હાસ્ય અપરંપાર જગતમાં હાસ્ય અપરંપાર
ચાલ પૂછીએ વ્યાકુળ મનને, હસવાનું કેમ ભૂલી ગયો
પરપોટા જેવી જિંદગીને તું અડવાનું કેમ ભૂલી ગયો
હાસ્ય મારું જીવન છે, ને હાસ્ય જ મારી જીવન-વસંત
મોંઘા મૂલના અવતારને પરખવાનું કેમ ભૂલી ગયો
આંટી છોડ તું અંતરની ને છોડ ગઠરિયાઓ બુરાઈની
તારું પણ જ્યાં તારું નથી, સરકવાનું કેમ ભૂલી ગયો
સૌને તારો સુરજ માન પ્રેમી થઈ જા સુર્યમુખીની જેમ
રસમંજન હૃદયને માપી જો તું માપવાનું ભૂલી ગયો
બીજા એકેય શ્લોક નહિ આવડે તો ચાલશે. સવારે ઉઠીને એક માળા આ વાક્યની કરી લેવાની કે, “ હાસ્ય અપરંપાર જગતમાં હાસ્ય અપરંપાર....! “ કોઈ ગ્રહ પણ નહિ નડે, ને સંગ્રહ પણ નહિ નડે.....! અરીસામાં જોઇને એકવાર રડવાની ટ્રાય તો કરો....? રડતાં હોઈએ, તો ગુલમહોર જેવા લાગીએ છીએ કે, બાવળિયા જેવાં.....? હાસ્યની કિમત ‘ ઓન લાઈન ‘ સમઝાય જશે. કારણ અરીસો ક્યારેય જુઠ્ઠું નથી બોલતો, માત્ર ડાબા જમણી કરે એટલું જ .....! બાકી હસતો ચહેરો જુઓ તો ગાંધી વિદ્યાપીઠ જેવો નિર્મળ લાગે...! ચમનીયો એક દિવસ આંખ બંધ કરીને અરીસામાં જોતો હતો. કારણ પૂછ્યું તો કહે, ‘ એ તો હું ઊંઘતો હોઉં તો કેવો દેખાઉં, એ ચેક કરું છું......! ટોપા....! તારી આંખ જ બંધ હોય તો તું કેમનો ચેકવાનો....? આઈ મીન દેખવાનો....?? તારા કપાળમાં કાંદા ફોડું....!
માઠા પ્રસંગે કોઈનો મજબુત ખભો મળી જાય તો, ડબલ હોર્સ પાવરથી રડવું સહેલું. પણ કંજુસાઈ હસવામાં કરે. એને ખબર છે કે, આપણા મૌત ઉપર તો આપણને રડવાનો ચાન્સ મળવાનો નથી, તો કોઈના મૌત ઉપર તો ચાન્સ લઇ લઈએ....? માત્ર હસવામાં જ એને હથોડા પડે....! એમાં અમૂક તો એવાં ગેંડા જેવા કે, એનામાં ગલીપચીનું મશીન ફીટ કરાવીએ તો પણ ના હસે....! પણ કોઈ ગમતી સાથે ગુલાલ ઉડાવવાની તક મળે તો, હાસ્યનું જાણે ફટફટીયું બોલાવી દે. પેલીને છીંક આવે તો પણ, એની આંખમાં ઝળઝળિયા આવી જાય. ને ‘ ગોડ બ્લેસ યુ ‘ તો એવું મધુરું બોલે કે, જાણે મોઢામાં સુગર ફેક્ટરી નહિ ખોલેલી હોય....?
કેટલાંકના ચહેરા તો પહેલેથી કંપની ફોલ્ટવાળા....! એવાં રોતલ કે, એ માઠા પ્રસંગે જ કામ આવે. મોઢાઓ તો એવાં ફૂલેલા ને ટેકરાવાળા હોય, કે ગાલમાં ખાડા પાડવાની મજુરી આપણે કરવાની. સિવાય કે દાંતના ડોકટરે દાંત દબોચી લીધાં હોય....! એવા ના શરીર ભલે ભરપૂર સુગરથી ભરેલા હોય, પણ મોઢામાં મીઠાશને તો ફંફોળવી પડે. ત્યારે કેટલાંક તો એટલાં મીઠાં હોય કે, એને અડકીએ તો આપણને ડાયાબીટીસ થાય....!
ભગવાને હસવાની મશીનરી, એક માત્ર માણસને જ આપેલી, ને તે પણ મફતમાં.....! શરીરના કયા ભાગમાં એનો કુંભઘડો મુકાયેલો છે, એની ખબર નથી. પણ માણસ મલકાય ત્યારે ખબર પડે કે, ભીની હાસ્યની મશીનરી ‘ ઓન લાઈન ‘ છે....! આવી કીમતી સવલત મફતમાં મળેલી હોવા છતાં, જાણે પાંચ કિલો કારેલાનો રસ પીધો હોય, એમ કટાણા મોઢાં રાખીને ફરે....! અરે....યાર પોક મુકીને હસોને....?
આઝાદીના આટલા દાયકા ફેંદી નાંખ્યા, છતાં સ્વચ્છતા અભિયાનની જેમ હસવા માટેની પણ ઝુંબેશ ચલાવવી પડે છે. વિશ્વ હાસ્યદિન ઉજવવા અને ભજવવા પડે છે. આમ માનવી પાછો બુદ્ધિનો તો બાદશાહ...! નથી એ રડવાનું ભૂલતો, કે નથી એ કોઈને રડાવવાનું ભૂલતો, નથી કોઈને ફસાવવાનું ભૂલતો, કે નથી કોઈને ધક્કે ચઢાવવાનું ભૂલતો....! માત્ર હસવા/ હસાવવાનું જ ભૂલી ગયો...? જાણે હસવા માટે સરકારી સબસીડીની રાહ નહિ જોતો હોય...?
કુતરાઓ હસી શકતા નથી. પણ મૌજમાં આવે ત્યારે પૂંછડી તો જરૂર હલાવે. ને માણસ કોઈની મૌજ જોઇને અંદર અંદર બળે. પણ હલાવે. વલસાડના ટાવર રોડનો એક કુતરો, આડી ને બદલે ઉભી પૂંછડી હલાવતો હતો. આ જોઈ હાલર રોડનું કૂતરું બોલ્યું, ‘ ડોબા....! ( જાહેર કુતરા નામી નથી હોતા...! ) મૌજમાં આવીએ ને, ત્યારે આપણામાં આડી પૂંછડી હલાવવાનો રીવાજ છે, ને તું કેમ ઉભી પૂંછડી હલાવે છે...? પેલો કહે, ‘ શું કરું યાર....? રસ્તા તો જો. કેટલાં સાંકડા છે....? પછી આ ટ્રાફિક જો....! આડી પૂંછડી હલાવવાની જગ્યા જ ક્યાં છે...? કે, ઉભી પૂંછડી હલાવવાનું બંધ કરું.....? કૂતરા પણ આવી મૌજ કરી લે, પણ માણસ....?
કરોડો વર્ષથી આ ધરતી ઉપર આપણી આવન/જાવન છે, એવું સંતો/મહાત્માઓનું કહેવું છે. આ દરમ્યાન કંઈ કેટલા હાસ્ય કલાકારો, હાસ્ય લેખકો, હાસ્ય કવિઓ, જન્મીને જતાં રહ્યા હશે. છતાં, પ્રૌઢ શિક્ષણનો વર્ગ ચલાવતાં હોય, એમ આપણે બરાડા પાડવા પડે કે, “ હસો ભાઈ હસો.....! “ દર વખતે એકડે એકથી કહેવાનું કે, ‘ હાસ્ય એ જીવન જીવવાની જડીબુટ્ટી છે.....! ‘ કાર્બાઈડ પાઉડરથી કેરી પકવતા હોય એમ, સૌને હસાવવાના.!
ખૂબી તો એ વાતની છે કે, એકપણ માણસ આ દુનિયામાંથી હસ્યા વગર ઉકેલાયો જ નથી. છતાં મતદાર પાસેથી વોટ માંગતા હોય, એમ દરેકને હસવા માટે સમઝાવવાના....! હું આ બળાપો એટલે કાઢું છું કે, ડર વરસે મે મહિનાના પહેલા રવિવારે વિશ્વ હાસ્યદિન આવે. આખું વિશ્વ એ દિવસની ઉજવણી કરે. દિવાળી આવે તો કેવા ઘરની સાફ્સુફીમાં લાગી જઈએ....? એમ, આ દિવસે કટાણા મોઢાંની સાફસૂફી કરવાનો દિવસ, એટલે વિશ્વ હાસ્યદિન....! એવાને હસતાં કરવાનો દિવસ એટલે વિશ્વ હાસ્યદિન....! આખું વર્ષ લોકોને કેટલા રડાવ્યા, કેટલાને હસાવ્યા ને કેટલા આપણા કારણે અટવાયા, એનું સરવૈયું કાઢવાનો દિવસ એટલે વિશ્વ હાસ્યદિન....! કેટલાંક એને ઉજવે, તો કેટલાંક એને ભજવે. એર હોસ્ટેસ કેવું મીઠ્ઠું મીઠ્ઠું હસતી હોય ને...? આપણને એમ થાય કે, એક બીજો આંટો પણ એ જ પ્લેનમાં મારતા આવીએ....! હાસ્યમાં આ તાકાત છે.....!
આજે તો ભક્તિ કરનારો સ્વાર્થી થઇ ગયો, પછી ભગવાન ક્યાંથી મળે...? ધંધામાં હાઈ-ફાઈ વધી, પછી બરકત ક્યાંથી મળે....? પૈસા પાછળ પાગલ બન્યા, પછી દયા ક્યાંથી મળે...? ટીવીમાં આવે એટલી ચેનલ જુએ, પછી સંસ્કાર ક્યાંથી મળે....? ચટાકા ફાવે હોટલના, પછી તંદુરસ્તી ક્યાંથી મળે....? શિક્ષક ગમે ટયુશનિયા, પછી વિદ્યા ક્યાંથી મળે....? ફૂલો ગમ્યા પ્લાસ્ટીકના, પછી ખુશ્બુ ક્યાંથી મળે....? રોટલીનાં બદલે બ્રેડ ફાવે, પછી તાકાત ક્યાંથી મળે ...? ફેશન ફાવે ‘ લો વેસ્ટ ‘ ની, પછી લાજ ક્યાંથી મળે....? ને ગુટખાથી મોઢાં ભરાણા, પછી હાસ્ય ક્યાંથી મળે...? ચહેરા ઉપર સમારકામ ચાલતું હોય એમ, હાસ્યના સિગ્નલ ફરકે જ નહિ ને....! જાણે જિંદગીની બંધ બાજી રમતા હોય, એમ દુકાળીયા ચહેરા જ જોવાના....! સવારે પથારીમાંથી ઉઠે ત્યારે પણ એ રીતે ઉઠે કે, જાણે માથે કરોડોનું દેવું નહિ હોય....? સાવ નિસ્તેજ ચહેરે ઉઠે....! એવાને કોણ સમઝાવે કે, “ મોંઘુ મળ્યું છે, જીવન મઝેદાર જીવીએ પળપળ નહિ, પણ લગાતાર જીવીએ....!
*****