આંસુડે ચીતર્યા ગગન
(18)
મેં પૂછ્યું – ‘બારણું કેમ નહોતું ખોલ્યું ?’
ત્યારે કહે – ‘મેં ઊંઘની ગોળી લીધી હતી. પરંતુ રૂમ સાફ કરતા ખબર પડી એશ ટ્રે સિગરેટથી ફૂલ હતી. એમને એમના જુઠ્ઠાણાંની ખબર પડી કે નહી ખબર નથી. પણ… કદાચ હું હવે એમના મનથી ઊતરી ગઈ છું. ’
‘કોઈ બીજી છોકરી એમના જીવનમાં હોઈ શકે ?’ – અર્ચનાએ અંદેશો રજૂ કર્યો.
‘ના, એવું લાગતું નથી. એવું હોય તો મારું અપમાન કરે, મને હડધૂત કરે… જેવું કંઈક તો કરે. પણ આ તો સંપૂર્ણ મૌન જ…’
‘આવું બધું અકસ્માત પછી જ થયું ને ?’
‘હા અને એ દિવસ પછી વહેલી સવારથી નીકળી જાય અને મોડી રાતે પાછા આવે. હું ઊંઘતી હોઉં તો જાતે ફ્રીઝમાંથી ખાવાનું લઈને જમીને સૂઈ જાય.’ તે દિવસે મેં રીતસરનો હુમલો કર્યો. એમનો મૌન પ્રતિકાર. મારી બાથમાંથી છૂટી, જેમ તેમ પોતાની જાતને સાચવતા બાથરૂમમાં પૂરાઈ ગયા. કેટલીય માફી માગી ત્યારે બહાર આવ્યા અને કહે – ‘બિંદુ શેષને નામશેષ ન કરવો હોય તો મને મારી રીતે રહેવા દે. અંશી અને તું બંને મારી જવાબદારીઓ છો. એ નિભાવવા નામશેષ થતો શેષ ઝઝૂમે છે.’
મેં પૂછ્યું ‘પણ મને કહો તો ખરા તમે કેમ આમ કરો છો ?’
તો કહે – ‘બિંદુ ! ભગવાનને મજાક સુઝે છે. એક બાજુથી આપે છે અને બીજી બાજુથી લઈ લે છે.’
મેં કહ્યું – ‘પણ શું લે છે તે તો કહો ?’
તો કહે – ‘આપણું દાંપત્યજીવન ખરાબે ચડ્યું છે.’
મેં કહ્યું – ‘સ્પષ્ટ કહો ને કે શું છે ?’
તો કહે – ‘સમય પાકશે ત્યારે બધું જ કહી દઈશ…’ મેં જીદ કરી – ‘ ના, કહો જ..’ તો કહે – ‘શેષ નામશેષ થઈ જાય તેવું તું ઝંખે છે ? હવે આ બાબતનો ઉલ્લેખ ન કરતી, તને અંશીના સોગંદ…’
મેં કહ્યું – ‘ભલે… પણ હવે બેડરૂમ બંધ ના કરતા… તમને પણ અંશીના સોગંદ… તે દિવસથી ઘરે રહે છે તો મહેમાનની જેમ… મહિનામાં બે દિવસ… ત્રણ દિવસ… વાતે વાતે ધર્મ કથા… દ્રષ્ટાંતો અને ક્યારેક હદથી વધી જાઉં તો મૌન…’
‘હું શું કરું અંશભાઈ ? અંશભાઈ હું શું કરું ?
ત્યાં ડોરબેલ વાગ્યો… શેષભાઈ આવ્યા… અર્ચના વિચાર કરતી હતી – આ અંશ ચશ્મા કાઢીને ક્યાંથી આવ્યો..?
***
બીજે દિવસે વહેલી સવારની ફ્લાઈટમાં શેષભાઈ જતા રહ્યાં. મને કે બિંદુને ચર્ચામાં ઉતરવાનો મોકો આપ્યા વિના…
અર્ચના ઊઠી ત્યારે તેને પણ વિસ્મય થયું. એને માટે શેષભાઈનું વર્તન અજુગતું તો છે જ બિંદુ માટેની હમદર્દીએ વધુ ચર્ચા છેડી. એમને અકસ્માત થયા તે દરમ્યાન ચેકઅપ કરાવેલ… દવાના પ્રિસ્ક્રિપ્શન વગેરે ચેક કર્યા. એક્ચ્યુઅલ ઈન્જરી અને નજરે દેખાતા રોગમાં કોઈ મેળ પડતો જ નહોતો.
અંશી ઊઠી ત્યારથી રડ રડ કરતી હતી. બિંદુએ ખીજવાઈને ધોલધપાટ કરી ત્યારે અર્ચનાને જોઇતું ચિહ્ન મળી ગયું… બિંદુ ન્યુરોટીક પેશન્ટ બનવા જતી હતી. જ્યારે ચારે બાજુ ઝઝૂમી ઝઝૂમીને થાકે ત્યારે પોતાના બાળક ઉપર ગુસ્સો ઊતરે એ હતાશાની નિશાની જ હતી.
અંશીને લઈ હું બહાર ગયો… ત્યારે બિંદુનું રડમસ મોં એના પર વીતતી દુ:ખની કથનીના વાદળોથી સભર હતું. જ્યારે પાછો ફર્યો ત્યારે એ વાદળો અશ્રુરૂપે વરસી ગયા હતા…. આકાશ સ્વચ્છ હતું… બિંદુના હાસ્યમાંથી ધરતીની ભીની ભીની સુગંધ આવતી હતી – અર્ચના સફળ ન્યુરોસર્જન થવાની હતી. તે બિંદુને રડાવીને મનની વાત જાણી શકી હતી.
અંશી મમ્મીને કાલી કાલી ભાષામાં કહેતી હતી. ‘મમ્મી, મમ્મી તાતાએ ચોતલેત ખવડાવી…’
‘પછી શું કર્યું બેટા ?’ મેં આગળ પૂછ્યું ‘પછી છે ને … છે ને… ફુગ્ગો અપાવ્યો…’ ‘હં… પછી?’ ‘પછી તેક્સીમાં દલીયા પલ ગયા ને ઘોડાગાડીમાં બેઠા….’ ‘શાબાશ !’ હું અંશીના રીપોર્ટ ઉપર મલકતી બિંદુને જોઈને ખુશ થતો હતો.
ત્યાં ફોન આવ્યો- ‘હેલો !’ મેં પૂછ્યું તો લાભશંકરકાકા હતા – અને કંઈ જરૂરત હોય તો તેમને જણાવવાનું કહેતા હતા.
‘પણ કાકા ! શેષભાઈને દિલ્હી શા માટે જવું પડ્યું ?’
‘આજે ગવર્નમેન્ટ ટેન્ડર છે તેથી. ’
‘એમનો કંઈ સંપર્ક થઈ શકે ખરો?’
‘હા , હમણાં જ ફોન હતો તે કોનોટ પ્લેસ પરથી હોટેલ ન્યુયોર્કમાં ગયા છે. નંબર આપું ?’
‘હા, અમારે થોડીક ચર્ચા કરવાની હતી. તે માટે અત્યારે સંપર્ક કરવો જરૂરી છે. ’
‘અંગત ચર્ચા છે?’
‘હા… મારા લગ્ન અંગેની !’
‘એક મીનીટ જરા ડાયરીમાં શોધીને કહું…
‘ભલે…’
‘૩૨૨૬૬૬ નંબર છે. અને ઓપરેટરને અશોક કંસ્ટ્રક્શનનો નંબર ખબર છે તેથી બૂક કરાવવાથી તરત મળી જશે. દસેક વાગ્યા પછી ઠેઠ સાંજે જ મળશે.’
‘એ સવારની ફ્લાઈટમાં ગયા છે – અત્યારે તો પહોંચી ગયા હશે ને ?’
‘ભલા આદમી ! હમણાં ફોન ઉપર તો વાત કરી મેં…’
‘ઓહ… સોરી…. સોરી….’
ફોન ડીસ્કનેક્ટ કરી ઓપરેટરને દિલ્હીનો નંબર આપ્યો… તરત જ કોલ લાગી ગયો. સામા છેડે શેષભાઈ જ હતા….
‘હલો અંશ ! તારો ફોન આવશે જ … એવું ધારતો હતો…’
‘પણ શેષભાઈ આ રીતે મૂકીને જતા રહો તે ઠીક તો ન કહેવાય હં !’
‘તું નહીં જાણતો હોય અંશ કે આજે ગવર્નમેન્ટ ટેન્ડર છે.‘
‘હશે પણ તેથી શું ફેર પડે ?’
‘જો રાત્રે તમારા ત્રણેના ચહેરા હું વાંચી શક્યો હતો. વાત શરુ કરી હોત તો બોંબ જ ફૂટત.’
‘હં ! પણ એમ બોંબથી ડરીને ક્યાં સુધી ચાલશો ?’
‘ડરતો નથી. એને દુ:ખી નથી કરવી તેથી એને અજ્ઞાન રાખું છું.’
‘શું વાત છે એ તો કહો?’
‘તું જીરવી શકીશ કે નહીં તે તો ખબર નથી… પણ તને કહ્યા વિના છૂટકો પણ નથી. વળી અર્ચનાની હાજરીમાં થોડોક ખચકાયો.’
‘હં ! શું છે તે તો કહો.’
તે દિવસે ખંડાલા જતા બ્રેક ફેઇલ થઈ અને જે અકસ્માત થયો તેની માઠી અસરમાં ધીમે ધીમે શરીરમાં હોર્મોનલ એક્ટીવીટી બંધ થવાથી I have lost my potency… and she is mad after a male issue ‘’
‘હં પણ એ બહુ મોટી સમસ્યા નથી. એ તો ફરી શરૂ થઈ શકે છે. હોર્મોન્સમાં સક્રિયતા આવી શકે છે.’
‘પરંતુ એ આવે ત્યાં સુધીની ધીરજ એનામાં રહી નથી. And truly speaking I have lost my hopes too… ’
‘પણ આ ચર્ચા બિંદુભાભી સાથે થઈ શકે…’
‘ I have tried… but failed… ’
‘Should I try ?’
‘Do it , but take care… અને એ મારી એટલી બધી એડીક્ટ છે… કે કદાચ ન પણ સ્વીકારે.’
‘તમે લોકો રોકાવાના છો ને?’
‘હા તમે આવશો ત્યાં સુધી તો ખરા જ …’
‘એક કામ કરજે…’
‘શું ?’
‘બે પાંચ દિવસ પછી અનુકુળતાએ અમદાવાદ નીકળી જાઓ. હું અમદાવાદ આવી રહીશ. ’
‘અચ્છા બીજી વાત… આ વખતે અમારા મેરેજની ચર્ચા કરવાની છે. તારીખ નક્કી કરવાની છે.’
‘ભલે ભલે બધું ત્યારે નિરાંતે કરીશું. ’
‘બિંદુને આપું ?’
‘હા આપ..’
‘હેલ્લો !’
‘……….’
‘ઉ હા…’
‘…………’
‘ના’
‘………..’
‘ભલે.’
બિંદુએ ફોન મુકી દીધો. અર્ચનાએ પૂછ્યું… ‘એઈ શું વાત કરી ?’
‘બે પાંચ દિવસ પછી અંશ સાથે જઈશ ને ?’ એટલે મેં હા પાડી. પછી કહે હું નીકળી ગયો તે ના ગમ્યું? તો મેં ના પાડી. પછી કહે અંશીને સાચવજે એટલે મેં ભલે કહ્યું… બિંદુ ચીડાતી હતી. અર્ચના હસતી હતી….
‘પણ અંશભાઈ તમે કહેતા હતા ને કે બિંદુભાભી સાથે ચર્ચા થઈ શકે – Should I try !’
‘અમદાવાદ તમે આવશો કે નહીં તે દિશામાં ચર્ચા થઈ શકે તો તેમનું કહેવું હતું – પણ એ માનશે નહીં – એટલે મેં કહ્યું Should I try? તો ના કહી અને કહ્યું હું કહી દઈશ.’ અર્ચનાએ નોંધ્યુ કે એને હજી કંઈક ખટકે છે. તેથી તે ચર્ચા કરીને શોધવા ઝંખે છે…
***
રસોઈ કરતા કરતા અર્ચનાએ બિંદુને માનસિક સારવાર આપવા માંડી હતી.
‘બિંદુભાભી – શેષભાઈ આમ અચાનક જતા રહ્યા તે મને ગમ્યું નહીં.’
‘ગમ્યું તો મને પણ નથી પણ બેન આપણે શું કરીએ ?’
‘વિરોધ કરવાનું ચાલુ રાખવાનું….’
‘તરત જ કહી દેશે – શેષને નામશેષ થતો રોકવો છે ?’
‘પણ એવી વાત ક્યાં સુધી ચાલશે ?’
‘મને તો ડર લાગે છે… હું કંઈક વધુ દબાણ કરીશ તો એ એમની જાતને કંઈક કરી બેસશે.’
‘પણ ભાભી જાણો તો ખરા, એવું તે શું છે કે એમને સતત ભય લાગ્યા કરે છે?