chh tunki vartao in Gujarati Short Stories by Parth Toroneel books and stories PDF | છ ટૂંકી વાર્તાઓ

Featured Books
Categories
Share

છ ટૂંકી વાર્તાઓ

  • બાળકની નિખાલસતા
  • આઠ વર્ષની સોનલ ડોક્ટરના કેબિનની બહાર બેન્ચ પર એના ટેડીબીયર સાથે રમતી હતી. કેબિનની અંદર એના મમ્મી-પપ્પા ડોક્ટરની કેબિનમાં બ્લડ રિપોર્ટ શું આવ્યો એ જાણવા તલપાપડ થતાં હતા.

    ડોક્ટરે ડેસ્ક ઉપર બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી સ્થિર અવાજે કહ્યું, ‘બ્લડ રિપોર્ટ મુજબ, તમારી દીકરીને લ્યુકેમિયાની બીમારી છે.’

    લ્યુકેમિયાની બીમારી સાંભળીને તરત જ મમ્મીની આંખમાંથી આસું નીતરવાના શરૂ થઈ ગયા.

    પપ્પાએ ચિતાગ્રસ્ત અવાજમાં પૂછ્યું, ‘લ્યુકેમિયા? પણ એનો કોઈ ઈલાજ તો હશે ને ડોક્ટર?’

    ‘અનફોર્ચ્યુનેટલી, અત્યાર સુધી એનો કોઈ જ પ્રોપર ઈલાજ નથી શોધાયો.’ ડોક્ટરે સહેજ ખભા ઊંચા કરી નકારમાં માથું ધુણાવ્યુ.

    ‘પ્લીઝ ડોક્ટર, ડુ સમથીંગ ટુ સેવ હર. શી ઈઝ આવર ઓન્લી ચાઇલ્ડ.’ રડતાં અવાજે મમ્મીની અંત:વેદના બોલી ઉઠી.

    ‘સ્યોર, અમે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશું, પણ મેડિકલ પ્રોસીજરની પણ અમુક લિમિટ હોય છે... યુ ક્નો’ ડોક્ટરે પ્રોફેશનલ જવાબ આપ્યો.

    ***

    રાત્રે સૂતાં પહેલા બેડ ઉપર બેઠેલી સોનલે એના પપ્પાને કહ્યું, ‘ડેડી, વિલ આઈ ડાય?’

    ‘ના બેટા, એવું ના બોલાય. મારી નાનકડી પરીને કશું જ નહીં થાય...’ પપ્પાએ એના લલાટ ઉપર ચુંબન ભરી લઇ પૂછ્યું, ‘… અને આટલું મોટું જૂઠ કોણે કહ્યું તને?’

    ‘મોમ કિચનમાં એકલી-એકલી રડતી હતી. આઈ સો હર ડેડી...’ બાળ નિખાલસતાથી એણે જવાબ આપ્યો.

    મમ્મી બેડરૂમમાં સોનલનું ફ્રૉક વાળતાં બધું સાંભળી રહી હતી. પીઠ ફેરવી પપ્પા સામે નજર કરી. બન્નેની આદ્ર આંખો એકબીજાને ક્ષણિકવાર મૌનપણે જોઈ રહી. મમ્મીએ ચહેરા ઉપર હુંફાળું સ્મિત લાવી બેડ ઉપર બેઠેલી સોનલને ગળે લગાવી ગાલ ઉપર બચી ભરી લીધી. પછી લાગણીભીના સ્વરે કહ્યું, ‘બેટા, તને ખબર નથી મમ્મી-ડેડી તને કેટલો બધો પ્રેમ કરે છે...’ કહીને છાતીમાં સમાવી લીધી.

    ‘પણ મમ્મી-ડેડી, હું તો તમને ખૂબ ખૂબ ખૂખૂખૂબ જ બધો પ્રેમ કરું છું... આટલો બધો...’ સોનલે એના બન્ને નાના હાથ હવામાં ફેલાવી કહ્યું.

    સોનલની નિખાલસતા જોઈને બન્નેની આંખમાંથી આંસુ અને હ્રદયમાંથી લાગણીઓ છલકાઈ આવી.

    ***

  • દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?
  • એકવાર એક જીજ્ઞાસુ શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?’

    ગુરુજી શિષ્યનો પ્રશ્ન સાંભળી થોડીકવાર મૌન સેવ્યું. પછી વિચારીને જવાબ આપ્યો. ‘સાધુ, સંત, મહાત્મા આ બધા દુનિયાના સૌથી મોટા ઠગ છે.’

    ગુરુજીનો જવાબ સાંભળતા જ શિષ્યના ચહેરા પર મૂંઝવણના ભાવ ખેંચાયા. એણે મનમાં વિચાર્યું: ગુરુએ મારા પ્રશ્નને મજાકમાં લીધો હશે એટલે જ કદાચ એમણે આવો જવાબ મજાકમાં આપી દીધો હશે.

    પણ ગુરુજીના ચહેરા પર કોઈ મજાકના ભાવ દેખાતા નહતા. એમના ચહેરા પર શાંત-સ્થિર ભાવ હતા. એટલે શિષ્યે જવાબમાં રહેલું ગૂઢસત્ય જાણવા સ્વભાવગત જિજ્ઞાસા જાગી.

    ‘સાધુ, સંત, મહાત્મા… આ બધાને ઠગ કેવી રીતે કહેવાય ગુરુજી? આપનો જવાબ મને કંઈ સમજાયો નહીં. જરા સમજવશો!’ શિષ્યે નમ્રતાથી જુકીને કહ્યું.

    ગુરુએ જવાબ આપ્યો, ‘આખી દુનિયાને ઠગનારી આ મોહ-માયાને જેણે ઠગી લીધી હોય એનાથી મોટો ઠગ બીજો કોણ હોઇ શકે?’

    ***

  • બર્થડે
  • સાંજે છએક વાગ્યે બધા મિત્રો ગિફ્ટ્સ લઈને નિખિલના ભવ્ય બંગલામાં પધાર્યા. મિત્રોએ હેપ્પી બર્થડેના ગીત અને તાળીઓના ગડગડાટથી નિખિલનો બર્થડે ઉજવ્યો. નિખિલે ફૂંક મારી 25 વર્ષની કેંડલ બુજાવીને કેક કાપી. મિત્રોએ કેકનો મોટો ટુકડો નિખિલના મોઢામાં ઠૂસાવ્યો. બીજાએ ધીરેથી આખી કેક ઉપાડી નિખિલના મોઢા ઉપર દાબી દઈને આખા ચહેરા ઉપર ફેરવી. બધા મિત્રોએ મોજ મસ્તી કરીને નિખિલનો બર્થડે એન્જોય કર્યો.

    રાત્રે એજ રૂમને સાફ કરી પોતું કરવા કામવાળી એની સાત વર્ષની દીકરીને લઈને આવી. કેકના કટકા જ્યાં ત્યાં પડેલા, કેટલાક પગ નીચે છૂંદાઈ ગયેલા, બિયરની બોટલો ટેબલ ઉપર આમતેમ આડી પડેલી. એ છોકરીનો પણ એજ દિવસે જન્મદિવસ હતો, છતાં પણ એણે એની મમ્મીને કશું કહ્યું નહતું. કચરોવાળીને એ છોકરી ચૂપચાપ ખૂણામાં બેસી ગઈ. એની મમ્મીએ બાકીનું કામ પતાવી દઈ બન્ને ઘરે જવા નિકડ્યા.

    રસ્તામાં દુકાનો પાસેથી પસાર થતી વખતે એની મમ્મીએ કહ્યું, 'બેટા, તું અહીં બેસ જે હો. હું હમણાં આવું છું.' કહીને એ દુકાનમા ચાલી.

    એ છોકરી રસ્તા ઉપર આવતા-જતાં વાહનો અને લોકોને જોવામાં વ્યસ્ત થઈ ગઈ.

    દુકાનથી પાછા ફરતી વખતે એની મમ્મીએ ધીરેથી એક વસ્તુ એની આગળ ધરી. એ છોકરીની નજર જેવી એ વસ્તુ ઉપર પડી એવો તરત જ એનો રુક્ષ ચહેરો ફૂલની જેમ ખીલી ઉઠ્યો, આંખોમાં ખુશીની ચમક ઝગમગવા લાગી, હસતાં હોઠે એ તરત જ બોલી ઉઠી, 'ફ્રૂટી.... યેયે...' એણે ઠંડી ફ્રૂટી હાથમાં લઈને ગાલે અડાડી પૂછ્યું, 'મમ્મી, તને મારો જન્મદિવસ યાદ હતો??'

    'કેવી રીતે ભૂલું મારી પ્યારી દીકરીનો જન્મદિવસ... હમ્મ...!' કહી બન્ને હથેળીમાં એનો મુસ્કુરાતો ચહેરો લઈને કપાળ ચૂમી લીધું.

    ***

  • બ્લેન્ક મેસેજ
  • સાત વર્ષ પહેલાની વાત છે.

    એ દિવસે મેં મારી મમ્મીને મેસેજ કેવી રીતે કરાય એ શીખવ્યું. હું મારી ઓફિસે બેઠો હતો ત્યારે મારા મોબાઇલમાં મમ્મીનો મેસેજ આવ્યો. મેસેજ જોયો તો બ્લેન્ક હતો. મમ્મી નવરી પડે હશે એટ્લે મોબાઈલમાં મેસેજ કરવાનું શીખતી હશે. આ વિચાર માત્રથી મારા હોઠના ખૂણા સ્મિતથી જરાક વંકાયા. બીજો મેસેજ આવ્યો. એ પણ બ્લેન્ક. એવા દસેક ખાલી મેસેજ આવ્યા ત્યાં સુધી હું મુસ્કુરાતો રહ્યો. અને પછી મેં વિચાર્યું: હું જ્યારે ઘૂંટણીયે ચાલવાનું કે ડગુમગુ ઊભા રહેતા, જે હાથમાં આવે એ સીધું જ મોઢામાં નાખતા, કે પહેલું વહેલું કાલુ કાલુ બોલતાં શીખ્યો હોઇશ ત્યારે મમ્મી પણ મારી બાલિશતા જોઈને આમ જ હસી હશે!

    ***

  • સોફી પેન્ટી લાઇનર
  • (એક ફિમેલ ફ્રેંડે શેર કરેલી સત્ય ઘટના)

    “અંકલ, સોફી પેન્ટી લાઇનર?!” મેડિકલ સ્ટોરમાં મેં પૂછ્યું.

    મારી બાજુમાં ઉભેલા ત્રણ છોકરાઓ મને જોઈને ખીં ખીં... હસવા લાગ્યા.

    “કેમ ભાઈ...! એમાં હસવા જેવુ શું છે? હં...?” મેં અકળાઈને પૂછ્યું.

    એક જણાએ હસતાં કહ્યું, “આવી રીતે ખુલ્લે આમ આવું ખરીદતા જોઈને હસીએ નહીં તો શું રોઈએ!” ત્રણેય ખડખડાટ હસીને એકબીજાને હાઇ-ફાઇવ આપી.

    “તમારી મમ્મીઓ જો મારા જેમ નોર્મલ નહોત તો આજે તમારામાંથી એક પણ અહીં ઊભો ન હોત સમજ્યા ! દાંત કાઢી ખીં ખીં... કરવા કરતાં છોકરી સાથે કેમ બિહેવ કરવું એ શીખો પહેલા !” કહીને મેં શાબ્દિક તમાચો ઝીંકયો.

    ત્રણેયની બિલકુલ બોલતી બંધ થઈ ગઈ! ભોંઠા પડેલા ચહેરે નજર છુપાવવા લાગ્યા.

    ***

  • એબોર્સન
  • ચાર મહિનાની એક ગર્ભવતી સ્ત્રી અંદરો અંદર ચિંતામાં મૂંઝાતી હતી. એના પતિએ એને ધમકાવી ડોક્ટર જોડે ખાનગીમાં તપાસ કરાવડાવ્યું કે આવનાર બાળક છોકરી છે કે છોકરો. અલ્ટ્રાસાઉન્ડ પરથી ડોક્ટરે કહ્યું કે આવનાર બાળક છોકરી છે. આ સાંભળીને માંનું કાળજું ચિરાઈ ગયું. દાંત કચકચાવી ગુસ્સો દાઢ વચ્ચે પીસી નાખ્યો. આંખમાંથી દઝાતી વેદનાના આંસુ ટપકવા લાગ્યા. એના પતિએ એની પત્નીને બહાર મોકલી ડોક્ટર જોડે એબોર્સનની પ્રોસીજર પૂછી.

    થોડાક માહિનામાં એ સ્ત્રીનું એબોર્સન થઈ ગયું.

    એ રાત્રે એના પતિએ જમીને ટીવી ચાલુ કરતાં જ બ્રેકિંગ-ન્યૂઝ સાંભળ્યા.

    દિલ્હી કોમનવેલ્થ ગેમમાં ગીતા ફોગટે 55 કિલો કેટેગરીમાં ગોલ્ડ જીતીને અને બબીતા ફોગટે 51 કિલો કેટેગરીમાં સિલ્વર જીતી હરિયાણાનું નામ રોશન કર્યું. ગીતા ફોગટ ભારતની સૌથી પહેલી એવી મહિલા છે જે આ વર્ષે ઓલમ્પિક્સ્મ માટે ક્વોલિફાય થઈ છે. મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પાછી પડતી નથી એ આ બન્ને ફોગટ બહેનોએ સાબિત કરી બતા–

    તરત જ ટીવી ઓફ કરી ગુસ્સાથી છૂટ્ટુ રિમોટ ફેંકયું.

    ***

    Writer – Parth Toroneel.