી પાછી મૂતિઁ જેણે બનાવી એ આ ઈસ્માઇલ મામદ કુંભાર જ !

આ સમયે લાલચંદ શેઠ ને પણ કઈંક યાદ આવી રહયું હતું અને એકાએક તે બોલી ઉઠયા, "માળા ઘળની બળાબળ એક ઘળ મૂકી ને બીજો ઘળ કુંભાળ નો, ટે'ડી ટાવળી લેવા ગ્યો 'ટો ત્યાળે મા વગળનો ચાળ વળસ નો અસલમ માટલા થી ળમી ળમી ને કંટાળી ગ્યો ટો અને મૂતિઁ ને રંગ લગાવટા બાપ ને નવો રમકળો માગી ને હેળાન કળટો હટો ટીયાળે કનૈયા ને કલળ લગાવટા ઈસ્માઈલે હસટા હસટા ડીકળા ના માથે હાથ ફળાવી ને કી'ધો કે 'હી ભગવાન ટોજા આય, ભની વને પોય હી કનૈયો ટોયો' ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ના બીજા ડીવસે જ અસલમ અનાથ થઈ ગ્યો, ને મુંબઈ વાળા મામા એને ઈંયા થી ભેળો લઈ ગ્યા 'ટા"

આટલું સાંભળી ને ત્યાં ઉભેલા લગભગ બધાની આંખોમાં પાણી તરી આવ્યું, પગ તળે જમીન ખસી ગઈ હોય એમ ઓટલા ના ટેકે ઊભડક બેઠેલા કરશનની આંખોમાંથી આંસુઓ ખરી પડયા, જીગર જાન ભાઈ સમાન ભેરુ ના દિકરા પર હાથ ઉપાડયા બદલ તેના શરીરે ઉંડે-ઉંડે વેદના થવા લાગી. હવે તો પાંચ દી' થી રોજ જેને મળવા માટે આવતા અસલમે મંદિર બાજૂ દોટ લગાવી. બધા એને ફ્કત જોઈ રહયા. અસલમ મંદિરના ગભઁગૃહમાં પ્રવેશી સામે ઉભેલા એના રમકડાને બાઝી જ પડ્યો અને પોતાના કાનુડાને, એના બાપે બનાવેલા કાનુડા ને હ્દય સાથે ચાંપી ને પેટ ભરીને રોયો..

આ બધુ જોઈ રહેલી પસાની નીતરતી આંખોમાં એક જ પ્રશ્નન હતો કે શું આપણા ભગવાન અભડાણા? તો બીજી બાજૂ પટેલબાપા ના મગજમાં એ જ દ્વંદ ચાલી રહ્યું હતું કે *આ ભગવાન કોના?*