Varta tamari shabdo amara in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | વાર્તા તમારી શબ્દો અમારા

Featured Books
Categories
Share

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 6

સુરેશ હવે તેના કાકા અને પરીશા બંને વચ્ચે ના સંબંધ ને લઈને બરાબર નો ગૂંચવાયો હતો. એને હવે આ કોયડો ઉકેલવામાં રસ જાગ્યો હતો. એ વિચારી રહ્યો, "કંઈ રીતે હું આ સંબંધ નો તાળો મેળવું?? એને કંઈ સૂઝી રહ્યું નહોતું.

એ વિચારો માં જ અટવાયેલો હતો આજે. એણે સાંજનું ભોજન પતાવ્યું અને એ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. એણે સુવાની ઘણી વ્યર્થ કોશિશ કરી પણ આજે ઊંઘ તો આવવાનું નામ જ લેતી નહોતી. એ ખાલી આંખો બંધ કરી ને પોતાની પથારી પર આડો પડ્યો હતો.

અચાનક એને કંઈક સૂઝયું અને એ પોતાની પથારીમાં બેઠો થયો.

હા, એને હવે એક રસ્તો સૂઝયો હતો. કાકા અને પરીશા ના સંબંધ બાબત જાણવાનો. એણે વિચારી લીધું અને મનોમન નક્કી પણ કરી લીધું. એણે વિચાર્યું સવારે હું કાકા કાકી જોડે વાત કરી લઈશ.

હવે તેને ઊંઘ આવવા લાગી હતી. એને રસ્તો જો મળી ગયો હતો. હવે એ આરામથી સુઈ ગયો.

બીજા દિવસની સવાર પડી હવે. સૂર્યના હલકા કિરણો સુરેશ પર પડી રહ્યા હતા. અલાર્મ વાગ્યું. સવારના સાડા છ વાગ્યા હતા. સુરેશ પથારીમાં થી ઉઠ્યો. એ નાહી ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈ ને સુરેશ નીચે આવ્યો. નાસ્તા નો સમય થઈ ગયો હતો. સુરેશ, તેના કાકા અને કાકી ત્રણેય જણ નાસ્તો કરી રહ્યા હતા.

નાસ્તો કરતા સુરેશ બોલ્યો, "કાકા, થોડા દિવસ થી મમ્મી પપ્પા ની બહુ યાદ આવે છે. હમણાં તો સ્કૂલમાં પણ રજા છે તો હું વિચારું છું કે, હું મારા મમ્મી પપ્પા ને મળી આવું. એમને પણ મારી યાદ આવતી હશેને? તો હું મળી આવું?"

"હાસ્તો બેટા, તારા મમ્મી પપ્પા ને તું જરૂર મળી આવજે. તારે જ્યારે જવું હોય ત્યારે કેજે. હું તને વ્યવસ્થા કરી આપીશ. તારા મમ્મી પપ્પા ને અમારી યાદી પણ આપજે."

"હું તો આવતી કાલે જ ત્યાં જવા ધારું છું." સુરેશે કહ્યું.

"ઠીક છે દીકરા. હું તારા જવાની વ્યવસ્થા કરી આપીશ."

"ના, કાકા, એની જરૂર નથી. મારો એક મિત્ર પણ મારી સાથે ત્યાં જવા ઈચ્છે છે માટે હું એની સાથે જ ત્યાં જતો રહું એવું વિચારું છું." સુરેશે કાકાની વ્યવસ્થા ટાળવા માટે તેમ કહ્યું કારણ કે, જો તેના કાકા તેની વ્યવસ્થા કરી આપે તો તો એણે એના ઘરે જ જવું પડે અને એના ઘરે તો એ જવા માંગતો નહોતો. ઘેર જવાનું તો માત્ર બહાનું હતું. હકીકતમાં એ એના કાકા અને પરીશા પર ગુપ્ત રહીને નજર રાખવા માંગતો હતો.

સુરેશ બીજા દિવસે તેના કાકા ના ઘરે થી પોતાના ગામડાના ઘરે જવા નીકળ્યો. કાકા કાકીના મનમાં તો એમ જ હતું કે, એ ઘરે જાય છે. પણ સુરેશ પોતાના એક મિત્ર ને ઘેર થોડા દિવસ માટે રહેવા ગયો.

સુરેશે પોતાના માતા પિતાને પણ બધી વાતની જાણ કરી દીધી હતી જેથી કદાચ પણ તેના કાકા કાકી તેનો સંપર્ક સાધવા પ્રયત્ન કરે તો પણ વાંધો ન આવે. સુરેશને તેના માતા પિતા નો પૂરો સહકાર મળ્યો. એમને પણ સુરેશની આ યોજનાને પ્રોત્સાહન આપ્યું.

તેના પિતા એ કહ્યું, "બેટા, તને જરૂર લાગે તો હું પણ ત્યાં આવી જાવ?" રમેશે પૂછ્યું.

"ના પપ્પા. હમણાં જરૂર નથી. જો મને તમારી જરૂર લાગશે તો હું ચોક્કસ તમને બોલાવી લઈશ." સુરેશે પ્રત્યુત્તર આપ્યો.

"ઠીક છે બેટા. જેવી તારી મરજી. પણ જરૂર લાગે તો મને બોલાવી લેજે. જરા પણ ચિંતા કરીશ નહીં." રમેશ બોલ્યો.

બીજા દિવસથી સુરેશે તેના કાકા અને પરીશા પર નજર રાખવાની શરૂ કરી.

નજર રાખતા રાખતા લગભગ એક અઠવાડિયા જેટલો સમય હવે થવા આવ્યો હતો. પણ સુરેશને હજુ કંઈ અસરકારક પરિણામ મળી રહ્યા ન હતા.

સુરેશ પુરા પ્રયત્નો કરી રહ્યો હતો પણ એને હજુ સુધી કંઈ ધાર્યું પરિણામ મળી રહ્યું ન હતું.

પરંતુ એક દિવસની વાત છે.

સુરેશ પોતાના મિત્ર ના ઘેરથી તપાસ કરવા નીકળતો હતો ત્યાં જ એનો મોબાઈલ રણક્યો.

એણે જોયું તો એ પરીશા નો ફોન હતો. એણે ફોન ઉપાડ્યો.

"હેલો!"

"હેલ્લો, સુરેશ. હું પરીશા બોલું છું." સામા છેડે પરીશા ગભરાયેલા અવાજે બોલી રહી હતી.

"શું થયું પરીશા?" સુરેશે પૂછ્યું.

"સુરેશ, હું જાણું છું કે તું અહીં જ છો. તું તારા ઘરે ગયો નથી અને હું એ પણ જાણું છું કે, તું મારા અને તારા કાકા પર નજર રાખી રહ્યો છે. હું તને મળવા માંગુ છું. જો ના ન પાડતો. ખૂબ જ અગત્યની વાત હું આજે તારી જોડે કરવા માગું છું. મેં તને કહ્યું હતું ને કે, હું યોગ્ય સમય આવશે ત્યારે તારા કાકા બાબતમાં જણાવીશ. મને લાગે છે કે, હવે એ યોગ્ય સમય કદાચ આવી ગયો છે. બોલ, હું તને ક્યાં મળવા આવું?"

"પરીશા, તું પહેલાં શ્વાસ તો લે. જરા પાણી પી લે. તું બહુ ગભરાઈ ન જા. તું ક્યાં છે એ મને કહે એટલે હું જ તને મળવા આવું." સુરેશે કહ્યું.

"ઠીક છે તો પછી તું પેલા ગાર્ડન માં આવી જા. જ્યાં આપણે પહેલા પણ ગયા હતા. એ જ જગ્યાએ કે જ્યાં તે મને તારા કાકા બાબત પૂછ્યું હતું. હું પણ થોડી વારમાં ત્યાં જ પહોંચું છું." પરીશા એ કહ્યું.

"સારું, હું પણ ત્યાં જ આવું છું." સુરેશે એટલું કહીને ફોન કાપી નાખ્યો અને તે ગાર્ડન તરફ જવા રવાના થયો.

સુરેશ ગાર્ડન માં પહોંચ્યો. ત્યાં પરીશા તેની રાહ જોતી ઉભી હતી.

પરીશા ને જોઈને સુરેશ તરત જ બોલી ઉઠ્યો, "શું વાત છે પરીશા? તે આમ અચાનક મને કેમ મળવા બોલાવ્યો? તું શું જણાવવા માંગે છે મારા કાકા વિશે?" સુરેશની ધીરજ હોવી ખૂટવા લાગી હતી. તે એકસાથે બધું બોલી ગયો.

"સુરેશ, જરા શાંતિ રાખ. ધીરજ રાખ. હું તને બધું અત થી ઈતિ સુધી જાણવું છું."

"પરીશા, હવે મારી ધીરજ ખૂટી રહી છે. તું જે પણ કહેવા માંગતી હોય એ જલ્દી કહે." સુરેશની ધીરજ હવે ખૂટી હતી.

"તો સાંભળ. સુરેશ તને યાદ છે. એ દિવસે જ્યારે હું ખૂબ જ રડી રહી હતી અને તું મારો પીછો કરતો ત્યાં સુધી આવી પહોંચ્યો હતો."

"હા, મને બરાબર યાદ છે. તે દિવસે તે તારા પિતાની હત્યા કરી હતી અને પછી તને તેનો પસ્તાવો થતો હતો માટે તું રડી રહી હતી. અને મેં તને પૂછ્યું હતું ત્યારે તે મને તારા જીવનની બધી વાત કરી હતી. પણ હવે અત્યારે એનું શું છે? શા માટે તું આ ભૂતકાળને ઉખેડી રહી છે? એનો આજની વાત જોડે શું સંબંધ છે?" સુરેશને હજુ કાંઈ સમજ પડી રહી ન હતી.

"છે. ઊંડો સંબંધ છે. આ વાતને." પરીશા બોલી.

"શું ઊંડો સંબંધ છે?"

"વાત એમ છે કે, મેં કદી મારા પિતાની હત્યા કરી જ ન હતી. મારા પિતા જીવે છે. અને મારા પિતા ખૂબ જ સારા માણસ છે. દારૂ ને તો એમણે કદી હાથ પણ અડાડયો નથી તો પીવાની તો વાત જ દૂર રહી. મારી મા ને પણ એ ખૂબ પ્રેમ કરે છે. તે દિવસે મેં તને જે કાંઈ પણ કહ્યું એ અર્ધસત્ય હતું."

" તો તું ખોટું બોલી પરીશા?" સુરેશ હવે ચોંકી ઉઠ્યો હતો.

"હા, પણ આજે હું તને જે જણાવીશ એ સત્ય જ જણાવીશ. તને યાદ છે મેં તને કહ્યું હતું કે, દેવરાજ નામના માણસે મારા પિતા પાસેથી બધું છીનવી લીધું હતું. માત્ર એટલું જ સત્ય મેં તને તે દિવસે કહ્યું હતું."

"પણ હવે એનું શું છે?" સુરેશે પૂછ્યું.

"એ દેવરાજ એટલે તારા કાકા મહેશ. અને એટલે જ તે દિવસે એ મને જોઈને ચોંકી ઉઠ્યા હતા. મેં અને મારા માતા પિતા એ સાથે મળીને આ ખેલ રચ્યો હતો એને ખુલ્લો પાડવા માટે. મારા પિતાની હત્યાનું ખોટું નાટક કર્યું. અને તારા ઝરીયે હું તારા ઘરમાં પ્રવેશી. અને તારા કાકા મને જોઈને ચોંકી ઉઠ્યા પણ તરત એણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો જેથી તમને બંને ને શંકા ન જાય એમના પર."

"પણ તો પછી તે દિવસે મેં તને પૂછ્યું ત્યારે તે કેમ મને કંઈ કહ્યું નહીં એ બાબતમાં?"

"કારણ કે, ત્યારે યોગ્ય સમય નહોતો."

"તો હવે અચાનક આ બધાનો યોગ્ય સમય કઈ રીતે થઈ ગયો. કંઈક સમજ પડે એમ બોલ.

અને પરીશા એ વાત કરવાની શરૂ કરી.