Satya na Prayogo Part-4 - Chapter - 7 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-4 - 7

Featured Books
Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-4 - 7

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૭. માટી અને પાણીના પ્રયોગ

મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો. જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે દાક્તર

પ્રાણજીવનદાસ મહેતા મને તેડવા આવેલા. તે વેળા મને નબળાઈ રહેતી અને સોજા પણ કોઈ કોઈ વાર રહેતા. તેને સારુ તેમણે દવા કરી હતી તેથી મને આરામ થયેલો. આ પછી દેશમાં પાછો આવ્યો ત્યાં લગી મને નોંધ લેવા યોગ્ય વ્યાધિ થયાનું સ્મરણ નથી.

પણ જોહાનિસબર્ગમાં મને કબજિયાત રહેતી અને વખતોવખત માથું દુખવા આવતું. રેચની કંઈ દવા લઈને તબિયત ઠીક ઠીક રાખતો. ખોરાકનું પથ્ય તો હંમેશાં હતું જ, પણ તેથી હું તદ્દન વ્યાધિમુક્ત ન થયો. રેચમાંથી પણ છુટાય તો સારું એમ મનને રહ્યા જ કરે.

માંચેસ્ટરમાં ‘નો-બ્રેકફાસ્ટ ઍસોસિયેશન’ સ્થપાયા વિશે વાંચ્યું. તેમાં દલીલ એ હતી કે અંગ્રેજો ઘણી વાર અને ઘણું ખાય છે, રાતના બાર વાગ્યા લગી ખાધા કરે તે પછી દાક્તરનાં ઘર શોધે. આ ઉપાધિમાંથી છૂટવું હોય તો સવારનું ખાણું - ‘બ્રેકફાસ્ટ’ છોડી દે.

આ દલીલ મને તો જોકે પૂરેપૂરી લાગુ નહોતી પડતી, છતાં તેનો અંશ લાગુ પડતો હતો એમ મને લાગ્યું. હું ત્રણ વખત પેટ ભરીને જમતો ને બપોરની ચા પણ પીતો. હું કદી અલ્પાહારી નહોતો. નિરામિષાહારમાં અને મસાલા વિના જે જે સ્વાદો કરી શકાય તે કરતો.

છસાત વાગ્યા પહેલાં ભાગ્યે ઊઠતો. આ ઉપરથી મને લાગ્યું કે, હું પણ જો સવારનું ખાણું છોડું તો માથાન દરદમાંથી અવશ્ય મુક્ત થાઉં. મેં સવારનું ખાણું છોડ્યું. થોડા દહાડા વસમું તો લાગ્યું, પણ માથાનું દરદ તો ગયું જ. એ ઉપરથી મેં ધાર્યું કે મારો ખોરાક હાજત કરતાં વધારે હતો.

પણ કબજિયાતની ફરિયાદ આ ફેરફારથી ન મટી. ક્યુનીના કટિસ્તાનના ઉપચાર કર્યા તેથી થોડો આરામ થયો, પણ જોઈતો ફેરફાર તો ન જ થયો. દરમિયાન પેલા જર્મન વીશીવાળાએ કે કોઈ બીજા મિત્રો મારા હાથમાં જુસ્ટનું ‘રિટર્ન ટુ નેચર’ (‘કુદરત તરફ

વળો’) નામનું પુસ્તક મૂક્યું. તેમાં મેં માટીના ઉપચાર વિશે વાંચ્યું. સૂકાં ને લીલાં ફળ જ

મનુષ્યનો કુદરતી ખોરાક છે એ વાતનું પણ આ લેખકે બહુ સમર્થન કર્યું છે. કેવળ

ફળાહારનો પ્રયોગ તો મેં આ વેળા ન આદર્યો, પણ માટીના ઉપચાર શરૂ કર્યા. તેની મારા ઉપર આયબીભરેલી અસર થઈ. ઉપચાર આ પ્રમાણે હતો : સાફ ખેતરાઉ લાલ કે કાળી

માટી લઈ, તેમાં માપસર ઠંડું પાણી નાખી, સાફ ઝીણા પલાળેલા કપડામાં લપેટી, પેટ ઉપર

મૂકી ને તેને પાટાથી બાંધી. આ લોપરી રાતના સૂતી વખતે બાંધતો ને સવારે અથવા રાતમાં જાગી જાઉં તો ત્યારે કાઢી નાખતો. તેથી મારી કબજિયાત નાબૂદ થઈ. આ માટીના ઉપચારો મેં ત્યારબાદ મારા ઉપર ને મારા અનેક સાથીઓ ઉપર કર્યા અને ભાગ્યે કોઈને વિશે નિષ્ફળ ગયાનું મને સ્મરણ છે.

દેશમાં આવ્યા બાદ હું આવા ઉપચારો વિશે આત્મવિશ્વાસ ખોઈ બેઠો છું. પ્રયોગો કરવાનો, એક જગ્યાએ સ્થિર થઈ બેસવાનો, મને અવસર પણ નથી મળી શક્યો. છતાં

માટીના ને પાણીના ઉપચારોને વિશે મારી શ્રદ્ધા ઘણે અંશે જેવી આરંભમાં હતી તેવી જ છે.

આજે પણ મર્યાદાની અંદર રહીને માટીના ઉપચાર મારી પોતાની ઉપર તો હું કરું જ છું ને

મારા સાથીઓને પણ પ્રસંગ આવ્યે સલાહ લઉં છું. જિંદગીમાં બે વખત માંદગીઓ ભોગવી છૂટ્યો છું, છતાં મારી માન્યતા છે કે મનુષ્યોને દવા લેવાની ભ્ગાયે જ જરૂર રહે છે. પથ્ય

એ પાણી, માટી ઈત્યાદિના ઘરગથુ ઉપચારોથી એક હજારમાંથી નવસેં નવાણું કેસ સારા થઈ

શકે છે.

ક્ષણે ક્ષણે વૈદ્ય, હકીમ અને દાક્તરને ત્યાં દોડવાથી ને શરીરમાં અનેક વાસણાં અને રસાયણો ભરવાથી મનુષ્ય પોતાનું જીવન ટુંકું કરે છે, એટલું જ નહીં, પણ પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે.

માંદગીના બિછાનામાં પડ્યો આ હું લખી રહ્યો છું તેટલા સારુ આ વિચારોને કોઈ

ન અવગણે. મારી માંદગીનાં કારણો હું જાણું છું. મારા જ દોષોને લીધે હું માંદો પડ્યો છું એનું મને પૂરેપૂરું જ્ઞાન અને ભાન છે. અને તે ભાન હોવાથી હું ધીરજ નથી ખોઈ બેઠો.

એ માંદગીને મેં ઈશ્વરનો અનુગ્રહ માન્યો છે ને અનેક દવાઓ કરવાની લાલચથી દૂર રહ્યો છું. મારી હઠથી દાક્તર મિત્રોને હું કંટાળો આપું છું એમ પણ હું જાણું છું, પણ તેઓ ઉદારવૃત્તિથી માહી હઠને સહન કરે છે ને મારો ત્યાગ કરતા નથી.

પણ મારે અત્યારની મારી સ્થિતિનું વર્ણન લંબાવવું ન ઘટે. એટલે આપણે ૧૯૦૪-૫ના સમય તરફ વળીએ.

પણ તેનો આગળ વિચાર કરતાં પહેલાં વાંચનારને થોડી સાવચેતી આપવાની જરૂર છે. આ વાંચીને જેઓ જુસ્ટનું પુસ્તક ખરીદે તેમણે તેમાંનું બધું વેદવાક્ય ન સમજવું. બધાં

લખાણોમાં લેખકની એકાંગી દૃષ્ટિ ઘણે ભાગે હોય છે. પણ દરેક વસ્તુને ઓછામાં ઓછી સાત દૃષ્ટિએ જોઈ શકાય છે, ને તે તે દૃષ્ટિએ તે વસ્તુ ખરી હોય છે. પણ બધી દૃષ્ટિઓ એક જ વખતે ને એક જ પ્રસંગે ખરી ન જ હોય. વળી ઘણાં પુસ્તકોમાં ઘરાકીની અને નામની લાલચનો દોષ પણ હોય છે. એટલે જેઓ મજકૂર પુસ્તક વાંચે તેઓ વિવેકપૂર્વક વાંચે અને કંઈ પ્રયોગો કરવા હોય તો કોઈ અનુભવીની સલાહ મેળવે અથવા ધીરજપૂર્વક આવી વસ્તુનો થોડો અભ્યાસ કરી પ્રયોગોમાં ઊતરે.