Robert attacks - 25 in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | રોબોટ્સ એટેક 25

Featured Books
Categories
Share

રોબોટ્સ એટેક 25

રોબોટ્સ એટેક

ચેપ્ટર 25

વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષનો હવે અંત આવી ગયો હતો. જે રોબોટ્સ અત્યાર સુધી શાકલના કમાંડ પર ચાલી રહ્યા હતા તે બધા જ રોબોટ્સને હવે કમાંડ આપવાવાળુ કોઇ રહ્યુ ન હતુ. હવે બધા રોબોટ્સ કોઇ કમાંડ ન મળવાથી એક જ જગ્યાએ સ્થગીત થઇ ગયા હતા. હવે આખી દુનિયા આઝાદ હતી. મિ. સ્મિથે તરત આખી દુનિયામાં એ સંદેશ પ્રસારિત કરી દીધો કે શાકાલ ખતમ થઇ ચુક્યો છે અને હવે આખી દુનિયા આઝાદ છે. સાથે સાથે મેજરના કહેવાથી તેમને બીજો પણ એક સંદેશ લોકો સુધી પહોચાડ્યો કે, “જો આપણે આપણી દુનિયાને સુરક્ષિત રાખવી હોય અને આપણે જો ખરેખર એવુ ઇચ્છતા હોઇએ કે ફરીથી આપણી દુનિયા આવા કોઇ શેતાનના હાથમાં ના આવી જાય તો બધા આજે જ તમારી આજુબાજુ રહેલા રોબોટ્સને ડેસ્ટ્રોય કરી દો અને સંકલ્પ લો કે હવે ફરીથી ક્યારેય રોબોટ્સનો ઉપયોગ નહી કરો. પોતાના કામ જાતે કરશો તો જ અપણી દુનિયા સદાય આઝાદ અને હસતી રહેશે”.

***

અત્યારે મેજર,મિ. સ્મિથ અને તેમની ટીમના અન્ય મહત્વપુર્ણ સાથીઓ હોસ્પીટલમાં પાર્થની પાસે ઉભા હતા. પાર્થ હજુ હમણા જ હોંશમાં આવ્યો હતો. તેને હોશમાં આવતા જ બધાના હાલચાલ પુછ્યા હતા. પાર્થે જોયુ કે બધા દેખાઇ રહ્યા છે પણ નાયક ક્યાંય દેખાઇ નથી રહ્યો. તેને મેજરને પુછ્યુ, “મેજર અંકલ નાયક ક્યાં છે? ક્યાંય દેખાઇ નથી રહ્યો. તમે એને કોઇ કામે મોકલ્યો છે?” પાર્થના સવાલનો જવાબ કેવી રીતે આપવો તે મેજરને સમજાઇ રહ્યુ ન હતુ. પણ સત્ય હકીકત તેને ક્યારેક તો ખબર પડવાની જ હતી. તેથી મેજરે દિલ કઠણ કરીને પાર્થેને નાયકના મોતની અને મરતાં સુધી તેને દાખવેલી વીરતાની આખી વાત જણાવી. નાયકના મોતના સમાચાર સાંભળીને પાર્થ એકદમ તુટી ગયો. તેને નાયક તેના સૌથી જીગરી દોસ્તના મોતનુ તો દુ:ખ હતુ. પણ તેનાથી વધારે દુ:ખ તેને એ વાતનુ થયુ કે જો તેને એ આખરી ટુકડીને મોકલાવી ત્યારે જ શાકાલને ખતમ કરી દીધો હોત તો તેમનો નાયક આજે જીવતો હોત!! તે રડી રહ્યો હતો અને કહી રહ્યો હતો મારા કારણે જ નાયકનુ મોત થયુ છે. મને માફ કરી દેજે નાયક,મને માફ કરી દેજે. મેજરે તેને શાંત પાડતા કહ્યુ, “એમાં તારો કોઇ વાંક નથી પાર્થ. તે તે સમયે યોગ્ય જ પગલુ લીધુ અને તેના લીધે જ તુ શાકાલને મારી શક્યો અને આપણે આ યુદ્ધ જીતી શક્યા. નાયકના મોત માટે તુ જવાબદાર નથી. એમાં તારો કોઇ વાંક નથી. જેનુ મોત નિશ્ચિત થઇ ગયુ હોય તેને તુ કે હુ કોઇ રોકી શકતા નથી. તુ આમ તુટી જઇશ તો કેમ ચાલશે? જો બહાર જો! તારા માટે દુવાઓ માગવા અને તને જોવા માટે હોસ્પીટલની બહાર કેટલા લોકો આવ્યા છે!” મેજરે બારીનો પડદો હટાવીને પાર્થની ફક્ત એક ઝલક જોવા માટે,તેમના મસિહા,તેમને આઝાદી અપાવનાર તારણહારને જોવા માટે ઉમટી પડેલી લોકોની ભીડ બતાવી અને તેને હિમ્મત આપી. મેજરના આશ્વાસનના લીધે પાર્થ થોડો શાંત થયો. પણ તેને અંદરથી તો એવુ જ લાગી રહ્યુ હતુ કે નાયકના મોત માટે તે જ જવાબદાર છે. તેને એ વાતનો પસ્તાવો જીંદગીભર રહેશે કે જો તેને એ વખતે શાકાલને મારવાનો નિર્ણય થોડો વહેલો લીધો હોત તો તે નાયકને બચાવી શક્યો હોત પણ તે ન બચાવી શક્યો. પણ વિધિએ જે લખ્યુ છે તેને આજ સુધી કોઇ મિથ્યા કરી શક્યુ છે?

આજે લોકો માટે સૌથી મોટો તહેવાર અને ખુશીનો દિવસ હતો. લોકો જસ્ન મનાવી રહ્યા હતા. પહેલીવાર એવુ બની રહ્યુ હતુ કે આખી દુનિયાના લોકો એકસાથે એક જ દિવસે ખુશી અને જસ્ન મનાવી રહ્યા હતા. આજે બધા તેમની આઝાદીના જસ્નમાં ડુબી રહ્યા હતા. સાથે સાથે તેમનો મસિહા પણ સહીસલામત છે તે સમાચાર મળતા જ લોકો ગાંડા થઇ ગયા હતા. તેમની ખુશીનુ કોઇ ઠેકાણુ રહ્યુ ન હતુ. મિ. સ્મિથને અને તેમની ટીમને આખી દુનિયામાંથી તેમના કામ તથા તેમને મેજર,ડૉ. વિષ્નુ અને તેમના મસિહા પાર્થને કરેલી મદદ બદલ તેમના પર પણ અભિનંદનની વર્ષા થઇ રહી હતી. મિ. સ્મિથ અત્યારે આ મોકા પર આખી દુનિયાના બધા જ દેશો એક થઇને રહે અને એક સંગઠનમાં રહે તે માટેની મિટિંગનુ આયોજન કરવાની કવાયતમાં લાગેલા હતા. તેમનુ બસ એક જ સપનુ હતુ. . . વિશ્વશાંતી. મેજર પાર્થ અને તેમની આખી ટીમ તો પાર્થ હવે સાજો થઇ ગયો હતો તેથી કાશી જવા માટે રવાના થવાની તૈયારીમાં લાગેલી હતી. હા. . . આ વખતે તેમનો પ્રવાસ પહેલા જેટલો લાંબો અને જોખમી રહેવાનો ન હતો. કાશીમાં પણ યુદ્ધમાં થયેલી જીતના અને તેમના પાછા આવવાના સમાચાર પહોંચી ગયા હતા. આખુ કાશી તેમના મસિહાના સ્વાગતની તૈયારીમાં લાગી ગયુ હતુ. અદીતીએ તો જ્યારથી આ સમાચાર સાંભળ્યા હતા ત્યારથી ખુશીથી એકદમ ગાંડી જ થઇ ગઇ હતી. જ્યારથી પાર્થ યુદ્ધમાં ગયો હતો ત્યારથી તે સવારથી સાંજ સુધી તેનો આખો દિવસ મંદીરમાં જ વિતાવતી હતી. તેનો આખો દિવસ ભગવાન કાશીવિશ્વનાથને તેમની સેનાની યુદ્ધમાં સફળતા માટે અને પાર્થના હેમખેમ પાછા ફરવા માટે સ્તુતી-આરાધના કરવામાં જ વિતતો હતો. આજે આખરે તેની પ્રાર્થના રંગ લાવી હતી. તેનો પ્રિયતમ આજે યુદ્ધ જીતીને તેની પાસે પાછો ફરી રહ્યો હતો. તેથી તેના આનંદની કોઇ સીમા જ રહી ન હતી. આખુ નગર તેમના મસિહાના સ્વાગતની તૈયારીઓ કરવામાં લાગેલુ હતુ ત્યારે તે કેમ પાછળ રહી જાય? તે પણ તેના પ્રિયતમના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગઇ હતી. કાશીમાં જ એક બીજુ પણ ઘર હતુ જ્યાં ચોવીસ કલાક તેમના મસિહાના હેમખેમ યુદ્ધ જીતીને પાછા ફરવા માટે પ્રાર્થનાઓ થઇ રહી હતી. તે ઘર હતુ પાર્થનુ જ્યારથી ડૉ. વિષ્નુના પત્નીએ તેમના પતિના મોતના સમાચાર સાંભળ્યા હતા ત્યારથી તેઓ ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા હતા. ભગવાન તે મારા પતિને તો મારી પાસેથી છીનવી લીધા છે પણ મારો દિકરો મને હેમખેમ પાછો મોલકી આપજે. આજે તે માની દુવાઓ પણ ભગવાને સાંભળી હતી અને તેનો પુત્ર આજે તેમની પાસે પાછો ફરી રહ્યો હતો. તે પણ સમગ્ર માનવજાતિને રોબોટ્સના શ્રાપમાંથી મુક્ત કરીને! તેમના પુત્રે આજે તેમનુ નામ આખી દુનિયામાં રોશન કર્યુ હતુ. આખી દુનિયામાંથી પાર્થ માટે દુવાઓ,આશીર્વાદ અને અભિનંદનની વર્ષા થઇ રહી હતી. એ દુવાઓ અને પ્રાર્થનાને લીધે જ તે જીવલેણ ઘા વાગવા છતા સહીસલામત હતો. તે જ્યારે સાજો થઇને કાશી જવા માટે શહેરમાંથી નિકળ્યો ત્યારે આખા શહેરમાં તેને જોવા માટે અને તેની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળેટોળા વળી રહ્યા હતા. તેને તરત જ તેના ઘરે કાશી પરત ફરવાનુ હોવાથી તેને એરપોર્ટ પર લઇ જવામાં પણ તેના સાથીઓને ખુબ જ જહેમત ઉઠાવવી પડી હતી. પણ લોકો તેમના મસિહાના મોઢેથી બે વાત સાંભળ્યા વગર તેને જવા દેવા તૈયાર ન હતા. તેથી આખરે પાર્થે લોકો સામે આવવુ પડ્યુ. એક ઉંચી જગ્યા પર આવીને તેને બધા લોકોનુ અભિવાદન ઝીલ્યુ અને બોલવુ શરુ કર્યુ. તેની વાતને આજે આખી દુનિયા સાંભળી રહી હતી. કારણ કે આખી દુનિયાનું મિડિયા આ અદભુત અને અદ્વિતીય ઘટનાને કવર કરવા માટે ત્યાં ઉપસ્થિત હતુ.

“મારા વહાલા સાથીઓ. તેના મોમાંથી નિકળેલા આ એક શબ્દની સાથે સમગ્ર ભીડ શાંત થઇ ગઇ. જે ભીડને શાંત કરવા માટે ત્યાંનુ તંત્ર ક્યારનુ પ્રયાસ કરી રહ્યુ હતુ તે ભીડ પાર્થના એક શબ્દથી જ શાંત થઇ ગઇ. આ જીત મારા એકલાની નથી આ જીત તમારા બધાની છે,આ જીત સમગ્ર માનવજાતિની છે. આ જીત મારા એકલાને લીધે નથી મળી. આ જીત મેળવવા માટે કેટલાય લોકોએ તેમના પ્રાણોના બલિદાન આપ્યા છે. મારા પિતા પણ આ લડાઇ દરમ્યાન માર્યા ગયા. લડાઇની આખરમાં મે મારા સૌથી પ્રિય મિત્રને ગુમાવ્યો છે અને એવા કેટલાયના પિતા અને પુત્ર કે કોઇના પૌત્ર અને કેટલાયના મિત્ર આ યુદ્ધમાં શહીદ થઇ ગયા. સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે તેમને તેમના પ્રાણોનુ બલિદાન આપી દીધુ. આપણને આઝાદી મળી છે પણ આપણે તેની ખુબ જ ભારે કિંમત ચુકવી છે. હું અહિંયા ઉભેલા અને વિશ્વના દરેક ખુણે જે મને સાંભળી રહ્યુ છે તે દરેકને કહેવા માંગુ છુ કે આપણને આટલુ બધુ ગુમાવ્યા પછી મળેલી આ કિમતી આઝાદીનો સદુપયોગ કરો. આ આઝાદી માટે આપણે ચુકવેલી કિમતને હંમેશા યાદ રાખજો અને તમારાથી તમારા દેશ માટે,તમારા રાષ્ટ્ર માટે,તમારી આજુબાજુમાં વસતા લોકો માટે જે પણ થઇ શકે તે કરો. કંઇક સારુ કાર્ય કરવા માટે કોઇ કારણની જરુર નથી,બસ સારો ઇરાદો હોવો જોઇએ. અંતમાં હુ ફક્ત એટલુ જ કહીશ. . વસુધૈવકુટુંબકમ. . . આપણી આસપાસ કંઇ પણ ખોટુ થઇ રહ્યુ હોય તો તેને ચુપચાપ જોવો નહી પરંતુ તેની સામે અવાજ ઉઠાવો. હર હર મહાદેવ. . . અને તેની પાછળ આખી ભીડનો અવાજ ગુંજી ઉઠ્યો હર હર મહાદેવ. . . . . ત્યારબાદ તે તેના ઘરે કાશી જવા માટે રવાના થયો.

***

આ વખતનો પ્રવાસ વધારે લાંબો અને કષ્ટદાયક ન હતો. પ્લેનમાં તેમને કાશી પહોંચવામાં વધારે સમય લાગ્યો ન હોત,પણ કાશીમાં પ્લેન ઉતરવા માટેની તો કોઇ વ્યવસ્થા હતી નહી. તેથી કાશીથી સૌથી નજીકના શહેરમાં પ્લેનમાંથી ઉતરીને ત્યાંથી કાશી આવવા માટે તેઓ વાયા રોડ આવવુ પડે તેમ હતુ. પણ જ્યારે તેઓ ત્યાંથી કાશી આવવા માટે નિકળ્યા ત્યાં પણ તેમના આવવાની ખબર પહેલા જ પહોંચી ગઇ હતી. તેથી આખા રસ્તે માનવમેદનીથી ઘેરાઇને તેમનુ અભિવાદન કરતા કરતા કાશી પહોંચવામાં તેમને અડધો દિવસ ત્યાંજ લાગી ગયો. તેને તેની જીતમાં તેના દરેક સાથીના યોગદાનને મહત્વનુ ગણાવ્યુ અને તેને મળેલી જીત બધાની સહિયારી જીત ગણાવી. આખા રસ્તે પાર્થ લોકોનુ અભિવાદન ઝિલતો આખરે તેની કર્મભુમી કાશીમાં આવી પહોંચ્યો. ખરા અર્થમાં કાશી તેની કર્મભુમી હતી. પાર્થ અને તેમની આખી સેના જ્યારે મેજર સાથે કાશી પહોંચી ત્યારે કાશીના પ્રવેશદ્વાર પર લોકોની એટલી મોટી ભીડ એકઠી થઇ હતી કે ત્યાંથી અંદર પ્રવેશવુ ખુબ જ મુશ્કેલ હતુ. તે ભીડમાં કાશીના લોકો તો હતા જ, પણ આજુબાજુના પ્રદેશમાંથી પણ ઘણી મોટી સંખ્યામાં લોકો તેમને શાકાલથી આઝાદ કરાવનાર મસિહાની એક ઝલક મેળવવા માટે આવ્યા હતા. તેથી પાર્થનુ કાશીમાં પ્રવેશવુ ખુબ જ મુશ્કેલ બની રહ્યુ હતુ. આખરે ન ચાહવા છતા મેજરને તેમના સૈનિકોની મદદ લઇને પાર્થને કાશીની અંદર પ્રવેશ કરાવવો પડ્યો. પણ આટલા બધા લોકો અહીં પાર્થને જોવા માટે જ અહીંયા આવ્યા હતા તેથી તેમને નિરાશ કરવા તેને પણ ગમ્યુ નહી તે માટે અંદર પ્રવેશ કરીને કાશીની ઉંચી દિવાલ પર ચડીને પાર્થે બધા લોકોનુ અભિવાદન ઝીલ્યુ અને તેમને નિરાશ ન કર્યા. લોકોને આખરે તેમના મસિહાના દર્શન થતા જ તેઓ ખુશ થઇ ગયા અને તેને તેમના દિલથી આશિર્વાદ આપીને વિદાય થયા.

કાશીની અંદર પ્રવેશતાં જ પાર્થનુ અને યુદ્ધમાં વિજય મેળવીને પાછી ફરેલી સેનાનુ ભવ્ય સ્વાગત થયુ. મેજર પણ તેમના કોઇના અહિંયા ન હોવા છતા આટલા મોટા પાયે થયેલી તૈયારીઓ જોઇને દંગ જ રહી ગયા. સ્વાગત માટેની બધી જ તૈયારી અદીતીએ કાશીની બધી સ્ત્રીઓને સાથે રાખીને કરી હતી. મેજર આ બધી તૈયારી જોઇને ખુબ જ પ્રસન્ન થઇ ગયા અને તેમને અદીતીના ખુબ જ વખાણ કર્યા. પાર્થને ફરીથી ઘરે આવીને ખુબ જ શાંતિનો અનુભવ થઇ રહ્યો હતો. ફક્ત દોઢ મહિના જેટલો જ સમય તે યુદ્ધ માટે કાશીથી દુર રહ્યો હતો. પણ તે જાણે કેટલાય સમયથી તેના ઘરથી દુર રહ્યો હોય તેવુ તેને લાગી રહ્યુ હતુ. આ લડાઇ તે કેટલાય સમયથી લડી રહ્યો હોય અને તેનાથી થાકી ગયો હોય તેવુ તેને લાગી રહ્યુ હતુ. આખરે તે તેના ઘરે પાછો ફર્યો હતો. કાશીમાં આવીને પણ તેને કેટલોક સમય લોકોની વચ્ચે ઘેરાઇને જ રહેવુ પડ્યુ હતુ. ઘરે આવીને તરત જ તેને અદીતીને મળવુ હતુ. પણ જ્યારથી તે આવ્યો હતો ત્યારથી તેની જીંદગી બદલાઇ ગઇ હતી. પહેલા પણ લોકો તેને તેમનો મસિહા જ માનતા હતા. પણ જ્યારથી તે શાકાલનો ખાતમો કરીને પાછી ફર્યો હતો ત્યારથી તે હંમેશા લોકોથી ઘેરાયેલો જ રહેતો હતો. હવે લોકો માટે તે તેમનો ભગવાન બની ચુક્યો હતો. પણ તેને ભગવાનનો દરજ્જો નહોતો જોઇતો,તેને તો એક સામાન્ય મનુષ્ય રહીને જ તેનુ બાકીનુ જીવન વિતાવવુ હતુ. તેની અદીતી સાથે લગ્ન કરીને તેની સાથે જ આખી જીંદગી વિતાવવી હતી.

***

આજે તેના કાશીમાં આવ્યાને પાંચમો દિવસ હતો. પણ હજુ સુધી તે અદીતીને મળી શક્યો ન હતો. આજે તો તેને નક્કી કરી લીધુ હતુ કે આજે તો તે કંઇ પણ કરીને અદીતીને મળીને જ રહેશે. એ માટે તે સવારે વહેલો ઉઠી ગયો અને વહેલી સવારે અંધારામાં જ વેશ બદલીને ઘરની બહાર નીકળી ગયો. ઘરેથી નિકળીને તે સીધો મંદીર તરફના રસ્તે જવા માટે નીકળી ગયો. મંદીરમાં પહોંચ્યો ત્યારે મંદીર પણ બંધ હતુ. તે મંદીરની સીડીઓ પર જ બેસીને અદીતીની રાહ જોવા લાગ્યો. કારણકે તેને ખબર હતી કે અદીતી મંદીર તો જરુર આવશે. જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ લોકોની મંદીરમાં અવર જવર વધતી ગઇ. પણ અદીતી હજુ સુધી આવી ન હતી. અહિંયા પણ લોકો તેને ઘેરી લેત પણ તે વેશ બદલીને આવ્યો હતો તેથી કોઇ તેને ઓળખી શક્યુ ન હતુ. તે મંદીરની બહાર જ અદીતીની રાહ જોઇ રહ્યો હતો અને મંદીરમાં આવતા જતા લોકોને જોઇ રહ્યો હતો. આખરે તેનો ઇંતજાર ખતમ થયો. તેને જોયુ, અદીતી સામેથી આવી રહી હતી. તેને જોઇને તેના દિલની ધડકનો વધી ગઇ. તે ત્યાંજ મંદીરની બહાર સાઇડમાં ઉભો રહ્યો અને અદીતી જેવી મંદીરમાંથી બહાર આવી તેનો હાથ પકડીને તેને ઇશારામાં સમજાવીને ચુપચાપ તેની પાછળ આવવા માટેનુ કહીને તે આગળ ચાલવા લાગ્યો. અદીતી તેના સ્પર્શથી જ તેને ઓળખી ગઇ હતી. તે પણ પાર્થની પાછળ પાછળ જવા લાગી. પાર્થ તેને તે જગ્યાએ લઇ ગયો જ્યાંથી અદીતીએ તેને પહેલી વાર આખા નગરનુ દ્રષ્ય અને ગંગા મૈયાના દર્શન કરાવ્યા હતા. ત્યાં પહોંચીને તેને તેના ચહેરાનો મેકઅપ હટાવી દીધો. કારણકે હવે તેમને અહિંયા જોવાવાળુ કોઇ ન હતુ. અદીતી પાર્થેને જોઇ જ રહી!! તે તેની તરફ એક નજરે બસ જોઇ જ રહી અને એમ જ સ્થિર થઇ ગઇ. પાર્થે તેને તંદ્રામાંથી જગાડતા કહ્યુ, “અદીતી શુ જોઇ રહી છે? હુ પાર્થ જ છુ. મને આમ શુ જોઇ રહી છે?” અદીતીએ નજર હટાવી અને ફરી તેની આંખોમા જોઇને કહ્યુ, “ફક્ત દોઢ મહિનાથી તને જોયો નહોતા તો પણ મને એવુ લાગે છે જાણે વર્ષોથી તને જોયો નથી અને આજે વર્ષો બાદ તને જોઇ રહી હોઉ તેવુ લાગે છે. મારા માટે આ દોઢ મહિનો તો જાણે દોઢ વર્ષ જેટલો લાંબો હતો. તેથી જ તને જોઇને મારી આંખોની તરસ છીપાવી રહી છુ”. પાર્થે કહ્યુ, “મારા માટે પણ આ સમય એટલો જ કઠીન હતો. ક્યારેક જ્યારે તારી યાદ આવી જતી તો થતુ કે આ બધુ છોડીને તારી પાસે દોડ્યો આવુ. પણ પછી થતુ શુ કાયર પાર્થને અદીતી સ્વીકારશે? જો મારે ફરીથી અદીતીને મળવુ હશે તો મારે એવુ કંઇક કરવુ પડશે કે જેના લીધે અદીતીને જ્યારે હું મળુ તો એની નજર સામે નજર મેળવીને જોઇ શકુ. તે મને ઇજ્જતની નજરથી જુએ. તેના લીધે જ હુ રોકાઇ જતો. તને ફરી મળવાની આશાએ જ હુ આટલો સમય સુધી જીવી રહ્યો હતો. તેની વાત સાંભળીને અદીતી ફરીથી તેને ગળે વળગી પડી. હવે તેની આંખો છાલકાઇ ઉઠી. આજે તેને કેટલાય સમયથી તેના દિલમાં દબાયેલા પ્રેમને એમ જ વહી જવા દીધો. થોડીવાર પછી સ્વસ્થ થયા બાદ પાર્થે તેને યુદ્ધની,ત્યાં સુધી પહોચવા માટે રસ્તામાં પડેલી તકલીફોની,તેના પિતાના મોતની અને તેના જીગરી દોસ્તની કુરબાનીની બધી વાતો કરી.

આ બધી વાતો ચાલી રહી હતી ત્યાં જ અદીતીએ પાર્થને પુછ્યુ, “પાર્થ તારુ કામ તો હવે પતી ગયુ. તારા જીવનનુ જે મુખ્ય લક્ષ્ય હતુ તે પુરુ થઇ ગયુ. તો હવે તુ શુ કરીશ?” પાર્થે કહ્યુ, “ના. . અદીતી હજુ મારુ કામ પુરુ થયુ નથી. પિતાજીએ મને એક વાત કહી હતી. ‘જ્યાં સુધી તમારુ કામ આ દુનિયામાં છે ત્યાં સુધી જ તમે આ દુનિયામાં રહેવાના છો અને જ્યારે તમારુ કાર્ય પુરુ થાય પછી જ તમે આ દુનિયામાંથી વિદાય થશો. માટે તમે જ્યાં સુધી આ દુનિયામાં હયાત છો ત્યાં સુધી એમ માનવુ કે તમારુ કોઇક કાર્ય હજુ બાકી છે અને જ્યાં સુધી તે પુરુ ના થાય ત્યાં સુધી તેને પુરુ કરવાના પ્રયત્ન કરતા રહેવુ’ તે વખતે મને તેમની વાત નહોતી સમજાઇ પણ જ્યારે યુદ્ધમાં મે પિતાજીને અને મારા જીગરી દોસ્તને ગુમાવ્યા ત્યારે મને પિતાજીની એ વાત યાદ આવી. એ વખતે મને તેમની વાત સમજાઇ ગઇ. પિતાજી અને નાયકનુ કાર્ય તો પુરુ થઇ ગયુ. પણ મારુ કાર્ય હજુ પણ બાકી છે. મે ભલે આ દુનિયાને શાકાલ નામના શત્રુથી આઝાદ કરાવી દીધી. પણ જ્યાં સુધી માનવની અંદરનો શત્રુ એકબીજા પ્રત્યેનો દ્વેષ,ઇર્ષ્યા જ્યાં સુધી ખતમ નહી થાય ત્યાં સુધી આવા શાકાલ આવતા જ રહેશે. આપણે જો ખરા અર્થમાં આપણા શત્રુથી મુક્ત થવુ હોય તો આપણી અંદરના દ્વેષ અને ઇર્ષ્યાને ખતમ કરવાની જરુર છે. આજે લોકોને મારા પર વિશ્વાસ છે અને એજ વિશ્વાસને આધાર બનાવીને હુ આજથી મારા નવા લક્ષ્ય પર કામ શરુ કરવા જઇ રહ્યો છુ. અદીતી મારે માનવોમાં રહેલી દ્વેષ અને ઇર્ષ્યાની ભાવનાને દુર કરવી છે. જેથી ભવિષ્યમાં શાકાલ જેવા શેતાન ફરીથી માણસોની આ કમજોરીનો લાભ ઉઠાવીને માથુ ના ઉચકે. એ માટે હુ મિ. સ્મિથ સાથે મળીને એક અભિયાન શરુ કરવા જઇ રહ્યો છુ. હુ વિશ્વમાં શાંતિ,ભાઇચારાનો અને લોકોમાં એકબીજા પ્રત્યે માનવતાની ભાવનાને ફેલાવવા તથા લોકોના મનમાં રહેલા તેમના અજાણ શત્રુ દ્વેષ,ઇર્ષ્યાને દુર કરવા માટેના મિશન પર જઇ રહ્યો છુ. હુ જાણુ છુ કે આ કાર્ય ખુબ જ કઠીન છે. લોકોને શસ્ત્રોની સાથે જીવવાની આદત પડી ગઇ છે. તેના વગર જીવવા માટે તેમને સમજાવવા ખુબ જ મુશ્કેલ છે. પણ મે હવે આ કાર્યને જ મારુ લક્ષ્ય બનાવી લીધુ છે. મને આપણા ભગવાન કાશીવિશ્વનાથ પર પુરો ભરોસો છે. તે મને આ કામમાં જરુર સહાય કરશે અને મારુ આ લક્ષ્ય પુરુ કરવામાં પણ સદાય મારી સહાયતા કરશે. અદીતી મને માફ કરજે આજે હુ ઘણા દિવસો પછી તને મળવા માટે આવ્યો છુ અને ફરીથી જવાની વાત કરી રહ્યો છુ પણ હુ મારા કર્તવ્યથી પણ કેવી રીતે મો ફેરવી શકુ”.

અદીતી પાર્થની વાત એકધ્યાને સાંભળી રહી. એ જોઇ રહી હતી કે દોઢ મહિના પહેલાના પાર્થમાં અત્યારે કેટલો બદલાવ આવી ચુક્યો છે. અત્યારે તેની સામે જે પાર્થ બેઠો હતો તેની ઉમર ભલે એકવીશ વર્ષની જ હતી પણ તે ખુબ જ પરીપક્વ બની ચુક્યો હતો. દોઢ મહિના જેટલા સમયમાં જ તેને જીંદગીએ એટલા ઘાવ આપ્યા હતા કે તે સમય પહેલા જ પરિપક્વ બની ચુક્યો હતો. તેને તેની જવાબદારી અને કર્તવ્યો પ્રત્યેનુ ભાન આવી ચુક્યુ હતુ. તેના કર્તવ્યોથી તો તે પહેલા પણ પાછળ હટ્યો ન હતો. પણ પહેલા તે બધાના કહેવા પ્રમાણે ચાલતો હતો. આજે તે જાતે જ તેના નિર્ણય લેવા માટે સક્ષમ બની ગયો હતો. તેની સમાજ પ્રત્યેના તેના કર્તવ્યોની ભાવના પહેલા કરતા ખુબ જ વધારે દ્ર્ઢ બની ગઇ હતી. પણ આ બધા છતા તે તેના પ્રેમને ભુલ્યો ન હતો. અદીતી માટે બસ એજ કાફી હતુ. પાર્થે જ્યારે અદીતીને પુછ્યુ, “અદીતી તારુ શુ કહેવુ છે? હુ યોગ્ય જ કરી રહ્યો છુ ને?” અદીતીએ કહ્યુ, “પાર્થ તે અત્યાર સુધી જે પણ કાર્ય કર્યુ છે તે બધાનુ પરિણામ સારુ જ આવ્યુ છે. તે લીધેલો દરેક નિર્ણય યોગ્ય જ સાબિત થયો છે અને ભવિષ્યમાં પણ તુ જે કરીશ તે યોગ્ય જ હશે તેનો મને પુરો વિશ્વાસ છે. તારો નિર્ણય એકદમ યોગ્ય છે. એ માટે તારે કોઇની રાય લેવાની જરુર નથી. તારા દરેક નિર્ણયમાં હુ તારી સાથે જ છુ. પણ હુ એક વાત કહેવા માગુ છુ. તે તારા જીવનનુ એક લક્ષ્ય બનાવ્યુ છે તેમ મે પણ મારા જીવનનુ એક લક્ષ્ય નક્કી કરી લીધુ છે. જ્યાં જ્યાં તુ જઇશ ત્યાં હું તારી પાછળ,સદાય તારી સેવામાં અને તારી સાથે રહેવા માગુ છુ. મે આજ સુધી તારી પાસે કંઇ જ માગ્યુ નથી. માટે પ્લીઝ મને પણ તારી સાથે આવવા દે. હુ તારા વગર નહી જીવી શકુ અને હુ ક્યારેય તારા કાર્યમાં અડચણરુપ નહી બનુ. હુ સદાય તારી સાથે રહીને તારા આ લક્ષ્યમાં જીવનભર તારો સાથ આપવા માગુ છુ. પ્લીઝ તુ મને ના ન પાડતો”. અદીતી બે હાથ જોડીને પાર્થને વિનંતી કરવા લાગી. પાર્થે તેના હાથ પકડીને કહ્યુ, “અરે આ શુ કરી રહી છે અદીતી તારે હાથ જોડવાની જરુર નથી. હુ પણ એજ ઇચ્છતો હતો કે તુ પણ મારા આ કામમાં મારો સાથ આપે અને મારા આ કાર્યમાં મારી સાથે જોડાય. પણ આ કાર્ય ખુબ જ વિકટ છે. બધી જગ્યાએ પરિસ્થિતિ એક સરખી નથી હોતી. વળી આ કાર્ય માટે હુ મારી આખી જીંદગી સમર્પિત કરી ચુક્યો છુ. તેથી આ કાર્ય માટે તારી આખી જીંદગી માંગતા હુ ખચકાઇ રહ્યો હતો. નહીતો તુ પણ જાણે છે કે હુ પણ તારા વગર જીવી શકીશ નહી. પણ હવે તુ મારી સાથે છે તો હવે આખી દુનિયા પણ મારી ખિલાફ થઇ જશે તો પણ મને ડર નથી”.

પાર્થને હવે તેના જીવનની નવી દિશા મળી ચુકી હતી અને તે દિશાની રાહમાં તેનો સાથ આપનાર સાથી પણ મળી ચુકી હતી. હવે તેની રાહમાં કેટલીય મુશ્કેલીઓ ભલે આવે તે પાછળ હટવાનો ન હતો.

* સમાપ્ત *