Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 3

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩ : ખોવાયેલાં રત્નો ઉપરની ધૂળ

કાળવર્ષ વીત્યું ને મેહ ગાજ્યો,

મારા હઈડાનો ધ્રાશકો ભાગ્યો !

‘સરદારસિંહ ! હવે તો તમારો શોધ પૂરો થઈ રહ્યો હશે.’ વિદ્યાચતુર, ગુણસુંદરી પાસેથી ઊઠી, પોતાના પ્રધાનખંડમાં જઈ, ત્યાં પોતાની વાટ જોઈ બેસી રહેલા રત્નનગરીના દેશપાલને પૂછવા લાગ્યો.

ઊભો થઈ પ્રણામ કરતો કરતો સરદાર બોલ્યો : ‘લગભગ પૂરો થયો છે.’

વિદ્યાચતુર - ‘હવે કંઈ ત્વરાથી તમારે જાતે જવા જેવું બાકી છે ?’

સરદારસિંહ - ‘ના જી. રાત્રે માત્ર કુમુદબહેન વિદ્યામાન છે ને સરસ્વતીચંદ્રની છાયામાં છે એટલા જ સમાચાર હતા. આજની ટપાલમાં અને આજ આવેલાં આપણાં માણસોથી ઘણી વગતો એકઠી થઈ હાથ લાગી છે. બુદ્ધિધનભાઈના ઘરમાં જે નવીનચંદ્ર હતા તે જ આજ સુંદરગિરિ ઉપર છે. છસાત દિવસ ઉપર વિહારપુરી જોડે એ સુરગ્રામ ગયા હતા અને ત્યાંના મહેતાજીએ પોતાનું નામ નવીનચંદ્ર કહ્યું અને બુદ્ધિધનભાઈના ઘરમાં પોતે હતા તે પોતે જ મહેતાજીને કહ્યું. વર્તમાનપત્રોમાં શોધતા સરસ્વતીચંદ્ર તે પોતે જ કે નહિ એવો મહેતાજીનો પ્રશ્ન તેમણે ઉડાવ્યો. તેઓ અંગ્રેજી અને સંસ્કૃતમાં વિદ્વાન છે ને વિષ્ણુદાસજીએ પોતાની પાછળ તેમને યદુશૃંગના મહન્ત કરવા ધાર્યા છે ને તેને માટે સિદ્ધ કરવા ચિરંજીવશૃંગ ઉપર સાધુઓ જોડે મોકલ્યા છે.’

‘બુદ્ધિધનભાઈના ઘરમાં તેઓ કેવી રીતે રહ્યા તેની હકીકત સુવર્ણપુર ગયેલા આપણા દૂતે મોકલી તે આ પત્રમાંથી જડશે. કુમુદબહેન અને તેમની બાબતમાં સુવર્ણપુરમાં લોકાપવાદ પ્રમાદધનભાઈએ અને કૃષ્ણકલિકાએ જ ચલાવ્યો હતો તે ત્યાં કોઈ માનતું નથી, અને બુદ્ધિધનભાઈ પોતાના દ્રવ્યની વ્યવસ્થા એવી રીતે કરવાના છે કે તેમાંથી એક અંશ એમના બાળક પુત્રને માટે રહે, એક અંશની ઊપજ સુવર્ણપુરમાં સંન્યાસીઓના અન્નસત્રમાં જાય અને તેમાંથી પોતાની ભિક્ષા તથા પરિવ્રજ્યાના ખરચનો નિર્વાહ થાય, બાકીનો એક અંશ અલકકિશોરીને મળે, અને બાકીનો એક અંશ પ્રમાદધનભાઈ જીવતા નીકળે તો તેમને મળે ને ન નીકળે તો તેમનો અંશ અને બાકીનો એક બીજો અંશ કુમુદબહેન જીવતાં નીકળે તો તે તેમને મળે. કુમુદબહેન જીવતાં ન નીકળે તો એમના અને પ્રમાદભાઈના અંશની વ્યવસ્થા કંઈ ધર્મમાર્ગે કરવાની આપને સોંપવાની છે. તેમને સંન્યાસ લેવામાં માત્ર મહારાણા ભૂપસિંહે તેમને દીધેલા સોગન નડે છે.

કુમુદબહેનના રથમાંથી એક પોટકું ગુણસુંદરીબાની પાસે આવેલું છે તે મારે જાતે જોવું બાકી છે. તેમાં તેમની પોતાની લખેલી કવિતાઓ કહેવાય છે પણ કોઈનું નામ તેમાં નથી. સુભદ્રાના મુખ આગળ માતાના બેટ આગળથી તેમનું, કે બીજી કોઈ એમના જ વયની અબળાનું, શરીર ચંદ્રાવલીને હાથ આવ્યું જણાય છે ને એ સાધ્વીએ તેનું નામ મધુરી પાડ્યું છે. મધુરી સુંદરગિરિ ઉપર ત્રણચાર દિવસથી પરિવ્રાજિકા મઠમાં છે, તેમના શરીર ઉપર માતાની ચૂંદડી છે પણ આપણા જેવાની પુત્રીને યોગ્ય અલંકાર પણ તેમણે અંગે રાખેલા છે. હાલમાં ચિરંજીવશૃંગ ઉપર વસંતગુફામાં તેમને લઈ કેટલીક સાધ્વીઓ રહેવા ગઈ છે ને સાધુઓ સાથે તેમની જોડેની સૌમનસ્યગુફામાં નવીનચંદ્ર છે.

મધુરીનો વિવાહ નવીનચંદ્ર સાથે થયેલો હતો અને તેમનાં લગ્ન પહેલાં નવીનચંદ્ર ગૃહ છોડી નીકળી ગયેલા હતા. અને તે પછી મધુરીનું લગ્ન બીજા પુરુષ સાથે થયું, પુરુષે મધુરીને બહુ દુઃખ દીધું ને મધુરીએ સુભદ્રામાં જળશયન કર્યું અને સંસાર ઉપર કંટાળી બીજી વાર બેટની માતાની પેલી પાસે સમુદ્રમાં પણ શરીરનો ભોગ આપવા પ્રયત્ન કરતાં સાધુસ્ત્રીઓએ તેમને બચાવ્યાં. હવે માતાપિતાને ઘેર જઈ તેમનાં અને સ્વામીની પાસે જઈ તેનાં દુઃખનું સાધન ન થવું એવા વિચ્રથી અને નવીનચંદ્રનું દુઃખ જોઈ ન શકાયાથી આમ કર્યં કહેવાય છે. સાધુજનોએ આ દુઃખમાંથી તેમને ઉદ્ધારવાને માટે પોતાને અશક્ત સમજી છેલ્લી પળે તેમણે બોધ અને આશ્વાસન આપવા માટે નવીનચંદ્રનો સમાગમ કરાવેલો છે. તેમની પાસેથી પોતાના સ્વામીના મૃત્યુના સમાચાર એમણે ગઈ કાલના જાણ્યા અને તે પછી સાધ્વીનો ભેખ ધર્યો છે. પરિવ્રાજિકામઠમાં કે ચંદ્રાવલી પાસે રહી સત્સમાગમમાં અને પરમાત્માના ચિંતનમાં બાકીનું આયુષ્ય ગાળવું એવો તેમનો વિચાર સાધ્વીઓમાં સંભળાયો છે.

તેમના સ્વામીના મૃત્યુના સમાચાર નવીનચંદ્રે તેમને કહ્યા. સુરગ્રામનો વર્તમાનપત્રોમાં પ્રમાદભાઈના સમાચાર નવીનચંદ્રે વાંચેલા જ હોવા જોઈએ. આ અને બીજી વાતો ઉપરથી પણ સ્પષ્ટ છે કે નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર અને મધુરી તે કુસુમબહેન જ. હવે આજ ચંદ્રકાંતભાઈ કોને મળે છે ને શા સમાચાર કહાવે છે તેટલી, સોળે આના નિશ્ચય થવાને વાર છે.

મહેતાજી અને શંકાપુરી નામના સાધુથી તેમ બીજાઓથી આ સમાચાર મળેલા છે. શંકાપુરી યદુશૃંગ ઉપર ગયેલો કોઈ નવો સાધુ છે તે તો આ બેની ગમે તેવી વાતો કરે છે, પણ તે જાતે જ શુદ્ધ નથી અને હાલ વિષ્ણુદાસી યોગસ્થ છે તે તેમાંથી જાગશે એટલે આ સાધુનો મઠમાંથી બહિષ્કાર કરશે એવું સર્વ સાધુઓ બોલે છે. એણે મધુરી ઉપર કુદૃષ્ટિ કરી કહેવાય છે ને સાધ્વીઓએ મધુરીનું રક્ષણ કરેલું છે. આવા દુષ્ટ મનુષ્યની કરેલી વાતોમાં વિશ્વાસ રજ કરવા જેવો નથી અને આપણાં મનુષ્યોને એવી શંકા છે કે એ વેશધારી સાધુ હીરાલાલનો કોઈ બાતમીદાર છે. તે સૌ જોવાશે, પણ એટલું સત્ય છે કે સર્વ સાધુજનો અને સાધ્વીજનો નવીનચંદ્રને પૂજ્ય ગણે છે ને મધુરીને દુઃખી પણ અતિ પવિત્ર માને છે. તેમના આવા વિષયમાં નિર્ણય ક્વચિત જ ભૂલભરેલા હોય છે અને કૂતરાઓ શિકારને સૂંઘી કાઢે તેવી જ ત્વરાથી વિષ્ણુદાસજીના સાધુજનો અપવિત્ર માણસને સૂંઘી કાઢે છે.’

‘પ્રધાનજી ! આપ જેવાનાં નેત્રોમાં દીનતા આજ જ દેખું છું.’

વિદ્યાચતુર - ‘સરદાર ! પુત્રી જીવતી છે એટલું જ નહીં પણ આવા સાધુજનો પણ તેની પવિત્રતાને અભિનંદે છે એ જાણી ઈશ્વરનો ઉપકાર મારા હૃદયમાં ઊભરાય છે ને આ દીનતાને આણે છે. બીજી પાસથી આવી પુત્રીને મારા ઘરમાં સુખની આશા નથી ને સાધુનો ભેખ અને ભિક્ષાનું અન્ન તે પ્રિય ગણે છે અને તેમ કરવાનો તેને વારો આવે છે તે માત્ર આપણા લોકના સંસારની વ્યવસ્થાને લીધે જ છે એ પ્રત્યક્ષ કરું છું ત્યારે કુમુદના અને આપણા દેશના વિચાર મારા હૃદયને દીન કરી મૂકે છે. એ પુત્રીનું સુખ મારા હાથમાં છે છતાં હું તેને તે આપી શકતો નથી તે માત્ર આપણા સંસારની માનુષી વ્યવસ્થાને લીધે! - એ અશક્તિ ઈશ્વરે નથી આપી. ઈશ્વરની કળાને લીધે મનુષ્યને માથે અનેક અનિવાર્ય દુઃખનાં વાદળ ફરે છે તેમાં આપણા લોકે હાથે કરીને આ વ્યવસ્થાને ધુમાડાની પેઠે ફેલાવી છે.’

સરદારસિંહ - ‘વડીલની સૂચના આપ સ્વીકારશો તો દહીં અને દૂધ બેમાં પગ રહેશે.’

વિદ્યાચતુર - ‘એવા ચોરિકાવિવાહનું, મારી કુમદ કે સરસ્વતીચંદ્ર બેમાંથી કોઈ અભિનંદન નહીં કરે. તેમનાં હૃદય એટલાથી તૃપ્ત થાય એમ હોત તો સરસ્વતીચંદ્ર અને કુમુદને ભગવી કન્યાઓ અને ભિક્ષામાં અન્ન પ્રિય લાગત નહીં. એવી ચોરી કરતાં તેમને આ સ્થિતિ વધારે પવિત્ર અને ઉત્કૃષ્ટ લાગી ન હોત તો એમને હું પામર ગણત અને તેમને માટે શોક ન કરત ને વડીલનું વચન પાળવું જ ઉત્તમ ગણત.’

સરદારસિંહ - ‘વડીલનું વચન હૃદયનું છે, કુમુદબહેન ઉપરની તેમની પ્રીતિનું છે, અને મર્મનું નથી એવું હું માનું છું.

વિદ્યાચતુર - ‘હું પણ એમ જ માનું છું. એમની પ્રીતિ બાળકને સુખી જોવાને ઇચ્છે છે ને લોકના વ્યવહારશાસ્ત્રને જાળવી તેને જ તોડવાનો માર્ગ શોધે છે. મારામાં એ જાળવવાની વૃત્તિ નથી, તોડવાની શક્તિ છે, અને સંતાનનાં સુખ લોકમાં અનિન્દિત ગણાય એવું જોવા ઇચ્છું છું. આ ઇચ્છા વ્યર્થ છે ને તે સફળ થાય કે નિષ્ફળ થાવ તેની પરવા કર્યા વિના મારે શક્તિ અને વૃત્તિ પ્રમાણે વર્તવું પડશે - મને મારો ધર્મ એવો લાગે છે. આવી મોટી વાતમાં મારે મામાજીથી જુદો મત રાખી તેમને કુપથ્ય લાગતે માર્ગે પ્રવર્તવું પડશે, અને વડીલની ઇચ્છામાં બે વાત સાચવવી ઠીક લાગી છે તેને સ્થાને એક વાત સાચવી બીજીને પડતી મૂકવી પડશે. એક પાસ આ કાર્યથી વડીલોનાં મનને માનેલો ક્લેશ થાય અને બીજી પાસ એ કાર્ય ન કર્યાથી પુત્રી પ્રતિ મારો માનેલો ધર્મ

ત્રુટે છે - એ વિચાર મને ગૂંચવાડામાં નાખે છે ને દીન બનાવી મૂકે છે.’

સરદારસિંહ - ‘સુધારાના વમળમાં એવી અવ્યવસ્થાઓ વશે કે કવશે સર્વને અનુભવવી પડશે.’

વિદ્યાચતુર - ‘એ વમળનાં ખેંચાણ સહીને પણ ધારેલું કાર્ય ધર્મ ગણું છું માટે તે કાર્ય વિના છૂટકો નથી.’

સરદારસિંહ - ‘પુત્રીને સાધુના ભેખમાં જોઈને આપને આમ થાય તે સ્વાભાવિક છે.’

વિદ્યાચતુર - ‘છતાં મહારાજના ધર્મભવનની આજ્ઞાઓ જેવી તીવ્ર છે તેવી જ અનિવાર્ય છે. હીરાલાલે ધારેલો પુરાવો તે રજૂ કરશે તો કુમુદની પ્રતિષ્ઠા ચીંથરેહાલ થતી જોવાનો ભય મને કંઈક કંપાવે છે. ન્યાયાસનનો વેગ સામાન્ય મનુષ્યો અનુભવતાં તે આજે મારે અનુભવવો પડશે.’

સરદારસિંહ - ‘એ અનુભવથી આપને બીવાનું કાંઈ કારણ નથી.’

વિદ્યાચતુર - ‘કારણ તો નીવડ્યે જણાય. બાકી જે ધૈર્ય અને સહનશીલતા ન્યાયાસન પાસેના પક્ષકારોમાં હું ઇચ્છતો હતો તે રાખતા કેટલો પ્રયાસ અને ક્લેશ પડે છે તેનો આજ મને જાતઅનુભવ પ્રથમ થાય છે.’

સરદારસિંહ - ‘આપ જેવાને ક્લેશના અનુભવ થાય તેમાંથી પણ આપ જગતને કલ્યાણકારક દૃષ્ટાંત બતાવી શકશો.’

વિદ્યાચતુર - ‘આ અનુભવથી દુષ્ટ લોકની હું દયા રાખતાં શીખીશ. આવા આવા ગૂંચવાડામાંથી મુક્ત થવાની શક્તિ ન મળતાં અને માર્ગ ન સમજાતાં સામાન્ય બુદ્ધિનાં મનુષ્યોને દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થવાની લાલચને નિવારી નહીં શકતાં હોય ને દુષ્ટ થતાં હશે.’

સરદારસિંહ - ‘એમ જ.

વિદ્યાચતુર - ‘મારી જે ફજેતી થશે ને જે તમાશા લોકોને જોવાનો રસ પડશે તેને માટે હું હવે સજ્જ છું. બોલો સરદારસિંહ ! નિર્ભય થઈને તમારો ધર્મ કરજો ને રાજસેવામાં ને લોકસેવામાં પ્રવર્તતાં કોઈ જાતનો ભય કે પક્ષપાત ન રાખશો. ભીમભવનની દૃષ્ટિમાં તમે વજ્ર જેવા લાગો એવું કરજો.’

સરદારસિંહ - ‘આપનાં બાળકની પવિત્રતા એવી છે કે અમારા દેહ અતિ કોમળ હોય તો પણ ગદાનો ભય રહે એમ નથી.’

વિદ્યાચતુર - ‘જે હો તે હો. એ ગદાની શક્તિમાં ન્યૂનતા આવે એવું કંઈ કરવું નહીં.’

સરદારસિંહ - ‘યથાર્થ બોલો છો તે થશે. રત્નનગરીના મહારાજ અને અધિકારો એવું જ ઇચ્છે છે.’

વિદ્યાચતુર - ‘હવે શી નવાજૂની છે અને શું કરવા ધારેલું છે તેની યોજના કહો.’

સરદારસિંહ - ‘હા જી. એજન્સીમાં ધૂર્તલાલના પ્રતિનિધિરૂપે હીરાલાલે એવી અરજી કરેલી છે કે અર્થદાસના અપરાધનો ન્યાય અંગ્રેજી ન્યાયાસન પાસે થવો જોઈએ. તેના કારણમાં તેણે એવું બતાવેલું છે કે કુમુદબહેન અને સરસ્વતીચંદ્રનો પ્રસંગ બુદ્ધિધનભાઈના ઘરમાં પડેલો તે આપના અને બુદ્ધિધનભાઈના જાણવામાં આવવા પછી અર્થદાસે કે બહારવટિયાઓએ સરસ્વતીચંદ્રનું ખૂન આપ બેમાંથી કોઈના તરફની સૂચનાથી કરેલું હોવું જોઈએ. અને આપના રાજ્યમાં આ તપાસ ચાલે તો તે વાતનો શુદ્ધ નિષ્પક્ષપાત નિર્ણય થઈ શકે એમ નથી. આ કારણને લીધે અર્થદાસનું ન્યાયાન્વેષણ આપણી પાસે ન ચલવવું અને બહારવટિયાઓનું સુવર્ણપુરમાં ન ચલવવું પણ એ સર્વેનું શોધન અંગ્રેજી અધિકારી પાસે ચલવવું એવી સૂચના એજન્સીમાંથી આપણા ઉપર અને સુવર્ણપુરના રાજ્ય ઉપર ગઈ છે ને બુદ્ધિધનભાઈએ આ વિષયમાં ઉત્તર આપતાં પહેલાં આપનો અભિપ્રાય મંગાવ્યો છે. પ્રથમ પ્રશ્ન માત્ર કોની હદમાં કામ ચલાવવું એવો હતો તેને સ્થાને આ વધારે મોટો પ્રશ્ન હવે ઊભો થયો છે.’

વિદ્યાચતુર - ‘આવી તપાસ ત્યાં થાય તો કામના રૂપના સંભવાસંભવ તમને કેવા લાગે છે ?’

સરદારસિંહ - ‘સરસ્વતીચંદ્રનું એક પોટકું બહારવટિયાના હાથમાં ગયેલું તેમાં કુમુદબહેનના હાથની એક પત્રિકા છે તેમાં એમના હાથની કવિતા છે. તે આપણે સરકારી અધિકારી પાસે રજૂ કરવું કે ન કરવું તે એક પ્રશ્ન છે.’

વિદ્યાચતુર - ‘તેની પાસે કામ ચલાવવું જ પ્રાપ્ત થાય તો તે રજૂ કરવું એ આપણો ધર્મ છે. આપણે સામાન્ય પુરુષો પેઠે આવી વાતો ન્યાયાસનથી ગુપ્ત રાખવાનું કામ નહીં કરીએ.’

સરદારસિંહ - ‘એ પોટકું રજૂ કરીએ ને પત્રિકા આપણી પાસે રાખીએ તો કાંઈ બાધ છે ? પરરાજ્યને આવા વિષયમાં આવી રીતે સાહાય્ય આપવાને આપણે કયા ધર્મથી બંધાઈએ છીએ ?’

વિદ્યાચતુર - ‘ચક્રવર્તી ભવનના ધર્મથી. સરદારસિંહ, એ પત્રિકામાં શું લખેલું છે ?’

સરદારસિંહ - ‘કવિતા કઠણ છે ને જેવો અર્થ લઈએ તેવો લેવાય એમ છે. આપને જોવી હોય તો આ રહી.’

પત્રિકા લેતો લેતો વિદ્યાચતુર બોલ્યો : ‘જે હો તે હો - જે થાવ તે થાવ. પ્રતિષ્ઠા જાવ તો જાવ. સરદાર, આ પત્રિકા રજૂ તો કરવી જ. કાંઈ ગુપ્ત ન રાખવું. વિદ્યાચતુર ન્યાયને પ્રિયમત ગણે છે ને તેને માટે સર્વ વસ્તુનો ભોગ આપવા તત્પર છે.’

સરદારસિંહ - ‘આપ વાંચો તો ખરા.’

વિદ્યાચતુર વાંચવા લાગ્યો.

‘અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !’ વગેરે પંક્તિઓ આ પત્રિકામાં કુમુદના સુંદર હસ્તાક્ષરથી સ્પષ્ટ લખેલી હતી. તે વાંચી રહી એ પત્રિકા હૃદય સાથે ચાંપી વિદ્યાચતુર આનંદગર્વથી બોલ્યો :

‘સરદાર ! આપણી પવિત્ર કુમદની આ પવિત્ર કવિતા અવશ્ય અંગ્રેજી ન્યાયાસન પાસે આપણે મૂકીશું અને અગત્ય પડશે તો હું તેનો અર્થ સમજાવવાને જાતે ન્યાયાસન પાસે સાક્ષી થઈશ ! સરસ્વતીચંદ્રે બુદ્ધિધનભાઈનું ગૃહ કેવી પવિત્ર કુમુદની કેવી પવિત્ર વાસનાની સૂચનાને બળે છોડ્યું તે આથી સ્પષ્ટ સમજાશે.’

સરદારસિંહ - ‘સત્ય છે. પણ એક વાર ખોટા આરોપ મૂકનારને મુખેથી સર્વ દુષ્ટ આરોપ સાંભળવા પડે અને તે પછી તેના ઉત્તરમાં આ કામ લાગે. મેં ધાર્યું છે કે સરસ્વતીચંદ્ર આયુષ્યમાન છે એટલું આપણે સંપૂર્ણ રીતે પ્રથમ સિદ્ધ કરી આપવું, અને તે આપણા જ રાજ્યમાં કરી આપવું - એટલે પછી એમના ખૂનનો કે આપણા અંગ્રેજી ન્યાયાસનનો પ્રશ્ન નહીં રહે, અને કુમુદબહેનનું આમ કે તેમ નામ સરખું દેવાનો પ્રસંગ ઊભો નહીં રહે, અને તે પછી કુમુદબહેનના વિષયમાં વડીલની સૂચના સ્વીકારવી કે આપની કલ્પના સિદ્ધ કરવી કે અન્ય માર્ગ લેવો તેને માટે વિચાર કરવાને અને યથેચ્છ વર્તવાને પુષ્કળ અવકાશ રહેશે.’

વિદ્યાચતુર - ‘જો તેમ થાય તો સર્વ વાંધા દૂર થાય ખરા. તમે તેમ કેવી રીતે કરવા ધારો છો ?’

સરદારસિંહ - ‘નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ નીવડે તો તેમને અર્થદાસના આયુષ્યના રક્ષણને માટે અને કુમુદબહેનની પ્રતિષ્ઠાને માટે પોતાનું નામ ને શરીર પ્રસિદ્ધ કરવું પડશે એવું તેમને કહેવાને મેં ચંદ્રકાંતભાઈને કહેલું છે ને તેમણે તે કહેવા સ્વીકાર્યું છે. તે પછી આપણે વચ્ચે પડવું ન પડે એવો માર્ગ છે. યદુશૃંગના સાધુજનોનો પ્રથમ ન્યાય કરવાનો આપણે હાથમાં રાખેલો નથી, પણ એક આપણો અધિકારી યદુશૃંગના મહંતની સાથે બેસે અને સાધુજનનો ન્યાય એ બે જણ મળી કરે અને તે પછી આપની પાસે તે વિષયનો શુદ્ધતર ન્યાય-અપીલ-થાય એવી વ્યવસ્થા નાગરાજ મહારાજના સમયથી આપણે સ્વીકારી છે ને બ્રેવ સાહેબની તેમાં સંમતિ છે. કોઈ પણ સાધુજનને આજ્ઞા કરી આ વિના બીજા ન્યાયાસન પાસે કોઈ પણ પ્રસંગ કે પ્રકારે મોકલવાનો અધિકાર આપણે આપણા હાથમાં રાખેલો નથી. આ ન્યાયાસન પાસે જેનો પ્રાથમિક ન્યાય ‘પ્રાઇમાફેસી કેસ’ થાય તેને તે પછી જ આપણે સરકારને સોંપી શકીએ છીએ. નવીનચંદ્ર પણ યદુશૃંગના સાધુજન છે અને આ વ્યવસ્થા તોડી તેમને સરકારમાં મોકલી શકીએ

તેમ નથી, ને એજન્સીમાં આ કારણ વિદિત થશે એટલે તેમને પણ એ જ માર્ગે ઊતર્યા વિના છૂટકો નથી.’

‘નવીનચંદ્ર ઉપર કાંઈ આરોપ નથી. તેમનું તો માત્ર અસ્તિત્વ જ સિદ્ધ કરવાનું છે. વિષ્ણુદાસજી અને શંકરશર્મા સાથે બેસી એમનાં અસ્તિત્વનો અને તે સંબંધી સર્વ વાતનો નિર્ણય કરશે તો બીજી કાંઈ કથા કે કૂથલી રહેવાના નથી. એ જ સરસ્વતીચંદ્ર છે, અને સાધુ થયા છે, એટલી વાતથી કુમુદબહેનનું નામ દીધા વિના એમની પ્રતિષ્ઠાનું રક્ષણ છે. માટે આ વિના બીજું કાંઈ કરવાનું નથી. અર્થદાસ અને બહારવટિયાઓ સરસ્વતીચંદ્રના કે નવીનચંદ્રના ખૂનના અપરાધી નથી એટલું સિદ્ધ કરવા આટલું બસ છે. અર્થદાસ પાસે આવેલી મહામૂલ્યવાળી મુદ્રાનો યોગ સરસ્વતીચંદ્ર વિના બીજાના નામથી માનવો જેવો કઠણ છે તેવો જ સરસ્વતીચંદ્ર અને નવીનચંદ્ર એક જ પુરુષ છે તેટલું સિદ્ધ થયાથી એ યોગ માનવાનાં કારણમાં કાંઈ ન્યૂનતા નહીં રહે.’

‘આપ આ વિષયમાં પ્રસિદ્ધ આજ્ઞાપત્ર કાઢો તેની સાથે જ સરસ્વતીચંદ્રનાં માતાપિતા અને દેશીપરદેશી પ્રતિષ્ઠિત મિત્રો એમનું અભિજ્ઞાન સિદ્ધ કીર સાક્ષી થવા સુંદરગિરિ ઉપર આવવા મુંબઈથી નીકળી પડે એવી યોજના કરી રાખી છે. આપ તેમનું આતિથેય કરજો અને એવાં પ્રતિષ્ઠિત મનુષ્યો એક વાર સરસ્વતીચંદ્રને ઓળખી કાઢી તે વિષયને પ્રતિજ્ઞાપૂર્વક આપણા આવા ન્યાયાસન પાસે ઉદ્‌ગાર કરશે તે પછી સરકારી અધિકારીઓને અને હીરાલાલ કે ધૂર્તલાલને બોલવાનો અક્ષર પણ નહીં રહે અને સરકારને આટલાથી સંતોષ ન વળે તો આ સર્વ ગૃહસ્થોને ભલે મુંબઈની કોર્ટોમાં જ બીજી વાર પ્રતિજ્ઞા આપી પૂછી લે.’

‘સુવર્ણપુર અને રત્નનગરી ઉપરથી તેમ કુમુદબહેન ઉપરથી સર્વ વાદળાં આટલા સહેલા પ્રયોગથી ખસી જશે, અને આપના ગૃહસંસારની વ્યવસ્થા તે પછી આપને યોગ્ય લાગે તે માર્ગે ઉતારજો.’

સરદારસિંહ બોલી રહ્યો. થોડી વાર વિચારમાં પડી અંતે વિદ્યાચતુર બોલ્યો :

‘સરદારસિંહ ! તમે ઘણી દૂર અને સૂક્ષ્મ દૃષ્ટિ વાપરી આ યોજના કરી કાઢી છે. રાજ્યને અને અન્ય સર્વને તે હિતકારક છે અને ચક્રવર્તીભવનમાં પણ એ જ અનુકૂળ પડશે. તેમ મહારાજને તે વિસ્તારથી સમજાવજો. મને તો હવે તમારે માત્ર એટલું જ કહેવાનું બાકી છે કે મારું કુટુંબ તમને આ ન્યાયકાર્યમાં શી રીતે સાહાય્ય આપી શકે એમ છે અથવા મારા કુટુંબની પોતાની વ્યવસ્થાને માટે મારા સ્વમિત્રરૂપે તમે મને શી સૂચના કરો છો ?’

સરદારસિંહ - ‘એ તો ટૂંકી વાર્તા છે. ગુણસુંદરીબાને અને સુંદરબાને વડીલની સાથે આપે સુંદરગિરિ ઉપર મોકલવાં. કુસુમબહેને પણ સાથે જવું. તેઓ સર્વ પોતાની મનોવૃત્તિઓ પ્રમાણે ત્યાં જઈ પ્રયોગ કરશે, અને વડીલ સાથે હશે, એટલે લોકમાં વાંધો પડે એવું કામ અથવા સાહસ નહીં થાય તેમ કોઈ શીઘ્રકાર્યનો પ્રસંગ ચૂકી જવાય એવું પણ નહીં થાય. આપના મનનો સંકેત ચંદ્રકાંતભાઈને પત્ર દ્વારા લખી જણાવજો ને તેને અનુસરી સરસ્વતીચંદ્ર જોડે વાત કરવાની સૂચના લખજો. મિસ ફલોરાને પણ જુદાં મોકલજો ને તેમને આપની મનોવૃત્તિ જણાવી ગુપ્ત રાખવા કહેજો, ને પ્રસંગ પ્રમાણે ગુણસુંદરીબા સાથે અને કુમુદબહેન તથા કુસુમબહેન સાથે તેમ ચંદ્રકાંત સાથે ખુલાસો રાખવાનું અને વાત કરવાનું સૂચવજો. આટલી વ્યવસ્થા તરત રચશો તો પછી આપે ત્યાં આવવાની કે જાતે બીજી ચિંતા કરવાની કાંઈ અગત્ય નથી. આપ જેવા સુજ્ઞ અને પવિત્ર છો તેવી જ આપની પાસે પવિત્ર, સુજ્ઞ અને ચતુર પરિવારની સંપત્તિ છે માટે સુસ્થ રહી શકો એવું ભાગ્ય પણ આપને અનુસરે છે અને અનુસરશે.’

વિદ્યાચતુર - ‘તમારી બુદ્ધિ બહુ ઉપયોગી અને ક્ષેમકારક માર્ગ ઘણી ત્વરાથી જોઈ શકે છે. તમે પણ રત્નગિરિનું રત્ન જ છો.’

સરદારસિંહ - ‘મહારાજની અને આપની સાત્ત્વિક દૃષ્ટિ અને પ્રીતિ છે તો આપના સર્વ અધિકારીઓ આપ મહારત્નોની આસપાસ રત્નકણિકાઓ પેઠે રહેવા યોગ્ય થવાનો પ્રયત્ન કરે છે. આપનો વધારે અવકાશ રોકવા જેવું હવે કાંઈ કામ બાકી જણાતું નથી.’

વિદ્યાચતુર - ‘ના. તમે નિરાંતે હવે જાઓ અને સ્વકાર્યમાં યોગ્ય લાગ તે કરો.’

સરદારસિંહ ગયો.