Satya na Prayogo Part-4 - Chapter - 5 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-4 - 5

Featured Books
Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-4 - 5

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૫. નિરીક્ષણનું પરિણામ

જ્યારે ૧૮૯૩ની સાલમાં હું ખ્રિસ્તી મિત્રોના નિકટ પ્રસંગમાં આવ્યો ત્યારે હું કેવળ

શીખનારની સ્થિતિમાં હતો. ખ્રિસ્તી મિત્રો મને બાઈબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા ને મારી પાસે તે સ્વીકારવા મથતા હતા. હું નમ્રભાવે, તટસ્થપણે તેમનું શિક્ષણ સાંભળી સમજી રહ્યો હતો. આને અંગે મેં હિંદુ ધર્મનો યથાશક્તિ અભ્યાસ કર્યો ને બીજા ધર્મો સમજાવાની પણ કોશિશ કરી. હવે ૧૯૦૩માં જરા સ્થિતિ બદલાઈ. થિયૉસૉફિસ્ટ મિત્રો

મને તેમના મંડળમાં ખેંચવા અવશ્ય ઈચ્છતા હતા, પણ તે હિંદુ તરીકે મારી પાસેથી કંઈક

મેળવવાના હેતુથી. થિયૉસૉફીનાં પુસ્તકોમાં હિંદુ ધર્મની છાયા ને તેની અસર તો પુષ્કળ જ છે, તેથી આ ભાીઓએ માન્યું કે હું તેમને મદદ દઈ શકીશ. મેં તેમને સમજાવ્યું કે મારો સંસ્કૃતમાં અભ્યાસ નહીં જેવો ગણાય, મેં તેના પ્રાચની ધર્મગ્રંથો સંસ્કૃતમાં વાંચ્યા નથી, તરજુમા વાટે પણ મારું વાચન ઓછું. છતાં તેઓ સંસ્કારને અને પુનર્જન્મને માનનારા હોવાથી મારી થોડીઘણી પણ મદદ તો મળે જ એમ તેમણે માન્યું, ને હું ‘નહીં ઝાડ ત્યાં એરંડો પ્રધાન’ જેવો થઈ પડ્યો. કોઈની સાથે વિવેકાનંદનો ‘રાજયોગ’ તો કોઈની સાથે

મણિલાલ નાથુભાઈનો વાંચવાનું શરૂ કર્યું. એક મિત્રની સાથે ‘પાતંજલ યોગદર્શન’ વાંચવું પડ્યું. ઘણાની સાથે ગીતાનો અભ્યાસ શરૂ થયો. એક નાનું સરખું ‘જિજ્ઞાસુ મંડળ’ નામે

મંડળ પણ કાઢ્યું ને નિયમિત અભ્યાસ શરૂ થયો. ગીતાજી ઉપર મને પ્રેમ અને શ્રદ્ધા તો હતાં જ. હવે તેમાં ઊંડા ઊતરવાની આવશ્યકતા જોઈ. મારી પાસે એકબે તરજુમા હતા તેની મદદ વડે મૂળ સંસ્કૃત સમજી લેવાનો પ્રયત્ન કર્યો ને નિત્ય એક અથવા બે શ્લોક કંઠ

કરવાનું ધાર્યું.

સવારના દાતણ અને સ્નાનનો સમય મેં કંઠ કરવાના ઉપયોગમાં લીધો. દાતણમાં પંદર મિનિટ ને સ્નાનનમાં વીસ મિનિટ જતી. દાતણ અંગ્રેજી રીત પ્રમાણે ઊભાં ઊભાં કરતો. સામેની દીવાલ ઉપર ગીતાના શ્લોક લખીને ચોંટાડતો ને તે જરૂર પ્રમાણે જોતો ને ગોખતો. આ ગોખેલા શ્લોકો પાછા સ્નાન લગીમાં પાકા થઈ જાય. દરમિયાન પાછલા નિત્ય

એક વાર બોલી જવાય. આમ કરીને મેં તેર અધ્યાય લગી મોઠે કરી લીધાનું મને સ્મરણ છે.

પાછળથી વ્યવસાય વધ્યો. સત્યાગ્રહનો જન્મ થતાં ને તે બાળકને ઉછેરતાં મારો વિચાર કરવાનો સમય પણ એની ઉછેરમાં વીત્યો ને હજુ વીતી રહ્યો છે એમ કહી શકાય.

આ ગીતાવાચનની અસર મારા સહાધ્યાયીઓ ઉપર તો જે પડી હોય તે તેઓ જાણે, મારે સારુ તો તે પુસ્તક આચારનું એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યું. તે પુસ્તક મારો ધાર્મિક દોષ થઈ પડ્યું. અજાણ્યા અંગ્રેજી શબ્દની જોડણી કે તેના અર્થને સારુ હું જેમ અંગ્રેજી

શબ્દકોશ ખોલતો તેમ આચારની મુશ્કેલીઓ, તેના અટપટા કોરડા ગીતાજી પાસે ખોલાવતો.

અપરિગ્રહ, સમભાવ વગેરે શબ્દોએ મને પકડ્યો. સમભાવ કેમ કેળવાય, કેમ જળવાય ?

અપમાન કરતા અમલદારો, લાંચ લેનારા અમલદારો, નકામો વિરોધ કરનારા ગઈ કાલના સાથીઓ વગેરે, અને જેમણે ભારે ઉપકાર કર્યો હોય એવા સજ્જનો વચ્ચે ભેદ નહીં એટલે શું ? અપરિગ્રહ તે કેમ પળાતો હશે ? દેહ છે એ ક્યાં ઓછો પરિગ્રહ છે ? સ્ત્રીપુત્રાદિ

પરિગ્રહ નથી, તો શું ? પુસ્તકોનાં થોથાંનાં કબાટો બાળી નાખવાં ? ઘર બાળીને તીર્થ કરવું

? લાગલો જ જવાબ મળ્યો કે ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં. અંગ્રેજી કાયદાએ મદદ

કરી. સ્નેલની કાયદાના સિદ્ધાંતોની ચર્ચા યાદ આવી. ‘ટ્રસ્ટી’ શબ્દનો અર્થ ગીતાજીના અભ્યાસને પરિણામે વિશેષ સમજ્યો. કાયદાના શાસ્ત્રને વિશે માન વધ્યું. તેમાં પણ મેં ધર્મ ભાળ્યો. ટ્રસ્ટીની પાસે કરોડો હોય છતાં તેમાંથી એક પાઈ તેની નથી, તેમ મુમુક્ષુએ વર્તવું રહ્યું એમ હું ગીતાજીમાંથી સમજ્યો. અપરિગ્રહી થવામાં, સમભાવી થવામાં હેતુનું, હ્યદયનું પરિવર્તન આવશ્યક છે એમ મને દીવા જેવું દેખાયું. રેવાશંકરભાઈને લખી વાળ્યું કે વીમાની પૉલિસી બંધ કરજો. કંઈ પાછું મળે તો લેજો, ન મળે તો અપાયા પૈસા ગયા સમજજો.

બાળકોની અને સ્ત્રીની રક્ષા તેનો અને આપણો પેદા કરનાર કરશે. આવી મતલબનો કાગળ

લખ્યો. પિતા સમાન ભાઈને લખ્યું, ‘આજ લગી તો મારી પાસે બચ્યું તે તમને અર્પણ કર્યું.

હવે મારી આશા છોડજો. હવે જે બચશે તે અહીં જ કોમને અર્થે વપરાશે.’