Trainma suffer in Gujarati Short Stories by Anya Palanpuri books and stories PDF | ટ્રેનમાં SUFFER

Featured Books
Categories
Share

ટ્રેનમાં SUFFER

ટ્રૈન માં SUFFER

ટ્રૈન ની સફર એટલે કાંતો માથા નો દુખાવો કાંતો જલસા. માથાનો દુખાવો ત્યારે થાય જ્યારે તમારી પાસે ટિકિટ ના હોય અથવા તો જનરલ ડબ્બા ની ટિકિટ હોય. અને જલસા એટલે તો તમે સમજી જ ગયા હશો. હા...જ્યારે તમારી સીટ રીઝર્વ હોય અને એમા પણ એ.સી. વાળી હોય તો કેહવુ જ ન પડે. એ.સી. વાળા કોચમાં હોઇએ ત્યારે દર ૧૦-૧૫ મિનિટે કાંઇક ને કાંઇક ખાવાનુ આવતુ હોય જ્યારે જનરલ ડબ્બા મા દર મિનિટે ૧૦-૧૫ મચ્છર જ આવતા હોય છે. ટ્રૈન ની સૌથી સારી વાત એ છે કે એમાં ઉંઘ જલ્દી આવી જાય (ઘણા ને નથી પણ આવતી !!) કારણ કે આપણ ને એમ જ લાગતુ હોય કે આપણે હજુ ઘોડિયા માં જ સુતા છીએ. અને સૌથી ખરાબ બાબત પણ એજ છે કે આપણે હજુ ઘોડિયા માં જ સુતા છીએ.

જનરલ ડબ્બા ની મુસાફરી ની વાત નીકળી છે તો મારો જ એક અનુભવ જણાવી દઉ. હુ દિલ્હી મારી પ્રથમ જોબ ના ઇટરવ્યુ માટે ગયો હતો. મારી જોબ નક્કી થઇ ગઈ હતી અને મારે બીજો એક પણ દિવસ ત્યાં વધારે રોકાવાની ઇચ્છા નહોતી. મારે ઘરે વહેલા પહોચવુ હતુ એટલે હું જોશ મા ને જોશ માં રેલ્વે-સ્ટેશન પર પહોચીં ગયો. દિલ્હી માં ખર્ચો વધુ પડતો થઇ ગયો હોવાથી મેં પાલનપુર ની જનરલ ડબ્બા ની ટિકિટ લઇ લીધી. મને એમ કે બેસવાની જગ્યા આરામથી મળી જશે અને હુ એકલો હતો એટલે ચાલે. ટ્રૈન નો સમય ૩:૩૦ નો હતો. હુ તો સ્ટેશન પર લગભગ ૧૨:૩૦એ પહોંચી ગયો હતો. દિલ્હી નાં રેલ્વે સ્ટેશન પર મેકડોનાલ્ડ ની આલુ-ટિક્કી ખાતો-ખાતો હુ ટાઇમ પાસ કરી રહ્યો હતો. મે મારી સામે એક લાંબી લાઇન જોયી. હુ આશ્વર્ચ્ય અને ઉત્સુકતા થી જોવા આગળ વધ્યો. આ લાઇન લગભગ ૧૦૦-૧૫૦મી. લાંબી હતી!!! હુ સમજ્યો કાઇંક જોવા લાયક હશે, હુ આગળ વધતો ગયો અને અચાનક લાઇન ટ્રૈન નાં દરવાજા આગળ પુરી થઇ ગઇ. ઉપર જોયુ તો ટ્રૈન નુ નામ આશ્રમ એક્સપ્રેસ હતુ. હુ થોડી વાર તો સહમી ગયો. અધધધ... આટલી લાંબી લાઇન!!! મારા મગજ નાં તાર ઝણઝણી ઉઠ્યા હતા. પુછતા જાણવા મળ્યુ કે લોકો સવારે ૯ વાગ્યા ના આવીને જગ્યા રોકવા બેસી ગયા હતા. હુ ફટાફટ દોડી ને લાઇન મા લાગ્યો, મને સીટ મળવાનો કોઇ જ ચાંસ જણાતો ન હતો. હુ ૨૦૦-૨૫૦ માણસો ની પાછળ ઉભો રહ્યો. મને મારા ઉતાવળમા નિકળવાના નિર્ણય પર પછતાવો થતો હતો, પણ હવે મારી પાસે બીજો કોઇ રસ્તો જ નહોતો. હુ ગુજરાતી સમાજ માં રોકાયો હતો, અહીથી પાછુ ત્યાં જવુ સામાન સાથે મને યોગ્ય ન જણાયુ અને મન ને મનાવી ત્યાં જ ઉભો રહ્યો. ટ્રૈન નાં દરવાજા ને તાળુ મારેલુ હતુ, બધા તાળુ ખોલાવાની જ રાહ જોઇ ને ઉભા હતા. લોકો એમનો અઢળક સામાન લઇને બેઠાં હતા. ૨:૦૦ વાગે લોકો એ પોતાના ટિફિન ખોલી જમવાનુ ચાલુ કર્યુ, આખુ પ્લેટફોર્મ કોઇ શેલ્ટર હાઉસ હોય એવુ લાગતુ હતુ. લોકો જ્યા અને ત્યાં થુકતા હતા. અને જમ્યા પછી હાથ પણ રેલ્વે ના ટ્રેક પર જ ધોવાના... મારા પાછળ પણ લોકો જોડાતા જતા ગયા.

આખરે ૩:૧૦ થઇ, બેઠેલા બધ જ લોકો પોતાની જગ્યા એ લાઇન માં પાછા ફર્યા. એક ઘરડા કાકા એમના હાથ માં ચાવીઓનો જુમખો લઇ ને ત્યાં આવી પહોચ્યાં. એમના આવવાની સાથે જ લોકો લાઇન માં ગોઠાવવા લાગ્યા. કાકા દરવાજા આગળ આવીને ઉભા રહ્યા અને તાળા ચેક કર્યા. થોડી વાર પછી ટ્રૈન માં એન્જીન જોડાયુ અને ટ્રૈન થોડી હલી, ટ્રૈન નાં હલન ચલન સાથે લોકો નુ પણ હલન ચલન ચાલુ થયુ. મારો નંબર ખુબ જ પાછળ હોવાથી આ હલન ચલન નો લાભ લઇ હુ આગળ જવા માંગતો હતો. જેમ ઘેંટા બકરા એક જ લાઇન માં ચાલતા હોય અને લાઇન તોડે તેમ લોકો એ લાઇન તોડવાનુ ચાલુ કર્યુ. હુ પોતે એક લાઇન માંથી બીજી લાઇન, બીજી માંથી ત્રીજી એમ કરી આગળ પહોચ્યો. ટ્રૈન વધુ હલી ને હુ છેક આગળ પહોંચી ગયો. હવે લાઇનો બિલકુલ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી, લોકો એ એકબીજા સાથે ઝઘડો કરવાનો ચાલુ કર્યો, મારી પાસે એક જ બેગ હોવાથી મેં દરવાજા સાથે ચાલવાનુ શરૂ કર્યુ. અંતે ટ્રૈન ઉભી રહી, હુ દરવાજા આગળ જ હતો. પેલા કાકા એ જેવુ તાળુ ખોલ્યુ કે એકદમ તીવ્ર ગતિ થી મને પાછળ થી ધક્કો લાગ્યો અને એક જ ઝટકે હુ ટ્રૈન ની અંદર. મને કમ્મર માં દુખાવો થયો પણ જેમ તેમ અંદર પ્રવેશવાનો આનંદ વધારે હતો, એટલે એ દુખાવો ભુલાઇ ગયો. જેમ બંધ ડેમનો દરવાજો ખુલે અને પાણી રેલાય એમ લોકોનુ વહેણ આવવાનુ શરૂ થયુ, હુ સામે ની બે સીટ વાળી બાજુ પર બિરાજમાન થયો. ડબ્બા નાં બીજા દરવાજા માંથી લોકો એકબીજા સાથે ઝપા-ઝપી કરતા અંદર પહોચ્યાં. ધીમે-ધીમે લોકો સીટ પર ગોઠવાવા લાગ્યાં. સીટો બધી જ ભરાઇ ગઇ પણ લોકો નુ આવવાનુ હજુ પણ ચાલુ જ હતુ. મારી સામે એક ઘરડા કાકા આવીને બેસ્યાં, જે લગભગ સવારે ૧૧ વાગ્યા ના આવીને ઉભા હતાં. મારી સામે ની છ સીટ વાળી બાજુ માંથી બે લોકો ઉભા થયા અને પેલા બીજા ઉભા રહેલા લોકોને પુછ્યુ “બેસવુ છે?” બધાને આશ્ચર્ય થયુ. આવી પરિસ્થિતિ માં કોઇ મદદ કરે તો તેનાં પર જીવ ન્યોછાવર કરવાની ઇચ્છા થાય. એ ભાઇ જેમ સાક્ષાત ભગવાન મળી ગયા હોય એમ ખુશ થઇ બોલ્યા “હા, ભાઇ. ખુબ ખુબ આભાર તમારો” અત્યાર નાં સમય માં આ એક દુર્લભ દ્રશ્ય હતુ. “આભાર-બાભાર કાંઇ નહિ, ૧૫૦ રૂપિયા થશે.” અને આટલુ બોલતાં જ ત્યાં સન્નાટો છવયો. પેલો ભાઇ થોડો મુંઝાયો અને બોલ્યો “રેહવા દો ભાઇ” આતો કિનારે આવ્યા પણ હાથ ના મળ્યો એવી વાત થઇ ગઇ. બાજુ માં બેઠેલા ભાઇ એ એમણે બેસવા જગ્યા કરી, એમ હવે ત્રણ ની સીટ પર પાંચ લોકો સમાયા. લોકો નુ ચડવાનુ હજુ પણ ચાલુ જ હતુ. એટલામાં જ ટ્રૈનનું હોર્ન વાગે એનાં પહેલા કોઇકે સાઇરન વગાડ્યુ, વાતાવરણ અચાનક થી ડોહળાયુ. લોકો એ પોતાનાં રૂમાલ નાક પર મુકવાનુ શરૂ કર્યુ. બે-ચાર લોકો તો પોતાની મહામુશ્કેલી થી મળેલી જગ્યા પરથી ઉભા થઇ ગયા. હવે તો ટ્રૈન ક્યારે ઉપડે એની જ રાહ જોવાતી હતી.

આશરે દસ મિનિટ ની અસહ્ય પરિસ્થિતિ પછી ટ્રૈન નુ હોર્ન વાગ્યુ, બધાએ રાહતનો તો બરાબર પણ સ્વચ્છ શ્વાસ લીધો. ધીમે-ધીમે ટ્રૈન ચાલી. લોકો ગોઠવાતા ગયા અને રૂમાલ પણ ઉતરતા ગયા. અમે બે બાજુ વાળી સીટ માં એકલા બેઠેલા હોવાથી બે-ચાર લોકો અમારી પાસે આવીને ઉભા રહ્યા, જેવા એ લોકો અમારી પાસે આવ્યા ને તરત જ મારી સામે વાળા કાકા એ પલોઠી વાળી., એ ભાઇ બિચારો શાંતિ થી કાંઇ પણ બોલ્યા વગર ત્યાં જ ઉભો રહ્યો. મે એક ને મારી સાથે બેસવા નિમંત્રણ આપ્યુ પણ પેલો ભાઇ બોલ્યો “ના...ના. વાંધો નહિ. બેસો તમે શાંતિ થી. આપણે તો રોજ નુ છે” મને મનગમતુ મળ્યુ, હુ પહોળો થઇ ને બેઠો. લગભગ પોણા કલાક પછી ટ્રૈન ધીમે પડી, લાગ્યુ કે કોઇક સ્ટેશન હશે. એ ગુડગાવ હતુ. સામેની સીટ પર હવે સાત લોકો બેઠા હતા. લોકો હજુ પણ ચઢે જ જતા હતાં. નીચે ની સીટ ભરાઇ જતાં લોકોએ હવે ઉપર બેસવાનુ શરૂ કર્યુ. ગુડગાંવ થી ટ્રૈન ઉપડી ત્યારે લગભગ ટ્રૈન છલોછલ ભરાઇ ચુકી હતી. એક મુસલમાન કાકા મારી પાસે આવી ઉભા રહ્યાં. મારી સામેનાં કાકા ને આખરે કંટાળીને ઉભેલા ભાઇ ને જગ્યા આપવી પડી. આ જોઇ મારા બાજુ માં ઉભેલા કાકા મને ઇશારા થી સામે જોવા કહ્યુ, હુ સમજી ગયો. અને જેમ બને તેમ ઓછી જગ્યા એમના માટે કરી પણ હુ દિલ્હી વાળાઓને જાણતો ન હતો, બેસતાં ની સાથે જ એમણે મને બારી સમો દબાવી દીધો.

ટ્રૈન ત્યાંથી ઉપડી, મારો શ્વાસ હવે થોડો રૂંધાવા લાગ્યો. મે કાકાને કહ્યુ કે મારો શ્વાસ રૂંધાય છે તો એમણે મસાલાનો રસ ગળામાં ઉતાર્યો અને બોલ્યા “હા તો ખડે ક્યુ નહિ હો જાતે...સારી તકલીફ દુર હો જાયેંગી”. મે મારા શ્વાસ ને રૂંધાવા દીધો અને મોં બગાડી બારી બહાર જોવા લાગ્યો. આજે તો બહાર દેખાતા બાવળ પણ મને ક્રિસમસ ટ્રી જેવા લાગવા લાગ્યા. હુ એકીટસે બહાર જોઇ રહ્યો હતો અને અચાનક જ સામેની સીટ પર ૭x૪ એટલે કે ૨૮ લોકો એ ગીતો ગાવાનુ ચાલુ કર્યુ. તેઓ અજમેર દરગાહ જઇ રહ્યા હતાં. તેઓ એટલુ ખરાબ ગાઇ રહ્યા હતાં કે મને ટ્રૈન થી નીચે કુદી જવાની ઇચ્છ થઇ ગઇ, પણ શુ કરુ મજબુરી હતી મારી!!!!

ટ્રૈન માંડ કરીને એક કલાક ચાલી હશે ને ફરીથી ઉભી રહી, હુ સુસવાટા બોલાવા લગ્યો. મારી બાજુ માં બેઠેલા કાકાએ મારી સામે જોયુ અને મારા મોંઢા ના પરપેન્ડીક્યુલર સમતલ ને ચીરી એમેણે એક પીચકારી મારી. મે નીચે ની બાજુ જોયુ, તો એક ઉંદર બિચારો કાકાની પિચકારી થી ભીંજાઇને કથ્થાઇ થઇ ગયો હતો એને બિચારાને ભર ઉનાળા માં ચોમાસા ની મજા મળી હતી. ટ્રૈન મા હજુ પણ લોકો ચઢે જ જતા હતા. મને થયુ કે સાલુ હુ ક્યાં ફસાયો? જેમ ફુગ્ગામાં અમુક લિમિટ કરતાં વધારે હવા ભરવામાં આવે તો એ ફુટી જાય એમ મને પણ લાગ્યુ કે હવે આ ટ્રૈન ની હાલત ફુગ્ગા જેવી જ થઇ ગઇ હતી, બસ ક્યારે ફુટે તેની જ રાહ જોઇ રહ્યો હતો. સામે ની સીટ પર હવે આઠ-નવ લોકો ગુડાણા. ઉપર સામાન મુકવાની જગ્યા માં લોકો હદ કરતાં વધારે ભરાવાં લાગ્યાં. મારી સીટ માં હવે અમે અઢી લોકો બેઠા હતા, એક ભાઇ એ એમની અડધી શીટ અમારી સીટ પર મુકેલ હતી. ચા પાણી વાળા પણ હવે બહાર થી જ પુછી ને ચાલ્યા જતા હતા. બે સીટ વચ્ચેની જગ્યા માં હજુ પણ લોકો બેસતાં હતાં. મને એ સમયે એવુ લાગ્યુ કે આ એક જ માત્ર એવી ટ્રૈન બચી છે જે સ્વર્ગ માં લઇ જઇ રહી છે, એટલે જ આટલી ભીડ છે. અંદર ગરમી વધવા માડી અને ગરમ હવાઓનુ જોર પણ... મને મનમાં થયુ કે લોકો એટલા તો કેટલા સવારે વહેલા ઉઠીને લાઇન માં ઉભા રહી ગયા હશે!!! મને ત્યારે તો એક જ વિચાર આવતો હતો કે “ક્યારે પાલનપુર પહોંચુ અને ગાડી માંથી ઉતરૂ?”

હું વિચારો નાં વમળ માં જ સંપડાયેલો હતો ને ગાડી ઉપડી. મારા જીવ માં જીવ આવ્યો. બહાર અંધારુ હોવા છતાં હુ બહાર જ જોઇ રહ્યો હતો કારણ કે અંદર ની સ્થિતિ તો બહુ જ ખરાબ હતી. એ સમયે એક પાણી ની બોટલ વેચવા વાળો ભુલ થી અમારા ડબ્બામાં સુધી પહોંચી ગયો. બધા લોકોએ એને ના પાડી કે ભાઇ આગળ ના જઇશ, નહિતર પાછો નહિ આવે. પણ એ માન્યો જ નહિ અને આગળ વધે જ ગયો. લગભગ પોણા કલાક પછી એ પોતાનો બધો જ માલ વેંચી હાંફતો-હાંફતો અમારી સીટ આગળ ના દરવાજા સુધી પહોચ્યોં અને પોતાનાં ઉતરવાના સ્ટેશન ની રાહ જોવા લાગ્યો. મેં આખો દિવસ દોડધામ કરી હોવાથી થાકી ગયો હતો, બહાર થી સ્પર્શ થતાં (ગરમ) પવનની સાથે હુ પણ લહેરાવા લાગ્યો અને સુઇ ગયો.

રાત્રે લગભગ ૧૦-૧૦:૩૦ થયા હશે (સમય બરાબર યાદ નથી કારણ કે બાજુ માં બેઠેલા કાકા ની ઘડિયાળ નો મોટો અને નાનો કાંટો સરખા જ લાગતા હતાં) અને ટ્રૈન ફરીથી ઉભી રહી. હુ સફાળો જાગ્યો, મને થયુ કે પાલનપુર આવ્યુ હશે. પણ ના... મારા એવાં નસીબ ક્યાં? આતો રાજસ્થાન માં કોઇ સ્ટેશન હતુ. હુ ફરીથી નિરાશ મને બારી ની બહાર જોવા લાગ્યો. ટ્રૈન સ્થિર થઇ અને લોકો ફરીથી આ ડબ્બા પર તુટી પડ્યા. મને સમજાતુ જ નહોતુ કે દુનિયા માં આના સુવાય બીજી કોઇ ટ્રૈન જ નહિ હોય? હુ મારી જાત ને પણ એટલો જ દોષી માનતો હતો કે મારે પણ આજે જ ઘરે જવુ હતુ?? પેલો પાણીની બોટલ વાળો ભાઇ ૭૦ નંબર ની સીટ થી સીધો ૩૦ નંબર પર પહોંચી ગયો. નીચે બેસેલા લોકો દબાવા લાગ્યા. નાના છોકરાઓ રડવા લાગ્યાં. પુરજોશ થી ધક્કામુક્કી થવાં લાગી. લોકો એક્બીજાને રાજસ્થાની ભાષા માં ગાળો આપવા લાગ્યાં. મારા બાજુ માં બેઠેલાં પેલા કાકા નાં મોં માં મસાલો હોવા છતાં તેઓ ગાળો બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હવે આ સ્થિતિ મારી સમજ ની બહાર હતી. લોકો ક્યાં બેસશે? ક્યાં પગ મુકશે? એ વિચારી ને મારુ મગજ ફાટી રહ્યુ હતુ. અને ત્યાં તો લોકોએ પોત-પોતાના થેલાં માંથી રૂમાલ અને ફાળીયા નીકાળ્યા અને બે સીટ વચ્ચે હવા માં હિંચકા બાંધી દીધા. પગ મુકવાની જગ્યા માં પણ હવે લોકો નાં શરીર હતાં, મે પગ ઉપર ચઢાવી લીધાં. નાના બાળકો તો સીટ ની નીચે જ સુઇ ગયા હતાં.

મને હવે ભુખ લાગી હતી, બારી માંથી જ મે બે-ચાર વેફર્સ નાં પેકેટ મંગાવી લીધા. ઉનાળો હોવાથી આખા દિવસ દરમિયાન વધુ પાણી પીધેલ હોવાથી મને પેશાબ લાગી. મારાથી મારી જગ્યા છોડાય એવુ જરાય નહોતુ કારણ કે મારી સામે જ મારી સીટ લેવા પંદર લોકો ઉભા હતા. મે જેમ-તેમ કરી મારી જાતને અને પેશાબ બંન્ને ને રોક્યા. હવે તો મારા કુલા પણ હાય પોકારી રહ્યા હતા. હુ ચરમસીમા પર પહોંચી ગયો હતો, હવે મારા થી સહન થાય એમ નહોતુ. મારાથી રહેવાયુ નહિ અને હુ મારી સીટ પર જ ઉભો થઇ ગયો. બધાને લાગ્યુ કે મારે ઉતરવાનુ હશે એટલે તેઓ જેમ શિકારી શિકાર ની રાહ જોતા હોય એમ મારા ઉતરવાની રાહ જોઇ રહ્યા હતા. હુ બે મિનિટ રહીને પાછો મારી સીટ પર બેઠો. શિકારીઓનાં મોં માંથે લાળ ટપકી નીચે પડી અને તેમને નિષ્ફળતા સાંપડી.

અડધી રાત્રે અજમેર આવ્યુ. થોડા લોકો ઉતર્યા અને ઘણાં ઓછા ચઢ્યા છતાં પણ ભીડ એટલી ને એટ્લી જ જણાતી હતી. દરિયા માંથી એક લોટો પાણી લેવાથી દરિયો ખાલી થોડો થાય? હુ મારા મન ને જેમ નાના બાળક ને સમજાવતાં હોય એમ “બસ હમણાં જ આવી જશે...હમણાં જ આવી જશે” એવુ વિચારી સમજાવવા લાગ્યો.મારી ધીરજ ખુટી રહી હતી, મારી પાસે પગ છે એવો ખ્યાલ મને જરાય આવતો નહોતો અને મારા બાજુ ના કાકા એ તો એમની સ્થિતિ તો હજુ બદલી જ નહોતી હુ આમ ને આમ સમય વિતાવવા લાગ્યો.સવારે લગભગ સાડા ચાર વાગ્યા ની આજુબાજુ વાગ્યા હશે ને મને સ્ટેશન પર પીળા બેકગ્રાઉન્ડ માં કાળા અક્ષર થી પાલનપુર લખેલુ વંચાયુ. પહેલી નજરે મને કાંઇ જ સુઝ્યુ નહિ ને હુ સુનમુન બેઠો રહ્યો., મારુ મગજ બેલ મારી ગયુ હતુ. હુ હવે ટેવાઇ ગયો હતો. મારા બાજુ માં બેઠેલા કાકા ને આખી સીટ માં બેસવુ હતુ એટલે મારી સામે આશ્ચર્ય ની નજર થી જોયુ, મે કાંઇ પણ રિએક્શન ન આપ્યુ. એમની આંખો ચાર થઇ ગઇ હતી. એમણે એમનાં મોં થી બારી તરફ ઇશારો કર્યો. મે મોં બગાડી બારી તરફ જોયુ. હુ ફફડી ઉઠ્યો. હુ તરત જ ઉભો થઇ ગયો, મારે સીટ નીચે એક માણસ નો પગ હતો, તે બિચારો બુમો પાડવા લાગ્યો. મેં એણે એકદમ જ અવગણ્યો. હું સીટ નીચે થી મારુ બેગ કાઢવા લાગ્યો. મારી ખુશી નો કોઇ જ પાર નહોતો. હુ હસવા લાગ્યો અને ફટાફટ દરવાજા તરફ દોડ્યો અને જેલ માંથી છુટતાં કેદી ની જેમ ધક્કામુક્કી કરી ટ્રૈન માંથી નીચે ઉતર્યો. નીચે ઉતર્યો તો સામે જ મુતરડી હતી અને તે ખુબ ખરાબ ગંધાતી હતી પણ ટ્રૈન માં આવતી દુર્ગંધ સામે મને તે સુગંધ જણાઇ. અને આ સાથે જ મને સ્વર્ગ માં આવ્યો હોય એવો અહેસાસ થયો. મને આખરે મારા પગ હોવાનુ ભાન થયુ. મે મારા હાથ હવા માં ફેલાવ્યા. ત્યાં જ સામે મે પેલા પાણીની બોટલ વાળા ભાઇ ને ત્યાં ઉતરતા જોયો, તે ખુબ જ દુખી હતો, તેને તો ખુબ મોટી સજા ભોગવવાની થઇ. હુ ફટાફટ દોડીને મુતરડી માં ઘુસ્યો અને મારી એક આખા દિવસ ની હતાશા બહાર નીકાળી.

હુ લગભગ ત્રણેક મિનિટ પછી મુતરડી માંથી બહાર આવ્યો અને ધીમે-ધીમે રેલ્વે સ્ટેશન નાં દરવાજા તરફ ચાલુ કર્યુ. મે એ દિવસ થી નિર્ણય કરી દીધો કે આજ પછી ક્યારેય જનરલ ડબ્બામાં સફર કરવુ નહિ. હુ દરવાજા તરફ જતો જ હતો અને બે મિત્રો ને જોયા. જેમાનાં એકે બીજાને કહ્યુ “રેહવા દે ને ભાઇ વળતી વખતે તો આપણે દિલ્હી થી આશ્રમમાં જનરલ માં જ આવી જઇશુ” આટલુ સાંભળતાની સાથે જ મેં એમની તરફ દોડ મુકી.

--અન્ય પાલનપુરી