સંદેશો
કુમારપાલે મંડલીગ્રામ જવું અને ત્યાંથી મહારાજ દુર્લભરાજનો સંદેશો લઈને હમ્મીરની છાવણીમાં જવું, આ પ્રમાણે નિશ્ચય થયો.
મંડલીગ્રામથી જયપાલ તરફ એ વાત કહેવા માટે એક માણસ ક્યારનો. રવાનો કર્યો હતો. તેણે વાત પહોંચાડી છે, એ સમાચાર મળ્યા કે તરત ડોસો કુમારપાલ મંડલીગ્રામ જવા ઊપડ્યો. એની સાંઢણી સાથે વરજાંગજી જઈ રહ્યો હતો.
દામોદર ને મહારાજ એની સાંઢણીને જતી જોઈ રહ્યા. એ અદૃશ્ય થઈ કે તરત દામોદર ગંભીર બની ગયો. એના મનમાં કૈં કૈં વિચારો આવી ગયા.
મહારાજ ભીમદેવે એ જોયું. તેમને દામોદરમાં મહત્ત્વાકાંક્ષા કરતાં કાંક જુદી જ વાતનું દર્શન થયું હતું. એની પાસે યોજનાઓ હતી. જુક્તિ હતી. વાત દોરવાની તાકાત હતી. વાત કરવાની કુનેહ હતી. પણ એ બધા કરતાં કોઈક જુદી જ વસ્તુથી પોતાની જાતને એ દોરી રહેલો જણાતો હતો.
મહારાજે તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો : ‘દામોદર ! શું છે ? તને શું થાય છે ? કાંઈક તારા મનમાં છે !’
‘મારા મનમાં શું હોય મહારાજ ? આમ આ બધાને મોકલું તો છું, પણ મારી જાતને જીવતાં બળ્યે પણ શાંતિ ન મળે, એવો કોઈ ભયંકર ઘા ક્યાંક કોઈક મારી જાય નહિં; ચિંતા તો હવે એ વાતની છે.’
‘જયપાલના સમાચાર તો આશાભર્યા છે ના ?’
‘સમાચાર તો આશાભર્યા છે. એમ તો ગર્જનકના માણસો વારંવાર વઢિયાર પંથકમાં, હવે જે કોઈ ગલઢેરો મળી આવે, તેની તપાસમાં પણ ફરી રહ્યા છે. ત્યાં કાબુલિસ્તાન તરફ કાંઈક સળગ્યું પણ છે. એ બધું છે. પણ આ તો હમ્મીર ! જેણે એકલે હાથે આખા ભારતવર્ષને ભડકાવ્યું, તેની પાસે કેટલી નવી નવી વાતો હશે ? એમાં ક્યાંક આપણે બની જઈએ નહિ ? આ ચિંતા છે મહારાજ ? બીજું કાંઈ નથી.’
‘ભગવાન સોમનાથ બધું પાર ઉતારશે દામોદર !’ ભીમદેવ મહારાજ મંત્રીની વેદનાનું કારણ જાણીને આશ્ચર્ય પામ્યો હતો.
થોડા દિવસમાં જ કુમારપાલનો સંદેશો આવ્યો, મંડલીગ્રામથી એ મહારાજ દુર્લભરાજ સાથે પાટણ તરફ જવા રવાના થઈ ગયો હતો. સાધુ દેવશીલ મહારાજ અનુષ્ઠાનમાં બેસવાના છે. એ વાત દેવતીરથે ફેલાવી દીધી હતી.
ને પછી એ બેઠા છે, એ વાત ફેલાઈ ગઈ હતી.
કુમારપાલ ને દુર્લભરાજ બંને આવવાના છે, એ વાત જયપાલ જાણતો હતો. એક વહેલી સવારે એ આવી પહોંચ્યા. પહેલાં તો જયપાલ માની શક્યો નહિ કે ખરેખર દેવશીલ સાધુએ આ વેશ બદલાવ્યો છે. પણ કુમારપાલ પાસેથી બધી વાત જાણી ત્યારે એને મહામંત્રીની અજબ શક્તિમાં વધુ શ્રદ્ધા બેઠી. એને લાગ્યું કે આંહીંની વાત પણ હવે સાંગોપાંગ પાર ઊતરશે. પણ એ સાવચેત હતો. એણે તિલકને વાત કરી રાખી. એક દિવસ તિલકે એને બોલાવ્યો :
‘જયપાલ ! ક્યાં છે તું કહે છે તે ? નહરવાડાના રાય ? કોણ ભીમદેવ પોતે આવેલ છે ?
‘ના સરદાર ! હું ખોટું નહિ બોલું. ભીમદેવ તો બહારવટે નીકળેલ છે.’
‘કોની સામે ?’
‘જે કોઈ પાટણમાં બેસશે, તે એનો દુશ્મન બનશે !’
‘ત્યારે આ કોણ છે ?’
‘એ છે ભીમદેવનો કાકો દુર્લભરાજ. એણે ગાદીત્યાગ કર્યો હતો. એને કુમાર નથી. એને પછી પોતાના વંશવેલામાં ગાદી રહે તેની લગની લાગી છે. એના વજીર સાથે છે.
‘કોણ ?’
‘સોમનાથનો કિલ્લેપતિ-કુમારપાલ.’
‘તમારો સગો છે તે ?’
જયપાલે બેધડક જવાબ આપ્યો : ‘હા એ જ. એટલે તો હું વાત કરવાની હિંમત કરું છું.’ ‘તો રાય મળે, નામદાર સુલતાનને. દગો હશે તો રાયનું માથું, તારું માથું ને મારું માથું ત્રણે ઊડી જાશે.’
‘દગો કરનારાને માથાં હોતાં નથી. નામદાર ! જયપાલે વધુ હિમ્મતથી જવાબ વાળ્યો. આટલા દિવસના સહવાસે એ એક વાત સમજ્યો હતો કે આંહીં જે થોથરાણો તે ગયો, એવી વાત છે. ‘પણ આ તો જે આવેલ છે, એને પૂછીને તમે પોતે જ ખાતરી કરો. હું તો તમને એટલી ખાતરી આપું કે આવનાર છે, દુર્લભરાજ મહારાજ... બીજો કોઈ નથી. !’
‘સાધુ થઈ ગયો હતો તે ?’
‘હા, એ.’
‘અને સાધુપદ ?’
‘રાજપદ લેવા માટે છોડી દીધું. તેને ને ભીમદેવને મેળ હતો જ નહિ.’
તિલકે સુલતાનને સમાચાર પહોંચાડ્યા હતા. એક દિવસ સુલતાનના દરબારમાંથી રાયના વઝીરને બોલાવવા માટે માણસ આવ્યું.
કુમારપાલ એકલો શસ્ત્ર સજીને સુલતાનને મળવા માટે ઊપડ્યો. એ વીર જોદ્ધાનું મન અત્યારે કૈંક ગડભાંગ અનુભવી રહ્યું હતું. એણે જતાં જતાં જયપાલને બોલાવ્યો : ‘જયપાલજી ! તમારી સાંઢણી કેવીક છે ?’
‘કેમ એમ બોલ્યા ? છે કાં ?’
‘બીજું કાંઈ નથી. વખત છે, હમ્મીર કાંઈક અપમાન જેવું કરી નાખે તો મારે ત્યાં દેહ દેવો પડે. ગલઢેગઢપણ વધુ અપમાન સહેવાં મટ્યાં. આ તો દામોદર મહેતાનું બધું ઊંધું વળતું લાગ્યું. એટલે હું આવ્યો; પણ એ વખતે તમારા ઉપર આફત ઊતરે એટલે ભાગવાની તૈયારી રાખવી.’
‘એવું કાંઈ થવાનું નથી. કુમારપાલજી ! આ સુલતાનને ત્યાં ગીજનીમાં કૈંક હિંદુઓ રહે છે. પોતાપોતાના ધર્મ પાળે છે. એમને રહેવાનો મહોલ્લો જુદો છે. આ આપણો જ વાસ તમે ન જોયો ? એને ત્યાં ગીજનીની ભરબજારમાં એક સતી થઈ ગઈ, તેની તો કવિતા પણ થઈ છે. માત્ર એક જ વાત ત્યાં છે. તમારા મનમાં શું છે, એ ખબર પડવી ન જોઈએ. તમારે કોઈ વાત કળવા દેવી નહિ, બાકી તમો ધારો છો, એવું કાં છે નહિ.’
‘તો પણ તમને ચેતવ્યા સારા !’
‘તમે એક વાત રાખજો ને, રાય વતી હું બધું કબૂલી લઉં છું, પણ જો તમે મને વઝીર બનાવો તો. એટલે દુર્લભરાજ મહારાજને પણ બહુ તકલીફ ન થાય. તમે કોઈ સ્વાર્થથી દોરાયા છો, એ વાત આગળ પડતી થવી જોઈએ.’
કુમારપાલ સુલતાનને મળવા ચાલ્યો. છાવણીમાં વચ્ચોવચ્ચ સુલતાનનો મોટો વિશાળ તંબુ ઊભો હતો. તેને ફરતી મજબૂત ચોકી હતી. કુમારપાલને નવાઈ લાગી. કેટલાક ચોકીદારો એને રજપૂત જેવા લાગ્યા. એને હવે લાગ્યું કે દામોદર મહેતાની વાત સોએ સો વસા સાચી હતી. આ હમ્મીર આંહીં રહી જવાનો નિર્ણય કરે, તો પછી એ આંહીં જ રહી જાય તેવો હતો. એણે ઘણાને મેળવી લીધા હતા.
તેને તંબુની બહાર દ્વારપાલોએ રોકી દીધો. અંદર જઈને રજા મેળવી. પછી તેને સુલતાનની સમક્ષ લઈ જવામાં આવ્યો.
કુમારપાલે ત્યાં જોયું તો એક ઊંચા બહુ મૂલ્યવાન સિંહાસન ઉપર બાદશાહ મહમૂદ ગઝનવી બેઠો હતો. એનો ચહેરો કડક પણ રૂપાળો ગણાય તેવો હતો. એની દૃઢતા અને હઠાગ્રહી સ્વભાવને એ પ્રગટ કરતો હતો. મજબૂત બાંધાનો, ઊંચો, કદાવર અને એકદમ ભયરહિત એ જણાતો હતો. આંહીં પોતે દુશ્મનોની વચ્ચે હજી છે. એવો કોઈ ભય એના ચહેરામાં ક્યાંય ન હતો. અને છતાં એના જેવો સાવધ કોઈ નહિ હોય.
કુમારપાલે નીચા વળીને એને સલામ કરી. સુલતાનના બોલવાની રાહ જોતો સામે ઊભો રહ્યો. એણે આસપાસ દૃષ્ટિ કરી. તિલક કે સેવંતરાય દેખાતા ન હતા. સુલતાન સિવાય બીજું કોઈ ત્યાં હતું નહિ. કુમારપાલ સુલતાનના વજ્જર જેવા મજબૂત શરીરને જોઈ રહ્યો. એના એ કસાયેલા, લડાઈથી રીઢા થયેલા શરીર ઉપર કેટલા બધા ઘા હતા ? કુમારપાલ ગણવા માંડ્યો. ઓછામાં ઓછા સાઠ*તો એ જોઈ શકતો હતો. આ એ જ અદ્વિતીય સેનાપતિ હતો, જેની સમક્ષ કલિંજરના ગંડરાય જેવા પણ નમી પડ્યા હતા. ત્રણસો ત્રણસો હાથીની ભેટ આપીને, અને પોતાની ટચલી આંગળીનાં ટેરવાને તાબેદારી સ્વીકારવાની નિશાની તરીકે મોકલીને, રાજ બચાવીને, આબરૂ વિહોણા રાહ જોતા બેસી રહ્યા હતા. વૃદ્ધ ડોસા કુમારપાલને, આંહીં ઊભો રહ્યો ત્યારે, હવે દામોદરની ખરી મહત્તાનો ખ્યાલ આવ્યો.
એણે કોઈ રીતે ભીમદેવને ગૌરવહીણો બનાવવામાંથી અત્યારે બચાવી લીધો હતો... રાજાનું ગૌરવ એક વખત હણાય, પછી એની શી કિંમત હતી ? રણરેતમાં પાળિયો બનવાના ગાંડા સંકલ્પથી પણ ભીમને બચાવી લીધો હતો. એણે હમ્મીરની છાવણીમાં સાંઢણીઓ જ સાંઢણીઓ જોઈ હતી ! કેટલી સાંઢણીઓ ? એટલે હમ્મીરનો આ ઘા અત્યારે ગમે તેમ ઝીલી લઈને, ગૌરવભેર સલામત રહી જવાનું હતું. પછી પાટણને થોડા વખતમાં જ મહાન ચક્રવર્તી પદે લઈ જવાના દામોદરના સ્વપ્નાને એ અત્યારે સમજી શક્યો.
એ પોતાના વિચારમાંથી જાગી ગયો. એને લાગ્યું કે એને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો. એણે ત્યાં દૃષ્ટિ કરી. ત્યાં બે હિંદુ સરદારોને એણે આવી ગયેલા જોયા. એક તો તિલક હતો. કુમારપાલને લાગ્યું બીજો સેવંતરાય કહે છે તે હોવો જોઈએ. સુલતાનની નજીક એ ઊભા હતા. એટલામાં સુલતાનને જમણે હાથે આવીને કોઈ અમીર જેવા માણસે કુર્નિસ બજાવી. તેણે ત્યાં પાસે પોતાની જગ્યા લીધી. કુમારપાલને લાગ્યું કે એ હમ્મીરનો વજીર હઝનક હોવો જોઈએ.
સેવંતરાયે એને સવાલ પૂછ્યો હતો : ‘તમે ક્યાંથી આવો છો ?’
‘હું નહરવાડાના રાયનો મોકલ્યો આવ્યો છું. મંડલીગ્રામથી.’ કુમારપાલે જવાબ વાળ્યો.
‘એ ક્યાં આવ્યું ?’
-------------------
*ગજનવીના શરીર ઉપર બોંતેર ઘા હતા.
‘વઢિયાર પંથકમાં, પંચાસરની પાસે. કચ્છના નાના રણના મારગમાં.’
‘નામદાર સુલતાન પૂછે છે, તમારે શું કહેવાનું છે ?’
કુમારપાલ વિચાર કરી રહ્યો. તેણે નીચા નમીને કુર્નિસ બજાવી. તે સ્વસ્થતાથી બોલ્યો : ‘હું તોજૂના જમાનાનો માણસ છું. મારા મહાદેવનું પતન મારાથી સહન થયું નથી. કુંવર ભીમરાયે આટલી બધી હુજ્જત ન કરી હોત, તો આટલી બધી ખુવારી ન થાત. એના ગાંડપણે રૈયત હેરાન હેરાન થઈ ગઈ છે. હું સોમનાથનો કિલ્લેપતિ હતો. મને મહારાજ દુર્લભરાજે, ત્યાં મંડલીગ્રામ બોલાવીને કહ્યું કે નામદાર સુલતાન સાથે સંધિ કરી હતી. આપણે પણ સંધિ કરી લ્યો. રૈયતને ત્રાસમાંથી બચાવી લ્યો. હું એટલા માટે આવ્યો છું.’
‘પણ રાય ભીમદેવ પોતે ક્યાં છે ?’
‘એ તો બહારવટે નીકળેલ છે. એ અમારા કહેવામાં નથી. એ છે, જૂનાગઢનો રા’ છે, એ અમારા કહેવામાં નથી. અમારે તો પાટણ બચાવવું છે. રૈયતને બચાવવી છે ?’
‘રા’ની પાસે કેટલી સાંઢણીઓ છે ?’
‘પંદરસો ! કુમારપાલે ત્વરાથી જવાબ દીધો. પોતે જે કામ માટે આવ્યો હતો તે હવે પાર ઉતાર્યે જ છૂટકો હતો. એટલે તેણે ત્વરાથી તેમ જ રાજીપાથી જવાબ આપવામાં પોતાના કામની સફળતા જોઈ. દામોદરનું કામ હવે ન બગડે એની ડોસાના મનમાં ચીવટ રહેવા મંડી. દામોદરે એને જે કહ્યું હતું તે બધું એને યાદ હતું.
‘જૂનાગઢનો રા’ કેટલી સાંઢણી આપશે ?’
‘એકે નહિ ! કુમારપાલે જવાબ દીધો. ‘એ તો પંદરસો સાંઢણીથી તમને હંફાવવા નીકળશે !’
હમ્મીર કુમારપાલના જવાબથી હસી પડ્યો. પણ એને એવી છાપ પડી કે આ માણસ સાચી રીતે સંધિ કરવા આવ્યો છે.
‘રાય દુર્લભરાજ ભીમદેવને શું થાય ?’
‘કાકો !’
સુલતાન બોલતો સંભળાયો : ‘રાય દાબશલીમ ?’
તિલકે એની જબાનમાં જવાબ વાળ્યો ! ‘ના નામદાર ! દુર્લભસેન-દુર્લભરાજ. એ ભીમરાયનો કાકો છે. બે વરસ પહેલાં એ જ રાજા હતો. એને કુમાર ન હતો. એટલે એણે આ ભીમદેવને રાજ સોંપ્યું. પોતે સાધુ થયો. એ દાબશલીમ રાજનો માલિક છે. ભીમદેવના ત્રાસથી ને હુજ્જતથી એણે ગાદી છોડી હતી. એ મળતી હોય તો એ ભીમને એક તરફ રાખી દે. એને આપણે રાજ સોંપીએ તો એ તાબેદારી સ્વીકારે.’
‘કેટલી સાંઢણી તમે આપશો ?’ તિલકે કુમારપાલને પૂછ્યું.
‘અમે ?’ કુમારપાલે વિચાર કર્યો. કાંઈક ગણતરી કરતો હોય તેમ તે થોભ્યો : ‘અમે હજાર આપીએ.’
‘ત્રણ હજાર આપો !’
‘ભીમદેવના કાકાને સુલતાન રાય બનાવે તો તમે તાબેદારી સ્વીકારીને રહો ? ખંડણી બરાબર મોકલો ? સૈનિકો બરાબર મોકલો ? બરાબર વજીરાત કરો ?’
‘મને નામદાર સુલતાન વજીર બનાવે, તો એ વાત થાય. રાયને દોરનારો હોય તો એ દોરાય. તાબેદારી તો સ્વીકારીએ, એ બરાબર, પણ બીજાનાથી અમને બચાવવાનું કોણ માથે લે તેમ છે ?’
‘બીજું કોણ છે ?’
‘આ ભીમદેવનું બહારવટું અમારા ઉપર રહેવાનું. અમે એને આંહીં ઘરઆંગણે છીએ એટલે પહોંચી વળીએ. પણ દુસલરાજ રાજનો દાવો કરતો લોદ્રવાથી દોડે - તેને અમે શી રીતે પહોંચીએ ? અમારે કેટલી દશ સંભાળવાની ?’
‘દુસલરાજ ? એ કોણ છે ?’ તિલકે સવાલ કર્યો.
‘દાબશલીમ - દૂસરા દાબશલીમ ?’ સુલતાને સવાલ કર્યો. દો દાબશલીમ ?’
‘એક દુર્લભરાજ, બીજો દુસલરાજ.
‘દુસલરાજ, એ દુર્લભરાજના મોટાભાઈના વેલાનો ગણોને !’ કુમારપાલ બોલ્યો : ‘એનો રાજપુત્રીની રીતે ગાદીનો હક્ક થાય, એ એવો પણ દાવો કરે છે. સાચો ખોટો કોને ખબર ? વર્ષોની વાત થઈ. પણ અમને તો હેરાન કરે ! હવે દુર્લભરાજ ફરીને ગાદી ઉપર આવે છે, એ વાત એ જાણે, એટલે એ દોડવાના ! તો અમે તમારી ખંડણી ભરીએ, તમારી તાબેદારી કરીએ, કે આની સાથે આખડીએ ? કારણ કે અમે આંહીંનું સાચવી શકીએ. બે બાજુના બે હુમલા ભારે પડી જાય. એટલે જો નામદાર સુલતાન જતી વખતે એને વશ કરવાનું માથે લે, તો અમે આંહીં રહીએ. ખંડણી ભરીએ. સાંઢણીઓ મોકલીએ.’
‘પણ તમે શપથ લો છો ?’
‘કોના શપથ લેવાના ?’
‘તમે કોને માનો છો ?’
‘ભગવાન સોમનાથને !’
‘તો એના શપથ લ્યો.’
કુમારપાલે જવાબ વાળ્યો : ‘પણ એના શપથ તમારે શું ખપના ? તમે ક્યાં એમાં માનો છો ?’
‘તો તો તમારા દુર્લભરાજ રાયને આંહીં લાવો. એની પાસેથી નામદાર સુલતાનને વચન મળે, એ ટચલી આંગળી કાપીને ખંડણીની વાત સ્વીકારે, ત્યાર પછી તમને આંહીં રાખવાનો વિચાર થાય. તમે એના વજીર છો. એને વાત કરો. આ શરત છે.
કુમારપાલને દામોદરની વાત યાદ આવી. એણે લેશ પણ ગભરાટ બતાવ્યા વિના જવાબ વાળ્યો :
‘નામદાર ! શરત તો નામદાર સુલતાનની બરાબર છે. પણ તમારે વેણ લઈને જવું છે. અમારે વેણ પાળવું છે. રાય દુર્લભરાજ ટચલી આંગળી કાપી આપે એ ગઢ બીટલીવાળા જાણે, પછી એ અમને જીવતા રહેવા દે કે ? કનોજના રાજપાલને બધાએ ભેગા થઈને હણી ન નાખ્યો ? એ દશાતમારા ગયા પછી અમારી થાય ! અમારે તો રૈયતને ઉગારવી છે. શાંતિ રાખવી છે. શાંતિ પ્રજાને પાછી આપવી છે. એટલે તમારી ખંડણી કબૂલીએ છીએ. તમને નિયમસર એ મોકલીએ. તમારી સત્તા સ્વીકારીએ. અમે તો જે વેણ આપીએ, એ પાળવાનું કદી ચૂકતા નથી. અત્યારે હજાર સાંઢણી આપીએ.... પણ બીજી વાતની તમે હઠ કરો, તો તમારા ગયા પછી અમે મરીએ. હવે તમે વિચાર કરી જુઓ. અમારે તો રૈયતને બચાવવા માટે આ કરવું છે. ભીમદેવને રાજ સોપ્યું તો આ થયું. હવે અમને સુલતાનનું રક્ષણ મળે તો જ અમે ટકીએ એટલે ખંડણી ભરીએ. હવે નામદાર સુલતાન જવાબ આપે.’