ફિટકાર
પ્રકરણ - ૧
દેવ રોજ સવારે ચાર વાગે ઉઠીને ઠંડા પાણીથી નહાઈને પૂજા કરવા બેસી જતો. પશ્ચિમ બંગાળનો વતની દેવ મહાકાળીનો ભક્ત હતો. પૂજાપાઠ બાદ મા સુમિયાની દિનચર્યા પુરી કરવામાં મદદકરતો. મા ને ચા પાણી નાસ્તો કરાવી એ રસોઈ બનાવી લેતો. રોજ મુજબ મા માટેની રસોઈ બનાવી બારીની પાસે મુકેલ ટેબલ ઉપર ગોઠવી દીધી હતી અને એની સામે ખુરશી પણ ગોઠવી દીધી હતી. રસોઈ બાદ એ પાણી પુરીની આઈટમ બનાવવામાં મશગુલ થઇ જતો. આ નવા શહેરમાં છેલ્લા ચાર મહિનાથી પાણી-પુરીની લારી ચલાવી મા અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એની લારી એક સ્કૂલની સામે હતી જે સવારથી રાત સુધીમાં સારું કમાવી આપતી હતી. બાળકો એને દેવદા કહેતા.
આમ પશ્ચિમ બંગાળ ધનિયાખલીના એક નાના કસબાનો વતની દેવ એક મિત્રની સહાયથી ગુજરાત આવ્યો હતો. એણે જ આ ધંધાની લાઈન આપી ધંધો શીખવ્યો હતો. લાંબા વાળ, કપાળ ઉપર સિંદૂરનો લાંબો તિલક ગાળામાં ઘણી બધી જાતની માળાઓ એ પહેરતો, જાણે દાઢી વગરનો કોઈ બાવો. ખભા ઉપરના ગમછાને લીધે એ યુ પી ના ભૈય્યા જેવો દેખાતો. બંગાળી બાબુ મોશાઈની વેશભૂષા બદલાઈ ગઈ હતી.
દેવના ઘરમાં પૂજાનો અલાયદો રૂમ હતો. રોજ સવારે અને રાત્રે ધંધા ઉપરથી ઘરે આવ્યા બાદ પૂજા કરવી એ એનો અચૂક નિત્યક્રમ. એણે થોડીક વિદ્યાઓ સિદ્ધ કરેલી હતી, પરંતુ હજુ નવી સિદ્ધિઓ માટે અલગ અલગ પ્રકારની સાધનાઓ કરી રહ્યો હતો. એનું પૂજાઘર એક તાંત્રિકનું પૂજાઘર જેવું હતું. દિવસે દિવસે એ સાધનામાં પારંગત થતો જતો હતો. પૂજા બાદ ઘરમાંથી બહાર નીકળતી વખતે પૂજાઘરને અચૂક તાળું મારતો. મા સુમિયાને પણ એ પૂજાઘરમાં પ્રવેશવા ના પાડેલ હતી. આમ તો એની માં આંખે જોઈ શકે એમ નહોતી. તેથી દેવને નિરાંત હતી. પરંતુ ઘરના બધાજ કામ પતાવી એણે બહાર નીકળવું પડતું. ઘરના દરવાજા સતત બંધ રાખે. બહાર જતી વખતે ઘરને બહાર થી તાળું મારી ચાવી બારીમાંથી મા ને આપી ધંધા ઉપર કે બહાર જતો, પરંતુ મા ની દરેક આવશ્યકતાની વસ્તુઓ બારી પાસેના ટેબલ ઉપર મૂકી જતો. દેવ મા સુમિયાને ખુબજ પ્રેમથી સાચવતો. સુમિયામા રોજની પ્રેક્ટિસ મુજબ પોતાની ચર્યા પતાવી બારી પાસે મુકેલ ખુરશી ઉપર બેસી રહેતી અથવા થાકી જાય તો બાજુના ખાટલાં ઉપર સુઈ જતી.
આજુબાજુના લોકો આવતા જતા એના હાલ બારીમાંથી પૂછતાં. સુમિયામા ભાંગી તૂટી હિન્દી ભાષામાં એમની જોડે વાતો કરી લેતી. બધા જાણતાં હતા કે મા આંધળી હોવાને લીધે દિકરાને બહારથી તાળું મારી જવું પડે છે, જેથી કોઈ વિચિત્ર ઘટના ન બને. દેવ જયારે ઘરે હોય ત્યારે પ્રેમથી બધા જોડે વાતો કરતો. એની વેશભૂષા કંઈક ભગત- બાવા જેવી દેખાતી. દેવના પૂજાઘર માંથી સવારે અને રાત્રે આવતા મંત્રોચ્ચારના અવાજથી અને ધૂપ-દીપના સુગંધથી દેવ કાળીમાતાનો ઉપાસક છે એવું બધાને સમજાઈ ગયું હતું એટલે ઘણીવાર પાડોશીઓ એમની સમસ્યા એને કહેતા અને એમની સમસ્યાનો ઉકેલ પણ આવી જતો. હવે એમનો વિશ્વાસ એના ઉપર વધવા માંડ્યો હતો.
થોડાક દિવસોથી સુમિયામા અચંબામાં હતા. કોઈ કોઈ વાર એને લાગતું કે ઘરમાં કોઈક છે. ચાલવાનાં કે ઝડપથી દોડી જવાના પગરવનો અવાજ એ સાંભળતી. કદાચ બારી આગળથી કોઈ પસાર થયું હશે કે પોતાને વહેમ થયો હશે એમ સમજી વાત ભૂલી જતી. પરંતુ દેવને એ વાત હજુ કરી નહોતી. આજે દેવ બહાર ગયા પછી, મધ્યાહ્નના સમયે અવાજ આવ્યો અને પોતાની શંકા દૂર કરવા એણે બંગાળીમાં જોરથી બૂમ મારી – " કે આછો ?” (કોણ છે ?)
ઉભા થઇ રોજની પ્રેક્ટિસ અનુસાર ઘરમાં આમતેમ ફરી અણસાર લેવાની કોશિશ પણ કરી પરંતુ બધું એકદમ શાંત થઇ ગયું. પરંતુ અવાજની દિશાથી એ કળી ગયી હતી કે અવાજ દેવના પૂજાઘર માંથી આવતો હતો. એ પૂજાઘર પાસે ગયી અને દરવાજો હાથ ફેરવી ચકાસી જોયો. દરવાજો બંધ હતો અને એના ઉપર હંમેશની જેમ તાળું લાગેલું હતું.
રાત્રે પૂજા બાદ દેવ અને મા જમવા બેઠા ત્યારે માં સુમિયાં એ દેવને કહ્યું - "બેટા હવે લગ્ન કરી લે".
માં ની વાત સાંભળી દેવ હસ્યો - "ના મા લગ્ન નથી કરવા".
સુમિયાં બોલી - "હવે એકલી એકલી હું આ ઘરમાં કંટાળી જાવું છું. કોઈક સાથે હોય તો સારું".
દેવ બોલ્યો - " ના…. માં એ હમણાં શક્ય નથી. "
સુમિયાં બોલી - "કેટલા દિવસ તું મારા માટે આ રસોઈ અને કામકાજ કરીશ ? લગ્ન કરશે તો તને પણ
થોડો આરામ મળશે.”
હવે તારી ઉમર પણ પચ્ચીસ-છવ્વીસ થઇ ગયી છે. પછીથી સારી છોકરી ના મળે. એક બે દિવસ માટે ગામ જઈ મામાને મળી આવશું અને લગ્નની વાત પણ કરી આવીશું જેથી તે સારી છોકરી ગોતી રાખે.
દેવે મા ની વાત હસતાં હસતાં ઉડાવી દીધી અને બંને નિરાંતે સુઈ ગયાં.
બે ત્રણ દિવસ બાદ સુમિયામાની તબિયત બગડી. રોજનું કામ કાજ પતાવી દેવ મા ને દવાખાને લઇ ગયો. ડોક્ટરે તાવને લીધે એની કાળજી લેવા કહ્યું. દેવ આજે ઘરે જ હતો. બપોરે માને જમાડી રહ્યો હતો ત્યારે એણે કંઈક અવાજ સાંભળ્યો અને એની આંખો ગુસ્સાથી લાલ થઇ, કપાળની નસો તણાઈ, આંખની ખેંચાઈ. હુકમના અનાદરનો સંતાપ એના ચહેરા ઉપર તરી આવતો હતો. વહેલા વહેલા મા ને જમાડી અને દવા પીવડાવી પૂજા ઘરમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. આજે પહેલીવાર પૂજાઘરમાં સંતાડી રાખેલી ખોપડીના રૂહની એ હરકત કરી હતી. ક્રોધમાં હતો છતાંય ગાલમાં હસ્યો. પોતાને મળેલ સિદ્ધિનું એ હાસ્ય હતું. નજર પડતાંની સાથે જ એ યુવતીની છાયા સામેના કાળા પડદાથી ઢાંકેલ ગોખલામાં જતી રહી અને ખોપડીમાં સમાઈ થઇ, જ્યાં એનું સ્થાન હતું. આજે જાણ થઇ કે એ ખોપડી એક સ્ત્રીની છે.
આજે વધુ એક સાધનાને અજમાવી જોવાની રાત હતી. કંઈક હાંસિલ કરવાની રાત હતી. ખોપડીવાળી રૂહ સાથે વાત કરવાની, એનો પરિચય મેળવવાની રાત હતી. એ રૂહ સ્મશાનઘાટ ઉપર શરણ કેમ આવી, તે રહસ્ય જાણવાની રાત હતી. અમાસની કાળીરાત હતી.
(ક્રમશઃ )