ઓમે અસ્મિતાને પિયરમાં જવા કહ્યું. અસ્મિતાને પણ યોગ્ય લાગ્યું. પણ પેલી પ્રતિકા વાળી વાતો તેના મગજમાંથી ખસતી નહોતી. છેવટે તેણે અમદાવાદ એક અઠવાડિયું જઈ આવવાનું નક્કી કર્યું. પ્રકાશભાઈ પણ જયપુર ગયા હતા તો મમ્મીને ય ગમશે. ઓમ અસ્મિતાને સ્ટેશન મુકવા ગયો. અસ્મિતાનું મન કોણ જાણે કેમ ગભરાતું હતું. જાણે તેને જવું ના જોઈએ છતા જઈ રહી છે એવું લાગતું હતું. ટ્રેન સ્ટેશન પર આવી ગઈ હતી પણ અડધો કલાક રહી ઉપડવાની હતી. અસ્મિતા ઓમને ભેટી. અસ્મિતાનું મન ગભરાતું હતું. ઓમે અસ્મિતાને અલગ કરી કહ્યું,"અસ્મિતા તું તો એવું કરી રહી છે જાણે આપણે ફરી સાથે રહેવાના જ ના હોય! ખબર નઈ ઓમ પણ મારું મન બહુ બેચેન છે! અસ્મિતા ફરી ઓમને ભેટી પડી."ચીલ અસ્મિતા..કઈ નહીં થાય બસ એક અઠવાડિયાની તો વાત છે તું પાછીય આવી જઈશ.. જા ટ્રેનમાં ચઢી જા.." કોણ જાણે કેમ પણ અસ્મિતાના પગ ઉપડતા જ નહોતા પણ છતા હિંમત કરીને આગળ વધી. થોડે ગયા પછી પાછળ ફરી તો ઓમ બાય કરી રહ્યો હતો. અસ્મિતા પણ 'ગુડબાય' કહી ટ્રેનમાં ચઢી ગઈ. ટ્રેન ઉપડી તોય અસ્મિતા ઓમને બારીમાંથી જોઈ રહી હતી. ઓમે સ્માઇલ આપી અને જવા લાગ્યો.. બીજી બાજુ અસ્મિતાના જવાથી પ્રતિકા રંગમાં આવી હતી. એણે અસ્મિતાને બસમાં કોલ કર્યો હતો. થોડી વાતચીત ના અંતે ફોન મુકતા પ્રતિકા બોલી અસ્મિતા તારે ઓમની ચિંતા કરવાની જરાય જરૂર નથી.. હું અહી જ છું ઓકે.. અને ફોન મૂકી દીધો.
પ્રતિકા ઓમની કેબિનમાં આવી અને ઓમને ટીફીન આપવા લાગી પણ ઓમે ના પાડી તો કહ્યું કે અસ્મિતા મેડમે જ કહ્યું છે. અસ્મિતાની વાત સાંભળો ઓમ કઈ બોલ્યો નહીં અને લઈ લીધું. પછી પ્રતિકાએ અસ્મિતાને મેસેજ કરી દીધો કે એણે ઓમની ચિંતા કરવાની કઈ જ જરૂર નથી... અસ્મિતાને થયું ખરેખર પ્રતિકાને એટલી ચિંતા હશે ઓમની! કેમ કે અસ્મિતાએ તો એને કીધું જ નહોતું. મને પણ ઓમની ચિંતા હતી પહેલા હું પણ ઘરેથી એમનું ટીફીન લાવતી હતી પણ અમે તો સારા મિત્રો હતા અને પ્રતિકા તો..? એટલામાં જ અમદાવાદ આવ્યું. અસ્મિતા તો બેગ લઈ ઉતરી. આકાશ બસ પાસે જ આવી ગયો હતો એણે બેગ લઈ લીધી. બંને પછી ઘેર ગયા. "કેટલા દિવસે આવી બેટા!" નિર્મિતા બહેન તો અસ્મિતાને જોઈ જ હરખાઈ ગયા. એને ભેટી જ પડ્યા. "હવે, એકાદ મહિનો રહીને જ જજે.."આકાશે કહ્યું" ના હવે, તારા જીજુ ત્યાં એકલા છે અને એમને કેટલી તકલીફ પડે! એતો હમણાં બેચેની છે અને તબિયત સારી નથી એટલે આવી છું.. "પછી સૌએ પેટ ભરીને વાતો કરી..
આદર્શ અને પ્રતિકા અસ્મિતાની ગેરહાજરીમાં પોતાના પ્લાનને અંજામ આપવાના હતા. જોકે એનો અંત તો અસ્મિતાના આગમનથી જ થવાનો હતો. ઓમ અને અસ્મિતા બંનેને એકબીજા વગર ગમતું નહોતું. વળી પાછી અસ્મિતાને પ્રતિકાની વાતો યાદ આવી જતી પણ એ મારે ઓમ પર વિશ્વાસ રાખવો જોઈએ એ એવા નથી.. પણ પ્રતિકાની ઘટનાઓને સાવ નજરઅંદાજ કરવી પણ શક્ય નહોતી.. ઓમ રોજ રાતે અસ્મિતાને છેલ્લો એક ફોન તો કરતો જ અને સવારે ઊઠીને પણ પહેલો ફોન એને જ કરતો. હવે અસ્મિતાની તબિયત સુધરી હતી. હવે તેને ઘરે પાછા જવું હતું. તેણે મમ્મીને વાત કરી. "પણ બેટા તું તો બે દિવસ પછી જવાની છેને! હમણાં કેમ જાય છે?" "પણ મમ્મી હવે મને સારું છે અને ઓમ પણ મને બહુ યાદ કરે છે.. એટલે કાલે જતી રહીશ.. "અસ્મિતાએ કહ્યું. " ભલે બેટા, જેવું તને ગમે." અસ્મિતાએ ટિકિટ કરાવાના બહું ટ્રાય કર્યાં પણ વેઇટિંગ જ આવતું હતું. ઓમને પણ કહેવાય એમ નહોતું કેમકે એની માટે પણ સરપ્રાઇઝ હતી. એટલે એણે આદર્શને કહેવાનું વિચાર્યું. કેમ કે આદર્શની એના ક્લાયન્ટ સાથે ઓળખાણ હતી. અસ્મિતાએ આદર્શને કહી દીધું અને ઓમને ના કહેવા જણાવ્યુ.. આદર્શે પણ પોતાના ક્લાયન્ટ પાસે કરાવીને ટિકિટનો મેસેજ અસ્મિતાને મોકલી દીધો. પણ પછી એણે તરત પ્રતિકાને કોલ કર્યો, "હાલો પ્રતિકા એક પ્રોબ્લેમ થઈ ગયો છે અસ્મિતા પરમ દિવસે નહીં પણ કાલે જ આવી રહી છે એટલે આપણે કાલે જ પ્લાનને અમલમાં મૂકવો પડશે!!" "ઓકે ઓકે પણ અસ્મિતા કેટલા વાગે આવવાની છે?" પ્રતિકાએ પૂછયું. " સાંજે છ વાગે બેસશે તો રાતે દસ જેવી તો આવી જશે" આદર્શે કહ્યું.. "પરફેક્ટ ટાઈમિંગ" પ્રતિકાએ હરખાઈને કહ્યું. બીજા દિવસે અસ્મિતા ઓમને સરપ્રાઇઝ આપવા અતિઉત્સાહિત હતી એણે જાણી જોઈને ઓમ જોડે સવારથી વાત નહોતી કરી. ઓમને એમ જ હતું કે તે કાલે આવશે. સાંજે આકાશ અસ્મિતાને મૂકી આવ્યો એટલે અસ્મિતા રસ્તામાં જ હતી.. ઓફિસ પતાવીને ઓમ ઘર તરફ રવાના થયો. ઘર પાસે પહોંચી જેવો ઓમ ગાડીમાંથી ઉતર્યો અને પાછળથી કોઈએ એના મોઢા પર રૂમાલ દબાવીને મૂકી દીધો! અને ઓમ ભાનમાં ના રહ્યો. એ બેહોશ થઈ ગયો. એને કોઈ ઢસડીને ઘરમાં લઈ ગયું. અસ્મિતા રસ્તામાં ખૂબ ઉત્સાહમાં હતી.. છેવટે એ સ્ટેશન પહોંચી પણ એણે ઓમને કોલ ના કર્યો. સીધી ઘરે પહોંચી.. ઘર અંદરથી લોક હતું. અસ્મિતા પાસે ચાવી હતી એટલે એણે ઘર ખોલ્યું. દસ સવા દસ થયા હતા એટલે સ્વાભાવિક રીતે ઓમ સુઈ જ ગયા હશે એમ વિચારી અસ્મિતા અંદર બેડરૂમમા ગઈ અને બોલી, "સરપ્રાઇઝ!!" પણ બેડરૂમમા જઈને અસ્મિતાની આંખો પહોળી થઈ ગઈ. બેડરૂમમાં પ્રતિકા ઓમને વળગીને સુતેલી હતી.!!
અસ્મિતા એ દ્રશ્ય જોઈને ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. એણે પ્રતિકાની હાલત (વસ્ત્રો) ની પરવાહ કર્યાં વગર એણે બેડરૂમમાંથી ખેંચીને બહાર કાઢી & કાંઈ પણ વિચાર્યા વગર સૌથી પહેલાં તો 3-4 તમાચા મારી દીધા. પ્રતિકા ને ઓમ જોઈતો હતો એટલે આ બધુ પણ મંજૂર હતું. એ જાણી જોઈને કઈ જ ન બોલી. આદર્શે તો પ્લાન મુજબ બરાબર કામ કર્યું હતું હવે પ્રતિકાનો વારો હતો.
"અસ્મિતા એક્ચુલી એવું કાંઈ નથી " " તો મેં જોયું એ ખોટું? "અસ્મિતાની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ વર્તાઈ આવતો હતો." આ બધું શરૂ ક્યારથી થયું? "પ્રતિકાએ હવે અસલી રંગ બતાવ્યો" એ કોલેજ કાળ ની વાત છે " 'બોલો કોલેજ કાળ થી જ રંગરલિયા ચાલે છે!' અસ્મિતા મનમાં બબડી. અસ્મિતા પોતે ઓમને સરપ્રાઇઝ આપવા સુરત આવી હતી અને એને જ એક પછી એક સરપ્રાઇઝના રૂપે ઝટકા મળતા હતા." એક મિનિટ જો તમે બંને એકબીજાને કોલેજકાળથી ઓળખો છો તો ઓમે આજ સુધી ઉલ્લેખ કેમ ના કર્યો? "પ્રતિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ કે આટઆટલું જોયા પછી પણ આનું દિમાગ કેટલું દોડે છે! એણે શું જવાબ આપવો સમજ ન પડી. અચાનક એણે યાદ આવતા કહ્યું" તે શૈલેષની વાત કેવી છુપાવી હતી ઓમથી એ રીતે ઓમે તને આ વાત નઈ કરી હોય! " " ઓકે પછી શું થયું " " MBA કોલેજમાં અમારી ફ્રેશર્સ પાર્ટી હતી ત્યારે ફરજિયાત દરેકે પાર્ટનર બનાવીને ડાન્સ કરવાનો હતો તો ઓમે મને પસંદ કરી મારે પણ કોઈની સાથે તો ડાન્સ કરવાનો જ હતો એટલે મેં ના ન પાડી.પ્રતિકાએ વાત સાવ ઉપજાવી કાઢી. "પછી તો મારી અને ઓમ વચ્ચે દોસ્તી વધતી ગઈ અમે રોજ ક્યાકને ક્યાક મળતા ક્યારેક ગાર્ડનમાં તો ક્યારેક લાઇબ્રેરીમાં મળતા ધીરે ધીરે હું અને ઓમ નજીક આવતા ગયા." અસ્મિતાને પ્રતિકાનો એક એક શબ્દ અત્યારે 70 મણનો લાગી રહ્યો હતો પણ એ સચ્ચાઈ જાણવા માંગતી હતી એટલે ચૂપ હતી અને બધું શાંતિથી સાંભળી રહી હતી. "પછી હું ઓમના જૂહુના ભાડે વાળા ઘરે કોઈ કોઈ વાર જતી અકાઉન્ટ કોસ્ટ વગેરે શીખવા અને કોઈ વાર હું પણ ઓમને શીખવાડતી મારી અને ઓમની મુલાકાત વધવા માંડી. અમે એકવાર ડિનર પાર્ટીમાં ગયા ત્યારે ખબર પડી કે ઓમને ચીઝ બહું ભાવે છે... હસતાં હસતાં 4 સેમેસ્ટર ક્યારે પતી ગયા ખબર જ ના પડી અને ડિગ્રી મળી એ દિવસે અમે ક્લાસ પાર્ટી રાખી હતી. ત્યારે મેં અને ઓમે બિયર પીધું હતું. "આ સાંભળતા અસ્મિતાને ધક્કો લાગ્યો કે ઓમે બિયર પણ પીધું છે "પછી?" "પછી અમે બંને ભાન ભૂલી ગયા અને..." પ્રતિકા એ જાણી જોઈને વાક્ય અધૂરું છોડી દીધું. અસ્મિતાનો પિત્તો ગયો "નીકળ અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળ." અત્યંત રાતિચોળ થઈ અસ્મિતાએ કીધું. "પણ હવે એવું કાંઈ નથી." "મારે કાંઈ નથી સાંભળવુ નીકળ" "અરે એકવાર તો મારી વાત સાંભળ." "હવે મારે સાંભળવાનું બાકી જ શું રહ્યું છે" અસ્મિતાનો ગુસ્સો વધતો જતો હતો. પ્રતિકાને હવે નીકળી જવું યોગ્ય લાગતા એ પોતાના કપડા વ્યવસ્થિત કરી ત્યાથી નીકળી ગઈ. "
અસ્મિતાના મગજમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એણી બેડરૂમમાં પગ મુકવાની પણ હિંમત નહોતી ચાલતી. કાશ એણે એકવાર બેડરૂમમાં જોયું હોત કે ઓમ બેહોશ છે તો આવું ન થાત પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ!!
અસ્મિતા રાત્રે જ ઘરે જવા માંગતી હતી પણ 11 વાગ્યે કઈ ટ્રેન મળતી? એણે બધું યાદ આવવા માંડ્યું કાંઈ રીતે ઓમ અને અસ્મિતાની પહેલી મુલાકાત થઈ.. એ બંનેનું અથડાવું મિ. અડૂકિયાનો ભાંડો ફૂટવો... એ બંનેની મૈત્રી થવી અસ્મિતા રોજ ટીફીન લઈને આવતી એકવાર કેવી રીતે ટિફિન ઢોળાઈ ગયું હતું અને એને ઉપવાસનું બહાનું ધરી દીધું હતું! હજુ અસ્મિતા વિચારે ત્યાં જ જૂનનો પહેલો વરસાદ તૂટી પડયો... અસ્મિતા ફરી વિચારોમાં ડૂબી ગઈ. અસ્મિતાએ કેવી રીતે એકરાર કરાવ્યો એ મકાઈ ખાવું આટલું યાદ કરતા તો અસ્મિતાની આંખ માંથી આંસુ સરી પડ્યા... પછી એણે જાતે જ આંસુ લૂછ્યા અને ફિક્કું હસી કે હવે આ વિષય પર વિચારવાનો કોઈ અર્થ જ નથી અને એને પ્રતિકા સાથેની ઘટના પણ યાદ આવવા માંડી. રેડ વેલ્વેટ કેક, પર્પલ શર્ટ, ચીસ વગેરે વગેરે... આખરે અસ્મિતા ગુસ્સે થઈ ગઈ આખી રાત એ સૂઈ જ ન શકી અને ખુરશી પર બેસી રહી.
એવું તો શું થયું હશે કે ઓમે કદી ભૂતકાળ ન કીધો અને મારી હાજરી હોવા છતાં આટલું નિકટ આવવું અને આજે તો સહશયન એક વખત પણ એમને મારો વિચાર ન આવ્યો? હવે હું પણ બતાવી દઉં અસ્મિતા કોણ છે...
આવા અઢળક વિચારોના વિશ્વયુદ્ધમાં ખોવાયેલી અસ્મિતા સવારે પહેલી ટ્રેન પકડીને અમદાવાદ જવાનું નક્કી કરે છે જેથી એને ઓમનો સામનો ન કરવો પડે.
સવારે ઘડિયાળમાં 3:30 વાગ્યા હોવાથી એ એક કાગળ ફાડે છે પેન લઈને પત્ર લખવા માંડે છે અને એણે બહું ભારે હૃદયે પત્ર લખ્યો લખતા લખતા ભીનો થઈ ગયેલ કાગળ જ ભૂલી અસ્મિતાનો વલોપાત દર્શાવતું હતું. એણે પત્ર પર વીંટી અને મંગળસૂત્ર મૂક્યું અને દરવાજો બંધ કરી, ફરી એ જ બેગ લઈને નીકળી માત્ર ૬ કલાકના ગાળામાં ઓમ અને અસ્મિતાનું લગભગ ૬ મહિનાનું લગ્ન જીવન ભંગાણને આરે આવીને ઊભું રહી ગયું.
આદર્શ અને પ્રતિકાનુ તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. અસ્મિતા મનથી ભાંગી પડી હતી. બહાર વરસાદ પૂરજોશમાં હતો, અંદર ઓમ બેહોશ હતો અને બહાર અસ્મિતા ચાલી નીકળી. લગભગ રાતના સાડા ત્રણ - ચાર જેવું થયું હતું અસ્મિતા પલળી રહી હતી પણ એને ચિંતા નહોતી. આટલું બધું પહેલા પણ થયું પણ તેણે ઓમને એક અક્ષર પણ નહોતો પૂછ્યો કારણ કે તેને ઓમ પર પૂરો ભરોસો હતો પણ આજે જે જોયું તેને અસ્મિતા યોગાનુયોગનું નામ આપીને ના તો પોતાના મનને મનાવી શકતી હતી અને ના તો નજર અંદાજ કરી શકે તેમ હતી.
રસ્તો વરસાદથી ભીંજાતો હતો પણ અસ્મિતાના મુખ પરથી પસાર થઈને વરસાદ દીધી વધુ ખારો બનતો હતો. અસ્મિતા બેધ્યાન બની ચાલી રહી હતી જાણે તેનું ખાલી શરીર જ છે મન તો કશે બીજે જ છે. અચાનક એક ટ્રક સામેથી આવતી હતી ટ્રક ચાલકે ઘણાં હોર્ન માર્યા પણ અસ્મિતા સાંભળી રહી ન હતી. અસ્મિતા અને ટ્રક ડ્રાઇવર બંને પુરા ભાનમાં નહોતા. ટ્રક ખાસ્સી નજીક આવી ગઈ હતી છતાં અસ્મિતા ખસી રહી નહોતી. અચાનક એક વ્યક્તિ આવ્યો અને અસ્મિતાને ઝડપથી ખસેડી રસ્તાની બીજી બાજુ લઈ ગઈ. અસ્મિતા અચાનક ડઘાઈ ગઈ અને ભાનમાં આવી. હ.. હ.. આ શું હતું ?"તમે રસ્તા પર જઈ રહ્યા હતા અને ટ્રક.. " અસ્મિતાને એ વ્યક્તિ ક્યાક જોયેલી લાગી પણ એને બહુ વિચાર્યા વગર થેન્ક યૂ કહી નીકળી ગઈ અને ફરી ચાલવા લાગી.
જેમ તેમ કરીને અથડાતા કુટાતા અસ્મિતા બેગ સાથે સ્ટેશન પહોંચી. આ બાજુ ઓમ ધીરે ધીરે હોશમાં આવી રહ્યો હતો. ટ્રેન આવવાને ૧૫ મિનિટ વાર હતી. સવારની સાડા ચારની ટ્રેન લગભગ ખાલી જ હોય માત્ર વહેલી સવારના નોકરિયાત જ તેમાં હોય.હજુ પણ તેનું મન શાંત નહોતું થયું તેના ડૂસકા ચાલુ જ હતા. અચાનક ટ્રેનનો અવાજ સંભળાતા અસ્મિતા નિર્જીવની જેમ ટ્રેનમાં બેસી ગઈ. ઓમ ધીરે ધીરે હોશમાં આવી રહ્યો હતો તેના મનમાં એમકે આજે અસ્મિતા આવવાની છે. અસ્મિતા રસ્તામાં હતી. લગભગ છ-એક વાગ્યા હશે. ઓમ કાલે રાત્રે અચાનક શું બન્યું તે યાદ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે કાલે રાત્રે કાંઈ ખાધું પણ નહોતું. એટલે તેને ખૂબ ભૂખ લાગી હતી. તેણે માત્ર તે ઘરે જવા ગાડીમાંથી ઉતર્યો તે જ યાદ હતું તેના પછી તેના જીવનમાં આવી ગયેલા તોફાનની એણે ભનક સુદ્ધાં નહોતી...
-અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ