Nasib in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નસીબ - પ્રકરણ - 6

Featured Books
Categories
Share

નસીબ - પ્રકરણ - 6

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ -

અજય ઝબકીને બેઠો થઈ ગયો. કમરાનું એ.સી. ફુલસ્પીડમાં ચાલુ હતુ છતા તેના ચહેરા પર પરસેવાની બુંદો ચમકી રહી હતી. મખમલ જેવા રૂના ભરેલા પોચા-સુંવાળા ગાદલામાં એ અધુકડો બેઠો થઈ ગયો ત્યારે તેનું હ્ય્દય જોર જોરથી ધડકી રહ્યુ હતુ. તેનું ધ્યાન અનાયાસે જ દિવાલ પર લટકી ઘડીયાળ તરફ ખેંચાયુ. ઘડીયાળ રાત્રીના બે વગાડી રહી હતી. અજયે સ્વપ્ન જોયુ હતુ... ભયાનક સ્વપ્ન... સ્વપ્નમાં તેણે તુલસીને જોઈ. એ ભાગી રહી હતી... બેફામ પણે એ ખુલ્લા-સુમસાન રોડ પર ભાગતી હતી અને તેની પાછળ એક જરી-પુરાણો ખખડધજ ટ્રક પુર વેગથી એની ઉપર ઘસી ગયો હતો. તુલસી બુમો પાડતી, ચીખતી ચીલ્લાતી, પડતી-આખડતી ખુલ્લા પગે એ સુમસાન રોડ ઉપર ભયાનક ઝડપે દોડી રહી હતી અને તેની પાછળ એટલી જ ભયાનક ઝડપથી એ ટ્રક આવતો હતો. તુલસીની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. તેના ગાલ આંસુઓથી ખરડાઈ ચૂક્યા હતા. તેના પગ ધ્રુજતા હતા અને અસહ્ય દર્દના કારણે તેનો ચહેરો તરડાઈ ગયો હતો.

‘‘ધડામ...’’ કરતા એ ટ્રકે તુલસીને ટક્કર મારી અને તે સાથે જ અજય હબકીને બેઠો થઈ ગયો હતો. એક ભયાનક ચીખ તેના ગળાસુધી આવીને અટકી ગઈ. તેના હાથ-પગમાં એ સ્વપ્નને કારણે ખાલી ચડી ગઈ હોય એવું લાગ્યુ. અજયે પોતાના પરસેવાથી ભીના થયેલા ચહેરા પર હાથ ફેરવ્યો. ડબલ બેડની બીજી કોટે પ્રેમ કંઈક લાપરવાહીથી સુતો હતો. અજયે તેના તરફ નજર ફેરવી અને ઉભો થઈ બાથરૂમમાં જઈ મોઢુ ધોઈ આવી ફરીથી સુતો. તેની અંખોમાંથી ઉંઘ ઉડી ચુકી હતી. પ્રયત્ન કરવા છતા તેની આંખો મિચાતી નહોતી. આજે ઘણા વર્ષો બાદ તે આવી મુલાયમ, સુંવાળી પથારીમાં સુવા પામ્યો હતો. છતા આ પથારીમાં તેને કાંટા ભોંકાતા હોય એવું દર્દ ઉઠ્યુ... ‘‘તુલસી’’ અજયના હોઠોમાંથી શબ્દો સર્યા. તે વિહવળ બની ગયો. તેની આંખોમાં ઝાકળ છવાયુ. તુલસીની યાદોએ તેનો જુનો જખમ ફરી ઉખેળ્યો હતો. તેણે તુલસીને બેતહાશા પ્રેમ કર્યો હતો. તેની લાગણીઓ સામે પ્રેમ શબ્દ પણ ટૂંકો હતો... તેના શરીરના અણુએ અણુમાં બસ એક જ નામ રમતુ હતુ... ‘‘તુલસી’’ નાઈટલેમ્પની આછી રોશનીમાં ઉપર દેખાતી ભવ્ય સજાવટવાળી સીલીંગમાં જાણે તેને તુલસીનો ચહેરો દેખાઈ રહ્યો હોય એમ અપલક દ્રષ્ટીથી તે જોઈ રહ્યો. ધીરે...ધીરે... ક્યારે તેની આંખો બંધ થઈ ગઈ અને ક્યારે તે તંદ્રામાં સરી પડ્યો એની પણ ખબર ન રહી. તે સુઈ નહોતો ગયો... તંદ્રાવસ્થામાં તેની આંખોના પોપચા વચ્ચે તે મધુર હાસ્ય વેરતી તુલસીને જોઈ રહ્યો હતો. બસ, એ જોઈજ રહ્યો. નમણાશથી ભરપુર ખુબસુરત ચહેરો, મોટી કાજળઘેરી આંખો, ધનુષની પણછ જેવી ભ્રમરો, સીધુ નાક અને પરવાળા સા ગુલાબી હોઠ. એક વરસાદી ઝાપટાની જેમ તુલસી સાવ અચાનક તેના જીવનમાં આવી હતી અને તેણે પ્રેમરૂપી વરસાદથી અજયને ભીંજવી નાખ્યો હતો. કોઈ ફીલ્મ ચાલતી હોય એમ અજયના માનસપટ પર તુલસી સાથે વિતાવેલી યાદગાર ક્ષણો ઉભરી આવી હતી.

અજયને સૌથી વહાલુ તેનું નામ હતુ. ‘‘તુલસી’’, કેટલુ સૌમ્ય, સન્માન જનક છતા ભર્યુ ભર્યુ. અજય પોતે પૈસાદાર ઘરનો વારસ હતો છતા તેનામાં પૈસાદાર બાપના બગડેલા નબીરા જેવા કોઈ જ અપલક્ષણો નહોતા. એનું શ્રેય અજયના માતા-પીતાને જતું હતું. અજયના પીતા મોહનબાબુનું રાજકારણમાં બહુ મોટુ નામ હતુ છતા એની છાપ એકદમ ચોખ્ખા રાજકારણી તરીકેની હતી. તેઓ ક્યારેય ખોટુ કરતા નહિ અને ખોટુ થવા પણ દેતા નહિ. મોહનબાબુએ હંમેશા પોતાનુ મસ્તક ઉંચુ રાખીને કાર્ય કર્યું હતુ અને એવા જ સંસ્કારો તેણે પોતાના દિકરા અજયને આપ્યા હતા. અજયના મમ્મી સરલાબેન પણ નખશીખ અદ્દલ હિન્દુસ્તાની નારી હતા. સરળ અને શાંત સ્વભાવ, દેખાવે અત્યંત રૂપાળા અજય એમનું જ રૂપ અને સંસ્કાર લઈને ઉછર્યો હતો.

કોલેજના પ્રથમ વર્ષે જ અજય અને તુલસીનો પ્રેમ પાંગર્યો હતો. અજય તુલસીને બેતહાશા ચાહવા લાગ્યો હતો. તુલસીના નામ સ્મરણ વગરની તેની એકપણ ક્ષણ વિતતી નહી. સામે પક્ષે તુલસીના પણ એ જ હાલ હતા. એ બન્નેના પ્રેમની સાક્ષી આખી કોલેજ હતી. તેઓ પ્રેમી તરેકે કોલેજમાં ફેમસ બની ગયા હતા અને એક દિવસ એ જ પ્રેમસંબંધે અજયના જીવનમાં આંધી આણી હતી. તે ગોઝારો દિવસ અજયને બરાબર યાદ હતો.

તે દિવસે અજયે જ તુલસીને ફોન કર્યો હતો...

‘‘તુલી, આજે મારાથી કોલેજ નહિ આવી શકાય’’ તેણે તુલસીના સેલફોન પર કહ્યુ આજે સવારથી જ તેનું માથુ દુખતુ હતુ અને સમગ્ર શરીર ભારે કળતરના લીધે ધગવા લાગ્યુ હતુ. કદાચ તાવ આવવાના એ લક્ષણો હતા. તે દવાખાને જવા માંગતો હતો એટલે કોલેજ જવાય એવી કોઈ શક્યતા નહોતી. તે તુલસીને ફોન કરી આ વાત જણાવવા માંગતો હતો. જો તેણે ફોન ન કર્યો હોત તો પણ તુલસી તેને સામે ફોન કરવાની જ હતી. ફોનના સામા છેડે ખામોશી છવાયેલી રહી એટલે અજય થોડો અકળાયો.

‘‘તુલી, તું સાંભળે છે ને...?’’ છતા ખામોશી થોડી ધર્રાટી સંભળાય અને પછી તુલસીનો અવાજ સંભળાયો.

‘‘અજય...’’ આટલુ બોલીને તે ખામોશ થઈ ગઈ.

‘‘શું વાત છે તુલી...? તારો અવાજ કેમ તરડાયેલો લાગે છે...? તબીયત ઠીક નથી કે શું...?’’ અજયના અવાજમાં ચીંતા ભળી. એક તો પોતે બિમાર પડ્યો હતો અને સામે તુલસીને પણ જરૂર કઈક થયું હશે એવું તેણે તેના અવાજ ઉપરથી મહેસુસ કર્યું.

‘‘હું...હું... કોલેજમાં છુ... તબીયત ઠીક છે...’’

‘‘અરે પણ તારા અવાજ કેમ આટલો ધ્રુજે છે...?’’

‘‘એવુ...એવુ...કંઈ નથી... જરા ગળુ ખરાબ થયુ હોય એવુ લાગે છે...’’

‘‘જુઠુ નથી બોલતીને...? નહિતર કાલે તારી બરાબરની ખબર લઈ નાખીશ... એનીવે... મેં તને એટલા માટે ફોન કર્યો કે આજે હું કોલેજ નહિ આવી શકુ. તબીયત થોડી ખરાબ છે. તને એ જણાવવા જ ફોન કર્યો છે કે મારી રાહ ન જોતી... પરંતુ અત્યારે મને તારા અવાજ પરથી લાગે છે કે મારે તારા ખબર-અંતર પુછવા આવવુ પડશે...’’

‘‘નો...નો... આઈ એમ ઓલ રાઈટ...પરંતુ અજય...’’ ફરી પાછી થોડી સેકંડોની ખામોશી છવાઈ. ‘‘તુ તારુ ધ્યાન રાખજે... આઈ લવ યુ...’’ અને તુલસીએ ફોન કટ કરી નાખ્યો. અજય હેરતથી પોતાના ફોન સામે જોઈ રહ્યો.

‘‘ઓહ... માય ગોડ... જરૂર કંઈક અજુગતુ બન્યુ લાગે છે.’’ તેના મનમાં દહેશત જામી. તુલસીએ ફોન કટ કર્યો ત્યારે તેના મોં માંથી નિકળેલુ ડુસકુ તેણે સાંભળ્યુ હતુ. તે ચીંતીત થઈ ઉઠ્યો. ‘‘શુ પ્રોબ્લેમ હોઈ શકે ? મારી સાથે બરાબર વાત પણ ન કરી. જરૂર તેના ઘરમાં કંઈક બનાવ બન્યો હશે. તેણે મને કહેવુ તો જોઈએ...’’ પારાવાર વ્યગ્રતાથી એ મુંઝાઈ ગયો. ફરીવાર તેણે ફોન જોડ્યો પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે તુલસીનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો. ફરી ફરીને તેણે ટ્રાઈ કરી જોઈ પરંતુ વ્યર્થ. તુલસીએ ફોન કેમ સ્વીચ ઓફ કરી નાખ્યો હશે ? એ કદાચ રડતી હતી. જરૂર કંઈક ન બનવાનું બન્યુ હશે નહિંતર તે આવુ ન કરે. અજયનું જીગર વલોવાયુ અને અચાનક એક ઉદાસી તેને ઘેરી વળી. તેને ઉડીને તુલસી પાસે પહોંચી જવાનું મન થયુ. તેના મનમાં એક આંચકા, એક ડર પેદા થયો. અચાનક તેને યાદ આવ્યુ કે માલતીને ફોન કરવો જોઈએ. તુલસી અને માલતી બન્ને ગાઢ બહેનપણીઓ હતી એટલે અત્યારે પણ તે બન્ને સાથે જ હશે એ વિચારે તેણે માલતીનો નંબર ડાયલ કર્યો.

‘‘હેલો માલતી... અજય હિયર...’’ જેવો ફોન ઉપાડ્યો કે અજયે આતુરતા પુર્વક કહ્યું. ‘‘તુલી તારી સાથે છે...? હોય તો પ્લીઝ તેને ફોન આપ...’’

‘‘અરે પરંતુ... તુલસીતો આજે કોલેજ આવી જ નથી...’’

‘‘હેં...’’ અજય ચકરાઈ ગયો. તેનું માથુ ખનક્યુ. તો તુલસી શા માટે ખોટુ બોલી છે તે કોલેજમાં છે. તેણે માલતીને પુછ્યુ,

‘‘તને ખબર છે કે એ ક્યાં હશે...?’’

‘‘ના... મને ખબર નથી. છતા હું તપાસ કરી તને ફોન કરુ.’’ માલતી એ કહ્યું. અજયે વધારે કંઈ ન પુછતા ફોન કાપી નાખ્યો. તેને સમજમાં નહોતુ આવતુ કે તુલસી ખોટુ શુ કામ બોલી. તેણે ફરીવાર તુલસીના ફોન પર ટ્રાઈ કરી પણ ફરી નો રીપ્લાય આવ્યો. આખરે તે થોડા ગુસ્સામાં અને થોડી ચીંતામાં અકળાઈને ઘરેથી દવાખાને જવા નીકળ્યો. જો તે ઘરે જ રોકાયો હોત તો ઘણુ સારુ થાત પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજુર હતુ.

લગભગ પંદરમીનીટ પછી તે એના ફેમીલી ડોક્ટર રમેશભાઈ ગોયાણીના દવાખાને પહોંચી ગયો હતો. રમેશભાઈએ તેને તપાસ્યો, સામાન્ય ઈન્ફેક્શનના કારણે તેને તાવ ભરાયો હતો એવું નિદાન થયુ એટલે તેમણે અજયને દવા લખી આપી. અજય દવા લઈને ગાડીમાં બેઠો કે તેના મોબાઈલની રીંગ વાગી... તેના આશ્ચર્ય વચ્ચે તુલસી તેને ફોન કરી રહી હતી. ઝડપથી ફોન ઉપાડી તેણે કાને મુક્યો...

‘‘હેલ્લો... તુલસી...’’ અજયે કહ્યુ, દવાખાનાની ગડમથલમાં લગભગ કલાકેક જેટલો સમય વીતી ગયો હતો.

‘‘અજય હું...હું...’’

‘‘હા... બોલ તુલસી. હું સાંભળુ છું...’’

‘‘હું... તને મળવા માગુ છુ... પ્લીઝ...’’

‘‘અરે પણ તુલસી...’’

‘‘તુ જલ્દીથી આવી શકીશ...?’’ તુલસીનો અવાજ તુટતો હતો. તે ગભરાયેલી લાગતી હતી.

‘‘પણ છે શું...? તું કેમ આટલી ગભરાયેલી છે...’’

‘‘હું તને અત્યારે ચજ મળવા માગુ છુ... તારુ કામ છે...’’ તેના અવાજમાં થર્ચહટ સ્પષ્ટ વર્તાતી હતી.

‘‘હા હું આવુ છુ... બોલ ક્યાં મળીશ...?’’ અજયે ચીંતાતુર અવાજે પુછ્યુ.

‘‘ગાંધીસ્મૃતી ભવન... નાનપુરા... હું તારી રાહ જોઉ છુ... પ્લીઝ જલ્દી આવજે...’’ બસ, આટલી જ વાત થઈ કે અજયના મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ. તેનો ફોન બંધ થઈ ગયો. તે તુલસીની પુરી વાત સાંભળી ન શક્યો. એ તુલસીને પુછવા માંગતો હતો કે શું કામ આટલેી ગભરાયેલી હતી. આખરે શું છે...? પરંતુ એ શક્ય બન્યુ નહિ કારણ કે તેનો મોબાઈલ બંધ થઈ ગયો હતો. તેણે ઝડપથી પોતાની બાઈક ગાંધીસ્મૃતિ ભવન તરફ લીધી. તેને કમસેકમ વીસમીનીટ લાગવાની હતી કારણ કે તે ઘણો દુર હતો. તેને ગુસ્સો આવતો હતો કારણ કે અણીના સમયે જ મોબાઈલ બંધ થયો હતો. જો સવારે ચાર્જમાં મુકતા તે ભુલી ન ગયો હોત તો આ પરિસ્થિતિ થઈ ન હોત. અને તે ઘણી બધી મુસીબતોમાંથી ઉગરી ગયો હોત...

તે ગાંધીસ્મૃતી ભવન પહોંચવા આવ્યો ત્યારે એ જ સમયે ઘરેથી તેના મામા રમણીકભાઈ ભારે હ્ય્દયે અજયને ફોન જોડી રહ્યા હતા. એક અતિ દુઃખદ સમાચાર તે અજયને આપવા માંગતા હતા કે તેના પપ્પા મોહનબાબુને હાર્ટ એટેક આવ્યો હતો અઆને તેઓ ગુજરી ચૂક્યા હતા. પરંતુ એ સમયે અજયનો સેલફોન બંધ આવતો હતો. જો એ દુઃખદ સમાચાર અજયને મળ્યા હોત તો તે ત્યાંથી જ પોતાના ઘરે પાછો ફર્યો હોત અને એક ભયંકર કાવતરામાં સપડાતા બચી ગયો હોત...

ગાંધીસ્મૃતી ભવનના ગેટની બહાર પાર્કિંગ એરીયામાં અજયે પોતાની ગાડી પાર્ક કરીને નીચે ઉતર્યો. તુલસીએ તેને અહી જ બોલાવ્યો હતો એટલે તે જરૂર અહીં નજદીકમાં જ હશે એ વિચારે તેણે પોતાની નજર આજુ બાજુ અને રોડની પેલે પાર દોડાવી. ગાંધીસ્મૃતી ભવનની બરાબર સામે કનકનીધી એપાર્ટમેન્ટમાં આવેલી લાઈનબંધ દુકાનોને તે જોઈ રહ્યો. સહસા તેણે તુલસીને જોઈ. તે એ એપાર્ટમેન્ટની નીચે દુકાનો આગળ બનાવેલી પાર્કિંગ સ્પેસમાં ઉભી હતી. તેણે આછા લેમન કલરનો ડ્રેસ પહેર્યો હતો. દુરથી જ તે ખુબસુરત દેખાતી હતી. અજયે ઝડપથી રસ્તો ઓળંગ્યો અને તેની પાસે પહોંચ્યો. તુલસીએ પણ અજયને સામેથી આવતા જોયો એટલે તે સામી ચાલી... તેઓ બન્ને એક-બીજા પાસે પહોંચ્યા ત્યારે બે ઘડી જાણે સમય થંભી ગયો. હજુ તો ગઈકાલે જ બન્ને મળ્યા હતા છતા જાણે વર્ષો બાદ મળતા હોય એવુ સંવેદન તેમના હ્ય્દયમાં ઉમટ્યુ. અપલક દૃષ્ટીએ તેઓ એકબીજાને તાકી રહ્યા. અજયની નજરમાં અમાપ સ્નેહ સાથે સવાલો હતા જ્યારે તુલસીની આંખો અજયના ચહેરાને જાણે પોતાના જીગરમાં ઉતારી રહી હતી. અજયને ઘણા પ્રશ્નો પુછવા હતા. અહી એકદમ અચાનક તેને શું કામ બોલાવ્યો એ જાણવુ હતુ. જ્યારે તુલસીને પણ કંઈક કહેવુ હતુ પણ એ બન્ને સાવ ખામોશ હતા. કેમ બોલવુ અને શું પુછવુ તે અ ાનજરોના અનુસંધાનમાં વિસરાઈ ચૂક્યુ હતુ. બન્નેના હ્ય્દયમાં ન સમજાય એવા ભાવો ઉઠતા હતા. કહેવાનું ઘણુ હતુ છતા જાણે જીભ તેના માટે તૈયાર નહોતી. અજય તુલસીના ગોરા-સુંદર ભરાવદાર ચહેરાને પોતાના હ્ય્દયના અણુએ અણુમાં સમાવી લેવા માંગતો હોય તેમ તેને જોઈ રહ્યો હતો.

સહસા તેને કંઈક ખટક્યુ... તે ચોંક્યો... તેને તુલસીના ચહેરામાં કંઈક અજુગતા ભાવો દેખાયા. કંઈક હજુ ખુટતુ હતુ. જે ચહેરાને તેણે બેતહાશા પાગલની જેમ આ પહેલા નિરખ્યો હતો, જે ગાલો, હોઠોને ગુંગળાઈ જવાની હદ સુધી તેણે ચુમ્યા હતા એ ચહેરામાં અત્યારે અટાલી બધી ફિકાશ કેમ છે...? તેની નજરોમાં એક શૂન્યાવકાશ એક ખાલીપો અજયને વર્તાયો. અજય સમજી ન શક્યો કે ખરેખર એવું કંઈક છે કે પછી તેને એવો ભાસ થાય છે. તેણે નજરો ફેરવી. અજયે તુલસીના હાથમાં એક થેલો પકડેલો જોયો.

‘‘અરે...આ થેલો લઈને ક્યાં જાય છે...? બાય ધ વે... સવારે તુ શુ કામ રડતી હતી...? અને તે ફોન શું કામ સ્વીચ ઓફ કર્યો હતો ?’’ મનમાં હતા અટેલાબધા પ્રશ્નો તેણે એકસાથે પુછી લીધા. સહસા તુલસીએ એના હાથમાં હતો એ ટ્રાવેલીંગ બેગ જેવો થેલો ઉંચકીને અજયના હાથમાં મુકી દીધો.

‘‘પ્લીઝ અજય... તું વધારે સવાલ પુછ નહિ... હું એક બહુ ભારી મુસીબતમાં ફસાઈ છું. આ બેગ થોડા દિવસતુ સાચવી રાખજે. મારી પાસે વધારે સમય નથી.’’ તુલસીએ કહ્યુ. તેના અવાજમાં ભયાનક ડર હતો તેની કાજળઘેરી આંખો ચળક-વળક આજુબાજુ જોઈ રહી હતી. કદાચ એ ખાત્રી કરવા માંગતી હતી કે તેને કોઈ જોઈ તો નથી રહ્યું ને... જ્યારે અજયની સ્થિતિતો તેના કરતા પણ ખરાબ હતી. તેને કંઈ સમજાતુ નહોતુ કે તુલસી અચનાક કેમ આવી વાતો કરે છે...? તે કઈ મુસીબતમાં ફસાઈ છે...? માથામાં કોઈએ ઘણ માર્યો હોય અને મગજ શુન્ય પડી જાય એવો જ સુનકાર અજયના દિમાગમાં છવાયો હતો. તે એક સ્થિતપ્રતની જેમ ઉભો હતો...

‘‘વોટ...?’’ તેનાથી ઘાંટો પડાઈ ગયો. પરંતુ તે કંઈ બીજુ પુછે. કંઈ સમજવાની કોશીષ કરે કે તુલસી પાસે કોઈ ખુલાસો માંગે એ પહેલાતો તુલસીએ રોડની બીજી બાજુ જવા દોટ મુકી હતી... તે રોડની પેલે પાર જવા માંગતી હતી... કનકનીધી એપાર્ટમેન્ટના પાર્કીંગ પ્લેસની જગ્યા ઝડપથી વટાવી તુલસીએ રોડ ક્રોસ કરવા દોટ મુકી હતી... હજુતો તે રોડની અધવચ્ચે જ પહોંચી હતી કે અજયથી રાડ નંખાઈ ગઈ...

‘‘તુલસી... ઈ... ઈ... ઈ...’’ પરંતુ તે ચીખ તુલસીના કાનો સુધી પહોંચે એ પહેલા ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતુ... તેની જમણીબાજુથી માતેલા સાંઢની જેમ ધસમસતા આવતા ટ્રકની એક જોરદાર ટક્કર તુલસીના મુલાયમ નાજુક દેહને વાગી ચૂકી હતી અને એ ટ્રક તેના દેહને રગદોળતો ઠસડાઈને દુર જઈને અટક્યો. સેકંડોમાં આ ઘટના બની હતી. અજયની ચીખ હજુ તેના ગળામાં જ અટવાઈને પડી હતી કે આ અકસ્માત સર્જાઈ ચૂક્યો હતો. બહુ જ ભયાનક હતો અકસ્માત. ઘડીના છઠ્ઠા ભાગમાં તુલસીનું પ્રાણપંખેરુ ઉડી ગયુ હતું. બહુ જ ખરાબ રીતે તુલસીનું મોત થયુ હતુ. પહેલા ટ્રકના આગળના ભાગે બરાબર વચ્ચે એ ભટકાઈ હતી જેના ભયાનક ધક્કાના કારણે તે રોડની આગળની બાજુ ઉછળીને તે પડી, પડતાની સાથે જ ટ્રકનું આગળનું વ્હીલ તેના પેટ ઉપર ફરી વળ્યુ. પેટના બે ભાગ કરતુ વ્હીલ ફંટાઈને અક તરફ ખેંચાયુ જેના કારણે ભાગતી ટ્રકના પાછળના ટાયરોના જોટામાં તુલસીનું મસ્તક કોઈ નાનકડા પથ્થરની જેમ સલવાયુ અને તેના ચહેરાનો કચ્ચરઘાણ થઈ જાય એ રીતે ટાયરો રોડ સાથે ઘસડાયા... કાળજુ કંપાવી દેનારા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક ઢસડાઈને ઉભી રહી ત્યાં સુધીમાં તુલસીના શરીરના અસંખ્ય ટુકડા થઈ રોડ ઉપર પથરાઈ ગયા હતા. ચારે તરફ લોહીના ખાબોચીયા ભરાયા... આજુ બાજુમાં ઉભેલા અને રોડ ઉપરથી પસાર થનાર તમામ લોકોએ આ દ્રશ્ય જોયું ત્યારે તમના હ્ય્દય થંભી ગયા હતા અને મોઢામાંથી ચીત્કાર નીકળીને હલકમાં અટવાઈ ગયા હતા. પોચા હ્ય્દયની બે ત્રણ વ્યક્તિઓ તો આ દ્રશ્ય જોઈને ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી હતી... માત્ર બે ત્રણ મીનીટોમાં આખી ઘટના બની ગઈ. કોઈ કંઈ સમજે કંઈ રીએક્શન આપે તે પહેલા તો ટ્રકનો ડ્રઈવર નીચે ઉતરી ઘટનાસ્થળેથી ગુમ થઈ ચૂક્યો હતો.

અજયની આંખો તો જાણે આ દશા સ્વિકારવા તૈયાર જ ન હોય તેમ ફાટી પડી હતી. તેના હ્ય્દયને જોણે કોઈ બે હાથ વડે પકડીને નિચોવી રહ્યુ હોય એવી વેદના ઉપડી અને ‘‘તુલસી... તુલસી...’’ની બુમો પાડતો એ દોડ્યો. દોડીને તે ટ્રક પાસે આવ્યો અને તેણે જે જોયુ એના તેને કમકમા આવી ગયા. તેના શરીરના અણુઓમાંથી જાણે શક્તિ ચાલી ગઈ હોય એમ ઢગલો થઈને ત્યાંજ બેસી ગયો. તેના હ્ય્દયમાંથી ડુસકાઓ નીકળી રહ્યા હતા અને આંખોમાંથી આંસુઓનો ધોધ વછુટ્યો હતો... નહિ... નહિ... આ સાચુ નથી... આ શક્ય નથી... સ્વપ્ન છે... ભયાનક સ્વપ્ન છે... આ હકીકત હોઈ જ ના શકે... તેના દિલ રીતસરનો બળવો પોકાર્યો હતો. હજુ હમણા જ તો તે તુલસીને પોતાની આંખો સામે જીવતી જાગતી જોઈ રહ્યો હતો... તેની સાથે વાતો કરી રહ્યો હતો... એ તુલસી તો આ નથી જ... ઓહ... ઓહ... કેવુ ભયાવહ... તેને ઉબકા આવવા લાગ્યા હતા... તુલસીની ખોપરીમાંથી છુટી પડીને બહાર રોડ ઉપર નીકળી આવેલી હતી એક આંખનો ડોળો જાણે કે તેને જ તાકી રહ્યો હોય એમ તે કીકી અજયના ચહેરા તરફ મંડાયેલી હતી...

શું આ એજ તુલસીની કાજળઘેરી ખુબસુરત આંખો છે કે જેની ગહેરાઈઓમાં તે ક્યારેક ખોવાઈ જતો હતો... તેને સમગ્ર પૃથ્વી ગોળ ગોળ ઘુમતી હોય એવુ લાગતુ હતુ... એક ભયાનક, દિલ વલોવી નાખે એવી ટીસ ઉપડી અને આખા શરીરમાં ફેલાઈ ગઈ. તે રોડ ઉપર જ ત્યાં જ ફસડાઈ પડ્યો...

‘‘એઈ મીસ્ટર... આઘા ખસો...’’ તેના કાને અવાજ સંભળાયો. ખબર નહિ ક્યારે કોઈકે ફોન કરીને એક્સિડન્ટની જાણકારી પોલીસને આપી હતી એટલે સાયરન વગાડતી પોલીસજીપ આવી પહોંચી હતી. પોલીસને જોઈને ત્યાં ટોળે વળેલી પબ્લીક થોડી ઘણી આઘી-પાછી થઈ અને જગ્યા કરી આપી. પોલીસની બે જીપો ત્યાં આવી હતી જેમાં બે પી.એસ.આઈ. સહીત દસેક રાયફલધારી કોન્સ્ટેબલો પણ સામેલ હતા. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા કે આટલી મોટી સંખ્યામાં પોલીસોને આવવાની શી જરૂર હતી... મોટે ભાગે તો કોઈ એક્સિડન્ટ થાય ત્યારે માંડ અને એપણ મોડે મોડે એકાદ જીપમાં બે-ત્રણ પોલીસવાળા આવતા હોય છે. જ્યારે અહીં તો પોલીસોનો કાફલો ખડકાય ચૂક્યો હતો... એક જીપ ટોળાથી થડો દુર રોકાઈ ગઈ હતી જ્યારે બીજી જીપમાં બેઠેલા ઈન્સ.મકવાણાએ પોતાની જીપ એ ભેગા વળેલા ટોળા તરફ વાળી હતી. ફલાંગ મારીને મકવાણા નીચે ઉતર્યો કે તરત જ ટોળા વચ્ચે જગ્યા થઈ ગઈ હતી. તે સીધો જ ટ્રક પાસે પહોંચ્યો. તેણે ટ્રક પાસે બેસેલા એક શખ્સને જોયો. તેણે કહ્યું...

‘‘એઈ મીસ્ટર... આઘા ખસો...’’

અજયે નિબેધતાથી પોતાનું માથુ ઉચક્યુ અને અવાજની દિશામાં નજર કરી.

‘‘ઓહ... મીસ્ટર અજય જોષી... તમે...?’’ મકવાણાના અવાજમાં આશ્ચર્ય ભળ્યુ. તે અજયને અને તેના પીતા મોહનબાબુને સારી રીતે ઓળખતો હતો. હજુ હમણા કલાક પહેલા જ તેને ખબર મળ્યા હતા કે મોહનબાબુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે એટલે અજયને અહી જોઈને તેને ઝડકો લાગ્યો હતો... પરંતુ આ ક્ષણ આશ્ચર્ય અને ઓળખાણ કાઢવાની નહોતી. મકવાણાને અત્યારે બે કામ એક-સાથે કરવાના હતા... તેણે ટ્રકની નીચે અને તેની આસપાસ નજર ફેરવી... તેના જેવા ખડતલ માણસને પણ એ દ્રશ્ય જોઈને ધ્રુજારી ઉપડી... તે થથરી ઉઠ્યો... હે ભગવાન... આટલુ ભયાનક મોત... તેના મોમાંથી અનાયાસે શબ્દો સર્યા. તેણે તાબડતોબ એક્શન લેવાનું શરૂ કર્યું...

‘‘નાથુ... આ મીસ્ટરને અહીથી દુર લઈ જાઓ...’’ પાછળ ફરીને તેણે એક કોન્સ્ટેબલને કહ્યુ એટલે એ કોન્સ્ટેબલે અજયનું બાવડુ પકડ્યુ અને તેને જીપ તરફ દોરી ગયો. થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી એટલે તુલસીના શરીરના વેર-વીખેર ભાગોને સફેદ ચાદરથી ઢાંકવામાં આવ્યા. ત્યારબાદ પંચનામા અને કાગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. એ ટ્રકનો નંબર અને તેની ડીટેલ લખવામાં આવી. ત્યાં ઉભેલા માણસોમાંથી આ એેક્સિડન્ટને નજરે જોનારા ચશ્મદીપ ગવાહોની જુબાનીઓ લેવાઈ. ઈન્સ. મકવાણા એકબાજુ આ બધી કાર્યવાહીમાં પરોવાયો હતો જ્યારે તેની સાથે આવેલી બીજી જીપમાંથી ઉતરેલા દેશપાંડેએ પોતાની રીતે અન્ય કાર્યવાહી આરંભી હતી.

હજુ હમણા વીસેક મીનીટ પહેલા જ પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો જે દેશપાંડેએ રીસીવ કર્યો હતો.

‘‘હેલ્લો... અઠવાગેટ પોલીસ ચોકી... ઈન્સ. દેશપાંડે હિયર...’’ તેણે સત્તાવાહી અવાજે ફોનમાં કહ્યું.

‘‘ઈન્સ્પેક્ટર સાહેબ... તમે જલ્દીધી નાનપુરા, ગાંધીસ્મૃતી ભવન પહોંચો ત્યાં ડ્રગ્સ અને નકલી નોટોની ડીલ થવાની છે...’’ સામેથી કોઈકનો ઘોઘરો અવાજ આવ્યો. ઈન્સ.વિનાયક દેશપાંડે સતર્ક બની ગયો.

‘‘તમે કોણ બોલો છો...? તમને આ બાબતની ક્યાંથી ખબર...?’’

‘‘એ પંચાત છોડો ઈન્સપેક્ટર... જલદી ત્યાં પહોંચો નહિતર હાથમાં કંઈ નહિ આવે... એક બ્લેક કલરની ટ્રાવેલીંગ બેગ જેવા થેલામાં તમારા કામનો તમામ સામાન મળશે...’’ અને ફોન મુકાઈ ગયો.

એ સમાચાર સાંભલીને સમગ્ર પોલીસ સ્ટેશન ધમધમી ઉઠ્યુ. એ ધમધમાટ શમે એ પહેલા તો બીજો એક ફોન આવી ચૂક્યો હતો કે કનકનીધી એપાર્ટમેન્ટ ગાંધીસ્મૃતી ભવન પાસે એક છોકરીનું એક્સિડન્ટ થયો છે. તે સ્થળે એક ઘટના બની ચૂકી હતી અને બીજી ઘટના બનવાની હતી એટલે સાયરન વગાડતી બે જીપો અઠવા પોલીસચોકીથી નીકળી કનકનીધી એપાર્ટમેન્ટ તરફ દોડવા લાગી હતી. પોલીસજીપો ઘટનાસ્થળે પહોંચી ત્યારે આ બરાબરનો ટેબ્લો પડી ચૂક્યો હતો એટલે મકવાણાએ પોતાની જીપ એક્સિડન્ટવાળા સ્થળે લેવડાવી અને દેશપાંડેએ પોતાનીજીપ કનકનીધીની ફુટપાથ પાસે પાર્કિંગની જગ્યાએથી થોડી દુર બહાર રોડ ઉપર ઉભી રખાવી...

વીનાયક દેશપાંડેની શકરાજેવી બાજ નજરો અત્યારે એ વિસ્તારને જાણે કે પોતાની આંખોમાં સમાવી લેવા માંગતી હોય એમ ચારે-બાજુ ફરી રહી હતી. અચાનક તેની નજર એક ઠેકાણે અટકી. તેની આંખોમાં ચમક આવી. તે જ્યાં ઉભો હતો એનાથી માત્ર વીસ-પચ્ચીસ કદમ દુર એ પાર્કીંગ એરીયામાં એક બેગ નીચે જમીન પર પડેલી દેખાઈ. ફોન ઉપર તેણે જે વર્ણન સાંભળ્યુ હતુ એવી જ બ્લેક કલરની ટ્રાવેલીંગ બેગ હતી એ. દેશપાંડે એ બેગ તરફ ચાલ્યો. પરંતુ બેગ સાવ નધણીયાત હતી એટલે કંઈક વિચારીને તે અટક્યો. તેણે એક કોન્સ્ટેબલને એ બેગનું ધ્યાન રાખવાનું સુચવીને તેણે મકવાણા જ્યાં હતો એ દિશામાં પગ ઉપાડ્યા. મકવાણા અત્યારે પોતાની જીપના પાછળના ભાગે આવીને ઉભો હતો. તેની સામે અજય સાવ શૂન્યમસ્તક અવસ્થામાં ઉભો હતો. દેશપાંડે ત્યાં પહોંચ્યો અને મકવાણાને ઉદ્દેશીને કહ્યુ.

‘‘સર... ત્યાં એક થેલો છે જે ફોનમાં કહ્યા મુજબનો બ્લેક કલરનો છે. પરંતુ એ અત્યારે ત્યાં પાર્કિંગમાં સાવ નધણીયાત હાલતમાં પડ્યો છે... શું કરીએ...?’’

અજયે દિશાશૂન્ય નજરે દેશપાંડેના ચહેરા તરફ જોયુ. તેને ખ્યાલ નહોતો કે આ બન્ને ઈન્સપેક્ટરો કયા થેલા વીશે વાત કરી રહ્યા છે. દેશપાંડેએ કંઈક કહીને એ તરફ હાથ લંબાવ્યો ત્યારે જ તેના દિમાગમાં બત્તી થઈ કે એ લોકો પેલા થેલા વીશે વાત કરી રહ્યા હતા કે જે થેલો તુલસીએ તેના હાથમાં મુક્યો હતો... અને જ્યારે તુલસીનો અકસ્માત થયો ત્યારે એ થેલો તેના હાથમાંથી વછૂટીને નીચે જમીન પર ત્યાંજ પડ્યો રહ્યો હતો.

‘‘એ... મારો થેલો છે...’’ અજયે કહ્યું.

‘‘વોટ...? શું સામે પાર્કિંગ એરીયામાં નીચે ફર્શ પર જે કાળા રંગનો થેલો, મતલબ કે બેગ પડી છે એ તમારી છે...?’’ દેશપાંડેએ આશ્ચર્ય સહ પુછ્યુ. તેના તત્કાલીકતો સમજાયુ નહિ એટલે ફટાફટ પેલા કોન્સ્ટેબલને એ થેલો ઉંચકીને લાવવાનો ઈશારો કર્યો. તેને સંદેહ હતો કે એ થેલામાં કદાચ બોમ્બ હોઈ શકે એ સંદેહ અજયના જવાબ પછી ખતમ થઈ ગયો હતો. કોન્સ્ટેબલ એ થેલો ઉંચકીને ત્યાં લઈ આવ્યો એટલે દેશપાંડેએ થેલાને જીપની પાછળની સીટ ઉપર મુક્યો અને હળવેકથી સાવધાનીથી તેની જીપર ખોલી... થેલાની અંદરના સામાન પર નજર પડતા તેની આંખોમાં અજીબસી ચમક ઉભરી આવી...

‘‘સર... જરા આ જુઓતો...’’ તેણે મકવાણાને કહ્યું. મકવાણા બે કદમ ચાલીને ત્યાં પહોંચ્યો તો થેલાની અંદરની વસ્તુઓને જોઈને તેની આંખો પણ પહોળી થઈ ગઈ.

અજય હજુપણ આઘાતના કારણે અસમંજસભરી સ્થીતીમાં ઉભો હતો. તુલસીના અકસ્માતે તેને લગભગ શૂન્યાવકાશમાં ધકેલી દીધો હતો એટલે ઈન્સપેક્ટર મકવાણા અને ઈન્સપેક્ટર દેશપાંડેએ થેલા પાસે શું માથાકુટ કરે છે એ તેની સમજમાં આવતુ નહોતુ. તેને તો એટલી જ ખબર હતી કે હમણા થોડીવાર પહેલા જ એ થેલો તુલસીએ તેના હાથમાં આપ્યો હતો કે જે અત્યારે દેશપાંડેએ જીપની પાછળની સીટ ઉપર મુક્યો હતો અને તેની અંદર એવું કંઈક છે કે જે જોવાને બન્ને ઈન્સપેક્ટરો આશ્ચર્ય અનુભવી રહ્યા હતા.

‘‘મી.અજય... જો તમારા કહેવા પ્રમાણે આ થેલો જો તમારો હોય તો તમને અત્યારે જ ગીરફતાર કરવા પડશે...’’ મકવાણાએ અજય તરફ ફરતા કહ્યુ.

‘‘હેં... પરંતુ...’’

‘‘હા... જો આ બેગ તમારી હોય તો પછી અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી...’’ બન્ને એટલી સ્વસ્થતાથી અને સભ્યતાથી તે બોલી રહ્યો હતો. મકવાણાને અજયના પીતા પ્રત્યે ઘણુ માન હતુ અને અજયને પણ તે ઓળખતો હતો એટલે બંને એટલી શાંતીથી અને તટસ્થતાથી તે અજયને કહી રહ્યો હતો.

એ પછીનો ઘટનાક્રમ બહુ ઝડપથી ઘટ્યો હતો. અજયને ત્યાંથી જ ગીરફતાર કરવામાં આવ્યો હતો. કારણ કે ખુદ તેણે જ કબુલ્યુ હતુ કે એ થેલો તેનો હતો. અને એ થેલો અજયનો જ હોવાના પુરાવા રૂપે પાછળથી જ્યારે ફોરેન્સીક લેબોરેટરીનો રીપોર્ટ કરવામાં આવ્યો ત્યારે તે થેલા ઉપર આશ્ચર્યજનક રીતે ફક્ત અજયના જ આંગળાઓની છાપ મળી હતી જે અજયને કસુરવાર સાબીત કરવામાં મહત્ત્વપૂર્ણ કડી બની હતી.

તે થેલામાંથી હજારના દરની અને પાંચસોના દરની બનાવટી નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમાં બે કિલો જેટલુ હેરોઈન પણ હતુ જે પોલીસે કબજે કર્યુ હતુ. તેમાં હતો એ માલ કરોડોના આંકને આંબતો હતો. આ ઘટના કંઈ નાની સૂની નહોતી. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. એક બાજુ પીતાનું મોત અને બીજી તરફ પુત્ર આવા ગોરખધંધામાં પકડાયો અને આટલુ ઓછુ હોય એમ તેની પ્રેમિકા તુલસીનું અકસ્માતમાં મોત થયુ આ ઘટના જ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી મુકવા પુરતી હતી. આ સાથે આશ્ચર્યજનકરીતે પોલીસે આ કેસમાં એવી થીયરી રજુ કરી હતી કે તુલસી અજયને આવા ગોરખધંધા કરવાની ના પાડતી હતી અને તેને આ બાબતની જાણ થઈ ગઈ હતી એટલે અજયે જ તુલસીને હંમેશા માટે ચૂપ કરવાનો પ્લાન બનાવી તેને ગાંધીસ્મૃતી ભવને મળવાના બહાને બોલાવી તેનું કાસળ કઢાવી નાખ્યુ અને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ અજયની ચારે-બાજુથી ગાળીયો કસવામાં આવ્યો હતો અને કંઈક અજીબ રીતે કેસ બનાવીને તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી...

અજયે ગળુ ફાડીને, ચીખી-ચીખીને અદાલતમાં પોતે સાવ બેગુનાહ હોવાની વાત કહી હતી પરંતુ તેનો અવાજ અદાલતની દિવાલો સાથે ટકરાઈને બે-અવાજ બની ગયો હતો. તેના પીતાનું મોત, તુલસીનું મોત, જાલીનોટો અને ડ્રગ્સના કૌભાંડમાં ત્રીપાંખીયા ઘટનાક્રમમાં એ બરાબરનો ફસાઈ ચૂક્યો હતો. અજય માટે બચવાની કોઈ શક્યતાઓ રહી નહોતી. અદાલતે જ્યારે જાલીનોટો અને ડ્રગ્સના કૌભાંડમાં તેને દસ વર્ષની આકરી સજા ફટકારી ત્યારે તે સાવ સુનમુન બની ગયો હતો. તેના માટે આ પરીસ્થીતી આઘાત સમાન નીવડી હતી. તેની હસતી રમતી જીંદગીની રફતારને અચાનક જાણે બ્રેક લાગી ગઈ હતી. તેના નસીબે એવુ ભયાનક ચક્કર ફેરવ્યુ હતુ કે તેની ખુશીઓના તમામ દરવાજા એકસાથે બંધ થઈ ગયા અને તે દુઃખોના ભયાવહ દળદળમાં ફસાઈ ગયો હતો...

અજયના જહેનમાં સતત ચાલતી ફીલ્મે તેને હચમચાવી મુક્યો. તેની અધખુલ્લી આંખોમાંથી આંસુઓના રેલા તેના ગાલેથી સરકી માથા નીચે મુકેલા સફેદ પોચા ઓશીકામાં ઉતર્યા. એ.સી.ની ફુલ ઠંડકમાં પણ એ આંસુઓ તેને દઝાડી રહ્યા હતા. સાત વર્ષ પહેલા જે ઘટના તેની સાથે ઘટી હતી એ ઘટના એક ખૌફનાક ફિલ્મની જેમ તેના જહેનમાં ઉભરી આવી હતી અને તે ખળભળી ઉઠ્યો હતો. તે અર્ધનીંદ્રામાં હતો કે પછી બેહોશીની હાલતમાં તે સમજાતુ નહોતુ. તેને બધુ ભુલી જવુ હતુ. તેના પપ્પા, મમ્મી, તુલસી, મિત્રો, મકવાણા, દેશપાંડે, કોન્સ્ટેબલો જેણે તેને પોલીસવાનમાં ફંગોળ્યો હતો, ન્યાય સુનાવવા વાળા ન્યાયાધીશ, તેની બચાવની પેરવી કરનાર વકીલ, તેની વિરૂધ્ધ દલીલો કરનાર સરકારી વકીલ, તેના સંબંધીઓ, તેનો ઉપહાસ કરનાર સાથી કેદીઓ... આ તમામ બાબતો તે ભુલી જવા માંગતો હતો. પરંતુ જેમ-જેમ તે એવી કોશીષ કરતો તેમ એ બધા બમણા વેગથી તેના મન ઉપર છવાતા જતા હતા. તે તંદ્રામાં હતો છતા તેનું શરીર તંગ થઈને ધનુષની પણછની જેમ ખેંચાણ અનુભવવા લાગ્યુ. નસોમાં લોહી બમણાવેગથી દોડતુ હોય એવુ તે અનુભવી રહ્યો. શરીરના અણુએ અણુમાં એક ન સમજાય એવી લાગણીઓના ધોધે દોટ મુકી... એવી જ દશામાં એ સમયે તેના મનમાં એક ભયાનક વિચાર ઘુમરાયો અને તેના હાથની મુઠ્ઠીઓ સખતાઈથી બીડાઈ...

***