Saurashtra ni Rasdhar-Anchal tannara in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | સૌરાષ્ટ્રની રસધાર-આંચળ તાંણનારા

Featured Books
Categories
Share

સૌરાષ્ટ્રની રસધાર-આંચળ તાંણનારા

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આંચળ તાણનારા!

“હાંકો, હાંકો માલને. ચોંપ રાખો, જુવાનો! વાંસે વાર વહી આવે છે.”

એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીઓની ફડાફઢી બોલાવતા ચારેય બાજુથી તગડી રહેલ છે. ધ્રાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘોળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઇ ગયા છે. ઝાંઝવાંનાં જળ જામતાં આવે છે. ભેંસો સીધે માર્ગે ચાલતી નથી. પાછી વળવા મથે છે. ઘેરથી પાડરુના સાદ પડતા હાય એવી જાણે બૂમો આવે છે. મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છેઃ “બાપ ભગર! મોળી જીવ સાટાની, ભગર!”

એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસોના કાન મંડાય છે. ચારેયનાં પૂંછ ઊંચાં થાય છે, ચારેયના કંઠમાંથી કરુણાભર્યા રણકાર નીકળે છે, ને ચારેય ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાછટમાંથી પણ મોં ઊંચાં કરીને નગરા ગામને માર્ગે મીટો માંડે છે.

“આ વાંસે ચસકા કોના ચડે છે?” જાડેજાઓ કાન માંડીને સાંભળી રહ્યા.

“આ વાર નથી, સીમાડે કોઇક બાઇ માણસ ધા દેતું દોડ્યું આવે છે. એકલવાયું લાગે છે.”

લૂંટારાઓ તળાવડીની પાળ વળોટે તે પહેલાં તો ‘ઊભા રો’, બાપ! મારા વીરાઓ, જરીક ઊભા રો’!” એવા અવાજ દેતી ઓરત આંબી ગઇ. એના હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતુંચોળ લોહી એના મોં ઉપર છોળો મારી રહ્યું છે. વાળ વિખરાઇ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખભે ઊતરી ગયો છે. આખો દેહ પરસેવે નાહી રહેલ છે.

ચાર ભેંસો એને દેખીને આકુળવ્યાકુળ થઇ ગઇ. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારેય આ બાઇની સામે દોડવા લાગી.

“બાપ! મારા પિયર! તમારું તો જાદવકુળઃ તમે જાડેજા માયલા પણ સાહેબ સાખના બેટડાઓઃ તમારે ને ધ્રાંગધ્રાને વરે, એમાં મારી ગરીબ ચારણ્યની ભીંસું કાં હાંકી જાવ? હું તો તમારી બીન વદું. અને મારો ચારણ પરદેશ વર્તવા ગયો છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાશ વન્યા વાળુ શેણે કરશે? આ ભીંસુંનાં દૂધ તમે સાહેબ રજપૂતોનાં ગળાં હેઠ શૅ ઊતરશે?”

પરદેશ ગયેલો પોતાનોચારણ સાંભરતાં ચારણીના ભરજુવાન દેહ ઉપર લાલપ છલકી. ગાલ ઉપર આઠ-આઠ ચૂમકીઓ ઊપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો. બોકાનીઓ મોઢા ઉપરથી જરીક ખેસવીને સાહેબ જાડેજાઓ બોલ્યાઃ “આઇ! ટીકર આવજો. તમારી ભેંસું હશે તો કાઢી દેશુંઃ અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ! અમારી વાંસે વાર વહી આવે છે.”

“તમને ખમ્મા, મારા બાપ! મારી ચારેય ભગર કાંઇ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી નીકળે! મેં ચારેયની બહુ ચાકરી કરી છે, મારા બાપ!”

“ઠીક આઇ, તારવી લ્યો તમારી ચાર ભેેંસું.”

ચારણીએ એની ચારેય, ભગરીને નામ ધઇને બોલાવી. કાન ફફડાવતી ને પૂંછડાં ઉલાળતી ચારેય ભેંસો નોખી તરી ગઇ. પણ ત્યાં તો રજપૂતોની આંખ ફાટી ગઇ. એ કાળીભમ્મર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ ૧ , કપાળમાં ધોળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસો કોને ગળેથી છૂટે?

જાડેજાઓએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઊઠ્યાઃ “એ બાઇ, ઇ ચાર ભેંસુંના આંચળ કોણ તાણશે, ખબર છે? જે અમારી પાસે પોતાના આંચળ તણાવતી હશે ઇ; બીજીના હાથ ભોંઠા પડશે, ભોંઠા.” બોલનારાઓની મેલી નજરો બાઇની છાતી ઉપર રમવા લાગી.

ચારણી થંભી ગઇ. એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાગી. કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી બે આંખોમાંથી ઝાળ ઊઠી. સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના બેય થાનેલા કાપી નાખ્યા. જુવાન રજપૂતોની સામે ફેંકીને કહ્યુંઃ “લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઇને દૂધ પીધા કરજો!”

છાતીએથી ધખ ધખ લોહીની બે ગૌમુખી વછૂટી. રજપૂતો કાંપતાં કાંપતાં જોઇ રહ્યા. ચારણી ત્યાંથી ઘેર ભાગી. ઘેર આવી ગાંડું જોડાવી એના ભાઇ કેશવદાસ રતનાની પાસે પહોંચી જઇ એને કહ્યુંઃ “ભાઇ! મારાં આંચળ તાણવા આજ ટીકરના રજપૂતો આવ્યા’તા. તું ચોટીલે જાજે ને આપા મૂળુ ખાચરને બોનના ઝાઝા જુવાર કે’જે.”

એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લૂગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા.

બહેનના દેહને દેન દઇને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો.

ચોટીલાના મૂળુ ખાચરને તો આખી પાંચાળ અત્યારે પૂજી રહી છે. લૂંટફાટ અને અત્યાચારના એ જુગમાં મૂળુ ખાચરની તો નાડી ધોઇને પેટપીડવાળી બાઇઓને પાવતી હતી. મૂળુ ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય, ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઇ આવીને કહે કે ‘બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે’, તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો, તે જ જગ્યાએ ઘાસિયો નાખીને હાથમાં સૂરજની માળા લઇ બેસી જતો;

અને હોકાની ચલમમાંથી ચપડી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઇને એ પાણી પોતાની બાયડીને પિવડાવે, અને પાછો જઇને દરબારને કહે કે ‘બાપુ, આડું ભાંગી ગયું’, ત્યારે મૂળુ ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘોડે ચડે. ત્રણ કલાકમાં જો આડું ભાંગ્યાના ખબર ન આવે તો પ્રાણ કાઢી નાખવા માટે તરવાર પણ તૈયાર રાખીને જ બેસતા.

એક વખત ઉદેપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળુ ખાચર પરનારીસિદ્ધ પુરુષ છે. એનું નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા. દરબારના માણસો સાથે મસલત કરી, દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝિલાઇને મેવાડને રસ્તે પડ્યું.

પાછળથી મૂળુ ખાચરને એના ખબર પડી. એના પરિતાપનો પાર ન રહ્યો. એણે વિચાર્યુંઃ ‘હાય! હાય! રાણાનો કોઢ નહિ મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે? એ કરતાં તો મરવું શું ભૂંડું? એ ઉદેપુર પહોંચ્યા. છાનામાના જઇને રહ્યા. લોકોને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાનો કોઢ મટ્યાની વાત જાણી ત્યારે એણે નવો અવતાર આવ્યો. ચોટીલે પાછા વળ્યા.

એવા દેવતાઇ પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે?

મૂળુ માનવીએ, માણો કીં મીંઢાવીએ,

અરસ ઇંદ્ર તણે, તું નરખેવો નાગાઉત!

(નાગ ખાચરના પુત્ર મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્‌ તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.) ૧

સિત્તેર વરસના, શ્વેત રૂપેરી દાઢીમૂછે શોભતા મૂળુ ખાચર ગામતરે જતા હતા. ભેળા પંંદર-વીસ અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા કયાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછ્યુંઃ “ભાઇ, પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે? પાઘડી કે પનિયું કાંઇ કાં નથી બાંધેલ?”

અસવારો નજીક આવ્યો. ઓળખાયોઃ “આપા, આ તો કેશવદાસ ગઢવી.”

“ગઢવી, રામ, રામ! આમ ઉઘાડે માથે કાં?”

કેશવદાસે રામરામ ન કર્યા. એની આંખોમાં આંસુડાં હતાં. એણે દુહો ગાયોઃ

જોગાહર, જાચણ તણી, ધાર્યું કાન ધર્યે,

કાઠી, કટક કર્યે, મૂળવા, ટીકર મારવે.

(હે જોગા ખાચરના પૌત્ર મૂળુ ખાચર, યાચકની - ચારણની - ચીસને કાને ધરજે. હે કાઠી, દળકટક લઇને ટીકર ગામને રોળી નાખજે! પછી જ રામ રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યા શૂરવીરની લાજે માથું ઢાંકું? હાય, હાય, મૂળુ ખાચર! પાંચાળમાં કોઇ સૂરજ-પૂતર નથી રહ્યો ત્યારે જ સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બે’ન-દીકરિયુંનાં થાન ઉપર નજર નાખે ને!)

“કેશવદાસ, તમે આ શું બોલો છો?”

“આપા મૂળુ ખાચર! ઝાઝી વાર નથી થઇ. હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા. મરતી મરતી એ તારું નામ લેતી ગઇ છે.”

કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળુ ખાચરની આંખોમાંથી ઊનાં ઊનાં આંસુ દડી પડ્યાં. એનું કલેજું સડસડયું. “અરે હાય હાય હાય! કાઠી લૂંટઝૂંટ કરે; કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ; કાઠીનાં પાપ તો પાર વગરનાં; પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે. આજ પાંચાળને પાદર કચ્છી રજપૂતોએ કાળો કામો કર્યો, અમારી દેવભોમ લાજી. સતી પાંચાળીનું આ પિયરિયું શરમાણું. પણ કેશવદાસ ગઢવી! આ લ્યો, ્‌આ કૉલ. ત્રણ દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળુ ખાચર સૂરજપૂતર નહોતો - તો એના માવતરમાં ફેર જાણજો!”

“બસ, આપા! તો હવે કસુંબા પીએં!”

કસુંબા લઇને મૂળુ ખાચર ગામતરે ન જતાં પાછા વળ્યા. પણ દેવને કરવું છે તે એ જ રાતતી આપાને માથાનો દુખાવો ઊપડ્યો. તાવ ચડ્યો. ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગોપરના દરવાજા દેખાયા. પણ જીવ કેમેય કરીને જાતો નથી.

દીકરાએ પિતાની પથારી ઉમર બેસીને પૂછ્યુંઃ “બાપુ! જીવ કેમ જાતો નથી? પાંચાળમાં સહુ ટોળો કરે છે કે મૂળુ ખાચર સતવાદી મૉતથી ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઇ?”

“બેટા!” મરતાં મરતાં બાપે દીકરાનો હાથ દાબીને કહ્યુંઃ “તારો બાપ મૉતથી ન ડરે; પણ મારા જીવતરનું એક કામ રહી ગયું; ટીકર મારવી હતી; પાંચાળીનાં થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરિયુંનાં રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયાં. હવે પાંચાળની દીકરિયુંનાં રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયાં. હવે પાંચાળીઓ પોતાની દૂધભરી ભાગીરથી જેવી છાતિયું ક્યાં સંતાડશે?”

દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યુંઃ “બાપુ! એમાં શી મીટી વાત છે? બાપનાં કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું તેરમું કરીને ચૌદમે જ દા’ડે ટીકર માથે મીઠાનાં હળ જોડાવું.”

“બસ, બાપ!”

“ત્યારે કરો સદ્‌ગતિ.”

મૂળુ ખાચરનો જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની ત્રણેય પરજોના કાઠીઓ ભેળા થયા. ડાયરાને જમાડી જુઠાડી તેરમાની સાંજે આપા મૂળુના પુત્રે સહુને ટીકરના રજપૂતોનું પાપ જાહેર કર્યું. તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા જ ટીકર ઉપર ચડવાનો ઠરાવ કર્યો.

મોડી રાતે સહુ સૂતા તે વખતે મૂળુ ખાચરના બુઢ્‌ઢા ચારણે છાનામાના ગઢમાં જઇને જુવાનને કહ્યુંઃ “બાપ, વાંસેથી જગત વાતું કરશે.”

“શી વાતું, દેવ?”

“કે બાપને વચન આપતી વખતે તો એકલો જશ ખાટી ગયો, અને અંતે બાયલો ત્રણ પરજુંની મદદ લઇને ગયો!”

“દેવ, તમારાં વેણ એક લાખ રૂપિયાનાં.” પ્રભાતે ઊઠીને એણે મહેમાનોને કહ્યુંઃ “હમણાં તો સહુ પધારો; પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું.”

ત્રણેય પરજ વીંખાઇ ગઇ. દીકરો એકલો પોતાનાં જ ઘોડાં લઇને ચડ્યો. ટીકર ભાંગ્યું, અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું.