Ravlani tirthyatra - goa - 7 in Gujarati Adventure Stories by Ravi Yadav books and stories PDF | રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૭

Featured Books
Categories
Share

રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૭

રવલાની તીર્થયાત્રા – ગોવા...

ભાગ – ૭

Ravi Dharamshibhai Yadav

ગાડીમાં ગોઠવાઈ તો ગયા હતા પરંતુ બપોરનો તડકો એટલો હતો અને એક ગાડીમાં ૮ લોકો હતા એટલે મને ડાઉટ તો હતો જ કે કોઈક ને કોઈકને વોમિટ થવાની છે એ નક્કી છે કારણ કે ડ્રાઈવરએ ગાડીના કાચ બધા બંધ કરી દીધા હતા અને એસી અને બધાના શ્વાસના લીધે ગાડીમાં થોડી અકળામણ વધતી જતી હતી. થોડે દૂર સુધી પહોંચ્યાને ત્યાં જ મારા અમીમેડમને મોશન સિકનેસની તકલીફ થઇ. તરત ગાડી ઉભી રખાવી અને ઉલ્ટી કરી. બારીના કાચ ખોલાવ્યા પણ ગોવાના વાંકાચુકા રોડના લીધે હજુય એ તકલીફ તો શરુ જ હતી. રસ્તામાં ૩-૪ વાર ગાડી ઉભી રખાઈ અને બપોરનો તડકો, લોકોની અકળામણ, ૩-૪ જણાની મોશન સિકનેસ બધું સહન કરતા કરતા અમે આખરે મડગાંવ પહોંચી ગયા.

તડકાના લીધે મને સખત માથું ચડી ગયું હતું. માથાની નસો ફાટી જશે એટલી હદની ગરમી થઇ ગઈ હતી અને ગાડીમાંથી ઉતરીને તરત જ ખુબ બધું પાણી પીધું અને થોડીવાર હલનચલન કરી સ્ટેશનમાં જેથી થોડો બહારનો પવન મળી શકે. ત્યાં સુધીમાં અમે સ્ટેશન પર અપાતા લોકરની શોધખોળમાં હતા અને આખરે બધાનો સમાન એ લોકરમાં મૂકીને આજુબાજુમાં કોઈક બીચ હોય ત્યાં ફરવા જવાનું નક્કી કર્યું. અને દુંગલા બાપુ, લાલો અને સંકેત ત્રણેય ગાડી બુક કરવા ગયા અને આવ્યા. શેરડીનો રસ પી ને અમારી સવારી પાછી ચાલી "કોલવા બીચ" ફરવા માટે.

કોલવા બીચ પર બધાય કપલ નિરાંતે બેઠા, કોઈક સૂતું, કોઈક આજુબાજુની અવરજવર જોઈ રહ્યું હતું અને સાંજ સુધીનો સમય પસાર કરવાની કોશિશ કરી રહયા હતા. સાંજ સુધી ત્યાં સમય પસાર કરીને આખરે અમે એક હોટેલમાં જમ્યા અને એસી વેઇટિંગ રૂમમાં નિરાંતે સુતા. કારણ કે હજુ પણ અમારે ૪ કલાક જેવો સમય પસાર કરવાનો હતો જ અને દરેકના ચેહરા પર થાક દેખાઈ આવતો હતો. કશુંય બોલ્યા વગર બધાય પોતાની રીતે સુઈ ગયા, મારી જેવા મોબાઈલ ઘુમેડતા હતા.

આખરે ૨.૩૦ વાગ્યા અને અમે બધા રેડી થઈને બહાર સ્ટેશન પર આવી ગયા, અમારો કોચ સ્ટેશનની બહારની સાઈડના ડબ્બા સાઈડ આવતો હોવાથી અમે પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા સ્ટેશનની બહાર છેક નીકળી ગયા અને એટલામાં જ સ્ટેશન પરથી એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેઈન ૧૫ મિનિટ લેટ છે. ત્યાં થોડીવાર બેઠા એટલામાં જ મચ્છરોનો ત્રાસ શરુ થયો. હજુ તો મચ્છર પર ડિસ્કશન ચાલી રહ્યું હતું એટલામાં જ ફરી એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેઈન હજુ ૧૦ મિનિટ લેટ છે. દરેકની આંખમાં ઊંઘ ભરેલી હતી, ઠંડી પણ થોડી થોડી પડી રહી હતી અને એકતરફ મચ્છરોનો ત્રાસ અને પાટા પર આવતી દુર્ગંધ.

થોડીવારમાં જ ટ્રેઈન આવશે એવી ગણતરી હતી ત્યાં જ ફરીવાર એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેઈન હજુ અડધી કલાક લેટ છે. ગ્રુપમાં આખરે બધો કળશ ઢોળાયો અરેન્જમેન્ટ કરવાવાળા લોકો પર એટલે કે મારી પર અને વૈશાલી પર. આવી રીતે નહિ ને તેવી રીતે બુકીંગ કરવાનું હતું ને એટસેટરા એટસેટરા, થોડા તિખારા પણ થયા બધા વચ્ચે. એમાં વાંક કોઈનો નહોતો, વાંક પરિસ્થિતિનો હતો. જે રીતે દરેક લોકો થાકેલા હતા, મચ્છર અને ઠંડીનો ત્રાસ હતો અને આંખમાં ઊંઘ ભરી હતી એના કારણે મગજની કમાન છટકવી વ્યાજબી હતી. એટલામાં ફરી ટ્રેઈન લેટનું એનાઉન્સમેન્ટ થયું અને એમ કરતા કરતા અમારી ટ્રેઈન ૧.૫ કલાક લેટ આવી અને આખરે અમારી સીટ શોધીને દરેક લોકો સુતા.

ચિંતા ફક્ત હતી કે મુંબઈ સુધીની ટ્રેન છે પણ ત્યાંથી એરપોર્ટ સુધી ટાઈમએ પહોંચી શકીશું કે કેમ અને ત્યાં પહોંચવામાં હજુ શું તકલીફ આવવાની હતી એ અમને ક્યાં ખબર હતી ??

ટ્રેઈનમાંથી ઉતરીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવામાં હજુ બધા કન્ફ્યુઝ હતા કેમ કે કોઈને પણ ખબર નહોતી કે હવેની ટ્રેઈન પકડવા માટે ક્યાં પ્લેટફોર્મ પર જવાનું હતું ?

મારી સગી કરતાંય વિશેષ એવી આરતીબેન અમને એરપોર્ટ સુધી મુકવા આવવાની હતી અને તે હજુ આવી નહોતી. એ હજુ રસ્તામાં હતી. બીજી તરફ અહીંયા હજુય ગ્રુપમાં તણખા જરી રહયા હતા. પણ એ સમયે ફક્ત મૌન વ્રત જ કામ લાગે એવું હતું આથી શાંતિથી બધાને એક પ્લેટફોર્મ પર બેસાડીને હું ટિકિટ લેવા જતો રહ્યો.

ભરપૂર શોરબકોરની મુંબઈની દુનિયા, સખત માણસોની અવરજવર, ટિકિટબારી પર લાંબી લાઈનો અને એક પછી એક ટ્રેઈનના એનાઉન્સમેન્ટ અને ટ્રેઈનની અવરજવરની વચ્ચે ખબર નહોતી પડી રહી કે ક્યાં જવાનું છે અને કઈ ટ્રેઈનમાં બેસવાનું છે ? કોઈને પુછીયે તો એ સરખો જવાબ નહોતા આપી શકતા કેમ કે આવડી મોટી મુંબઈનગરીમાં બધાને બધા રસ્તા ખબર જ હોય એવું તો જરૂરી નહોતું. બીજી તરફ હજુ આરતીબેનના ઠેકાણા નહોતા. અને આ તરફ અહીંયા બાકીના લોકો મારી પર તિખારા ને ભડાકા કરી રહયા હતા. શાંતિથી ટિકિટ લઈને આવીને ઉભો રહ્યો એટલામાં જ આરતીબેન આવી અને મને અંદરથી કંઈક રાહત થઇ કે હવે વાંધો નહિ આવે.

૬ મિનિટમાં જ ટ્રેઈન આવી અને નસીબે ટ્રેઈનમાં આરામથી જગ્યા મળી ગઈ. મુંબઈની લોકલ ટ્રેઈનમાં બેસવાનો પહેલો અનુભવ. પરંતુ શનિવારની સુસ્ત બપોર અને વિકેન્ડના કારણે એટલી ભીડ ટ્રેઈનમાં નહોતી જેટલી ભીડ વિષે સાંભળ્યું હતું. આરતીબેન બધા માટે નાસ્તો લાવેલી અને ટ્રેઈનમાં જ સમોસા ને સેન્ડવીચને બીજો નાસ્તો કર્યો અને થોડીવારમાં આગળનું સ્ટેશન આવી ગયું.

સ્ટેશન આવતા સુધીમાં બધાય થાક્યા હતા અને બીજી તરફ તરસથી દરેકનું ગળું સુકાઈ રહ્યું હતું અને એટલામાં જ ભગવાને અમારી હાલત જોઈ લીધી હોય એમ ત્યાં લીંબુ પાણી વાળો લારી લઈને ઉભો હતો અને બધાયે લીંબુ પાણી પી ને આખરે રાહતનો શ્વાસ લીધો. ત્યાંથી ૩ રીક્ષા કરીને એરપોર્ટ જવા માટે નીકળ્યા, આરતીબેન જોડે હોવાથી એ ટેંશન નહોતું કે કોઈ રીક્ષાવાળો વધુ પૈસા લઇ જશે. એરપોર્ટ પહોંચતા સુધીમાં ફલાઇટનો ટાઈમ થવા આવ્યો હતો. પરંતુ હજુય તકલીફો અમારો પીછો ક્યાં છોડે એમ હતી.

ફલાઇટની ડિટેઇલ પૂછવા માટે અમે ઈન્કવાયરી વિન્ડો પાસે ગયા ત્યાં જ દુર્ગેશભાઈનો ફોન આવ્યો કે જનકીનો મોબાઈલ ક્યાંક ખોવાઈ ગયો, મળતો નથી, કોઈની પાસે નથી, વધુ પડતા સારા નસીબના કારણે ફોનની બેટરી પણ ડેડ થઇ ચુકી હતી આથી ફોન કરીને પણ કોઈ મતલબ નહોતો.

એકબાજુ ફલાઇટનો ટાઈમ થઇ ચુક્યો હતો અને બીજી તરફ મોબાઈલ ખોવાણો હતો કે જનકુબા થી ક્યાંક મુકાઈ ગયો હતો ખબર નહોતી. કેટલીય શોધખોળ પછી આખરે પર્સમાંથી મોબાઈલ નીકળ્યો. આરતીબેન અમને દરેકને બાય કહીને નીકળી ગઈ.

દરેક લોકો ટિકિટ કાઉન્ટર પાસે પહોંચ્યા, બધો સમાનનો વજન કર્યો અને ટિકિટનો રેફ્રન્સ નંબર આપ્યો અને દરેકના આઈડી પ્રુફ આપ્યા. પણ ભગવાનને મંજુર નહોતું કે અમે બધા તે દિવસે ફલાઇટમાં મુસાફરી કરીયે અને મારી ભૂલ એ થઇ કે મેં મારા દુબઇના ક્રેડિટ કાર્ડથી એ ટિકિટ બુક કરી હતી અને એ ક્રેડિટ કાર્ડ હું ભાવનગર મૂકીને આવેલો, એક્ચ્યુઅલી ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી કશેક ખોવાઈ જવાના ડરથી ઘરમાં બધું મૂકી દીધું હતું આથી લગ્ન પ્રસંગમાં કોઈ ડોક્યુમેન્ટ કે કાર્ડ મિસપ્લેસ ના થાય અને એ સજા ત્યાં મુંબઈ એરપોર્ટ પર મળી.

ટિકિટ ડિસ્ટ્રીબ્યુટર લેડીએ અમને ટિકિટ દેવાની ના પાડી દીધી...

પેલી મેડમને કેટકેટલી રિકવેસ્ટ કરી હોવા છતાંય પણ એ માની નહિ, જો કે એ પણ પોતાની ફરજમાં બંધાયેલી હતી. દુંગલા બાપુએ તો એ ઉત્તર પ્રદેશની છે એવી ઓળખાણ કાઢીને કામ કરાવી લેવાની પણ ટ્રાય કરી પણ મેળ તો ના જ પડ્યો. ખુબ વિનમ્રતાથી પેલી લેડીએ દુંગલા બાપુને કહી દીધું કે "આઈ એમ સોરી સર, પણ આ વસ્તુ નહિ થઇ શકે."

અંતે તેને ફક્ત કાર્ડ નંબર અને બીજી ડિટેઇલ દેવા સાથેની શરત પર ટિકિટ આપવાની હા પાડી આથી ફટાફટ ભાવનગર ફોન લગાવ્યો પરંતુ ઘર પર કોઈ જ હતું નહિ આથી ફરીવાર કામ અટકે એવું લાગ્યું ત્યાં જ નાનો ભાઈ ઘરે આવ્યો અને ફટાફટ ક્રેડિટ કાર્ડની ડિટેઇલ આપી. અને આખરે અમારી ટિકિટ અને બોર્ડિંગ પાસ સાથે અમે લોકો આગળ વધ્યા.

થોડા ફ્રેશ થવાની ઈચ્છાએ લેડીઝ જેન્ટ્સ અલગ ગ્રુપમાં વોશરૂમ તરફ ગયા અને થોડી જ વારમાં બધા જ જેન્ટ્સ અમે ભેગા થઇ ગયા પરંતુ લેડીઝનું હજુ કશુંય ઠેકાણું નહોતું. કોઈ દેખાતું નહોતું. એ લોકો અંદર શું કરતા હતા ખબર નહિ. ૧૫ મિનિટ પછી બધી બહાર આવી અને જોયું તો ટોટલી ગેટઅપ ચેન્જ હતો. મેકઅપ, લિપસ્ટિક સાથે દરેક લેડી તૈયાર ઉભી હતી.

સાલું ! મને એ ના સમજાયું કે એર હોસ્ટેસને તો બધાને વેલકમ કરવાનું હોય એટલે એને રેડી રહેવું પડે પણ આ બાયુંને મોઢા ધોયા વગર અને નાહ્યા વગરના મેકઅપ કરીને કોને દેખાડવું હતું ? એ લોકોની એ મેકઅપની રામાયણમાં અમારા દરેકના ધ્યાન બહાર થયું કે ફલાઇટનો ટાઈમ ઓલરેડી થઇ ચુક્યો હતો. અમે લોકો સિક્યોરિટી ચેકીંગ કરાવી રહયા હતા ત્યાં જ સામેની સાઈડથી ફ્લાઇટના માણસો આવ્યા અને જોરજોરથી એનાઉન્સ કરી રહયા હતા કે અમદાવાદ ફલાઇટવાળા જલ્દી આવી જાય પરંતુ સિક્યોરિટી ચેકીંગમાં કોઈ પ્રકારની બાંધીછોડ ના થઇ.

દરેકનું સિક્યોરિટી ચેકીંગ થયું પરંતુ હજુ વૈશાલી અને રવિરાજ છેલ્લે સુધી અટકેલા હતા. લેડીઝના સિક્યોરિટી ચેકીંગની લાઈન એટલી ધીમે ચાલી રહી હતી કે અંદર જાણે બૉમ્બની ૧૧૦૦% ની ખાતરી હોય. અમે બધાય ફટાફટ દોડીને પ્લેન પાસે લઇ જતી બસમાં બેસી ગયા પરંતુ રવિરાજ અને વૈશાલી ત્યાં જ રહી ગયા અને પેલાએ ગેટ બંધ કરી દીધો. જનક માડીએ અને મેં ડ્રાઈવર સામે કકળાટ શરુ કર્યો કે બસ ઉભી રાખ અમારે નથી આવવું. તમારી ઉતાવળમાં અમારું એક કપલ પાછળ રહી ગયું. એ બાબતની સખત માથાકૂટ ચાલી રહી હતી એટલામાં જ રવિરાજ અને વૈશાલી જાણે કોઈ ફિલ્મના હીરો-હિરોઈન એન્ટ્રી લેતા હોય એમ ગેટમાંથી બહાર નીકળ્યા અને દરેકને રાહત થઇ કે ફાઈનલી આ તકલીફમાંથી પણ આપણે બહાર નીકળ્યા.

લાઈફમાં પહેલી વાર પ્લેનમાં બેસવાનો રોમાંચ ૫ લોકોના ચેહરા પર સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો. આસપાસ પસાર થતી એર હોસ્ટેસ, સીટની આગળ રાખેલા મેગઝીન્સ, સીટ બેલ્ટ, પ્લેનની બારી દરેક વસ્તુ જાણે કંઈક નવું શીખવી રહી હોય એવું લાગી રહ્યું હતું અને ફાઈનલી અમારું પ્લેન ટેકઓફ થયું અને ૧ કલાકની એ જર્ની પછી અમે અમદાવાદ એરપોર્ટ પર શાંતિથી અને સેફલી લેન્ડ થયા. મારે અને અમીએ બીજા દિવસે સુરત નીકળવાનું હોવાથી અમારે ભાવનગર જવું પડે એમ હતું એટલે ડાયરેક્ટ ત્યાંથી ભાવનગર માટે નીકળી ગયા અને બાકીના લોકો જનક દુર્ગેશના ઘરે રાત રોકાઈને સવારે નીકળ્યા.

આમ આખરે શરુ થયેલી ગોવાની સફર આટલી તકલીફો, અનુભવો, ઉત્સાહથી ભરપૂર ટ્રીપ, સાથે ઘરે પહોંચી ગયા. લાઈફના અમૂલ્ય સંભારણા તરીકે આ ટ્રીપ ક્યારેય નહિ ભુલાય કારણ કે અમે આ સફરને ફર્યા નથી અમે તો આ સફરને જીવ્યા છીએ. એક એક પળ, એક એક ક્ષણ જાણે પોતાના હૃદયમાં ભરી છે. આજે પણ આખો બંધ કરીને વિચાર કરીયે અને ગોવાની આખી ટ્રીપ નજર સામે તરવરે છે. જીવનમાં પ્રવાસ એ માણસને ઘણું બધું શીખવી જતો હોય છે. ઘણા બધા લોકો સાથે મેળવી જતો હોય છે. ઘણીબધી સગવડો અને અગવડો સાથે આવતો આ પ્રવાસ માણસનું સાચું ઘડતર કરે છે. જીવનની હરેક ક્ષણને જીવતા શીખડાવે છે, હરેક તકલીફને હેન્ડલ કરતા શીખડાવે છે. નવા નવા સબંધોના તાંતણામાં પરોવાતા શીખડાવે છે.

=> જનકી દુંગલાની ૪ વર્ષની એકદમ સુખી રોમાન્સથી ભરપૂર મેરિડ લાઈફની જય હો.

=> સંકેત કિરણની ૧ વર્ષની એકબીજાની જુદાઈ સહન કરતી અને એકબીજાની કેર કરતી મેરિડ લાઈફની જય હો.રવિરાજ અને વૈશાલીની તોફાની દરિયા જેવી અને અંદરથી શાંત એવી શરુ થવા જઈ રહેલી મેરિડ લાઈફની જય હો.=> મારુ અને અમલીનું નવા નવા લગનવાળું લગ્ન જીવન હરે હરે......

સમાપ્તિ...