ધનાની માળાના મણકા
ભાગ-૫
લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી
—: નમ્ર નિવેદન :— વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.
આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.
મણકો ૧૬૫
(રાગ – હાલો વિદુર ઘરે જઈએ ઓધવજી.....)
હાલોને દાદા ઘરે જઈએ પપાજી,
હાલો દાદા ઘરે મમ્મી જઈએ.....પપાજી.....
બાજરાનો રોટલોને રીંગણાંનો ઓળો,
પ્રેમથી પેટ ભરી ખાઈએ.....પપાજી.....
દાદાને દાદી ભાઈજી ને ભાભુ,
કાકા-કાકીનો પ્રેમ પાઈએ.....પપાજી.....
સંયુક્ત કુટુંબની મજા છે મોટી,
સહ કુટુંબ આનંદ લઈએ.....પપાજી.....
ઘરના અંગણામાં લીમડો મોટો,
શીતળ છાયાનો લાવો લઈએ.....પપાજી.....
કડવી ડાળે બાંધ્યો હીંચકો,
હીચકી મીઠાશ ભરી દઈએ.....પપાજી.....
દાદાના મોઢે રામાયણના પાઠો,
અનુભવનું ભાથું ભરીયે.....પપાજી.....
દાદાની ડેલીએ ધના ઓટલો મોટો,
ભાભા ઢોરની વાર્તા સાંભળીયે.....પપાજી.....
મણકો ૧૬૬
આત્મદર્શને ઉત્સુક થઈને ઉઘાડી જ્યારે બૂક,
ખાતું ખોલીને જોયું ત્યાં શરમથી માથું ગયું ઝૂક.....
શરમ સંકોચનો મને થયો અનુભવ,
શૂન્ય હતા સત્કર્મ અને પાપ કર્મો હતા બવ.....
દીધા નું જ યાદ આવે સીધા નું સાવ શૂન્ય,
દુઃખ દીધેલા યાદના આવે યાદ રહે પરની ભૂલ.....
સાચી વાત કરતાં હોઠ કાંપે હકિકત રહે છૂપાય,
કરતૂતો ને ઉજાગર કરતું પાનું તરતજ બંધ થાય.....
અપેક્ષાની પીંજણમાં ધના ઉપેક્ષા થઈ જાય,
દોષ અન્યને માથે ઢોળી આનંદ ઉર ઉભરાય.....
મણકો ૧૬૭
(જૈન મુનિના ઉપદેશ માંથી)
માનવી તારા ચિત્તને તું રાખને પ્રસન્ન જો,
પ્રસન્નતા વગર મળેના સાચા સુખને સ્થાન જો.....
મીઠાઈમાં જે સ્થાન સાકરનું ફરસાણમાં નમક જો,
શરીરમાં હૃદયનું સ્થાન એમ સુખમાં ચિત્ત પ્રસન્ન જો.....
ધંધામાં જે સ્થાન પૈસાનું સ્કુટરમાં પેટ્રોલ જો,
ચિત્ત પ્રસન્ન ન હોયતો મીઠાઈ લાગે ઝેર જો.....
એ રીતે ચિત્ત પ્રસન્ન વગર સુખ ન લગાર જો,
તો દરેક અવસ્થામાં માનવ ચિત્ત પ્રસન્ન રાખ જો.....
ચિત્ત પ્રસન્ન રાખી માનવ તું ભજીલે ભગવાન જો,
ચિત્ત પ્રસન્નતાથી લાગશે ધ્યાન મળે સાચુ જ્ઞાન જો.....
ચિત્ત પ્રસન્ન રાખ ધના તો પરમ શાંતિ થાય જો,
ચિત્ત પ્રસન્ન એજ મોક્ષનો મારગ મેળવ પરમ ધામ જો.....
મણકો ૧૬૮
વિશ્વાસ જ છે વિધી સાચી, બાકી બધો બકવાસ છે,
વિશ્વંભરનો વિશ્વાસ કરીલે, બાકી આશા નીરાસ છે.....
વિશ્વાસ વગર અભ્યાસ કરતા વિધાર્થી નાપાસ છે,
ધંધામાં વિશ્વાસ ન રાખે થતો એ પાયમાલ છે.....
વિશ્વાસે હાલે વહાણ દરિયામાં એ જુની કહેવત છે,
અંધ વિશ્વાસે નાશ છે તેમાં બધા સહમત છે.....
વિશ્વાસ રાખ્યો ધ્રુવ,પ્રહલાદે એ કથા પ્રખ્યાત છે,
વિશ્વાસ નથી સગા બાપનો એ બધા બેહાલ છે.....
વિશ્વાસે ચીર પૂર્યા કાનુડે પ્યાલા ઝેરના અમ્રુત થાય છે,
વિશ્વાસ રાખ ધના વિઠ્ઠલવરનો ન તો પસ્તાવો થાય છે.....
મણકો ૧૬૯
ગાડી ધીરે હાંક જવાન તારી ગાડી ધીરે હાંક,
ઘરડાં ગડથોલાં ખાય છે કેફને કાબુમાં રાખ.....જવાન.....
ઘરડાં બેઠા છે જવાન ગાડી માં તારી,
સૌને સાચવીને રાખ જવાન તારી ગાડી ધીરે હાંક.....
સારે રસ્તે ગાડી હલાવજે ખાડાને ટેકરા તું જાળવજે,
ઘરડાં ગબડી ન જાય જવાન તારી ગાડી ધીરે હાંક.....
જીવન પંથ જતાં તું સલાહ લે ને મા-બાપની,
અવર પંથ ન ચડી જાય જવાન તારી ગાડી ધીરે હાંક.....
ગાડી હાંકતા શીખ માન તારા ઘરડા મા-બાપની,
તો બંપ ઓળખી જાય જવાન તારી ગાડી ધીરે હાંક.....
ઝડપથી ધના ઓવર ટેઈક કદી ન કરતો,
બ્રેક ફેલ થઈ જાય જવાન તારી ગાડી ધીરે હાંક.....
મણકો ૧૭૦
પાઠ કરો પારાયણ કરો ન કરતા કોઈ રોષ,
રોષ કરતાં આવતાં દુઃખો ન દે કોઈને દોષ.....
રોષ થકી આવે અવગુણ ઘણા ન રહે તન નો હોશ,
રોષે રઝળાવ્યા ઘણાં કુંટુંબો છતાં ન અટકે જોશ.....
રોષમાં રહેતો જે સદાયે ઘરેથી શાંતિ ભાગી જાય,
રોષના રોગી કામના ભોગી હાર્ટફેઈલ થઈ જાય.....
રોષ છોડીદે માનવ તું સુખી સદા કાળ થાય,
રોષ થી તું લે રૂસણા જીવન સફળ તારૂં થાય.....
રોષ ધના છોડીદે અને પ્રેમભાવ અપનાવ,
રોષ નાખ નદીમાં તારી નાવ તું પાર લગાવ.....
મણકો ૧૭૧
હાર્યો નથી હું હરિ થક્યો જરૂંર છું,
હારૂં નહીં હું તારી સામે મનથી મજબૂત છું.....
મનમાં મે કર્યોં મનસુબો તુટવા આવી ટેક,
મનમાં વમળ ઉઠ્યાં એવા હારવા બેઠો છેક.....
ધારેલું થતું ધણીનું માનવ પામર રાંક,
પ્રેમદા પાસે પતિ લાચાર કોનો કાઢે વાંક.....
વિશ્વાસ વિઠ્ઠલવરનો રાખ્યો જે મારો તાજ,
પ્રેમ કરતાં પાછું ન જોયું ને ફરી બેઠો કાં આજ.....
ધરપત છે ધનાને ધણી કરશે મારૂં કાજ,
હારેલાને પણ જીતાડે ધણી રાખે લાજ.....
મણકો ૧૭૨
(રાગ - છીએ દુઃખીયા રે અમે.....)
છીએ રોગીયા રે અમે નથી નીરોગીયા રે,
કરેલા કર્મોના પાપે અમે છીએ રોગીયા રે.....
વ્યશને વળગેલા અમો થયા રોગીયા રે,
કામના ને ક્રોધ વધ્યો ને થયા લોભીયા રે.....
મીઠા સબંધો રાખી અમે મન ખારા રાખતા,
વધ્યા લોભના વિકારો અમે થયા રોગીયા.....
લોભ ન લાગ્યો ધના તને લાલાની સાથમાં,
ભરી ભોગોની બાથ અમે થયા રોગીયા.....
મણકો ૧૭૩
(રાગ - લક્ષ્મણ ઘડીક ઉભારો મારા વિર.....)
ધના ઘડીક ઉભોરે ધરી ધીર શાંતિ જરા રાખને,
હે જી કંચન કરે છે કલ્યાંત દયા જરી તું રાખને.....
હે જી મારે કરવી છે સુખ દુઃખની વાત સમય જરા કાઢને,
હે જી તું શાંતિ રાખી ધના મારા અવગુણને વાઢને.....
હે જી તમે રે પરદેશી ધના પોપટા ઉડી જશો વિદેશ,
હે જી હાલ્યા છોડી ને મને એકલી શો છે તમારો ઉદેશ.....
હે જી હું રે અબળા ધના એકલી નથી કોઈનો સંગાથ,
હે જી હાલ્યો રે પરદેશી પોપટો મને કરીને અનાથ.....
હે જી ભવોભવના જોયા હતા મે ધના સ્વપ્નો,
હે જી આમ તરછોડી ને ન જવાય સ્વામીનાથ.....
હે જી પંચભૂતની તું છે કંચન પૂતળી સદાય નાશવંત,
હે જી તારે ને મારે ન ભળે જવાબ મારો માંગે ભગવંત.....
હે જી કહે રે ધનો સુણ કંચન કામીની હતો આટલો સહવાસ,
હે જી સંસાર વન માં વિયોગ છે ન પૂરે એ કોઈની આશ.....
મણકો ૧૭૪
જીવન એક મજબૂરી છે માગ્યા વણ મળી જાય,
ઈચ્છા હોય કે ન હોય ગમે ત્યારે એ સમાપ્ત થઈ જાય.....જીવન.....
જોઈને જુઓતો જીવન એક મજબૂરી જ કહેવાય,
જે ગમતી ન ગમતી પરિસ્થિતિઓ માંથી જાય.....જીવન.....
કરવા પડે કેટકેટલા સંઘર્ષો ને પરિણામ ન કાંઈ,
પરિણામ રડતા કે હસતા ભોગવો છટકી ન શકાય.....જીવન.....
આપણી પાસે નથી વિકલ્પ બીજો પછી શું થાય,
પરવશ છે જીવન આપણું તે પ્રસન્નતાથી કેમ જીવાય.....જીવન.....
ઉત્તમ લાભ આપે છે ભક્તિ જ્યાં તારૂં મારૂં મુકાય,
દ્વિધા યુક્ત માનવી માન મારૂં જો હરિનો હાથ ઝલાય.....જીવન.....
ધના જીવન સુધરે તારૂં જો શ્રી કૃષ્ણ શરણ જાય,
ઉગારી લેશે યોગેશ્વર અને જે કૃષ્ણાર્પણ કર્મ થાય.....જીવન.....
મણકો ૧૭૫
સંસાર છે પરીવર્તન શીલ જે ક્ષણે ક્ષણે બદલાય,
દિવસ પછી રાત સુખ પછી દુઃખ તરત આવી જાય.....સંસાર.....
વ્રુક્ષો-વેલડીઓ અને વ્યક્તિના દેખાવ સુધ્ધાં ફરી જાય,
પરિવર્તન પ્રિય છે માનવી એ બોલે અને ફરી જાય.....સંસાર.....
પરિવર્તન વસ્ત્રો અલંકારમાં અરે મકાન સહીત બદલાય,
પરિવર્તન આવશે જીવન સ્ટાઈલમાં માનવ આખો ફરી જાય.....સંસાર.....
પરિવર્તન કર માનવ તારા સ્વભાવને તેમાં લાવ બદલાવ,
કઠોરતા તારી નાખ કુવામાં તું પ્રેમભાવ અપનાવ.....સંસાર.....
કૃપણતા તારી કઠેના જ્યાં તને જીવનમાં નાવ્યો બદલાવ,
પરિવર્તન લાવ તારી કૃપણતામાં દાનભાવને અપનાવ.....સંસાર.....
પરિવર્તન લાવવા તૈયારથા ધના તારા આળસ અહંકારમાં,
સ્વભાવ બદલવો છે અતિ કઠીન અનુભવે સહેલો બની જાય.....સંસાર.....
મણકો ૧૭૬
પ્રકૃતિ ની લીલામાં માનવ તું રમકડા સમાન રે,
જીવંત તું છો યંત્ર માનવ શક્તિ પ્રકૃતિ ની હોય રે.....પ્રકૃતિ.....
કર્મ કરતો માનવ લાગે જેમ સ્વપ્નક્રિયા હોય રે,
પ્રારબ્ધના ચીલામાં ડગલા ભરતો લંગડાતો જાય રે.....પ્રકૃતિ.....
કાળ ક્ષેત્રમાં કામ કરતો માનવ બળદિયા સમાન રે,
પ્રકૃતિ આગળ માનવ પામર પ્રકૃતિ છે મહાન રે....પ્રકૃતિ.....
પ્રકૃતિ ઉપર આદેશ ચલાવે માને પ્રકૃતિ મારી રે,
પ્રકૃતિ ઉપર વિજય મેળવી ગુલામી વધારે ભારી રે.....પ્રકૃતિ.....
પલટાતી આ પરિસ્થિતિમાં ધના પ્રકૃતિનો હાથ હોય રે,
પ્રકૃતિ સામે ન થા માનવ નાશવંત એ ચેતન સ્વરૂપ રે.....પ્રકૃતિ.....
મણકો ૧૭૭
હીંચુક હીંચુક હાલે હીંચકડો, હીંચકે કાનુડો મારો,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
નંદરાણી જાય ગાયોને દોહવા, સામે ઉભો શામળીયો,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
માડી જાય જ્યાં મહીડાં વલોવા, વલોવે વનમાળી,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
પનઘટે જાય પાણીડા ભરવા, ગોળી ઉપડાવે ગીરધારી,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
ગોળી ભરી મહીડાં વેચવાને હાલી, ગોળી ફોડે ગર્વહારી,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
લીલાધર તારી લીલાન જાણી, ગોરસ થયું ધુળધાણી,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
ધનાના સ્વામી ધન્ય છે તમને, ગોળી ફોડી મારી,
હીંચુક થઈ હાલે હીંચકડો.....
મણકો ૧૭૮
બાવળ વાવે બોરા ન મળે, ન કર ખોટી આશ,
મનવા ન કર ખોટી આશ.....
ગોવાળ થઈને ગોધા ઉછેરે, ન મળે ખાટી છાશ,
મનવા ન મળે ખાટી છાશ.....
કેરળો સેવી કેળા ઝંખે, કરે ખોટો વલોપાત,
મનવા કરે ખોટો વલોપાત.....
મૃગજળ પાછળ દે દોટો, ક્યાંથી બૂઝે પ્યાસ,
મનવા ક્યાંથી બૂઝે પ્યાસ
સંસાર સાગર છલો છલ ભર્યો, નથી માહીં મીઠાશ,
મનવા નથી માહીં મીઠાશ.....
નાનો પણ ધના થા વીરડો, બૂઝે બીજાની પ્યાસ,
મનવા બૂઝે બીજાની પ્યાસ.....
મણકો ૧૭૯
લાલા તને લાડ મે કર્યા છે ક્યારે?
છતાં અનંત ગણું આપે જ્યારે ત્યારે.....
લાલા તારી લીલાને હું શક્યોના પામી,
લોભમાં લલચાયો અને થયો બહુ કામી.....
લાલા તારી જીજ્ઞાસાને હું શક્યોના જાણી,
ધન્ય બન્યો હું ક્રિષ્નાને પામી.....
લાલા હું રહ્યો હજુ બહું અનાડી,
અજ્ઞાનમાં કાઢી નાખી જીંદગાની.....
ધન્ય લાલાની માત તને નંદરાણી,
પાવન કર્યો ધનાને પોતાનો જાણી.....
મણકો ૧૮૦
(રાગ - હાલો દેરાણી ને હાલો જેઠાણી જો......)
બાવો રે બન્યો પણ હું મનથી સંસારી જો,
છોડ્યા ઘરબાર થયો આશ્રમ વાસી જો.....
પૂત્ર પત્નિ પરિવાર છોડ્યા છે પલ માં,
ચેલા ચેલીની જંજાળ ઉભી કરી વનમાં.....
નીભાવવી પડેના મારે ફરજ સંસારી જો,
કર્યું મુંડન ને થયો ભેખધારી જો.....
બાવો રે બન્યો પણ આવડત ન આવીજો,
બગડ્યા બાવાના બેય થયો ભીખારી જો.....
ભીક્ષા માગી ને ધના જીવન એળે કાઢ્યું જો,
માન્યું ન માં બાપનું અને નાક વાઢ્યું જો.....
મણકો ૧૮૧
ઔકાત પ્રમાણે આવીયો હવે ન હાલું લગાર,
સામે આવને શામળા તું શાને લગાડે વાર.....
શામળા તારે શરણે આવ્યો શરણે લે સરકાર,
સાને કાજે સામુ ન જુએ અને ન કરે દરકાર.....
દ્વાર સુધી હું આવ્યો તારા નીકળને તું બાર,
દોટ દઈને આવ સામે શું કરે છે વિચાર.....
શરણે આવેલા ને સ્વિકાર નહિં તો “પત” પાણીમાં જાય,
“પણ” રાખવા ભીષ્મ પિતાની નાનો પોતે થાય.....
હથિયાર ન ઝાલું હાથમાં એ “પણ” પોતાનું ભુલાય,
“પણ” ધનાને આપ્યું છે તું યાદ કર ગીતાય.....
મણકો ૧૮૨શાને કાજે શામળા તું વાંહે પડ્યો છે વનમાળી,તારી ઈચ્છાથી ગયો ઉજૈન કાં મારી યાત્રા બાળી.....
બે બે વખતે કોલ આપ્યા થા ત્રીજાએ દીધી તાળી,વસમુ તને શું લાગ્યું તું વાલમા પાછળથી દીધી ગાળી.....
વાંધો મને નથી વિઠ્ઠલા હું એકાંત લઈશ પાળી,આનંદથી સિંહસ્થ નાવા મોકલ્યો મને પોતાનો જાણી.....
છીપ્રા નાહ્યો મહાકાલેશ્વર દર્શન કરીને હું આયો,તારી ઈચ્છાને માન આપ્યું તું છતા ઉધ્વેગ કેમ લાયો.....
પ્રેમથી આગ ઓલવી મેં એકાંત નો અંચળો ઓઢી,શાંતિ જરા થઈ દિલમાં ત્યાં શાને દુઃખની ખોલી દોઢી.....
હાર્યો નથી હું હરિ જે હોડ હું ગયો છું બકી,ધનો કહે હરાવ તારાને તો તો હાર જ તારી નકી.....
મણકો ૧૮૩
(રાગ - જુનુ તો થયું રે દેવળ જુનું તો થયું.....)
મોડો રે પડ્યો હું તો મોડો રે પડ્યો,
મારી ગાડી રે ઉપડી ગઈ હું તો મોડો રે પડ્યો.....
આરે ગાડી જોને હાલવાને લાગી,
જાગ્યો મોડોને ગાડી હાલી રે ગઈ.....
ગાડીમાં ભરવી હતી જીંદગીની કમાણી,
હારી બેઠો હેઠો ગાડી હાલી રે ગઈ.....
નશ્વર સાથે કર્યું મે સગપણ,
રાંડ્યા પછી આવ્યુ ડહાપણ ગાડી હાલી રે ગઈ.....
મોહાંધ થયો હું અને થયો બહું કામી,
શાશ્વતની શાન નજાણી ગાડી હાલી રે ગઈ.....
જામીન જોડી મારી સજા કરો ભારી,
પછી છોડી અર્ધ રસ્તે ગાડી હાલી રે ગઈ.....
જાગ જે હવે ધના ન રાખતો મણા,
રાખજે તૈયારી તારી જ્યારે આવે ગાડી ફરી.....
મણકો ૧૮૪
મિત્રતા કર માનવ મુશ્કેલીથી તું,
નજર ઉઠાવીને જો જરા સામે ઉભો હું.....
માનવ શાને ગભરાય મુશ્કેલીથી તું,
આગળ આવ ડગલાં બે બાથમાં લઉ હું.....
ઉઠવાની કર કોષિશ મુશ્કેલીથી તું,
હાથ ઝાલી તને અપનાવું હું.....
આગળ વધ્યા પણ ટળેના અજ્ઞાન,
આવ આગળ જ્ઞાન દિપ પ્રગટાવું હું.....
મુશ્કેલી દે માધવને કર્મ ફળને ત્યાગ,
રાખ ભરોસો વચનનો નીભાવીશ હું.....
ધના મુશ્કેલી મળે નહીં ગોતવી મુશ્કેલ,
સુકાન સોંપીદે શામળાને સત્ય કહું હું.....
મણકો ૧૮૫
આનંદ ઘડી રે આજ મારે આનંદ ઘડી રે,હરિ ઓફીસે મને નોકરી મળી.....આનંદ.....
હરિનો થયો દાસ હું હરિનો થયો,હરિની હકુમત નીચે નોકર થયો.....આનંદ.....
કરીરે કિંમત કથીરની કરી રે કિંમત,ત્રણ ટકાનું ત્રેપનનો થયો.....આનંદ.....
ભાંગી જનમની ભૂખ મારી ભાંગી ભૂખ રે,હરિ એ હાથ ઝાલ્યો ન રહ્યું દુઃખ રે.....આનંદ.....
આનંદ થયો અતિ ઉરમાં આનંદ થયો રે,બલરામ નો ભાઈ મારો બોસ થયો રે.....આનંદ.....
ગોતા ગોતીને થક્યો નોકરી સારી રે,સંસારીયાની ચાકરી લાગે બહુ ખારી.....આનંદ.....
આનંદ થયો રે ધનાને આનંદ થયો રે,શ્રીનાથ રીઝાણાને હું નોકરીયાત થયો.....આનંદ.....
મણકો ૧૮૬
(રાગ - હેજી તારા આંગણીયા પૂછીને જો કોઈ.....)
હેજી તારે અધિક સંપતિ જ્યારે આવે રે,
માનજે તું સંપ તુટશે રે જી.....
હેજી તારે અધિક સંપતિ જ્યારે આવે રે,
બનેતો બીજાને થોડી આપજે રે જી.....
હેજી સંપને છોડાવે સંપતિ વિનાશ ને વેરે રે,
એવી વિપતી માગે છે કૃષ્ણથી કુંતા ડોસી રે.....
કૌરવોને માર્યા ન રહ્યા કોઈના વાર્યા રે,
સંપતિ એ એને મદમાં છલકાવ્યા રે.....
સંપતિ છકાવે એને ભગવાન ન ભાવે રે,
સોનાની દ્વારિકા સાથે વંશને ડુબાવે રે.....
એજી ધના સંપતિ આવે ન છકી જાતો રે,
સંપ રાખજે સદા તારા કુળમાં રે જી.....
મણકો ૧૮૭
ગુરૂજી મને ગમ પડેના ગાંડો થઈને મારૂં ગોથાં,
પોથા પોથી ખુબ ફેરવ્યા હાથમાં આવ્યાં ભોથાં.....
મોટી આશાએ ખેતર વાવ્યા આવડતમાં મીંડાં,
વાવ્યા પછી વાડ કરી ખરી પણ રહી ગયાં છીંડા.....
અજ્ઞાની હું ચડ્યો માળે ફસલના કરવા રખોપા,
વાયરો વાયો મોહમાયાનો ભર્યા મનના ખાલીપા.....
દાણા ડુંડાના ચણીગયા ચકલાં હાથમાં આવ્યા ખોખાં,
જાગવા ટાણે જાગ્યો નહીને હવે શું કરીએ ધોખા.....
બચપન જવાનીમાં રસ ન લીધો બુઢાપામાં થયા બોખા,
ઢળતી આ જીંદગીમાં ધના સત્તગુરૂને ન રાખ નોખા.....
મણકો ૧૮૮
પ્રેમમાં પડ્યો રે હુંતો પ્રેમમાં પડ્યો રે,
એકવાર ખાધી ખતા છતા પ્રેમમાં પડ્યો.....
પ્રથમ પડ્યો પ્રેમમાં માયાની મોહિનીમાં,
ફરીથી પડ્યો હું મોહનના પ્રેમમાં.....
પ્રથમ પ્રેમ મને લાગ્યો બહુ ખારો રે,
હવેનો પ્રેમ હરિ લાગે બહુ પ્યારો.....
પ્રેમથી પુકાર્યો મેં પ્રેમીજન ને,
સામેથી મળ્યા મને દુરિજન રે.....
પરાણે કર્યો છે હવે પ્રેમ મેં જાણી
સજ્જનો ને ભલેને લાગે બજાણી.....
પ્રેમ કર્યો તો ધના પતી જવાનો,
મોહનની મોહનીમાં મરી જવાનો.....
મણકો ૧૮૯
(રાગ - વા વાયાને વાદળ ઉમટીયા.....)
વા વાયાને વાદળ હટીયા, મારા પર કરી મેર,
મોહ માયા કાપો ને મોહન માધવા.....
તમે માયામાં જીવને નચાવતા,શાને કરો છો દેર,
શરણે રાખોને તમે શામળીયા.....
શરણે રાખ્યા ધ્રુવ,પ્રહલાદ નાનડીયા, જરા મોટામાં શું ફેર,
ફેરને ભાગોને તમે કાનુડા કાળા.....
તમે નરસિંહ, મીંરાને તારીયા મારાથી શું છે વેર,
વેર ન હોય તારે નટવર નાનડીયા.....
તમે ધનાના હાથમાં ન આવતા, ઉરમાંથી જશો કેમ ઘેર,
ઘેર જવું પડશે વસમું તને વાલમા.....
મણકો ૧૯૦
(રાગ - માછલી વીયાણી દરિયાને બેટ.....)
માતાપિતા ની એક જ છે રટ આગળ વધ આગળ વધ.....ટેક.....
ભાંખોડીયા ભેર ચાલતો થયો, જન્મી ને જ્યાં બેઠો થયો,
લોલીપોપ ને આગળ ધર્યો, આગળ વધ આગળ વધ.....
બાલ મંદિરમાં બેઠો જ્યાં, એકડો મીંડુ ન આવડ્યું ત્યાં,
એ.બી.સી.ડી આપી દીધાં, આગળ વધ આગળ વધ.....
સરસ્વતીની આરાધના જ્યાં પૂરી થઈ, લક્ષ્મી આવી ફભી રહી,
જર જમીન અને જોરૂમાં તું આગળ વધ આગળ વધ.....
ધંધામાં ઉચો ઉઠ, અને નોકરીમાં પ્રમોશન કર,
ટાટા, બિરલા, અંબાણીથા આગળ વધ આગળ વધ.....
વહેવાર વિનયમાં ભલેથા તુટ, વૈભવમાં રહે અટુટ,
સાધુ સંતો બોલે બોલ આગળ વધ આગળ વધ.....
બાળક પછી બોલે બોલ, હું ટોચે તું નીચે હોય,
હવે કેમ કરીને મળીયે તું કહે આગળ વધ આગળ વધ.....
માતાપિતા પછી બેઠા હોય, દિકરા દિકરી આગળ હોય,
ભાવ ન પૂછે કોય વૃદ્ધાશ્રમમાં બેઠા હોય આગળ વધ આગળ વધ.....
ધના અંતિમ યાત્રા હોય, દોણી ત્યારે આગળ હોય,
સાદ કરીને બોલતી હોય કર્મ પાછળ રાખી આગળ વધ આગળ વધ.....
મણકો ૧૯૧
વનમાળી શું વસમું લાગે, તને સુધારતાં સંતાન,
મુકી માથે ભારને મારા, નાણવા બેઠો નટરાજ.....
કહેવાની રીતે ખુબ કીધુ, ન માને અટાટ તારા બાળ,
હાર્યો નથીં હું હરિ હજુ, તારે હરાવા ને છે વાર.....
મૌન બની તારી માયા આગળ, વિજયની પહેરૂં વરમાળા,
માળા નાગર નરસિંહને અર્પી, અર્થી મને શાકાજ.....
કબૂલ મંજુર અર્થી પણ છે, પ્રથમ સુધાર તારા બાળ,
કોલ આપ્યો કુરૂંક્ષેત્રમાં, ભક્તને તત્કાલ કરવા સહાય.....
વચન યાદ અપાવે ધનો, તું યાદ કરને કિરતાર,
તારા અથવા મારા મને, પણ તારો કરજે વિચાર.....
મણકો ૧૯૨
પુસ્તક વાંચે વળેના કાંઈ, રહીશ ત્યાંનો ત્યાંય,
વધી વધી ને વધે કદાચ તર્ક અને અભિમાન.....
પુસ્તક વાંચી પચાવ નહીંતો, વમન ને ગંધાય,
વાંચી વિચારી ઉતાર ઉરમાં, બ્રહ્મથી તાર સંધાય.....
શાસ્ત્રો ગુરૂ, સંતો ગુરૂ, ગુરૂ છે સાચો આત્માય,
ઉધાડ પળદો આત્મા પરેથી, મળે તેને પરમાત્માય.....
પરમતત્વ ને પામવા તું આત્મતત્વ ને જાણ,
આત્મતત્વ એજ પરમતત્વ સચ્ચિદાનંદ ને માણ.....
જુદો ધના તું નથી અંશનો અંશી તું માન,
તું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ જો હૈ સોહૈ જાણ.....
મણકો ૧૯૩
(રાગ - બોલમાં બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના.....)
કામનું કામનું કામનું રે, આ જગત નથી તારા કામનું.....ટેક.....
પડીશ આ જગતની જંજાળ માં,
ગાંડુ કહેશે લોક ગામનું રે.....નથી જગત.....
પૂન્યને તજવા ને હરિ ને ન ભજવા,
પડ્યું રહે બધું આમ આમનું રે.....નથી જગત.....
અતિ કઠણ અને મુશ્કેલ નથી રે,
અભિમાન તજવું મનનું રે.....નથી જગત.....
વિવેક વૈરાગ્યથી મુક અભિમાન ને,
નહીં તો રોઈ નાખશે સગા નામનું રે.....નથી જગત.....
કળિયુગમાં છે સરસ રામ નામ રે,
તારી નાવ ઉતારે ભવપાર ને રે.....નથી જગત.....
ધના આશરો એક જ તારે,
શરણે લે શ્રી રામ નામ નું રે.....નથી જગત.....
મણકો ૧૯૪
(રાગ - મીંઠા મધુને મીંઠા મેહુલા રે લોલ.....)
પૂજ્ય પિતાશ્રી પરમ બાપુજી રે લોલ,
પ્રભુથી ઉચેરી તારી શાન રે, દરિયાવ દિલ બીજે નહીં મળે રે લોલ.....
સાગર સરીખો તારો આત્મો રે લોલ,
ભરતીને ઓટ સદા હોય રે, વિશાળ દિલ બીજે નહીં મળે રે લોલ.....
શરીર ઘસીને એ પોષતો રે લોલ,
અનુભવ જ્ઞાનનો ઓધ રે, સંસ્કારને જ્ઞાન બીજે નહીં મળે રે લોલ.....
માતા એ જન્મ દઈ દુધ આપ્યુ રે લોલ,
પાલન પોષણ એનું હોય રે, કલ્પ વૃક્ષ બીજે નહીં મળે રે લોલ.....
માતાએ મોટો કર્યો લાડથી રે લોલ,
ધના પિતાએ કર્યો મહાન રે, પળદા પાછળ નટ નહીં મળે રે લોલ.....
મણકો ૧૯૫
(રાગ - હેજી તારા આંગણીયાં પૂછીને જો કોઈ.....)
હોજી તારો બાપ બુઢો જ્યારે થાયે રે,
તન, મન, ધનથી સેવા એની કરજે હોજી.....
હોજી એના ઉપકાર ગણીને હૈયે લેજે રે,
અપકારને ઔષધ માનજે હોજી.....
હેજી તને માતા એ ભણાવ્યો ઉંઘો ક્ક્કો રે,
બાપને ‘હાઉ’ કરી બતાવ્યો હોજી.....
હેજી નથી બાપના ઉપકાર થોડા રે,
સમજાશે બનશે જ્યારે તું બાપ રે હોજી.....
હેજી માતાએ ઉપાડ્યો નવ માસ ભાર રે,
બાપે બંન્નેના ભાર વેંઢારિયા રે હોજી.....
હેજી ધના બાપે ઘસી નાખી જાત રે,
કજાત બનીના તું કનડતો રે હોજી.....
મણકો ૧૯૬
(રાગ - કુંતા અભિમન્યુને બાંધે અંમર રાખડી રે.....)
પિતા પુત્રને સમજાવે સાચી રીતડી રે,
બેટા સત્યને માનજે સદા સંગાથી રે.....
બેટા રહેજે સત્યને પક્ષે, ન લેતો અસત્ય લક્ષે,
તારા કર્યા કારવ્યા ઉપર પાણી ફેરશે રે.....
બેટા સત્યને જે વર્યા ઈતિહાસે નામ એનાં ચડ્યાં,
તારા ભંડાર રહેશે ભર્યા જેણે ખોટા કામો ન કરીયા રે.....
બેટા અસત્યને કામ કર્યાં એના વેચાઈ ગયા નળિયાં,
એ મથી મથી ને મર્યા તોય દેખાઈ ગયાં તળીયાં રે.....
ધના સત્ય પંથે જે ચડ્યાં, મનોરથ એના ફળ્યા,
ભગવાન તેને મળ્યા અભિમાન તેના ગળીયા રે.....
મણકો ૧૯૭
(રાગ - બોલમાં બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના.....)
મુકમાં મુકમાં મુકમાં રે મર્યાદા માનવતું મુકમાં રે.....ટેક.....
મર્યાદા મુકમાં ફરજ ચૂકમાં થશે વિનાશ ટુંકમાં રે.....મર્યાદા.....
હાલમાં,ચાલમાં,તાલમાં રે તું મર્યાદા મુકમાં,
મર્યાદા મુકમાં વસ્ત્ર પરિધાનમાં કામના પૂરમાં ડૂબમાં રે.....મર્યાદા.....
મર્યાદા રાખ વડિલો, સાસુ-સસરાને માતા-પિતાની,
તારા જીવનમાં હેલી આવશે પરમાનંદની રે.....મર્યાદા.....
મર્યાદા ન ચૂક માનવ સુખ અને દુઃખમાં,
ઘેલોન થાતું ક્ષણિક સુખમાં પસ્તાસે પાચવારનો રે.....મર્યાદા.....
મર્યાદા મુકમાં તું ધના ધન અને વૈભવમાં,
જ્યારે ઓળંગી સીતા એ રેખા રાવણ હરી ગયો પલમાં રે.....મર્યાદા.....
મણકો ૧૯૮
દાદો થઈને દમમાં દુનિયા દમાઈ જાતો તારો દેહ,
વૈરાગી થઈને વેડમાં આત્માને નદે છેહ.....
વેશ કાઢ્યો વૈરાગીનો મનમાં સંસારી નેહ,
મોહ ગયોના કંચન-કામિની નો પડશે ઉંડી ખોહ.....
કામના, ક્રોધ, લોભ, મોહ મૂકને મનમાં રહેશે રોષ,
દોષ પછી તું દેશે કોને જમડા જ્યારે જણાવે જોર.....
હોશમાં આવને માનવતું ન થાતો તું બોસ,
તારા માનેલા નડશે તુંને કોને દેશે દોષ.....
દાદાગીરી મૂક ધના દિન આથમી જાતો,
આત્મારામને ઓળખી લેને અંધારે અથડાતો.....
મણકો ૧૯૯
(રાગ - પાપ તારૂં પ્રકાશ જાડેજા પાપ તારૂં પ્રકાશ રે.....)
અંચબો તારો ઉડાવ મનવા અંચબો તારો ઉડાવ રે,
સહજ વૃતિ સ્વિકાર તારા કર્મ નવા ન બંધાય રે.....
બાંધમાં કર્મોના ભારા મનવા લાગે ખોટા ભાર રે,
વજન વસમો લાગશે ભવસાગર ન તરાય રે.....
કથેકો છોડ મનવા કથેકો છોડ રે,
કથો પછી પકડશે એ નથી છોડનાર રે.....
જોર કરીને છોડ મનવા જોર કરીને છોડ રે,
પકડે જાશે જીવ તારો મુકેથી નાશ નાનાર રે.....
અંચબો ઉડાવી જો ધના તું અંચબો ઉડાવી જો રે,
સામે ઉભા શ્યામ જે છે તને તારનાર રે.....
મણકો ૨૦૦
(રાગ - મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે.....)
તારો બેટો આવ્યો દ્રાર તારે પ્રભુ સ્વીકારજે રે,
એ છે અશુધ્ધ એને થવું શુધ્ધ હરિ નવડાવજે રે.....
એ છે અજ્ઞાની અતિ એની શુભ નથી મતિ,
ગતિ આપી ગોવિંદ ગોદમાં સ્થાન આપજો રે.....
એ છે અભિમાની એણે માયા બહુ માણી,
તારી લીલાને ન જાણી પળદો હટાવજો રે.....
એને કાયા-માયા વ્હાલી, ધન-વૈભવ પ્રિય ભારી,
તારી ભક્તિ કરેછે ઠાલી એને થોડો ઠમઠોરજો રે.....
એમાં છે અવગુણ અનેક ધને લીધી છતાં ટેક,
એને ન મારતા બ્રેક ગતિ ગોવિંદ આપજો રે.....
મણકો ૨૦૧
સત્ય બોલો અસત્ય બોલો રે,
બોલીમાં તોલ એનો થાય છે રે.....
બોલીમાં મળે મીઠાઈ અને મેવા,
બોલીમાં મળે છે જેલની હવા.....
બોલીમાં પાંડવોના રાજપાટ જાય,
બોલીમાં મહાભારત યુધ્ધ છેડાય.....
બોલીથી માનવનું જ્ઞાન જણાય છે,
બોલીથી મૂર્ખ અને ગમાર મનાય.....
બોલીથી માનવ અમર થાય છે,
બોલીથી ધના સવેળા સ્મશાન જાય.....
મણકો ૨૦૨
આશ્રય ન કર અઘેડાનો ન મળે તને ઓંથ,
છાયા શાંતિ મળેના આશા સર્વે ફોક......
આશ્રય કર તું વટવ્રુક્ષનો દરિયાવ દિલ હોય,
છાયા મળે શાંતિ મળે વિશ્રાંતિ ફળ હોય.....
પૂજન કર ધન-વૈભવનું અંતે દુઃખદ હોય,
પૂજન કર માત-પિતાનું સુખ અને શાંતિ હોય.....
મનન કર મોહ-માયાનું અંતે અભિમાન હોય,
મનન કરતું આત્મારામનું પૂર્ણ આનંદમય હોય.....
સેવા ન કર ધના કામીક્રોધની પાછળ પાટું હોય,
સેવીલે તું સત્ત-ચિત્ત ને એ પૂર્ણ પુરૂષોત્તમ હોય.....
મણકો ૨૦૩
પતંગ જેવું જીવન આપણું જ્યાં ત્યાં ગોથાં ખાય છે,
ઉડીને ઉંચે જાય આકાશે પછી ભોંયે ભટકાય છે.....
પતંગને છે ચાર ખૂણા ચાર આશ્રમ જણાય છે,
એક આશ્રમ મે વધે વજન પછી ગુલાટો ખાય છે.....
પતંગની નથી સ્થિર ગતિ હવાહારે લહેરાય છે,
પડખે પતંગ સ્થિર દેખી લડાવવા મન લલચાય છે.....
પતંગનો લગાવી પેચ ઘણો આનંદ થાય છે,
કટ થઈ ભરાય ઝાડે-ઝાંખરે અતિશય દુઃખ થાય છે.....
પતંગની દોર દે હરિને હાથે આનંદ અતિ થાય છે,
ઉડાવવા કરતાં જોવાથી ધના કટની બીકજાય છે.....
મણકો ૨૦૪
આવજો, આવજો, આવજો રે ત્રીસ ઓક્ટોમ્બર એકત્રીસ ગુરૂવારે આવજો રે,
આમંત્રણ સૌને આપું છું મહાઉત્સવ મારે ઘેર છે રે.....
દાદા-દાદી, નાના-નાની આશિષ માગવા આવ્યો છું,
આશિષ આપો એટલી મહાઉત્સવ સફળ થાય જો.....
માતા-પિતા, ગુરૂ-ગોવિંદ ચરણે નમવા આવ્યો છું,
સદાય રાખજો ચરણ કમળમાં આશ્રય માંગવા આવ્યો છું.....
કાકા-કાકી, મામા-મામી પ્રેમ પામવા આવ્યો છું,
પ્રેમ થકી પરવારૂં પ્રિતે હેત સદાયે રાખજો.....
ફઈ-ફુવા, માસા-માસી આનંદ કરવા આવ્યો છું,
આપો આનંદથી વરદાન નિજાનંદને માણું હું.....
ભાઈ-ભાભી, બહેન-બનેવી સ્નેહ મેળવવા આવ્યો છું,
સ્નેહથી આપજો સલાહ સદ્પંથે મને જાવાની.....
દિકરા-વહુ, પૌત્ર, દિકરી, જમાઈ ભાણેજ આશિષ આપવા આવ્યો છું,
ઉરમાં રાખજો આશિષ મારી તમ જીવન ધન્ય થાવાનું.....
સન્નારી તને શું કહું માફી માગવા આવ્યો છું,
મુકી તને એકલી યાત્રા પ્રવાસે હાલ્યો છું.....
વિનંતી કરે ધનો સૌને તમોને સજી ધજી ને આવજો,
મહાઉત્સવ મારામાં આપ સૌ આનંદથી મહાલજો.....
અંતમાં સૌને જય શ્રી ક્રુષ્ણ વહેલા તમો આવજો,
ત્રીસ ઓક્ટોમ્બર એકત્રીસ ગુરૂવારે જરૂર જરૂર આવજો.....
મણકો ૨૦૫
(રાગ - હું તો કાગળિયા લખી લખી થાકી.....)
હું તો માળા કરી કરી થાક્યો મોહન તું મનમાં નથી,
મારા ચરણ ફરી ફરી થાક્યા યાત્રાનો અંત નથી.....
મેં તો કથા સુણી કાન ફોડ્યા અજ્ઞાન મારૂં જાતું નથી,
તારા દર્શને મંદિરે આવ્યો માયાથી આંખ હટતી નથી.....
મેં તો દાન દેવા હાથ લંબાવ્યા મુઠ્ઠી મારી ખૂલતી નથી,
મેં તો કાંચન - કામિની નો ત્યાગ કર્યો મનથી દૂર જતા નથી.....
મેં તો ભગવાં રંગીને પહેર્યાં કાળાશ મનની જાતી નથી,
હું તો વન ગમને સંચર્યો નગર દૂર જાતું નથી.....
મેં તો મૌન વ્રત ધર્યા બક્વાસ બંધ થાતો નથી,
ધનો અંધારે અથડાતો પ્રકાશ આશ કરતો નથી.....
------------મમરો--------------
માં તે માં બીજા વગડાના વા,
બાપ તે બાપ બીજા વગડાના સાપ,
માં મીઠી મધુર સ્નેહ ભીની દવા,
બાપ કડવો લીંબડો શુધ્ધ ઔષધી,
મણકો ૨૦૬
(રાગ - હાંરે મારો કાનો પાંચ વરસનો.....)
હાંરે આ હંસલો નાનો બાળ,
હંસલી ને ધોળા આવ્યા રે.....(2).....
હાંરે તું અરધેન સાથે નાર,
છોડી મારે જાવું પડશે રે.....(2).....
હાંરે હું તો છેલ છબીલો છૈયો,
મેં આનંદ તારામાં ન ભૈયો રે.....(2).....
હાંરે મારો સ્વભાવ છે કજીયાળો,
મારો કામ-ક્રોધ સાથે ન બેસે તાળો રે.....(2).....
હાંરે ધનો છે હજી નાનો બાળ,
આ મોહ-માયા મોટી ધણી રે.....(2).....
મણકો ૨૦૭
(રાગ - જાવું છે નિરવાણી આત્માની.....)
જાવું પડે વગર પાણી તમો સાચી કરોને કમાણી,
આત્મારામને ઓળખ્યો નહીં ને માટીમાં માટી સમાણી.....
ચેતન હારા ચેતાવે તમને ચેતી હાલો સંભાળી,
વાયુ સાથે વહી જશે ને આકાશ દેશે ઓગાળી.....
પંચત્તવની કાયા તારી માયામાં રમનારી,
પાણીમાં જશે પાણી અગ્નિ છે બાળનારી.....
મોટા મોટા શ્રીમંત-ધનિકો રાજા અને રાણી,
લંકા ગઈ રાવણ રાજાની હાથ ન આવી કોડી કાણી.....
અમર પટ્ટો નથી લાવ્યો ધના મોહ મૂક અભિમાની,
ભક્તિ રૂપી ભૂ-પીલે તૃષા જાય જનમારાની.....
મણકો ૨૦૮
(રાગ - હે કરૂણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નથી.....)
હે ક્રોધને કરનારા તારી કાયરતાનો પાર નથી,
હે સંકટથી ડરનારા તારી કાયરતાનો પાર નથી.....
તેં પાપ કર્યા છે ઘણા તું ભૂલ્યો કરવી સેવા,
કરી ભૂલોને ભૂલનારા તારી કાયરતાનો પાર નથી.....
તને મળશેના કિનારો તારો ક્યાંથી આવે આરો,
અવળી સવળી રમત રમનારા તારી કાયરતાનો પાર નથી.....
તને ભજન ભક્તિના ગમતાં માયામાં મન છે ભમતાં,
કામી થઈ કરતો કુંહાળાં તારી કાયરતાનો પાર નથી.....
ભલે છોરૂ કછોરૂ થાતાં પણ માવતર કમાવતર ન થાતાં,
જા તું માવતરના શરણોમાં એના વાત્સલ્યનો પાર નથી.....
ધના સમજાવે તને સંતો તું ખોટા મુકી દે તંતો,
ખોટા તંતો ને તોડનારા કાના તારી કરૂણાનો કોઈ પાર નથી.....
મણકો ૨૦૯
ભ્રમમાં પડ્યો રે હું તો ભ્રમમાં પડ્યો રે,
જાણ્યું મારૂં સુંદર મુખડું ને ભ્રમમાં પડ્યો રે.....
ભ્રમતો ભાંગ્યો રે મારો ભ્રમતો ભાંગ્યો રે,
દર્પણમાં દીઠું મુખ મારૂં કાળું ને કદરૂપું રે.....
ભ્રમ રે ભાંગ્યો મારો ગુરૂએ ગર્પણ ધરીને,
કાલીમાં કાઢી મારી ઘસીરે ઘસીને રે.....
ભ્રમમાં પડ્યો હું મિથ્યારે જ્ઞાનમાં રે,
સચ્ચાઈનો રણકો ન આવ્યો મારા ધ્યાનમાં રે.....
ભ્રમરે ભાંગ્યો જ્યારે દુનિયાના ડામમાં,
ચચરી ચામડી ને આવ્યો પછી ભાનમાં.....
ભ્રમરે થયો મને માયાના મોહમાં રે,
ઉપાડી ધનાને નાખ્યો જ્યારે ઉંડી ખોહમાં.....
મનકો ૨૧૦
આગળીયો ખોલ્યોને મારી ખૂલી ગઈ જાળી રે,
કાનુડો આપી ગયો મને હાથતાળી રે.....
તાળી રે આપીને મારી તંન્દ્રાને તોડી રે,
જાગી ગયો હું હરિ રહ્યો હાથ જોડી રે.....
હાથરે જોડ્યાને મારી જામી ગઈ જોડી રે,
કાનાના પ્રેમમાં હું બન્યો રોગી રે.....
દવા કરી કાનાએ મને દીન જાણી ને,
માથે મુક્યો હાથ બોલ્યો લે મજા માણી રે.....
ધના ધણી છે સાથે સત્ય માની લે,
મોહ માયા ને મમતા તુરંત મુકી દે.....
મણકો ૨૧૧
(રાગ - નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ.....)
પાગલ... ધનીયાના નાથ પાગલ... ધનીયાના નાથ,
મને દર્શન આપોને તમે દિનાનાથ.....
ધનો આવ્યો તારે દ્વાર ધનો આવ્યો તારે દ્વાર,
નથી અહંમ લગાર શાને વિઠ્ઠલ લગાડો વાર.....
લાગી તાલા વેલી મનમાં નથી કપટ મનમાં,
હું આવ્યો તારા ઘરમાં મને રાખ ચરણમાં.....
સાંભળી બહું તારી સાખ એમાં શું મારો વાંક,
મારી સામું જરા ઝાંક હું બની બેઠો રાંક.....
સાંભળી ધનાની અરજ તું આવજે તરત,
દીધા ગીતામાં કોલ સંભાળ તારા બોલ શું હતી શતર.....
મણકો ૨૧૨
કોઈ પર ખાર ન રાખે ખરારી,....રેક.....
રાખે સૌવને પોતાના જાણી.....
માંગણું કોઈનું માથે ન રાખે,
વ્યાજ સહિત વાળીને આપે.....
સુદામાના તાંદુલ લઈ ખાધા,
મહેલ મોલાત બનાવી ને દીધા.....
નરસિંહ મીરાંને ભક્ત જાણી,
દીધા દુઃખ અતિશય ભારી.....
ભક્તિ કરીને અહંમમાં અટકે,
ખાલી કરીને સામેથી આવે લટકે.....
દ્રૌપદીના એક ચીંથરા માટે,
નવસો નવ્વાણું ચીર પૂર્યા સપાટે.....
ધના જંગલમાં ખૂબ અથડાવી,
ગર્વ હરિ ફરી રાજપાટ અપાવે.....
મણકો ૨૧૩
એરંડો થઈને અકડામાં તું પીલીને કાઢશે તેલ,
વેલો થઈને વળ નીચો મનના મુકને મેલ.....
ઉજ્જડ ગામમાં ઉભરમાં મુખી થવામાં નથી માલ,
દુનિયા દોરંગી ન દોરાયે ઉખાડી નાખે ખાલ.....
ભલભલા ને ભાંગી નાખ્યાં જે હતા મોટા તાલેવાન,
ભુધરની કરીલે ભક્તિ થાને તું બલવાન.....
એરંડો થઈને અકડાયાથા રાવણ અને કંશ,
શાણો થઈને સાંભળ કથા ન રહ્યાં તેના વંશ.....
એરંડો મટી અશોક થા તો શુભ કામમાં વપરાય,
ગર્વ છોડી ગુણગા ગોવિંદના ધના જોર ન પડે જરાય.....
મણકો ૨૧૪
જીવતાં મા-બાપ ને જાણ્યા નહિં ને પીપળે રેડે પાણી,
સમયે સમજે નહિં એ મુર્ખાની એંધાણી.....
ખવડાવા ટાણે ખવડેવ્યું નહિં ને કાગવાસ નાખે રાડ પાડી,
સેવા ચાકરી કરી નહિ ને ગઢપણ નાખ્યું બગાડી.....
ફાટેલ ગોદડી તુટેલ ખાટલી આપી પાણીની માટલી,
મુવા પછી કરપાવે હોંશેથી પલંગ ગાદલાં ને ગાદલી.....
બ્રામણ ને ધરાવે સગાંને જમાડે ગાયોને નીરણ નાખે,
જીવતાં મા-બાપ ને જમાડ્યાં ન પ્રેમથી બટકું રોટલો નાખે.....
વારા ફરતી વારો આવે સંતાનોને શીખવાડે,
સંસાર ચક્ર મેળે ફરશે ધના શાને શીશ પછાડે.....