Rasodama upyogi tips in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | રસોડામાં ઉપયોગી ટિપ્સ

Featured Books
Categories
Share

રસોડામાં ઉપયોગી ટિપ્સ

રસોડામાં ઉપયોગી ટિપ્સ

મીતલ ઠક્કર

ભાગ-૩

* મુલાયમ ઇડલી બનાવવા ચોખા-દાળ વાટતી વખતે તેમાં થોડા પૌંઆ ભેળવી દેવા.

* બટાટાના કોફ્તા બનાવતી વખતે બટાકાના છૂંદામાં પનીર ભેળવવું અથવા બ્રેડની બે સ્લાઇસ લઇ તેની કિનારી દૂર કરી ભેળવવાથી કોફ્તા ક્રિસ્પી બને છે.

* ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમ બને છે.

* થેપલાનો લોટ વધ્યો હોય તો તેમાં થોડો ઘઉંનો અને ચણાનો લોટ ઉમેરી તેમજ જોઇતો મસાલો, સોડા તેમજ થોડું મોણ નાખી મૂઠિયા બનાવવા.

* કઠોળમાં વધુ પડતું પાણી પડી ગયું હોય તો થોડો ચણાનો લોટ લઇ તેમાં ભેળવી દેળાથી ઘટ્ટ થઇ જશે.

* વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં, કોથમીર, ચપટી લસણ (નાખવું હોય તો) ભેળવી ભજિયા બનાવવા. ભજિયામાં તેલનું મોણ નાખવું.

* ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે.

* ઘી બનાવા માટે મલાઇ ભેગી કરતા હો તેમાં બે-ત્રણ વખત એક-બે ચમચી દહીં ભેળવી દેવું. મલાઇને ફ્રિજરમાં રાખવાથી તેનો રંગ નહીં બદલાય કે દુર્ગંધ નહીં મારે. માખણ કાઢવું હોય તેની થોડી વાર પહેલાં ફ્રિઝરમાંથી બહાર કાઢવી. જેથી તાજી જ રહેશે.

* ઘી બનાવતી વખતે તેમા નાગરવેલના પાન નાખવાથી ઘીની સુવાસ સારી આવે છે.

* રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળાં પોચા બનશે.


* ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે.

* પુરીને કડક બનાવવા લોટમાં બ્રેડ નાખી લોટને ફરીથી મસળવો.

* મરચાં સમારવાથી હાથમાં થતી બળતરા દૂર કરવા અડધા લીંબુના રસમાં અડધી ચમચી મીઠું ભેળવી હાથ પર પાંચ મિનિટ ઘસીને ધોઇ નાખવું.

* ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે.

* ભેળ મિક્સમાં થોડું ચવાણું ભેળવવાથી ભેળ વધુ સ્વાદિષ્ટ લાગશે.

* ફરાળના બટાકાવડા બનાવવા જોઇતો મસાલો કરી શીંગોડાનો લોટમાં પાણી, મીઠું, મરચું નાખી વડા બોળી ઉતારવા.


* ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય એ વાસણની ઉપર પાઉંનો એક ટૂકડો મૂકી વાસણને ઢાંકી દો. ભાત પીરસતા પહેલા આ ટૂકડો કાઢી નાખો. બળેલા ભાતની વાસ પાઉંનો આ ટૂકડો શોષી લેશે.

* લીંબુને બરાબર ધોઇ એક મોટા વાસણમાં રાખી તેના પર ગરમ ગરમ પાણી રેડી દઇ ઠંડુ પડે પછી તેને સ્વચ્છ કપડાથી લુછી તેના ચાર કટકા કરવા. અથવા તો નાના-નાના પૈતા કરવા. તેમાં થોડી સાકર ભેળવી એમ જ રહેવા દેવું. આ રીતે લીંબુનો રસ તૈયાર થશે. આ રસનો ઉપયોગ જામ, જેલી, સલાડ પર નાખવા માટે તેમજ કોથમીર કે પછી ફુદીનાની ચટણીમાં કરવો સ્વાદિષ્ટ લાગશે.

* ઇડલીને આથો આપતા પહેલા તેમાં બે ચમચી તલનું તેલ નાખવું.

* ટામેટાનો સ્વાદ બકરાર રાખવા રેફ્રિજરેટરની બદલે બહારના તાપમાનમાં રાખવા.

* શાકને સમારીને રેફ્રિજરેટરમાં રાખવા નહીં. શાકમાં સમાયેલા પોષક તત્વોનું પ્રમાણ નહીંવત થઇ જાય છે. તેથી રાંધવાના થોડા સમય પહેલાં જ શાક સમારવું. જોકે ફ્રોઝન શાક તાજા શાક જેટલું જ પોષણ તત્વો ધરાવતા હોય છે. સમારેલા શાક કરતાં ફ્રોઝન શાકનો ઉપયોગ વધુ ઊચિત છે.

* રેફ્રિજરેટરને અઠવાડિયામાં એક વાર સાફ કરવું તેમજ તે માટે પ્રવાહી મેડિકેડેટ ડિટરજન્ટનો ઉપયોગ કરવો. જેથી ફંગસ અને બેકટેરિયા ઉત્પન્ન નહીં થાય.

* લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે.

* હિંગની સોડમ કઢીમાં સારી આવે તે માટે પીરસતાં પહેલાં જ ઉમેરો.

* ઘરમાં બનાવેલા આઈસક્રીમમાં બરફના કણ ઓછા જામે એ માટે આઈસ્ક્રીમ કન્ટેનર મોટા કપડાં કે એલ્યુમિનિયમ ફોઈલ ઢાંકીને ફ્રીઝમાં રાખો.

* આદુ-મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુ-મરચાં કાળા નથી પડતા તેમજ જલદી બગડતા નથી.

* વાસણ ધોવાના સ્ક્રબને સાફ રાખવા. આગલા દિવસનું સાબુનું પાણી વાસણ ધોવાના ઉપયોગમાં લેવું નહીં તેનાથી બેકટેરિયા ઉદભવે છે અને પેટની તકલીફ થવાની શક્યતા રહે છે.

* રંગીન પોલિથિનમાં પેક કરેલા ફળ તથા શાક ખરીદવા નહીં તેમજ રેફ્રિજરેટરમાં પણ ન રાખવા. આમ કરવાથી થેલીમાં બગડેલા હશે તો તેની ખબર નહીં પડે તેમજ રંગીન થેલીમાં રાખવાથી પ્રદૂષિત પણ થઇ જાય છે.

* મગને ફણગાવવા માટે ૬-૭ કલાક પલાળી રાખી ચારણી જેવા વાસણમાં નિતારી થાળી ઢાંકી દેવી. સરસ ફણગા ફૂટી જશે.

* મેથીને સાફ કરી ધોઇને સુકવવી પછી મિકસરમાં વાટી તેનો ભુક્કો કરી ગ્રેવીવાળા શાકમાં કે દાળફ્રાયમાં થોડી ઉમેરવાથી સ્વાદિષ્ટ થાય છે.

* બટાકાની ચીપ્સને ક્રીસ્પી બનાવવી હોય તો તેને એક કલાક સુધી ઠંડા પાણીમાં રાખો. એ પછી પાણી કાઢીને તેને કપડાંથી સૂકી કરીને તળવી.

* ઇડલી-સંભારના સંભારમાં કોળું નાખવાથી સંભાર સ્વાદિષ્ટ થશે.

* શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.

* વટાણા બાફતી વખતે તેમાં થોડી સાકર ઉમેરવાથી વટાણા સંકોચાઇ નહીં જાય તેમજ રંગ જળવાઇ રહેશે.

* ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.

* બટાકાવડા સ્વાદિષ્ટ બનાવવા તેને બનાવતી વખતે બાફેલા બટાકાને ઝીણા-ઝીણા સમારી તેલમાં રાઇ, અડદની દાળ, ઝીણા-ઝીણા સમારેલા મરચા, લીમડો, લસણ નાખવું હોય તો તે પણ નાખી બટાકા વઘારી દેવા. બટાકાને હલાવતી વખતે શક્ય હોય તેટલા છુંદવા અને પછી જોઇતો મસાલો કરવો. આ મિશ્રણમાં ઝીણી સમારેલી કોથમીર વધુ પ્રમાણમાં નાખવા.

* રસોઇ બનાવતા પહેલા અને પછી ચૂલાને સ્વચ્છ કરવાની આદત રાખો. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.

* બટાટાના પરાંઠા બનાવતી વખતે બટાટાના માવામાં થોડી કસૂરી મેથી નાખો તો એનાથી પરાંઠાનો સ્વાદ વધી જાય છે.

* ડોસા બનાવતી વખતે તેના મિશ્રણમાં એક ચમચી રવો નાખીને મિક્સ કરી લો. તેથી તવા પર ચોંટશે નહી.

* કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી ભેળવવાથી કેક હળવી ફૂલ થશે.

* સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે પેપર પર થોડી વાર પાથરી રાખવાથી સાબુદાણા કોરા થઇ જશે. બાદમાં બટાકા તથા સીંગદાણાના ભૂક્કા સાથે ભેળવી જોઇતો મસાલો કરી વઘારવી. આ ખીચડી લોચા જેવી ન થતાં છૂટી થશે.

* ચપ્પા પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને અખબારના કાગળથી લૂછી નાખવું.

* પાંદડાવાળી ભાજી રાંધતા પહેલા મીઠાના પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.

* કટાયેલી છરી પર કાંદો રગડવાથી કાટ દૂર થાય છે.

* કટલેસ બનાવતી વખતે બટાકાના છૂંદામાં ભેળવવા કોર્નફ્લોર ન હોય તો બ્રેડની સ્લાઈસનો ભૂક્કો કરીને નાખવું.

* ચણા પલાળવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણીમાં નાખી તેમાં થોડો સોડા નાખવાથી તેમજ કાચા પપૈયાના ટુકડા નાખવા.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવું અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.

* ટીક્કી બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ તેમજ બ્રેડને મસળીને તેમાં સ્વાદનુસાર મસાલો નાખી તેની ટીક્કી બનાવી. તેને તેલમાં બોળી શેકવાથી ટીક્કીને ક્રીસ્પી બનાવી શકાય છે.

* છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે.

*****