Aantar manno ujas - 2 in Gujarati Moral Stories by BHAVESHSINH books and stories PDF | આંતર મનનો ઉજાસ - 2

Featured Books
Categories
Share

આંતર મનનો ઉજાસ - 2

બસ એક વાર. . . . . .

જિંદગીમાં સાથે તો હોય પણ સાથ ન હોય એવા ઘણા સંબંધો જોવા મળે છે. આવા સંબંધો બસ દુનિયાને દેખાડવા પૂરતા જ હોય છે, અને આવા સંબંધો એવા વ્યક્તિઓ જ ધરાવતા હોય કે જે પોતાની ઈચ્છાઓ દબાવી રાખે અને દુનિયા જેમ નચાવે તેમ નાચે. બસ આવો જ કંઈક સબંધ હતો રાઘવ અને ઋષિકા વચ્ચે.

રાઘવ અને ઋષિકા લગ્નને બસ હજુ તો થોડો જ સમય થયો હતો, ખરેખર આ લગ્ન રાઘવની મરજી વિરુદ્ધ થયેલ હતા કારણ કે રાઘવ એ કોલેજમાં રશ્મિને પ્રેમ કરતો હતો. પણ જ્યારે આ પ્રેમ પ્રકરણ વિશે ઘરે જાણ થઈ એટલે દુનિયા સામે બદનામ ન થાય એ માટે રાઘવના માતા પિતા એ રાઘવના લગ્ન ઋષિકા જોડે કરાવી દીધા.

રાઘવ આ સંબંધથી નાખુશ હતો, લગ્નની વાત પછી રશ્મિ પણ રાઘવને છોડી જતી રહી હતી. હવે રાઘવ સાવ સુમસાન બની આ ખોટો સબંધ સાચાવતો હતો. હવે રાઘવ એ શહેર માં નોકરી કરતો હતો અને ત્યાં તે અને ઋષિકા સાથે રહેતા. આમ તો આખો દિવસ રાઘવ ઓફિસે હોય, જ્યારે ઓફિસેથી ઘરે આવે એટલે કશું બોલ્યા વિના ફ્રેશ થઈ અને ભોજન લઈ સીધો હાઈ-વે પર ચાલ્યો જતો અને ત્યાં શાંતિથી બેસે અથવા તો બાઇક લઈ એકલો લોન્ગ ડ્રાઈવ પર ચાલ્યો જતો. રાતે મોડો મોડો ઘરે આવે અને ઊંઘી જતો. બસ આ જ એનું રોજન નું માળખું હતું. ઋષિકા રાઘવ સાથે વાત કરવાની કોશિશ કરે પણ બધું વ્યર્થ. વાત તો દૂર રાઘવે ઋષિકાને પ્રેમ પૂર્વક નિહાળી પણ નહી હોય . ઋષિકા ને લાગતું હતું કે નવા નવા લગ્ન થયા માટે એકબીજાને સમજવામાં વાર લાગશે અને એક દિવસ આ સંબંધ સુધરશે.

રોજની જેમ રાઘવ આજે પણ બાઇક લઈ અને નીકળી ગયો, રાઘવે બાઇક રોડ પર સાઈડમાં બાઇક ઉભી રાખી અને બાઇક પર બેસી રોડ પર જતાં સાધનોની ગતિવિધિ જૉઈ રહ્યો હતો. થોડીવાર થઈ હશે ત્યાં રાઘવે બાઇક પાર્ક કર્યું હતું એની બાજુમાં રહેલ સ્પેશ્યલ બેસવા માટે બનાવેલ ઓટા જેવા લાંબા રસ્તા પર એક સ્ત્રી આવી બેસી, રાઘવનું ધ્યાન તેના પર ગયું તો તેને નવાઈ લાગી કારણ કે તેને પોતાનો ચહેરો ચૂંદડી દ્વારા ઢાંકેલો હતો અને એ પણ રાત્રીના સમયે આ જૉઈ રાઘવ તેને જૉઈ રહ્યો હતો. તે સ્ત્રીની આંખો જ તેની સુંદરતા ને આલેખતી હતી. આખું મુખ ઢાંકયેલ બસ તેની આંખો આમ તેમ દોડતી હતી અને રાઘવ આ સ્ત્રીને નીરખી રહ્યો હતો. જેવી આ સ્ત્રીની નજર રાઘવ પર પડી એટલે રાઘવે તરત પોતાની નજર હટાવી અને રસ્તા પર જતા વાહનો અને તેની લાઈટો ને જોવા લાગ્યો. થોડીવાર ત્યાં ઉભી અને પછી રાઘવ બાઇક લઈ લોન્ગ ડ્રાઈવ માટે નીકળી ગયો. લગભગ અડધી રાત્રી થઈ હશે અને ત્યારે રાઘવે તેના ઘરનો ડોરબેલ વગાડ્યો, ઋષિકાએ આવી અને દરવાજો ખોલ્યો અને રાઘવ તરત અંદર આવી અને સીધો બેડરૂમમાં જઈ અને સુઈ ગયો. આમ તો આ નવી વાત ન હતી કેમ કે આ રોજ નું હતું.

રાઘવે ઋષિકા જોડે હજુ સુધી સરખી રીતે વાત પણ નહતી કરી કારણ કે રાઘવ કદાચ હજુ રશ્મિને ભૂલી શક્યો નહતો.

ઋષિકા રોજ સવારે આશ લઈ ને બેસતી કે રાઘવ આજે મારી સાથે સમય વિતાવશે અને રોજ એની આશ નિરાશામાં પરિવર્તતી.

રાઘવ આજે પણ રોજની જેમ બાઇક પર બેઠો બેઠો રસ્તાને નિહાળી રહ્યો હતો અને વિચારતો હતો કે દુનિયા ને બતાવવા જિંદગી સાથે કેટલા સમજોતા કરવા પડે છે. તે વિચારોમાં ને વિચારોમાં ડૂબતો જ જતો હતો ત્યાં ઓચિંતુ રાઘવનું ધ્યાન એક સ્ત્રી પર પડ્યું તે બીજું કોઈ નહિ કાલે જોઈ હતી એ જ યુવતી અને એ પણ કાલે પહેરેલો પોશાક અને મોં ઢાંકેલું. આ જોઈ રાઘવને ફરી નવાઈ લાગી કે રાત્રે કોણ પોતાનું મોં ઢાંકે?? રાઘવ યુવતી ને નિહાળતો હતો આજે એના વાળ મોં પર બાંધેલા દુપટ્ટાની બહાર હતા અને એ ઠંડી હવા સાથે મસ્તી કરી રહ્યા હતા. રઘવને પોતાની સામે જોતો જૉઈ અને પેલી યુવતીએ નજીક આવવાનો હાથથી ઈશારો કર્યો. પહેલા તો રાઘવે આજુ બાજુ જોયું પણ કોઈ દેખાયું નહિ, રાઘવ યુવતીની નજીક જતા અચકાયો એટલે તેણૅ પોતાની નજર બીજી તરફ ફેરવી લીધી અને આ જોઈ પેલી યુવતી ખુદ ઉભી થઇ રાઘવની પાસે આવી. એ શું કહેશે તેનું અનુમાન લગાવી શકાતું ન હતું કારણકે તેનો ચહેરો દુપટ્ટાથી ઢાંકયેલ હતો અને તેની આંખો પરથી કશું કહી શકાય એમ ન હતું.

અરે અહીં નજીકમાં તળાવ જેવું કશું છે?? હું અહી શહેરમાં નવી જ આવી છું અને મેં સાંભળ્યું છે કે એ સરસ જગ્યા છે, તે તળાવ કઈ જગ્યા પર આવ્યું છે? પેલી યુવતીએ રાઘવને પ્રશ્ન કાર્યો. રાઘવ ખ્યાલો માંથી બહાર આવી અને આંગળી ચીંધી ઉત્તર આપ્યો, તે પેલી બાજુ છે. પેલી યુવતી થેન્ક્સ કહી તે દિશામાં ચાલવા લાગી. રાઘવને મન થયું ચાલ ને હું પણ એ બાજુ જઈ આવું ત્યાં બહુ શાંતિ હશે, આમ પણ એક ને એક જગ્યાથી કંટાળ્યો છુ. રાઘવે પોતાની બાઇક તળાવ જતા રસ્તા તરફ કરી અને થોડે આગળ જતાં પેલી યુવતી હજુ રસ્તા પર ચાલ્યે જ જતી હતી. રાઘવે તેની પાસે બાઇક ઉભી રાખી અને બોલ્યો ચાલો બેસી જાવ હું પણ તે બાજુ જ જઈ રહ્યો છું, રાઘવને લાગ્યું કે કદાચ એ બેસતા અચકાશે પણ એ તરત જ બેસી ગઈ, આ જોઈ રાઘવને નવાઈ લાગી, રાઘવ ત્યાં જવાની સફાઈ આપતો હોય તેમ બોલ્યો હું રોજ અહીં આવું છું, તમે તળાવ વિશે પૂછ્યું તો મને થયું ચાલો આજે નવી જગ્યા પર જઈ આવું. પેલી યુવતીને સમજાય ગયું કે આ યુવક પોતાની સફાઈ આપે છે. પાછળ બેઠેલી યુવતી બોલી મને શાંતિ વાળી જગ્યા ખૂબ ગમે છે અને મેં સાંભળ્યું કે રાત્રે ખૂબ સરસ નજારો હોય માટે હું આજે એ તરફ જવા નીકળી. પેલી યુવતીએ હજુ ચેહરા પરથી દુપટ્ટો ઉતાર્યો ન હતો એ રાઘવ ગાડીના અરીસામાં જોતો હતો.

રાઘવે આગળ સાઈડમા ગાડી પાર્ક કરી અને ત્યાં આગળ થોડા વૃક્ષો હતા એ આટલા બધા ગીચ ન હતા પણ તે આ રાત્રીમાં ખૂબ જ સરસ લાગી રહ્યા હતા. પેલી યુવતી રાઘવની પાછળ પાછળ આવતી હતી. વૃક્ષો પુરા થતા જ એક સુંદર નજારો સામે વાટ જોઈ ઉભો હતો. સુંદર અને સ્વચ્છ પાણીથી ભરાયેલ તળાવ અને તેની આસપાસ આગિયા જાણે કોઈ નાના નાના તારા જમીન પર આવી પહોંચ્યા હોય. રાઘવ અને પેલી યુવતી તળાવની નજીકના નાના ઘાસ પર બેસી અને પાછળ હાથ ટેકાવી અને નજારો જોવા લાગ્યા. આગિયા તો તેના ક્યારેક ઝબુકતા તો ક્યારેક બંધ આછા પીળા પ્રકાશથી વાતાવરણને મુગ્ધ બનાવી રહ્યા હતા. અને સાથે સાથે લહેરાતો ઠંડો પવન જાણે આ શહેરનું ઝેર પીઈ અને આ જગ્યાને જકડી રાખે એવી બનાવી હતી.

આ વાતાવરણ જૉઈ પેલી યુવતી બોલી કેવું સરસ વાતાવરણ છે જાણે કુદરત બસ અહીં જ વિરામ લેતી હોય. આ સાંભળી અને રાઘવને લાગ્યું કે આ અવાજ કદાચ રશ્મિનો છે, પણ રાઘવ ચૂપ રહ્યો કારણકે રાઘવને એમ હતું કે હમણાં પેલી યુવતી દુપટ્ટો નિકાળશે. સમય વીતતો જતો હતો પણ પેલી યુવતી એ હજુ દુપટ્ટો પહેર્યો હતો, અને તે પ્રેમ પૂર્વક બસ આ નજારો જ નિહાળી રહી હતી. અને વચ્ચે ક્યારેક ક્યારેક રાઘવ જોડે વાત કરતી, વાત કરતી તો રાઘવને લાગતું કે આ રશ્મિ જ છે પણ પછી એ વિચારી પૂછવાનું ટાળતો કે કદાચ હું તેને ખૂબ પ્રેમ કરતો માટે આ મારો ભ્રમ પણ હોઈ શકે. અને રશ્મિ તો મારાથી નારાજ છે એ શું કામે મારી સાથે આવે. . .

નજારો જોતા જોતા બે કલાક કેમ વીતી ગઈ ખબર જ ન રહી. લગભગ રાત્રીના બાર થવા આવ્યા હશે. ત્યાં પેલી યુવતી ઉભી થઇ અને બોલી તમારો આભાર ચાલો હવે હું નીકળું છુ, તમને મળી ખૂબ ખુશી થઈ. આ સાંભળી રાઘવ બોલ્યો હું તમને ડ્રોપ કરી જવ? ત્યાં યુવતી બોલી ના ના હું જતી રઈશ એમ પણ હું અહી નજીક જ રહું છું, આમ કહી પેલી યુવતી ચાલતી થઈ અને રાઘવ હજુ ત્યાં જ બેઠો રહ્યો અને શાંતિ પૂર્વક ભૂતકાળની વાતોમાં ખોવાઈ ગયો. ત્યાં પાછળથી પેલી યુવતી ફરી બોલી તમે તો અહીં મોડે સુધી બેસતા લાગો છો?રાઘવ ધ્યાન માંથી અડધો બહાર આવી અને જવાબ આપ્યો હા હું રોજ બે વાગ્યે સુધી ખુદને જ સમય આપું છું. આ સાંભળી યુવતી ચાલતા ચાલતા બોલી સરસ વાત કહેવાય બાકી આ જમાનામાં કોઈને ક્યાં ખુદની પડી છે બધા પૈસા પાછળ જ દોટ મૂકે છે. અને રાઘવ ફરી પોતાના વિચારોમાં વિટાય ગયો.

રાઘવે રાત્રે બે વાગે ઘરનો બેલ વગાડ્યો અને ઋષિકા ઊંઘમાંથી ઉઠી અને દરવાજો ખોલ્યો અને પૂછ્યું આવી ગયા? ઋષિકા રોજ આ પ્રશ્ન પૂછતી તેને ખ્યાલ હતો કે રાઘવ મારી સામે છે છતાં રાઘવ જવાબ આપે એ માટે પૂછતી પણ રોજની જેમ રાઘવે આજે પણ કશો જવાબ ન આપ્યો અને બેડરૂમમાં ચાલ્યો ગયો. કદાચ રાઘવ આ બધું થયા પાછળનું કારણ ઋષિકાને માનતો હતો.

આજે રવિવાર હતો માટે રાઘવ ઓફિસે જવાનો ન હતો એટલે ઋષિકા વહેલી ઉઠી અને બધું કામ પૂરું કરી અને રાઘવ માટે કોફી મૂકી અને કોફી કપમાં ભરી અને રાઘવ પાસે જઈ અને ધીરેથી તેને રાઘવને હલાવ્યો પણ ઉઠ્યો નહિ એટલે ઋષિકાએ જોરથી રાઘવને ખખડાવ્યો અને આ સાથે જ ઋષિકાની હાથની બંગડીઓ એ પણ શોર મચાવ્યો અને આ સાથે રાઘવ ઓચિંતો બેફાળો બની ઊઠી ગયો. આ જોઈ ઋષિકા હસવા લાગી અને રાઘવ આંખો ચોળી ભાનમાં આવ્યો અને ત્યાં ઋષિકાએ કપ લઈ અને રાઘવના હાથમાં આપ્યો. રાઘવ કશું બોલ્યા વગર કપ લઈ બહાર બાલ્કની તરફ જઈ અને બહાર જોઈ કોફી પીવા લાગ્યો, ઋષિકા હજુ ત્યાંની ત્યાં જ ઉભી હતી અને વિચારતી હતી કે ક્યારે તેની જિંદગી માંથી આ કડવાશ દૂર થશે. આજે ઓફિસે જવાનું ન હતું છતાં રાઘવ ફ્રેશ થઈ સીધો બહાર ચાલ્યો ગયો અને બપોરના ભોજન સમયે આવ્યો. રોજની જેમ રાઘવ આવ્યો અને તેની વાટ જોતી ઋષિકાએ ખાવાનું ટેબલ પર મૂક્યું અને નજીક બેસી જમવા લાગી. ત્યાં રાઘવ બોલ્યો મારુ કશું ઠેકાણું ન હોય માટે તું મારી વાટ ન જો અને સમયે જમી લેજે. આના પ્રત્યુત્તરમાં ઋષિકા કશું ન બોલી. અને થોડીવાર પછી ઋષિકા બોલી તમે ફ્રી હોય તો આજે ક્યાંક બહાર જઈએ?? આ સાંભળી રાઘવ બોલ્યો ના તારે જવું હોય તો તું જઈ આવ મારે બહાર કામ માટે જવું છે. આ સાંભળી નિરાશ દિલે ઋષિકા કોળિયા ભરવા લાગી. રાઘવ બપોરનું ભોજન કરી અને બહાર ચાલ્યો ગયો અને છેક ફરી. રાત્રે આવ્યો અને રાત્રે જમી અને રોજ મુજબ બહાર જતો રહ્યો. રાઘવને મન જાણે ઘર એક જમવા માટેની લોજ જ હતી. અને ઋષિકા વાત કરવાનો ખૂબ પ્રયત્ન કરતી પણ રોજ નિરાશા.

રાઘવ રોજની જેમ આજે બહાર ગયો પણ આજે રાઘવે વિચાર્યું ચાલ તળાવ આગળ બેસુ ત્યાં અહીં કરતા ખૂબ શાંતિ છે. રાઘવ તળાવ આગળ બેઠો હશે તેની અડધી કલાક નહિ થઈ હોય ત્યાં પેલી સ્ત્રી અંધારામાં ચહેરા પર દુપટ્ટો લગાવેલો અને રાઘવ પાસે આવી અને બેઠી. આવતાની સાથે જ બોલી કાલ કરતા આજે ઠંડી વધુ છે નહીં? રાઘવ બોલ્યો હવે વરસાદ આવવાનો છે માટે થોડી ઠંડારક તો રહેશે જ. પેલી યુવતી બોલી વરસાદ વહેલો આવે તો સારું આ ગરમી માંથી છુટકારો તો મળે. ધીરે ધીરે વાતોનો વહેણ ચાલવા લાગ્યો અને આ શબ્દોના તરંગો ને આગિયા અનુભવતા હોય તેમ તેની પાસે વધુ ટોળુ જમા થયું અને તેને બધાથી અલગ કર્યા હોય એમ આજુ બાજુ આગિયા રમવા લાગ્યા .

હવે તો આ રોજનો સમય થયો બન્ને આવે અને એકબીજા સાથે વાતો કરે, હસી મજાક કરે અને પછી છૂટા પડે. એક દિવસ રાઘવે પૂછ્યું કે આ દુપટ્ટો કેમ બાંધે છે તો તેણીએ કહ્યું કે જિંદગીમાં મારા રૂપ પાછળ ઘણા લોકો મારા પ્રેમમાં પડ્યા અને જિંદગીએ મને ઘણીવાર આ પ્રેમમાં દગો દીધો માટે મેં નિશ્ચય કર્યા કે હું બહાર મારો ચહેરો ઢાંકી ને જ નીકળીશ. આ સાંભળી રાઘવને રશ્મિ યાદ આવી એને લાગ્યું કે કદાચ આ રશ્મિ જ તો નહીં હોય ને. ના ના આ રશ્મિ ના હોઈ શકે રશ્મિ ફરી મારી પાસે આવે એનું કોઈ કારણ જ નથી. આમ રાઘવને વિચારોમાં ડૂબતો જોઈ પેલી યુવતીએ પૂછ્યું તમે કેમ રોજ ઊંડા વિચારોમાં ખોવાયેલા રહો છો. આ સાંભળી રાઘવ વાત કહેવા જતો હતો ત્યાં અચકાયો અને ફરી શાંત થઈ ગયો ત્યાં પેલી યુવતી બોલી સંકોચ ના રાખો વાત કોઈને કહેશો તો દિલ. હળવું થશે. આશ્વાસન સાંભળી રાઘવે તેની બધી જ વાત પેલી યુવતીને કરી અને અંતે નિરાશા ભેર તળાવમાં પથ્થર ફેંકવા લાગ્યો ત્યાં પેલી યુવતી એ પોતાના હાથ વડે રાઘવના હાથ ને રોંક્યો આ સ્પર્શ રાઘવ માટે કંઈક નવો જ હતો . પેલી યુવતી રાઘવ સામે જોઈ બોલી દર વખતે આપણી જ ભૂલ એ જરૂરી નથી માટે તમારે ખુદને કોશવાની જરૂર નથી તમે તમારી ઝીંદગી ને નવો મોકો આપો એ સારું રહેશે. આમ કહી પેલી યુવતી રાઘવનો હાથ છોડી અને ઉભી થઇ અને બોલી ચાલો હું નીકળું છુ મારે બાર થયા તમારે હજુ બે ની વાર છે.

હવે આ શાંતિભરી જગ્યા પર રાઘવ અને પેલી યુવતી રોજ આવતા અને સાથે સમય વિતાવતા ક્યારેક શાંત વાતાવરણમાં હસતા તો ક્યારેક ભાવનાત્મક વાતોમાં ગુમ થઈ જતા અને આ વાતોના આગિયા સાક્ષી બનતા. હવે આ બન્નેને એકબીજાની આદત થઈ ચૂકી હતી બન્ને એકબીજાની ધીરે ધીરે નજીક આવતા હતા અને એકદિવસ યુવતીએ હળવેથી રાઘવના હાથ પર હાથ મુક્યો અને રાઘવ સામે પ્રેમથી નજર કરી રાઘવ દુપટ્ટામાંથી દેખાતી આંખોમાં પ્રેમનો ભાવ જોઈ અને પહેલા અંચકાયો પછી તે ખુદને રોકી ના શક્યો. હવે રાઘવ અને પેલી યુવતી પહેલાની જેમ રોજ અહીં આવતા પણ હવે બન્ને એક જ દ્રષ્ટિથી નજારો જોતા. રાઘવ અને પેલી યુવતી એકબીજાના હાથમાં હાથ પરોવી અને એકબીજા બાથભીડી અને સાથે મળી નજરો જોતા.

રોજની જેમ રાઘવ અને પેલી યુવતી એકબીજાને વળગી અને એકબીજાની હથેળીઓ સાથે રાખી એકબીજાની આંગળીઓ ટેરવી રહ્યા હતા ત્યાં અચાનક વીજળી ચમકી અને આ જોય રાઘવની પાછળ બેઠેલી યુવતી પાછળ ફરી રાઘવને જોરથી વળગી ગઈ અને રાઘવે તેને બાથમાં ભીડી લીધી. અને થોડીવાર પછી રાઘવના ખંભા પરથી જીણી નજર કરી તે રાઘવની બાથ છોડી ઉભી થઇ અને બોલી હું ઘરે જવ છું મને વીજળીથી ખૂબ ડર લાગે. રાઘવ બોલ્યો છોડી જવ? યુવતી નકારમાં માથું ઘુમાવી ચાલતી થઈ અને રાઘવ ફરી તળાવ અને આગિયાને નિહાળવા લાગ્યો. હજુ થોડીવાર થઈ હશે ત્યાં વરસાદ ચાલુ થયો અને રાઘવ વરસાદમાં ત્યાં જ બેસી રહ્યો અને વિચારોમાં ખોવાઈ ગયો. રાત્રીના બે થયા ત્યાં સુધી રાઘવ પલળતો રહ્યો . આગિયા પણ વરસાદના છુપાય ગયા હતા બસ તમ્મરનો તીક્ષ્ણ અવાજ અંએ વીજળી અને સાથે વરસાદ પડી રહ્યો હતો અને અંતે ઉભો થવા ગયો પણ ઉભો થઈ શક્યો નહિ રાઘવ વધારે પલળી ગયો હોવાથી માથું ભારે થઈ ગયું હતું અને નાક પણ બંધ થઈ ગયું હતું. આખું શરીર ગરમ થવા લાગ્યું હતું. રાઘવ ધીરે ધીરે ઉભો થયો પણ ફરી થોડું ચાલી બેસી ગયો. હવે તે કમજોરી અનુભવી રહ્યો હતો.

રાઘવ વૃક્ષ નીચે થોડીવાર બેઠો હશે ત્યાં તેને પોતાના નામની બુમ સંભળાઈ અને જોયું તો ઋષિકા રાઘવ પાસે આવતી હતી અને સાથે ટેક્ષી ડ્રાઈવર. જ્યારે રાઘવની આંખ ઉઘડી તો એ બેડરૂમના બેડ પર સૂતો હતો અને સામેં ડોક્ટર હતા અને રાઘવે ઋષિકાનો હાથ પકડી રાખ્યો હતો. ડોક્ટર બોલ્યા ગભરાવ નહિ વધારે પલડ્યા એટલે તીવ્ર તાવ આવી ગયો અને શરદી થઈ ગઈ છે મેં લખી એ દવા આપી દેજો બે દિવસમાં ઠીક થઈ જશે. આટલું કહી ડોક્ટર નીકળી ગયા. ઋષિકાએ પોતાનો હાથ રાઘવના હાથમાંથી છોડી અને બેડરૂમની બારી ખોલી . બારીમાંથી વરસાદ પછીની તાજી ઠંડક અને સવારનો જીણો તડકો પ્રવેશ્યો. રાઘવ ઓચિંતો ખૂબ જ ઊંડા વિચારોમાં ચાલ્યો ગયો અને પછી ઓચિંતી ઋષિકાને બોલાવી અને ઋષિકા રાઘવના બેડ આગળ ઉભી રહી અને પછી રાઘવે તેને નીરખીને જોઈ અને પછી તેની હથેળી પોતાના હાથમાં લઈ પોતાની નજીક બેસાડી અને બોલ્યો તને કેમ ખબર કે હું ત્યાં તળાવ આગળ છું?આ સાંભળી અને ઋષિકા બોલી એ તો એમ જ. . . . . બસ આટલું બોલતા જ રાઘવે ઋષિકાને અટકાવી અને બારી ની બહાર ઇશારો કર્યો ત્યાં જોયું તો ભીના કપડાં સુકાતાં હતા. રાઘવ બોલ્યો તું જ દુપટ્ટા વાળી હતી ?? કેમ તે આવું કેમ કર્યું તું શુ ઇચ્છતી હતી? આ સાંભળી અને ઋષિકા બોલી હું ઇચ્છતી હતી કે તમે ખદને હજી એક વાર, બસ એકવાર મોકો આપો. જે થયું તેને ભૂલી મારી સાથે નવી શરૂવાત કરો મેં ખૂબ પ્રયત્નો કર્યા પણ તમે મારી સામે સરખું જોયું પણ નહીં, તમારી એકલતા ભરી જીંદગી મારાથી ન જોવાણી માટે મેં તમારી એકલતામાં ભાગીદાર થવા માટે આ કર્યુ. જેથી તમે તમારી જિંદગી ને એકલતાથી દુર કરો અને બસ એકવાર મારી સાથે જિંદગી જીવો. આટલું બોલતા ઋષિકા રડી પડી અને રાઘવે ઋષિકાનો હાથ છોડી બેડ પર બેઠા થઈ અને ઋષિકાને ગળે લગાડી અને ઋષિકા જોરથી રાઘવને ભીડી ગઈ અને રડવા લાગી. રાઘવ ઋષિકાના વાળમાં હાથ ફેરવતા ફેરવતા બોલ્યો, ભૂલતો મારી હતી કે મેં તને અવગણી અને બસ એકવાર પણ ના વિચાર્યું કે તારી જિંદગીનું શુ થશે, મને માફ કરી દે ઋષિકા.

(2)

* પરિપક્વ *

ના ના પરેશ આ શક્ય જ નથી, અરે માહી મારી વાત તો સાંભળ, પણ પરેશ આ શક્ય જ નથી તું માત્ર 18 વર્ષનો ને હું 25 અને તું મારી સાથે લગ્નની વાત કરે આ શક્ય જ નથી.

આવો વાર્તાલાપ સુમસાન રસ્તા પર ઝડપથી ચાલતી માહી અને તેની પાછળ તેના પગલાનો સાથ આપતા પરેશ વચ્ચે થઈ રહ્યો હતો. રસ્તો સાવ સુમસાન અને પાછો ઉપરથી ઉનાળાનો બપોર અને આજુ બાજુમાં ઉભેલા બાવાળો ગરમ લુ ને લીધે રસ્તા પર એવી રીતે ઝુકેલા હતા જાણે આ વાતો કાન દઈ ને સાંભળી રહ્યા હોય, અને વચ્ચે ક્યાંક ઉભેલા કેસૂડાં પણ કિચડ માં ઉગેલા કમળની જેમ કાંટાળા બાવળોની વચ્ચે સોળે કળાએ શોભતા હતા અને તેના ફૂલો જાણે આખા બાવળને મળેલા કાંટાના ગમની ભરપાઈ કરવા ઉતાર્યા હોઈ તેમ કેસરિ રંગ હવામાં લહેરાવી રહ્યા હતા.

માહી એ સરકારી શિક્ષકની નોકરી આ ગામમાં બજાવી રહી હતી અને બાળકોના શિક્ષણને સુધારવા તે રાતે ફરી બાળકોને અભ્યાસ કરાવતી કારણકે તે ને ખ્યાલ હતો કે આ ગામના માતા પિતા તેના બાળકોને ઘરે શિક્ષણ આપે એટલા શિક્ષિત પણ ન હતા અને આખો દિવસ ખેતરમાં કામ કર્યા પછી તેના બાળકોને શીખવાડે એટલી શક્તિ પણ તેનામાં રહેતી નથી માટે માહી રાતે ભોજન કરી ફરી બાળકોને અભ્યાસ માટે બોલાવતી. માહી જાણતી હતી કે જો આ બાળકોને યોગ્ય શિક્ષણ મળ્યું તો બહુ આગળ જશે અને બાળકોને પણ અભ્યાસ પ્રત્યે ખૂબ રુચિ હતી કારણ કે આટલા વર્ષોથી ગામમાં ફક્ત કેહવા પૂરતી નિશાળ હતી બાકી ખરેખર તો ત્યાં શિક્ષક અને બાળકો સાથે મળી ફક્ત સમય પસાર કરતા. અને પરેશ એ આ ગામના ભણેલા અમુક યુવકોમાં નો એક તે બહાર શહેરમાં કોલેજ કરતો અને વેકેશનમાં અહીં આવતો અને ગામના બાળકોને ભણાવતો.

જ્યારે માહી હજુ ગામમાં નવી આવી જ હતી ત્યારે પરેશ વેકેશનમાં આવ્યો ત્યારે જેવો નિશાળે ગયો ત્યાં અચંબિત રહી ગયો ગંદકીમાં ડૂબી રહેતી નિશાળે હવે સુંદર મંદિરનું રૂપ લઈ લીધું હતું અને એક સુંદર ચહેરો બહાર વૃક્ષ નીચે પાટિયા પર કંઈક ચોકથી લખતો હતો અને હાથ સાથે તેના હોઠ પણ ચાલતા હતા અને પાછું ક્યારેક બોર્ડ પર લખતા લખતા પાછળ બેઠેલા વિદ્યાર્થી સામે જોઈ અને હાથને અલગ અલગ દિશા આપતી અને સાથે સાથે તેના હોઠોનો ગજબ તાલમેલ હતો અને સાથે ક્યારેક મલકતો તો ક્યારેક નકારમાં તો ક્યારેક હકારમાં ઘૂમતું તેનું મુખ અને આખા શરીરમાં એક પણ ઘરેણું નહી ફક્ત હાથમાં એક સાદી દોરી બાંધેલી આ ચહેરો પરેશ જોતો જ રહી ગયો અને આ રીતે સ્કૂલમાં એક વર્ષ પહેલા મુલાકત થઈ હતી અને ત્યાર બાદ તે સારા મિત્રો બની ગયા અને ધીરે ધીરે પરેશ માહીને પસંદ કરવા લાગ્યો અને આજે તેણીએ તેના દિલની વાત જણાવી દીધી.

પરેશ આપણી વચ્ચે ઉમરનો તફાવત જો દુનિયા શુ વાત કરશે, માહી મારે તારી ઈચ્છા જાણવી છે દુનિયાની નહિ, જો તું મને પસંદ કરતી હોય તો બીજા શુ વિચારે તે મારે નથી જોવું, ના પરેશ હું તને પસંદ કરું પણ. . . . . .

માહી શુ પણ?? જો હું અને તું બન્ને એક બીજાને સારી રીતે ઓળખીએ છીએ અને જો આપણૅ બન્ને એક થઈ જશું તો બન્ને એકબીજાને સપના સાકાર કરવામાં મદદ થશું કારણ કે તું મને સમજે છે અને હું તને,

ના ના પરેશ આ શક્ય નથી તું મને હવે ભૂલીજા આમ પણ આ હવે શક્ય નથી આ એક સપનું હતું એમ સમજી લે

હવે મેં મારી નોકરીની જ્ગ્યા બદલવાની અરજી કરી દીધી છે, હવે હું અહીંથી ચાલી જઈશ પછી તારી અને મારી દુનિયા અલગ. આ સાંભળી પરેશે તેની આગળ ચાલતી માહીનો હાથ પકડી લીધો અને માહીએ વિચારના દરિયામાં ખોવાયેલ ચહૅરો પરેશ તરફ કર્યો અને પરેશ બોલ્યા ના ના આ ના કર તું મારી જિંદગીમાં નહિ હોય તો ચાલશે પણ આ ગામમાં નહીં હોય તો આ ગામના બાળકોની જિંદગી કેવી થશે તે તું પણ જાણે છે, જો તને એવું લાગે તો હું દૂર ચાલ્યો જાવ પણ આવું ના કર.

ના ના એવું નથી બસ હવે અહીંયા મન ભરાય ગયું છે હવે હું અહી નહિ રહી શકીશ . આટલું બોલતા માહીનું ગળે ડૂમો આવી ગયો અને આંખોમાં પાણી તબકવા લાગ્યું બસ આંસુનું ટીપું પાડવાની તૈયારી જ હતી ત્યાં માહીએ પોતાને રોકી લીધી, આ જોઈ પરેશ બોલ્યો મન ભરાઈ ગયું?

એવું તે શું થયું એવું કંઈ હોય તો હું સરપંચ ને કહી તને અલગથી પૈસા આપવાની વ્યવસ્થા કરાવું,

જો પરેશ મેં પૈસા અને બાળકોને ક્યારેય તરાજુ પર તોળ્યા નથી.

તો પછી તું કેમ જવાની વાત કરે?

પરેશ અમુક વાત સ્વીકારવામાં જ ભલાય હોઈ, બસ હવે હું આ ગામ છોડી ચાલી જઈશ,

ભલે જેવી તારી મરજી એમ કહી પરેશ નિરાશા ભર્યા મુખે માહીની આગળ થઈ ચાલ્યો ગયો આગળ ચાલતા ચાલતા પાછું વળી બોલ્યો મારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજે બાકી હવે તો દુનિયા ભૂલો સુધારવાની પણ ભૂલતા જાય છે,

માહી સુમસાન રસ્તા પર ઉભી ઉભી વિચારોના વમળમાં વહી ગઈ અને તેના ધીમા ડગલાં રસ્તો કાપવા લાગ્યા

તેના વિચારોમાં એક જ વાત ભટકતી હતી "હવે તો દુનિયા ભૂલો સુધારવાનું પણ ભૂલતી જાય"

થોડી વાર બાદ ઓચિંતા માહીના પગલાએ ગતિ પકડી અને આગળ નિરાશથી જતા પરેશ ને બૂમ પાડી પહેલા તો પરેશને લાગ્યું કે ભ્રમ છે પછી પાછળ જોયું તો માહી. . .

માહીએ પરેશની સામે આવી નજરો થી નજર મિલાવી બોલી સાચું કહે છે તું દુનિયા ભૂલો સુધારવાનું પણ ભૂલી જાય છે અને હું પણ કદાચ એમ જ કરવાની હતી હું નથી ઇચ્છતી કે જે મારા પર થયું તે બીજા પર થાય

પરેશ ધ્યાન પૂર્વક આ સાંભળતો હતો

તને ખબર છે હું કેમ આ ગામ છોડી કેમ જવા માંગુ છું હું તને એટલા માટે કહું છું કે મેં ભૂલ કરી તે બીજા કોઈથી ના થાય તું મને વચન આપ કે તું મારી ભૂલ સુધારવામાં સહાયતા કરીશ આ બોલતા બોલતા માહીએ પરેશ નો હાથ પોતાના બન્ને હાથની વચ્ચે રાખી અને તેની આંખોમાં નજર કરી,

પરેશે ફક્ત હકારમાં માથું હલાવ્યું

હું અહી આવી ત્યારથી જ્યારે હું આ સુમસાન રસ્તા પર ગુજરતી ત્યારે બે ત્રણ છોકરાઓ મારો પીછો કરતા અને અપશબ્દો બોલતા મારા વિશે જોર જોરથી ખરાબ શબ્દો બોલતા. મેં જાણ્યું તો તે આ ગામના સરપંચ અને તેના મિત્રો હતા મેં આની વાત સરપંચ જોડે પણ કરી પણ બેટાથી સવાયો બાપ નીકળ્યો મેં બાળકો માટે આ રોજ ના શબ્દો સાંભળવાનું પણ સ્વંકાર્યું પણ. . . .

પરેશ કંઈક ખોટું થયાની આશંકા સાથે બોલ્યો પણ શું? શુ થયું માહી તું બોલ

માહીની આંખોના આંસુ હવે તેના કાબુમાં ના રહ્યા અને અશ્રુધારા વહેવાની ચાલુ થઈ ગઇ તેના અશ્રુ અને રુદન ભર્યા અવાજમાં સચ્ચાઈનું પ્રમાણ હતું.

માહી ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા બોલી જયારે તે લોકોને ખબર પડી કે હવે આ કશું નહીં બોલે તો તે લોકોએ આ સુમસાન જગ્યા પર મારા પર રેપ કર્યો.

આટલું બોલતાની સાથે તેના અશ્રુની ધારા વધારે તેજ થઈ અને તે પરેશને બાથ ભરી ભેટી પડી અને ધ્રુસકે ધ્રુસકે બોલી પ્રેમ તો હું પણ તને કરતી હતી પણ હું નથી ચાહતી કે મારી આ કલંકિત જિંદગીનો બોજ તારે પણ સહેવો પડે આ સાંભળી ને પરેશ તો હજુ સ્તબ્ધ બની ઉભો હતો અને માહી તેને ભેટીને રડતી હતી. વિચારોએ હવે બહુ વિકરાટ રૂપ લઈ લીધું હતું.

પરેશે હળવેથી તેને ભેટેલી માહીને પોતાનાથી દુર કરી અને ધીમે ડગલે ચાલતો થયો, અને મહી ત્યાં ને ત્યાં જ રુદન કરતી બેસી ગઈ.

લગભગ સૂર્ય આથમવાનો સમય થઈ રહ્યો હતો ત્યાં માહીના ઘરના બારણાં પર ટકોરા પડ્યા અને માહીએ બાર ખોલ્યું ત્યાં તો પરેશ સાથે ગામના આઠ દસ યુવાનો અને દસ પંદર વડીલો ઉભા હતા, પરેશે કશુ બોલ્યા વગર માહીનો હાથ પકડી ને ગામની પંચાયત ઓફીસની સામે ઉભો રહ્યો. અને સરપંચ ને બુમ પાડી. ગામના લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું અને આ બધા વચ્ચે માહીનું માથું નીચે ઝુકેલું હતું તે કોઈની સામે નજર મિલાવી શકતી નહતી.

આ હોબાળો જોઈ સરપંચ બહાર આવ્યા, પરેશની આંખમાં આક્રોશ દેખાતો હતો તેણે સરપંચનો કોલર ઝાલ્યો અને બોલ્યો આ છોકરી તારા છોકરાની ફરિયાદ લઈ તારી પાસે આવેલી કે નહીં? ગભરાટ ને મારે સરપંચ હા ના કરવા લાગ્યો ત્યાં એક ઓચિંતો તમાચો સરપંચ ના ગાલ પર આવ્યો પાછળ જોયું તો એક 45 વર્ષનો વ્યક્તિ ઉભો હતો તે બીજું કોઈ નહિ પરેશ ના પપ્પા હતા, તે બોલ્યા આની લડખડાતી જીભ જ આને કરેલા કાંડનું પ્રમાણ છે તને અમે એટલા માટે સરપંચ બનાવ્યો કે તું આ ગામની સમસ્યા સાંભળે અને નિરાકરણ કર પણ તે, તે તો ખુદ જ ગંદકી ફેલાવી તું શુ ગંદકી સાફ કરવાનો, ગામના લોકોનો આક્રોશ જોઈ સરપંચ માહીના પગે પડી માફી માંગવા લાગ્યો,

માહીનું માથું હજી ઝુકેલું જ હતું, ત્યાં પરેશના પપ્પા બોલ્યા જેને આપણા ગામમાં શિક્ષણનો ઉદય કર્યો તે તેની ઈજ્જત પર પૂર્ણવિરામ લગાવી દીધું,

આખા ગામના લોકો તેના પગ ધોઈ પીવે ને તો પણ તેના પુણ્યનું ફળ પૂરું ના કરી શકે અને તે??

તને ખબર જ્યારે મારો છોકરો આ વાત સાંભળી મારી પાસે આવ્યો ત્યારે મેં તેને લાફો માર્યો કે તું આટલા વર્ષમાં આટલો પરિપક્વ ના થયો કે આવા સમયે શુ કરવું જોઈએ, તું ઘરમાં ભરાઈ ગયો? આજે તે આ કર્યું કાલે આ જગ્યા પર બીજું હશે, તણખો સૂકી વસ્તુ પર પડે અને આગ પકડે તે પહેલાં તેને ઠારી દેવો જોઈએ નહિતર તે વિકરાળ આગ બની અને ઘણાનો ભોગ લે,

આટલું બોલતાની સાથે ગામના લોકો કહેવા લાગ્યા આને અને તેના છોકરાને પોલીસને હવાલે કરો અને બધાએ આ વિચારમાં સંમતિ દર્શાવી

બધા જતા જ હતા ત્યાં પરેશ બોલ્યો ઉભો

બધાની નજરો પરેશ તરફ દોરવાઈ, પરેશ બોલ્યો આગ તો ભૂલથી લાગી ગઈ પણ હવે તેનાથી થયેલા નુકશાનની ભોગવાય કરવાનો વારો આવ્યો માટે હું માહી સાથે લગ્ન કરવા તૈયાર છું, આ સાંભળતા માહી નું નીચે ઝુકેલું માથું ઊંચું થયું અને બોલી ના પરેશ રહેવા દે હું નથી ઇચ્છતી કે તું આખી જિંદગી મારા કલંક નો ભાર લઈ ને જીવે, ત્યાં પરેશના પપ્પા બોલ્યા હીરો ખીચ્ચાંમાં પડ્યો હોય તો તેનો ભાર ના લાગે તે માણસનું મુલ્ય વધી જાઈ, અને લગ્ન એટલે બે આત્માનું મિલન શરીરનું નહિ આજે મને લાગ્યું કે હવે મારો પુત્ર પરિપક્વ થયો, અને સરપંચ સામે જોઈ બોલ્યા અમુક લોકોની ઝીંદગી ચાલી જાઈ પણ પરિપક્વ નથી બનતા. જો હવે તમે બન્ને રાજી હોવ તો હું તૈયારી કરું.

આ સાંભળી પરેશ અને માહી એ એકબીજાની સામે જોઈ હળવું સ્મિત રેલાવ્યું