ખલેલીરામ
નીતિન ભટ્ટ
(રીડર્સ ડાઈજેસ્ટમાં વાંચેલ વાર્તાના આધારે)
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
“અરે સાહેબ! અહીં બગડો મુકો,પછી બધાં ખાના ભરાઈ જશે.”
અઠવાડિયાની ક્રુઝ સફરના પહેલા દિવસે તુતક પર કોફીનો કપ લઈને સુડોકુ પઝલ કરવા બેઠો હતો ત્યાં અચાનક એક ટૂંકી,જાડી આંગળી સુડોકુના ખાના પર દેખાઈ. હજુ પાછો ફરીને જોઉં તે પહેલા થ્રી પીસ સુટમાં ઢંકાયેલ નાના કદનું શરીર, ગોળ ચહેરો, લચી પડેલા ગાલ અને ઝીણી આંખો ધરાવતી વ્યક્તિ પ્રગટ થઈ. મોઢામાં ચિરૂટ અને માથા પરની ફેલ્ટ હેટ દેખાવને અનેરો ઓપ આપતા હતા.
હું કાંઈ કહું એ પહેલા જ આ મહાશયે પોતાની લઘુ જીવનકથા કહી દીધી. ‘સાહેબ, મારૂં નામ સેવંતીલાલ. મૂળ મારવાડના પણ ત્રણ પેઢીથી મુંબઈ રહીએ છીએ. પહેલા કાપડબજારમાં દુકાન હતી. પછી તો જાતજાતના ધંધા કર્યા અને ઘાટઘાટના પાણી પીધાં. આપણને સુડોકુ પઝલ ફાવે હો!” ડીશમાંથી એક બિસ્કીટ ઉપાડીને મોઢામાં પધરાવતા તેમણે પૂછ્યું “આપણે શેનું કામકાજ સાહેબ?”
મેં ઔપચારિક પરિચય આપ્યો. આમ પણ મને આવી રીતે ‘ધસી’ આવતા લોકો માટે ભારે અણગમો છે. આ અઠવાડિયું તદ્દન આરામમાં વિતાવવા વિચારેલું. ત્યાં આ..
‘ઠીક છે સાહેબ, મળતા રહીએ. અઠવાડિયાનો સાથ છે. પઝલ પૂરો ન થાય તો આપણને કહેજો.” આટલું બોલી સેવંતીલાલ ચાલતા થયા.
મનોમન મેં એમનું નામ ખલેલીરામ પાડી દીધું.
લંચ અને ડીનર જે દસ મુસાફરો સાથે એક ટેબલ પર લેવાના હતા તેમાં ખલેલીરામ પણ સામેલ હતા. મેં પ્રાર્થના કરી કે એમને કારણે ઓછામાં ઓછી ખલેલ પડે.
વાઈન પીરસાયો એટલે એક ઘૂંટ પીને મહેરા સાહેબ બોલ્યા. “વાહ, ફ્રેંચ વાઈનની વાત જ અલગ છે.”
“અરે જનાબ! આ ફ્રેંચ વાઈન નથી!” ધુમાડાની રીંગ ઉડાડતા ખલેલીરામે કહ્યું.
મહેરા સાહેબ થોડા ગુસ્સામાં બોલ્યા. “ઓહો! તમને વાઈન વિષે બહુ ખબર પડે છે ને કાંઈ? તમે તો હજુ ચાખ્યો પણ નથી.”
“એમાં ચાખવાની શું જરૂર? સુંઘીને કહી દઉં!” ખલેલીરામે જાહેર કર્યું.
“હવે તો કહી જ દો,જોઈએ તમારૂં જ્જ્ઞાન.” મહેરાએ દાંત કચકચાવતા કહ્યું.
ખલેલીરામે લાપરવાહીથી સિગાર એશ ટ્રેમાં મૂકી,વાઈનનો ગ્લાસ હાથમાં લીધો અને સૂંઘ્યો થોડો વિચાર કરીને બોલ્યા “આ વાઈન ઈટાલીના ટસ્કેની વિસ્તારમાં આવેલી વિગ્નામેગીઓ વાઈનરીમાં બનેલો છે. લગભગ ૧૯૩૫ આસપાસ...”
મહેરાએ હેડ વેઈટરને બોલાવીને પૂછ્યું તો ખલેલીરામની વાત સાવ સાચી નીકળી.!
ટેબલ પર બેઠેલામાંના અમુકને કદાચ ખલેલીરામના જ્જ્ઞાન પર માન થયું હશે પણ તેમનો તોરીલો મિજાજ અને ફાંકા મારવાની રીત તો અણગમોજ ઉપજાવતા હતાં.
મુસાફરીના દરેક દિવસે તેમની આ તાસીરના ઉદાહરણ અનેકવાર જોવા મળ્યાં. બ્રીજ અથવા શતરંજની રમત ચાલુ હોય ત્યારે નિષ્ણાંતની અદાથી જોવા બેસતા અને અચૂક રીતે વણમાગી સલાહ આપતા. જો કે એ કબુલ કરવું પડે કે તેમને આ રમતોનું સારૂં જ્જ્ઞાન હતું.
કપડાં,ઘરેણાં, જોવાલાયક સ્થળો,રાજકારણ.. એકપણ વિષય એવો નહોતો જેમાં ખલેલીરામે ચાલુ વાતે ટાપસી ન પૂરી હોય અને તોરીલા અવાજમાં પોતાનો અભિપ્રાય અથવા નિર્ણય ન આપ્યો હોય.
સફર પૂરી થવાની આગલી સાંજે બધા જમવા બેઠા હતા. તેમાં શ્રીમતી મહેરાનું ધ્યાન પ્રિયા
ચોપરાએ પહેરેલા હાર પર પડયું. ‘વાહ, કેટલો સરસ હાર છે!” પ્રિયાના અત્યંત સ્વરૂપવાન ચહેરા પર લાલી છવાઈ ગઈ અને તેમણે કહ્યું “આ સાચા હીરાનો નથી” તે વધુ કાંઈ કહે તે પહેલા શ્રીમાન ચોપરા, જે બહુ મોટો બીઝનેસ ધરાવતા હતા,તે બોલી ઉઠયા “અરે સાચા ઘરેણાં પહેરવાનો જમાનો જ ક્યાં છે? વળી હું મહિનામાં પચીસ દિવસ બહારગામ હોઉં....”
તેમની વાત કાપતા ખલેલીરામ મેદાનમાં આવી ગયા. “શું વાત કરો છો ચોપરા સાહેબ, આ સાચા હીરાનો જ હાર છે.” બધાની નજર પ્રિયા ચોપરાએ પહેરેલા હાર પર પડી. મને લાગ્યું તેમના ચહેરા પર અજબની મૂંઝવણ છવાઈ ગયેલી.
એકસાથે ત્રણ વાક્યો સંભળાયા
“એ વાતની તમને વધારે ખબર હોય કે આમને?” શ્રીમતી મહેરા ચિડાઈને બોલ્યા.
“દરેક વખતે તમે જ સાચા હો, એવું જરૂરી છે સેવંતીલાલ?” હું મોટે અવાજે બોલ્યો.
ચોપરાસાહેબે લાલઘુમ ચહેરે હુકમ કર્યો “પ્રિયા, હાર કાઢીને આ ત્રીકાળજ્જ્ઞાનીને આપ.
પછી ખલેલીરામને કહ્યું “લો મહાજ્જ્ઞાની, જણાવો, આ સાચો છે કે ખોટો? ક્યાં ઝવેરી પાસેથી લીધો છે?
પ્રિયા ચોપરાએ કમને હાર કાઢીને ખલેલીરામ તરફ લંબાવ્યો. એમના ચહેરા પરના ભાવ કળવા મુશ્કેલ હતા. એમનો હાથ અને હોઠ ધ્રૂજતા હતાં.
ખલેલીરામે હાર હાથમાં લીધો,ગોળ ફેરવ્યો, આંખની નજીક લઈ ગયા, તેના પર જાડી, બરછટ આંગળીઓ ફેરવી અને એક અછડતી નજર પ્રિયા ચોપરા પર નાખી વિચારમાં પડી ગયા.
“બોલો,બોલો, ચુપ કેમ થઈ ગયા?” ચોપરા સાહેબ હજુ ધૂંધવાતા હતા.
તંદ્રામાંથી જાગતા હોય તેમ ખલેલીરામ હળવા અવાજે બોલ્યા “મારી ભૂલ થઈ. આ હાર ખોટો છે.”
હું અને ચોપરા સાહેબ સાથે બોલ્યા “હવે સાન ઠેકાણે આવી ને? બધી વાતે તમે સાચા ન હો.” ખલેલીરામ માથું હલાવી,મુક સંમતી દર્શાવી,ટેબલ છોડી ગયા.
બીજે દિવસે મુસાફરી પૂરી થઈ. બધા એકમેકની વિદાય લેતા સરનામાં,ફોન નંબરની આપ-લે કરતાં હતાં.
ખલેલીરામ કાંઈ બોલ્યા વિના (?) મારી પાસેથી પસાર થયા. મેં તેમના ખભા પર ટપલી મારીને કહ્યું “આવજો મહેરબાન! ક્યારેક મળજો. તમારા જ્જ્ઞાનનો લાભ દેવા. જો કે ગઈકાલે તો તમે ખોટા પડયા, ખરૂં?”
ખલેલીરામે શાંત નજરે મારી સામે જોયું,આછું હસીને બોલ્યા ”હા ગઈકાલે....” પછી અવાજ ધીમો કરીને બોલ્યા. “સાહેબ, જતાં જતાં એક વાત કહેતો જાઉં છું. મારે જો પ્રિયા ચોપરા જેવી રૂપાળી પત્ની હોય ને, તો હું મહિનાના પચીસ દિવસ બહારગામ ન રહું હો!”
અચાનક મને પ્રિય ચોપરાના ચહેરા પર જે ‘અકળ’ ભાવ દેખાયા હતા તે યાદ આવ્યા. એમાં છતા થઈ જવાનો ભય હતો? આજીજી, કાકલુદી? કે આ બધું?
હું દુર જતા ખલેલીરામને જોઈ રહ્યો. આજે પહેલીવાર મને તેના પ્રત્યે માન થયું!
નીતિન ભટ્ટ
(રીડર્સ ડાઈજેસ્ટમાં વાંચેલ વાર્તાના આધારે)